Saturday, June 7, 2014

નવી જનરેશન કહે છે, પ્લીઝ અમને પાંગળા ન બનાવો --- ગીતા માણેક

બાળઉછેર અંગે બાળકોએ આપેલી આ ટિપ્સ સાથે સહમત થઈએ કે ન થઈએ, એને અવગણી તો ન જ શકાય
ગયા વખતે આપણે વાત માંડી હતી કે પૂણેની એક કૉલેજમાં માનસશાસ્ત્રનો વિષય ભણાવતી એક મહિલા પ્રોફેસરે એક સર્વેક્ષણ કર્યંુ હતું, જેમાં તેણે સાતમા-આઠમા ધોરણના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ બાળકોએ તેમનાં માતા-પિતાઓ અને તેમના દ્વારા થતા ઉછેર અંગે પોતાના વિચારો અને લાગણીઓ રજૂ કરી હતી. એના આધારે આ મહિલા પ્રોફેસરે એ મુદ્દાઓને વ્યવસ્થિત ગોઠવ્યા હતા. એ મુદ્દાઓનું થોડું રી-કૅપ કરી લઈ આગળ વધીએ.

આ બાળકોએ કહ્યું હતું:

ડિયર પેરન્ટ્સ, પ્લીઝ અમને સ્પોઈલ ન કરો. અમે વંઠી જઈએ એ હદ સુધી અમારી આળપંપાળ ન કરો.

અમારી સાથે મક્કમ થતાં જરા પણ અચકાઓ નહીં. તમે તમારા મત પર કાયમ રહો છો ત્યારે અમને એ વધુ ગમે છે અમારા પર બળજબરી ન કરો. એનાથી અમને એવું લાગે છે કે જગતમાં સત્તા જ સર્વસ્વ છે.

તમારી વાતમાં સાતત્ય જાળવો, જ્યારે તમે વિરોધાભાસી વાત કરો છો ત્યારે અમારા માટે સાચા-ખોટાનો નિર્ણય લેવો અઘરો બને છે. એટલું જ નહીં, પણ અમે પણ પવન પ્રમાણે પૂંઠ ફેરવાતા શીખીએ છીએ.

હવે આગળ વાત-

આપણે આપણા બાળકોને અનેકવાર વચનો આપી દઈએ છીએ એ વિચાર્યા વિના કે આપણે એ વચનો પૂરાં કરી શકશું કે નહીં. તમારા દીકરા કે દીકરીનો કોઈ ફ્રેંડ યુરોપ ટુર કરી આવે અને તમે પણ વગર વિચાર્યે તેને કહી દો કે હું તને પણ યુરોપ લઈ જઈશ ત્યારે તે એ વાતને સંપૂર્ણ સત્ય માની લે છે. સમયના અભાવ કે આર્થિક ક્ષમતા ન હોવા છતાં તમે જ્યારે આવા પ્રૉમિસ માત્ર કરવા ખાતર કરો છો અને એની પૂર્તિ નથી કરતા તો તેમનો તમારા પરથી ભરોસો ઊઠી જાય છે. યુરોપ લઈ જવા જેવી વાત તો બાજુએ રહી, પણ હું ઑફિસથી ૬ વાગ્યે આવી જઈશ પછી આપણે રમીશું, એવા સામાન્ય પ્રૉમિસ પણ શક્ય હોય ત્યાં સુધી ત્યારે જ આપવા જોઈએ જે આપણે પૂરી કરી શક્તા હોઈએ. હા, કોઈ વાર એવું બને કે કોઈ અનિવાર્ય સંજોગ આવી જાય તો એવા સમયે આપણે આપણાં સંતાનો સાથે ફોન પર અથવા ઘરે પાછા આવ્યા બાદ માફી પણ માગવી જોઈએ અને કેવા સંજોગો હતા, જેને કારણે આપણી ઈચ્છા હોવા છતાં આપણે તેને આપેલા પ્રૉમિસને પાળી ન શક્યા એની વાત કરવી જોઈએ. આપણે એવું ગૃહિત ધરી લેતા હોઈએ છીએ કે તેઓ સમજશે નહીં અથવા તો બાળકો સામે આપણે શા માટે સ્પષ્ટતાઓ કરવી જોઈએ વગેરે, પરંતુ જો આપણે એવું નથી કરતા તો તેમનો આપણા પરનો વિશ્ર્વાસ ડગમગી જાય છે એવું ખુદ તેમણે કહ્યું છે.

આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ પણ હકીકત એ છે કે બાળકો પણ એક સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે અને જે રીતે આપણે આપણી ક્ષમતા અને અન્ય વ્યક્તિ પર આપણો કેવો અને કેટલો પ્રભાવ છે એ ચકાસીએ છીએ એ જ રીતે બાળકો પણ એવું જ કરતા હોય છે. ઘણીવાર અમુક મહેમાનની હાજરીમાં કે અમુક પરિસ્થિતિઓમાં તેઓ આપણે ઉશ્કેરાઈ જઈએ એવી હરકતો જાણીબૂઝીને કરતા હોય છે. આપણે આપણા બાળકોને કેટલાં જાણીએ કે ઓળખીએ છીએ એ ખબર નહીં, પણ તેઓ આપણને બહુ સારી પેઠે જાણતા હોય છે. કઈ બાબતોથી આપણે પરેશાન થઈશું અને કઈ વાતથી આપણે વ્યગ્ર કે ક્રોધિત થઈશું એ તેઓ બરાબર જાણતાં હોય છે. તેઓ આપણા પર તેમની આ આવડતનો પ્રયોગ કરે ત્યારે આપણે ઉશ્કેરાઈ જઈએ તો તેમને આ રમતમાં મજા આવવા માંડે છે. તેમની દરેક જીત તેમને આવી વધુ હરકતો કરવા પ્રેરે છે. આવા સંજોગોમાં આપણે ઉશ્કેરાઈએ નહીં અને આપણું સંતુલન જાળવી રાખીએ તો તેઓ આ રમત રમવાનું બંધ કરી દે છે. ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે કોઈ મહેમાન સાથે કે ફોન પર અગત્યની વાત કરતા હોઈએ ત્યારે આપણું બાળક આપણી જાણીબૂઝીને કનડગત કરતું હોય છે, જેમ કે તે ચીસો પાડે કે રડવા માંડે અથવા સતત બોલાવતું રહે. આપણે અકળાઈને કે ઉશ્કેરાઈને તેને ધમકાવી નાખીએ કે ગુસ્સે થઈ જઈએ તો બાળક આ રમત ચાલુ રાખે છે. એને બદલે તેની હરકતોને અવગણીને આપણે આપણું કામ ચાલુ રાખીએ તો ધીમે-ધીમે તેને અહેસાસ થઈ જાય છે કે તે આપણું ધ્યાન આકર્ષિત કરવા ગમે તે કરે આપણે તેની આ રમતમાં સહભાગી થવાના નથી. તેમની આવી હરકતોથી આપણે વ્યથિત થઈ જઈએ તો તેમને લાગે છે કે આ રમતમાં તેમનો વિજય થયો અને તો પછી તે આવા નાના-નાના વિજયો મેળવવા માટે આવું કરતા રહે છે. અહીં અમે ફરી એકવાર યાદ કરાવી દઈએ કે આ બધું કોઈ માનસશાસ્ત્રીએ નહીં પણ ખુદ બાળકોએ જ કહ્યું છે.

આજના જમાનામાં ખાસ કરીને શહેરોમાં ઘરમાં એક અથવા બે બાળકો જ હોય છે. આપણાં બાળકોને આપણે ખૂબ ચાહીએ છીએ અને વહાલ કરતા હોઈએ છીએ. અંગ્રેજીમાં જેને ઈમોશનલ ઈન્વેસ્ટમેન્ટ કહે છે એ ઘણું ખરું આપણે આપણા બાળકોમાં જ કર્યંુ હોય છે. જેની પાછળ આપણે સમય, શક્તિ, પૈસા અને સૌથી વધુ તો પ્રેમ ન્યોચ્છાવર કરીએ છીએ એ બાળક આપણને ક્યારેક એમ કહી બેસે કે આઈ હૅટ યુ. મમ્મી કે ફૉર ધેટ મેટર ડેડી, હું તમને ધિક્કારું છું તો આપણા પગ તળેની જમીન સરકી જાય છે. જોકે આ બાળકો કહે છે કે જ્યારે અમે આવા અંતિમ વાક્યોનો પ્રયોગ કરીએ છીએ ત્યારે મા-બાપે એનાથી બહુ વ્યથિત થઈ જવાની જરૂર નથી. આવું કહીને અમે માત્ર એટલું જ વ્યક્ત કરવા માગીએ છીએ કે તમે અમારી સાથે જે કર્યંુ એ અમને ગમ્યું નહોતું અને તમને તમારી ભૂલનો અહેસાસ કરાવવા માગીએ છીએ.

ઘણા પરિવારોમાં બાળકને સતત ઉતારી પાડવામાં આવતાં હોય છે. મારી બહેનપણીની દીકરી તો કેટલું સરસ ટેબલ ટેનિસ રમે છે અથવા મારા સહકર્મચારીનો દીકરો કૉમ્પ્યુટર એક્સપર્ટ છે અને તું તો સાવ ડોબો છે, એવું જ્યારે આપણે આપણા બાળકોને સતત ટોકતા રહીએ છીએ ત્યારે તેમનામાં હીનતાની ભાવના જાગે છે. આ બાળકો કહે છે કે અમને અમારી ઉણપ અંગે ચોક્કસ કહો પણ અમને સતત ઉતારી ન પાડો. અમે પણ અમારી ઉણપો કે નબળાઈઓ સામે ઝઝૂમી રહ્યાં છીએ. અમને મોકો આપો અને અમારી સાથે ધીરજથી કામ લેશો તો અમે પણ સાબિત કરી આપીશું કે કોઈક ક્ષેત્ર તો એવું છે જ, જ્યાં અમે અવ્વલ છીએ.

આપણા ભારતીય અને ખાસ તો ગુજરાતી પરિવારોમાં મોટાભાગે બાળકોને બધી જ વસ્તુઓ હાથમાં આપવાની ટેવ હોય છે. સાતમા-આઠમા ધોરણમાં ભણતા બાળકની સ્કૂલ-બેગ પણ મા જ ગોઠવતી હોય છે. ટીનએજર છોકરી કૉલેજ જતી હોય ત્યારે તેની મા તેને હાથમાં જ ચા કે કૉફીનો કપ પકડાવતી હોય છે. એમાં ય સંતાન પુત્ર હોય તો તેના સવારે જાગવાથી માંડીને તે ઊંઘી જાય પછી તેને ચાદર ઓઢાડવાની સેવા પણ તેની મા તેને આપતી હોય છે. તમને કદાચ માન્યામાં ન આવે, પણ આ બધું બાળકોને ગમતું નથી. જે બાળકો સાથે મહિલા પ્રૉફેસરે વાત કરી હતી તેમણે કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે અમારાં મા-બાપ અમને પાંગળાં ન બનાવે. અમારા કામ અમને જાતે જ કરવા દો. મહેરબાની કરીને અમને આવી બધી સેવાઓ ન આપો અને અમે નાનકડું ‘બેબી’ (શિશુ) હોઈએ એવી રીતે અમારી સાથે વ્યવહાર ન કરો, જ્યારે તમે (એટલે કે વડીલો) અમને અમારા કામ જાતે કરવા માટે નથી પ્રેરતા અને અમને બધી જ સેવાઓ પૂરી પાડો છો ત્યારે અમને પણ તમારી સેવાઓ લેવાની મજા પડવા માંડે છે. અમે તમારા પર પૂર્ણ રીતે નિર્ભર થઈ જઈએ છીએ. આવી પરતંત્રતા આ બાળકોને અકળાવે છે. ધારો કે તમારાથી ઑફિસમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય અને આખા સ્ટાફની સામે તમારો ઉપરી તમને એ ભૂલ માટે ધધડાવી નાખે ત્યારે તમને કેવી લાગણી થાય છે? અથવા તમારો પતિ તમને તમારી કોઈ ભૂલ માટે સાસુ કે પરિવારના અન્ય સભ્યોની હાજરીમાં વઢી નાખે છે તો તમને કેવું લાગે છે? એકઝેક્ટલી એવું જ તમારું બાળક અનુભવે છે, જ્યારે તમે બીજાઓની હાજરીમાં તેમની લેફ્ટ-રાઈટ લઈ નાખો છો કે એક ધોલ લગાવી દો છો. આ બાળકો કહે છે તમે અમારી ભૂલો અંગે અમને ચોક્કસ કહો, પણ જ્યારે તમે અમારી સાથે એકલા હો ત્યારે તમે અમને અમારી ભૂલો વિશે સમજાવીને વાત કરશો તો અમે ચોક્કસ તમારી વાત સાંભળી, સમજીને એના પર અમલ કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ જ્યારે તમે અમને જાહેરમાં એલફેલ બોલો છો અથવા સતત અમારી ભૂલો દેખાડ્યા કરો છો ત્યારે અમે જડ જેવાં થઈ જઈએ છીએ. જાણીબૂઝીને એ જ ભૂલો વારંવાર કરતાં રહીએ છીએ.

પોતાના સંતાન સમક્ષ આપણે તરત વ્યાસપીઠ પર બેસી જઈએ છીએ. આખા સમાજમાં કે પરિવારમાં કોઈ આપણું સાંભળતું હોય કે ન સાંભળતું હોય મોકો મળતાંની સાથે જ આપણે આપણાં બાળકોને એકાદ ગુરુ કે બાબાની જેમ ઉપદેશ આપવા માંડીએ છીએ. બાળકોને આ બધું બહુ બોરિંગ લાગે છે. તેઓ કહે છે કે એકવાર જો તમે અમારી સાથે સંવાદ સાધશો તો તમને ખબર પડશે કે જે ઉપદેશ તમે આપો છો એનાથી વધુ અમે જાણીએ છીએ. જેમ કે ઘણા લોકોને પ્રામાણિકતા, સચ્ચાઈ, મૂલ્યો વગેરે વિષયો પર ભાષણો આપવાનો રોગ હોય છે અને આવા લોકો પોતાનાં સંતાનોને શ્રોતા બનાવીને ચાલુ થઈ જતા હોય છે. બાળકો તમને મોં પર કંઈ કહી ભલે ન શકતાં હોય પણ હકીકત તો એ છે કે આ બધી બાબતો વિશે તેઓ આપણાથી વધુ માહિતગાર હોય છે. તેમને ઉપદેશ નહીં પણ એ બધી બાબતો અમલમાં કેમ મૂકવી એનું પ્રત્યક્ષ ઉદાહરણ જોઈતું હોય છે, જે માતા-પિતાએ શબ્દોથી નહીં વર્તણૂકથી પૂરું પડે છે. તમે પ્રામાણિકતાથી જીવતા હો તો તમારું બાળક એ તમને જોઈને સહજ રીતે ઈમાનદારી શીખી જશે. એ માટે તેને ભાષણો આપવાની જરૂર નહીં પડે.

બાળકોની નાની-નાની ભૂલો અંગે આપણે તેમના પર વરસી પડતા હોઈએ છીએ. આ બાળકો કહે છે કે અમારાથી કોઈ ભૂલ થાય તો તમે અમારી સાથે એવો વ્યવહાર ન કરો કે અમે કોઈ પાપ કરી નાખ્યું છે. અમે અમારી ભૂલો પરથી શીખવા તૈયાર છીએ, પણ અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ તો અમે ‘બૅડ’ છીએ કે પછી નક્કામા અને નિષ્ફળ છીએ એવી લાગણી અમને ન આપો.

‘હું ક્યારથી તને કહું છું તું સાંભળતો કેમ નથી’ એવો ડાયલૉગ આપણાં ઘરોમાં વારંવાર સંભળાતો રહે છે. ટીનએજર છોકરો કે છોકરી આપણે બોલતાં હોઈએ તોય તેમના કૉમ્પ્યુટર કે મોબાઈલમાં મોં ઘાલીને જાણે બહેરા હોય એવી રીતે વર્તન કરતા હોય છે. આ બાળકોનું કહેવું છે કે તમે સતત અમને ટોક્યા કરો છો એટલે અમે આ રસ્તો શોધી લીધો છે કે તમારા શબ્દોને અમે કાન સુધી પહોંચવા જ નથી દેતાં અથવા એના પર ધ્યાન જ નથી આપતાં. તમે અમારી પાછળ ન પડી જાઓ તો કદાચ આ પરિસ્થિતિ જ ઊભી નહીં થાય. ઘણા વડીલો પોતાના બાળકો કોઈ અપરાધી અને પોતે સીઆઈડી હોય એવી રીતે નજર રાખતા હોય છે. આવું બધું બાળકોને બહુ અકળાવે છે. તેઓ કહે છે કે જ્યારે તમે અમારા પર વધુ પડતી શંકાઓ કરો છો ત્યારે અમે તમારી સાથે જૂઠ્ઠું બોલવાનો માર્ગ અપનાવીએ છીએ.

છેવટની અને છતાં ય બહુ જ અગત્યની વાત આ બાળકોએ કરી છે કે અમને અમારી રીતે પ્રયોગ કરવા દો અને એને ચલાવી લો, કારણ કે અમારી જિંદગી તમે દોરેલા નકશા પ્રમાણે જ ચાલે એવી અપેક્ષા કરવી અયોગ્ય છે. આ પ્રયોગો કરતા અમે ક્યાંક ચૂકીએ તો અમને સાચવી લો. અમારી સાથે આકળા ન થાઓ. આજની પેઢીનાં આ સંતાનોએ પોતાની વાત નિખાલસતાથી રજૂ કરી છે. શક્ય છે કે તેમની બધી વાતો સાથે આપણે સહમત ન થઈએ, પણ તેમની વાતો આપણે સાંભળવી તો જોઈએ જ. આ ટીપ્સ આપણને તેમની સાથે એક સુસંવાદિત સંબંધ બાંધવામાં તો મદદરૂપ થઈ જ શકે. જે મુદ્દાઓ તેમણે કહ્યા છે એ અંગે ભિન્ન મત હોઈ શકે, પણ એક તો નિર્વિવાદ સત્ય છે કે આપણે આપણાં બાળકોને જેવાં જોવા ઈચ્છતાં હોઈએ એવાં પહેલાં આપણે પોતે બનવું પડતું હોય છે

No comments:

Post a Comment