Wednesday, June 4, 2014

જગતને જર્મનત્વ કે બ્રિટિશત્વ સામે નહીં, માત્ર હિન્દુત્વ સામે જ વાંધો છે --- સૌરભ શાહ

જર્મન પ્રજા, બ્રિટિશ પ્રજા કે યહૂદી પ્રજાની જેમ હિન્દુ પ્રજાની એક આગવી સંસ્કૃતિ છે. જર્મનો પોતાના જર્મનત્વ માટેનું કે બ્રિટિશર પોતાના બ્રિટિશપણા માટેનું કે યહૂદીઓ પોતાના યહૂદી હોવા માટેનું ગૌરવ ગાઈબજાવીને જાહેર કરે છે ત્યારે આપણને, જગત આખાને, એમના માટે માન થાય છે. આપણે કહીએ છીએ કે જુઓ, આ પ્રજાનું આત્મસન્માન જુઓ; આવી પ્રજા જરૂર દુનિયામાં નામ રોશન કરે.

પણ હિન્દુ પ્રજા પોતાના હિન્દુત્વ માટે ગૌરવ પ્રગટ કરે છે ત્યારે એના આત્મસન્માનને કચડી નાખવા ચારેકોરથી હલ્લો બોલાવવામાં આવે છે. અને તે પણ ક્યાં? હિન્દુઓના પોતાના જ વતનમાં, પોતાના જ રાષ્ટ્ર હિન્દુસ્તાનમાં. ૧૬મી મેએ ભારતીય જનતા પક્ષને લોકસભાની ચૂંટણીમાં એકલપંડે સ્પષ્ટ બહુમતી મળી ગઈ હોવા છતાં કેટલાક સ્કેપ્ટિક્સ અર્થાત શંકાવાદી ડોળઘાલુઓ હજુય નરેન્દ્ર મોદીના, ભાજપના અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હિન્દુત્વના સંસ્કારો સામે આભડછેટ રાખીને લોકોને ભડકાવે છે.

ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે. આ વાત કંઈ કોઈએ આજકાલની કહેલી નથી. સ્વામી દયાનંદ સરસ્વતી, બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાય અને મહર્ષિ અરવિંદનાં લખાણોમાં એ વાત પ્રગટ થાય છે. પાંચ હજાર વર્ષનો ઈતિહાસ ધરાવતી આ હિન્દુ સંસ્કૃતિની ભૂમિ છે. હિન્દુ પ્રજા કોઈ એક ધાર્મિક સમુદાય નથી, એક સમગ્ર રાષ્ટ્ર છે. વીર સાવરકરના રાષ્ટ્રચિંતનના પાયામાં પણ આ જ વિચાર છે. જોકે, આ વિચારને સૌથી શક્તિશાળી રીતે વ્યકત કર્યો સ્વામી વિવેકાનંદે. આયુષ્યભર તેઓ કહેતા રહ્યા કે આપણે હિન્દુઓ એક રાષ્ટ્ર છે. નરેન્દ્ર મોદીએ પણ ટીવી પર એમના સૌથી ગાજેલા ઈન્ટરવ્યૂમાં ટાઈમ્સ્નાઉના અર્ણબ ગોસ્વામીને કહ્યું હતું કે હિન્દુ કોઈ ધર્મ નહીં પણ લાઈફસ્ટાઈલ છે. આ સમગ્ર દેશની સંસ્કૃતિ છે.

શિકાગોમાં સ્વામી વિવેકાનંદનું પ્રથમ પ્રવચન માત્ર પાંચ મિનિટનું હતું. એમણે અમેરિકનોને સૌથી પહેલાં આ શબ્દો કહ્યા હતા: ‘ભારતના તમામ ધર્મોના લાખો-કરોડો હિન્દુ વતી હું તમારા પ્રત્યે આભાર વ્યકત કરું છું.’ (અહીં ‘હિન્દુ’ શબ્દ માર્ક કર્યો તમે? હિન્દુ એટલે જે હિન્દુસ્તાનમાં રહે છે. હિન્દુ એટલે ઈન્ડિયન). ત્યાર બાદ સ્વામી વિવેકાનંદે ત્રણ વાક્યો કહ્યાં: ‘એક એવા ધર્મના અનુયાયી હોવાનો મને ગર્વ છે, જેણે સમગ્ર વિશ્ર્વને સહિષ્ણુતાના પાઠ ભણાવ્યા છે.’ બીજું વાક્ય સ્વામીજીએ કહ્યું, ‘મને એવા રાષ્ટ્રના નાગરિક હોવાનું ગૌરવ છે, જે તમામ રાષ્ટ્રોના પીડિતો તથા શરણાર્થીઓને આશ્રય આપતું રહ્યું છે.’ અહીં સ્વામીજીએ યહૂદીઓનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે રોમન આક્રમણખોરોએ યહૂદીઓના સાઈનાગોગ પર હુમલો કરી એને ધ્વસ્ત કરી નાખ્યું ત્યારે અમે એ બચી ગયેલા યહૂદીઓને આશ્રય આપીને એમનું પાલનપોષણ કર્યું હતું. સ્વામી વિવેકાનંદની આ વાતના સમર્થનમાં સંજાણના બંદરે ઈરાનથી આવેલા પારસીઓથી માંડીને તિબેટથી આવીને હિમાચલ પ્રદેશના ધરમશાળા નગરમાં વસાવવામાં આવેલા દલાઈ લામા સહિતના બૌદ્ધે તથા ભારતભરમાં ફેલાઈ ચૂકેલા બાંગ્લાદેશી મુસ્લિમ શરણાર્થીઓના દાખલા આપી શકાય. પાંચ પૈસાની રેફયૂજી રિલીફ ટપાલટિકિટો વર્ષો સુધી કરોડો ભારતીયોએ પોતાની ટપાલો પર લગાવી છે. હિન્દુસ્તાનીઓએ ભરેલા કરવેરામાંથી સરકારે વર્ષો સુધી આ શરણાર્થીઓનું ભરણપોષણ કરેલું છે. છતાં ક્યારેય આપણે આ બાબત અંગે રકઝક કે કચકચ નથી કરી.

ત્રીજા વાક્યમાં સ્વામી વિવેકાનંદે પારસીઓને યાદ કરીને કહ્યું, ‘એવા ધર્મના અનુયાયી હોવાનું મને ગૌરવ છે, જેણે પારસી રાષ્ટ્રના બચ્યાકુચ્યા લોકોને શરણું આપીને આજ દિવસ સુધી એમને સમાવ્યા.’

બિનપારસીઓને પોતાની અગિયારીમાં પ્રવેશવા નહીં દેવાના આગ્રહને આદર આપીને હિન્દુઓએ આ પ્રજાને સાચવી છે, એમનું રક્ષણ કર્યું છે. ભારતનું સૌ પ્રથમ નોંધાયેલું કોમી રમખાણ મુસ્લિમોએ પારસીઓ સાથે કર્યું હતું. આજની તારીખે પારસીઓ હિન્દુઓના ઉપકારને ભૂલ્યા નથી. તેઓ હિન્દુઓનો પ્રગટપણે આભાર માનીને કહેતા હોય છે કે ઈસ્લામના આક્રમણથી હિન્દુઓએ જો અમને ન બચાવ્યા હોત તો અમારી પ્રજા ક્યારનીય નામશેષ થઈ ગઈ હોત.

લાલકૃષ્ણ અડવાણીએ જ્યારે ગાંધીજીને ટાંકીને કહ્યું હતું કે જે રાજકારણમાં ધર્મને સ્થાન ન હોય તે રાજકારણનો મારા માટે કોઈ અર્થ નથી, ત્યારે ગાંધીજીને કવોટ કરવાનો સંદર્ભ છુપાવીને, આ વાકય અડવાણીનું પોતાનું છે એવું ઠસાવીને, હિન્દુદ્વેષીઓ તથા જેહાદી સેક્યુલરવાદીઓએ અડવાણીને ધોકે ધોકે ધોઈ નાખ્યા હતા. હિન્દુત્વને ખતરો ભારત બહારના ઈસ્લામ તરફથી જેટલો છે એના કરતાં અનેકગણો વધારે ખતરો નહેરુવંશજ સેક્યુલરિયાઓ તરફથી છે. અને એના કરતાં પણ વધુ જોખમ એવા લોકો તરફથી છે. જેઓ વાયડી, બાયલી, ચાંપલી અને વેવલી સેક્યુલર શૈલીમાં કહેતા હોય છે કે, ‘હિન્દુત્વમાં તો અમે પણ માનીએ છીએ, કારણ કે અમે હિન્દુ છીએ. પણ અમે નરેન્દ્ર મોદી બ્રાન્ડના કટ્ટરવાદી હિન્દુત્વને ટેકો આપતા નથી.’ આવું કહીને તેઓ હિન્દુત્વના પ્રતીક બનેલા તમામ નેતાઓને ઉતારી પાડે છે. તમે એમને પૂછો કે નરેન્દ્ર મોદીમાં તમને ક્યાં કટ્ટરવાદીપણું લાગ્યું તો તેઓ કહેશે કે, ‘મોદી તો છે જ કટ્ટરવાદી. આસામ અને પશ્ર્ચિમ બંગાળમાં એમણે આ ચૂંટણીઓ હિન્દુઓને મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેર્યા એટલે જ એ બે રાજ્યોમાં ભાજપ ખાતું ખોલી શક્યું.’ હવે તમે મોદીનો બચાવ કરવા જશો તો તમને પણ ક્ટ્ટરવાદી કહીને ઉતારી પાડશે. તમે કહેશો કે ઠીક ત્યારે તમે મોદીને કે એમના સમર્થકોને કટ્ટરવાદીનું લેબલ તો લગાડી દીધું પણ આસામ - પશ્ર્ચિમ બંગાળની ચૂંટણી રેલીઓમાં બોલાયેલા મોદીનાં પ્રવચનોમાંથી ચોક્કસ વાક્યો કાઢી બતાવો કે આ કોમવાદી સ્ટેટમેન્ટ્સ છે? ત્યારે તેઓ ચૂપ થઈ જશે. અંગ્રેજી દૈનિકો, ટીવીની ન્યૂઝ ચૅનલો તથા કેટલાક કમ અક્કલ સમક્ષીકો તેમજ રડ્યાખડ્યા ગુજરાતી સેક્યુલરિયાઓના તાર સ્વરે થતા જુઠ્ઠા અને દ્વેષીલા પ્રચારથી અંજાઈ ગયેલા ભોળા લોકોની દલીલો તમારા આ સવાલ સામે વધારે નહીં ટકે.

સ્વામી વિવેકાનંદે ‘હું એક એવા ધર્મનો અનુયાયી છું’ અને ‘હું એક એવા રાષ્ટ્રનો નાગરિક છું’ એવું કહીને સ્પષ્ટ કરી દીધું કે આપણા માટે ધર્મ અને રાષ્ટ્ર એક જ છે. સ્વામી વિવેકાનંદનાં લખાણો-પ્રવચનોમાં સેંકડોવાર હિન્દુ રાષ્ટ્રને જગાડવાની, એનું પુનરુત્થાન કરવાની ચર્ચાઓ આવે છે. સ્વામી વિવેકાનંદે આ શબ્દાવલિઓનો ભરપૂર અને છૂટથી ઉપયોગ કર્યો છે: હિન્દુઓનું રાષ્ટ્રીય ચિંતન, હિન્દુઓની રાષ્ટ્રીય પરંપરા, હિન્દુઓની રાષ્ટ્રીય કાર્યકુશળતા, હિન્દુઓની રાષ્ટ્રીય ચેતના, હિન્દુઓનો રાષ્ટ્રીય ઈતિહાસ, હિન્દુઓનું રાષ્ટ્રીય લક્ષ્ય, હિન્દુઓની રાષ્ટ્રીય ગરિમા, હિન્દુઓનો રાષ્ટ્રીય આદર્શ, હિન્દુઓનો રાષ્ટ્રીય ધર્મ વગેરે.

એક જગ્યાએ સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે હજારો વર્ષોની ગુલામી તથા સદીઓના અત્યાચાર પછી પણ હિન્દુ રાષ્ટ્ર હજુ સુધી જીવિત છે, કારણ કે એણે પોતાના રાષ્ટ્રીય જીવનમાં મૂળ તત્ત્વોનો અર્થાત્ ધર્મનો ત્યાગ કર્યો નથી. અહીં ‘ધર્મ’ એટલે સનાતન ધર્મ એવું સ્વામી વિવેકાનંદને અભિપ્રેત છે. એક અન્ય જગ્યાએ એમણે કહ્યું છે કે ‘સનાતન ધર્મ જ આપણું રાષ્ટ્રીય જીવન છે.’

સ્વામી વિવેકાનંદની આ વિચારધારાના સામેના છેડે રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધીનાં માતા ઈન્દિરા ગાંધીના પિતા પંડિત જવાહરલાલ નહેરુના હિન્દુત્વ વિશેના વિચારો છે, જેને કારણે આજે આ જ ભૂમિમાં હિન્દુત્વ શબ્દને એ હદે વગોવવામાં આવી રહ્યો છે કે અચ્છા અચ્છા લોકો આ શબ્દથી દૂર ભાગે છે.

પોરબંદરમાં હિન્દુત્વના સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને શિક્ષણ - સંસ્કારની સુવાસ ફેલાવનારી એક વિશાળ ઉમદા સંસ્થાએ પ્રવચન માટે નિમંત્રણ આપીને વિષયની માગણી કરી. મેં કહ્યું, 

‘હિન્દુત્વ સામેના પડકારો.’

મને કહેવામાં આવ્યું: ‘સરસ, તમે એ વિશે જ બોલો પણ...’

‘પણ શું?’

‘પણ આ વિષયના શીર્ષકમાં હિન્દુત્વને બદલે ભારતીય સંસ્કૃતિ મૂકીએ તો?’

‘કેમ?’

‘ખાસ કંઈ નહીં. તમારે જે બોલવું હોય તે જ બોલવાનું. પણ આમંત્રણપત્રિકામાં હિન્દુત્વને બદલે ભારતીય સંસ્કૃતિ સામેના પડકારો - એવું લખવાની છૂટ આપો...’

ચૂંટણી પ્રચાર દરમ્યાન ડઝનથી વધુ ન્યૂઝ ચૅનલોને એક્સકલુઝિવ ઈન્ટરવ્યૂ આપનારા નરેન્દ્ર મોદી દર વખતે પોતાની અને ઈન્ટરવ્યૂ લેનારની વચ્ચે, કૅમેરામાં બરાબર દેખાય તે રીતે અચૂક સ્વામી વિવેકાનંદની પ્રતિમા રાખતા. આશા રાખીએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો યુગ શરૂ થયા પછી ભારતના એક પણ નાગરિકથી માંડીને આવી કોઈ સંસ્થાને હિન્દુ કે હિન્દુત્વ શબ્દ સામે સૂગ નહીં રહે. 

------------

કાગળ પરના દીવા

જીવનમાં જે કંઈ કરવું છે તે અત્યારે જ કરો. આદર્શ પરિસ્થિતિ સર્જાવાની રાહ જોઈને બેસી રહેશો તો ક્યારેય કોઈ કામ નહીં થાય.

ધ લિવિંગ બાઈબલ (૧૧:૪)

------------

No comments:

Post a Comment