Thursday, July 31, 2014

પ્લેનેટેરિયમે બ્રહ્માંડને આપણી આંગળીના ટેરવે મૂકી દીધું છે --- ડૉ. જે. જે. રાવલ

આજે પ્લેનેટેરિયમ બ્રહ્માંડને સમજાવે છે જેથી માનવી અંતરિક્ષ યુગને વધારે સમજી શકે છે. પ્લેનેટેરિયમના માધ્યમ દ્વારા લોકો સૂર્યમાળા વિષે જ્ઞાન મેળવે છે. મંદાકિનીઓનું ખેડાણ કરી શકે છે અને પૂરા વિજ્ઞાન બ્રહ્માંડમાં મૂળભૂત કેવી રીતે કાર્યરત છે તે સમજી શકે છે. તે જ્ઞાન અને કુદરતની અંતહીન સીમા આપણી સમક્ષ રજૂ કરે છે.

આપણે બધા એક જ ગ્રહના વાસીઓ છીએ - આપણે પૃથ્વીરૂપ તદ્દન નાની દુનિયામાં રહીએ છીએ. તેમ છતાં તે આપણા માટે વિશાળ દુનિયા છે. તે સૂર્યના આઠ ગ્રહમાં ત્રીજા નંબરે રહીને આપણી આકાશગંગા મંદાકિનીના એક તદ્દન નાના તારા સૂર્યની પરિક્રમા કરે છે. આપણી આકાશગંગાના પાંચસો અબજ તારામાં આપણો સૂર્ય એક સામાન્ય તારો છે અને આપણી આકાશગંગા વિસ્તરતા બ્રહ્માંડમાં જ્યાં મંદાકિનીઓ એકબીજાથી દૂર જાય છે તેમાંની એક મંદાકિની છે. બ્રહ્માંડની ભવ્યતા, રચના, વિશાળતા અને તેનાં રહસ્યો આપણી કલ્પનાની બહાર છે. તે પૂરી માનવજાતનો વારસો છે. આપણે તેમાં જીવી રહ્યાં છીએ. તે આપણને ઈશારો કરે છે કે આપણું ભવિષ્ય આપણે બ્રહ્માંડને કેવી રીતે સમજી શકીએ છીએ તેના પર નિર્ભર છે. આપણે આ બ્રહ્માંડમાં રજકણની જેમ તરી રહ્યાં છીએ.

પ્લેનેટેરિયમના પ્રોગ્રામ જોકે અંતરીક્ષ વિજ્ઞાન અને ખગોળ વિજ્ઞાન સાથે મૂળભૂત રીતે સંબંધ ધરાવે છે પણ સાથે સાથે તેમાં વિશાળ માનવીય દૃષ્ટિકોણ અને દૃશ્ય છે. પ્લેનેટેરિયમ કાર્યક્રમો બધા જ વયના લોકો માટે છે. તે દૃશ્ય રીતે અને સંગીતની દૃષ્ટિએ આશ્ર્ચર્યજનક હોય છે અને દર્શકના હૃદય અને મગજને ઝકડી રાખે છે.

વિજ્ઞાન રસપ્રદ અને આનંદજનક છે, જે તેને સમજે છે તે સારી રીતે જીવી શકે છે. પ્લેનેટેરિયમ કુદરતના મોટાં મોટાં સત્યોને બહુ સરખી રીતેે સમજાવી શકે છે. તે ખગોળવિજ્ઞાનનું સાંસ્કૃતિક પરિમાણ છે. સાંપ્રત સમયના વિજ્ઞાપનોમાં વસ્તુઓ વેચવા ખગોળવિજ્ઞાનને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે. ફિલ્મો અને ટેલિવિઝનમાં પણ બ્રહ્માંડની ભવ્યતા પ્રચુર પ્રમાણમાં દર્શાવવામાં આવે છે અને તે રીતે ગ્રાહકોને લોભાવવામાં સફળ થાય છે. પ્લેનેટેરિયમના કાર્યક્રમો વિજ્ઞાન - શિક્ષણને રસપ્રદ બનાવે છે, અને વિજ્ઞાનનો પ્રચાર કરવા, લોકપ્રિય બનાવવા મોટો ભાગ ભજવે છે.

સમાજમાં માનવીઓની ગુણવત્તા તેમણે લીધેલ ફોર્મલ અને નોન-ફોર્મલ એમ બંને શિક્ષણ પર આધારિત છે. શિક્ષણ અને વાતાવરણ એવાં હોવા જોઈએ જે એવા નાગરિકો પેદા કરે જેનું શિક્ષણ ઉચ્ચતમ હોય, જેમાં પોતાની આસપાસની દુનિયાને જાણવાની અને સમજવાની જિજ્ઞાસા હોય, જેમાં વૈજ્ઞાનિક અભિગમ હોય અને જીવનમૂલ્યો હોય જે તેમને સમાજના વિકાસમાં અર્થપૂર્ણ યોગદાન આપી શકે. આ બધા ગુણો માત્ર ફોર્મલ શિક્ષણથી જ આવી ન શકે. પણ તેની સાથે સાથે પ્લેનેટેરિયમ, જ્ઞાન મ્યુઝિયમ, સંગીત, કલા વગેરેના માધ્યમ દ્વારા અપાતું નોન-ફોર્મલ શિક્ષણ પણ હોવું અત્યંત જરૂરી છે.

આપણે એ યુગમાં જીવી રહ્યાં છીએ જેમાં ખગોળવિજ્ઞાનમાં અને અંતરિક્ષ વિજ્ઞાનમાં જબ્બર વિકાસ થયો છે. માનવી હવે પૃથ્વી સાથે બંધાયેલ નથી રહ્યો. તેને ચંદ્ર પર બાર વખત ડગ માંડ્યાં છે તે નિયમિત અંતરિક્ષમાં મુસાફરી કરે છે. તે સતત મંદાકિનીઓ અને નવા આકાશીપિંડોની શોધો કરે છે અને બ્રહ્માંડની વય જાણવા ચિંતન-મનન કરે છે. આવી પરિસ્થિતિમાં માનવીને કોસમોસ સમજાવવામાં પ્લેનેટેરિયમે બહુ અગત્યનો ભાગ ભજવ્યો છે. સામાન્ય માનવી પણ બ્રહ્માંડનાં રહસ્યો જાણવા જબ્બર આતુર છે. પ્લેનેટેરિયમ એવી જગ્યા છે જ્યાં માનવીનું મગજ વિકાસના રાજમાર્ગે દોડવા માંડે છે. ફિલ્મ અને ટેલિવિઝનના કાર્યક્રમો બાળકોને અને લોકોને ખોટે રસ્તે પણ લઈ જાય છે અને માનવ સંસ્કૃતિને રિપેર ન કરી શકાય તેવું નુકસાન પહોંચાડે છે.

પ્લેનેટેરિયમનું પ્રોજેક્ટર જ્યારે કાર્યરત થાય છે ત્યારે પ્લેનેટેરિયમનો ડોમ અદૃશ્ય થાય છે અને આપણા માથે આબેહૂબ રાત્રિ-આકાશ જીવંત ઊતરે છે. આપણે દુનિયાને ભૂલી જઈએ છીએ. ઘણાં બાળકો અને ગામડાંના ભોળા માણસો માની લે છે કે પ્લેનેટેરિયમવાળા દિવસે રાત દેખાડે છે. હાં, પ્લેનેટેરિયમવાળા દિવસે રાત દેખાડે છે પણ તે સાચી રાત નથી હોતી, કૃત્રિમ આબેહૂબ રાત્રિ આકાશ હોય છે. માનવીના મગજનો આ કરિશ્મા છે.

બ્રહ્માંડની ભવ્યતા વિજ્ઞાન - પરિકથાને જન્મ આપે છે અને એ પરિકથાનું ચિત્રીકરણ પ્લેનેટેરિયમના આકાશમાં બરાબર થઈ શકે છે. ઘણા દર્શકો બહારથી થાકીને આવ્યા હોય છે. ઉનાળામાં ગરમીમાં શેકાઈને આવ્યા હોય છે. તેઓ એરકન્ડિશન્ડ પ્લેનેટેરિયમમાં રાત્રિ આકાશ ખડું થાય છે ત્યારે સૂઈ જાય છે. કાર્યક્રમ સમાપ્ત થાય ત્યારે જ જાગે છે. ઘણાંને તો જગાડવા પડે છે. જોકે તેઓએ પ્લેનેટેરિયમનો કાર્યક્રમ તો મીસ કર્યો હોય છે પણ તેમની નિદ્રા પૂરી થઈ ગઈ હોય છે તેથી તાજામાજા થઈ ગયા હોય છે. ઘણા તો ઉનાળાની બપોરે એરકન્ડિશન્ડ પ્લેનેટેરિયમમાં ઊંઘવા માટે જ આવે છે અથવા કલાક ટાઈમ પસાર કરવા પણ આવે છે.

બ્રહ્માંડની બહાર કાંઈ જ નથી. કોઈ પણ વિષય કે જ્ઞાનશાખા નથી ને બ્રહ્માંડમાં ચિત્રીકરણ કરાઈ ન હોય. રાજકારણ, ઈકોનોમિક્સ, આતંક બધાં જ બ્રહ્માંડમાં નજરે ચડે છે. આપણી આસપાસ ચાલતી બધી જ ક્રિયાઓ, આકાશે બ્રહ્માંડમાં મોજૂદ છે. પાણી, ઋતુઓ બધું જ બ્રહ્માંડનું છે. આપણે તો અહીંના થોડા સમય માટે પ્રવાસીઓ છીએ, નિવાસીઓ છીએ. ભાડાના ઘરમાં રહેતા માનવીઓ છીએ. સરકારો અને કલેકટરો માને છે કે તેઓ જ જમીનના માલિક છે.

પ્લેનેટેરિયમ ખગોળ તો શીખવે જ છે પણ ભૂગોળ અને ઈતિહાસ પણ શીખવે છે. પ્લેનેટેરિયમમાં બધી જ વિદ્યા - કલા - સંગીત - તત્ત્વજ્ઞાન કાર્યરત હોય છે. તેમાં સાહિત્ય, ભાષા, સ્ક્રીપ્ટ-રાઈટિંગ, સંગીત, નૃત્ય, તત્ત્વજ્ઞાન, જ્ઞાન-વિજ્ઞાન બધું જ આવે છે. પ્લેનેટેરિયમના ડિરેક્ટર બનવું એટલે માત્ર ખગોળ અને વિજ્ઞાન જ જાણવાનું નથી હોતું પણ જીવનનાં વિવિધ પાસાં અને કળાના માધ્યમનું પણ જ્ઞાન હોવું ઘટે.

આઈન્સ્ટાઈને એક વાર કહેલું કે બ્રહ્માંડ વિષે ન સમજાય તેવી બાબત એ છે કે તે સમજી શકાય તેવું છે. પ્લેનેટેરિયમ આપણને બ્રહ્માંડ સમજાવી શકે છે.

માનવી જન્મ્યો ત્યારથી તેણે રાત્રિઆકાશ જોવાનું શરૂ કર્યું. તેને રાત્રિઆકાશ અચંબો પમાડતું રહ્યું. આકાશીપિંડોની ગતિવિધિ ધીરે ધીરે તેના સમજમાં આવી. પ્રથમ તેને પૃથ્વી - કેન્દ્રીય વિશ્ર્વ સમજાયું પછી સૂર્ય-કેન્દ્રીય વિશ્ર્વ સમજાયું. ગેલિલિયો અને ન્યુટને ગતિના અને ગુરુત્વાકર્ષણના નિયમો આપ્યા. પૂરા બ્રહ્માંડનું ડાયનામિક્સ સમજમાં આવ્યું. તેમાંથી પ્લેનેટેરિયમનો જન્મ થયો.

પુરાતન માનવીને ખબર ન હતી કે તારા શું છે, સૂર્ય શું છે, ચંદ્ર શું છે. વિશાળ આકાશ તેની ફરતે ઘૂમતું જોઈને તે આશ્ર્ચર્ય અનુભવતો. શા માટે દિવસે સૂર્ય આકાશમાં ફરે છે, શા માટે રાતે ચંદ્ર આકાશમાં વિહાર કરે છે. શા માટે તારા ભરેલું પૂરું આકાશ તેની ફરતે ગોળ ગોળ ફરે છે. તેની સમજમાં કાંઈ પણ આવતું નહોતું. પછી તેને અગ્નિનો પરિચય થયો. તે સૂર્યને અગ્નિની તકતી માનવા લાગ્યો. પછી ખબર પડી કે સૂર્ય - ચંદ્ર થાળીઓ નથી પણ ગોળા છે. અગ્નિના વિવિધ ઉપયોગો જોઈ તે તેનો ઉપયોગ કરવા લાગ્યો. રાંધવામાં, પ્રકાશ મેળવવામાં, જંગલી પશુઓથી બચવા તે અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો. પથ્થર ફેંકવાની ક્રિયા પણ તેને બહુ કામ લાગવા માંડી. પછી ચક્રની શોધ થઈ. ખેતીની શોધ થઈ. પાણીની તેને મહત્તા સમજાઈ. નદી કિનારે સંસ્કૃતિ વિકસી.

ખેતી કરવા માટે ઋતુઓ જાણવાની જરૂર જણાઈ. સમય જાણવા માટે તેણે આકાશના તારા તરફ મીટ માંડી. તેમાંથી ખગોળવિજ્ઞાનનો જન્મ થયો. રાશિઓ, નક્ષત્રો, તારકસમૂહ, મહિના, પખવાડિયા, અઠવાડિયા વર્ષ અસ્તિત્વમાં આવ્યાં. નક્ષત્રો પરથી મહિનાનાં નામો પાડવામાં આવ્યાં. પૂર્ણિમાને દિવસે ચંદ્ર જે નક્ષત્રમાં હોય તેના પરથી મહિનાનું નામ પાડવામાં આવ્યું. રાત્રે તારાનો અને ચંદ્રનો અભ્યાસ, દિવસે સૂર્યનો અભ્યાસ સદીઓ સુધી થયો અને ખગોળ વિજ્ઞાન અસ્તિત્વમાં આવ્યું.

આધુનિક પ્લેનેટેરિયમ આપણને આકાશનું સચોટ જ્ઞાન આપવા સક્ષમ છે. આકાશીપિંડોની ગતિવિધિ આપણને તાદૃશ્ય કરે છે. જોકે આ કૃત્રિમ આકાશ છે. તેમાં સૂર્ય, ચંદ્ર, તારા કૃત્રિમ છે પણ તે વાસ્તવિક આકાશની ગતિવિધિને તાદૃશ્ય કરે છે અને બ્રહ્માંડને સમજાવી શકે છે. આ કૃત્રિમ છે પણ વાસ્તવિક છે. જે વાસ્તવિક રાત્રિઆકાશ ન દર્શાવી શકે તે પ્લેનેટેરિયમનું કૃત્રિમ આકાશ દર્શાવી શકે છે. ખગોળ વિજ્ઞાનના અભ્યાસ માટે પ્લેનેટેરિયમ ઘણું મહત્ત્વનું છે. થોડા સમયમાં તે આકાશમાં ચાલતી બધી ક્રિયાઓનું ડેમોન્સ્ટ્રેશન આપણી સમક્ષ કરી શકે છે. તે સમયને સાંકડો બનાવી શકે છે. ભૂતકાળમાં કયા દિવસે કયું આકાશ હતું. કેવું આકાશ હતું તે દર્શાવી શકે છે. ભવિષ્યમાં કયા દિવસે કેવું આકાશ હશે તે પણ દર્શાવી શકે છે. તે તમારું ભવિષ્યકથન તો ન કરે પણ ભવિષ્યનું આકાશ તો દર્શાવી શકે. ગ્રહોનાં સ્થાનો સાથે આપણે આકાશ જોઈ શકીએ છીએ. દિવસે આકાશ જોઈ શકીએ છીએ. સૂર્ય સાથે આકાશ જોઈ શકીએ છીએ. બીજું આપણને શું જોઈએ? પ્લેનેટેરિયમ આધુનિક વિજ્ઞાનમાં મહાન શોધ ગણાય. તે હકીકતમાં જાદુ કરે છે. તે તમને પૃથ્વી પરની કોઈ પણ અક્ષાંશ અને રેખાંશ પરનું આકાશ દિવસે દેખાડી શકે છે. તે તેની અદ્ભુત ક્ષમતા છે. તે આકાશને અવની પર ઉતારે છે.

આકાશમાં ૧૨ રાશિઓ સૂર્યના માર્ગ પર છે અને ૨૭ નક્ષત્રો ચંદ્રના માર્ગ પર છે. પ્લેનેટેરિયમનું આકાશ તમને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના પ્રદેશો પરનું આકાશ પણ દર્શાવી શકે છે. પ્લેનેટેરિયમનું પ્રોજેક્ટર ત્રણે ધરી પર ચાલે છે. પ્લેનેટેરિયમના આકાશમાં ભૂતકાળની પૌરાણિક કથાઓને કંડારવામાં આવી છે. તે આપણને ભૂતકાળમાં પણ લઈ જઈ શકે અને ભવિષ્યમાં પણ લઈ જઈ શકે. આકાશ બ્રહ્માંડનો ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ પોતાનામાં લઈને બેઠું છે. તેને ઉકેલતા આવડવું જોઈએ. અહીં હું ફળ જ્યોતિષની વાત નથી કરતો.

પ્લેનેટેરિયમ આધુનિક યુગની એક મહાન શોધ છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=129218

No comments:

Post a Comment