Friday, December 20, 2013

મુઝફ્ફર હુસેન - શાકાહારનો જયજયકાર

 
 મુઝફ્ફર હુસેન

શાકાહારનો જયજયકાર

આ સૃષ્ટિના રચયિતાએ દુનિયાની દરેક વસ્તુને અચ્છાઇ અને બૂરાઇ સાથે જોડી દીધી છે. જોકે, માનવ એની શ્રેષ્ઠ કૃતિ છે માટે બુદ્ધિ આપીને એને અધિકાર આપ્યો છે કે એણે કોની પસંદગી કરવી અને કોનાથી દૂર રહેવું. માનવ પોતાના સતત ઉપયોગ તેમ જ પ્રયોગથી કોઇપણ વસ્તુના લાભ અને નુકસાનને સમજવામાં સફળ રહે છે. તેમ છતાં પોતાના સ્વભાવનુસાર એ હઠીલો બનીને પોતાની પેલી ખામીને વારંવાર ફરીથી કરે છે.

માંસાહાર પણ એક એવી વૃત્તિ છે જેનો એ અજાણતાં જ શિકાર બને છે, પરંતુ દુનિયાનો કોઇ પણ માણસ હોય ક્યારેક ને કયારેક એને એ વિચાર જરૂર સતાવે છે કે જે હાંડ-માંસનો એ બનેલો છે, એના જેવો જ બનેલ કોઇ જીવ શું એટલા માટે અસ્તિત્વમાં આવ્યો છે કે એને એ ગળી જાય અને પોતાના જઠરાગ્નિનું એને સાધન બનાવે? જો આજે એ કોઇને ગળે છે તો ભવિષ્યમાં એને પણ કોઇ ગળવાવાળું મળી જશે? માટે એક દિવસમાં આ સુવિચાર જરૂર જન્મ લે છે કે હું જે રીતે જીવવા માગું છું એ રીતે સામેવાળો પણ જીવવાનો અધિકાર ધરાવે છે, જેને હું મારો કોળિયો બનાવવા જાઉં છું. આ સુવિચારે એ શું ખાય અને શું ન ખાય એને ધર્મદર્શન અને નીતિશાસ્ત્રથી જોડી દીધો છે, જ્યારે એનામાં ચિંતનનો પ્રવાહ વહેવા માંડ્યો ત્યારે એને પોતાના કરેલા પર પશ્ર્ચાતાપ થવા લાગ્યો. આ એજ બિંદુ હતું જ્યાં એણે વિચારવાનું શરૂ કર્યું કે શું જીવવા માટે માંસના લોચા જ જરૂરી છે? એ કુદરતના સાંનિધ્યમાં ઉત્પન્ન થનાર અનંત વસ્તુનો ઉપભોગ કરીને પોતાનું જીવન ન જીવી શકે? એના આ ચિંતને એને શાકાહાર તરફ વાળ્યો. આ ઉક્ત વિચાર ફક્ત એક દેશ અને એક ધર્મના અનુયાયીઓમાં જ નથી જન્મ્યો, પણ આખા વિશ્ર્વમાં વિચારનો આ પ્રવાહ દોડવા લાગ્યો છે, જેનું પરિણામ એ આવ્યું કે એક-બે દેશ નહીં પરંતુ દુનિયાના અનેક વિભાગોમાં શાકાહાર પર વિચાર થવા લાગ્યો. અહિંસા સાથે સંકળાયેલા ધર્મોએ એને વિચાર કરવા પર મજબૂર કર્યો. સમયની સાથે જ્ઞાન અને વિજ્ઞાનની સરિતા પણ પ્રવાહિત થવા લાગી જેણે એના અહિંસાવાદી વિચારોને સમર્થન આપ્યું, જે કારણસર સદીઓથી એ માંસાહારી હતો જો અત્યારે એ હાજર નથી તો પછી આ પાપનું પોટલું પોતાના માથે શા માટે રાખે? માણસનું ભોજન તો પોતાને જીવિત રહેવા માટે અનિવાર્ય છે, ના કે પરમેશ્ર્વરે બનાવેલ દુનિયાને ગળવા માટે. એનું આ સતત ચિંતન ચાલુ છે માટે એણે શાકાહારી બનવાનો સંકલ્પ લીધો છે. ૨૧મી સદી સુધી આ યુદ્ધ ચાલુ રહેશે, પરંતુ ૨૨મી સદીમાં કોઇ પોતાને માંસાહારી કહેનારું મળશે તો એ એક આશ્ર્ચર્યચકિત ઉદાહરણ હશે? જ્યારે દુનિયા બની હતી ત્યારે આદમે સફરજન જ ખાધું હતું. કોઇ પશુ-પક્ષીનું ભક્ષણ નહોતું કર્યું. માટે કુદરત એને ફરીથી એ જ કહેશે કે તું જ્યાંથી ચાલ્યો હતો ત્યાં ફરી પાછો વળી જા નહીં તો તારા અસ્તિત્વના સામે પ્રશ્ર્નાર્થ લાગવામાં સમય નહીં લાગે?

આને આંકડામાં જણાવવું હોય તો વનસ્પતિ ૧:૧૦૦૦ના દરે વધે છે, જ્યારે કે ખાવા યોગ્ય પશુ-પક્ષીના દર ૧:૧૦થી વધુ નથી. કરોડોમાં ઉત્પન્ન થતાં કીડા-મકોડાનો કોઇ સંદર્ભ આપે તો આ વાત સભ્ય દુનિયાનો માણસ નહીં કરી શકે. વન અને વનસ્પતિની સરખામણીએ પશુ-પક્ષી જે ઝડપથી ઘટી રહ્યાં છે એને જોતાં માંસાહારીએ વિચાર કરવો પડશે કે એમની આવનાર કાલ કેટલી ભયાનક હશે? જંગલને જે ઝડપથી કુદરત મોટાં કરે છે એ ગતિ પશુ-પક્ષીને ઉત્પન્ન કરવામાં નથી થઇ શકતી. જો કોઇ કૃત્રિમ રીતે હાઇબ્રીડ પશુ-પક્ષીનું માંસ તૈયાર કરે તો પણ વૈજ્ઞાનિક તેમ જ પાકૃતિક રીતે અસંભવ છે. માટે ૨૧મી સદીનો માનવી જાગરૂક થઇને આ પ્રકારનું આંદોલન ચલાવી રહ્યો છે, જેનાથી દુનિયા શાકાહાર તરફ વળે. નવેમ્બરનો મહિનો વિશ્ર્વ શાકાહારી મહિનો મનાવવાની પરંપરા શરૂ છે. પહેલી નવેમ્બરના દિવસને ‘વિશ્ર્વ શાકાહારી દિવસ’ તરીકે ઊજવવામાં આવ્યો હતો. એ સિવાય ફાર્મ એનિમલ રાઇટ્સ આંદોલનમાં દર વર્ષે ૨૦મી માર્ચે મીટ આઉટ ડે મનાવવામાં આવે છે. અમેરિકામાં મીટલેસ સંડેનું ચલણ વધ્યું છે. એટલે કે રવિવારે ફક્ત શાકાહારી ભોજન.

અમુક લોકો એમ માની બેઠાં છે કે શાકાહારીનો ક્ટ્ટર રક્ષક ફક્ત ભારત જ છે. ભારતીય પરંપરા અને જ્ઞાનવિજ્ઞાન અગાઉથી જ સાત્વિક હોવાને કારણે માંસાહારથી દૂર રહ્યાં હતાં. ભારતના પ્રાચીન ધર્મોએ શાકાહારનો પ્રચાર કર્યો છે અને મનુષ્ય સમાજ માટે એને અત્યંત અનિવાર્ય ગણ્યો છે, પરંતુ એનો અર્થ એ નથી કે અન્ય દેશની સંસ્કૃતિઓમાં પણ આના પર વિચાર નથી થયો. ગ્રીકના વિશ્ર્વવિખ્યાત ગણિતશાસ્ત્રી તેમ જ દાર્શનિક પાયથાગોરસે ઇસાની છઠ્ઠી શતાબ્દી અગાઉ શાકાહારનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. બેબીલોન અને ઇજિપ્તની પ્રાચીન સભ્યતામાં પણ શાકાહારની પ્રવૃત્તિ જોવામાં આવી છે. ઇસાથી ૩૨૦૦ વર્ષ પૂર્વે ઇજિપ્તમાં કેટલાય એવા ધાર્મિક સમૂહો હતા જે માંસાહાર નહોતા કરતા. અનેક પ્રાચીન ઇસાઇ સંત ક્લિમેન્ટ, એલેક્જેંડિયા અને જોન ક્રિસાસ્ટમ સંપૂર્ણપણે શાકાહારી હતા. રેવેંડ વિલિયમ કાર્વડે સન ૧૮૦૯માં ધ બાઇબલ ક્રિશ્ર્ચિયન ચર્ચની સ્થાપના ફક્ત શાકાહારના પ્રચાર-પ્રસાર માટે કરી હતી.

શાકાહાર ના તો કોઇ આંદોલન છે અને ના તો કોઇ વાદવિવાદ અથવા વિચારધારા. આ તો સહજ રીતે મનુષ્યે અપનાવેલ વૃત્તિ છે. માટે જ્યારથી માણસ આ ધરતી પર આવ્યો છે એણે પોતાના ઉદરપૂર્તિ માટે કુદરતની આ અમૂલ્ય ભેટનો ઉપયોગ કર્યો છે. એણે ખેતીને વિકસાવીને આ વિસ્તારને એટલો ધનધાન્ય બનાવ્યો કે ધરતીમાતા એના માટે અન્નદાતા બની ગઇ. માટે ભારતમાં નવો પાક આવતાંની સાથે અનેક તહેવારોને ઊજવવાની પરંપરા શરૂ થઇ છે. શાકાહારી પદાર્થ આ તહેવારોના સૂચક બન્યા છે. શાકાહાર માનવ સમાજના મોટા ભાગને પોતાની મુઠ્ઠીમાં દબાવીને બેઠો છે, માટે આપણે જોઇએ છીએ કે, વિશ્ર્વના ખૂણે ખૂણે એનું સામ્રાજ્ય છે. એને કારણે ખાનપાનની દુનિયામાં જે સહજતા, સરલતા અને સર્વમાન્યતા શાકાહારી પદાર્થોની છે એ બીજા કોઇની ન હોઇ શકે. ધર્મના આધારે બનેલા સમાજમાં ભલે માંસાહારનું ચલણ હોય, પરંતુ ઉસના તહેવાર અને શુભ અવસરે તો ફક્ત અને ફક્ત શાકાહારી પદાર્થોની જ બોલબાલા નજરે ચઢે છે. ઇસ્લામમાં ઇદનો તહેવાર હોય કે પછી પોતાના પ્રિયજનના મોત પછીના આદરાંજલિના કાર્યક્રમમાં આપણે જોઇએ છીએ કે ખીર અને ક્ષીરખૂરમાનું જ વર્ચસ્વ હોય છે. રમજાનના દરેક ઉપવાસનો અંત ખજૂર અથવા કોઇ અન્ય ફળ દ્વારા જ કરવામાં આવે છે, માંસથી નહીં. અજમેરના ખ્વાજા સાહેબની દરગાહમાં માનતામાં પકવાતી નાની અને મોટી દેગડો ફક્ત શાકાહારી પદાર્થની જ કેમ હોય છે? એશિયામાં જ્યારે સભ્યતા અવિકસિત હતી ત્યારે માણસ માંસાહારી બન્યો તો સાથે જ ધર્મો અને વિભિન્ન દર્શનોની ભૂમિ પણ એશિયા જ રહ્યું છે માટે એનું આ ભોજન કેટલું લાભકારક અને કેટલું હાનિકારક છે એનું ચિંતન પણ અહીંથી શરૂ થયું. માટે શાકાહારનો પ્રથમ સંદેશ એશિયાથી આખા વિશ્ર્વમાં ગૂંજ્યો અને સમયની સાથે દુનિયાના અન્ય મહાદ્વીપોમાં પહોંચ્યો.

સન ૨૦૧૦માં ચીનના વડા પ્રધાને પર્યાવરણ સુરક્ષાની દૃષ્ટિએ અઠવાડિયામાં એક દિવસ શાકાહારનું સૂત્ર આપ્યું. તાઇવાનમાં શાકાહારીઓની સંખ્યા લાખોમાં છે. સન ૨૦૦૬ પછી ચીનમાં પશુ સંરક્ષણ તેમ જ ક્રૂરતાની વિરુદ્ધ આંદોલન શરૂ થઇ ગયું. આ શતાબ્દીની પહેલી ડિસેમ્બરે રશિયન વેજિટેરિયન સોસાયટીએ પીટસબર્ગમાં પોતાની સ્થાપનાની શતાબ્દી મનાવી. ૧૯૮૮ પછી રશિયામાં ૧૦૮ શાકાહાર કલબની સ્થાપના થઇ છે. દર વર્ષે ૨૨થી ૨૮ જુલાઇ સુધી રશિયાનાં અનેક નગરોમાં આંતરરાષ્ટ્રીય વેજ ઉત્સવનું આયોજન ધામધૂમથી થાય છે. ન્યૂ ઝીલેન્ડમાં વેજિટેરિયન સોસાયટીની સ્થાપના ૧૯૪૩માં થઇ. રાજધાની ઑકલેન્ડમાં એમની પોતાની ઓનલાઇન શોપ પણ છે. અત્યાર સુધી ત્યાંની ભાષામાં એ લોકો શાકાહાર પર બે હજાર પુસ્તકો પ્રકાશિત કરી ચૂક્યા છે. ન્યૂ ઝીલેન્ડમાં રહેનારાને માવરીની ભાષામાં ઓક ગાય કહેવામાં આવે છે. ૧૯૦૮માં આંતરરાષ્ટ્રીય શાકાહાર યુનિયન(આઇવીવી)નો ઉદય થયો સન ૨૦૧૩માં આઇવીવી વર્લ્ડ વેજ ફેસ્ટિવલ મલેશિયામાં સમ્પન્ન થયો. દુનિયાનો દરેક પ્રગતિશીલ સમાજ પોતાને શાકાહારી ગણાવવામાં અભિમાન અનુભવે છે એ ભાવના જ આ આંદોલનની સફળતાનું સો ટકાનું પ્રમાણ છે.

No comments:

Post a Comment