Tuesday, May 13, 2014

બ્રહ્માંડનો કચરો એટલે મુસીબતોનો પહાડ ---- ડૉ. જે. જે. રાવલ

બ્રહ્માંડ જ્યારે બિગ બેંગ (મહાવિસ્ફોટ)થી ઉત્પન્ન થયું ત્યારે ઊર્જા બહાર પડી. આ ઊર્જાના ગઠનથી પદાર્થકણો ઉત્પન્ન થયા. તેમાંથી હાઈડ્રોજન, હિલિયમ વગેરે વાયુઓ ઉત્પન્ન થયા. તેમાં ગુરુત્વીય કેન્દ્રો બનવાને લીધે વાયુઓનાં અતિ વિશાળ વાદળો ઉત્પન્ન થયાં. આ બ્રહ્માંડની મંદાકિનીઓ આ વાયુઓનાં વાદળોમાં ગુરુત્વીય કેન્દ્રો બન્યાં. ત્યાં તારા અને ગ્રહમંડળો બન્યાં. ગ્રહો ક્ષેત્રો હોઈ તેમાં પિતૃતારાની ઊર્જામાંથી જીવન ઉત્પન્ન થયું.

માનવી પ્રારંભમાં શિકારી હતો. શિકાર એ સેન્દ્રિય પદાર્થ છે. એટલે માટીમાં ભળી જાય પણ તે દૂષિત વાયુઓ વાયુમંડળમાં ઉત્પન્ન કરે. જો કે દરેકેદરેક વાયુના સારા અને નરસા ગુણધર્મો છે, પણ શિકારનાં હાડકાં તેનાં હાડપિંજરો પૃથ્વી પર પ્રથમ કચરો હતો. જીવંત પ્રાણીઓનાં હાડપિંજરો પૃથ્વી પર બીજો કચરો હતો. તે વરવું દૃશ્ય ઉત્પન્ન કરે છે. આમ જીવંત વસ્તુઓનાં હાડપિંજરો પૃથ્વી પરનો પ્રથમ કચરો હતો. હાડકાં હજારો વર્ષ સુધી ઓગળતાં નથી. માનવીના શરીરમાંના સેન્દ્રિય પદાર્થો પૃથ્વીમાં ભળી જાય છે પણ હાડકાં નહીં. આ હાડકાં ખરેખર અદ્ભુત વસ્તુ છે. આખા શરીરને તે ધારણ કરે છે, માટે તે કઠણ હોય એ જરૂરી છે પણ નહીં ઓગળતાં હોઈ એક કચરો ગણાય, માટે બ્રહ્માંડમાં પ્રથમ કચરો તે આપણા શરીરમાંથી જ ઉત્પન્ન થાય છે. ગુરુત્વાકર્ષણ જ્યાં ન હોય ત્યાં તે ભરભર ભૂકો થઈ જાય છે. અંતરીક્ષમાં હાડકાં ઓગળે છે પણ પૃથ્વી પર નહીં. આ પણ કુદરતની કરામત છે. આ હાડકાં એટલે કેલ્શિયમ.

હાડકારૂપી કચરાને નજર સમક્ષથી હઠાવવા શરીરને અગ્નિદાહ દેવાનું કે જમીમાં દાટી દેવાનું શરૂ થયું. નદીઓમાં વિસર્જન કરવાનું શરૂ કર્યું. હાડકાં સિવાય કુદરતમાંથી જે ઉત્પન્ન થાય છે તે બધો સેન્દ્રિય પદાર્થ છે અને તેથી નુકસાનકારક નથી, માટીમાં ભળી જાય છે. તે એક જાતની માટી જ છે. હાડકાં માટી હોવા છતાં માટી નથી. તે આપણા શરીરમાં કે પ્રાણીઓના શરીરની કુદરતની એક કરામત છે.

હાડકાંના ઘણા ઉપયોગો શોધી કાઢવામાં આવ્યાં છે અને તેનો ભુક્કો કરી જાત જાતની રીતોથી તે આપણને પાછા ખવડાવવામાં આવે છે. મીઠાઈ પરનો વરખ વગેરે હાડકાંનો ભુકો છે. માટે આવી બધી વસ્તુઓ ખાવી હિતાવહ નથી.

હાડકાંના કચરામાંથી તો છટકી શકાય તેમ નથી પણ પૃથ્વી પર બીજો કચરો કયો? જો કે હાડકાં પણ બ્રહ્માંડનો ભાગ છે. પૃથ્વી પર કે બ્રહ્માંડમાં બીજો કચરો ઉત્પન્ન થયો તે ધાતુઓનો. ધાતુઓ જમીનમાંથી નીકળે છે. આપણા શરીરને પણ તે જરૂરી છે, પણ તેમાંથી પ્રક્રિયા કરી બનાવાતી ધાતુઓ પૃથ્વી પરનો બીજો કચરો છે. ધાતુઓ જે ખૂબ જ ઉપયોગી છે પણ તેનો ઘન કચરો આપણને નડે છે. તેને રીપ્રોસેસ કરી શકાય છે તે સારી બાબત છે, પણ ધાતુઓને રીપ્રોસેસ કરવાથી વાયુમંડળમાં દૂષિત વાયુઓ ફેલાય છે. વાયુઓ દૂષિત છે કે સારા એ તો તેનો ઉપયોગ, તેની પરિસ્થિતિ પર આધાર રાખે છે. તેને દૂષિત કહેવાં કે ન કહેવા એ જ મૂંઝવણ છે. કાર્બનડાયોકસાઈડ ગ્લોબલ વોર્મિંગનો વધુ કારક છે, પણ તે જ આપણને હૂંફ આપે છે, તે જ આપણાં ખોરાક છે અને તે જ આપણું જીવન છે, તો તેને ખરાબ કેવી રીતે કહેવાય? પેટમાં ગરબડ હોય તો સોડા પીવો કે સારું થઈ જાય.

માનવીએ છેવટે પ્લાસ્ટિકની શોધ કરી. પ્લાસ્ટિક ખતરનાક કચરો છે, પણ આપણું જીવન આજે પ્લાસ્ટિક વગર સંભવી શકે તેમ નથી. તેની પણ નોંધ લેવી જરૂરી છે. તેનો નિકાલ કેવી રીતે કરવો? તે જ માથાકૂટ છે. ઈ-કચરો આ પ્લાસ્ટિકની જ માયા છે. આપણા ઘરમાં ક્યાં પ્લાસ્ટિક નથી. તત્ત્વો કુદરતમાં રહે ત્યાં સુધી બરાબર પણ રૂપ ધારણ કરે ત્યારે મુસીબત ઉત્પન્ન થાય છે, તે માનવીનું કાર્ય હોય છે. ઈ-કચરાનો કેવી રીતે નાશ કરવો કે ઉપયોગ કરવો કે તેને રીપ્રોસેસ કરવો તે જરૂરી છે.

પૃથ્વીવાસીઓ અંતરીક્ષમાં કૃત્રિમ ઉપગ્રહો છોડે છે. ૧૯૫૭થી હાલ સુધીમાં એટલા તો કૃત્રિમ ઉપગ્રહો પૃથ્વીની ફરતે ચક્કર મારે છે કે તેણે પૃથ્વી ફરતે કચરો કરી નાખ્યો છે. ખોટવાઈ ગયેલા તેના કાર્યકાળ પછી રહેલા કૃત્રિમ ઉપગ્રહો અને તેના ભાગોએ પૃથ્વી ફરતે મોટો ઉકરડો પેદા કરી દીધો છે. ભવિષ્યમાં ઉપગ્રહોને છોડવામાં તે આડો આવે તેમ છે. તે કચરો ધાતુ અને પ્લાસ્ટિકનો છે.

પૃથ્વીના પહાડો પર, નદીઓમાં માનવીઓએ કચરો ઉત્પન્ન કરી નંદનવન જેમ પૃથ્વીને દૂષિત કરી છે અને કરતાં જાય છે. જો આમને આમ ચાલુ રહેશે તો માનવી એક દિવસ કચરામાં જ દટાઈ જવાનો છે.

હિમાલયની ચોટીઓને સાફ કરવાની નદીઓને કચરાથી મુક્ત કરવાની વાતો ચાલે છે, પણ એક વખત કચરો પેદા કર્યા પછી તેને સાફ કરવાની, કામ સહેલું નથી. પૃથ્વીની ફરતે જે ડેડ થઈ ગયેલા ઉપગ્રહોનો કચરો છે તે રોબો-હેન્ડની મદદથી કેવી રીતે સાફ કરી શકાય તેની યોજના વિજ્ઞાનીઓ કરી રહ્યા છે તે સારી વાત છે.

હકીકતમાં સૌ પ્રથમ મનનો કચરો સાફ કરવાની જરૂર છે. માનવીના મગજની વિકૃતિ સાફ કરવાની જરૂર છે. જો આ થાય તો બ્રહ્માંડનો ઘણો કચરો સાફ થઈ શકે, અથવા તો તે પેદા થવામાં રોક લાગી જાય. તે માત્ર આધ્યાત્મિકતા જ કરી શકે, માટે આધ્યાત્મિકતાની જરૂર છે. આધ્યાત્મિકતા તમને તમારી ફરજનું સતત ભાન કરાવે છે. આધ્યાત્મિકતા ઘણો કચરો રાતોરાત સાફ કરી શકે તેમ છે. વસુધૈવ કુટુંબકમ અથવા તો સિમ્પલ લિવિંગ હાઈથિંકિંગના સિદ્ધાંતો આપણને પૃથ્વીને નંદનવન બનાવી રાખવામાં મદદ કરી શકે છે, પણ તે નિયમો કે સિદ્ધાંતો કે સૂત્રો આપણે પાળવા નથી. જાનામિ ધમમ્ ન ચ મે પ્રવૃત્તિ:, જાનામિ અધર્મમ/ ન ચ મે નિવૃત્તિ: એ આપણી દશા છે.

પોતાને સર્વોપરી રાખવા કે બીજા દેશોથી ડરી જઈ બધા દેશો દિવસે દિવસે અણુકચરો વધારતા જાય છે, તે દરેકે દરેક દેશનો મહાખતરનાક કચરો છે, તે દરેકે દરેક દેશનો માથાનો દુખાવો છે, પણ કોઈ દેશ સમજતો નથી. અણુઊર્જાનો ઉપયોગ તો ઘણો છે. માનવીની જીવાદોરી થઈ ગઈ છે, પણ તેનો કચરો તેટલો જ ભયંકર છે, જો એક અણુબોમ્બનો વિસ્ફોટ થાય તો તે કેટલો ગજબનાક કચરો પેદા કરે તે આપણે જાણીએ છીએ પણ દરેક દેશ તેમાંથી અટકતો નથી.

માનવીએ સમજવું જોઈએ કે જેટલો જરૂરી છે અને અનિવાર્ય હોય તેટલો જ કચરો ઉત્પન્ન કરાય અને તેને નિવારવાના માર્ગો શોધવા જોઈએ. કુદરતે દરેકે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન આપ્યું છે. આ સોલ્યુશન જ શોધવાનું છે. કોણ શોધે? રાજકારણીઓ? નકામા માણસો છે, તેઓ તો જાતજાતનો કચરો વધારનારાં છે. ગાંધીજી અને લાલ બહાદુર જેવા આધ્યાત્મિક રાજકારણઓ પેદા કરવાં ઘટે.

ઓઈલ એ એક બીજા પ્રકારનો કચરો છે, તેનું નિયંત્રણ પણ કરી શકાય. આપણા ભારતીય - અમેરિકી જીવવિજ્ઞાનશાસ્ત્રી પ્રોફેસર આનંદ મોહન ચક્રવર્તીએ એવી જાતના બેકટેરિયા ઉત્પન્ન કર્યાં છે કે તે ઓઈલના કચરાને તેનો ખોરાક બનાવે, જેમ વૃક્ષો કાર્બનડાયોકસાઈડને તેનો ખોરાક બનાવે છે. આનું નામ માનવના હિતમાં કરેલી શોધ કહેવાય.

માત્ર માનવી જ કચરો ઉત્પન્ન કરે છે. બ્રહ્માંડમાં કુદરત ક્યાંય કચરો ઉત્પન્ન કરતી નથી. કુદરતે માનવીને ઉત્પન્ન કરીને હાથ ધોઈ નાખ્યા છે. તેને ભૂલથી વૈતાલ પેદા કરી નાખ્યો છે. જો કામ દો તો ઠીક નહીં તો વિનાશ. હકીકતમાં ખરાબ માનવી પોતે જ એક કચરો છે.

પરફયુમ, રેફ્રિજરેટર, ફોન વગેરે મોજશોખની વસ્તુઓ પામવા માનવી ફેકટરીઓ નાખે છે. આ ફેકટરીઓમાં કલોરો- ફલોરો - કાર્બન નામનો વાયુ ઉત્પન્ન થાય છે. આ વાયુને વળી પાછા ફેકટરીઓવાળા હવામાં છોડી દે છે, તેનો બીજી રીતે નિકાલ લાવતા નથી કે તેનો બીજી રીતે ઉપયોગ કરતા નથી. આ કલોરો-ફલોરો-કાર્બન વાયુને ક્લોરીન, ફલોરીન અને કાર્બનમાં વિઘટન કરી તે જ ઘટકોનો ઉપયોગ કરી શકાય પણ તેમ કરવા જતાં તેમનો નફો ઘટી જાય. માટે મુક્ત અંતરીક્ષમાં છોડી દેવામાં આવે છે. આ વાયુ, વાયુમંડળના ઉપરી સ્તરમાં જઈ ત્યાના ઓઝોન વાયુને નષ્ટ કરે છે. પૃથ્વી ફરતેનું આ ઓઝોન વાયુનું પડ સૂર્યમાંથી પૃથ્વી પર ચાલતાં ખૂબ જ શક્તિશાળી કિરણોને ચુસ્ત લઈ તેને પૃથ્વી પર આવતાં રોકી રાખે છે તેથી પૃથ્વી પરના જીવનને નાશ થતું અટકાવે છે. પૃથ્વી પર ગરમી ખૂબ જ વધીને ગ્લોબલ - વોર્મિંગ થતું નથી. આ કારખાનાંઓના પ્રદૂષિત કે ઝેરી વાયુઓ પૃથ્વીના જીવનને ઘાતક છે. આમ પૃથ્વી પરનો પ્રદૂષિત કચરો પૃથ્વી ભરના જીવન માટે ઘાતક છે. ઘરમાંથી નીકળતો કાચ, પ્લાસ્ટિક, ધાતુઓનાં ખોખાં વગેરેનો પણ સૂયોગ્ય નિકાલ ન થાય તો પૃથ્વી પરનું જીવન મુસીબતમાં આવી શકે છે. પણ આપણા થોડા સ્વાર્થ ખાતર આપણે પૃથ્વીને નરક બનાવતાં જઈએ છીએ - આ પ્રત્યે આપણે સજાગ થવાની જરૂર છે, અને પૃથ્વીના સાચા નાગરિક બનવાની જરૂર છે.

No comments:

Post a Comment