Sunday, May 18, 2014

સાક્ષીભાવ: નરેન્દ્ર મોદીની કવિથી વડા પ્રધાનપદ સુધીની યાત્રા --- સૌરભ શાહ

"એક વ્યક્તિ તરીકેની, એક સર્જક તરીકેની એમની મૂંઝવણ અંદર ને અંદર ઘુંટાયા કરે છે. મનુષ્યના મનને પામવાની ઝંખાના છે પણ માણસ પોતે શું શોધી રહ્યો છે એ મુખ્ય વાત પકડી પકડાતી નથી. કદાચ માણસને જેટલો પોતાના પ્રતિબિંબમાં રસ છે એટલો બીજામાં નથી. સ્વમાં રસ છે એટલો સર્વમાં નથી. બે માણસ મળે છે એમાં યોગ કરતાં ઉપયોગ વધારે છે. કોઈ પણ સંબંધો છેવટે સાંકળ જ છે, જંજીર છે, બેડી છે. અપેક્ષાઓનો ભારો છે. કહે છે: માનવી માનવીને નિચોવી રહ્યો છે. એલિયેટની પંક્તિ યાદ આવે છે: વી મીટ ઈચ અધર, ટુ એક્સપ્લોઈટ ઈચ અધર ... આપણે બધું જ અપૂર્ણ રાખીએ છીએ અને ત્રિશંકુ દશામાં જીવીએ છીએ. આપણે દુનિયાને રચવી છે ખરી પણ આપણા પોતાના સુખ માટે. આપણે અપેક્ષાઓથી જીવીએ છીએ... આપણે જીવવું છે પણ સમર્પણનો અંશ માત્ર નહીં, નર્યા સ્વાર્થથી જીવવું છે.

‘સાક્ષીભાવ’ કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાં સુરેશ દલાલે આ વાત લખી છે. નરેન્દ્ર મોદીનો આ બીજો કાવ્યસંગ્રહ છે. અહીં નરેન્દ્ર મોદી ન તો એક મુખ્ય પ્રધાન છે, ન વડા પ્રધાન. ૧૯૮૬ના ગાળામાં લખાયેલાં આ કાવ્યો છે જે આ વર્ષના માર્ચમાં સંગ્રહરૂપે પ્રગટ થયા છે. તે વખતે આ કવિ આર. એસ. એસ.ના પ્રચારક હતા.

મનમાં ઉમટતી લાગણીઓને કાવ્યનો આકાર આપીને કાગળ પર ઉતારતા અને બે-ચાર મહિને અનાસક્ત બનીને એ પાનાંઓને તાપણામાં બાળી નાખતા. નરેન્દ્ર મોદીએ આ કાવ્યસંગ્રહના આરંભમાં નોંધ્યું છે:

"એક વેળાએ આ બધું નષ્ટ કરતો હતો ત્યારે મારા એક અંગત વડીલ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક આદરણીય નરેન્દ્રભાઈ પંચાસરાની બારીક નજર આ કાગળો પર પડી... જે થોડા ઘણા બચી ગયા હતા તેને સાચવવા તેઓએ આગ્રહ કર્યો... (એમનો)

પ્રેમપૂર્વકનો આગ્રહ ન હોત તો આટલા પાનાંઓ પણ ન સચવાયાં હોત.

આ કાવ્યસંગ્રહ કવિએ નરેન્દ્રભાઈ પંચાસરાને અર્પણ કર્યો છે.

સુરેશ દલાલની પ્રસ્તાવનામાંથી જે વાત અહીં ક્વોટ કરી છે તે કાવ્યસંગ્રહના અંતિમ કાવ્યના સંદર્ભમાં થઈ છે. એ કાવ્યમાં કવિ નરેન્દ્ર મોદી કહે છે:

ભલે આજે માનવી સ્વાર્થી બન્યો હોય,

સઘળું પોતાના સુખની આસપાસ જ ગોઠવતો હોય,

‘સ્વ’ના સુખ માટે રચેલી દુનિયાને

બીજાની લાગણી સમજવી બહુ જ કઠિન હોય છે.

તેમની સુખવૃત્તિને સંતોષ પણ ક્યાં હોય છે?

તેમને તો પ્રતિપળ વધુ અને વધુ અપેક્ષા હોય છે.

કંઈકને ને કંઈક નવું, નવી રીતે,

અવનવું પામવાની વૃત્તિ અવિરત વૃદ્ધિગત થતી જ રહે છે.

અને કાવ્યને અંતે તેઓ એક મહાન વાક્ય ટાંકે છે. (વિશ્ર્વમાં ખૂબ પ્રસિદ્ધિ પામેલી આ વાત જાણીતા સાયકોથેરપિસ્ટ ફ્રિટ્ઝ પેરિઝની ઈન્ટરપર્સનલ રિલેશનશિપને લગતી ગેસ્ટાલ્ટ થિયરીનો નીચોડ છે. કેટલાકે એને ગેસ્ટાલ્ટ પ્રેયર તરીકેનો દરજ્જો પણ આપ્યો છે):

આય ડુ માય થિંગ

ઍન્ડ યુ ડુ, યૉર થિંગ,

આયમ નૉટ ઈન ધિસ વર્લ્ડ

ટુ લિવ અપ ટુ યૉર એક્સ્પેક્ટેશન

ઍન્ડ યુ આર નૉટ ઈન ધિસ વર્લ્ડ

ટુ લિવ અપ ટુ માઈન.

યુ આર યુ

ઍન્ડ આયમ ઍમ આય.

ઍન્ડ ઈફ બાય ચાન્સ

વી ફાઈન્ડ ઈચ અધર

ઈટ ઈઝ

બ્યૂટિફુલ.

આ જ કાવ્યના આરંભમાં એક તબક્કે કવિ મોદી કહે છે:

માનવને અપેક્ષા ન હોય

તે સ્થિતિ તો આવકારદાયક છે.

પરંતુ ‘મારી અપેક્ષા નથી’ના અંચળા નીચે

સ્વનો જ વિકાસ કરવાની મથામણને શું કહેવું?

જ્યાં અંશમાત્ર સમર્પણ જ ન હોય

તેવા જીવનને કેવી રીતે કલ્પવું!

આપણે ત્યાં કહેવત છે-

‘મારું મારા બાપનું, તારામાં મારો ભાગ’

- આ વૃત્તિ શું બતાવે છે?

આવી વૃત્તિમાંથી નિવૃત્તિ મેળવવાની ઝંખનાનો ઉત્તર તમને ‘સાક્ષીભાવ’માંથી મળે છે. સુરેશ દલાલે પ્રસ્તાવનામાં બીજી એક સરસ વાત આ તમામ કાવ્યો વિશે કહી છે:

"માણસને પોતે કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં હોય ત્યારે વાત કરવા માટે કોઈક વ્યક્તિ જોઈએ. પણ જ્યારે આપણે જ આપણી જાત સાથે ભીતરથી પૂરેપૂરા ગોઠવાયેલા ન હોઈએ ત્યારે એ પરિસ્થિતિમાં વાત કોને કહેવી એ એક મોટી મૂંઝવણ છે... બધું જ જ્યારે ડહોળાયેલું હોય ત્યારે કઈ રીતે નિર્મળ, સ્વચ્છ, પારદર્શક અને સ્પષ્ટ વાતાવરણ ઊભું કરવું? ધુમ્મસને કઈ રીતે દૂર કરવું એની વાત અત્યંત સહજતાથી અહીં થઈ છે.

એક કાવ્યમાં નરેન્દ્ર મોદી લખે છે (યાદ રાખો આ બધાં કાવ્યો ૧૯૮૬માં, ટુ બી પ્રિસાઈસ ૧૯૮૬ના ડિસેમ્બરમાં લખાયેલાં છે):

સ્વસ્થતાની કામના સ્વપ્ન જ બની રહી.

આમેય આપણે ત્યાં કહે છે-

દુ:ખનું ઓસડ દહાડા...

કદાચ સમય વીતતાં,

કાર્યની વ્યસ્તતાને કારણે

બાહ્ય સ્થિતિમાં પરિવર્તન આવતું જશે.

પણ અંદરનો કોલાહલ શમશે કે કેમ

એ કહેવું કઠિન છે.

મા, હું તો એ દિશામાં પ્રયત્ન

કરવાની બાબતે પણ

પામરતા અનુભવું છું.

અંદરના કોલાહલનો અવાજ કવિને સંભળાય છે ખરો પણ એને દૂર કરવાના પ્રયત્નને પણ એ કુદરતની સામે પડવા બરાબર ગણે છે. છેવટે સ્વીકારી લે છે. એ કોલાહલ છે તો છે. ભલે રહ્યો. મન સ્વસ્થ બને એવી કામના સ્વપ્નવત્ રહેતી હોય તો ભલે. આનું જ નામ ‘સાક્ષીભાવ’ આ ભાવને કવિ ચિનુ મોદીએ પોતાના અંદાજમાં આ મશહૂર શેરમાં ખૂબસૂરત રીતે મૂકયો છે: 

કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો,

એ જ ઈચ્છા છે, હવે એ પણ ન હો.

દેખીતી રીતે ભગવાન સામે, કુદરત સામે કોઈ ફરિયાદ નથી. કારણ કે કવિ આ કહી ચૂકયા છે.

એક પ્રાર્થના કરું?

જે કંઈ બનવાનું હોય તે બને...

છતાં રહી રહીને મન પાછું પડે છે અને કહે છે:

હા... એક વાત રહી ગઈ. મા... તારી સામે એક ફરિયાદ તો છે જ.

સતત ચાલતા અંતરમનના કોલાહલને

તું શા માટે અસ્પષ્ટ રાખે છે?

મા... તને એમ લાગે છે કે કે

તેની સુસ્પષ્ટતા મને ભરખી જશે?

શું તું એમ માને છે કે એ કોઈકને રોળી નાંખશે?

મા... શું તું તારાને જ નથી ઓળખતી?

તેં જ તો મને સ્વસ્થતા અર્પી છે,

તેં જ તો મને દૃષ્ટિ અર્પી છે.

તો પછી આજે આવી સ્થિતિના નિર્માણનું કારણ શું?

... કે પછી મારે મારા સૌ સાથે

આમ જ જીવી લેવાનું છે?

... કે પછી આ પણ

તારી કસોટીનો જ ભાગ છે?

નિરાશા અને હતાશા વખતે ચાલતા મંથનનો કોલાહલ જ માણસને નવી દિશાઓ તરફ લઈ જાય છે. મનોમંથનભરી પરિસ્થિતિને કારણે બેબાકળા થઈ જતા મનને જેઓ સમજી શકે છે તેઓ જ આગળ વધી શકે છે. અને આગળ તેઓ જ વધી શકે છે જેમની પાસે શ્રદ્ધા છે.

‘સાક્ષીભાવ’માં તમારે જોવું હોય તો એક સામાન્ય માનવીમાંથી સ્વસ્થ માનવ તરીકેની યાત્રાનો નકશો તમે જોઈ શકશો અને તમારી દૃષ્ટિ જો વધારે કેળવાયેલી હશે તો તમે એમાં એક કવિની વડા પ્રધાન બનવાની મહાયાત્રાના પડાવોને પણ નિહાળી શકશો. કાલે શું કરીએ તે પહેલાં આ વિશાળ કદના અને ફોટોગ્રાફર વિવેક દેસાઈની અદ્ભુત તસવીરોથી શોભતા કાવ્ય સંગ્રહમાંથી જડતું એક આશાનું તરણું પકડી લઈએ અને એ જ નોટ પર આજે છૂટા પડીએ:

પ્રતીક્ષાનો અંધાપો મારું સૃજન છે.

પ્રતીક્ષાની વિહ્વળતા મારું સૌંદર્ય છે.

પ્રતીક્ષાની પ્રતીક્ષા મારી કામના છે.

માટે જ

મા... તેં અર્પેલી પ્રત્યેક પળ માટે

કોઈ ફરિયાદ નથી...

આ પ્રતીક્ષાનો અંત આવે છે ત્યારે શું થાય છે તે આવતીકાલે, કવિના જ શબ્દોમાં.

આજનો વિચાર

મારી નવી જવાબદારી અંગે

બાહ્ય વાતાવરણનું તોફાન

લગભગ શમી ગયું છે

સહુનું આશ્ર્ચર્ય, પ્રશ્ર્નો વગેરે...

હવે પૂર્ણતાએ છે.

હવે અપેક્ષાઓનો આરંભ થશે.

અપેક્ષાની વ્યાપકતા અને તીવ્રતા

ખૂબ હશે

ત્યારે મારા નવજીવનની રચના જ હજુ તો બાકી છે.

મા... અપ્રતિમ કષ્ટ કરવાનો સંકલ્પ છે.

... બીજા અર્થમાં કહું તો મારે મન

સંસ્કાર- વારસાનો આ કસોટીકાળ છે.

- નરેન્દ્ર મોદી 

‘સાક્ષીભાવ’ કાવ્યસંગ્રહમાં કવિ નરેન્દ્ર મોદીએ પ્રતીક્ષાની જે વાત કરી તે ગઈ કાલે જોઈ. આ પ્રતીક્ષાનો અંત આવે છે ત્યારે શું થાય છે? કવિને જ સાંભળીએ.

જે પળે પ્રતીક્ષાનો અંત આવે છે,

ઈચ્છિત મિલન થાય છે ત્યારે...

જરા તમારાથી પર થઈ જોઈ શકાય તો જો જો

પેલાં પુષ્પો નાચતાં હશે...

પેલાં પાંદડાં ગાતાં હશે...

પેલી ડાળીઓ હિલોળા લેતી હશે...

પેલું થડ હૂંફ બક્ષતું હશે!

આજે ન્યૂઝ ચૅનલો પર પરિણામો જોતાં જોતાં શક્ય હોય તો ઊભા થઈને બારીની બહાર નજર કરજો. આવી જ પ્રતીતિ થવાની!

પણ દરેક પ્રતીક્ષાનો અંત આવો નથી હોતો.

પ્રતીક્ષાના બિયારણને ખાતર/વરસાદ પણ જોઈએ. કેવું ખાતર અને કેવો વરસાદ? એક તબક્કે કવિ કહે છે:

આશા-અરમાનોના અંકુરો ફુટે,

આંખોમાં સ્વપ્નોનાં મોજાં હિલોળા લે

પણ વિશ્ર્વાસનો વરસાદ વરસે જ નહીં

ત્યારે કઠિન પળો પેદા થાય છે.

પ્રતીક્ષા ફળીભૂત ન થતી દેખાય ત્યારે વેદના જન્મે છે. આશાઓ સેવી સેવીને થાકી ગયા પછીની હતાશાની પળો વેદનાને જન્મ આપે છે. માણસના જીવનમાં વેદના જન્મ્યા પછી બે શક્યતાઓ ઊભરે છે: સર્જન્ કાં તો સંહાર. વેદનાનું ખૂબ અલગ અર્થઘટન કવિએ આ કાવ્યમાં કર્યું છે. વેદના માટેની આપણી સમજણ બદલાય અને આવી કઠિન પળોમાં પણ શાતા મળે એવું આ અર્થઘટન છે:

કેટલી અસહ્ય વેદના.

કદાચ અંતરમનને ડહોળી નાખનારી અવસ્થા.

લોકો કહે છે, પ્રત્યેક સર્જનના મૂળમાં સર્જકની વેદના અસ્તિત્વ ધરાવે છે.

મારી આટઆટલી વેદના છતાં સર્જનનું નામોનિશાન કેમ નથી?

મને સદાય લાગ્યા કરે છે-

સર્જનનું કારણ વેદના કરતાં કરુણા જ હશે ને?

વેદના એ તો ક્રિયા પછીની પ્રતિક્રિયાનું પરિણામ છે.

વેદના આમ તો નકારાત્મક્તાનું ફરજંદ કહેવાય ને.

અનુભૂતિના અંતની બાધ્યતા હશે.

વેદના જન્મજાત નથી હોતી.

વેદનાનો જન્મ, ઉછેર, તીવ્રતા-

સઘળું અનુભૂતિ ઉપર આધારિત હોય છે.

વેદના અનાથ નથી હોતી,

ભલે વેદના વાંઝણી રહી તો ઠીક, નહીં તો સર્જન જ કરશે તેની ખાતરી શું?

કદાચને આક્રોશને પણ જન્મ આપે.

અને સર્જન નહીં, સંહાર દ્વારા વાંઝિયાપણું મિટાવવાનો પ્રયાસ પણ કરે.

માણસને એકાંત ભલે પ્રિય હોય પણ તે એકલવાયો ન હોવો જોઈએ. જિંદગી જીવવા માટે સાથીની, સાથીઓની પણ, જરૂર રહેવાની. જેટલું મોટું કામ કરવું હશે એટલા વધુ લોકોના સાથની જરૂર રહેવાની. આ વાત કવિ નરેન્દ્ર મોદી સિવાય આટલી સહજ રીતે બીજું કોણ મૂકી શકે:

સવાર-સાંજ કેટકેટલા લોકોને જોવાનો, જાણવાનો, મળવાનો મોકો મળતો હોય છે.

પણ માનવમનને પામવાની પિપાસા હોય એવા કેટલા?

આવી ઉત્કંઠ ઇચ્છા કેટલાં હૃદયોમાં વાસ કરતી હશે?

સમજાતું નથી.

માનવ શું શોધી રહ્યો છે?

એવું તો નથી ને કે

માનવ "પોતાનું પ્રતિબિંબ શોધવામાં જ ગૂંથાઈ ગયો છે?

તો ક્યારેક પોતાની આવશ્યકતાઓની પૂર્તિ માટે જેમ

તેને સાધનોની જરૂરિયાત હોય છે તેમ

અન્ય માનવ પણ સાધનરૂપે જ આવશ્યક છે?

ચોતરફ નજર કરતાં જાણે હૃદયનો ચિત્કાર

આવા જ સંકેત કર્યા કરે છે.

માનવીને ખપ છે માટે શોધે છે,

મેળવવા માટે પ્રયાસ કરે છે,

મેળવવાનો સંતોષ વધુ મેળવવાની

આગ ચાંપ્યા કરે છે અને

આ ચક્ર ચાલ્યા જ કરે છે.

વળી આ બધી ક્રિયા-પ્રક્રિયાને

કેવું સુંવાળું નામ અપાય છે!

સંબંધ!

તો ક્યારેક ‘અંગત’!

તો ક્યારેક ‘પોતાનું માણસ’!

તો ક્યારેક ‘મિત્ર’!

તો ક્યારેક ‘પ્રેમી’!

કવિ નરેન્દ્ર મોદીમાં સર્જનની સૂઝ છે. એમને કવિતાની સૂઝ છે. ગુજરાતના કવિઓએ આ કવિતા ખાસ વાંચવા જેવી છે. ‘સર્જન અને શૂન્યાવકાશ’ કાવ્યમાં તેઓે કહે છે:

કવિતાની સૃષ્ટિની વૃષ્ટિ/આખાય ગુજરાતની જેમ દુષ્કાળમાં ડૂબેલ છે/હા, ક્યારેક ઉત્પાદન (પ્રોડક્શન) થઈ જાય./પણ... સર્જન (ક્રિયેશન) તો નહીં જ.

ઉત્પાદનનું તો એવું છે કે/તેમાં જરૂરી કાચો માલ ભરો.../ વળી

ઠાંસી ઠાંસીને ભરો.../ પછી યંત્રની ચાંપ દબાવો.../પેન,

પેન્સિલ જેવું યંત્ર જોડો.../ બસ, પછી શું?/અક્ષરોનાં ચોસલાં

ક્યારેક શબ્દ બની,/ક્યારેક શબ્દસમૂહરૂપે/ગજા પ્રમાણેની

લંબાઈ સાથે ઉત્પાદિત થયા કરે./ ભરેલો કાચો માલ ખૂટે એટલે ઉત્પાદન બંધ!

ઉત્પાદનનું તો એવું છે કે ઉત્પાદિત થયા કરે./ હા... લોકો તેને સર્જન કહી/ સ્વીકારી લે છે તે વાત જુદી./ કારણ... આમેય પાઉડરના દૂધથી છોકરાં ઉછેરવા ટેવાયેલ આપણને સમજ છે ખરી?

નરેન્દ્ર મોદી કવિહૃદય છે પણ હવાઈ કિલ્લાઓ ચણીને રહેવામાં તેઓ માનતા નથી. માણસ પૅક્ટિકલ છે. કવિતા એમને સંવેદનશીલ બનાવે છે, પલાયનવાદી નહીં. ભગવાનની શક્તિમાં એમને શ્રદ્ધા છે પણ પુરુષાર્થની તાકાતમાં અખૂટ વિશ્ર્વાસ છે. જીવનને પલાયનવાદી બનાવતી બનાવટી ફિલસૂફીઓમાં તેઓ નથી માનતા. પણ આધ્યાત્મિક તાકાત કોને કહે એની એમને ખબર છે. ‘અસીમ આત્મવિશ્ર્વાસ’ કાવ્યમાં તેઓ કહે છે:

અહીં રચાયો છે- આત્મવિશ્ર્વાસનો અગાધ સાગર,

સર્વસ્વ ન્યોચ્છાવર કરવાનો તરવરાટ,

માતૃભૂમિના કલ્યાણનાં સ્વપ્નોનો સમુદ્ર,

વામનમાંથી વિરાટ બનવાની અપ્રતિમ આકાંક્ષા,

શિસ્ત અને સંગઠનનો સુભગ સંગમ,

સમર્પણયાત્રાની સરવાણી ફૂટી છે...

ઉજ્જવળ ભવિષ્યનો પ્રકાશપુંજ દેખા દે છે.

અહીં ‘તપ’ - ‘તપસ્યા’ જેવા શબ્દોનો ઉપયોગ નથી.

અહીં કોઈ દેવાત્માનું અધિષ્ઠાન ઊભું કરાયું નથી.

અહીં તો તેના હૃદયમાં... વિવેકાનંદે કહ્યા પ્રમાણે-

દરિદ્રનારાયણોની કામના જ ઝંકૃત કરાઈ છે.

આ સત્-શક્તિનું મિલન છે.

નરેન્દ્ર મોદી, બધાને ખબર છે કે, કેટલા કર્મઠ છે. વર્ષોથી અત્યંત મામૂલી નિદ્રાથી ચલાવી શકે છે. એ રીતે એમણે મનને, તનને કેળવ્યું છે. તેઓ આજે કે દસ-બાર વર્ષથી નહીં, દાયકાઓથી અતિ વ્યસ્ત જીવન જીવે છે. આવા કામગરા જીવને કવિતા લખવાની ફુરસદ ક્યારે મળતી હશે? શું કામ તેઓ કવિતા લખતા હશે? કવિતા એમના અંતરતમ વિચારોની અભિવ્યક્તિ છે.

‘સાક્ષીભાવ’માં એક તબક્કે એમણે જ લખ્યું છે:

લાગણીની તીવ્રતા કુંઠિત બને ત્યારે અભિવ્યક્તિને આધારની જરૂર પડે.

કવિતા એમની અભિવ્યક્તિનો આધાર છે. આજની ૧૬ મી મે પછી, ગુજરાત છોડીને નવી દિલ્હી પ્રસ્થાન કર્યા પછી એમને આવા આધારની જરૂર વારંવાર પડવાની. શું કામ? ‘આજનો વિચાર’ ટાંકેલી એમની પંક્તિઓ વાંચી જજો.

આજનો વિચાર

ક્યારેક ઉત્કૃષ્ટ આનંદ, તો ક્યારેક અતિ વિષાદ.

હવે તો મારે પણ આ બધાથી ટેવાવું જ રહ્યું ને!

કેવી વિપરીત પળો વચ્ચેથી

આજકાલ હું પસાર થઈ રહ્યો છું!

કેવી કેવી અનુભૂતિઓ સાથે

જીવનને જીવવું પડે છે!

ક્યારેક ઉમંગ, ક્યારેક શોક, ક્યારેક પ્રતીક્ષા,

ક્યારેક વિદાય, ક્યારેક સંવાદ, ક્યારેક વિવાદ,

ક્યારેક આશા, ક્યારેક નિરાશા...

ન જાણે કેવી તીવ્ર લાગણીઓ-

અને તે પણ બે છેડાની...

કદાચ વ્યક્તિત્વની આ વેરણ છેરણ અવસ્થા જ નવસર્જનનો આધાર તો નહીં હોય ને!!

સાક્ષીભાવ’ કાવ્યસંગ્રહ (પૃ. ૫૯, રચના તા. ૮-૧૨-૧૯૮૬)

------------------------------------------------------------------


એક મિનિટ!

ન્યૂઝ ચૅનલ પર રિઝલ્ટ્સ જોતાં જોતાં....

દીકરો: ડૅડી, પોલિટિક્સ એટલે શું?

ડૅડી: બેટા, તારી મમ્મી ઘર ચલાવી રહી છે એટલે એને ‘સરકાર’ કહેવાય. હું કમાઉં છું એટલે ‘કર્મચારી’ કહેવાઉં. કામવાળી કામ કરે છે એટલે ‘મજદૂર’ કહેવાય. અને તું દેશની ‘જનતા’ છે. તારો નાનો ભાઈ દેશનું ‘ભવિષ્ય’ કહેવાય... સમજ પડી હવે? કે પોલિટિક્સ કોને કહેવાય?

દીકરો: હા, ડૅડી! બરાબર સમજ પડી ગઈ. કાલે રાત્રે મેં જોયું કે કર્મચારી રસોડામાં મજદૂર સાથે ભ્રષ્ટાચાર કરી રહ્યા હતા ત્યારે સરકાર ઊંઘી રહી હતી, જનતા ચૂપચાપ જોયા કરતી હતી અને દેશનું ભવિષ્ય રડી રહ્યું હતું...
-----------------------------
પતિ-પત્ની એક ગમખ્વાર ઍક્સિડન્ટમાં એક સાથે મરી ગયા.

મૃત્યુ પછી પતિ ભૂત બન્યો અને પત્ની ડાકણ.

થોડા વખત પછી બેઉ એકબીજાને અચાનક મળી ગયા.

પત્નીએ પૂછયું: ‘કેમ છો?’

પતિએ કહ્યું: ‘જો ને, હું તો મર્યા પછી ભૂત બની ગયો. પણ ડાર્લિંગ તું તો હજુ એવી ને એવી જ છે!’

No comments:

Post a Comment