Sunday, May 25, 2014

બ્રહ્માંડના કણકણમાં બેક્ટેરિયાનો વાસ --- ડૉ. જે. જે. રાવલ

વાયુમંડળ અને જળમંડળમાં વિશાળ જીવસૃષ્ટિ પૃથ્વી પર વિશાળ જીવ-સૃષ્ટિ છે. ઝાડ-પાન, ફળ-ફૂલ, વન્ય જીવન, મનુષ્ય જીવન, પ્રાણીસૃષ્ટિ. કહેવાય છે કે પૃથ્વી પર ૮૪ લાખ યોનિ છે. બધાના આકારો અલગ અલગ, બધાની દુનિયા અલગ અલગ. આ બાજુ સિંહ, વાઘ, ચિત્તા, હાથી, ગેંડા, રીંછ, વાનરો છે તો બીજી બાજુ સાપ, નોળિયા, કાચીંડા, છિપકલી, ઉંદર વગેરે છે. તો વળી ત્રીજી બાજુ ચકલી, મોર, ગરુડ, કાગડો, કબૂતર, પોપટ, ખિસકોલી, કેટલી અજબ આ પૃથ્વીની સપાટી પરની જીવનસૃષ્ટિ છે. તેમ છતાં 

ખબર નથી પડતી કે મરઘી પહેલી કે ઈંડું.

આ જાત જાતની સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ હશે. બધા જ એકબીજાથી અલગ. પક્ષી ઊડી શકે, માછલી પાણીમાં તરી શકે અને બંને વચ્ચે માનવી પૃથ્વી પર ચક્કર મારે. માનવી હવામાં ઊડે છે અને પાણીની નીચે તરે છે, તે ગજબની વાત છે. આ તેની બુદ્ધિની ઊપજ છે. પૃથ્વીના વાયુમંડળમાં આમ જોઈએ તો કાંઈ દેખાય નહીં. અંતરીક્ષ ખાલીખમ લાગે. તેમાં વાયુઓ છે તે પણ દેખાય નહીં. તેમાં વાયુઓ તો છે જ, પણ તેમાં સૂક્ષ્મ જીવોની, બેક્ટેરિયાની વિશાળ દુનિયા છે. તમે કહેશો કે વાયુમંડળમાં વિશાળ જીવસૃષ્ટિ છે તે દેખાતી તો નથી. વાયુઓ જ દેખાતા નથી. આ જ કમાલ છે. પૃથ્વીના વાયુમંડળમાં બેકટેરિયાની વિશાળ દુનિયા ન હોય તો દૂધમાંથી દહીં કોણ બનાવે છે? શાકભાજી, ફળફળાદિ સડી કેમ જાય છે? દાળ-શાક બગડી કેમ જાય છે? એ બધો પ્રભાવ બેક્ટેરિયાની દુનિયાનો છે. સૂક્ષ્મદર્શક યંત્રથી જુઓ પૃથ્વીના વાયુમંડળમાં બેક્ટેરિયાની કેટલી વિશાળ દુનિયા છે, જાણે કે આપણે બેક્ટેરિયાના જ વાતાવરણમાં જીવી રહ્યા છીએ.

સૂર્ય આટલો તપે છે તો પણ વાયુમંડળના બેકટેરિયા નામશેષ થતા નથી એટલું જ નહીં તે એસિડમાં અને ઊકળતા ૧૦૦ અંશ ઉષ્ણતામાન પાણી અને પ્રવાહીમાં પણ જીવે છે. થોડા વિજ્ઞાનીઓ માને છે કે વાયુમંડળના બેક્ટેરિયા વરસાદ લાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. બેકટેરિયાને પૃથ્વી પર નીચે આવવું છે માટે તેઓ પૃથ્વી પર વરસાદ લાવે છે. પૃથ્વી પર જે પાણીનાં ટીપાં કે બરફના સૂક્ષ્મ કણો પડે છે તેના કેન્દ્રમાં હકીકતમાં અંતરીક્ષના બેકટેરિયા છે. બેકટેરિયા જ પૃથ્વી પર વરસાદ લાવવાના કારણરૂપ છે. બેકટેરિયા વરાળ ઠંડી પડતાં પાણીનાં ટીપાંનાં બંધારણનો નાભિનો પાઠ ભજવે છે, તે પર બરફ જામી જાય છે અને પછી તે ઠંડા પડતાં પાણી કે બરફરૂપે પૃથ્વી પર આવે છે.

અમુક વિજ્ઞાનીઓ માને છે કે પૃથ્વી પર જીવન બાહ્યઅવકાશમાંથી આવ્યું છે: તે પૃથ્વી પર આવ્યું અને નંદનવન જેવી પૃથ્વીએ તેનું લાલનપાલન કર્યું. પૃથ્વી પર જીવન ધૂમકેતુઓમાંથી આવ્યું છે. ધૂમકેતુ જ્યારે પૃથ્વીની નજીકથી પસાર થાય છે ત્યારે પૃથ્વી તેની પૂંછડીમાંથી પસાર થાય છે. ધૂમકેતુની પૂંછડીમાં જીવનરસના રેણુઓ હોય છે, બેકટેરિયા પણ હોય છે. આ જીવન પૃથ્વી પર ઊતરી આવ્યું હતું અને તેમાંથી કાળક્રમે પૃથ્વી પર જીવન વિકસ્યું.

વિખ્યાત ખગોળ - ભૌતિકશાસ્ત્રી, પ્રોફેસર વિક્રમ સિંધી, પ્રોફેસર જયંત નારળીકર અને તેમના સહયોગીઓએ ઈસરોની મદદથી રોકેટ ઉડાડી ૪૫ કિલોમીટર ઉપર જીવન છે, ત્યાં બેકટેરિયા છે એમ સાબિત કર્યું છે. ભૂતકાળમાં આ બેકટેરિયા જમીન પર ઊતરી આવ્યા હશે અને પૃથ્વી પર જીવન રોપ્યું હશે.

બેકટેરિયાની દુનિયા વિશાળ, અતિ વિશાળ છે. પૃથ્વી પર જો પ્રથમ જન્મ્યાં હોય તો તે બેકટેરિયા છે. પૃથ્વીનો ગોળો વાયુમંડળથી તો ઢંકાયેલો છે જ, સાથે સાથે તે બેકટેરિયાથી પણ ઢંકાયેલો છે. બેકટેરિયા જાણે કે તેનું કવચ હોય.

જો વિજ્ઞાનીઓએ સૂક્ષ્મદર્શક યંત્ર શોધ્યાં ન હોત તો આપણે આજ સુધી પૂરી બેકટેરિયા સૃષ્ટિથી અજાણ જ હોત અને પૃથ્વી પર થતાં કેટલાક રોગો, પૃથ્વી પર સડી જતા પદાર્થો શા માટે સડી જાય છે, કુદરતમાં ચાલતું નાઈટ્રોજન ચક્ર વગેરે વિષે આપણને ખબર જ ન પડત. અમુક બેકટેરિયા આપણને નુકસાન પહોંચાડે છે, જ્યારે અમુક બેકટેરિયા આપણને ઘણો ફાયદો કરે છે.

બેકટેરિયા દરેકેદરેક ગ્રહ પર છે. કદાચ બુધ ગ્રહ પર નથી, કારણ કે ત્યાં દિવસે ઉષ્ણતામાન ૪૦૦ અંશ સેલ્સિયસ રહે છે અને રાતે માઈનસ ૨૬૦ અંશ સેલ્સિયસ રહે છે. શુક્ર પર, પૃથ્વી, મંગળ બધા લઘુગ્રહો પર, ઉલ્કામાં, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચૂન, પ્લુટો અને બધા ધૂમકેતુઓ પર બેકટેરિયાનો વસવાટ છે. એટલું જ નહીં, પણ મંદાકિનીના બધાં જ વાયુનાં વાદળોમાં બે ગ્રહોની વચ્ચેના અંતરીક્ષમાં, બે તારા વચ્ચેના અંતરીક્ષમાં અને બે મંદાકિનીઓ વચ્ચેના અંતરીક્ષમાં પણ બેકટેરિયા મળી આવ્યા છે. હકીકતમાં બેકટેરિયા વૈશ્ર્વિક સિટીઝન છે. આપણા શરીરમાં પણ જાતજાતના બેકટેરિયા છે. આપણે ખોરાક સાથે બેકટેરિયાને પણ ખાઈએ જ છીએ. શ્ર્વાસમાં બેકટેરિયાને લઈએ છીએ, કોઈ એવી જગ્યા ખાલી નથી જ્યાં બેકટેરિયા ન હોય. એ રીતે આપણે પ્યોર વેજીટેરિયન છીએ જ નહીં.

રસપ્રદ વાત એ છે કે જ્યારે સૂક્ષ્મદર્શક યંત્રો ન હતાં ત્યારે મહાવીર સ્વામી અને બીજા 

જૈન મહાત્માઓને ખબર પડી ગઈ હતી કે વાયુમંડળમાં બધે બેકટેરિયા છે. તેથી જ જૈન લોકો પાણીને ઉકાળીને પીએ છે અને મોઢે મુહપ્તી 

રાખે છે.

પૃથ્વી પરથી અંતરીક્ષયાનો ચંદ્ર પર ઊતર્યાં છે, મંગળ પર ઊતર્યાં છે સાથે સાથે પૃથ્વી પરના બેકટેરિયા પણ ચંદ્ર અને મંગળ પર ઊતર્યાં છે, ત્યાંના બેકટેરિયા પૃથ્વી પર આવી ગયા છે.

જેટલી વિશાળ સૃષ્ટિ પૃથ્વીના વાયુમંડળમાં છે તેટલી જ વિશાળ સૃષ્ટિ પૃથ્વીના જળમંડળમાં છે. ઝીણી ઝીણી માછલીથી માંડી વિશાળકાય માછલીઓ, મગરો, 

કાચબા, સ્ટાર ફિશ, દરિયાઈ ઘોડા વગેરેની છે. કોરલ્સ, જાતજાતના શંખલા વગેરે જળસૃષ્ટિના ઘરો છે. સમુદ્રમંથનમાંથી નીકળેલા રત્નોમાં એક શંખ પણ છે. ગાય, ઘોડો, હાથી, લક્ષ્મી, ઝેર, અમૃત વગેરે બીજા રત્નો છે જે સમુદ્રમંથનમાંથી નીકળ્યા હતાં.

મહાસાગરના તળિયે તો રંગ-બેરંગી વેલા, છોડ, ફૂલો છે, જેને જોઈને આપણે ચકિત થઈ જઈએ. ત્યાં પહાડો પણ છે અને જ્વાલામુખીઓ પણ છે. જળસૃષ્ટિ ઘણી રંગીન છે જેમાં સોનાના રંગની માછલીઓ છે જે કુદરતની કમાલ છે. માછલીઘરમાં જઈએ તો ખબર પડે કે જળચરો કેટલાં સુન્દર છે. મહાસાગરના તળિયે જાતજાતના થોર અને વનસ્પતિ સૃષ્ટિની અજાયબ દુનિયા છે. ત્યાં નાના નાના પહાડો, ખીણો વગેરેની અજબ સૃષ્ટિ છે. એટલું જ નહીં, મહાસાગરના તળિયા નીચે દશ કિલોમીટર નીચે સૂક્ષ્મ દુનિયા જીવે છે. મહાસાગરમાં પાણીના ઠંડા પ્રવાહો છે તેમ ગરમ પ્રવાહો પણ છે. મહાસાગરના તળિયે પહાડોમાંથી ધુમાડા નીકળે છે, ગરમ પાણીના ફુવારા છૂટે છે. બ્રહ્માંડમાં જીવસૃષ્ટિની વ્યાખ્યા કરવી અઘરી છે. આપણા શાસ્ત્રોમાં કચ્છાવતાર, મચ્છાવતાર, વરાહવતાર છે. શું તે મહાસાગરની જીવસૃષ્ટિનો સંકેત કરે છે, પૃથ્વી પરની જીવસૃષ્ટિ ખરેખર અદ્ભુત છે.

પૃથ્વી પર જે જીવન આવ્યું છે તે મહાસાગરમાંથી તો આવ્યું જ છે, સાથે સાથે તે બાહ્યઅવકાશમાંથી પણ આવ્યું છે. પૃથ્વી પરનું જીવન આ બંને જગ્યાએથી આવેલ મિશ્રજીવન છે. માટે જ તે દરિયામાં તરવાની ઈચ્છા રાખે છે અને હવામાં ઊડવાની પણ, અને તેણે આ બંનેને સાધ્ય કર્યાં છે. જીવન આખરમાં છે શું તે જાણવું મોટો કોયડો છે. તે કેવી રીતે ઉત્પન્ન થયું છે તે જાણવું તો મોટો કોયડો છે. જીવનના ત્રણ તબક્કા છે, ઉત્પત્તિ, ટકી રહેવાની અને મૃત્યુ, જેને આપણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કહીએ છીએ.

No comments:

Post a Comment