Tuesday, June 10, 2014

ભગવદ્ ગીતામાંનો એક પણ અક્ષર નકામો કે કારણ વિનાનો નથી --- ગીતા માણેક

ભગવદ્ ગીતા સાથેનો મારો સંબંધ કદાચ જન્મથી જ છે. બહુ નાની હતી ત્યારે એક વાર મારા પિતાને પૂછ્યું હતું કે મારું આવું જુનવાણી નામ કેમ રાખ્યું છે? કોઈક સરસ મજાનું મોડર્ન નામ રાખવું હતુંને! એ વખતે પહેલવહેલી વાર ભગવદ્ ગીતાનું નામ સાંભળ્યું. મારા પપ્પાએ મને શક્ય એટલા સરળ શબ્દોમાં સમજાવ્યું હતું કે વિશ્ર્વના સર્વશ્રેષ્ઠ ગ્રંથોમાં જેનું નામ આવે છે, જેમાં જીવન જીવવાના પાઠ છે, જે પોતાનામાં જ એક સુંદર કાવ્ય છે અને સ્વયં કૃષ્ણનું ગીત છે એ ભગવદ્ ગીતા પરથી તારું નામ રાખ્યું છે. ત્યારથી મને મારું નામ ખૂબ ગમવા માંડ્યું.

આ બધી પ્રસ્તાવના એટલા માટે કે આજે વાત કરવી છે ભગવદ્ ગીતાની. ભગવદ્ ગીતા મહાન ગ્રંથ છે અને એ માટે એને આ લખનારના સર્ટિફિકેટની આવશ્યકતા લગરીકેય નથી કે ન તો એ મહાન ગ્રંથ પર ટીકા-ટિપ્પણી કરવાની મારી કોઈ પાત્રતા છે. ત્રણ-ચાર વાર ભગવદ્ ગીતા વાંચી છે અને એના પરનાં ભાષ્યો પણ થોડાંઘણાં વાંચ્યાં છે પણ દરેક વખતે ભગવદ્ ગીતા વાંચવાની શરૂ કરી ત્યારે એક પ્રશ્ર્ન મનમાં આવતો રહ્યો હતો. જેનો જવાબ હમણાં મળ્યો એટલે એની વાત કરવી છે.

ભગવદ્ ગીતાની શરૂઆત ધૃતરાષ્ટ્રના પ્રશ્ર્નથી થાય છે અને પહેલા અધ્યાયના શરૂઆતના શ્ર્લોકોમાં બંને પક્ષે જે યોદ્ધાઓ છે, જે સેના છે એની વાત આવે છે એ તો નાનું ટાબરિયુંય જાણે છે. જ્યારે-જ્યારે ભગવદ્ ગીતા પાસે ગઈ છું ત્યારે ત્યારે એક પ્રશ્ર્ન મનમાં થયો છે કે આટલા મહાન ગ્રંથની શરૂઆત, આજના યુવાનોના શબ્દોમાં કહું તો આટલી બોરિંગ કેમ છે? આ ગ્રંથ જે એક ઉપનિષદ છે. એમાં એકપણ શબ્દ નકામો કે કારણ વિના લખાયો હોય એ વાત માન્યમાં નહોતી આવતી. ભગવદ્ ગીતાને આધ્યાત્મિક કે ધાર્મિક ગ્રંથ ન પણ ગણીએ તોય તે ઉત્તમ કક્ષાની સાહિત્યિક કૃતિ તો છે જ. આવી રચનાની શરૂઆતમાં એના રચયિતા કશુંક પણ લખવા ખાતર લખે એ સ્વીકાર્ય નહોતું અને છતાં એનો સંતોષજનક જવાબ મળતો નહોતો. 

કોઈ પણ પ્રશ્ર્ન જો હૃદયપૂર્વક અને ગંભીરતાથી પુછાયો હોય તો એનો જવાબ યોગ્ય સમયે સામેથી આવીને મળતો હોય છે એવો આ લખનારનો અનુભવ રહ્યો છે. ભગવદ્ ગીતાના આરંભના શ્ર્લોક અંગેના પ્રશ્ર્નનો જવાબ પણ આ જ રીતે અચાનક આવી મળ્યો. 

‘ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી’ (જેનો ગુજરાતી અનુવાદ-યોગી કથામૃતના નામે ઉપલબ્ધ છે)ના લેખક અને સંત પરમહંસ યોગાનંદ વિશે ઘણા વાચકો પરિચિત હશે. પરમહંસ યોગાનંદના શિષ્ય સ્વામી ક્રિયાનંદનું પુસ્તક ‘ધ ભગવદ્ ગીતા-ભગવદ્ ગીતા કા સાર’ના નામે પ્રસિદ્ધ થયું છે. આ પુસ્તકમાં સ્વામી ક્રિયાનંદે તેમના ગુરુ પરમહંસ યોગાનંદ દ્વારા ભગવદ્ ગીતા પર કરવામાં આવેલા ભાષ્યને પોતાનાં સ્મરણોના આધારે લખ્યું છે.

ભગવદ્ ગીતાના આરંભના શ્ર્લોક વિશેની સમજણ આ પુસ્તકમાંથી મળે છે જે ઘણા અંશે સમાધાનકારક છે. ભગવદ્ ગીતાને ઐતિહાસિક સંદર્ભમાં જોઈએ તો મહાભારતના યુદ્ધમાં અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો સંવાદ છે પણ આ ગ્રંથ આધ્યાત્મિક એટલે કે સાધક માટે દિશાસૂચન અને માર્ગદર્શન કરનારો પણ છે. 

મહાભારતનું યુદ્ધ ખરેખર થયું હતું કે નહીં, આ રીતે યુદ્ધભૂમિ પર વચ્ચોવચ ઊભા રહીને અર્જુન અને કૃષ્ણ સવાલ-જવાબ કર્યા હતા કે નહીં એનું પિષ્ટપેષણ ઈતિહાસકારોને કરવા દઈએ. આવી કોઈ ઘટના ખરેખર બની હોય કે ન પણ બની હોય પણ ભગવદ્ ગીતાને માનવીના જીવનસંગ્રામમાં દિશાસૂચન કરનારી ગણીને પરમહંસ યોગાનંદે સમજણ 

આપી છે. 

એક આડ વાત કે ઓશોએ યુદ્ધભૂમિ પર કૃષ્ણ અને અર્જુનના પ્રશ્ર્નોત્તર ચાલતા હતા ત્યારે બાકીના બધા શું તેમનો સંવાદ પૂરો થાય એની રાહ જોતા ઊભા હતા એ મુદ્દાને જે રીતે સમજાવ્યો છે એ પણ એક જુદો જ દૃષ્ટિકોણ છે. તેમણે કહ્યું હતું કે અનેક વાર આપણે વિચારોમાં અમેરિકા કે આપણા ગામમાં અથવા જગતના કોઈ પણ ખૂણામાં પહોંચી જઈએ છીએ. આ બધી જગ્યાએ જો ખરેખર પ્રવાસ કરીને જઈએ તો કેટલી તૈયારી જોઈએ અને કલાકો કે દિવસો પણ લાગી શકે પણ આપણા વિચારોમાં આપણને ત્યાં પહોચતાં કદાચ થોડીક મિનિટો નહીં પણ ક્ષણ જ લાગે. હવે આપણા એ માનસિક પ્રવાસ અને વિચારોમાં આપણે જે જોયું કે અનુભવ્યું એનું વર્ણન કરવાનું કહેવામાં આવે તો કદાચ પાનાંઓ ભરાઈ જાય. ઓશો રજનીશ આ અંગે કહે છે કે કૃષ્ણ અને અર્જુનનો સંવાદ માનસિક સ્તરે થયો છે અથવા ટેલિપથીની એમાં બહુ મોટી ભૂમિકા રહી છે. 

આપણી મૂળ વાત પર પાછા આવીએ તો પરમહંસ યોગાનંદે ગીતાને સિમ્બોલિક એટલે કે પ્રતીકાત્મક ભાષામાં વાત કરતો ગ્રંથ પણ ગણાવ્યો છે. જે રીતે કોઈ ટેક્નિકલ કે ભૌતિક, રાસાયણિક, કમ્પ્યુટર કે એવા કોઈ પણ વિષયનું પુસ્તક એક સાહિત્યનો વિદ્યાર્થી કે પછી આ વિજ્ઞાનોની ટેક્નિકલ ભાષા ન સમજતો વેપારી વાંચે તો એને એમાં કંઈ ગડ ન પડે એ જ રીતે એક જાણીતા સંત આનંદમૂર્તિ ગુરુમાના શબ્દોમાં કહીએ તો આવા આધ્યાત્મિક ગ્રંથ જાતે વાંચવાને બદલે કોઈ જ્ઞાની અને એ શબ્દો જેની વાત કરે છે એ અનુભવ સ્વયં મેળવી ચૂકેલા મહાત્મા કે ગુરુ પાસે બેસીને સમજીએ તો જ એ શબ્દોમાં છુપાયેલા ગૂઢાર્થ સુધી પહોંચી શકીએ.

ભગવદ્ ગીતાને રીતસર મહાભારતના યુદ્ધમાં થયેલા સંવાદ તરીકે ન જોઈએ અને આધ્યાત્મિક ગ્રંથ તરીકે જોઈએ તો પરમહંસ યોગાનંદે આપેલી સમજણ અનુસાર શરૂઆતના શ્ર્લોકમાં જે આવે છે એ બધા પ્રતીકાત્મક શબ્દો છે, જેમ કે દુર્યોધન પ્રતીક છે ભૌતિક ઈચ્છાઓનું, પાંડવો પ્રતીક છે એ ભૌતિક ઈચ્છાઓના વિરોધમાં ઉન્નતિની આકાંક્ષાનું.

ભગવદ્ ગીતાના દ્વિતીય શ્ર્લોકનું ગીતા પ્રેસના પુસ્તકમાં કરવામાં આવેલો અનુવાદ છે. સંજય બોલ્યો (ધૃતરાષ્ટ્રના પ્રશ્ર્નના જવાબમાં) કે ‘તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યું.’ એ પછીના શ્ર્લોકમાં પાંડવોની સેનામાં ભીમ, અર્જુન, સાત્યકિ, વિરાટ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, બળવાન કાશીરાજ, પુરુજિત, કુન્તિભોજ અને પુરુષશ્રેષ્ઠ શૈબ્ય, પરાક્રમી યુધામન્યુ તથા બળવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર અભિમન્યુ વગેરેનાં નામ આવે છે.

ભગવદ્ ગીતાના આરંભના શ્ર્લોકમાં જ આવી નામની યાદી આપવા પાછળ એના રચયિતાનું શું પ્રયોજન હશે? આવી શરૂઆત શા માટે કરી હશે? એ પ્રશ્ર્નનો જવાબ પરમહંસ યોગાનંદ કંઈક એવો આપે છે કે આ બધાં નામ ઐતિહાસિક ઘટનાના સંદર્ભમાં જુઓ તો સામસામે લડવા ઉત્સુક થયેલા યોદ્ધાઓનાં છે. પણ આધ્યાત્મિક પ્રેરિપ્રક્ષ્યમાં જુઓ તો દુર્યોધન જે ભૌતિક વાસનાઓનું પ્રતીક છે તે દ્રોણાચાર્ય જે આદતો, પૂર્વ સંસ્કાર અથવા માનસિક અભિગમના પ્રતિક છે તે પોતાના ‘ગુરુ’ને પૂછી રહ્યો છે. મતલબ કે ભૌતિક વાસનાઓ આપણી આદતો અને સંસ્કારો પ્રેરિત હોય છે. સાવ સાદું ઉદાહરણ આપીએ તો જે ઘરમાં પૈસાને જ પરમેશ્ર્વર ગણવામાં આવતો હોય એ ઘરનાં સંતાનો વધુ સંપત્તિની વાસના ધરાવતાં હોય એવી શક્યતા હોય છે, કારણ કે તેમને પૈસા કમાવા એ જ જીવનનો ઉદ્દેશ્ય છે એવી સમજણ અથવા સંસ્કાર મળ્યા હોય છે.

ત્યાર પછીના શ્ર્લોકમાં ભીમ, અર્જુન, વિરાટ વગેરેનાં જે નામ આવે છે એ પણ પ્રતીકાત્મક જ છે. જેમ કે, ભીમ શારીરિક ક્ષમતા અને ઊર્જાનું તો અર્જુન જ્વલંત સંયમ, વિરાટ એ ભાવોન્માદભર્યું વ્યક્તિત્વ તો દ્રુપદ પ્રતીક છે ઈન્દ્રિય દ્વારા મળતા આનંદ પ્રત્યે નિ:સ્પૃહતાનું, ધૃષ્ટકેતુ ગમે એવાં પ્રલોભનો સામે સંયમને ટકાવી રાખનાર, ચેકિતાન જેમનામાં આધ્યાત્મિક અનુભવની સ્મૃતિ ધરબાયેલી છે, કાશીરાજ જેમનામાં ઊર્ધ્વગમન તરફ લઈ જતો ભેદ અથવા તફાવતની સમજણ છે, પુરુજિત પ્રતીક છે એવા મનનું જે પોતાની ચેતનાને ભીતર તરફ વાળી શકે છે જેને પાતંજલિ પ્રત્યાહાર કહે છે, કુન્તીભોજ ટટ્ટાર અને સ્થિર શરીરનું પ્રતીક છે જેને યોગ આસન કહીને સંબોધે છે, શૈબલ્ય જેનામાં શિસ્ત અથવા જેને પાતંજલિ નિયમ કહે છે એનું પ્રતીક છે. 

આ યાદી બહુ લાંબી છે અને આ દરેક વ્યક્તિ જે ગુણો કે અવગુણોનું પ્રતીક છે એને સમજવાનો પ્રયાસ કરીએ તો એના પર એક આખું ભાષ્ય તૈયાર થઈ શકે, પરંતુ આપણા જેવા આમઆદમી માટે જો ટૂંકમાં કહેવું હોય તો આ આખી યાદી પ્રતીકાત્મક છે જે દર્શાવે છે કે જીવન સંગ્રામમાં અસત્ પર વિજયી થવા માટે પાંડવોના પક્ષે આ બધું હતું અને કૌરવોના પક્ષે જે વ્યક્તિઓ અથવા પ્રતીકાત્મક અર્થમાં જોઈએ તો જે અવગુણો હતા એ દરેક વ્યક્તિમાં ઓછાવત્તા અંશે હોય છે. બીજા શબ્દોમાં ભગવદ્ ગીતા બહારની લડાઈની નહીં પણ ભીતરના યુદ્ધની વાત કરે છે. આપણામાં પણ સારી અને નરસી બાજુ છે મતલબ કે પાંડવો અને કૌરવો આપણી ભીતર પણ વસે છે. આ બંને વચ્ચે હરહંમેશ યુદ્ધ ચાલતું રહે છે. 

સંત તુકારામના શબ્દોમાં કહીએ તો ‘રાત્રિ દિવસ આમ્હા યુદ્ધાચા પ્રસંગ’ મતલબ કે અમારે માટે રાતદિવસ જાણે યુદ્ધટાણું-સદ્ અસદ્ બુદ્ધિ વચ્ચે ચાલતો રહેતો સંઘર્ષ.

ભગવદ્ ગીતાની શરૂઆત આપણી ભીતર જે કૌરવો અને પાંડવો છે એની વાતથી શરૂ થાય છે. આપણા આ યુદ્ધમાં આપણા સારથિ તરીકે કૃષ્ણ-કૃષ્ણ ચેતના છે. જો આપણે એ કૃષ્ણ ચેતનાના હાથમાં આપણા રથની લગામ આપી દઈએ, તેના માર્ગદર્શનમાં ચાલીએ તો આપણા આ યુદ્ધમાં આપણી જીત નિશ્ર્ચિત છે. 

ભગવદ્ ગીતાનાં આ રહસ્યો જેમ-જેમ નજર સામે ઊઘડતા જાય એમ-એમ આ ગ્રંથને શા માટે આટલો મહાન ગણવામાં આવે છે એની સમજ આવતી જાય અને વિશેષત: આ ગ્રંથમાંનો એકપણ શબ્દ કે અક્ષર નકામો તો નહીં જ પણ સકારણ અને ગર્ભિત અર્થ ધરાવે છે એની ખાતરી થતી જાય છે. 

આ ગ્રંથની વિશેષતા એ જ છે કે એને જેટલી વાર વાંચો અને સમજવાનો પ્રયાસ કરો એટલી વાર એ આપણા માટે નવા-નવા ખજાનાઓથી ભરેલી કોશ આપણા માટે ઉઘાડતો જાય છે. દરેક વખતે તે આપણી આંતરિક સમૃદ્ધિમાં ઉમેરો કરતો જાય છે. જ્ઞાનનો આ એક એવો કૂવો છે જેમાંથી જેટલું ઉલેચી શકાય એટલું ઉલેચો.

અમારો એક પરિચિત સાઈકિયિાટ્રિસ્ટે ભગવદ્ ગીતાના કૃષ્ણને વિશ્ર્વના સૌપ્રથમ કાઉન્સેલર કહ્યા છે જે ડિપ્રેશ્ડ એટલે કે વિષાદમાં પડેલા અર્જુનનું કાઉન્સેલિંગ કરે છે. તેમણે કૃષ્ણને સૌપ્રથમ કાઉન્સેલર ગણાવતી થિસિસ લખીને પી.એચ.ડી. મેળવ્યું છે તો એક જગ્યાએ એવું વાચ્યું હતું કે ભગવદ્ ગીતાના શ્ર્લોકના શુદ્ધ ઉચ્ચારણથી જે ધ્વનિ તરંગો સર્જાય છે એ વ્યક્તિના શારીરિક અને માનસિક રોગને સાજા કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. આ વિષય પર પણ ઊંડું સંશોધન થયું છે. 

ભગવદ્ ગીતાનાં વધુ આવાં રહસ્યોની વાત ફરી ક્યારેક કરીશું. જય શ્રીકૃષ્ણ.

No comments:

Post a Comment