ગયા વખતે આપણે વાત કરી હતી મંદિરની ખરેખર શું ઉપયોગિતા છે એની. મંદિરમાં આપણે ઘંટ વગાડીએ છીએ, દીવા-અગરબત્તી કરીએ છીએ એની પાછળ પણ એક વિજ્ઞાન, સૂઝ અને સમજ છે. એની વાત કરતા પહેલાં મંદિર વિશે અત્યારે અને ખાસ તો આ બધી સમજણ ન ધરાવતા પશ્ર્ચિમની સંસ્કૃતિના લોકો અથવા એનાથી અભિભૂત થયેલા ભારતીયો પણ એવું માને છે કે આપણા મંદિરો તો હવા-ઉજાસ વિનાના, બંધિયાર અને અનહાઇજિનિક’ એટલે કે તંદુરસ્તી માટે નુકસાનકારક હોય છે.
અન્ય ધર્મોનાં આધુનિક દેવસ્થાનો જોઈને આપણામાંના કેટલાકને લાગવા માંડ્યું કે આપણાં મંદિરો તો કેવા અંધારિયા અને બંધિયાર છે! આજે પણ આપણા મંદિરોની ટીકા કરતા કોઈ એમ કહે કે તમારા મંદિરોમાં તો અંદર પ્રવેશવા માટે એક નાનકડો દરવાજો હોય છે. ઘણીવાર તો એ પણ એટલો નાનો હોય છે કે ઝૂકીને જવું પડે છે. આ મંદિરોમાં હવા-ઉજાસ માટે બારી-દરવાજા શા માટે નથી હોતા? તો આપણામાંના મોટાભાગના લોકો આ પ્રશ્ર્નનો જવાબ નહીં આપી શકે. વિવાદ કરનાર વ્યક્તિ જો જરા આક્રમક હોય તો આપણે પણ માની લઈએ છીએ કે હા, આપણા મંદિરો સ્વાસ્થ્યની દૃષ્ટિએ યોગ્ય નથી. જો ખરેખર એવું હોત તો આ મંદિરોમાં જે ઋષિ, મુનિઓ કે સાધકો સાધના કરતાં તેઓ બીમાર હોત પણ હકીકતમાં સૌથી વધુ સ્વસ્થ લોકો હતા! આવું એટલા માટે શક્ય હતું કે એ મંદિરોમાં જે ધ્વનિઓનું ઉચ્ચારણ થતું હતું એ આખા વાતાવરણને પ્યુરિફાય એટલે કે શુદ્ધ કરતું હતું. આપણા મંદિરોને શુદ્ધ રહેવા માટે હવા-ઉજાસની જરૂર નહોતી. ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મ એટલા ઉચ્ચ શિખરોને સ્પર્શી ચૂક્યું હતું કે ધ્વનિના માધ્યમથી ઘણું બધું કરી શકાતું હતું. ઓમની ધ્વનિ પર હવે તો ખૂબ સંશોધન થયું છે અને એ પણ પુરવાર થયું છે કે ઓમનો ધ્વનિ વાતાવરણને શુદ્ધ કરે છે. મંદિરોમાં જે ધ્વનિ ઉત્પન્ન કરવામાં આવે તે બહાર આકાશમાં વેરાઈ ન જાય અને એનો પૂર્ણ લાભ સાધકને મળે એવા ગણિત સાથે મંદિરોની રચના અને બાંધણી થઈ પણ આપણે ત્યાંના ચાર અંગ્રેજી ચોપડી ભણી લેનારા અલેલટપ્પુઓએ આ બધાની સમજણ કે સંશોધન વિના પશ્ર્ચિમી લોકોની વાદે મંદિરોને અનહાઇજિનિકનું લેબલ લગાડી દીધું. એટલું જ નહીં પણ આ દોઢડાહ્યાઓ દ્વારા જે નવા મંદિરોનું નિર્માણ થયું એના દરવાજા મોટા અને મોટી-મોટી બારીવાળી ઈમારતો. અહીં ધ્વનિ એ કામ ન કરી શકી જે પ્રાચીન મંદિરોમાં થતું હતું. હજુય ઘણાં શિવાલયો તેમ જ મંદિરો એવા છે જે અંધારિયા અને જેને આ ભણેલાગણેલાઓ અનહાઇજિનિક’ ગણે એવાં છે. આપણે ત્યાં મંદિરમાં પ્રવેશદ્વાર પર જ ઘંટ લટકાવવામાં આવ્યા હોય છે. આ ઘંટનું વિશેષ પ્રયોજન છે. જ્યારે કોઈ વ્યક્તિ મંદિરમાં પ્રવેશીને ઘંટ વગાડે છે તો એ કંઈ પોતે આવ્યો છે એની જાણકારી ઈશ્ર્વરને દેવા માટે નથી, પણ પોતાને એ વાતનું ભાન કરાવવા માટે છે કે તે બહારના જગતમાંથી એક એવા સ્થાન પર પ્રવેશી રહ્યો છે જ્યાં તેણે ભીતરનું અનુસંધાન કરવાનું છે. સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે આપણે ઘંટ વગાડીએ છીએ ત્યારે બહારના એટલે કે સંસારના વિચારોમાં વ્યસ્ત મન પર એક ચોટ લાગે છે. વિચારોની સાંકળ તૂટે છે. એના પર એક બ્રેક લાગે છે. ઘંટનો અવાજ આપણને યાદ દેવડાવે છે કે હવે પછીનો થોડો સમય એટલે કે મંદિરમાં આપણે જે સમય ગાળવાના છીએ ત્યાં સુધી આપણે સંસારથી આપણી જાતને અળગી કરવાની છે. જેમ જૂતાં મંદિરની બહાર ઉતારીએ છીએ એ જ રીતે આપણા સંસારને આપણે બહાર મૂકીને અંદર પ્રવેશવાનું છે. જન્મ્યા ત્યારથી અત્યાર સુધી કેટલાંય મંદિરોમાં આપણે ગયા છીએ પણ આપણે ક્યારેય આપણી જાતને આ યાદ દેવડાવવા માટે ઘંટ વગાડ્યો છે ખરો? કેટલાંય લોકો તો જાણે જેટલા જોરજોરથી અને જેટલી વાર ઘંટ વગાડીએ એટલી વાર ઈશ્ર્વર આપણી તરફ ધ્યાન આપશે કદાચ એવી ધારણા સાથે મંદિરોના ઘંટ વગાડવા માટે મચી પડતા હોય છે. જે ધ્વનિ આપણા મનને જગાડવા માટે હતો એને આપણે માત્ર ઘોંઘાટ સર્જવા માટેનું સાધન બનાવી મૂકીએ છીએ. ઘંટનો ધ્વનિ ઓમને મળતો આવે છે. આ ઓમનો અવાજ મંદિર અને એના આસપાસના વાતાવરણને ચાર્જ કરે છે. ઓમ જેવો ઘંટનો આ ધ્વનિ એક ચોક્કસ વાતાવરણ સર્જવામાં મદદરૂપ થાય છે. જે રીતે ધ્વનિનું પોતાનું એક ગૂઢ શાસ્ત્ર છે, વિજ્ઞાન છે એ જ રીતે ગંધને પણ પોતાનું મહત્ત્વ છે એની મન અને શરીર પર વિવિધ અસર થાય છે. અરોમા થેરપી વિશે હવે આપણે માહિતગાર થયા છે, પણ આના પર આપણે ત્યાં અગાઉ જ બહુ સમજ હતી. અમુક મંદિરમાં અમુક ફૂલ કે અમુક જગ્યાએ ચંદન કે કોઈ ચોક્કસ સુગંધ ધરાવતી અગરબત્તી પેટાવવામાં આવે છે. એની પાછળ પણ તર્ક અને વિજ્ઞાન છે જ. તેમણે ધ્વનિ અને ગંધ વચ્ચેનો સંબંધ પણ જાણ્યો હતો. ધ્વનિ અને ગંધનું ચોક્કસ કોમ્બિનેશન કરીને એક સંવાદિતા સર્જવાનો આશય હતો. આ સિવાય અમુક પ્રકારની સુગંધ કે દુર્ગંધ આપણા મગજના અમુક હિસ્સા પર કામ કરે છે. અગરબત્તી કે ફૂલની સુવાસ પોતે જ એક પવિત્ર અને ખુશનુમા વાતાવરણ સર્જે છે. મંત્રના ચોક્કસ ધ્વનિ અને ચોક્કસ સુગંધ વચ્ચે તાલમેળ હતો. ઓશોએ એક જગ્યાએ કહ્યું છે કે અલ્લાહ શબ્દના ઉચ્ચાર અને લોબાનને સંબંધ છે અને એટલે જ મસ્જિદોમાં કે દરગાહો પર લોબાન સળગાવવાની પરંપરા છે પણ મંદિરોમાં ધૂપ કે અગરબત્તી કરવામાં આવે છે કારણ કે ત્યાં જે મંત્રની ધ્વનિઓ છે એની સાથે અગરબત્તી અને ધૂપનો તાલમેલ વધુ છે. આપણે ત્યાં તો જેમણે મંત્રસાધના કરી તેમણે જાણ્યું કે મંત્રનો ધ્વનિ છે, એ ધ્વનિને એક સુવાસ પણ છે અને એની રોશની પણ છે. મંદિરમાં પ્રકાશ અથવા દીવો પ્રગટાવવામાં આવે છે. જે મંદિરો પ્રાચીન છે અને આ બધી સૂક્ષ્મ બાબતોને ધ્યાનમાં રાખીને બાંધવામાં આવ્યા છે ત્યાં ગર્ભગૃહમાં બહુ પ્રકાશ નથી. બહારથી પણ નહીં અને ભીતર પણ બહુ મોટા ફાનસો કે અન્ય કોઈ કૃત્રિમ પ્રકાશ નથી. આ ગર્ભગૃહોમાં દીવાનો જ પ્રકાશ હોય છે. આંખને આંજી નાખતો નહીં પણ મનને શીતળતા આપતો પ્રકાશ. મંદિરમાં કે ઘરમાં પણ આપણે જ્યારે દીવો કરીએ છીએ ત્યારે ઘીનો દીવો કરવાની પ્રથા છે. એમાંય જો શક્ય હોય તો ગાયના ઘીનો દીવો કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. દીવાની જ્યોત પર ત્રાટક કરવાની એક ધ્યાનવિધિ છે. પ્રયોગો પરથી સિદ્ધ થયું છે કે તેલ પૂરેલા દીવા પર જો ત્રાટક કરવામાં આવે તો આંખ જલદીથી થાકી જાય છે પણ જો ગાયના શુદ્ધ ઘીના દીવા પર ત્રાટક કરવામાં આવે તો આંખ જલદી થાકતી નથી. ગાયના ઘીમાં કેટલા ગુણ છે એ વિશે પણ હવે તો આધુનિક વિજ્ઞાને સાબિતી આપી છે. ત્રાટક વિધિની વાત બાજુ પર મૂકીએ તોય દીવો પ્રતીક છે ઊર્ધ્વગમનનું. સૃષ્ટિમાં લગભગ બધી જ વસ્તુઓ ઉપરથી નીચે તરફ જાય છે. દીવાની જ્યોત નીચેથી ઉપર તરફ જાય છે. દીવો આપણને યાદ દેવડાવે છે કે આપણે ઉન્નતિ કરવાની છે. આપણી ચેતનાને ઉપરની તરફ લઈ જવાની છે. તિલક કરવા માટે મોટા ભાગના મંદિરોમાં ચંદન મૂકેલું હોય છે. ચંદનનું તિલક કંઈ સ્ટેમ્પ નથી કે કપાળ પર લગાડ્યું એટલે દુનિયા જાણી શકે કે તમે મંદિરમાં જઈ આવ્યા છો અને તમે કેટલા ધાર્મિક છો. ચંદનનું તિલક કપાળ પર બે આંખની વચ્ચે કરવામાં આવે છે. આ એ જ સ્થાન છે જ્યાં આપણું આજ્ઞાચક્ર છે. જેઓ ધ્યાનના ઊંડાણમાં ઊતર્યા છે તેમણે જાણ્યું છે કે જ્યારે તેઓ ધ્યાનની એ ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરે છે ત્યારે આજ્ઞાચક્રમાંથી ચંદન જેવી સુગંધ પેદા થાય છે, પણ જ્યાં સુધી એ સ્થિતિ પ્રાપ્ત નથી થતી આપણે બાહ્ય આધાર લઈએ છીએ. ચંદનનું તિલક કરવાથી એ સ્થાન પર શીતળતાનો અનુભવ થાય છે. આજ્ઞાચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાની એક વિધિ છે. ચેતનાને સમેટીને આજ્ઞાચક્ર પર લઈ જવાની હોય છે. આજ્ઞાચક્ર એટલે કે કપાળ પર બે આંખની વચ્ચેના સ્થાન પર ચંદન લગાડવાથી એ ભાગમાં શીતળતાનો અનુભવ થાય છે અને એ સ્થાન પર ધ્યાન કેન્દ્રિત કરવું સરળ બને છે. વિચારોની ઉત્તેજનાથી સર્જાયેલી ઉષ્ણતા પર ચંદન શીતળતાનો લેપ કરે છે. મંદિરમાં કેવી રીતે જવું? કેવાં કપડાં પહેરવાં? એ બધા નિયમો પાછળ તર્ક અને સમજણ તેમ જ અનુભવો હતા. મંદિરોમાં સ્નાન કરી સ્વચ્છ રેશમી વસ્ત્રો પહેરવાનું ચલણ છે. શરીરની તાજગી સ્વાભાવિકપણે મનની તાજગીનું કારણ બને છે. રેશમી વસ્ત્રો શરીરમાં એક વિદ્યુત પેદા કરે છે એટલું જ નહીં પણ મંત્રની ધ્વનિથી જે વિદ્યુત પેદા થાય છે એને જાળવી રાખવામાં પણ સહાયભૂત બને છે. આ અને આવા કેટલાંય રહસ્યો આપણી વિધિઓ અને પરંપરાઓ તેમ જ પ્રણાલી સાથે જોડાયેલા છે. આ બધાની સમજણ આપણે ગુમાવી ચૂક્યા છીએ અને જેમને બે બદામ જેટલી પણ અક્કલ નથી એવા લોકો આ બધાને વાહિયાત ગણે છે. એમની દલીલોમાં આવી જઈને આપણે પણ માનવા માંડ્યા છે કે આ બધુ નિરર્થક છે. આપણી પરંપરાગત બાબતોની ટીકા કરવી એ ફેશનેબલ થઈ ગયું છે. આવું બધું એટલા માટે થાય છે કે આ બધી સમજણ આપનારી વ્યક્તિઓ બહુ ઓછી છે અને પાખંડીઓની વચમાં તેમનો અવાજ ખોવાઈ જાય છે અથવા તો આપણા સુધી પહોંચી શકતો નથી. આપણને જ્યારે પશ્ર્ચિમી જગતનું સર્ટિફિકેટ મળે પછી આપણને આપણી સંસ્કૃતિ અને પરંપરાની મહાનતાનો અંદાજ આવે છે. હમણાં એક યુવાન મિત્ર ઝેની કાનાબાર પાસેથી એક સરસ એસએમએસ આવ્યો જે આ લેખના વિષયને સંબંધિત છે. હનુમાન ચાલીસામાં એક પંક્તિ આવે છે જુગ સહસ્ત્ર જોજન પર ભાનુ! લીલ્યો તાહી મધુર ફલ જાનુ એક જુગ (યુગ) એટલે ૧૨૦૦ વર્ષ, ૧ સહસ્ત્ર એટલે ૧૦૦૦ વર્ષ, ૧ યોજન એટલે ૮ માઈલ જુગ સહસ્ત્ર જોજન= ૧૨૦૦ ૧૦૦૦ ૮ માઈલ =૯૬૦૦૦૦૦૦ માઈલ. હવે એક માઈલ એટલે ૧.૬ કિલોમીટર. ૯૬૦૦૦૦૦૦ માઈલ ૧.૬ કિલોમીટર= ૧૫૩૬૦૦૦૦૦૦. મતલબ સૂરજ ૧૫૩૬૦૦૦૦૦૦ દૂર છે એવું હનુમાન ચાલીસામાં કહ્યું અને હમણાં જ નાસાએ કહ્યું કે ધરતી અને સૂરજ વચ્ચે પણ ૧૫૩૬૦૦૦૦૦૦ કિલોમીટરનું અંતર છે! ગાયત્રી મંત્ર વિશે તો ઘણા સંશોધનો થયા છે પણ અમેરિકન વૈજ્ઞાનિક ડૉ. હોવર્ડ સ્ટેનગ્રેલે આખા વિશ્ર્વમાંથી મંત્રો, ઋચાઓ, સ્તુતિઓ ભેગી કરી અને ફિઝિયોલોજીની લેબોરેટરીમાં ચકાસણી કરી તો ગાયત્રી મંત્ર ૧૧૦,૦૦૦ ધ્વનિતરંગો ઉત્પન્ન કરે છે એવું તારણ કાઢ્યું. આ ધ્વનિતરંગોના શરીર અને મન પર થતા પ્રભાવો પર સંશોધન કરવામાં આવ્યું તો આ વૈજ્ઞાનિકોના ધ્યાનમાં આવ્યું કે આ તો અતિશય શક્તિશાળી મંત્ર છે. તેમને જેવું આ સત્યનું જ્ઞાન થયું, દક્ષિણ અમેરિકાના રેડિયો સ્ટેશન પર બે વર્ષથી દરરોજ સાંજે સાત વાગ્યાથી ૧૫ મિનિટ માટે ગાયત્રીમંત્રનું પ્રસારણ કરવામાં આવે છે અને એમસ્ટરડેમમાં છેલ્લા છ મહિનાથી ગાયત્રીમંત્રનું પ્રસારણ થાય છે! બાય ધ વે, તમે કોઈ હિંદુસ્તાની એફ.એમ. રેડિયો કે અન્ય કોઈ રેડિયો સ્ટેશન પરથી આપણા કોઈ પણ મંત્રોનું પ્રસારણ થતું સાંભળ્યું છે? જો કોઈ આવું પ્રસારણ થતું હોય તો અમને જરૂર જાણ કરજો. જોકે હવે અમેરિકામાં આ પ્રસારણ થયું છે તો કદાચ કોઈ શરૂ કરે તો નવાઈ નહીં! |
Tuesday, May 13, 2014
સંસારમાં વ્યસ્ત મનને જગાડવા મંદિરમાં ઘંટ વગાડાય છે! -- ગીતા માણેક
Labels:
ગીતા માણેક
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment