Wednesday, September 10, 2014

સગર્ભા સ્ત્રીઓ જાણી લે સિઝેરિયનનાં ભયસ્થાનો --- સ્પોટ લાઈટ - સંજય વોરા

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=109955

આજથી પંદરેક વર્ષ અગાઉ મુંબઇની હોસ્પિટલોમાં કરવામાં આવતાં આડેધડ સિઝેરિયન ઓપરેશનોને કારણે તબીબી દુનિયામાં ભારે ઊહાપોહ પેદા થયો હતો ત્યારે મહારાષ્ટ્ર સરકારે શહેરના એક જાણીતા ગાયનેકોલોજિસ્ટના પ્રમુખપદે એક તપાસપંચની રચના કરી હતી. આ તપાસપંચે પોતાનો જે હેવાલ મહારાષ્ટ્ર સરકારને આપ્યો તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, ‘રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી હોસ્પિટલોમાં પેટ ચીરીને પ્રસૂતિ કરાવવાની ટકાવારી ફક્ત સાત ટકા છે, જેની સામે ખાનગી મેટરનિટી હોમમાં ૩૦થી ૩૫ ટકા પ્રસૂતિ સિઝેરિયન દ્વારા કરાવવામાં આવે છે.’ આ તપાસસમિતિ એવા સ્પષ્ટ તારણ ઉપર આવી હતી કે ખાનગી હોસ્પિટલોમાં માત્ર નફો રળવા માટે જ બિનજરૂરી રીતે સિઝેરિયન કરાવવાની ફરજ પાડવામાં આવે છે. આ હેવાલ સિઝેરિયન કરાવતી માતાઓની આંખો ઉઘાડનારો છે.

‘તમારું બાળક તમારે કૃત્રિમ કે અકુદરતી રીતે પેદા કરવું એ નિર્ણય લેવાનો તમને અધિકાર હશે, પરંતુ તમારા પોતાના બાળકના કુદરતી રીતે જન્મવાના જન્મસિદ્ધ અધિકારને તમે તેના જન્મ પહેલાં જ ઝૂંટવી લો છો એટલું જ નહીં, એની જન્મ પછીની સમગ્ર જિંદગી કૃત્રિમતાથી ખદબદતા મેડિકલશાસ્ત્રના હવાલે કરી દો છો.’ આ શબ્દો વડે ડોક્ટર મનુ જપીએ સિઝેરિયન દ્વારા કરાવવામાં આવતી પ્રસૂતિનાં ભયસ્થાનોનું વર્ણન કર્યું છે અને બિનજરૂરી સિઝેરિયન કરાવતા તબીબોનાં કાળાં કરતૂત ઉપર પ્રકાશ પાડ્યો છે. ‘સિઝેરિયનનું સિઝેરિયન’ નામના અદ્ભુત પુસ્તકની પ્રસ્તાવનામાં ડો. મનુ જપી લખે છે કે, ‘દરેકે દરેક જીવની માદાઓ સ્વયં પોતે જ બીજા કોઇની પણ મદદ વિના પોતાની પ્રસૂતિ પોતે જ કરી શકે એવી અદ્ભુત રચના કુદરતે કરેલી છે અને આ રચનામાં માનવ નામના જીવની માદા અપવાદ નથી, નથી ને નથી જ.’

આપણી સામાન્ય માન્યતા એવી છે કે રોમના સમ્રાટ જુલિયસ સીઝરનો જન્મ તેની માતાનું પેટ ચીરીને કરાવવામાં આવ્યો તે દુનિયાનું પહેલવહેલું સિઝેરિયન ઓપરેશન હતું. આ માન્યતાનું ખંડન કરતાં ડો. જપી કહે છે કે દુનિયાનું પહેલવહેલું સિઝેરિયન ઓપરેશન જેકબ ન્યુફર નામના એક કસાઇની છરી વડે કરવામાં આવ્યું હતું. આ કસાઇની પત્નીની સુવાવડ વખતે બાળકની ગર્ભનાળ તેના શરીર ફરતે વીંટળાઇ ગઇ હતી. જો બાળકને ખેંચીને બહાર કાઢવામાં આવે તો તેનો શ્ર્વાસ રૂંધાઇ જાય અને તે મરણ પામે તેવી હાલત હતી. માદા ડુક્કરોના શરીર ચીરવામાં ઉસ્તાદ આ કસાઇએ પોતાના એક હજામ મિત્રની મદદ લઇને પત્નીનું પેટ ચીર્યું અને તેમનાં બાળકને બચાવી લીધું. રોમન સમ્રાટ જુલિયસ સીઝરના રાજ્યમાં આ રીતે કરવામાં આવતી પ્રસૂતિ માટે ‘લેક્સ સીઝેર’ નામનો કાયદો ઘડવામાં આવ્યો. આ કાયદાને કારણે આ પ્રકારની પ્રસૂતિ સિઝેરિયન તરીકે ઓળખાવા લાગી. જોકે જુલિયસ સીઝરના રાજ્યમાં માતાનું અવસાન થયું હોય અને બાળકનો જીવ બચે તેવી કોઇ શક્યતા જ ન હોય તેવા કિસ્સામાં જ પેટ ચીરવાની પરવાનગી આપવામાં આવતી હતી.

આજે કેટલીક ભણેલીગણેલી સ્ત્રીઓ પોતે આધુનિક છે તેવું પુરવાર કરવા માટે પણ સિઝેરિયન કરાવવાનો આગ્રહ રાખે છે. કેટલીક સ્ત્રીઓને પ્રસૂતિની પીડાનો ડર હોય છે તો કેટલીક સ્ત્રીઓ યોનિમાર્ગ શિથિલ થઇ જવાના ખોટા ભયથી પણ સિઝેરિયન કરાવવા તૈયાર થઇ જાય છે. આજે બધું જ ઇન્સ્ટન્ટ મળે છે. ઇન્સ્ટન્ટ કોફી, ઇન્સ્ટન્ટ ફૂડ તો ઇન્સ્ટન્ટ પ્રસૂતિ કેમ નહીં? એવા વિચારે પણ કેટલીક સ્ત્રીઓ ઇન્સ્ટન્ટ સુવાવડ માટે સિઝેરિયન કરાવે છે. તેમને જો સિઝેરિયનનાં ભયસ્થાનોનો ખરો ખ્યાલ આવે તો તેઓ ચોક્કસ પોતાનું પેટ ચિરાવતાં પહેલાં વિચારે, એમ ડો. જપી દાવા સાથે કહે છે. કયાં છે આ ભયસ્થાનો? આ ભયસ્થાનો તમામ સગર્ભા સ્ત્રીઓએ અવશ્ય જાણી લેવાં જોઇએ.

(૧) કુદરતી રીતે યોનિમાર્ગે પ્રસૂતિ થવાથી બાળકનું આખું શરીર ચારેબાજુથી દબાય છે. આ કારણે ગર્ભાવસ્થા દરમિયાન બાળકનાં ફેફસાંમાં, હૃદયમાં, પેટમાં, શ્ર્વાસનળીમાં અને અન્નનળીમાં ભરાયેલું પ્રવાહી મોઢા વાટે આપોઆપ બહાર આવી જાય છે. સિઝેરિયનથી થતી સુવાવડમાં આ રીતે પ્રવાહી બહાર આવતું ન હોવાથી બાળકને જીવનભર આ બધા અવયવોની નાની-મોટી બીમારીઓ રહ્યા જ કરે છે.

(૨) ફેફસાંમાં ભરાયેલા પ્રવાહીને કારણે બાળક શ્ર્વાસ વાટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ગ્રહણ કરી શકતું નથી. તેને કારણે તેની ચામડીનો રંગ વાદળી રંગનો થઇ જાય છે. આવી નિશાનીવાળા બાળકને ડોક્ટરો જન્મથી જ હૃદયરોગનો દર્દી ગણાવે છે. આ રીતે શ્ર્વાસનળીમાં પ્રવાહી ભરાઇ જવાને કારણે બાળકનું હૃદય રૂંધાઇને બંધ પડી જાય તો બાળકનું મૃત્યુ પણ થાય છે. તેને હાર્ટ એટેકનું નામ આપવામાં આવે છે પણ સિઝેરિયન ઓપરેશનને કારણે આ દુર્ઘટના થઇ છે, એવું કોઇ ડોક્ટર કબૂલ કરતા નથી.

(૩) સિઝેરિયન કરતી વેળાએ માતાનું પેટ ચીર્યા પછી ગર્ભાશયની થેલીને પણ ચીરવી પડે છે. આ કારણે ગર્ભાશયના સ્નાયુઓ કાયમ માટે નબળા પડી જાય છે. દર મહિને આવતા માસિકમાં પણ તેની અસર થાય છે. સ્ત્રી બીજી વખત સગર્ભા બને તો બાળકનું વજન સહન ન થવાને કારણે ગર્ભાશય ફાટી જવાનો ડર પણ રહે છે. તેને કારણે માતા અને બાળક બન્નેના જીવ જોખમમાં મુકાઇ શકે છે.

(૪) બીજી વખતના ગર્ભધારણ વખતે અધૂરા મહિને પ્રસૂતિ થવાનો પણ ભય રહે છે.

(૫) સ્ત્રીના ગર્ભાશયની આસપાસ બીજાશય, ફેલોપિયન ટ્યૂબ, લિવર, કિડની, પેન્ક્રિયાસ, બ્લેડર ઇત્યાદિ અત્યંત નાજુક અને સંવેદનશીલ અવયવો ગોઠવાયેલા હોય છે. સિઝેરિયનને કારણે આ નાજુક અવયવોને નુકસાન થઇ શકે છે. ઘણી વખત સિઝેરિયન કરાવ્યા પછી થોડાં વર્ષે આ અવયવમાં તકલીફ ઊભી થાય છે. તે વખતે એવો ખ્યાલ નથી આવતો કે પેટ ચીરીને પ્રસૂતિ કરાવવાને કારણે આ પીડા ઊભી થઇ છે.

(૬) ઓપરેશન વખતે બાળકને બહાર કાઢવા પેટ ચીરીને પહોળું કરવું પડે છે. આ વખતે પેટમાં હવાની સાથે રોગ પેદા કરનારા સૂક્ષ્મ જીવાણુઓ પણ ઘૂસી જતા હોય છે, જે ભવિષ્યમાં બીમારીઓ પેદા કરી શકે છે.

(૭) પ્રસૂતિ માટે પેટ ચીરવાને કારણે સ્ત્રીના પેટમાં હવા ભરાઇ જાય છે અને તે ફૂલી જાય છે. આ પેટને નોર્મલ કરવા માટે સ્ત્રી જાત જાતના અખતરાઓ કરે છે અને હેરાન થાય છે. તેનું શરીર અનેક બીમારીઓનું ઘર બની જાય છે અને ડોક્ટરો માટે કાયમી આવકનું સાધન બની જાય છે.

(૮) સુવાવડી સ્ત્રીને સામાન્ય રીતે પેટ સંકોચાવા માટે શેક લેવાની સલાહ આપવામાં આવે છે. સિઝેરિયન કરાવનારી સ્ત્રી આ રીતે છાણાંનો શેક કરાવી શકતી નથી. વળી તે જિંદગીભર ભારે વજન પણ ઉપાડી શકતી નથી.

(૯) સિઝેરિયન વખતે પેટના ભાગને ખોટો પાડવા માટે સ્પાઇનલ એનેસ્થેસિયા આપવામાં આવે છે. આ વખતે કરોડરજ્જુના જ્ઞાનતંતુઓને કાયમી નુકસાન થવાની સંભાવના રહે છે. તેને કારણે સાંધાની, સ્નાયુઓની, મણકાની, હાડકાંની વગેરે બીમારીઓ આજીવન રહે છે.

(૧૦) પેટ ચીરવાથી પેટની ચરબીનો થર ગર્ભાશય અને આંતરડાં ઉપર છારીની જેમ બાઝી જાય છે. તેને કારણે ગર્ભાશય અને આંતરડાં ચોંટી જાય છે.

(૧૧) સિઝેરિયન દરમિયાન રક્તસ્રાવ થતો હોવાથી જરૂર હોય કે ન હોય તો પણ લોહીના બાટલા ચડાવવા પડે છે. આ લોહી માતાના ધાવણ વાટે બાળકના શરીરમાં જાય છે અને બીમારીઓ પેદા કરે છે.

(૧૨) ગર્ભાશયમાં લીધેલા ટાંકા જો તૂટી જાય તો ફરી વખત ઓપરેશન કરવાનો વારો આવે છે.

(૧૩) પેટની ચરબી ખસવાને કારણે આંતરડાં ઉપર દબાણ આવે છે. તેને કારણે ભવિષ્યમાં હર્નિયા, ગર્ભાશય સરકી જવાના, ભગંદર વિગેરે રોગો થવાની સંભાવના રહે છે.

મેટરનિટી હોમમાં ડોક્ટર જ્યારે ગર્ભવતી સ્ત્રીને સિઝેરિયન કરાવવા માટે આગ્રહ કરે છે ત્યારે શું તેને આ બધી જ બાબતની જાણકારી આપવામાં આવે છે ખરી? જો આ બધી જ બાબતની જાણકારી હોય તો સ્ત્રી સહેલાઇથી સિઝેરિયન કરાવવા માટે તૈયાર થાય ખરી?

No comments:

Post a Comment