Friday, December 20, 2013

Editorial. M S. સ્વિસ બૅન્કમાં પડેલાં નાણાનો રૂટ હવે બદલાશે


સ્વિસ બૅન્કમાં પડેલાં નાણાનો રૂટ હવે બદલાશે

ભારત જેવા દેશને લાભની વાત બને તેવા સમાચાર છે. સ્વિસ બેન્કમાં પડેલી રકમની જાણકારી કરવેરાના સંદર્ભે હવેથી અન્ય રાષ્ટ્રને પૂરી પાડવા તેમ જ તેની વહીવટી સુગમતા માટેની ભૂમિકા સ્વિસ બૅન્ક તૈયાર કરશે. સ્વિસ બૅન્કો સામે જગતભરમાંથી દબાણ વધી રહ્યું હતું કે તેઓ અન્યને માહિતી આપતા નથી તે આપવી જોઈએ. આ અંગે ઘણી ચર્ચા-વિચારણા થઈ અને કાનૂની અવઢવ પણ હતી.

સ્વિસ ફેડરલ ઓથોરિટી કે જે સ્વિટ્ઝરલેન્ડની સૌથી ટોચની નિર્ણય લેનારી સત્તા છે, તેના દ્વારા પણ તે વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે હવેથી વિશ્ર્વના દરેક રાષ્ટ્રને આવી માહિતી પૂરી પાડવામાં આવે. સ્વિસ બૅન્કોમાં પડેલાં નાણાં વિશ્ર્વની ગરીબ પ્રજાના છે અને ત્યાં એટલી સંવેદના છે કે આવી વાતને સાંભળીને યોગ્ય નિર્ણય થયો છે.

ભારતના વિવિધ રાજકીય પક્ષોએ પણ સ્વિસ બૅન્કમાં પડેલાં નાણાં પરત લાવવાં ઘણી રજૂઆત અને માગણી કરી હતી. તે સિવાય ચીન - ફિલીપાઈન્સ - પાકિસ્તાન - બંગ્લાદેશ અને આફ્રિકાના ઘણાં રાષ્ટ્રોએ પણ સ્વિસ બૅન્કમાં તેમના રાજકારણીઓ અને ભ્રષ્ટ અધિકારીઓના નાણાં હોવાનો દાવો કર્યો હતો. સ્વિસ બૅન્કો દ્વારા વર્ષોથી આવાં નાણાંની ‘રખેવાળી’ કરવામાં આવતી હતી.

જોકે કદી પણ આ મુદ્દે કોઈ કામગીરી થઈ નહોતી. કારણ કે દરેકના સ્થાપિત હિત હોય છે. કોને પોતાનો વેપાર - ધંધો ઓછો થાય તેમાં રસ હોય? વળી દરેક લોકશાહી રાષ્ટ્રના શાસકો ભ્રષ્ટ હોય છે. તેમની સાથે કામ કરનારા અધિકારીઓ પણ તેમને જ અનુસરતા હોય છે. આ રીતે સમગ્ર બાબત ગૂંચવાડાભરી બની હતી. તેનો કોઈ ઉકેલ દેખાતો નહોતો.

સ્વિસ બૅન્કમાં પડેલી રકમનો કોઈ ચોક્કસ અંદાજ મળવો મુશ્કેલ હતો. ભારતની રકમ માટે ઘણા અતિશયોક્તિભર્યા દાવા થતા હતા. ભારતને ૩૦ વર્ષ સુધી કોઈ કરવેરા લાદવા ન પડે તેટલી રકમ હોવાનો અંદાજ હતો. કોઈ એમ કહેતું હતું કે શૈક્ષણિક સંસ્થા અને હોસ્પિટલો સમગ્ર દેશમાં બાંધી શકાય તેટલી મોટી આ રકમ સ્વિસ બૅન્કમાં પડેલી છે.

માત્ર અનુમાન આધારિત આ બાબત છે. છતાં આ રકમ વર્ષોથી ત્યાં છે એટલે ખાસ્સી મોટી હોઈ શકે છે. હવે મુદ્દો તેમાં કર ભરવામાં આવ્યો નથી એટલે જે-તે રાષ્ટ્રનો તેના પર અધિકાર છે તે સ્થાપિત કરવાની પ્રક્રિયાને સહજ બનાવી દેવામાં આવી છે. આવી રીતે આ રકમ પર જે-તે રાષ્ટ્રનો અધિકાર સાબિત કરે છે. જે ત્યાંની પ્રજાના કલ્યાણ અને સુખાકારી માટે વાપરવી જોઈએ.

આજે વિશ્ર્વ બે ભાગમાં વિભાજિત છે તેનું કારણ આવી સ્વિસ બેન્કની સંપત્તિ છે. ગરીબ અને શ્રીમંત એમ બે ભાગ પડી ગયા છે અને તેનાથી વિશ્ર્વશાંતિ સામે જોખમ ઊભું થયું છે. યુરોપ તેની ટેકનોલોજી અને ઔદ્યોગિક સંપત્તિને કારણે શ્રીમંત બન્યું છે, જયારે ખેતી આધારિત રાષ્ટ્રો સંગઠિત 

અને મજબૂત નહીં હોવાથી શોષિત રહ્યાં છે. તેમના નાણા આવી સ્વિસ બૅન્કમાં છે.

આફ્રિકા અને એશિયાનાં અનેક રાષ્ટ્રના નાણાં માત્ર સ્વિસ બૅન્કમાં નથી પરંતુ યુરોપના ઘણાં રાષ્ટ્રોમાં આવી રીતે નાણાં પડેલાં છે. તેમાં બ્રિટન - જર્મની અને ઈંગ્લિશ આઈલેન્ડ જેવા ટચુકડા રાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. જોકે બહુ ઊંડાણથી વિશ્ર્લેષણ કરવામાં આવે તો કેટલાક રાષ્ટ્રોની કરવેરા નીતિ પણ આવી વિદેશી થાપણ માટે જવાબદાર બને છે.

કરચોરી - કાળાં નાણાં અને વિદેશી બૅન્કની થાપણને આ તમામ બાબત સાથે સીધો સંબંધ છે. જો કરવેરાના પ્રમાણ ઓછા કરી નાખવામાં આવે અને સરકારી ખર્ચા ઓછા થાય તો સ્વિસ બૅન્કનો કારોબાર નબળો પડી જાય. પરંતુ કદી આવી કામગીરી લોકશાહી રાષ્ટ્રમાં થવાની નથી, કારણ કે દરેકના સ્થાપિત હિત તેમાં છે.

ભારતમાં સ્વિસ બૅન્કની શાખા ખોલવાની પરવાનગી છેલ્લાં પાંચ વર્ષોથી આપવામાં આવી નથી. કારણ સ્પષ્ટ છે, અહીંથી રકમ ત્યાં ટ્રાન્સફર કરવી અતિ સરળ બાબત બની જાય તેવું છે. આથી તો સ્વિસ બૅન્કની એક પણ બ્રાન્ચ માટે અરજી મંજૂર થઈ નથી. આ બાબતે હવે ખુદ સ્વિસ બૅન્ક સત્તાવાળાઓએ જ વિચારણા કરવી રહી કે આવું કેમ બને છે.

દરેક બાબતને હવે તો વૈશ્ર્વિક સ્તરે પણ માનવ કલ્યાણ અને પ્રજાના અધિકારના દૃષ્ટિકોણથી મૂલવવામાં આવે છે. બીજા વિશ્ર્વયુદ્ધ બાદ તદ્દન નાની વ્યક્તિની સુખાકારી અને કલ્યાણના નવા આધાર વિકસ્યા છે. આવે વખતે જો સમૃદ્ધ રાષ્ટ્ર અન્યની લાગણી માટે કોઈ ખેવના નહીં રાખે તો કોઈ અર્થ રહેવાનો નથી.

સ્વિસ બૅન્ક દ્વારા થયેલો નિર્ણય ખૂબ જ ઉચિત છે. હવે ભારત સરકારે તે મુદ્દે સત્તાવાર રીતે પત્ર લખીને કેટલી રકમ પડી છે અને તેના પર કરવેરા વસૂલ કરવાના બાકી છે તેને આધાર બનાવીને કાર્યવાહી શરૂ કરવી જોઈએ. આ બાબતે ખૂબ વિલંબ થયો છે. તદ્દન મામુલી રકમ પણ ભારતની બેન્કિંગ સિસ્ટમમાં આવશે તો તે લાખની પાણ બની રહેશે.

No comments:

Post a Comment