Sunday, May 18, 2014

એક નવા યુગનો આરંભ -- સૌરભ શાહ 17-05-2014

મોદીયુગ તરીકે આવતાં પાંચ, દસ, પંદર કે પચ્ચીસ વર્ષ ઓળખાવાનાં છે આ દેશના ઈતિહાસમાં. ગઈ કાલે આપણે સૌ આ હિસ્ટરીના સાક્ષી બન્યા અને આવનારી પેઢીઓ સમક્ષ આ દિવસની સ્મૃતિઓ વાગોળતાં હોઈશું.

લાલ કૃષ્ણ અડવાણીએ જ્યારે ગઈ કાલે બપોરે કહ્યું કે હિન્દુસ્તાનના ઈતિહાસમાં આવી ચૂંટણી ક્યારેય નથી થઈ ત્યારે તેઓ સાચું જ કહેતા હતા. ૧૯૭૭ના ઐતિહાસિક દરજ્જો પામી ચૂકેલા ચુનાવ કરતાં પણ ગઈ કાલની ઘટના અનેકગણી મોટી હતી.

નરેન્દ્ર મોદીની આ પર્સનલ જીત છે. ૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરી પછી મોદી પર જે જૂતાં પડ્યાં છે તેનો આપ સૌની સામે હું પણ સાક્ષી છું. છેલ્લા દાયકા દરમ્યાન એમના પર જે પથ્થરો પડ્યા છે એ એક એક પથ્થરોને વીણીને એમણે પોતાનો અભેદ્ય કિલ્લો બનાવ્યો છે. આવા લોખંડી મજ્જાતંતુ જેની પાસે હોય એ માણસ આ ઊંચાઈએ પહોંચી શકે. વડોદરામાં પાંચ લાખ સિત્તેર હજાર મતની વિક્રમજનક જીત મેળવનાર મોદીનાં પાંચ પાસાં ઊડીને આંખે વળગે છે. આ પાંચ વાત જેની પાસે હોય તે પોતાના જીવનમાં આવનારી કોઈ પણ દુર્ઘટનાઓનો સામનો કરી શકે છે. આ પાંચ ‘એસ’ કે પાંચ ‘સ’ વિશે નાનકડી વાત કરી લઈએ:

૧. સત્ય: દાનતની સચ્ચાઈ હોય તે જ માણસ આ ઊંચાઈએ પહોંચી શકે. કોઈ પર્સનલ એજન્ડા ન હોય, કોઈ રીતે અંગત સ્વાર્થ સાધવાની દાનત ન હોય ત્યારે તમે રાષ્ટ્રના સર્વોચ્ચ પદને પામી શકો. તમારી નિષ્ઠા જો હોય તો તે લોકો સુધી પહોંચવાની જ છે એટલી શ્રદ્ધા તમારે રાખવી જોઈએ.

૨. સાહન: કોઈ પણ વિઘ્નો આવે, તમે એને ઓવરકમ કરવાની તાકાત ધરાવો છો એવી શ્રદ્ધા તમારામાં હોવી જોઈએ. અને આવી શ્રદ્ધા, આત્મશ્રદ્ધા, તમારામાં હોય તો તમારામાં કોઈ પણ સંકટનો સામનો કરવાનું સાહસ આપોઆપ આવી જાય છે.

૩. સૌનો સાથ: હું જ કરું, હુંજ કરું એ જ અજ્ઞાનતા એવી નરસિંહ મહેતાની કટાક્ષ પંકિતને સમજનાર મોદીએ અત્યંત મૅચ્યોરિટી સાથે પોતાની જાતને ભૂંસીને સૌનો સાથ લઈને આ સફળતા મેળવી છે. માણસ જ્યારે પોતાને મહાન માનવા માંડે છે ત્યારે એનું પતન થાય છે. મોદી આ વાત બરાબર સમજે છે. એકલા માણસની સાથે બીજી એક વ્યક્તિ જોડાય છે ત્યારે વન પ્લસ વન ટુ ને બદલે ઈલેવન થાય છે. મોદી સાથે જોડાયેલા અનેક એકડાઓ સરવાળા નહીં બદલે ગુણાકારમાં પરિવર્તિત થયા. અહમ્ને ઓગાળીને, હું જ સાચો છું એવી આત્મશ્ર્લાધાની ક્ધસેપ્ટને જતી કરીને, મોદીએ પોતાના પક્ષનો અને એન.ડી.એ.ના પોતાના સાથીઓનો સાથ લીધો. સૌનો સાથ લેવાની આવડત જેનામાં હોય તે જ આવી સફળતા હાંસલ કરી શકે.

૪. સ્પષ્ટતા: જે વ્યક્તિમાં પોતે જે કંઈ કરી રહ્યા છે તેની સ્પષ્ટતા હોય, જે વ્યક્તિ બધાની નજરમાં સારા દેખાવાની હોંશથી મુક્ત હોય, જે માણસ પોતાના લક્ષ્ય વિશે સ્પષ્ટ હોય તે જ વ્યક્તિ જીવનમાં કંઈક ઉચ્ચ ધ્યેય પ્રાપ્ત કરી શકે. મોદી સ્પષ્ટ છે. અડવાણીની આંગળી પકડીને પોતે ભલે ઉપર આવ્યા હોય, પણ અત્યારે દેશ અડવાણીના ચલાવ્યે ચાલી શકે એમ નથી. અડવાણીને સાઈડલાઈન કરીને પણ મોદી આગળ વધી શકે છે.

૫. શ્રીમંતોનો સાથ: મોદીએ કેમ્પેઈનના મહિનાઓ દરમ્યાન જબરજસ્ત મહેનત કરી. આગળપાછળ જોયા વિના, દેશના ખૂણેખૂણામાં તેઓ પહોંચી વળ્યા. પણ એમની પાસે જો પ્લેન અને હેલિકોપ્ટર્સ ન હોત તો? જો તમારું સાધ્ય શુદ્ધ હોય તો સાધનો જે હોય તે, તમારે અપનાવી લેવાં જોઈએ. ગાંધીજીની ફિલસૂફી કરતાં આ જરાક જુદી વાત છે. ભલે, પણ આજના જમાનામાં મોદીની વિચારધારા જ યોગ્ય છે, ગાંધીજીની નહીં.

ગુજરાતમાં ૨૬માંથી તમામ ૨૬ બેઠકો મેળવી શકનાર મોદી ૨૦૦૪ની સાલમાં નર્વસ હતા. તે વખતે ભાજપને ૨૬માંથી માત્ર ૧૪ સીટ્સ પર વિજય મળ્યો હતો તે વખતે મોદી પર ખુદ ભાજપ માછલાં ધોવા તૈયાર હતો. ભાજપના મોવડીમંડળના ત્રણ સભ્યો મોદી પાસે હિસાબ-કિતાબ માગવા માટે ગાંધીનગર આવી રહ્યા હતા. દસ વાગ્યે એમની મોદી સાથે ગાંધીનગરમાં મીટિંગ હતી. પોણા નવ વાગ્યે મોદીની ઑફિસેથી મને ફોન આવ્યો. ‘મોદીસાહેબ, તમારી સાથે વાત કરવા માગે છે.’ અને તરત જ ફોન પર નરેન્દ્ર મોદીનો અવાજ: ‘થોડી વાત કરવી છે, ટાઈમ છે તમને?’

અફકોર્સ.

અને એ પછીની ૪૫ મિનિટ સુધી મોદીએ શા માટે ૧૨ બેઠકો પરથી ભાજપ જીતી ન શક્યું એનાં કારણો મને કહ્યાં. વચ્ચે વચ્ચે હું પ્રશ્ર્નો પૂછતો રહ્યો અને તેઓ ખુલાસા કરતા રહ્યા. તે વખતે મને ખબર નહીં પણ થોડા જ કલાક પછી મને ખબર પડી કે દિલ્હીથી આવેલા ભાજપના મોવડીમંડળના ત્રણ સભ્યોને શું જવાબ આપવો તેનું રિહર્સલ એમણે મારી સાથે કરી લીધું હતું.

નરેન્દ્ર મોદી માટેની મારી પ્રીતિ ૨૦૦૨ના જમાનાથી છે. ગોધરાકાંડ પછી, હું જે વર્તમાનપત્રનો તંત્રી હતો તેમાં જે ફ્રન્ટ પેજ ઍડિટોરિયલ લખ્યો તે પછી મારા ઘરે એમનો ફોન આવ્યો ત્યાંથી આજ દિવસ સુધી હું એમનો ચાહક, પ્રશંસક અને સમર્થક રહ્યો છું. એનો મતલબ એ નથી કે મારો પર્સપેક્ટિવ બાયસૂડ થઈ ગયો છે. એક્ઝિટ પોલ્સ પ્રગટ થયા, તેની આગલી સાંજે મેં લખ્યું હતું અને એક્ઝિટ પોલના બાર કલાક પહેલાં, ગયા સોમવારે સવારે મેં પ્રેડિક્ટ કરેલું કે ભાજપને સ્વતંત્ર રીતે ૨૭૨ પ્લસ બેઠકો મળે છે. મારી કોઈ રિસર્ચ સંસ્થા નથી કે નથી કોઈ એવી વ્યવસ્થા જેને કારણે હું આવી ભવિષ્યવાણી કરી શકું. મારા એક વાચક ભરત વાઘાણીએ બપોરે સંદેશો મોકલ્યો કે, ‘ગુજરાતીના તમે એક માત્ર પત્રકાર છો જેમનું પ્રેડિક્શન સાચું પડ્યું હોય!’ ત્યારે મને આનંદ થયો કે દેશની નાડ પારખવામાં મને સફળતા મળી છે. ગયા સોમવારે તેં જે ભવિષ્યવાણી કરી હતી તેને લગોલગ ‘ટુડેઝ ચાણક્ય’ દ્વારા કરવામાં આવેલા એક્ઝિટ પોલે સમર્થન આપેલું. ‘ટાઈમ્સ નાઉ’ જેવી સૌથી વધારે જોવાતી ન્યૂઝ ચૅનલે પણ આના કરતાં ઘણું ઓછું ભવિષ્ય ભાજપ માટે ભાખેલું. સ્પષ્ટ બહુમતી મળ્યા પછી ભાજપ અર્થાત્ મોદી પોતાનું ધાર્યું કરી શકશે અને એટલે જ મને શ્રદ્ધા છે કે હવે નવા યુગનો આરંભ થઈ રહ્યો છે, મોદી યુગનો.

આજનો વિચાર

સપનાંઓ અધૂરાં રહી જાય અને તમે ગુજરી જાઓ એ કંઈ મોટી આપત્તિ નથી, પણ સપનાંઓ ન જોવાં એ મોટી આપત્તિ છે. આકાશના તારાઓને આંબી ન શકો એ કોઈ મોટી આપત્તિ નથી, પણ આંબવા માટે કોઈ તારાઓ જ ન હોત એ મોટી આપત્તિ છે.

- બેન્જામિન મૅય્સ

(૧૮૯૪-૧૯૮૪)

એક મિનિટ!

૧૬મી મે પછી:

રાષ્ટ્રીય તહેવાર: નવરાત્રિ

રાષ્ટ્રીય રમત: પતંગબાજી

રાષ્ટ્રીય પીણું: ગોટી સોડા

રાષ્ટ્રીય ખાણું: ખમણ ઢોકળાં

રાષ્ટ્રીય ડ્રેસ: ચણિયા ચોળી

રાષ્ટ્રીય નાસ્તો: પિત્ઝા કે પાસ્તા નહીં પણ જલેબી ને ફાફડા!

No comments:

Post a Comment