જેમણે નક્કી કર્યું હોય કે જિંદગીમાં અમેરિકાના આલા ગ્રાન્ડ ગ્રાન્ડ કેન્યન્સ તો એક વાર જોવાં જ, એમણે પહેલાં તો ભેડા ઘાટમાં આવેલાં આપણાં ઈન્ડિયન માર્બલ કેન્યન્સ જોવાં જોઈએ. સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા. કુદરતી રીતે કંડારાયેલા આરસના આકર્ષક ખડક નીચે ખળ ખળ વહેતી નર્મદાનાં નીરનું દર્શન કરવું એ જ ગજબનો લહાવો. ચાંદ સામે મલકી મલકીને નર્મદા નદી નશીલી બની ઈઠલાતી, બલખાતી, છલકાતી, મલકાતી વહેતી જાય અને બન્ને કિનારે અડીખમ ઊભેલા માર્બલ રોક્સ જાણે એને સંગીત સુણાવતા હોય! ભેડા ઘાટની નર્મદા એટલે આરસના ખડકની આરસી. નદીના વિશાળ પટની બન્ને તરફ દૂર દૂર સુધી આરસના આ કુદરતી સ્થાપત્યનો નજારો તમને કોઈ જુદા જ વિશ્ર્વમાં લઈ જાય. અમે પહોંચ્યાં ત્યારે સાંજ પડી ગઈ હતી. સાંજે ઢળતા સૂરજની સાખે માર્બલ રોક્સના બદલાતાં રંગ જોઈને ત્યાંથી ખસવાનું જ મન નહોતું થતું. સૂર્યાસ્તના છેલ્લાં પારજાંબલી કિરણોની રંગછટાઓના જાદુથી હજુ તો અમે મુક્ત થયાં નહોતાં ત્યાં તો આકાશમાં બીજી બાજુએ ચાંદ દેખાયો. ઓહ! વૉટ અ વન્ડરફૂલ સાઈટ ઈટ વોઝ! એકબાજુ સોનેરી ચમકતા આરસના પાષાણની ભવ્યતા અને બીજી બાજુ પૂનમનો ચમકીલો પૂર્ણ ચંદ્ર. ગુલઝાર સાહેબે આવી જ કોઈક પળે આ નાજુક પંક્તિઓ લખી હશે : કોસા કોસા લગતા હૈ, તેરા ભરોસા લગતા હૈ, રાત ને અપની થાલી મેં ચાંદ પરોસા લગતા હૈ! આ અદ્ભુત દૃશ્યના સાક્ષી બનીને અમે નિ:શબ્દ થઈ ગયાં હતાં.
હોટલ પહોંચી સૌથી પહેલી ખાતરી એ કરવાની હતી કે પૂનમની રાત્રે નર્મદામાં નૌકાવિહાર થાય છે કે નહીં. ચાંદની રાતે સફેદ માર્બલ રોક્સ અને નર્મદા નદીમાં સ્વૈર વિહાર કરવાની મજા શું હોય એ લખવાની નહીં, અનુભવવાની જ વાત. જે કંઈ શબ્દો અહીં અંકાયા છે એ તો માત્ર નમ્ર પ્રયાસ જ. આનંદના સમાચાર એ હતા કે ભેડા ઘાટમાં પૂનમ અને એની આગળ-પાછળના બન્ને દિવસોએ રાત્રે મૂન લાઈટ બોટિંગની સુવિધા અપાય છે. અમારી ખુશીની કોઈ સીમા નહોતી. કોઈ પણ પ્રકારનાં મુહૂર્ત-તિથિ કે ચોઘડિયાંમાં હું માનતી નથી પણ કોઈ અનેરા પ્રવાસસ્થળે જવાનું હોય ત્યારે અચૂક તિથિ જોઉં. એ દિવસે પૂનમ છે કે નહીં એ ચેક કરવા માટે. પૂનમના દિવસે પ્રવાસ કરવાનું ભારે વળગણ, તેથી જ આગ્રાનો તાજમહાલ, ઋષિકેશના ગંગા કિનારે કાર્તિકી પૂનમ, પૂર્ણિમાએ જ પતિયાલાનું વિશાળ ગુરુદ્વારા, ગણપતિ પૂલેની દરિયાકિનારાની શરદ પૂનમ, નદી કિનારે ચમકતી ચાંદનીમાં ંભેડા ઘાટના માર્બલ રોક્સ, અરે, અમેરિકાનાં ગ્રાન્ડ કેન્યન્સ પણ અમે પૂર્ણ ચંદ્રની ધવલ ચાંદની રાત્રે જ જોવાનું નક્કી કર્યું હતું. ચાંદ કંઈ એમ જ થોડો લોકોને પાગલ બનાવતો હશે? આલુ પરાઠા, તાજું દહીં અને સેલડનું લાઈટ ડિનર લઈને અમે રાત્રે દસ વાગે પહોંચ્યા નર્મદા કિનારે. ગોળાકાર ચંદ્રનું પ્રતિબિંબ નર્મદાનાં નિર્મળ નીર ઝીલી રહ્યાં હતાં. ચારેબાજુ વિસ્તરેલા આરસપહાણના ખડક શ્ર્વેત ચાંદનીમાં ઓર નિખરીને નીલરંગી આભા સર્જતા હતા. આહા, શું સુંદર દૃશ્ય હતું! ધરતી પર શાંત-નિતાંત વહેતી નદી અને આકાશમાં સોળે કળાએ ખીલેલો ચંદ્ર. રાત્રે સાડા દસે છેલ્લી બોટ હતી જેમાં સાત-આઠ બંગાળીઓનું એક ગ્રુપ મૂન લાઈટ બોટિંગ માટે બેસી ગયું હતું. બોટમાં સામાન્ય રીતે વીસ જણને લઈ જવાની વ્યવસ્થા હતી, એટલે જગ્યા તો હતી જ પણ અમને ચાર છોકરીઓને બેસાડવાની એમની કોઈ મરજી નહોતી. એમનું પોતાનું જ ગ્રુપ હતું ને, નવા મહેમાનોને શા માટે બેસાડે! એક્ચ્યુલી તો એમણે પોતાના ગ્રુપ માટે જ સ્પેશિયલ બોટ કરી હતી પણ છેલ્લી બોટ હોવાથી અમારા ચાર સિવાય બીજા કોઈ પ્રવાસી બાકી ન હોવાથી કોઈ ફક્ત ચાર જણ માટે આવવા તૈયાર નહોતું. આવે તોય ચાર ગણા પૈસા પડાવે. અહીં અમારું બંગાળી ભાષાનું જ્ઞાન કામ આવ્યું. એક કપલ હતું એમને વિનંતિ કરી, આમરા એખાને બોશને પારી? આપનાકે ડિસ્ટર્બ કોરબો ના! (અમને અહીં બેસવા દેશો? તમને ડિસ્ટર્બ નહીં કરીએ) પેલા બાબુ મોશાયના ચહેરા પર ચમક આવી, એમને થયું આપણી જાતબહેનો જ લાગે છે! ‘આપનિ કિ બાંગાલી?’(તમે બંગાળી છો?) ‘નહીં નહીં, આમરા બાંગાલી નોય બટ એકટુ એકટુ બાંગલા જાનિ’ અમે ભેળસેળિયું બંગાળી ઠપકાર્યું. આશુન, આશુન, એખાન બોશુન (આવો, આવો, અહીં બેસી જાઓ) કહી એમણે તરત જગ્યા કરી આપી અને અમે ચારે મિત્રોએ ઝબક દઈને હોડીમાં બેઠક જમાવી. સર સર સરકતી નૌકા ચાંદની રાતના અજવાળામાં વિહરી રહી હતી અને નાવિક ફિલ્મી ડાયલોગ અને ટપોરી ભાષામાં કઈ જગ્યાએ કઈ ફિલ્મનું શૂટિંગ થયું હતું અને કયા હીરો-હિરોઈને કયા ખડક પર કયું ગીત ગાયું હતું એની રમૂજી માહિતી આપી રહ્યો હતો. પેલા બંગાળીઓ એમોન-શેમોન કંઈક વાતો કરી રહ્યા હતા એવામાં અમે ગાયન શરૂ કર્યું....ના જેઓ ના રોજોની એખોનો બાકી (ઓ સજના બરખા બહાર આઈ... ગીતનું બંગાળી વર્ઝન) ઓરે ઓરે, શુનો આમાદેર શોલિલદા કા ગાના! બીજી ભાષાના લોકોને પોતાના કરી લેવા હોય તો એમની ભાષામાં બોલવાનું ચાલુ કરી દેવાનું. ગણતરીની ક્ષણોમાં જનમોજનમના સંબંધ બંધાઈ જાય. એ ટ્રિક અમે અજમાવી એટલે અમને હોડીમાં બેસાડવા માટે મોઢું બગાડીને જેઓ આનાકાની કરી રહ્યા હતા તે બધા જ બંગાળીઓ અમારી સાથે એક જ મિનિટમાં ભળી ગયા. ઓરે, શોલિલ દા કા દૂશરા ગાના શુનાઓ ના...ની ફરમાઈશ આવતાં જ અમે ધિતાંગ ધિતાંગ બોલે પણ સંભળાવી દીધું અને રવીન્દ્રસંગીતના મોર બિના ઊઠે કોન શૂરે બાજે ગીતમાં એ બંગાળીઓને પણ શામેલ કર્યાં એટલે બધા એવા ખુશ થઈ ગયા કે અમારી સાથે એમણે પણ ગાવાનું શરૂ કરી દીધું. એમને અમારા પક્ષમાં લઈ લીધા પછી અમે તરત જ આપણાં જૂનાં ને જાણીતાં હિન્દી ફિલ્મી ગીતો પર બાજી પલટી દીધી. ‘ચાલો આપણે ચાંદ શબ્દ જેમાં આવે એવાં ગીતો ગાઈએ’ સુષમાની આ ફરમાઈશ પર અમે ચાંદ, રાત, નદી શબ્દ આવે એવાં મસ્ત મજાનાં ગીતોનો દોર શરૂ કર્યો ને રાત રંગીન અને ચાંદ સંગીન બની ગયો. ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો, દેખો વો ચાંદ છુપ કે કરતા હૈ ક્યા ઈશારે, આજા સનમ મધુર ચાંદની મેં હમ, ચાંદ આહેં ભરેગા, ચાંદ છુપા બાદલ મેં, ચંદા રે જા રે જારે, ચાંદ સી મહેબૂબા હો મેરી કબ, સુહાની ચાંદની રાતેં હમે સોને નહીં દેતી, ચાંદ સિફારિશ જો કરતા હમારી, તૂ ચંદા મૈં ચાંદની, તુ ગંગા કી મૌજ મૈે જમુના કી ધારા, યે રાતેં યે મૌસમ નદી કા કિનારા, ચંદા ઓ ચંદા કિસને ચુરાઈ તેરી મેરી નીંદીયા, ન યે ચાંદ હોગા, રુક જા રાત ઠહર જા રે ચંદા. ઓહરે તાલ મિલે નદી કે જલ મેં...જેવાં ગીતોની જે મહેફિલ જામી હતી...! નદી, આસમાન અને આખું વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. તમે અમારી મહેફિલમાં સામેલ થયાં કે નહીં? યોગાનુયોગ તો જુઓ, આજે પણ પૂનમ છે અને ચાંદની રાતની તમારી મહેફિલને સજાવવા અમે કેવો સરસ ગીતોનો થાળ ધરી દીધો તમને! એક કલાકનો અમારો એ નૌકાવિહાર જીવનભરનું સંભારણું બની રહ્યો. છેલ્લે, આપણા મુકેશ જોષીની ચાંદ વિશેની એક મજેદાર પંક્તિથી સમાપન કરીએ: પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ છે બસ હૃદય વચ્ચે કટારી જોઈએ છે એ અગાસી પર સૂતા હોય તો ચાંદ પર મારે પથારી જોઈએ છે. |
Saturday, June 7, 2014
રાત ને અપની થાલી મેં ચાંદ પરોસા લગતા હૈ -- ભેડા ઘાટ --- નંદિની ત્રિવેદી Travel & Tour
Labels:
Travel & Tour
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment