વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ‘સ્વૉટ’ ઍનેલિસિસ --- સૌરભ શાહ
26-05-2014
આજે સાંજે ૬ વાગ્યે ભારતને વડા પ્રધાન નરેન્દ્ર મોદી મળશે. આ દેશ માટે મોદી શું કરશે અને શું નહીં કરે એની કલ્પના સૌને છે, પણ મોદી શું કરી શકશે અને શું નહીં કરી શકે એ માટે એમનું ‘સ્વૉટ’ ઍનેલિસિસ કરવું પડશે.
‘સ્વૉટ’ કોઈ નવી ક્ધસેપ્ટ નથી. સ્ટૅનફર્ડ રિસર્ચ યુનિવર્સિટીના વિખ્યાત બિઝનેસ અને મૅનેજમેન્ટ ક્ધસલ્ટન્ટ આલ્ફ્રેડ હમ્ફ્રી (૧૯૨૬-૨૦૦૫)એ ૧૯૬૦ના દાયકામાં નવ વર્ષ દરમિયાન ૫,૦૦૦ જેટલા ઈન્ટરવ્યૂઝ પછી આ ક્ધસેપ્ટ તૈયાર કરી. આ રિસર્ચને ફૉર્ચ્યુન-ફાઈવ હન્ડ્રેડમાંની વિશ્ર્વની સૌથી મોટી કંપનીઓએ ફંડિંગ કરી. આવતી કાલથી નરેન્દ્ર મોદીનું ‘સ્વૉટ’ ઍનેલિસિસ શરૂ કરીએ તે પહેલાં સમજી લઈએ કે આ ક્ધસેપ્ટ શું છે. ‘સ્વૉટ’ એટલે અંગ્રેજીમાં એસ.ડબલ્યુ.ઓ.ટી. (જ.ઠ.ઘ.ઝ). એસ ફૉર સ્ટ્રેન્થ્સ, ડબલ્યુ ફૉર વીકનેસીસ, ઓ ફૉર ઑપોર્ચ્યુનિટીઝ અને ટી ફૉર થ્રેટ્સ. છેલ્લા ચારેક દાયકામાં ‘સ્વૉટ’ ઍનેલિસિસ કોઈ નવી નવાઈની વાત રહી નથી. ભારત સહિત દુનિયાની અનેક કંપનીઓ, બ્રાન્ડ્સ, વ્યક્તિઓ પોતાની તાકાત, નબળાઈ અને પોતાની સામે રહેલી તક તેમ જ આવી શકનારી આપત્તિઓના વિશ્ર્લેષણ માટે વિવિધ સ્તરે ‘સ્વૉટ’ ઍનેલિસિસનો સહારો લેતી થઈ ગઈ છે. અહીં આપણે આ ક્ધસેપ્ટને નરેન્દ્ર મોદી, ધ પ્રાઈમ મિનિસ્ટરના સંદર્ભ પૂરતો સીમિત રાખવાના છીએ. આ ક્ધસેપ્ટને સમજીને તમે તમારી રીતે મોદીની સ્ટ્રેન્થ્સ, વીકનેસીસ, ઑપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સ નક્કી કરો અને જુઓ કે તમારા અને મારા વિચારો કેટલા મૅચ થાય છે. એટલે જ આ મૅથડ વિશે જરા વિગતે લખી રહ્યો છું. બીજું એક કારણ એ કે મોદીનું ‘સ્વૉટ’ ઍનેલિસિસ કરી લીધા પછી તમે પોતે તમારું પણ ‘સ્વૉટ’ ઍનેલિસિસ કરી શકો છો. આવું કરવા માટે બેએક દિવસ માટે તમે એકલા ક્યાંક ઉપડી જાઓ તો પાછા આવશો ત્યારે બોધિવૃક્ષ નીચે બેસી આવ્યા હોવાનો અનુભવ થશે. (ના, મેં હજુ સુધી મારું પોતાનું ‘સ્વૉટ’ ઍનેલિસિસ કર્યું નથી, પણ મોદીનું કર્યા પછી કરવાનો છું અને ના, હું બે દિવસ માટે ક્યાંય જવાનો નથી. મારા માટે મારો સ્ટડી રૂમ જ બોધિવૃક્ષ છે). ‘સ્વૉટ’ના ચાર વિભાગોમાંના જે પહેલા બે છે - સ્ટ્રેન્થ્સ અને વીકનેસીસ તે આંતરિક છે અને ઑપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સ બાહ્ય છે. આનો મતલબ શું? સ્ટ્રેન્થ્સ અને વીકનેસીસ માણસના (કે કંપનીના, બ્રાન્ડના, પ્રોજેક્ટના) પોતાના ઉછેરે, પોતાના વાતાવરણ, પોતાના સ્વભાવ, પોતાની સમજણ, પોતાના મિજાજ, પોતાના અનુભવો, પોતાના સંસ્કાર, પોતાના જિન્સ અને ડીએનએ વગેરે પર આધાર રાખે છે. આમાં ઉછીનું કશું હોતું નથી. જે કંઈ હોય છે તે બધું જ તમારું પોતાનું હોય છે. તમારી તમામ સ્ટ્રેન્થ અને બધી જ વીકનેસ એમાંથી જ આવે છે. બીજા બે જે મુદ્દા છે- ઑપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સ તેના પર તમારો કોઈ ક્ધટ્રોલ નથી હોતો. તમે જે દુનિયામાં રહો છો એ દુનિયામાં તમારા સિવાય બીજી કરોડો વ્યક્તિઓ રહે છે. આ વ્યક્તિઓ જે કંઈ કરે છે (કે નથી કરતી) તેને કારણે તમારા માટે ઑપોર્ચ્યુનિટીઝ સર્જાય છે, તમારા માથે થ્રેટ્સ તોળાય છે. ‘સ્વૉટ’ ઍનેલિસિસ ઘણી બધી રીતે ઉપયોગી થાય: ૧. અત્યારના પ્રશ્ર્નોનો, જેનો ઉકેલ જૂની રીતે નથી મળતો એવી સમસ્યાઓનો, નવેસરથી વિચાર કરીને એને સૉલ્વ કરવા. ૨. તમે જે લક્ષ્ય સાધવા માગો છો એની આડે વિઘ્નો ક્યાં છે તે શોધવા માટે. ૩. પરિવર્તન લાવવાની શક્યતાઓ કેટલી અને કઈ કઈ છે તે સમજવા અને કઈ બાબતોમાં કઈ હદ સુધીનું જ પરિવર્તન શક્ય છે તે જાણવા. ૪. જ્યાં જવું છે ત્યાં જવાનો શ્રેષ્ઠ માર્ગ કયો છે (ટૂંકામાં ટૂંકો નહીં, શ્રેષ્ઠ માર્ગ- તે કદાચ લાંબો પણ હોય) તે શોધવા. ૫. જેમનો સાથ જોઈએ છે તેમને એમની શક્તિ પ્રમાણેની જવાબદારીઓ સોંપવાની યોજનાઓ બનાવવા. ૬. યોજનાઓના અમલીકરણની અસરકારકતા વધારવા. આમાં હજુ તમે તમારી રીતે બીજા ઘણા મુદ્દા, તમારી જરૂરિયાત મુજબ ઉમેરી શકો, આમાંથી બાદ પણ કરી શકો. ‘સ્વૉટ’ ઍનેલિસિસ દરમિયાન તમારી સ્ટ્રેન્થ્સ, વીકનેસીસ, ઑપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સ નક્કી થઈ ગયા પછી તમારા સંજોગો અનુસાર તમારે ચાર વિકલ્પોમાંથી એકની પસંદગી કરવાની રહે. પહેલો વિકલ્પ. તમારી સ્ટ્રેન્થ્સ અને ઑપોર્ચ્યુનિટીઝનો અંદાજો મેળવીને તમારી પાસેની તકોનો તમારી તાકાત વડે મૅક્સિમમ ઉપયોગ કરવો. બીજો વિકલ્પ. તમારી વીકનેસીસ પિછાણી લીધા પછી એ નબળાઈઓમાંથી બહાર આવવાના ઉપાયો શોધીને તમારી સામે ઊભી રહેલી તકોનો મૅક્સિમમ ઉપયોગ કરવો. ત્રીજો વિકલ્પ. તમારી સામે જે થ્રેટ્સ છે તે આપત્તિઓને તમારી સ્ટ્રેન્થ્સ વડે મિનિમાઈઝ કરી નાખવી. ચોથો અને છેલ્લો વિકલ્પ છે જે ત્યારે જ અમલમાં મૂકવો પડે જ્યારે તમારાં બારે વહાણ ડૂબી ગયાં હોય- વીકનેસીસ અને થ્રેટ્સને મિનિમાઈઝ કરવાનો પ્રયત્ન કરવાનો. (કૉન્ગ્રેસના કે રાહુલ- સોનિયાજીના ‘સ્વૉટ’ ઍનેલિસિસ પછી આ ચોથો વિકલ્પ અપનાવવો પડે). ‘સ્વૉટ’ વિશેની આ બધી સમજ, પ્રોસિજર, એને લગતાં ટુલ્સ તમને મૅનેજમેન્ટને લગતા કોઈ પણ સારા પુસ્તકમાંથી મળી રહેવાનાં. આપણે આ ટુલ્સનો ઉપયોગ કરીને મૌલિક વિચારણા કરવાની છે. જેથી સમજી શકીએ કે દેશના ૧૪મા વડા પ્રધાન (૧૪નો આંકડો મારા માટે તો લકી છે, ભાઈ) આપણા માટે શું શું કરી શકશે જેનાં સપનાં આપણે સેવી શકીએ અને શું શું નહીં કરી શકે જેની આશા રાખવાનું આપણે છોડી દેવું જોઈએ. આજનો વિચાર ચાલવાનો નિર્ણય કરી લીધા પછી આગળનો રસ્તો આપોઆપ સર્જાતો જાય છે. - પાઉલો કોએલો એક મિનિટ! મોદી અને કેજરીવાલ પાસેથી એક વાત શીખવાની કે... જ્યાં સુધી નવી નોકરી ના મળે ત્યાં સુધી જૂની છોડવાની નહીં.
27-05-2014
પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની સૌથી મોટી પાંચ સ્ટ્રેન્થ્સ
નરેન્દ્ર મોદી ભારતના ૧૪મા વડા પ્રધાન છે કે ૧૫મા? પોલિટિક્લી અને ફૉર ઑલ પ્રૅક્ટિકલ રિઝન્સ મોદી ૧૪મા જ વડા પ્રધાન કહેવાય. આમ છતાં જેઓ એમને ૧૫મા વડા પ્રધાન ગણે છે તેઓ ખોટા નથી કારણ કે સરકારી બાબતે અને બંધારણીય રીતે તેઓ ૧૫મા છે. ગુલઝારીલાલ નંદાને આ યાદીમાં ગણો તો મોદી ૧૫મા અને ન ગણો તો મોદી ૧૪મા. ન ગણવાનું કારણ એ કે ગુલઝારીલાલ નંદાને જે બે વાર વડા પ્રધાન બનાવવામાં આવ્યા તે બંને વાર એમને અને પ્રજાને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે તેઓ ઍક્ટિંગ વડા પ્રધાન છે, કામચલાઉ પ્રાઈમ મિનિસ્ટર છે. જવાહરલાલ નેહરુ અને લાલબહાદુર શાસ્ત્રી વડા પ્રધાનપદે હતા ત્યારે જ એમનું અવસાન થયું. બંનેના અવસાન પછી શોકનો ગાળો પૂરો થાય અને નવા પીએમ નક્કી થાય ત્યાં સુધી ગુલઝારીલાલ નંદાને (જેઓ ગુજરાતની સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા હતા) કામચલાઉ વડા પ્રધાન બનાવવામાં આવ્યા કારણ કે તેઓ કેબિનેટના સૌથી સીનિયર સભ્ય હતા. બેઉ વખત તેઓ એક્ઝેટ્લી તેર-તેર દિવસ સુધી વડા પ્રધાનપદે રહ્યા હતા.
આટલી સ્પષ્ટતા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વૉટ (જ.ઠ.ઘ.ઝ.) ઍનેલિસિસ શરૂ કરીએ. સ્ટ્રેન્થ્સ, વીકનેસીસ, ઓપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સમાંથી સૌથી પહેલાં નરેન્દ્ર મોદીની સ્ટ્રેન્થ્સ વિશે વાત કરીએ. મારા અંગત મત મુજબ મોદીની સૌથી મોટી સ્ટ્રેન્થ છે ખંત, જે કામ હાથમાં લીધું તે પૂરું કરવા માટે મચી પડવું. અંગ્રેજીમાં જેને પર્સીવરન્સ કહે છે કે મોદીમાં ઠાંસી ઠાંસીને તમને જોવા મળશે. કોઈ પણ માણસે જિંદગીમાં સફળતા મેળવવી હોય તો એનામાં આ પાયાનો ગુણ હોવો જરૂરી છે. ખંતીલો માણસ જ સફળ થઈ શકે. આ એકમાત્ર સદ્ગુણ સફળતા માટે જરૂરી છે એવું નથી. બીજા પણ ગુણો જોઈએ, પણ આ ગુણ પાયાનો છે. એના વિના બીજા તમામ ગુણ નિરાધાર બની જાય. મોદીનું આ પર્સીવરન્સ, એમનો આ ખંતીલો સ્વભાવ ક્યાંથી આવે છે? કઈ બાબતોનો સરવાળો એમને ખંતીલા બનાવે છે? માત્ર મુદ્દાઓ જ જોઈ લઈએ. અન્યથા આ દરેક પેટા મુદ્દાઓ પર પણ દાખલાઓ અને ઉદાહરણો ટાંકીને સ્વતંત્ર લેખ થઈ શકે. મોદીના સ્વૉટ ઍનેલિસિસ પછી બીજા ઘણા અલગ અલગ વિષયો રાહ જોઈને ઊભા છે. માટે ઝાઝું ઈલેબોરેટ કર્યા વિના વાત કરીશું. મોદીને ખંતીલા બનાવતી પાંચ બાબતો છે: એક તો, ધીરજ. જીવનમાં કંઈક ખરાબ બન્યું તો તેઓ ધીરજ ગુમાવીને બેબાકળા થઈ જતા નથી. આપણે જોયું છે કે મોદીના જીવનમાં, ખાસ કરીને ૨૦૦૨ના ગોધરાકાંડ પછી કેટલું ખરાબ બન્યું છે. આ કસોટીના ગાળામાં એમણે ધીરજ ગુમાવી નથી. જીવનમાં કંઈક સારું બન્યું ત્યારે પણ મોદી ઉન્માદમાં આવ્યા વિના ધરતી સાથે જોડાયેલા રહ્યા છે. ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીઓમાં થમ્પિંગ મૅજોરિટી મેળવ્યા પછી પણ મોદી સ્વસ્થ રહ્યા છે. ન તો એમણે જીતના યુફોરિયામાં કોઈ ગેરવાજબી પગલાં લીધાં છે, ન આવી ભવ્ય જીત સમયે તેઓ ફુલાઈને ફાળકો થઈને ફર્યા છે. ધીરજ રાખવી એ એમના સ્વભાવમાં, વ્યક્તિત્વમાં વણાઈ ગયેલો ગુણ છે. બીજું, શિસ્ત. ગજબના ડિસિપ્લિન્ડ આદમી છે મોદી. એમની જીવનચર્યા અત્યંત શિસ્તભરી છે. આ શિસ્ત એમને કિશોરાવસ્થાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી મળી છે. આર.એસ.એસ.ના તમામ સભ્યોમાં આવી શિસ્ત નથી હોતી. એનાં અનેક કારણો હોઈ શકે. પણ આર.એસ.એસ. એક સંસ્થા તરીકે જે શિસ્તના, નિયમિતતાના પાઠ ભણાવે છે તેનું ઉત્તમ ઉદાહરણ તમને સંખ્યાબંધ સંઘસભ્યોમાં જોવા મળે. મોદીની શિસ્ત આ બધામાં પણ ઊડીને આંખે વળગે એવી છે. આ શિસ્તમાંથી ઊતરી આવે છે કામઢાપણું, મોદી વર્કોહોલિક છે. હજુય તેઓ પોતાને ‘મજદૂર માણસ’ ગણાવે છે. શિસ્ત અને કામગરાપણું આમ જુઓ તો સહોદર છે, એક જ સિક્કાની બે બાજુઓ છે - એકના વિના બીજું શક્ય નથી, બીજાના વિના પહેલું શક્ય નથી. મોદી કેટલા કામગરા છે તે આ ચૂંટણીપ્રચાર દરમ્યાન સૌએ જોયું. પણ એ પહેલાં, ગુજરાતના મુખ્ય મંત્રીપદના ૧૩ વર્ષ દરમ્યાન પણ તેઓ આટલા જ કામગરા હતા અને જેઓ એમને સંઘના પ્રચારક હતા ત્યારથી જાણે છે કે ત્યારબાદ ભાજપના સંગઠનમંત્રી હતા તે ગાળાથી જાણે છે, તે સૌને ખબર છે કે ઓછામાં ઓછી ઊંઘ અને દિવસરાત સતત કામ, કામ ને કામ - આ મોદીનો જીવનમંત્ર છે. ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી દરમ્યાન એક સૂત્ર વહેતું કરેલું: કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. (મોદીએ ઈન્દિરાજીનું આ સૂત્ર બરાબર પોતાના જીવનમાં ઉતાર્યું છે!) ધીરજ, શિસ્ત અને કામઢાપણામાંથી નિષ્ઠા નીપજે છે. મોદી જેવી સિન્સેરિટી બહુ ઓછા રાજનેતાઓમાં જોવા મળે. આને કારણે જ તેઓ વિશ્ર્વસનીય છે. એમના શબ્દો પર લોકોને ભરોસો બેસે છે. લોકો-એમની આસપાસના અને લોકો - ભારતની પ્રજામાંનો એકેએક નાગરિક. મોદીની ક્રેડિબિલિટી એમની નિષ્ઠામાંથી નીપજી છે જે એમને એમના ૪૦ વર્ષના જાહેરજીવનનું એક-એક પગથિયું ઉપર ચડાવવામાં સહાયભૂત થઈ છે. મોદીના ખંતીલાપણાના ચાર મુદ્દામાંથી નીપજે છે એમની લડાયક વૃત્તિ. મેદાનમાં પડીને લડો. સમસ્યાને જાજમ હેઠળ છુપાવો નહીં. એના ઉકેલ માટે એને ટાળ્યા નહીં કરો. કઠિન સિચ્યુએશનથી ભાગો નહીં, અણગમતા મુદ્દાથી મનને ડાયવર્ટ નહીં કરો. એની સામે આવીને એને ડીલ કરો અને જરૂર પડે તો એની સામે શિંગડાં ભરાવો. મોદી સતત આ જ કરતા આવ્યા છે. રણમેદાનમાં ઊતરીને સામી છાતીએ લડ્યા છે, પીઠ બતાવીને ભાગ્યા નથી કે બીજાઓની આડશ લઈને પોતાની સલામતી શોધી નથી. તો મોદીની પાંચ સ્ટ્રેન્થ્સમાંની પહેલી સ્ટ્રેન્થ-ખંત અને આ ખંત જેના પાયા પર ઊભી છે તે પાંચ પાયાની વાતો. મોદીની બાકીની ચાર સ્ટ્રેન્થ્સ વિશે વાત કરીને સ્વૉટ ઍનેલિસિસના બીજા ત્રણ મુદ્દાની પણ ચર્ચા કરવાની છે એટલે હવે ઝડપ રાખીશું. આજનો વિચાર તમારી આસપાસના લોકોને કારણે, તમે જે નથી તે તમારે બની જવાનું નથી. તમે જો તમારું સપનું સાકાર નથી કરી રહ્યા, તો રોકાઈ જાઓ અને નવેસરથી શરૂઆત કરો. - પાઉલો કોએલો
28-05-2014
નરેન્દ્ર મોદી અનાસક્ત વિઝનરી છે
નરેન્દ્ર મોદીની બીજી સૌથી મોટી તાકાત છે - અનાસક્તિ, ડીટેચમેન્ટ. નિષ્પક્ષ કે તટસ્થ તેમ જ આધ્યાત્મિક ટર્મિનોલોજિવાળી ઉદાસીન વૃત્તિ (દુનિયાદારીવાળી ઉદાસીનતા નહીં) પણ એને કહી શકો.
મોદીને કોઈ સંસાર નથી. માતા, ભાઈઓ- કોઈનેય તેઓ પોતાની સોગંદવિધિમાં પણ બોલાવતા નથી. માતા પોતે કમળને વોટ આપવા ભાડાની રિક્શામાં જાય છે. આ મુદ્દામાં મોદીનો બિગેસ્ટ પ્લસ પોઈન્ટ છે કે એમને કોઈ સંતાન નથી. દીકરાને ક્યાં ગોઠવવો અને વેવાઈની ફાઈલ કેવી રીતે પસાર કરાવવી એની કોઈ ચિંતા નથી એમને. મુખ્યમંત્રી હતા ત્યારે ખુદ ભાજપમાંથી એમની સતામણી વધી ગઈ ત્યારે એક અંગત મુલાકાતમાં નિરાંતના સ્વરે તેમણે કહ્યું હતું: ‘દિલ્હીથી મોવડીમંડળ કહેશે તો અબઘડી આ બંગલો ખાલી કરીને એક થેલીમાં મારો સામાન ભરી હેડગેવાર ભવન જતો રહીશ. ત્યાં મારા રહેવા માટે એક રૂમ મળી જશે.’ અમદાવાદના મણિનગરનું હેડગેવાર ભવન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું રાજ્યમથક છે અને જો કોઈ એવો આદેશ આવ્યો તો એમણે એવું જ કર્યું હોત એની એમને સતાવનારા ભાજપીઓને પણ ખબર હતી અને એટલે જ દિલ્હીના મોવડીમંડળે એવો કોઈ આદેશ મોકલ્યો નહીં. મોદીની આ અનાસક્તિ, એમની નિર્લેપતા એમના પ્રારબ્ધને ઘડે છે, કારણ કે કવિએ કહ્યું છે એમ માગીએ છીએ તો એ દૂર ભાગે છે, ન માગ્યું હોય ત્યારે એ દોડતું આવે છે. મોદીની પ્રામાણિકતા એમની આ અનાસક્તિમાંથી આવે છે. અનાસક્તિનો અર્થ એવો નથી થતો કે જે છે એને જ સાચવીને બેસી રહેવું અને ભવિષ્ય માટેનાં સપનાં ન જોવાં. એવું હોત તો તો મોદી ગુજરાતમાં ૧૩ વર્ષ દરમિયાન મેળવેલી સિદ્ધિમાંથી સંતોષ લઈને ગાંધીનગરમાં બેસી રહ્યા હોત, પણ ફળ જે મળે તે, એની આશા રાખ્યા વિના, આગળનું કામ કરવું, કરતાં રહેવું એવું વિચારીને મારા સહિત બીજા અનેકને ખોટા પાડીને એમણે ૨૦૧૪ની ચૂંટણી માટે ભાજપના વડા પ્રધાનપદની ઉમેદવારી સ્વીકારી. (હું માનતો હતો અને જાહેરમાં લખ્યું પણ છે કે મોદીએ ૨૦૧૯ સુધી રાહ જોવી જોઈએ અને જોશે. આ એક બાબતમાં ખોટા પડ્યાનો આનંદ મારા જેટલો જ સૌને હશે). ભગવદ્ ગીતાની કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન્ની ફિલસૂફીને જીવનમાં સંપૂર્ણપણે વણી લેનારી ભારતની સૌથી જાણીતી એક વ્યક્તિનું નામ આપવું હોય તો કોનું આપવું એની હવે તમને ખબર છે. આગળ ચાલીએ. મોદીની ત્રીજી સૌથી મોટી સિદ્ધિ- એમને સપનાં જોતાં આવડે છે. મૅનેજમેન્ટની ટર્મ વાપરીને કહીએ તો એમનાં સપનાં આઉટ ઑફ બૉક્સ હોય છે, પરંપરાગત વિચારધારાથી સાવ હટકે હોય છે. ભારતનો કયો મુખ્યમંત્રી પોતાના રાજ્યને સિંગાપોર, જપાન, ચીન કે બ્રિટન- અમેરિકાની સાથે સ્પર્ધામાં મૂકે? બહુ બહુ તો મહારાષ્ટ્ર, બિહાર કે તમિળનાડુ સાથે તુલના કરે. પણ મોદીનાં સપનાં શેખચલ્લીનાં નથી હોતાં. રિયાલિટી બેઝ્ડ હોય છે. તેઓ પોતાની, ગુજરાતની અને ભારતની ભૂમિની તથા પ્રજાની શક્તિઓને પિછાણે છે, મર્યાદાઓને પણ જાણે છે. કારણ કે ભારતભરમાં તેઓ ફર્યા છે. ટુરિસ્ટ તરીકે નહીં, નાનાં નાનાં ગામ-શહેરોના લોકો વચ્ચે રહીને, એમને ત્યાં જમીને, એમને પોતાના ઉતારે બોલાવીને જમાડીને. આંખકાન ખુલ્લાં રાખીને કરેલું આ ભારતભ્રમણ એમને એક યુનિક પોઝિશનમાં મૂકે છે. લોકોનાં દુખદર્દ અને એમની જરૂરિયાતો જ માત્ર નહીં, એમના એસ્પાયરેશન્સ પણ તેઓ જાણે છે. એક ટીવી મુલાકાતમાં એમણે કોઈ ન્યૂઝ ચૅનલને કહ્યું હતું: ‘મારી સાથે મારા પ્રધાનો, બ્યુરોક્રેટ્સ અને એક્સપર્ટ્સની મીટિંગ હોય ત્યારે હું સી.એમ. તરીકે નહીં પણ એક સામાન્ય નાગરિક તરીકે એમની વાતો સાંભળું છું, અને નાગરિક તરીકે જ વિચારીને સજેશન્સ આપું છું.’ મોદીને ખબર છે કે ભારતનો એક સામાન્ય નાગરિક શું વિચારતો હોય છે. શું સોનિયા ગાંધીને ખબર હશે કે ભારતના આમ આદમીના મનમાં શું ચાલતું હોય છે? ફૉર ધૅટ મૅટર શાહજાદાને, એમના પિતાને, એમની માતાને, એમના પિતાને - આખા નેહરુ વંશને એવી ખબર હોવાની? એ લોકો ક્યારેય પોતાના આઈવરી ટાવરમાંથી બહાર નીકળ્યા નથી. ભારતના બાકીના ભૂતપૂર્વ વડા પ્રધાનોનું પણ આમ જનતા સાથેનું એક્સપોઝર મોદી જેટલું નહોતું. આની સાથોસાથ મોદી ટેક્નોસેવી પણ છે. ૧૦ એપ્રિલ ૨૦૦૦ના રોજ ‘રૂબરૂ’ કાર્યક્રમમાં રાજીવ શુક્લને આપેલી મોદીની જિંદગીની સૌથી પહેલી ટીવી મુલાકાતમાં મોદીએ કહેલું કે છેલ્લાં આઠ-દસ વરસથી તેઓ કૉમ્પ્યુટર વાપરે છે અને એમની પાસે એ જમાનાથી ઈ-મેલ આઈડી છે. ૧૯૯૨ના જમાનામાં ભારતમાં કેટલા લોકો આ હદ સુધી ટેક્નોસેવી હતા? મોદી પાસે લોકોને જેટલી અપેક્ષા છે એના કરતાં વધારે અપેક્ષા મોદી જ પોતાની પાસે રાખે છે અને એટલે જ સાયન્સ, ટેક્નોલોજી, આઈટી, ફિનાન્સ, એગ્રીકલ્ચર, હેલ્થ જેવાં તમામ ક્ષેત્રોમાં તેઓ દૂરનું જુએ છે. યુ ટ્યુબ પર એક વીડિયો જોયો હમણાં. એક જણ કહે છે કે પરદેશના વિમાન પ્રવાસમાં મારી બાજુમાં કોણ છે એની મને ખબર નહોતી. એમણે મારી સાથે ઓળખાણ કરી. હું હેલ્થ સેક્ટરમાં કામ કરું છું. મને એ પ્રશ્ર્નો પૂછતા ગયા, જાણકારી મેળવતા રહ્યા. મેં એમને કહ્યું કે રસ્તા કેવી રીતે ચોખ્ખા રાખવા એ પણ હેલ્થ સેક્ટરનો વિષય છે. પછી એમણે મને એમની ઓળખાણ આપી. થોડા દિવસ પછી ગાંધીનગરથી એમના આસિસ્ટન્ટનો ફોન આવ્યો. મને મારી નિપુણતાના વિષય પર લેક્ચર આપવા માટે એ લોકોએ ઈન્ડિયા બોલાવ્યો. મારા લેક્ચરમાં ખુદ એ લોકો, એમના કેટલાક પ્રધાનો તથા બ્યુરોક્રેટ્સ પણ હાજર હતા. આવા હતા મુખ્યમંત્રી મોદી. તો જરા વિચારીએ કે પ્રધાનમંત્રી મોદી કેટલા મોટા વિઝનરી બનશે. નેહરુ માટે આ શબ્દ વપરાતો- વિઝનરી, સ્વપ્નસેવી, પણ નેહરુનું ભારત કેવું હતું તે તમારા પપ્પાને કે દાદાને પૂછો. આપણે એ વાત નથી કરવી. જે વીતી ગયું તે વીતી ગયું. મોદીની આ ત્રીજી સ્ટ્રેન્થ- એમનું વિઝનરીપણું નક્કી ભારતને એવી ઊંચાઈએ લઈ જઈ શકે છે જ્યાં પહોંચવાનું અત્યારે આપણને સપનામાં પણ અશક્ય લાગે છે. મોદીની બાકીની બે સ્ટ્રેન્થ વિશે કાલે. આજનો વિચાર આપણા વાઈલ્ડેસ્ટ ડ્રીમ્સ જ આપણા ખરાં સપનાં છે. - પાઉલો કોએલો |
Wednesday, May 28, 2014
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ‘સ્વૉટ’ ઍનેલિસિસ --- સૌરભ શાહ
Labels:
સૌરભ શાહ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment