Friday, May 30, 2014

અત્રતત્રસર્વત્ર અગ્નિનું મહત્ત્વ --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

પુરાતન માનવીને અગ્નિની ખબર ન હતી. જંગલમાં જ્યારે તેણે દાવાનળ જોયો ત્યારે તેણે પ્રથમ વાર અગ્નિનાં દર્શન કર્યા. અગ્નિનો પ્રકાશ જોયો અને ગરમીનો અનુભવ કર્યો. દિવસે ગરમીનો અનુભવ થતો તેથી તે માનવા લાગ્યો કે સૂર્ય અગ્નિની તકતી છે. ત્યારે લોકોને ખબર ન હતી કે સૂર્ય ગોળો છે, નહીં કે તકતી, કેમ કે ગોળાનું પ્રક્ષેપણ તકતીના સ્વરૂપે દેખાય તેની તેને ખબર ન હતી. જંગલના દાવાનળમાં ભુંજાયેલી વસ્તુઓ ખાવાથી તેને વધારે સ્વાદિષ્ટ લાગવા માંડી. તે પછી તેના શિકારને અગ્નિમાં ભૂંજીને ખાવા લાગ્યો, પણ તેની સમસ્યા એ હતી કે અગ્નિ તે કેવી રીતે ઉત્પન્ન કરે? તેણે બે પાંચીકા ઘસીને અગ્નિ તો ઉત્પન્ન કર્યો પણ તે ઘણા પરિશ્રમનું કામ છે. તો બીજી સમસ્યા તેની એ હતી કે અગ્નિને કેવી રીતે સાચવી રાખવો. તેણે જોયું કે લાકડાં બળવાથી અગ્નિ ટકી રહે છે. તેણે લાકડાં બળતાં રહે તેની વ્યવસ્થા કરી. આ લાકડાં પર તે તેના શિકારને પણ શેકતો. તે જમાનામાં લાકડાનો તો કોઈ તોટો ન હતો. રાત-દિવસ લાકડાંને તે બળતાં રાખતો. તેણે જોયું કે લાકડાં બળતાં હોય તો જંગલી જનાવરો તેની નજીક આવતાં નથી. તેણે અગ્નિને રક્ષણશસ્ત્ર તરીકે ઉપયોગ કરવાનું શરૂ કર્યું. પ્રાચીન માનવે જોયું કે અગ્નિ તેને બે રીતે મદદ કરે છે. એક કે અગ્નિ તેનું જંગલી પશુઓથી રક્ષણ કરે છે અને અગ્નિનો પ્રકાશ રાતે જંગલમાં જવું હોય તો તેના માર્ગમાં પ્રકાશ પાથરે છે. આમ અગ્નિનો રાતે મશાલના રૂપમાં બત્તી તરીકે ઉપયોગ શરૂ થયો. આજે તે વીજળીના દીવાના રૂપમાં આપણી પાસે છે. દિવસે સૂર્ય આપણો અગ્નિ છે અને રાતે ચંદ્ર.

પુરાતન માનવી ચંદ્રને પણ અગ્નિનો ગોળો માનતો. તારાને આકાશમાં રહેતાં અગ્નિના કણો માનતો. જ્યારે ઉલ્કાવર્ષા થતી ત્યારે તે માનતો કે અગ્નિગણોનો વરસાદ થાય છે. તેને ખબર ન હતી કે ચંદ્ર તો સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરી પોતાને દેખાડે છે. પુરાતન સમયમાં સૂર્ય અને ચંદ્રને દેવતા માનવામાં આવતા. ગ્રહણો થતાં ત્યારે લોકો માનતા કે સૂર્યને અને ચંદ્રને રાક્ષસ ગળી જાય છે.

આપણા ઋષિ-મુનિઓને અગ્નિનું મહત્ત્વ સમજાયું હતું. તેઓ તેની એક શક્તિ તરીકે, એક દેવતા તરીકે પૂજા કરતા. અગ્નિકુંડ બનાવવામાં આવતા અને તેમાં હોમ થતો. બારે માસ અગ્નિને સળગતો રાખવામાં આવતો. મોટા મોટા દિવસે હવન કરી અગ્નિને આહુતિ દેવામાં આવતી. તેની પૂજા કરવામાં આવતી અને તેની પ્રશંસામાં ઋચાઓની રચના કરવામાં આવતી. તેઓ માનતા કે અગ્નિ દેવતાનું મૂળ છે. અગ્નિમાં હોમાયેલું દેવતાને પહોંચે છે. વૈદિક સમયમાં પારસીઓ વૈદિક સંસ્કૃતિના જ હતા. તેથી જ પારસીઓ પણ અગિયારીમાં અગ્નિને બારે માસ જલતો રાખે છે. અગ્નિ પછી દીવાના સ્વરૂપે આપણી સમક્ષ આવ્યો. આજે પણ એ પ્રકાશ સ્વરૂપને, એ જ્ઞાન સ્વરૂપને, એ સરસ્વતી સ્વરૂપને આપણે કોઈ કાર્યના આરંભે પ્રગટાવીએ છીએ. દીવા પણ ઘણા પ્રકારનાં છે. પહેલાં ચરબીના દીવા થતા હતા, પછી ઘીના દીવાની શરૂઆત થઈ. હવે મીણબત્તીના દીવા પણ અસ્તિત્વમાં આવ્યા છે. વિદ્યુત પ્રકાશે ઈતિહાસ રચ્યો છે. વિજ્ઞાન અને વિજ્ઞાનીઓએ આપણને ધન-વિદ્યુતભાર અને ઋણ-વિદ્યુતભારને સમજી વીજળીનો કરન્ટ, વીજળીનો પ્રવાહ આપ્યો, વિદ્યુત અને ચુંબક એકના એક છે તે દર્શાવ્યું અને તેના વચ્ચેનો સંબંધ સ્થાપિત કરી દર્શાવ્યું કે પ્રકાશ કાંઈ જ નથી, પણ વિદ્યુત-ચુંબકીય ક્ષેત્ર છે. બ્રહ્માંડમાં એવી એક પણ જગ્યા નથી જ્યાં વિદ્યુત-ચુંબકીય ક્ષેત્ર ન હોય. આપણે પ્રકાશના રહસ્યને સમજી શક્યા. સૂર્યના પ્રકાશના રહસ્યને સમજી શક્યાં. આકાશમાં થતી વીજળીના રહસ્યને સમજી શક્યા. પૃથ્વી પર ડાયનેમો અને જનરેટર અસ્તિત્વમાં આવ્યાં. અગ્નિ એક અદ્ભુત વસ્તુ છે. અગ્નિમાં લાડુ નાખો તો પણ તે પ્રેમથી તેને આરોગી જાય અને મડદું નાંખો તો પણ તે કોઈ પણ છોછ વગર તેને આરોગી જાય. પ્રકાશ અગ્નિનું જ સ્વરૂપ છે. પાણી ગંદકી પરથી આવે તો ગંદું થાય. હવા કતલખાના પરથી આવે તો દુર્ગંધ મારે. પણ પ્રકાશ ગમે ત્યાંથી આવે ગુલાબ પરથી કે ગંદકી પરથી, આપણને તેમાં કોઈ પણ ફરક પડે નહીં. ખરાબ વસ્તુ જોવી આપણને ન ગમે પણ તેમાંથી પરાવર્તન થઈને આવતો પ્રકાશ આપણને જરા પણ નડે નહીં. જો આપણી આંખે પાટા બાંધ્યા હોય તો આપણે કહી ન શકીએ કે પ્રકાશ કયા સ્ત્રોત પરથી આપણા શરીર પર પડે છે. આ અગ્નિ અને પ્રકાશની દિવ્યતા છે.

બ્રહ્માંડમાં અગ્નિ ક્યાં નથી? આપણા પેટમાં છે. પેટની બહાર રૂમમાં છે, રૂમની બહાર ઘરમાં છે, ઘરની બહાર અંતરીક્ષમાં છે. પૃથ્વીની બહાર સૂર્યમાળાના અંતરીક્ષમાં છે, સૂર્યમાળાની બહાર મંદાકિનીના અંતરીક્ષમાં છે. મંદાકિનીના અંતરીક્ષની બહાર બ્રહ્માંડમાં છે. હાલના બ્રહ્માંડનું ઉષ્ણતામાન લગભગ ૩ અંશ કેલ્વિન એટલે કે માઈનસ ૨૭૦ અંશ સેલ્સિયસ) ઉષ્ણતામાન છે. એરકન્ડિશન્ડ રૂમમાં કે આપણા ઘરમાં ભલે અગ્નિની જ્વાળા ન દેખાતી હોય પણ ત્યાં ઉષ્ણતામાન ૧૦ અંશ કે ૨૦ અંશ સેલ્સિયસ છે. તે શું બતાવે છે? તે દર્શાવે છે કે ત્યાં અગ્નિ છે. અગ્નિ એટલે ઊર્જા, અને ઊર્જા એટલે અગ્નિ. બ્રહ્માંડ પોતે ઊર્જાનો એક પરપોટો છે. એટલે કે અગ્નિનો પરપોટો છે. પૂરું બ્રહ્માંડ ઊર્જાના એટલે કે અગ્નિના બળે ચાલે છે. આપણા શરીરમાં જે શક્તિ છે તે ઊર્જાની અગ્નિની શક્તિ છે. શરીરની ચેતના જે એક એક પેશીમાં છે તે ચાલી જાય એટલે આપણું શરીર મડદું થઈ જાય. જેમ ગરમ પાણી દઝાડે છે તેમ ભયંકર ઠંડું પાણી પણ દઝાડે જ છે. આ બ્રહ્માંડ ઘણું રહસ્યમય છે. તેમાં બોઈલરમાં બરફ મળે છે અને બરફમાં બોઈલર.

રાજસ્થાનમાં ઉનાળામાં ઉષ્ણતામાન લગભગ ૫૨ અંશ સેલ્સિયસ રહે છે. એન્ટાર્કટિકામાં ઉષ્ણતામાન માઈનસ ૪૦ અંશ સેલ્સિયસ હોય છે. આ બંને જગ્યાના ઉષ્ણતામાનમાં લગભગ ૯૨ અંશ સેલ્સિયસનો તફાવત હોય છે. એન્ટાર્કટિકાના માણસને ઉનાળામાં રાજસ્થાનના રણમાં લઈ આવીએ તો તે કહેશે કે રાજસ્થાની માણસો બોઈલરમાં રહે છે કે શું? શનિના ઉપગ્રહ પર ઉષ્ણતમાન માઈનસ ૨૦૦ અંશ સેલ્સિયસ રહે છે. શનિના ઉપગ્રહ પર જો માનવ વસ્તી હોય અને તેમાંના એક માણસને આપણે એન્ટાર્કટિકામાં લઈ આવીએ તો તે કહેશે કે એન્ટાર્કટિકાના માણસો બોઈલરમાં રહે છે કે શું? પ્લુટોના ઉપગ્રહ પર ઉષ્ણતામાન માઈનસ ૨૪૦ અંશ રહે છે. પ્લુટોના ઉપગ્રહ પર જો માનવ વસ્તી હોય અને તેમાંના એક માણસને આપણે શનિના ઉપગ્રહ પર લઈ આવીએ તો તે કહેશે કે શનિના ઉપગ્રહ પરના માણસો બોઈલરમાં રહે છે કે શું? બ્રહ્માંડમાં ઉષ્ણતામાન માઈનસ ૨૭૦ અંશ સેલ્સિયસ છે. તેમાં જો માણસ હોય અને તેને પ્લુટોના ઉપગ્રહ પર લઈ આવીએ તો તે કહેશે કે પ્લુટોના ઉપગ્રહ પરના માણસો બોઈલરમાં રહે છે કે શું? તો પ્રશ્ર્ન થાય કે આમાં ખરેખર બોઈલર કયું? દરેકેદરેક જગ્યા બોઈલર છે અને દરેકેદરેક જગ્યા બોઈલર નથી. આમ અગ્નિ બ્રહ્માંડમાં દરેકેદરેક જગ્યાએ છે. લાઈટરમાં પીઝો ઈલેક્ટ્રિક કરન્ટ ઉત્પન્ન થાય છે તેથી તે સ્પાર્ક ઉત્પન્ન કરે છે.

હવે પ્રશ્ર્ન થાય છે કે દીવાસળી બળે ત્યારે ઉત્પન્ન થયેલો અગ્નિ કે લાકડું બાળવાથી ઉત્પન્ન થતો અગ્નિ કે કાગળ, પેટ્રોલ, કેરોસીન બળવાથી ઉત્પન્ન થતો અગ્નિ, પ્રકાશ, સૂર્યમાંથી નીકળતો પ્રકાશ શું એક જ અગ્નિ છે? ખરેખર અગ્નિ છે શું? અગ્નિ વિદ્યુત-ચુંબકીય ક્ષેત્ર છે. જ્યારે ઈલેક્ટ્રોન પ્રવેગી (ફભભયહયફિયિંમ) થાય છે ત્યારે પ્રકાશ ફેંકે છે તે અગ્નિ કહેવાય છે. ઈલેક્ટ્રોન જ્યારે ઊર્જા મેળવે છે ત્યારે તે પરમાણુમાં ઉપરની કક્ષાએ પહોંચે છે અને પછી તરત જ નીચેની તેની મૂળકક્ષાએ ઊતરે છે. આ વખતે તેણે મેળવેલી ઊર્જા પ્રકાશરૂપે બહાર ફેંકે છે. આ રીતે બધા જ પ્રકારના અગ્નિ એક જ છે. તે માત્ર ઈલેક્ટ્રોનની કૂદાકૂદ છે.

No comments:

Post a Comment