Friday, December 20, 2013

Editorial - એક જ દેશમાં બે બંધારણ! દોષ આર્ટિકલ-૩૭૦માં છે

 
Editorial

એક જ દેશમાં બે બંધારણ! દોષ આર્ટિકલ-૩૭૦માં છે

જમ્મુ-કાશ્મીરને બંધારણના અનુચ્છેદ-૩૭૦ હેઠળ આપવામાં આવેલા વિશેષ દરજ્જાની જાહેર ચર્ચા કરવાનો સમય પાકી ગયો છે. એક જ દેશમાં બે બંધારણ ચાલે ખરા? આ વિષય પર ચર્ચા થવી જોઈએ, કારણ કે જમ્મુ-કાશ્મીરમાં ભારતના કાયદા ચાલતા નથી અને તે માટે કોઈ ચર્ચા આટલા વર્ષમાં થઈ નથી.

અનુચ્છેદ-૩૭૦માં જે પરિસ્થિતિ હેઠળ જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર અપાયા હતા તે બાબત આજે સાવ અપ્રસ્તુત છે. સમય અને સંજોગો અનુસાર કાયદા-બંધારણ બદલવા જોઈએ. હાલના બંધારણમાં ઘણી બાબતો સમય બહારની છે. આવે વખતે હવે ૩૭૦ની જરૂર શું છે? વળી તે અનુચ્છેદ હેઠળ જમ્મુ-કાશ્મીરને જે બાબતોનું આરક્ષણ મળ્યું છે તેનાથી તો સમગ્ર કાશ્મીર મુખ્ય પ્રવાહમાં ભળી શકતું નથી.

વળી જે વિશેષાધિકાર મળ્યા તેનાથી માત્ર કાશ્મીરી રાજકારણીઓનાં ઘર ભરાયાં છે. તેમને પાકિસ્તાન પાસેથી પણ અઢળક નાણાં મળ્યાં છે. હજુ પણ તે પ્રક્રિયા ચાલુ છે. કાશ્મીરના અલગતાવાદી નેતાઓના પુત્ર-પુત્રી બેંગલોર-દિલ્હી-ભુવનેશ્ર્વર ખાતે અભ્યાસ કરે છે અને તેઓ સમગ્ર રાજ્યને બદનામ પણ કરી રહ્યા છે. જ્યારે પોતાનો મતલબ પૂરો ન થાય તો કાશ્મીરની પ્રજાને અન્યાયનાં ગાણાં શરૂ થઈ જાય છે.

હુર્રિયતના નેતાઓ અલગતાવાદી છે. તેમને બંધારણના અનુચ્છેદ-૩૭૦ હેઠળ તો ભારે સુવિધા થઈ ગઈ છે. કંઈક થાય તો ભારત અન્યાય કરે છે તેનો ગોકીરો બોલાવે છે!, પરંતુ તેઓ ભારત સરકારના કોઈ કરવેરા ભરે છે ખરા? આવકવેરો કે અન્ય કર ભરવામાં આવે છે? એક્સાઈઝ કે અન્ય વેરા કાશ્મીરમાં કોઈ ભરે છે ખરા?

જમ્મુ-કાશ્મીરમાં ઈલેક્ટ્રિસીટીના બિલ કોઈ ભરતું નથી, ગેસ સિલિન્ડર તદ્દન રાહતના ભાવે પૂરાં પાડવામાં આવે છે, કેન્દ્ર સરકારને કરવેરાની કોઈ આવક થતી નથી- આ તમામનો સરવાળો એટલે જમ્મુ-કાશ્મીરની બરબાદી છે. ત્યાર બાદ સ્થાનિક યુવાનોને રાજકીય પક્ષો અને ખાસ કરીને હુર્રિયતના આગેવાનો બહેકાવી રહ્યા છે.

હુર્રિયતના નેતાઓ છેલ્લાં ૧૦-૧૫ વર્ષમાં અબજપતિ થઈ ગયા છે. તેમની પાસે આટલાં નાણાં ક્યાંથી આવ્યાં? જમ્મુ-કાશ્મીરમાં એવો કયો વેપાર-ઉદ્યોગ છે કે જેથી તેઓની પાસે અઢળક સંપતિ આવી ગઈ છે? આ બધા પાછળ અનુચ્છેદ-૩૭૦ની ઈજારાશાહી છે. બીજા કોઈને આવવા દેવા નથી અને તેમના હાથ નીચેથી જ પસાર થવું પડે છે. જેમાં લાંચ-રુશ્વત થકી જ પરવાનગી મળે છે.

શેખ અબ્દુલ્લા અને તેમના ત્યારબાદના વારસદારોએ જમ્મુ-કાશ્મીરને જે રીતે બેહાલ કર્યું છે તે જોતાં જાહેર ચર્ચાનો સમય પાકી ગયો છે, કારણ કે ૧૯૮૫થી કાશ્મીર ખીણમાં આતંકવાદની ઘટનામાં અંદાજે ૭૦ હજાર નાગરિકો-સુરક્ષા કર્મી અને લશ્કરના જવાનો, અધિકારીઓના મૃત્યુ થયાં છે, પરંતુ અબ્દુલ્લાઓને કોઈ જ વાંધો આવ્યો નથી. તેઓ શાસનમાં પણ છે- પૈસા બનાવે છે અને સુરક્ષા હેઠળ ફરી રહ્યા છે.

કાશ્મીર ખીણમાં હવે પૂરા ૫ હજાર હિન્દુ પંડિતો રહ્યા નથી. ત્યાં સુપ્રીમ કોર્ટની કોઈ "સીટ નીમવામાં આવી નથી તેમજ માનવ અધિકાર પંચ દ્વારા કોઈ તપાસ કરવામાં આવી નથી- આ સઘળું આર્ટિકલ-૩૭૦ના પાપને કારણે થયું છે. જ્યાં સુધી સમગ્ર ઈતિહાસ બહાર આવે નહીં ત્યાં સુધી આ ચર્ચા ચાલવી જોઈએ, કારણ કે હિન્દુ-મુસ્લિમ ભાગલા પાછળ આર્ટિકલ-૩૭૦ નો નોંધપાત્ર ફાળો છે.

કાશ્મીરી પંડિતોની અબજો રૂપિયાની પ્રોપર્ટી જમ્મુ-કાશ્મીરના લુચ્ચા રાજકારણીઓ હડપ કરી ગયા છે. આવા ચોર-ડાકુઓને આર્ટિકલ-૩૭૦ હેઠળ આરક્ષણ મળી રહ્યું છે. તેને નાબૂદ કરવાનો સમય ક્યારનોય પાકી ગયો છે. જમ્મુ-કાશ્મીરની લોકસભાની પાંચ બેઠકો પૈકી કોઈ બેઠક ભાજપને મળે નહીં તો પણ સત્યનો આગ્રહ રાખીને આર્ટિકલ ૩૭૦ નાબૂદ કરવાની વાતને આગળ કરવાની જરૂર છે.

જમ્મુ-કાશ્મીરમાં પ્રતિ વર્ષ અબજો રૂપિયાનો ખર્ચ સુરક્ષા દળોની જાળવણી માટે થઈ રહ્યો છે. ત્રાસવાદ છતાં એક ઇંચ જમીન કોઈ મેળવી શક્યું નથી. ભારત કોઈ પણ સંજોગોમાં જમ્મુ-કાશ્મીર મુદ્દે નમતું જોખવાનું નથી, કારણ કે ૧૯૪૭માં ધર્મના નામે એક વખત ભાગલા પડી ગયા છે તે ભૂલનું પુનરાવર્તન ગમે તેવી પરિસ્થિતિમાં પણ હવે શક્ય બનવાનું નથી.

મુખ્ય પ્રવાહમાં ભળી જવું તે એક જ શ્રેષ્ઠ વિકલ્પ છે. જમ્મુ ક્ષેત્રનો વિકાસ માતા વૈષ્ણોદેવી જતાં યાત્રાળુઓને કારણે થયો છે. પ્રતિ વર્ષ બે કરોડ યાત્રાળુઓ ત્યાં દર્શન માટે જાય છે. તેમના હોટલ, લોજ, ખાવા-પીવા અને ટ્રાન્સપોર્ટ પાછળ થતો ખર્ચ એ સ્થાનિક પ્રજાને માટે આવક બની રહે છે. છતાં અલગતાવાદી તત્ત્વો આવું અર્થશાસ્ત્ર સમજવા તૈયાર નથી.

એક ધર્મમાંથી બીજા ધર્મનો સ્વીકાર કેવી સમસ્યા પેદા કરે છે તેનું ઉદાહરણ જમ્મુ-કાશ્મીર-આર્ટિકલ-૩૭૦ છે. કોઈ જ રાજકીય પક્ષ આવી સ્પષ્ટ વાત કહેવાની તૈયારી રાખતો નથી. જમ્મુ-કાશ્મીરમાં જો ધર્મ બદલાયો નહીં હોત તો પાકિસ્તાનના ટેકેદારની સંખ્યા કેટલી હોત? કાશ્મીર ખીણમાંથી હિન્દુ પ્રજાનો સફાયો કોણે કરી નાખ્યો? આર્ટિકલ-૩૭૦ સુધી તેના મૂળ નીકળે છે.

અનુચ્છેદ ૩૭૦ની નાબૂદીથી કોનો ગરાસ લૂંટાઇ જવાનો છે?

બંધારણના અનુચ્છેદ-૩૭૦ હેઠળ જમ્મુ-કાશ્મીરને મળેલો વિશેષ દરજ્જો અને તેના ઐતિહાસિક કારણ હવે ચર્ચામાં આવ્યાં છે. કૉંગ્રેસ પક્ષ ભલે ચર્ચાનો ઈનકાર કરે, પરંતુ પ્રચાર માધ્યમો, ટીવી, રાજકીય પક્ષો અને પ્રજાના વિવિધ વર્ગમાં તેની ચર્ચા શરૂ થઈ ચૂકી છે. ચર્ચાથી પલાયનવાદી મનોવૃત્તિ ધરાવનારા હવે ખુલ્લા પડી રહ્યા છે.

હેબતાઈ ગયેલું અબ્દુલ્લા કુટુંબ ભરબજારે લાળા ચાવી રહ્યું છે! તેમનો ગરાસ લૂંટાઈ ગયો હોય તેવું હાલનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પ્રજા આજે પ્રશ્ર્ન પૂછે છે કે શેષ ભારત અને જમ્મુ-કાશ્મીર બન્ને અલગ અલગ કેમ જોવામાં આવે છે. જમ્મુ-કાશ્મીર એ ભારતનો અવિભાજ્ય હિસ્સો છે અને તેનો ઠરાવ સંસદમાં કરવામાં આવ્યો છે, આવે વખતે હવે અબ્દુલ્લા કુટુંબ પીછેહઠ કેમ કરી રહ્યું છે?

૧૯૪૭ના ઓક્ટોબર-નવેમ્બરમાં પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર હડપ કરી જવા જે આક્રમણ કર્યું હતું તે વખતની પરિસ્થિતિને આધીન ૧૯૫૦માં બંધારણમાં તે પ્રદેશને વિશેષ દરજ્જો આપવા નક્કી થયું હતું. કોઈ પણ બાબત કાયમી હોતી નથી. તેવી જ રીતે આવો દરજ્જો કાયમી નહોતો. ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો નહોતો છતાં તેવી બાબત કાયમી હતી તેમ આજે કહેવું તે અસ્વીકાર્ય બને તેવું છે.

કૉંગ્રેસ પક્ષ જવાબ આપી શકશે કે રાજાઓના સાલિયાણા નાબૂદ કર્યા તે વખતે સરદાર પટેલે રજવાડાઓને આપેલા વચનનો ભંગ નહોતો થયો? આ પ્રશ્ર્નનો ઉત્તર આપવા કેમ કોઈ આગળ આવતું નથી? માહિતી અને પ્રસારણમંત્રી મનીષ તિવારી તે વખતે જનમ્યા પણ નહોતા. તેઓ જે રીતે ૩૭૦ બાબતે વાત કરી રહ્યા છે તેના ઈતિહાસ-ભૂગોળની તેમને કશી જ જાણકારી નથી.

જમ્મુ-કાશ્મીર પ્રદેશમાં ૧૦૦ વર્ષ અગાઉ ૪,૫૦૦ શિવ મંદિરો હોવાનું બ્રિટિશ સરકારના રેકોર્ડમાં નોંધાયું છે. આજે માત્ર ૨૦ જેટલાં મંદિર છે. આ તમામ મંદિરો કાં તો તોડી નાખવામાં આવ્યાં છે અથવા તો ત્યાં મસ્જિદ બની છે. આવી હકીકતનો સ્વીકાર કરતાં દંભી સેક્યુલારિસ્ટ કેમ ગભરાય છે? તેઓ તદ્દન ભળતી જ દલીલ કરી રહ્યા છે.

ખૈબરઘાટના રસ્તેથી આવેલાં યવન આક્રમણોનું સૌપ્રથમ ભોગ તો કાશ્મીર બનતું હતું. કુદરતી સંપત્તિ અને બુદ્ધિપ્રધાન આધ્યાત્મિકતા ધરાવતા કાશ્મીરી પંડિતોને કારણે તે પ્રદેશ વિશ્ર્વવિખ્યાત બન્યો હતો. કાશ્મીરના મહારાજા દર પૂનમે ખીણ વિસ્તારનાં પુષ્પો સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલા સોમનાથ મંદિરમાં અર્પણ કરવા ખાસ ખેપિયા મોકલતા હોવાનું પણ ઈતિહાસમાં નોંધાયેલું છે.

આર્ય સંસ્કૃતિ સાથે જોડાયેલા કાશ્મીરમાં ધર્માંતરની પ્રક્રિયા છેલ્લાં ૧ હજાર વર્ષમાં થવા છતાં કેટલાક હજાર કાશ્મીરી પંડિતો બચી શક્યા હતા, પરંતુ આજે હવે તેઓ ટકી શકે તેવું રહ્યું નથી તેનું એકમાત્ર કારણ અનુચ્છેદ - ૩૭૦ છે જે કોઈ એક ચોક્કસ વર્ગને જ આરક્ષણ પૂરું પાડે છે. જમ્મુ-કાશ્મીરના લોકો પણ હવે તે વાતનો સ્વીકાર કરી રહ્યા છે.

કાશ્મીરી પંડિતો શિક્ષિત અને બુદ્ધિશાળી હોવાથી તેમનો વિદેશમાં પણ નોંધપાત્ર વસવાટ છે, તેઓ મૂડીરોકાણ કરીને રોજગારી વધારી શકવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ અનુચ્છેદ-૩૭૦ નડતરરૂપ બને છે. તેમના ભાગીદાર તરીકે કોઈ ભારતીય આવી શકતો નથી. આવું વિશ્ર્વના કયા દેશમાં છે? કૉંગ્રેસ પક્ષના નેતૃત્વએે આ બાબતે સ્પષ્ટ અને તર્કબદ્ધ જવાબ આપવાની જરૂર છે.

મનીષ તિવારી અને કપિલ સિબ્બલ કે ફારૂખ અબ્દુલ્લા આ બાબતે જવાબ આપવાની ક્ષમતા ધરાવતા નથી. ભારતની પ્રજા એક જ પ્રશ્ર્ન પૂછે છે કે કરવેરાના પૈસા ભરનારા કરદાતાઓનાં નાણાંનો વ્યય કાશ્મીરમાં થાય છે તે માટે કોની જવાબદારી? ફારુખ અબ્દુલ્લા અને તેમના નજીકના કુટુંબીઓના હાથમાં અબજો રૂપિયાની પ્રોપર્ટી કઈ રીતે એકત્ર થઈ છે? તેઓ ભારતને તો એક પૈસાનો ટેક્સ ભરતા નથી.

ખાવું ભારતનું અને વફાદારી પાકિસ્તાન સાથે એ વાત હવે ચાલવાની નથી. ભારત જાગી ઊઠ્યું છે. પ્રજા અને યુવાનો જાગી ગયા છે. વિશેષ અધિકારને નામે બન્ને હાથમાં લાડવો માગનારા સીધી રીતે મુખ્ય પ્રવાહમાં ભળી જાય તે ખુદના હિતમાં છે. પાકિસ્તાન પણ હવે કંઈ કરી શકવાનું નથી. ત્રણ વાર યુદ્ધ કરવા છતાં પાકિસ્તાન કાશ્મીરને લઈ શક્યું નથી.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને સંજોગો જોઈને નિર્ણય થવો જોઈએ કે હવે અનુચ્છેદ - ૩૭૦ની આવશ્યકતા છે ખરી? યુરોપમાં બે જર્મની એક થઈ ગયા - પ્રથમ અને બીજા વિશ્ર્વયુદ્ધના ઐતિહાસિક કારણ આજે ભૂતકાળ બની ગયાં છે તેવે વખતે હવે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો શા માટે અને કોના કલ્યાણ અર્થે છે?

જમ્મુ-કાશ્મીરની પ્રજા મુખ્ય પ્રવાહમાં ભળી જવા તૈયાર છે. ૭૦ ટકા લોકો રાજી છે - ૧૦ ટકા આડા ચાલે છે અને ૨૦ ટકા વાડ પર બેઠા છે. આવા ૧૦ ટકામાં અબ્દુલ્લા કુટુંબ અને તેમના મળતિયા છે, જે બાબત ૧૯૪૭માં બની હતી તે વર્ષ ૨૦૧૩માં સમય બહારની ગણાય - અનુચ્છેદ ૩૭૦નું પણ તેવું જ છે.

No comments:

Post a Comment