Friday, May 30, 2014

ભારતીય ગ્રાહકની નિયતિ: પૈસા ખર્ચો અને ખાદ્ય પદાર્થોના બદલે ઝેર ખરીદો! -- ક્ધિનર આચાર્ય-

પબ્લિક હેલ્થ આપણી સરકારોના અગ્રતાક્રમમાં સૌથી છેલ્લા સ્થાને આવે છે. તમારી સામે જ કંપ્નીઓ, ઉત્પાદકો, તેલમિલરો, કંદોઈઓ અને બકાલીઓ તમને છેતરતા રહે છે અને તમે વિવશ છો, લાચાર, નિ:સહાય છો


ન્યૂઝ વ્યૂઝ અને રિવ્યૂઝ - ક્ધિનર આચાર્ય


જાહેર આરોગ્ય નામની એક જણસ છે. જે બલાનું નામ આપણે ત્યાં ભાગ્યે જ કોઈએ સાંભળ્યું છે. રાષ્ટ્રો માત્ર મિસાઈલથી કે સોફ્ટવેર થકી મહાન બનતાં નથી, જાહેર આરોગ્ય, પબ્લિક હેલ્થ પણ એક મુદ્દો છે, પારાશીશી છે. જગતના જે વિકાસશીલ દેશોએ આ મુદ્દા પર ધ્યાન આપ્યું એ જ વિકસિત બની શક્યા છે અને વિકસિત દેશોમાં અત્યારે પબ્લિક હેલ્થનું મહત્ત્વ શસ્ત્ર ઉત્પાદન કરતાં અને અર્થતંત્ર કરતાં પણ વધારે છે. કારણ બહુ સ્પષ્ટ છે : દેશની પ્રજા સ્વસ્થ હશે તો જ પ્રગતિ વિશેના અન્ય મુદ્દા વિચારી શકાશે.

આપણે ત્યાં કેવીક જાગૃતિ છે જાહેર આરોગ્ય પ્રત્યે? કેટલીક વિગતો છે જે સ્વયં સ્પષ્ટ કરે છે કે આપણો અને આપણી સરકારોનો અભિગમ આ મુદ્દા પ્રત્યે કેવો છે. આપણે ત્યાં છૂટથી વેચાતી અમેરિકન મકાઈ એક પાપી પાક છે. એને જિનેટિકલી મોડિફાઈડ કરીને બનાવવામાં આવી છે. તેની જન્મભૂમિ ગણાતા અમેરિકામાં તેની સામે સખત અને સજ્જડ ઝુંબેશ ચાલી છે અને ત્યાં એના બિયારણના જૂના સ્વરૂપ્નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે, પરંતુ આપણે ત્યાં એ છૂટથી વેચાય છે. માનવશરીરને ક્ષતિ પહોંચાડી શકે એવાં અનેક તત્ત્વો તેમાં હોવા છતાં આપણા શાસકોએ આ બાબતે કોઈ વાંધો લીધો નથી. વર્ષો અગાઉ અમેરિકાથી આયાત થયેલા સડેલા ઘઉંની વાતો બહુ ચાલી હતી. છેવટે શું થયું? એ સડેલા ઘઉં આપણામાંના ઘણા લોકો ખાઈ ગયા.

પબ્લિક હેલ્થ આપણી સરકારોના અગ્રતાક્રમમાં સૌથી છેલ્લા સ્થાને આવે છે. તમારી સામે જ કંપ્નીઓ, ઉત્પાદકો, તેલમિલરો, કંદોઈઓ અને બકાલીઓ તમને છેતરતા રહે છે અને તમે વિવશ છો, લાચાર અને નિ:સહાય છો. આઈસક્રીમના નામે આપણે ત્યાં એકાદ બેને બાદ કરતાં મોટા ભાગની કંપ્નીઓ ‘ફ્રોઝન ડિઝર્ટ’ ખવડાવે છે. આઈસક્રીમના નામે વેચાતી આ પ્રોડક્ટમાં માત્ર વેજિટેબલ ઓઈલ્સ હોય છે અને બનાવટી ફ્લેવર ફાર ઈસ્ટના દેશો અને અન્ય દેશોમાંથી સાવ ફાલતુ કક્ષાનાં વેજિટેબલ ઓઈલ્સ સાવ જ સસ્તા ભાવે મગાવીને તેમાંથી આ ફ્રોઝન ડિઝર્ટ બનાવાય છે. વાડીલાલ જેવી કંપ્નીઓની મોટા ભાગની પ્રોડક્ટ્સ ફ્રોઝન ડિઝર્ટ જ હોય છે. જાહેરખબરોમાં ક્યાંય કંપ્નીઓ ઉલ્લેખ કરતી નથી કે તેમની પ્રોડક્ટ એ આઈસક્રીમ નથી, પરંતુ દૂધનું નામોનિશાન પણ નહીં ધરાવતું એક ઉત્પાદન છે. કંપ્નીઓ દ્વારા વેચાતા આઈસક્રીમમાં મોટા ભાગના કિસ્સાઓમાં ફેટનું નિયમ પ્રમાણ જળવાતું નથી, તેમાં કુલ વજનના ૬૦ ટકા જેટલી તો હવા હોય છે. ૧૦૦ મિલીલિટર આઈસક્રીમ માટે તમે નાણાં ચૂકવો છો અને તેની સામે તમને મળે ૪૦-૫૦ ગ્રામ ફ્રોઝન ડિઝર્ટ!

આ એક એવો દેશ છે જ્યાં તમને કશું જ શુદ્ધ મળતું નથી. હવા પ્રદૂષિત, પાણી દૂષિત અને ખાદ્ય પદાર્થો ભેળસેળથી છલોછલ. કેરીને વેપારીઓ ખુલ્લેઆમ જોખમી કાર્બાઈડથી પકાવે છે, પપૈયાના પલ્પમાં હેંતકનું મેંગો એસેન્સ અને ખાંડ ઠાલવીને આપણને પધરાવી દેવાય છે. કેળાને ઝડપથી પકવવા માટે ઘાતક કેમિકલમાં બોળવામાં આવે છે. હળદર, મરચા જેવા મસાલામાં ભેળસેળ થાય છે, કોઈના પેટનું પાણી હલતું નથી. ફૂડના સેમ્પલ લેવા માટે આપણે ત્યાં નગરપાલિકાઓ અને મહાનગરોથી મોટી કોઈ આથોરિટી નથી. વાસ્તવમાં આ એટલી મહત્ત્વપૂર્ણ બાબત છે કે તેનું નિયમન આઈ.એ.એસ. કરતાં નીચેની કેડરના અમલદારના હાથમાં હોવું જ ન જોઈએ.

ખાદ્યતેલોથી લઈને દેશી ઘી સુધીની બાબતમાં કંપ્નીઓ, ઉત્પાદકો પ્રજાને છેતરતા રહે છે. બજારમાં મળતા સિંગતેલમાંથી અત્યારે કઈ બ્રાન્ડ એવી છે જેનું સિંગતેલ ૧૦૦ ટકા ભેળસેળરહિત હોય? જવાબ આપણે સૌ જાણીએ છીએ. ઓઈલ મિલર્સ બહુ પ્રેમપૂર્વક ભેળસેળ કરે છે અને તેમને એવું કરતા કોઈ રોકવાનો પ્રયાસ કરે તો તેઓ બેઠકો કરે છે અને છેવટે ઉત્પાદન બંધ કરી નાખીને કૃત્રિમ અછત સર્જે છે. મેક્ડોનાલ્ડ્સ નામની અમેરિકન કંપ્ની પોતાની ચિપ્સમાં ગાયની ચરબીનો પાઉડર નાખે છે ત્યારે સૌ સ્વદેશીપ્રેમીઓ કાગારોળ કરીને કહે છે કે ‘જોયું અમે નો’તા કે’તા!’ મેક્ડોનાલ્ડ્સને આવું કરવા બદલ જાહેરમાં માફી માગવી પડે છે અને અબજો રૂપિયાનું વળતર ચૂકવવું પડે છે. એવા લોકોને, એવાં સંગઠનોને પણ તેમણે નાણાં ચૂકવવાં પડે છે, જેમણે કદી એમની ચિપ્સ ચાખી સુધ્ધાં નથી! અને આપણે ત્યાં દેશી ઘીમાં ગાયની ચરબીની ભેળસેળ સાવ ખુલ્લેઆમ થાય છે તેના અપરાધીઓ બીજા જ દિવસે છૂટી જાય છે. કોઈને માફી માગ્યા વગર, કોઈને વળતર ચૂકવ્યા વિના.

દરેક વાતમાં પશ્ર્ચિમને ભાંડવાથી આપણી તબિયત સુધરવાની નથી. ફૂડ હેબિટની બાબતે આપણી પ્રજા દુનિયાની સૌથી વધુ અપરાધી કોમ્યુનિટી છે. કેટલીક સારી વસ્તુ જે આપણી હતી, આપણે છોડી દીધી છે. પશ્ર્ચિમની નકલ કરવા માટે આપણે બ્રેડ-બેકરી આઈટમને હદ ઉપરાંતના ઉમળકાથી આવકાર આપ્યો પણ એ નકલમાં અક્કલ ક્યાંય નથી. આપણે મકાઈના પૌઆ ખાવાનું બંધ કર્યું પણ તેના કરતાં વીસ ગણી કિંમતના કોર્નફ્લેકસ ખાવાનું શરૂ કર્યું! બેઉમાં ફરક શો છે ભલા? કોર્નફ્લેકસના પેક પર તેનું પોષણમૂલ્ય લખેલું હોય છે એટલો જ. હવે ઉત્પાદકોએ તેમાં આર્ટિફિશિયલ ફ્લેવર્સ ઉમેરી છે. આપણે અમેરિકનોની માફક બ્રેડ ખાવા માંડ્યા પણ એમની અને આપણી બ્રેડની બનાવટમાં એટલો જ તફાવત છે જેટલો ફૂલકા રોટલી અને તંદૂરી નાન વચ્ચે હોય છે. આખા અમેરિકાના દરેક ઘર-પરિવારમાં બ્રેડ ખવાય છે, પરંતુ ત્યાં ઘઉંના થૂલામાંથી બ્રેડ બને છે, ત્યાં બ્રેડમાં મેંદાનો ઉપયોગ લગભગ સ્વયંવર્જિત છે. મેંદામાંથી બનતી વ્હાઈટ બ્રેડ સામે ત્યાં એવડી લડત, એટલી ઝુંબેશ થઈ ચૂકી છે જેટલી આપણે ત્યાં સરદાર સરોવરનો વિરોધ કરવા માટે પણ થઈ નથી.

નકલ કરવામાં કશું ખોટું નથી પણ એ અનુકરણમાં દિમાગનો ઉપયોગ કરવો જરૂરી હોય છે. ફૂડ અને ન્યુટ્રિશનના મામલામાં, હેલ્થકેર, પબ્લિક હેલ્થ અથવા તો જાહેર આરોગ્યનું પશ્ર્ચિમનું અનુકરણ થાય એ આવકાર્ય છે. આપણી સારી બાબતો જાળવી રાખી, વધુ સારી વાતો હોય એ અપ્નાવવી અને ખરાબ આદતો દૂર કરવી એ જ જાહેર આરોગ્યની ચાવી ગણાય. પ્રથમ કદમ એ જ કહેવાય.

પણ આ એક અવિરત યાત્રા છે. કોન્સ્ટન્ટ પ્રોસેસ. એ ગાડી ક્યાંય અટકવી નહીં જોઈએ. ફૂડ અને પોષણક્ષમ ખાદ્ય પદાર્થોની બાબતમાં હજુ આપણે રાક્ષસી કદના કાર્યો કરવા પડશે. સૌથી મહત્ત્વનો મુદ્દો છે : ખાદ્ય પદાર્થોમાં જાયન્ટ કંપ્નીઓ દ્વારા થતી છેતરામણીનો, મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ તથા ધનવાન લોકોને નાની કંપ્નીઓના ઉત્પાદનોમાં ખાસ વિશ્ર્વાસ રહ્યો નથી. પરિણામે તેઓ મોટી કંપ્નીના ઉત્પાદનો તરફ વળ્યા છે. આપણી પડખેની ડેરીમાંથી હવે આપણે ઘી ખરીદતા નથી, પરંતુ અમૂલનું કે સાગરનું જ ખરીદ કરીએ છીએ. તકલીફ ત્યારે પડે છે જ્યારે આવી તોતિંગ કંપ્નીઓ પણ ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે. અમદાવાદની સ્વૈચ્છિક સંસ્થા છેલ્લાં ઘણાં વર્ષોથી બજારનાં વિવિધ ઉત્પાદનો લઈને સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિથી લેબોરેટરી ટેસ્ટ કરાવે છે અને તેના પરીક્ષણનાં અહેવાલો, વિગતો બહાર પડતી રહે છે. છેલ્લાં વર્ષોમાં તેમણે મિનરલ વોટરથી લઈને ખાદ્યતેલો સુધીનાં ઉત્પાદનોનાં પરીક્ષણ કર્યાં અને તેના અહેવાલો ખળભળાવી મૂકે એવાં છે. એમણે બજારમાં ઉપલબ્ધ વિવિધ બ્રાન્ડના ઘઉંના લોટ મેળવીને તેનાં અનેક પરીક્ષણો કર્યાં, ‘પિલ્સબરી’થી લઈને ‘અન્નપૂર્ણા’ સુધીની તમામ બ્રાન્ડના લોટમાં ‘લિન્ડેન’ નામનું એક જંતુનાશક એમને મળ્યું જેના ઉપયોગ પર આપણે ત્યાં પૂર્ણત: પ્રતિબંધ છે. છ બ્રાન્ડમાં ‘ઓરીસ’ અને ‘ડિએલ્ડ્રીન’ નામનું જોખમી જંતુનાશક જોવા મળ્યું. દરેક બ્રાન્ડના લોટમાં ધૂળ, રજકણનાં તત્ત્વો હતા, તેની પર માખીઓ બેસી ચૂકી હોવાના પુરાવા હતા. પ્રોટીનની જે ન્યૂનતમ માત્રા હોવી જોઈએ તે નહોતી. લોટ જૂનો હોવાની સાબિતીરૂપે તેમાં આલ્કોહોલિક એસિડનું પ્રમાણ મળ્યું.

પેપ્સી-કોકાકોલા તો વિદેશી કંપ્નીઓ હોવાથી બહુ વિવાદ થયો હતો, જ્યારે એમનાં ઉત્પાદનોમાંથી જંતુનાશકો મળ્યા હતા ત્યારે હવે આ બધી સ્વદેશી કંપ્નીઓનું શું કરવું ?

આ જ સંસ્થાએ બજારમાં ઉપલબ્ધ તમામ બ્રાન્ડના ઘીનું પરીક્ષણ કર્યું. અમૂલ, સાગર, ગીટ્સ અને ગાયત્રી જેવી બ્રાન્ડમાંથી તેમને ડી.ડી.ટી. હોવાના પુરાવા મળ્યા. પેરોક્સાઈડ જેવું જોખમી તત્ત્વ પણ તેમાં હાજર હતું. સંસ્થાએ જાણીતી બ્રાન્ડસના મધનું પરીક્ષણ કર્યું હતું, તેમાંની ઘણી બ્રાન્ડમાં ભેળસેળ જણાઈ. હાઈડ્રોકસી મિથાઈલ ફ્યુરફ્યુરલ નામનું તત્ત્વ એવા જ સંજોગોમાં ઉત્પન્ન થાય છે જ્યારે મધનો સંગ્રહ સારી રીતે કરાયો ન હોય, મધ ઉઘાડું રખાયું હોય. કિલોગ્રામ દીઠ તેનું પ્રમાણ ૮૦ મિલીગ્રામથી વધુ હોવું જોઈએ નહીં. પણ બૈદ્યનાથના મધમાં ૧૯૧ મિલીગ્રામ હતું અને હિમાલયમાં ૩૯૬ મિલીગ્રામ. દરેક બ્રાન્ડના મધમાં વત્તાઓછા અંશે આથો આવેલો હતો. સંસ્થાએ આ તમામ અહેવાલો પોતાના મેગેઝિનમાં, વેબસાઈટ પર જાહેર કર્યા પણ કંપ્નીઓનું કશું જ બગડ્યું નથી.

જંતુનાશકોનો ઉપયોગ આપણે ત્યાં ખાદ્ય પદાર્થોમાં સામાન્ય થઈ પડ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સના કાયદાઓમાં છીંડા નહીં પણ મસમોટાં ગાબડાં છે. ઉપરથી આ કાયદાઓની તીક્ષ્ણતા ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ જ્યુડિશિયરી સિસ્ટમે ઘસી નાખી છે. આપણા દરેક ખાદ્ય પદાર્થ તેની સાથે ઢગલાબંધ કેર લાવે છે. ભારતમાંથી જાપાનમાં કેરીની નિકાસ કરવા માટે છેલ્લાં વીસ વર્ષોથી પ્રયત્નો થઈ રહ્યા છે પણ જાપાન તેની પરવાનગી આપતું નથી, કારણ કે આપણે ત્યાં જંતુનાશકોનો એટલી હદે ખેતીમાં ઉપયોગ થાય છે કે એ શરીરની હાલત ખરાબ કરી નાખે છે. આપણા લાલ મરચાના પાઉડરમાં હેંતકનો રંગ ઠલવાયો હોવાથી હજુ હમણાં જ જાપાને તેને રિજેક્ટ કર્યા. લીલી દ્રાક્ષના ઉત્પાદનમાં ભારતનો નંબર બહુ આગળ આવે છે પણ આપણે ત્યાંથી નિકાસ થયેલી દ્રાક્ષમાં આવી જ ગરબડ જોવા મળી હોવાથી બે વર્ષ પહેલાં આખા યુરોપમાં તેના પર પ્રતિબંધ મુકાયો હતો અને એ દ્રાક્ષનો નાશ કરવામાં આવ્યો હતો. દૂરની વાત ક્યાં કરવી, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાંથી તલની નિકાસ કરવામાં કંઈ કેટલાય વિઘ્નો આવ્યાં છે. જાપાનમાં આયાતકારોએ તો સ્પષ્ટ કહી દીધું છે કે આ તલમાંથી જંતુનાશકોનું પ્રમાણ નહિંવત નહીં થાય ત્યાં સુધી તેઓ આપણા તલને હાથ પણ અડાડશે નહીં. અને એ જ તલ, એ જ દ્રાક્ષ, એ જ કેરી આપણે ત્યાં સાવ ખુલ્લેઆમ વેચાય છે. જંતુનાશકોનું ઝેર ઓછું હોય તેમ એમાં કાર્બાઈડના અવગુણો મળે છે. અને તલના તેલમાં ભળે છે સસ્તું પામ ઓઈલ. ખાદ્ય પદાર્થોમાં ચેડાં કરતા લોકોને ફાંસીની સજાની જોગવાઈ શા માટે નહીં?

No comments:

Post a Comment