Saturday, June 7, 2014

આપણે દુર્વાસાનો અવતાર હોઈએ અને સંતાન પાસે બુદ્ધ જેવી શાંતિની અપેક્ષા રાખીએ! --- ગીતા માણેક

સંતાનો પાસેથી બાળઉછેરની ટિપ્સ લેવા તૈયાર છો?

આપણે આપણાં બાળકોને કેટલાં જાણીએ અને ઓળખીએ છીએ? આવો પ્રશ્ર્ન કોઈ આપણને પૂછે તો આપણે કદાચ હસી પડીએ કે આ તે કેવો વાહિયાત સવાલ છે. આપણામાંના મોટાભાગના કહેશે કે અમે જ તો તેમને જન્મ આપ્યો છે. તેને ગળથૂથી ચટાડવાથી માંડીને તેના પી... પી... અને છી... છી... સાફ કરવા, તેમને સ્કૂલમાં મોકલવા, ભણાવવા, જમાડવા અને તેમને શિસ્તના પાઠ આપવાનું, તેમને લાડ કરવાનું અને વઢવાનું, અનેકવાર ધોલધપાટ કરવાનું તેમ જ સૌથી વધુ મહત્ત્વનું એટલે કે તેમને સંસ્કાર આપવાનું કામ પણ અમે જ તો કર્યું છે. કેટલાક તો વળી એમ પણ કહેશે કે હું મારા દીકરા કે દીકરીને નખશિખ ઓળખું છું.

વેલ, અહીં અમે પૂણેની એક કોલેજમાં માનસશાસ્ત્રનો વિષય ભણાવતી એક પ્રોફેસર દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ અને એના તારણો મૂકીએ છીએ. આ મહિલા પ્રોફેસરે પૂણેની સ્કૂલોમાં જઈને સાતમા અને આઠમા ધોરણના અનેક સ્ટુડન્ટ્સ સાથે વાત કરી. આ બધા સ્ટુડન્ટ્સ સાથે એક ફ્રેન્ડની જેમ વાતચીત કરીને તેમને પૂછ્યું કે જો તમને તમારા મા-બાપ સાથે એકદમ નિખાલસતાથી, કોઈ પણ પ્રકારના સંકોચ કે ભય વિના વાત કરવાની તક મળે તો તમે તમારા મા-બાપને શું કહેવા માગશો? સાતમા-આઠમા ધોરણના આ બચ્ચાંઓએ જે જવાબ આપ્યો એ ખરેખર વડીલોની આંખ ઉઘાડનારા અને ચોંકાવનારા છે. આ બાળકોએ જે કહ્યું તેને પૂણેની તે મહિલા પ્રોફેસરે વ્યવસ્થિત રીતે ગોઠવીને એક રિપોર્ટ તૈયાર કર્યો છે. બાળકોએ તેમની ભાષામાં અભિવ્યક્ત કરેલી બાબતોને તે પ્રોફેસર મુદ્દાસર ગોઠવી છે. પહેલી વાત આ બાળકોએ કહી છે કે મહેરબાની કરીને અમને સ્પોઈલ ન કરો. મતલબ કે અમે વંઠી જઈએ ત્યાં સુધી અમારી આળપંપાળ ન કરો. અમે જાણીએ છીએ કે અમારે શું માગવું જોઈએ અને શું ન માગવું જોઈએ. એમ છતાં અમે ઘણી વાર એવી વસ્તુઓની માગણી કરીએ છીએ કે જે અમારે ન કરવી જોઈએ અથવા જીદ કરીએ છીએ જે યોગ્ય નથી હોતી. આવું અમે એટલા માટે કરીએ છીએ કે તમે કેટલા પાણીમાં છો એ અમે જોવા માગતા હોઈએ છીએ.

કેટલીય વાર આપણે આપણા બાળકોની અયોગ્ય અથવા તો આપણી પહોંચની બહાર હોય એવી વસ્તુઓ માટેની માગણીઓને ખેંચીતાણીને પણ સંતોષી છે. આપણને એવું લાગતું હોય છે કે મોંઘીદાટ વિડિયો ગેમ કે પછી ગિયરવાળી સાઈકલ અથવા પાર્ટી ડ્રેસ માટેની માગણી પૂરી કરીને આપણે આપણા બાળકની નજરમાં હીરો બની ગયા છીએ, પરંતુ હકીકતમાં આપણે કેટલા મક્કમ છીએ એ આપણું બાળક ચકાસવા માગતું હોય છે. આપણે જો આપણા નિર્ણયો તેમની લાગણીઓ કે જીદના દબાવમાં આવી જઈને બદલીએ છીએ તો તેમને લાગે છે કે કાં તો આપણે ખોટું બોલી રહ્યા હતા કે આપણને એ વસ્તુ પરવડતી નહોતી અથવા તેઓ પણ લાગણીઓના પ્રવાહમાં તણાઈ જવાનું આપણી પાસેથી જ શીખે છે. આ બાળકો કહેવા માગતા હતા કે જો અમારી માગણી ગેરવાજબી હોય તો અમને એના વિશે સ્પષ્ટપણે કહો. અમારી સાથે સંવાદ સાધીને અમને કહો કે અમારી આ માગણી તમે પૂરી નહીં કરી શકો અને પછી તમારા નિર્ણય પર મક્કમ રહો. અમારી હાએ હા કરવાને બદલે પોતાની વાત પર વળગી રહેનારા વડીલનું અમારી નજરમાં માન વધુ હોય છે. બીજી વાત આ બચ્ચાંઓએ કહી છે કે અમારી સાથે મક્કમ રહો. અમને એ વધુ પસંદ છે. તમે જ્યારે અમારી સાથે મક્કમતાથી વર્તો છો તો અમને ખ્યાલ આવે છે કે અમે ક્યાં ઊભા છીએ. મતલબ કે અમારું સ્થાન શું છે અને ક્યાં છે. એટલુ જ નહીં પણ યોગ્ય અને અયોગ્ય શું છે એ અંગે અમારા ખ્યાલ સ્પષ્ટ રહે છે.

બાળકોનો ઉછેર કરતા કરતા કેટલીયવાર આપણે આ ભૂલ કરી છે. ઘણીવાર કોઈ મહેમાન આવ્યા હોય કે આપણે કોઈ કામમાં વ્યસ્ત હોઈએ ત્યારે બાળકોની જીદ સામે નમતું જોખી દઈએ છીએ. જ્યારે આપણે આવું કરીએ છીએ ત્યારે બાળકો ખરેખર તો મૂંઝવણમાં મૂકાઈ જાય છે કે આપણે અગાઉ જે કહ્યું હતું એ માત્ર કહેવા ખાતર કહ્યું હતું અને જો એવું નહોતું તો પછી હવે આપણે શા માટે એનાથી સદંતર વિપરીત વાત માટે પરવાનગી આપવા તૈયાર થઈ ગયા. બીજા શબ્દોમાં કહીએ તો બાળકોનો આપણા પરથી ભરોસો ઊઠી જાય છે અને તેમને લાગે છે કે આપણે જ સ્પષ્ટ નથી કે આપણે શું કહેવા કે કરવા માગીએ છીએ.

ત્રીજી અને બહુ જ અગત્યની વાત આ બાળકોઓ કરી છે. તેઓ કહે છે મારા પર બળજબરી ન કરો. જ્યારે તમે તમારી સત્તા કે તાકાતનો ઉપયોગ કરી મારી પાસે કંઈ કરાવો છો ત્યારે હું તમારી પાસેથી એ જ શીખું છું કે દુનિયામાં તાકતવરે તેનાથી નબળા કે અસહાય પાસે આ જ રીતે પોતાનું ધાર્યું કરાવવું જોઈએ. વડીલો જ્યારે અમારા પર (સંતાનો પર) પોતાની સત્તા વાપરીને કંઈ કરાવે છે ત્યારે અમને લાગે છે કે સત્તા હોવી જરૂરી જ છે.

યાદ કરો કેટલીવાર આપણે આપણા બાળકને એક તમાચો મારીને કે બાથરૂમમાં પૂરી દઈને આપણી વાત મનાવડાવી છે! આપણી આવી જોહુકમી સામે બિચારું અસહાય બાળક કશુંય કરી શકતું નથી, પરંતુ હા, તેના માનસમાં એ વાત કોતરાઈ જાય છે કે ધાર્યું કરાવવું હોય તો ધોલ-ધપાટ કરો, દાદાગીરી કરો, હિંસક બનો પણ યેનકેન પ્રકારેણ તમે જ સાચા છો એ પૂરવાર કરો પછી ભલે એના માટે ગમે તે કરવું પડે. આપણા આ વર્તનથી બાળકોને લાગે છે કે સત્તાના જોર પર બધું જ કરી શકાય. આ બાળકો જીવનભર કાં રાજકીય, શારીરિક કે આર્થિક સત્તાને જ લક્ષ્ય રાખવા માંડે છે.

આને બદલે આપણે આપણા બાળકોને સમજાવી, મનાવી અને જો ન માને તો તેમને તેમની રીતે જીવનના કડવા અનુભવો મેળવવા દઈને શીખવા દઈએ. શું આપણે પણ કેટલી બધી બાબતો આ જ રીતે ભૂલ કરીને જ નહોતા શીખ્યા? મા-બાપ તરીકે આપણે ઈચ્છતા હોઈએ છીએ કે જે તકલીફો આપણે એ ભૂલોને કારણે વેઠી એ આપણા બચ્ચાંઓ ન સહન કરે, પરંતુ દરેક વખતે એ શક્ય નથી હોતું. ઘણીવાર શીખવા માટે માણસે પોતે જ ભૂલોે કરવી પડે છે!

હા, એવી કોઈ બાબત હોય કે જેનાથી બહુ મોટું નુકસાન થઈ જવાનું હોય તો જુદી વાત છે પણ આપણે તો નાની-નાની બાબતોમાં પણ આપણું ધાર્યું કરાવવા માટે અથવા આપણું પોતાનું મગજ ઠેકાણે ન હોય, બહાર કોઈ સરકારી અધિકારી કે ઉપરી સાથે ઝઘડીને આવ્યા હોય કે અન્ય કોઈ તનાવ હોય ત્યારે આપણે બાળકો પર તૂટી પડતા હોઈએ છીએ. એને કારણે તેમના માનસ પર આપણે શું અંકિત કરી દઈએ છીએ એનો આપણને અંદાજ પણ નથી હોતો.

ચોથો મુદ્દો આ બાળકોએ એ રજૂ કર્યો હતો કે મા-બાપની વાતમાં સાતત્ય હોય એવું અમે ઈચ્છીએ છીએ. પોતાની સગવડ અનુસાર પોતે જ કહેલા સિદ્ધાંતો કે નિયમોમાં ફેરબદલ કરવાની વડીલોની વૃત્તિથી અમે અસમંજસમાં મૂકાઈ જઈએ છીએ. અમને સમજાતું નથી કે શું સાચું અને શું ખોટું છે.

એક સાવ સાદું ઉદાહરણ આપીએ તો માની લો કે તમે તમારા બાળક સામે હિન્દી ફિલ્મના અશ્ર્લીલ ગીતો અને ડાન્સની સખત શબ્દોમાં ટીકા કરી હોય. તેને બોલીવુડ ડાન્સ શીખવતા ક્લાસમાં જવાની ઘસીને ના પાડી હોય અને એ જ અઠવાડિયે તમારા તમારા બોસની દીકરીની બર્થડે પાર્ટીમાં જવાનું થાય. એ પાર્ટીમાં તે છોકરી ચિકની ચમેલી કે એવા કોઈ ગીત પર ડાન્સ કરે અને તમે જોરજોરથી તાળીઓ વગાડો કે તેની પ્રશંસાના (ભલે ખોટેખોટા) શબ્દોના પુલ બાંધો ત્યારે તમારું સંતાન એ જોતું હોય છે અને નોંધતું હોય છે એ ભૂલી ન જતા. જ્યારે તમે જ શીખવેલા પાઠથી તમે વિપરીત વર્તન કરો છો ત્યારે તમે તમારા સંતાનની નજરમાંથી તમે ઉતરી જાઓ છો. ખુદ નહાઈને ટુવાલ પણ સૂકવતા ન હો અને બાળકોને ચોકસાઈ રાખવા અંગે શિખામણ આપો છો ત્યારે બાળક ભલે તમને કંઈ કહી ન શકતું હોય પણ તે તમારી કોઈ વાતને ગંભીરતાથી નથી લેતું.

હા, કેટલીકવાર એવું બનતું હોય છે કે જિંદગીના અમુક દાયકા વિતાવી દીધા પછી તમને પોતાને અહેસાસ થાય છે કે તમારામાં કેટલીક અધૂરપ છે અથવા તમારા પોતાના સ્વભાવમાં કેટલીક ઉણપ છે. જેમકે, તમને બહુ જલદી ગુસ્સો આવી જતો હોય. તમારા સ્વભાવની આ મર્યાદાથી તમે વાકેફ હો પણ આટલા વરસોની આ ટેવ તમે તરત બદલી ન શકો એ સંભવ છે. આવા વખતે તમે તમારા સંતાન પાસે નિખાલસ કબૂલાત કરી શકો કે, જો ક્રોધ કરવો એ સારી વાત નથી એ હું જાણું છું. મારામાં એ અવગુણ છે એ પણ સાચું, પરંતુ હું એમાં પરિવર્તન લાવવાના નિષ્ઠાપૂર્ણ પ્રયાસ કરું છું. (ખરેખર કરતા હો તો જ કહેજો). હું ઈચ્છું છું કે જે ભૂલ મેં કરી છે એ તું ન દહોરાવે. ક્રોધ કરવાને કારણે મેં મારા જીવનમાં ઘણું બધું ગુમાવ્યું છે. તું મારો આ વારસો ન લે એવી મારી ઈચ્છા છે. બાળકને તમે આવું સમજાવશે તો તે ચોક્કસ એ સમજશે, પરંતુ મોટાભાગે આપણે આટલી ધીરજથી બાળક સાથે કામ નથી લેતા. પોતે દુર્વાસાના અવતાર હોઈએ પણ આપણું બાળક બુદ્ધ જેટલું શાંત રહે એવી અપેક્ષા કરીએ છીએ. આવું થાય છે ત્યારે આપણા જ સંતાન સામે આપણે હાસ્યાસ્પદ પુરવાર થઈએ છીએ. નવી પેઢીના આ સંતાનોએ બાળકો સાથે વડીલોએ કઈ રીતે વર્તવું એની થોડી વધુ ટિપ્સ પણ આપી છે એની વાત આવતા સપ્તાહમાં કરીશું.

No comments:

Post a Comment