Wednesday, June 4, 2014

શેરબજારમાં અધીરા લોકોનાં નાણાં ધીરજવાનો લઈ જાય છે --- જયેશ ચિતલિયા

ચૂંટણીના પરિણામ આવી ગયા છે, અર્થતંત્ર અને બજારો તેમ જ સમગ્ર ઈન્વેસ્ટમેન્ટ જગત હવે નવી દિશા તરફ આગળ વધશે. આ સંજોગોમાં રોકાણકારોએ શું કરવું અને શું ન કરવું તેની સમજ સાથે સંયમ રાખવો જરૂરી છે. રાતોરાત કંઈ બદલાઈ જવાનું નથી, આ સમયમાં વોલેટિલીટી વધી શકે, સેન્ટિમેન્ટ સતત ઊંચા સ્તરે જઈ શકે, પ્રવાહિતા વધી શકે, જોકે આર્થિક ફંડામેન્ટલ્સ સુધરતા વાર લાગશે. આ સમયમાં તેજીમાં વધુ પડતા તણાઈ જવું નહીં અને માર્કેટ તૂટે તો ગભરાઈ જવું નહીં. સ્ટોક માર્કેટ કે ઈન્વેસ્ટમેન્ટ જગતના વ્યવહારોમાં આપણે કયાંક નફો તો કયાંક ખોટ કરતા હોઈએ છીએ. કોઈ નિર્ણયમાં સ્માર્ટ રહયા હોઈએ તો વળી કોઈ નિર્ણયમાં ભૂલ પણ કરી હશે. જોકે આપણી ભૂલોમાંથી પણ આપણે ઘણીવાર શીખવાનું ટાળીએ છીએ અથવા ચૂકી જઈએ છીએ. બાકી, જો આપણે આપણા જ નિર્ણયોની સમયાંતરે સમીક્ષા કરતા રહીએ અને તેમાંથી પણ પાઠ મેળવવાનો પ્રયાસ કરીએ તો જીવનમાં કાયમ કામ આવે એવા અનુભવોનો ખજાનો જમા થઈ શકે છે. ખૈર, આપણે વેલ્થ ચેક અપમાં આ વખતે વૈશ્ર્વિક ઈન્વેસ્ટમેન્ટ ગુરુઓના અનુભવોને યાદ કરી કંઈક નવું શીખીએ. અત્યારે આ સમજવાનો વિશેષ સમય છે.

શેરબજારની વાત હોય ત્યાં વોરેન બફેટ યાદ ન આવે એવું તો બને જ નહીં. વોરેન બફેટ તેની સાદી પણ સ્પષ્ટ ભાષામાં કહે છે કે જો તમારી દસ વરસ માટે શેરો ધરાવી રાખવાની ઈચ્છા ન હોય તો તમે એ દસ મિનિટ માટે પણ ન રાખો. માત્ર ને માત્ર રોકાણકારોને જ માફક આવે એવી આ વાતમાં લાંબા ગાળાના રોકાણને જ પ્રાધાન્ય આપવા પર ભાર છે. વળી બફેટ સાહેબ એવું પણ ઉમેરે છે કે તમારા શેરોના ભાવો પચાસ ટકા તૂટી જાય ત્યારે તમે જરાપણ ગભરાટ કે ચિંતા વિના તેને જોઈ શકવાની તૈયારી રાખી શકતા હો તો જ શેરબજારમાં પ્રવેશ કરજો. બોલો , પહેલી નજરે બફેટ સાહેબની આ બે વાત સાંભળીને જ આપણા તો હોંશ ઊડી જાય ને! એક તો આટલા લાંબા સમય માટે રોકાણ કરવાનું અને તેના ભાવ પચાસ ટકા ઘટી જાય તો પણ તેને સ્વીકારવા તૈયાર રહેવાનું . જવા દો યાર, શેરબજારમાં પ્રવેશવું જ નથી એવો નિર્ણય કરવાનું દિલ થઈ જાય તો નવાઈ નહીં. પરંતુ દોસ્તો, આ શબ્દોને એઝ ઈટ ઈઝ પકડવાને બદલે તેના ભાવ અને અર્થને સમજશો તો શેરબજારમાં રોકાણ કર્યા બાદ નિષ્ફળ થવાની સંભાવના નામશેષ થઈ શકે છે. અને હા, રાતોરાત લખપતિ થઈ જવાની ભ્રમમાંથી પણ મુકિત મળી શકે છે. ઈન શોર્ટ, શેરબજાર જોખમી છે અને તેમાં તમારી મૂડી સાફ થઈ જાય એવું પણ બની શકે છે. 

ઈતિહાસ પાસેથી આપણે એટલું જ શીખીએ છીએ કે આપણે ઈતિહાસ પાસેથી કંઈ શીખતા નથી, બેન્જામિન ડીઝરાઈલી નામના ગુરુ આમ કહે છે ત્યારે આપણી ભૂલોમાંથી પણ નહીં શીખવાની મનોવૃત્તિ ખુલી પડે છે. એટલે જ શેરબજારમાં મહેતાઓ, પારેખો અને કહેવાતા પંડિતો, લેભાગુ પ્રમોટરો- ઓપરેટરો આવતા રહે છે અને રોકાણકારોને છેતરીને જતા રહે છે. કારણ કે દર વખતે આપણે પ્રલોભનોમાં અથવા પેનિકમાં આવી પરંપરાગત ભૂલો કરતા રહીએ છીએ.

શેરબજાર એવું સ્થળ છે , જે ખૂબજ અધીરા લોકોના નાણાં ખૂબ જ ધીરજવાન લોકોને ટ્રાન્સફર કરી આપે છે, એવું કહેનાર વોરેન બફેટ આપણી મૂર્ખતા પર કટાક્ષ કરે છે. શેરબજારમાં એકસો જણાંમાંથી માંડ પાંચ કે દસ જણાં કમાય છે, જયારે કે નેવું થી પંચાણું જણાં ગુમાવે છે. એનું કારણ ઉપરના સંદેશમાં સમાઈ જાય છે.

શેરબજાર આમ તો ઘણા અને વિવિધ પરિબળોને આધારે ચાલે છે, કિંતુ તેમાં સૌથી સંવેદનશીલ પરિબળ સેન્ટિમેન્ટ મનાય છે. અર્થાત બજારનું માનસ અને વ્યક્તિગત સ્તરે ઈન્વેસ્ટરનું માનસ. જેને લીધે અનેકવાર એવું બને છે કે બજારમાં નાણાંકીય સિધ્ધાંતો કરતા સાઈકોલોજી આપણા નિર્ણયોને વધુ અસર કરે છે. આપણે બે મનોવૃતિનો સતત સામનો કરતા રહીએ છીએ, એક પ્રલોભનવૃત્તિ અને બીજી ગભરાટમાં આવી જવાની મનોવૃત્તિ . આ બંને બાબતો આપણી સાઈકોલોજી આધારિત નિર્ણય લેવડાવે છે અને મોટે ભાગે તેમાં આપણે સહન કરવાનું આવે છે. આ સમયમાં વિવેક અને સંયમ આપણને સફળ થવામાં આપણને સહાય કરે છે. નવી સરકાર પાસે ઘણી આશા છે, નવો ઉત્સાહ છે. તેથી આ સંજોગોમાં વૈશ્ર્વિક ઈન્વેસ્ટમેન્ટ ગુરુઓની થોડી વધુ શિખામણો પણ હવે પછી ચર્ચામાં અને ધ્યાનમાં લઈશું.

No comments:

Post a Comment