પૃથ્વી પર જાતજાતનું જીવન છે. દરેક જીવનને પોતાની શોભા છે. કોઈક જીવન આપણને કદરૂપું લાગે પણ તે હકીકતમાં કદરૂપું નથી. તે કુદરતનું સર્જન છે. જાતજાતનાં ફળો, ફૂલો, વૃક્ષો આપણી પૃથ્વી પર છે. ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં તોય આપણી છાબડી (પૃથ્વી)માં માય. પૃથ્વી પર એવું કેટલુંય જીવન હશે જેની હજી સુધી આપણને જાણ નથી. એવી જડી-બુટ્ટી હશે જેની આપણને જાણ નથી, પૃથ્વી પર પહાડોની ખીણોમાં મહાસાગરના તળિયે અને બખોલમાં કેટલુંય એવું અજાણ્યું જીવન હશે જેની હજુ સુધી આપણને જાણ નથી. કેટલીય જાતના બેકટેરિયા પૃથ્વી પર અને અંતરીક્ષમાં હશે જેની આપણને જાણ નથી.
જીવનના મુખ્ય ક્રમ જન્મે, મોટું થાય, વારસદાર ઉત્પન્ન કરે અને મૃત્યુને શરણ થાય. જીવન જીવવા કોઈ પ્રકારના ખોરાકની જરૂર પડે, શ્ર્વાસોચ્છ્વાસ લેવો પડે. પથ્થર પણ શ્ર્વાસોચ્છ્વાસ લે છે. તેના પર રંગ મારો, પેઈન્ટ લગાવો તો તે બરાબર શ્ર્વાસ ન લઈ શકે અને કાળક્રમે ગૂંગળાઈ મૃત્યુ પામે. સર્જન અને વિનાશનો ક્રમ બ્રહ્માંડમાં ચાલ્યા જ કરે છે, પછી ગમે તે હોય. બ્રહ્માંડમાં કાંઈ જ શાશ્ર્વત નથી. બ્રહ્માંડ પોતે પણ શાશ્ર્વત છે કે તેને પણ મૃત્યુનું બંધન છે તે હજુ આપણને ખબર નથી પડતી, પણ બાકી બ્રહ્માંડની બધી જ વસ્તુને મૃત્યુ છે. મૃત્યુ એટલે વસ્તુમાંની ચેતનાનો અંત. આ ચેતના મૃત્યુ પામતી નથી. તે શાશ્ર્વત છે. બ્રહ્માંડની ચેતના જ શાશ્ર્વત છે. એ ચેતના બધાં ઘટમાં છે. તે જાય છે અને આવે છે. અહીં ઘટ એટલે જીવન. આ જ અર્થમાં નરસિંહ મહેતાએ ગાયું હતું કે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે. આ બ્રહ્મ એટલે ચેતના. પ્રાચીન સમયમાં મનાતું કે પૃથ્વી જ બ્રહ્માંડ છે પછી ખબર પડી કે પૃથ્વી તો સૂર્યનો માત્ર એક ગ્રહ જ છે. માટે લોકો અને વિદ્વાનો માનતા કે બીજા ગ્રહો પર પણ જીવન હોવું જોઈએ. પછી ખબર પડી કે સૂર્ય એક તારો છે અને બધા તારા સૂર્યો છે. જો સૂર્યને ગ્રહમાળા હોય અને તેમાં પૃથ્વી જેવો ગ્રહ હોય અને તેના પર જીવન હોય તો સૂર્ય જેવા તારાની ફરતે ગ્રહમાળા હોવી જોઈએ અને તેમાં પૃથ્વી જેવો એક ગ્રહ હોવો જોઈએ. પણ આપણી આકાશગંગામાં કેટલા તારા છે? પ૦૦ અબજ. તેમાં વિજ્ઞાનીઓએ અભ્યાસ કરીને દર્શાવ્યું છે કે પ૦ ટકા તારા સૂર્ય જેવા છે. એટલે કે રપ૦ અબજ તારા સૂર્ય જેવા છે. તેમાંથી પણ આપણે માત્ર ૧૦ ટકા જ લઈએ તો આપણી આકાશગંગામાં જ રપ અબજ સૂર્યો છે જેને ગ્રહમાળા હોય અને તેમાં પૃથ્વી પર છે તેવા જીવનવાળો એક ગ્રહ હોય. માટે આપણી આકાશગંગામાં જ રપ અબજ પૃથ્વીઓ હોવી જોઈએ જ્યાં જીવન સંભવી શકે. માટે બ્રહ્માંડમાં જીવન જગ્યાએ જગ્યાએ છે. બ્રહ્માંડમાં જીવનનો તોટો નથી. એ જે આપણી કે તેમની ક્ષમતા નથી કે હજુ સુધી આપણે તેમને અને તેઓ આપણને શોધી શક્યા નથી. તેની પાછળનું કારણ એ તારા (સૂર્યો) વચ્ચેનું વિશાળ અંતર છે. આ ક્ષમતા આપણામાં કે તેમનામાં આવશે ત્યારે આપણને બીજા જીવનનો સંપર્ક થશે. આ તો એવું છે કે મુંબઈમાં ફરતી કીડીને ન્યુ યોર્કમાં ફરતી કીડી વિષે જાણ કેવી રીતે થાય? આપણા બ્રહ્માંડમાં આપણી આકાશગંગા મંદાકિની જેની એક-બે મંદાકિનીઓ નથી. બ્રહ્માંડમાં ૧૦૦ અબજ મંદાકિનીઓ છે. કોઈમાં પ૦૦ અબજ તો કોઈમાં ૧૦૦ અબજ, તો કોઈમાંં પ૦ અબજ તો કોઈમાં ૧૦૦૦ અબજ કે ર૦૦૦ અબજ તારા છે. માટે બ્રહ્માંડમાં પ્રચુર પ્રમાણમાં જીવન છે. કુદરતે માત્ર આપણા માટે જ આ બ્રહ્માંડ, ૧૦૦ અબજ મંદાકિનીઓ, તેમાં હજારો અબજ તારા બનાવ્યા નથી. તેમ છતાં જીવન માટે બ્રહ્માંડ હોવું જરૂરી છે. બ્રહ્માંડમાં મંદાકિનીઓ હોવી જરૂરી છે, મંદાકિનીઓમાં અબજો તારા હોવા જરૂરી છે અને તારા ફરતે ગ્રહો હોવા જરૂરી છે. ત્યારે જઈને બ્રહ્માંડમાં જીવન અસ્તિત્વમાં આવે છે. આપણા જીવનને અસ્તિત્વમાં લાવવા કુદરતને આટલું બધું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું પડે છે, તૈયારી કરવી પડે છે. ત્યારે જઈને બ્રહ્માંડમાં જીવન ઉત્પન્ન થાય છે. માટે જીવન ઘણું મોંઘું છે. તેને વેડફવું જોઈએ નહીં. પછી વિજ્ઞાનીઓને થયું કે પૃથ્વી જો સૂર્યનો માત્ર એક ગ્રહ જ હોય અને સૂર્યમાળામાં બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ, પણ ગ્રહો જ હોય તો તેના પર જીવન હોવું જોઈએ. માટે તેઓએ સૂર્યમાળાના બીજા ગ્રહોનો અભ્યાસ શરૂ કર્યો. દૂરબીન શોધાયા પછી આ અભ્યાસ વધારે સરસ બન્યો. તારા છે તો સૂર્યો, પણ એટલા બધા દૂર છે કે તે પ્રકાશબિન્દુ જેવા દેખાય છે, નજીકનો તારો આપણાથી ૪૫૦૦૦ અબજ કિલોમીટર દૂર છે. તેની ફરતે ગ્રહો હોય તો તે જોવા ખરેખર મુશ્કેલ છે. તારાની ફરતે પરિક્રમા કરતો ગ્રહ આપણી અને તારાની વચ્ચે આવે છે ત્યારે તે સૂક્ષ્મપ્રમાણમાં પણ તારાના પ્રકાશને અવરોધે છે. આ જાણી વિજ્ઞાનીઓ દૂરના તારાની ફરતે ગ્રહો છે કે નહીં તે શોધે છે. હાલ સુધીમાં ૧૦૦૦ આવા ગ્રહો બીજા તારા ફરતે પરિક્રમા કરતા મળી આવ્યા છે. પણ તેમાંના ૯૯ ટકા ગ્રહો ગુરુ કરતાં દશ-વીસ ગણા સાઈઝમાં મોટા અને દશ-વીસ ગણા ભારે છે. માટે તેના પર જીવન હોવાની સંભાવના નથી. આપણે એવા ગ્રહો ગોતવા જોઈએ જેનું વજન, સાઈઝ અને વાયુમંડળ પૃથ્વી જેવાં હોય એટલું જ નહીં, તે તેના પિતૃતારાથી એવા અંતરે હોવા જોઈએ કે ત્યાં વધારે ગરમી ન પડે અને ઠંડી પણ ન પડે. એટલે કે તે ઈકોઝોન, જીવનઝોનમાં હોવા જોઈએ. હાલમાં વિજ્ઞાનીઓને બે-ત્રણ આવા ગ્રહ મળ્યા છે, ખરા પણ દૂરથી તેની ફરતે વાયુમંડળ છે કે નહીં, પાણી છે કે નહીં તે જાણવું અઘરું છે. આપણી માન્યતા મુજબ પાણી જ જીવન છે. પણ બહાર જીવન એવું પણ હોય જેને પાણી ઝેર લાગે, ઓક્સિજન ઝેરી વાયુ લાગે. તેમને કાર્બનડાયોક્સાઈડ જીવનવાયુ લાગે. આપણું જીવન હાઈડ્રોકાર્બન પર આધારિત છે. ક્યાંક જીવન એવું પણ હોય જે સિલિકેટ (રેતી) પર આધારિત હોય. કોઈ જીવન એવું પણ હોય જેનો આહાર લોખંડ હોઈ શકે. આપણી ગ્રહમાળામાં પૃથ્વી પર જીવન છે, અને પૃથ્વી સૂર્યમાળાનો એક ગ્રહ જ છે. તો સૂર્યમાળાના બીજા ગ્રહો પર પણ જીવન હોવું જોઈએ. બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યૂન અને પ્લુટો પર પણ જીવન હોવું જોઈએ. તેથી વિજ્ઞાનીઓએ મોટાં મોટાં દૂરબીનો અને વિવિધ પ્રકારનાં ઉપકરણોથી આ બધા ગ્રહોનો અભ્યાસ શરૂ કર્યો. વિજ્ઞાનીઓએ જોયું કે બુધ ગ્રહ પર તો જરા પણ વાયુમંડળ નથી અને ઉષ્ણતામાન ૪૦૦ અંશ સેલ્સિયસ છે માટે ત્યાં જીવન શક્ય નથી. શુક્ર પર પૃથ્વી પર જે વાયુમંડળ છે તેના કરતાં સો ગણું ઘટ્ટ વાયુમંડળ છે અને ત્યાં વાયુમંડળમાં કાર્બનડાયોક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઈડ જેવા ગ્રીનહાઉસ વાયુઓ છે અને ઉષ્ણતામાન પ૦૦ અંશ સેલ્સિયસ છે. ત્યાં વરાળ નહીંવત્ છે અને વાયુમંડળમાં સલ્ફ્યુરિક એસિડના ટ્રેસીસ છે માટે ત્યાં પણ જીવન શક્ય નથી. ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યૂન વાયુમય ગ્રહ છે માટે ત્યાં પણ જીવન શક્ય નથી અને હોય તો તેના વાયુમંડળમાં બેક્ટેરિયા હોઈ શકે. આ બધા મોટા ગ્રહના વાયુમંડળમાં મિથેન, ઈથેન, અમોનિયા, હાઈડ્રોજન જેવા વાયુઓ છે, પાણી છે. ત્યાં જીવનરસ તો છે માટે આપણા જેવું વિકસિત તો જીવન નથી, પણ બેક્ટેરિયાના રૂપમાં જીવન હોવાની શક્યતા છે. પ્લુટો સૂર્યથી છ અબજ કિલોમીટર દૂર છે અને ઘણો નાનો આકાશીપિંડ છે. ત્યાં સૌર ઊર્જા બહુ જ ઓછી પહોંચે છે અને ઉષ્ણતામાન ઓછા ર૬૦ અંશ સેલ્સિયસ જેટલું છે માટે ત્યાં જીવન હોવાની શક્યતા નથી. |
Thursday, July 31, 2014
શું આપણે બ્રહ્માંડમાં એકલા છીએ? --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ
Labels:
ડૉ. જે. જે. રાવલ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment