Thursday, July 3, 2014

સંબંધ સાહિત્ય અને બ્રહ્માંડનો --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=116640

સાહિત્ય જ આપણને પરબ્રહ્મ સુધી પહોંચાડે છે. બ્રહ્મન જ બધાનું ઉદ્ગમ અને અંતિમ સ્થાન છે

ઉપર ઉપરથી જોઈએ તો લાગે કે ક્યાં સાહિત્ય, ક્યાં પરબ્રહ્મ અને ક્યાં વિજ્ઞાન. તેઓ વચ્ચે કોઈ સંબંધ ન હોય તેમ લાગે. પણ જેમ જેમ વિચાર કરતા જઈએ તેમ તેમ લાગે કે આહા, આ જ વિષય આપણને જ્ઞાનના ઊંડાણમાં લઈ જાય.

પરબ્રહ્મ, નિરંજન-નિરાકાર, અસીમિત અને અનંત છે, કેમ કે તે અનંત અને અસ્તમિત છે માટે તેના આકાર વિષે કલ્પના કરી શકાય જ નહીં. પૃથ્વી સાડાચાર અબજ વર્ષ પહેલાં જન્મી છે. પણ આપણને તેના આકારની તો માત્ર અઢી હજાર વર્ષ પહેલાં જ જાણ થઈ છે. પૃથ્વી પર આપણે જ્યાં પણ ઊભા રહીએ તો લાગે કે પૃથ્વી તો સપાટ છે. પૃથ્વી દડા જેવી ગોળ છે તે તો આપણને માત્ર અઢી હજાર વર્ષ પહેલા જ ખબર પડી. સૂર્ય સામે જોઈએ તો લાગે કે તે અડધા ફૂટની થાળી છે. હકીકતમાં સૂર્ય એટલો મોટો છે કે તેમાં ૧૩ લાખ પૃથ્વી સમાઈ જાય, પણ સૂર્ય માત્ર અડધા ફૂટની થાળી જેવડો લાગે અને પૃથ્વી વિશાળ અતિવિશાળ લાગે. આ માયા છે. બ્રહ્માંડમાં દેખાતી માયા. પૂર્ણિમાના ચંદ્ર સામે જોઈએ તો લાગે કે તે, સાઈઝે અને પ્રકાશમાં, સૂર્યની હરીફાઈ કરે છે. પણ ચંદ્રની સરખામણીમાં સૂર્ય એટલો બધો મોટો છે કે તેમાં છ કરોડ અને ચાલીસ લાખ ચંદ્રો સમાઈ જાય. આપણી આકાશગંગા મંદાકિની એટલી બધી મોટી છે કે તેનો વ્યાસ ૩૦,૦૦૦ લાખ અબજ કિલોમીટર છે. તેમાં ૫૦૦ અબજ તારા છે અને બે તારા વચ્ચેનું સરાસરી અંતર ૪૦,૦૦૦ અબજ કિલોમીટર છે. આવી તો બ્રહ્માંડમાં ૧૦૦ અબજ મંદાકિનીઓ છે. તેમની વચ્ચે અંતર હજારો કરોડો અબજો કિલોમીટરનું છે. છેને બ્રહ્માંડની વિશાળતા અને ગહનતા. બ્રહ્માંડ શબ્દ જ બ્રહ્મ પરથી આવ્યો છે.

બ્રહ્માંડમાં બધું સમાયું છે અને બધામાં બ્રહ્માંડ સમાયું છે. પરબ્રહ્મમાં બધું સમાયું છે અને બધામાં પરબ્રહ્મ સમાયું છે. આપણા નરસિંહ મહેતાને અભણ ગણવા કે મહાવિદ્વાન? તેઓ કહે છે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે. ઘાટઘડિયા પછી નામ રૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોયે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.

પરબ્રહ્મને દૃશ્યમાન થવું હતું માટે તો તેને બ્રહ્માંડ રચ્યું. બ્રહ્માંડ તેનો દેહ અવતાર છે. જ્યારે પરબ્રહ્મને દૃશ્યમાન થવું હોય છે ત્યારે તે જ્ઞાનરૂપે, સાહિત્યરૂપે પ્રગટ થાય છે. જ્ઞાન પણ અનંત, અસીમિત અને નિરંજન-નિરાકાર છે, સાહિત્ય પણ અનંત, અસીમિત અને નિરંજન-નિરાકાર છે. જ્ઞાનનો દેહાવતાર તે સાહિત્ય. સાહિત્યનો કોઈ આકાર નથી હો તો પણ તે દરેક આકાર ધારણ કરી શકે છે. તે ગુજરાતી, હિન્દી, તમિલ, જર્મન, સંસ્કૃત, રશિયન, સ્પેનિશ, ઈંગ્લિશ, ફ્રેન્ચ કોઈ પણ આકારે દૃશ્યમાન થાય છે. જળ અને વાયુ જે વાસણમાં પ્રવેશે છે તેવો આકાર ધરે છે પણ પરબ્રહ્મ ધારે કે આકાર ગ્રહણ કરી શકે છે.

સાહિત્ય એટલે શું? સાહિત્ય એટલે માત્ર ગદ્ય અને પદ્ય જ નહીં. સાહિત્ય એટલે ગદ્ય, પદ્ય, સંગીત, કલા, લય, જ્ઞાન-વિજ્ઞાન, કુદરતની કોઈ પણ રચના. વેદોમાં કહ્યું છે કે શાસ્ત્રપ્રયોજનમ્ ખલુ તત્વદર્શનમ્ અર્થાત્ તત્ત્વ શાસ્ત્રોનું પ્રયોજન શું છે? તત્ત્વનું દર્શન કરાવવાનું, પરબ્રહ્મનું દર્શન કરાવવાનું. શાસ્ત્રો એટલે સાહિત્ય. સાહિત્યનું પ્રયોજન જ તત્ત્વદર્શન (પરબ્રહ્મ દર્શન) કરાવવાનું છે. ગીતામાં કહ્યું છે કે નહિ જ્ઞાનેન સદૃશં પવિત્રમિહવિદ્યતે અર્થાત્ જ્ઞાનથી વધારે પવિત્ર કાંઈ જ નથી, સત્ય જ્ઞાનનું સ્વરૂપ છે, પરબ્રહ્મનું સ્વરૂપ છે.

વેદોમાં કહ્યું છે જ્ઞાનાદેવતુ કૈવલ્યમ્ માત્ર જ્ઞાન જ મુક્તિ અપાવે, મુક્તિ એટલે નિષ્ક્રિયતા નહીં, મુુક્તિ એટલે સમજી નિર્લેપ રહીને જીવન જીવવું. આ સાહિત્ય અને પરબ્રહ્મનો સંબંધ છે. શંકરાચાર્ય કહે છે: અહં નિર્વિકલ્પો નિરાકાર રૂપો. વિભૂર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણી સદામે સમત્વં ન મુક્તિ: ન બન્ધ: ચિદાનંદરૂપો શિવોહમ્ શિવોહમ્ ॥ આ સાહિત્ય છે અને પરબ્રહ્મ છે. કવિ કહે છે: મંદિર તારું વિશ્ર્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે. પળ પળ તારા દર્શન થાયે દેખે દેખણહારો રે. નહીં પૂજારી, નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળાં રે. નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો સૂરજ તારા રે. વર્ણન કરતાં શોભા તારી થાક્યા કવિગણ ધીરા રે. મંદિરમાં તું ક્યાં છુપાયો શોધે બાળ અધીરાં રે. આ સાહિત્ય પણ છે અને પરબ્રહ્મ પણ છે. સાહિત્ય જ આપણને પરબ્રહ્મ સુધી પહોંચાડે.

આ તરફ આપણને ઉપનિષદ કહે છે કે એકદ સદ્વિપ્રા: બહુધા ભવન્તિ. અર્થાત્ સત્ય એક જ છે પણ વિદ્વાનો તેને અલગ અલગરૂપે વર્ણવે છે. સત્ય, બ્રહ્મન્ સ્વરૂપે છે. બ્રહ્મન્ નિરંજન-નિરાકાર છે. માટે તેને ગમે તે રીતે વર્ણવી શકાય છે.

એક બિન્દુ અંતરીક્ષ રચી ન શકે. એક બિન્દુ અંતરીક્ષની વ્યાખ્યા ન કરી શકે. બીજું બિન્દુ અસ્તિત્વમાં આવે તો જ અંતરીક્ષ રચાય. જ્યારે બે બિન્દુ અસ્તિત્વમાં આવે ત્યારે બે બિન્દુ વચ્ચેનું અંતર અસ્તિત્વમાં આવે. બે બિન્દુ વચ્ચે સંબંધ અસ્તિત્વમાં આવે. આ સંબંધ આપનાર પ્રથમ ગણિતશાસ્ત્રી કેરળના ભારતીય ગણિતશાસ્ત્રી બૌધાયન હતા. એટલે કે અંતરીક્ષની રચનામાં પ્રથમ પગથિયે ભારત છે. આ વિશાળ વિશ્ર્વને સમજવા આંકડા આપનાર અન્ય ભારતીય ગણિતશાસ્ત્રીઓ હતા. કાંઈ પણ શરૂઆત થાય, ઉદ્ગમ બિન્દુ તરીકે શૂન્ય છે. તે ઉદ્ગમ બિન્દુ ભારતીય છે. ભારત આમ બ્રહ્માંડમાં ઉદ્ગમ સ્થાનમાં બેઠું છે તે આપણે ગૌરવ લેવા જેવી બાબત છે અને આ માર્ગે આપણે આગળ વધવું જોઈએ. આપણે આપણા પ્રાચીન વારસાને આગળ વધારવો જોઈએ.

હવે જ્યારે એ બિન્દુ વચ્ચેનું અંતર અસ્તિત્વમાં આવે એટલે એક પરિમાણીય રેખા અસ્તિત્વમાં આવે. આ રેખા અનંત લંબાઈની છે. આ એક પરિમાણીય અનંત વિશ્ર્વ છે. હવે કલ્પના કરો કે એક જંતુ છે તેને માત્ર એક જ પરિમાણીય વિશ્ર્વનું જ્ઞાન છે. તે એક જ પરિમાણીય છે અને તેને એક પરિમાણનું જ્ઞાન છે. તે જે અનંત રેખા છે તેના પર જ ચાલશે અને રેખા પર જે વસ્તુ આવશે તેનું જ તેને જ્ઞાન થશે. રેખાની બાજુમાં કોઈ બિન્દુ હશે તેનું જ્ઞાન કદાપી નહીં થાય.

હવે એક પરિમાણ છે તો બીજું પણ પરિમાણ બને. બે પરિમાણ બની તે સમતલ (ઙહફક્ષય) બનાવે. ટેબલ ટોપ કે ફ્લોર બનાવે. એક પરિમાણીય વસ્તુને માત્ર લંબાઈ જ હોય. બે પરિમાણીય વસ્તુને માત્ર લંબાઈ અને પહોળાઈ જ હોય, ક્ષેત્રફળ જ હોય. બે પરિમાણીય સમતલ પણ અનંત હોય. તેમાં અનંત લંબાઈની અનંત સંખ્યામાં રેખાઓ હોય. પણ જો એ પરિમાણીય વિશ્ર્વમાં આપણે ઊભા હોઈએ તો તે માત્ર આપણા પગની છાપ જ જોઈ શકે. આપણને પૂરા ન જોઈ શકે. એ બે પરિમાણીય સમતલ. જો આ બે પરિમાણીય સમતલ આપણી પિંડીમાંથી પસાર થાય તો તે માત્ર આપણી પિંડીનો ક્રોસ સેક્શન જ જોઈ શકે. જો તે સાથળ, પેટ, ડોક માથામાંથી પસાર થાય તો તે માત્ર તેના ક્રોસ સેક્શન જ જોઈ શકે. તેમ છતાં બે પરિમાણીય વિશ્ર્વનું બે પરિમાણીય જંતુ, એક પરિમાણીય વિશ્ર્વના એક પરિમાણીય જંતુને કહે કે તું રીયાલીટી જાણતું નથી. હું રીયાલીટી જાણું છું, કારણ કે તે બે પરિમાણીય છે. જો આપણે બે પરિમાણીય હોઈએ તો આપણને ન તો પેટ હોય, ન જાડા નવાકાર હાડકાં હોય. આપણે પેપર જેવા બે પરિમાણીય જ હોઈએ.

હવે જ્યારે આપણને ત્રણ પરિમાણીય વિશ્ર્વની ખબર પડે અને આપણે ત્રણ પરિમાણીય હોઈએ ત્યારે ત્રણ પરિમાણીય જંતુ એ જોઈને આશ્ર્ચર્ય પામે કે બે પરિમાણીય જંતુ જે આપણા શરીરના અલગ અલગ ભાગના ક્રોસ સેક્શન જોતું હતું. તે હકીકતમાં એક પૂરો માણસ છે. આમ ત્રિપરિમાણીય જંતુનું જ્ઞાન અગાધ થઈ જાય. તે અંતરીક્ષ જોઈ શકે, પહાડો જોઈ શકે, પંખીઓને આકાશમાં ઊડતાં જોઈ શકે, આકાશ જોઈ શકે. આકાશમાં તારા કે સૂર્ય, ચંદ્ર જોઈ શકે. ત્રિપરિમાણીય જંતુ પછી બે પરિમાણીય જંતુ પાસે શેખી મારે કે તે (દ્વિપરિમાણીય જંતુ) રીયાલીટી જાણતું નથી. પણ તે (ત્રિ-પરિમાણીય જંતુ) રીયાલીટી જાણે છે. પછી આઈન્સ્ટાઈને સમયને ચોથું પરિમાણ લઈને ચાર-પરિમાણીય વિશ્ર્વને રીયલાઈઝ કર્યું. આઈન્સ્ટાઈને પછી ત્રિ-પરિમાણીય જંતુ (ક્રીચર)ને કહ્યું વિશ્ર્વની રીયાલીટી તું જાણતું નથી પણ હું જાણું છું, કારણ કે ચાર પરિમાણીય વિશ્ર્વે આપણને દર્શાવ્યું કે પદાર્થ અચળ નથી પણ તેની ગતિ પર આધાર રાખે છે, વસ્તુની લંબાઈ પણ અચળ નથી, તેની ગતિ પર આધાર હોય છે. સમય પણ અચળ નથી ઘડિયાળની ગતિ પર આધાર રાખે છે. બ્રહ્માંડને તમે કયા પ્લેટફોર્મ પરથી જુઓ છો તેની પર તેનો આધાર છે. ત્રિ-પરિમાણીય વિશ્ર્વમાં સમય અને અંતરીક્ષ અલગ અલગ છે, વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર અલગ અલગ છે, પદાર્થ અને ઊર્જા અલગ અલગ છે, પણ ચાર-પરિમાણીય બ્રહ્માંડમાં તે એકના એક છે.

હવે અમે દર્શાવ્યું છે કે બ્રહ્માંડને પાંચ પરિમાણ છે. પાચમું પરિમાણ તે દળ (પદાર્થ, ખફતત). માટે હવે અમે આઈન્સ્ટાઈન મહાશયને કહીએ છીએ કે તેઓ પણ રીયાલીટી જાણતા ન હતા. અમે રીયાલીટી જાણીએ છીએ, કારણ કે અમારું પંચ-પરિમાણીય વિશ્ર્વનો આઈન્સ્ટાઈનનું મતુ:પરિમાણીય વિશ્ર્વ એક ભાગ છે, સબસેટ છે. પણ હવે અમને લાગે છે કે ઉષ્ણતામાન (ઝયળાયફિિીંયિ) બ્રહ્માંડનું છઠ્ઠું પરિમાણ હોય શકે છે. જો તે સાબિત થાય કે ઉષ્ણતામાન બ્રહ્માંડનું છઠ્ઠું પરિમાણ છે, તો છઠ્ઠા-પરિમાણીય વિશ્ર્વનો માનવી અમને કહે કે રાવલ, તું પણ રીયાલીટી જાણતો નથી. કદાચ બ્રહ્માંડને સાત, આઠ, દસ, અગિયાર પરિમાણ પણ હોઈ શકે છે, એવું હાલના વિજ્ઞાનીઓ માને છે. તો લાગે કે સત્ય શું? પરબ્રહ્મ શું? નેતિ, નેતિ. એ નહીં, એ નહીં. આમ પરબ્રહ્મને જાણવું એ અઘરું છે, માત્ર આપણે તેનો પડછાયો જ જોઈ શકીએ છીએ, કારણ કે એક પરિમાણીય વિશ્ર્વ, દ્વિ-પરિમાણીય વિશ્ર્વનો પડછાયો છે. દ્વિ પરિમાણીય વિશ્ર્વ ત્રિ-પરિમાણીય વિશ્ર્વનો પડછાયો છે. આમને આમ ચાલ્યા કરે. પણ પરબ્રહ્મ સાહિત્ય દ્વારા, જ્ઞાન દ્વારા સમજી શકાય. સાહિત્ય અને જ્ઞાન તેના દેહાવતાર છે. બ્રહ્માંડ તેનો દેહાવતાર છે.

શંકરાચાર્યે કહ્યું છે કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. હકીકતમાં બ્રહ્મ સત્ય છે. જગત મિથ્યા નથી પણ એક દૃષ્ટિએ મિથ્યા છે, કારણ કે આપણે કયા પ્લેટફોર્મ પરથી જગત જોઈએ છીએ તેના પર તેનો આધાર છે. જગતનો કોઈ એબ્સોલ્યુટ આકાર જ નથી. સાત અંધજન અને હાથી જેવી આ બાબત છે. કલકત્તા કેટલે દૂર? તે પ્રશ્ર્નનાં જવાબો જુદા જુદા હોઈ શકે. જો આપણે ચાલીને કલકત્તા જવું હોય તો તે કેટલાય મહિના દૂર, જો ટ્રેનમાં જવું હોય તો તે ૩૩ કલાક દૂર, જો પ્લેનમાં જવું હોય તો ૨ કલાક દૂર. જો મોબાઈલનો ઉપયોગ કરીએ તો તરત જ હાજર. ક્ષણવાર જ દૂર. આ માયા નહીં તો બીજું શું? આપણે પૃથ્વી પરથી સૂર્ય જોઈએ તો તે પોતાની ધરી પર ફરતો દેખાય અને પૃથ્વીની ફરતે ફરતો દેખાય. પૃથ્વી બધી જ રીતે સ્થિર દેખાય. સૂર્ય પરથી પૃથ્વીને જોઈએ તો સૂર્ય બધી રીતે સ્થિર લાગે. પૃથ્વી પોતાની ધરી પર ગોળ ગોળ ફરતી દેખાય અને સૂર્યની પરિક્રમા કરતી દેખાય. આમાં સાચું શું? આ માયા નહીં તો બીજું શું? સૂર્યને ખબર જ નથી કે રાત શું કહેવાય, અંતરીક્ષમાં જઈએ તો તારા સ્થિર દેખાય. તે ટમટમે જ નહીં. સૂર્ય પણ સ્થિર દેખાય. એક ક્યુબ જો ગતિ કરવા લાગે તો તેનો આકાર બદલાતો દેખાય. આપણે જો ગતિ કરવા લાગીએ તો બ્રહ્માંડ અલગ જ દેખાય. બ્લુ તારા ગતિ કરવા લાગે તો લાલ દેખાય. એક જ ક્વેઝાટ હોય પણ તેના કેટલાય પ્રતિબિંબો બ્રહ્માંડમાં દેખાય. આકાશ ગુંબજ જેવું લાગે છે. પણ હકીકતમાં ગુંબજ જેવું કાંઈ છે જ નહીં.

આપણે વિમાન લઈને પશ્ર્ચિમમાં સફર કરતા રહીએ અને તેમાં બાળક જન્મે તો તેને રાત જેવું કાંઈ છે, રાતે તારા દેખાય એવું જાણમાં જ ન આવે. જો આપણે વિમાનમાં પૂર્વ દિશામાં સફર કરીએ અને તેમાં બાળક જન્મે તો દિવસ શું તેની તેને ખબર જ ન હોય. આમ જગત માયામય છે. શંકરાચાર્યે તેથી કહ્યું છે કે માયા મય ઈદં અખિલં બુધ્વા, બ્રહ્મપદં ત્વં પ્રવિશ વિદિત્વા. એટલે કે જગત માયા મય છે. તેમાંથી સત્ય જાણી વ્યવહાર કરવાનો છે. સત્ય પણ નિરપેક્ષ નથી, ધર્મ પણ નિરપેક્ષ નથી. સુખ-દુ:ખ, ઠંડું-ગરમ વગેરે કાંઈ પણ નિરપેક્ષ નથી. બધું સાપેક્ષ છે. એક માનવીનું સુખ, બીજા માનવીનું દુ:ખ હોઈ શકે. માટે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. આ આપણે જ્ઞાન અને સાહિત્ય દ્વારા જ સમજી શકીએ. આ સાહિત્ય અને પરબ્રહ્મ એકના એક છે. જોડાયેલા છે. પરબ્રહ્મ સાહિત્ય દ્વારા પોતાને દૃશ્યમાન કરે છે. કયા પ્લેટફોર્મ પરથી આપણે જગતને જોઈએ છીએ તેના પર જગત દેખાવાનો આધાર છે. જગતને કોઈ એબ્સોલ્યુટ નિરપેક્ષ આકાર જ નથી. એક પુરુષ, કોઈનો પુત્ર છે, કોઈનાં ભાઈ છે, કોઈનાં પતિ, પિતા, કાકો, મામો છે. પુરુષ તો એક જ છે પણ દુનિયામાં તેનાં ઘણાં રૂપો છે.

આ રૂમમાં અંતરીક્ષ છે, રૂમની બહાર પણ અંતરીક્ષ છે. પૃથ્વીની બહાર પણ અંતરીક્ષ છે. અંતરીક્ષને કેદ કરી શકાતું નથી. તેમ ગુરુત્વાકર્ષણને પણ કેદ કરી શકાતું નથી. માટે આઈન્સ્ટાઈને ગુરુત્વાકર્ષણને અંતરીક્ષના રૂપમાં વર્ણવી તેનો વિસ્તૃત સાપેક્ષવાદ આપ્યો. એટલે કે ગુરુત્વાકર્ષણ એ જ અંતરીક્ષ. ઊર્જા એ જ અંતરીક્ષ. બ્રહ્માંડ અંતરીક્ષનો ગોળો છે. ઊર્જાનો ગોળો છે. મહાન વિજ્ઞાની ક્લાર્ક મેક્સવેલે સાબિત કર્યું છે કે બ્રહ્માંડમાં કોઈ એવી જગ્યા નથી જ્યાં વિદ્યુત, ચૂંબકીય તરંગો ન હોય, ઊર્જા ન હોય. અંતરીક્ષ નિરંજન-નિરાકાર છે, અનંત અને અસીમિત છે. અને એ જ પરબ્રહ્મ છે. છાંદોગ્ય ઉપનિષદમાં આપણા ઋષિ-મુનિઓએ લખ્યું છે કે બધું જ બ્રહ્મનમાંથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્મનમાં સમાય છે. બ્રહ્મન જ બધાનું ઉદ્ગમ અને અંતિમ સ્થાન છે. આઈન્સ્ટાઈન કહે છે બધું જ અંતરીક્ષમાંથી ઉત્પન્ન થાય છે અને અંતરીક્ષમાં સમાય છે. અંતરીક્ષ જ બધાનું ઉદ્ગમ અને અંતિમ સ્થાન છે. આ અંતરીક્ષ જ પરબ્રહ્મ છે. આમ જ્ઞાન-સાહિત્ય આપણને પરબ્રહ્મનો અહેસાસ કરાવે છે. બ્રહ્મન એ બ્રહ્માંડની ચેતના છે. હિગ્ઝ-ઓઝોન એક ચેતના છે. તે બ્રહ્મનની ચેતના ગણી શકાય. હિગ્ઝ-ઓઝોન પૂરા બ્રહ્માંડમાં છે. અને બધા કણોને પદાર્થ હોય છે.

No comments:

Post a Comment