Wednesday, June 4, 2014

જાપનીઝ કરોશી વિરુદ્ધ ભારતીય કર્મયોગ --- ગીતા માણેક

જાપાન જેવા દેશમાં સતત કામ અને એના વળતરનો મહિમા છે. એ વળતર મોટા ભાગે ભૌતિક જ હોય છે. જ્યારે આપણે ત્યાં તો કર્મ કરીને ફળની આશા કે અપેક્ષા ન રાખવા વિશે ભગવદ્ગીતા એક વાર પણ ન વાંચી હોય એવો નિરક્ષર પણ જાણે છે

તાજેતરમાં કાર બનાવતી જાપાનની ટોયેટો કંપનીના હિંદુસ્તાન ખાતેના પ્લાન્ટમાં તાળાં લાગી ગયાં છે. એનું કારણ મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચેનો ક્લેશ છે. આ અગાઉ હરિયાણામાં જાપાનની મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં તો મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે વાત એટલી વણસી હતી કે કંપનીના હ્યુમન રિસોર્સિસ અથવા એચ.આર. વિભાગના વડાની કામગારોએ હત્યા કરી નાખી હતી. આમ તો આ વ્યાપાર જગતના સમાચાર છે, પણ આ ઘટનાઓના મૂળ છે ભારતીય અને અન્ય દેશ ખાસ કરીને જાપાન જેવા દેશ વચ્ચેના મૂળભૂત જીવનલક્ષી અભિગમમાં. અણુબોમ્બને કારણે વિનાશ પામેલું જાપાન ફરી બેઠું થયું, સુનામી જેવી કુદરતી આફતો તેને હંફાવી નથી શકતી એ ચોક્કસપણે પ્રશંસનીય બાબત છે, પરંતુ એક બીજી બાજુ છે આ આખી વાતની. જાપાન કે અન્ય દેશોના ગુણગાન ગાતા લોકો કદાચ અડધું જ ચિત્ર રજૂ કરતા હોય છે. જાપાનમાં દર વર્ષે ૧૦,૦૦૦થી પણ વધુ લોકો કરોશીનો ભોગ બને છે. કરોશી એ જાપાનીઝ શબ્દ છે જેનો અર્થ છે વધુ પડતા કામને કારણે થનારું મૃત્યુ! બીજો એક જાપનીઝ શબ્દ છે કારોજીસત્સુ જેનાથી જાપનીઝ પરિવારો થથરે છે. કારોજીસત્સુ એટલે વધુ પડતા કામને કારણે આવતા તનાવને લીધે કરવામાં આવતી આત્મહત્યા. જાપાનમાં દર વર્ષે ૩૧,૦૦૦થી પણ વધુ લોકો કામના દબાણને કારણે આત્મહત્યા કરે છે! અત્યાધુનિક ટેક્નોલોજીને કારણે વિશ્ર્વ એક ગામડું બની ગયું છે એવું ગાઈવગાડીને કહેવામાં આવે છે પણ જેટલી ઝડપથી ઈ-મેઈલ પહોંચે છે એટલી વારમાં સદીઓથી આપણા માનસમાં અંકિત થયેલા અને લોહીમાં વહેતા સંસ્કારો બદલાતા નથી. જે ઝડપે ટેક્નોલોજી હરણફાળ ભરી રહી છે એની સાથે માનવમન અને માનવસંસ્કૃતિ તાલ મિલાવી શકતી નથી.

માનવને ઔદ્યોગિક ઉત્પાદન માટેનું મશીન સમજતા જાપાનની કંપનીઓ ઉત્પાદનની કિંમત ઘટાડીને વધુમાં વધુ નફો કમાવવાના આશયથી ભારત જેવા દેશમાં આવી તો જાય છે, કારણ કે અહીં કામગારોની અછત નથી. આ કંપનીઓ પગાર તો ઊંચા આપે છે પણ અહીંના લોકોની માનસિકતા સમજવાની કોશિશ કરતી નથી અને એને કારણે જે દુર્ઘટનાઓ સર્જાય છે એનો દાખલો છે હરિયાણાના મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં થયેલી હિંસા.

જાપાનમાં આજીવન એક જ કંપનીમાં કામ કરવું, માલિકને વફાદાર રહેવું એવી સંસ્કૃતિ છે. પોતાના કામ અંગે ફરિયાદ કરવી એ શરમજનક ગણાય છે એટલું જ નહીં કામ, કામ અને બસ કામને જ પ્રાધાન્ય આપવામાં જાપનીઝ ધન્યતા અનુભવે છે. કામ જ સર્વોપરી ગણાય છે, પરિવારથી પણ અધિક કામને મહત્ત્વ આપવામાં આવે છે. હવે જો કે નવી પેઢીમાં થોડો ઘણો ફેરફાર જોવા મળે છે પણ કારોશી અને કારોજીસત્સુના કિસ્સાઓ હજુ પણ એ જ માનસિકતા દર્શાવે છે.

આવી માનસિકતા ધરાવતા જાપનીઝ માલિકો જ્યારે હિંદુસ્તાન જેવા દેશમાં ઉત્પાદન અને વેપાર અર્થે આવ્યા ત્યારે તેમણે આ ફૂટપટ્ટીથી તેમ જ આ જ માપદંડ લાગુ કરવા માંડ્યો. હરિયાણા ખાતે તેમના પ્લાન્ટમાં કામગારો તેમનાં સગાં-સંબંધીના લગ્નપ્રસંગ કે ઉત્સવ માટે રજા માગે એ તો ધડ્ દઈને નામંજૂર કરી જ દેવામાં આવતી હતી પણ પરિવારના કોઈ સદસ્યના મૃત્યુપ્રસંગે પણ રજા આપવામાં આવતી નહોતી.

ભારતીયોના જીવનમાં હર્ષ કે શોકના પ્રસંગોએ પરિવાર અને સ્વજનોના પડખે રહેવાની સંસ્કૃતિ તેમ જ સંસ્કાર છે જેનો જાપાન, અમેરિકા જેવા દેશને ખ્યાલ પણ નથી. જુઓ, અણુબોમ્બ જેવી ઘટના અને સુનામી જેવી કુદરતી આફતો પછી પણ જાપાન કેવું ઊભું થઈ ગયું અને કેવો આર્થિક વિકાસ કરી નાખ્યો એવી પિપૂડી વગાડનારાઓની કમી નથી, પણ પ્રશ્ર્ન એ ઉપસ્થિત થાય છે કે માત્ર આર્થિક સમૃદ્ધિ એ જ માત્ર આપણા જીવનનું લક્ષ્ય હોઈ શકે ખરું?

ભારતીય સંસ્કૃતિ કંઈ કામચોર બનવાનું નથી શીખવતી. જે કામ કરીએ એ નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી કરવું એ તો ખરું જ પણ આપણે ત્યાં ઉત્સવો, લગ્ન-પ્રસંગો અને અન્ય તહેવારોનો પણ એટલો જ મહિમા છે. એ જ તો કારણ છે કે ચોવીસ કલાક અને ત્રણસો પાંસઠ દિવસ માત્ર કામ, કામ અને કામ કરવાનું કલ્ચર પ્રવેશ્યું એ પહેલાં આપણા દેશના લોકોને મનોચિકિત્સકની જરૂર ઓછી પડતી હતી. હજુ પણ મેટ્રો સિટીઝ કે જ્યાં વધુને વધુ સફળતા હાંસલ કરવાનું ગાંડપણ પ્રવેશી ચૂક્યું છે એવાં નાનાં શહેરોને બાદ કરતા બાકીના હિન્દુસ્તાનને સાયકિયાટ્રિસ્ટની જરૂર ઓછી પડે છે. ઉત્સવોમાં નાચી-ગાઈને આપણા તનાવોનું ધોવાણ ક્યારે થઈ જાય છે એની આપણે ખબર પડતી નથી. પોતાના મનની વાત એકબીજા પાસે જઈને આપણે કરી શકીએ છીએ. આપણા કાકા, મામા, કઝીન કે મિત્ર પાસે આપણી વાત સાંભળવાનો સમય હોય છે. 

દિવસના કે મહિનાના અમુક કલાકો કામ કર્યા પછી આપણા પરિવાર, સ્વજનો, મિત્રો અને જાત માટે સમય ફાળવવાનું આપણને શીખવવામાં આવ્યું છે. કોઈક પરિચિતની દીકરી માટે મુરતિયો ન મળતો હોય તો ગાંઠના ગોપીચંદન કરીને અને ખાસ તો સમય ફાળવીને તેના લગ્ન માટે મથામણ કરનારાઓ આપણી આસપાસ મળી જ આવશે. એકબીજાના સુખ-દુ:ખમાં સહભાગી બનવાનું આપણને ગળથૂથીમાંથી મળ્યું છે. આપણા બાળકને ઘોડિયે હીંચકાવવાનો અને સાઈકલ પકડીને તેની પાછળ દોડતાં-દોડતાં તેને સાઈકલ શીખવવાનો સમય હિંદુસ્તાની મા-બાપ પાસે હોય છે.

અસાધ્ય બીમારીથી પિડાતી અને અમેરિકામાં ન્યુ યોર્કની હોસ્પિટલમાં જિંદગીના આખરના દિવસો વીતાવી રહેલી એક નાનકડી છોકરીએ એક કવિતા લખીને ઇન્ટરનેટ પર અને વ્હોટ્સ અપ પર વહેતી મૂકી છે. આ કવિતામાં એ તમામ કામઢા’ લોકો માટે હૃદયદ્રાવક 

સંદેશ છે

ધીમા પડો

તમે ક્યારેય બાળકોને ચકડોળમાં ફરતાં જોયાં છે?

કે પછી

વરસાદનાં ફોરાંનો ધરતી પર પડવાનો રણકાર સાંભળ્યો છે?

ક્યારેય પતંગિયાની પાછળ દોડ્યા છો?

કે પછી ક્ષિતિજ પર અંધકારમાં ઓગળતા સૂર્યને જોયો છે?

જરા ધીમા પડો

આટલા બધા જોરથી ડાન્સ ન કરો.

સમય ઝાઝો નથી

મ્યુઝિક બહુ લાંબો સમય ચાલવાનું નથી.

શું તમે સતત ઉતાવળમાં હો છો?

કેમ છો? તો પૂછો છો પણ 

જવાબ સાંભળવાની દરકાર કરો છો?

દિવસના અંતે જ્યારે તમે પથારીમાં પડો છો

ત્યારે વિશ્રામ કરો છો

કે પછી

આવતી કાલે કરવાના કામની માનસિક દોડમાં હો છો?

જરા ધીમા પડો

આટલા બધા જોરથી ડાન્સ ન કરો.

સમય ઝાઝો નથી

મ્યુઝિક બહુ લાંબો સમય ચાલવાનું નથી.

તમે તો તમારા બાળકને કહી દો છો

અત્યારે નહીં કાલે કરીશું

પણ એ ધાંધલમાં

શું તમે તેના ચહેરા પરની ઉદાસી વાંચી છે?

શું તમે તમારો એક સાચો મિત્ર ગુમાવ્યો છે

એટલા માટે કે

તમારી પાસે તેને ફોન કરીને 

હાય’ કહેવાનો સમય નહોતો?

જરા ધીમા પડો

આટલા બધા જોરથી ડાન્સ ન કરો.

સમય ઝાઝો નથી

મ્યુઝિક બહુ લાંબો સમય ચાલવાનું નથી.

જ્યારે તમે ક્યાંક પહોંચવા માટે

આટલા ઝડપથી દોડો છો

ત્યારે તમે એ પ્રવાસનો આનંદ

ગુમાવી બેસો છો

જ્યારે તમે દિવસભર

હાંફળાફાફળા દોડ્યા કરો છો

ત્યારે ઈશ્ર્વરે આપેલી આ સુંદર દિવસની

ભેટ પરનો રૂપેરી કાગળ

ખોલ્યા વિના જ ફેંકી દીધો હોય એવું નથી લાગતું?

જિંદગી એ દોડ નથી

ધીમા પડો

જીવનનું સંગીત સાંભળો

એ પહેલાં કે આ જિંદગીનું ગીત 

સમાપ્ત થઈ જાય.

વધુ સફળતા, વધુ સમૃદ્ધિ અને મોટા પદ પર પહોંચવા માટે દોડતા રહેતા મશીન જેવા માણસોને જિંદગીના આરે ઊભેલી આ છોકરીએ ચેતવણી ઉચ્ચારી છે. જાપાન જેવા દેશમાં સતત કામ અને એના વળતરનો મહિમા છે. એ વળતર મોટા ભાગે ભૌતિક જ હોય છે. જ્યારે આપણે ત્યાં તો કર્મ કરીને ફળની આશા કે અપેક્ષા ન રાખવા વિશે ભગવદ્ગીતા એક વાર પણ ન વાંચી હોય એવો નિરક્ષર પણ જાણે છે. આપણે ફક્ત કર્મ કરવામાં જ નહીં પણ એ કર્મ કેવી રીતે કર્યું છે અને એની પાછળની ભાવના કેવી છે એને પણ એટલું જ મહત્ત્વ આપીએ છીએ. ગીતા પ્રવચનોમાં વિનોબા ભાવે તો લખે છે કે કર્મમાં ભીનાશ પણ જોઈએ અને ભાવના પણ જોઈએ.’

ગીતા પ્રવચનોમાં વિનોબાજી લખે છે કે કર્મયોગી ખેડૂત વધારે પૈસાની આવક થાય એટલા ખાતર અફીણ અને તંબાકુની ખેતી નહીં કરે. પોતાની ખેતીના કર્મનો સંબંધ સમાજના કલ્યાણની સાથે છે એવી તેની ભાવના હોય છે. સ્વધર્મરૂપ કર્મ સમાજના કલ્યાણનું હશે. મારું વેપારનું કર્મ જનતાના હિતના માટે છે એવું સમજનારો વેપારી પરદેશી કાપડ નહીં વેચે. તેનો વેપાર સમાજને ઉપકારક હશે. પોતાની જાત વીસરી જઈ પોતાની આસપાસના સમાજ સાથે સમરસ થનારા આવા કર્મયોગી જે સમાજમાં નીપજે છે તે સમાજમાં સુવ્યવસ્થા, સમૃદ્ધિ તેમ જ મનની શાંતિ પ્રવર્તે છે.’ 

આપણે ત્યાં કામ કરવું અને પૈસા રળવા એટલી જ કર્મની વ્યાખ્યા નથી. એ જુદી વાત છે કે એ મૂળભૂત સિદ્ધાંતોને સમજ્યા વિના આપણે એનો આડેધડ અમલ કરીએ છીએ. એને કારણે એક નાનકડો વર્ગ છે એ કામચોર બની ગયો છે એ પણ હકીકત છે, પરંતુ વિનોબા ભાવેએ કહ્યું છે એમ સમાજમાં વ્યવસ્થા, સમૃદ્ધિ અને મનની શાંતિ એ ત્રણેય બાબતો પ્રાપ્ત કરી શકાય છે જો આપણે ભગવદ્ગીતાને અનુસરીએ. એ સંસ્કૃતિમાં કામ એ માત્ર વર્ક છે. આપણે ત્યાં કામ છે, કર્મ છે, નિષ્કામ કર્મ છે અને સેવા છે. સેવામાં માત્ર તન-મન-ધનથી ઘસાવાની ભાવના છે, કશું ય મેળવવાની નહીં. પશ્ર્ચિમના દેશોની જેમ કામ કરો અને વધુ કમાણી કરો એ સિદ્ધાંત આપણે અપનાવ્યો. આપણે પણ ધીમે-ધીમે કર્મયોગમાંથી કરોશી તેમ જ કારોજીસત્સુ ભણી જઈ રહ્યા છીએ એવું નથી લાગી રહ્યું?

No comments:

Post a Comment