Tuesday, June 10, 2014

કહેવાતા બૌદ્ધિકો કરતાં સામાન્ય માણસ વધુ સમજદાર --- ગીતા માણેક

ઈન્ટલેક્ચ્યુઅલ્સ નામના અંગ્રેજી ભાષામાં લખાયેલા એક પુસ્તકમાં જગતભરના મહાન લેખકો, બુદ્ધિમંતો જેમાં અંગ્રેજીના ખ્યાતનામ કવિ શેલીથી માંડીને ટોલ્સ્ટોય, હેમિંગ્વે, કાર્લ માર્કસ, સાર્ત્ર અને અન્ય ઇન્ટલેક્ચ્યુઅલ્સના અંગત જીવનની, તેમના વ્યક્તિત્વની કેટલીક અજાણી વાતો પ્રકાશમાં આવી હતી. જગતભરમાં જેમની આબરૂ મહાન માણસો તરીકેની હતી તેઓ તેમના અંગત જીવનમાં કેટલા છીછરા હતા, તેમનું માનસ અને વર્તન કેટલું ગંદુ-ગોબરું અને ક્યાંક તો કેટલું અમાનવીય હતું. આજે પણ જેમને હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ નિંબધમાં કે વક્તાઓ ટાંકતા હોય છે કે ઉપદેશ કે શિખામણ દેવા માટે જેમના શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે અને જેમને વિભૂતિઓ ગણવામાં આવે છે તેઓ તેમની અંગત જિંદગીમાં અત્યંત સ્વાર્થી, સ્વકેન્દ્રી, વ્યાભિચારી, હલકટ અને બિલકુલ અનીતિભર્યું જીવન જીવતા હતા એની કથની ખૂબ બધું સંશોધન કરીને રજૂ કરવામાં આવી છે.

આવું જ કોઈ પુસ્તક ગુજરાતી ભાષાના લેખકો, ઇન્ટલેક્ચ્યુઅલ્સ અને પ્રતિષ્ઠિત લોકો વિશે સંશોધન કરીને લખવામાં આવે તો કદાચ આમાંની મોટાભાગની વિભૂતિઓને આપણે ફૂલોનો નહીં પણ ખાસડાંનો હાર પહેરાવીએ એવી અંગત જિંદગી તેઓ જીવતા હોય છે. તેમનું વ્યક્તિત્વ ઉબકા આવે કે અહિંસક માણસને પણ ઝનૂની બની હિંસા કરવા પ્રેરે એટલી હદે માત્ર અનૈતિક નહીં પણ અમાનવીય હોય છે. એક ખૂબ જ પ્રતિષ્ઠિત લેખક અને જેમનું નામ ગુજરાતી ઇન્ટલેક્ચ્યુઅલ્સની પ્રથમ હરોળમાં લેવાય છે એવા લેખકની પત્ની બહાર ગઈ હતી પણ જ્યારે અચાનક તે ઘરે પાછી આવી અને તેની ચાવી વડે ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે બાથરૂમમાં એ લેખક તેમની સ્ત્રીમિત્ર સાથે સ્નાન કરતાં-કરતાં, રોમાન્સ કરતા રંગે હાથ પકડાઈ ગયા હતા. આ ઘટનાની કબૂલાત ખુદ તે લેખકે જ તેમના એક મિત્ર સમક્ષ કરી હતી. 

ગુજરાતી ભાષાના આવા જ એક પ્રતિષ્ઠિત ઈન્ટલેક્ચ્યુઅલે ભરાવદાર બદન, માંસલ શરીર અને ‘કાચી કુંવારી’ છોકરીની માગણી કરી હોવાનું આ લખનારની જાણકારીમાં છે. આખા ગામને સુફિયાણી સલાહ આપી પ્રસિદ્ધિ મેળવનારા એક અતિ હોશિયાર, ચાલાક અને ચબરાક ઇન્ટલેક્ચ્યુઅલ કોલમિસ્ટ અને લેખકે તેની પોતાની પત્નીને ઢોરમાર મારી અને ગળું દબાવી તેની પાસેથી દાગીનો આંચકી લીધો હતો અને પછી પોતાની યુવાન પ્રેમિકા પાછળ એ પૈસા ન્યોચ્છાવર કર્યા હતા. મિત્રો, સ્વજનો, પત્નીની તેમ જ માતા-પિતાના પૈસા બિન્ધાસ્તપણે વાપરી નાખનારા આ ઇન્ટલેક્ચ્યુઅલના કારનામાઓ પર જ 

અંગ્રેજી ભાષાના ઇન્ટલેક્ચ્યુઅલ્સ’ જેવું એક આખું પુસ્તક લખી શકાય એમ છે.

નેતાઓ, કહેવાતા સમાજસેવકો, તરુણ તેજપાલ જેવા તંત્રીઓ, આસારામ જેવા ઢોંગી અને ધુતારા સાધુઓ, લગ્ને લગ્ને કુંવારા લેખક અને કેન્દ્રિય પ્રધાન શશી થરૂર જેવા ‘પ્રતિષ્ઠિત’ લોકોના અંગત જીવનના કારનામાઓથી તો અખબારો અને મેગેઝિન છલકાય છે. જો કે ન તો આ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય અથવા ગુજરાતી ઇન્ટલેક્ચ્યુઅલ્સના વ્યક્તિત્વની આ બીજી અને ઘૃણાસ્પદ બાબતો રજૂ કરવાનું અહીં પ્રયોજન છે ન તો તેમના ગંદા લૂગડાં જાહેરમાં ધોવા કાઢ્યા છે. હકીકતમાં આ સમાજ અને દેશ જો ટક્યો છે તો આ પ્રતિષ્ઠિત અને પ્રસિદ્ધ તેમ જ કહેવાતા ઇન્ટલેક્ચ્યુઅલ્સે આપેલી ચિંતનની પડીકીઓ કે ભવ્ય અને શણગારેલા શબ્દો દ્વારા અપાતા ઉપદેશો થકી નહીં પણ સામાન્ય માણસની વિશેષતાઓ થકી.

આવી જ એક વ્યક્તિની વિશેષતાના સાક્ષી બનવાનું થયું એની વાત વાચકો સાથે વહેંચવી છે. ગુજરાતના આણંદ શહેરની ઠક્કરવાડીમાં ગયા અઠવાડિયે એક લગ્ન હતા. દરેક લગ્નમાં જેમ ક્ધયાપક્ષ અને જાનૈયાઓમાં જે આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ હોય છે એવું જ વાતાવરણ ત્યાં પણ હતું. બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. અમદાવાદથી જાનૈયાઓ સવારે જ આવી પહોંચ્યા હતા. બપોરે સાડાબાર વાગ્યાનું હસ્તમેળાપનું મુહૂર્ત હતું. બાર વાગ્યાની આસપાસ વરરાજા સહિત જાનૈયાઓ વાડી પર પહોંચવા નીકળી ગયા હતા. લગ્નની વાડીના ગેટ પર વરઘોડો પહોંચ્યો હતો. બૈન્ડવાજાં અને સંગીત ચાલી રહ્યું હતું. જાનૈયાઓ પોતાનો આનંદ અને ઉમંગ વ્યક્ત કરવા નાચી રહ્યા હતા. ક્ધયાપક્ષના સગાંવહાલાઓ મિત્રો પણ તેમને આવકારવા દરવાજે આવ્યા હતા. બધું જ આયોજન અનુસાર ચાલી રહ્યું હતું પણ એ જ વખતે કચરો લઈ જતું એક ડમ્પર ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. ડમ્પર ચલાવનાર ડ્રાઈવર દારૂ પીધેલો હતો અને તેણે વાહન પરનો કાબૂ ગુમાવ્યો. આનંદપૂર્વક નાચી રહેલા જાનૈયાઓ પર ડમ્પર ફરી વળ્યું અને વરરાજાની માતા સહિત કુલ ત્રણ મહિલાઓ ચગદાઈ ગઈ જ્યારે બારેક વ્યક્તિઓને ઈજા પહોંચી. 

સ્વાભાવિકપણે જ આનંદનો પ્રસંગ કરુણ બની ગયો. સજાવેલો મંડપ સૂનો થઈ ગયો. ઘડીભર પહેલાનો ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો. આણંદની ઝાયડસ હોસ્પિટલમાં વરરાજાની માતાનો મૃતદેહ પડ્યો હતો. થોડીકવાર માટે સ્તબ્ધતા વ્યાપી ગઈ હતી. આ અણધાર્યા આઘાતના અડધો કલાક બાદ વરરાજાના પિતા વિનોદભાઈ ધાનકે પોતાની જાત પર કાબૂ મેળવી લીધો હતો. બેન્કના અધિકારી તરીકે વરસો પ્રામાણિકતા અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવ્યા બાદ નિવૃત્તિનો સમય ગાળી રહેલા વિનોદભાઈ માટે આમ તો સૌથી નાના પુત્રના લગ્નને દિવસે જ પત્નીને આ રીતે નજર સામે અકસ્માતમાં ગુમાવવી એ વજ્રાઘાત હતો, પણ આ પરિસ્થિતિમાં તેમણે ન તો ઈશ્ર્વરને ગાળો ભાંડી કે ન તો ક્ધયા કે ક્ધયાના કુટુંબીજનો પ્રતિ રોષ વ્યક્ત કર્યો. ન તો વિનોદભાઈએ રોકકળ મચાવી કે ન તો કોઈને દોષિત ઠેરવ્યા. સહેજ સ્વસ્થ થયા બાદ તેમણે પોતાના દીકરા એટલે કે વરરાજાને પોતાની બાજુમાં બેસાડ્યો અને સમજાવ્યો કે જો બેટા, ન બનવાનું બની ગયું છે. તારી માનું મૃત્યુ થયું છે એ વાસ્તવિકતા છે. તારું દુ:ખ હું સમજું છું પણ તું એટલો વિચાર કર કે અત્યારે આપણે વરપક્ષ છીએ પણ આપણે ક્ધયાપક્ષ તરફથી હોત તો આપણી માનસિક સ્થિતિ શું હોત? તું એ છોકરીનો વિચાર કર જે શૃંગાર કરીને તારી રાહ જોઈ રહી છે. તેના માતા-પિતાનો વિચાર કર. જે કંઈ બની ગયું છે એ ચોક્કસપણે ભયંકર છે, પણ તારે લગ્ન કરી લેવા જોઈએ.

દહેજ માટે થતી હત્યાઓ, આત્મહત્યાઓ, દીકરીઓ પર થતા અત્યાચારો, સાસરિયાઓનો ત્રાસ, મહિલાઓની સમાજમાં થતી અવહેલનાના પ્રસંગો અખબારોમાં અને અન્ય મીડિયાઓમાં આવતા રહે છે. એ સમાચારોને મહત્ત્વ મળવું જોઈએ એ અંગે બેમત હોઈ ન શકે. પરંતુ આ સમાજમાં વિનોદભાઈ જેવી વ્યક્તિઓ પણ છે જે આવા કપરા સમયે પણ પોતાના મનનું સંતુલન જાળવી રાખીને જેટલો પોતાના સંતાનો અને પરિવારનો વિચાર કરે છે એટલી જ કાળજી પોતાને ત્યાં પુત્રવધૂ બનીને આવનાર ક્ધયાનો વિચાર કરે છે. 

વિનોદભાઈ કોઈ નેતા કે કોઈ ક્રાંતિકારી સંગઠનના સભ્ય નથી. તેઓ કોઈ સમાજ કે જ્ઞાતિમંડળના પ્રમુખ નથી. કોઈ પ્રતિષ્ઠિત એસોસિયેશનના સમાજસેવક નથી, તેઓ કહેવાતા બૌદ્ધિકોની યાદીમાં નામ ધરાવતા નથી પણ એક સામાન્ય નાગરિક છે. આ દેશના અસંખ્ય સામાન્ય નાગરિકોમાંના એક જે કહેવાતા બૌદ્ધિકો કરતા વધુ સંવેદનશીલ અને સમજદાર છે. તેમના ફોટાઓ અખબારમાં છપાતા નથી, તેમની મુલાકાતો ટેલિવિઝનના પડદે આવતી નથી પરંતુ તેઓ જ્યાં છે ત્યાં પોતાના પરિવાર, ઘર અને સમાજમાં ચૂપચાપ અને કશો ય દેખાડો કર્યા વિના સંવાદિતા સાધવાનું કાર્ય કરી રહ્યા છે. ભારતીય સમાજમાં જ્યાં દરેક નાની વાત માટે સ્ત્રીઓના માથે એક યા બીજા કારણસર વગર વાંકે દોષનો ટોપલો ઢોળી દેવામાં આવતો હોય છે ત્યાં વિનોદભાઈ જેવી વ્યક્તિઓ આવો કરુણ પ્રસંગ બન્યો હોવા છતાં ક્યાંય કોઈને દોષ દેતા નથી પણ તે લગ્નોત્સુક ક્ધયાના મન અને લાગણીઓની કાળજી કરે છે. 

આપણા સમાજ અને ખાસ કરીને મીડિયામાં જેટલો સમય અને જગ્યા નકારાત્મક સમાચારો માટે ફાળવવામાં આવતી હોય છે એની દસ ટકા જેટલી જગ્યા પણ સારી બાબતો કે સારા કામ કરનારાઓ માટે ફાળવવામાં આવતી નથી. આના માટે માત્ર મીડિયાને જવાબદાર ન ઠેરવી શકાય કારણ કે વાચકો એટલે કે આપણે બધા જ એવા સમાચારોને ચાટી-ચાટીને માણીએ છીએ પણ વિધેયાત્મક બાબતોમાં કોઈને ખાસ રસ પડતો નથી. 

એ જુદી વાત છે કે આવા કાર્યો કરનારાઓને પબ્લિસિટીની લગરીકે ય ઝંખના હોતી નથી. તેઓ તો પોતાના અંત:કરણને અનુસરીને જ જીવતા હોય છે. આવી વ્યક્તિઓને એ વાતની પણ પરવા હોતી નથી કે તેમની નોંધ કોઈએ લીધી કે નહીં.

જો કે હકીકત એ છે કે આ દેશ કે સમાજ કહેવાતા પ્રતિષ્ઠિત લોકોના યોગદાનથી નહીં પણ દરેક શહેર અને ગામડાંની શેરીઓમાં બળતા આવી સામાન્ય વ્યક્તિઓની વિશેષતાઓના દીવાથી ઉજ્જવળ છે, ઇન્ટલેક્ચ્યુઅલ્સના શબ્દવૈભવની ઝાકઝમાળ રોશનીથી નહીં.

No comments:

Post a Comment