Friday, December 20, 2013

અંકિતા પટેલ - બાળકો ઝંખે છે તમારો સહકાર

અંકિતા પટેલ
બાળકો ઝંખે છે તમારો સહકાર

કહેવાય છે કે બાળકો ફૂલની જેવાં કોમળ હૃદયનાં હોય છે. એને જેમ વાળો એમ એ વળે છે. તેઓ પોતાની લાગણીથી અજાણ હોય છે. માટે પોતાના ગુસ્સા પર કાબૂ નથી મેળવી શકતા. જો માતા-પિતા એમની લાગણીને સમજી-વિચારીને એમની સાથે સંતુલિત વ્યવહાર કરે તો આ મુશ્કેલી પર આસાનીથી કાબૂ મેળવી શકાય છે.

ઘણી નાજુક હોય છે બાળકોની દુનિયા. એ લોકો નાની-નાની વાતમાં ઘણાં વહેલાં ખુશ થઈ જાય છે, પરંતુ જો એમની ઈચ્છાને પૂરી કરવામાં ન આવે તો એ પાછાં રિસાઈ પણ વહેલા જાય છે. જેમ જેમ એમની ઉંમર વધતી જાય છે તેમ તેમ તેઓ પોતાની લાગણીને નિયંત્રણમાં રાખતાં શીખવા માંડે છે. પણ ગુસ્સો એક એવી સહેજ અભિવ્યક્તિ છે કે એના પર એમનું નિયંત્રણ રહેતું નથી, જેને કારણે ફક્ત બાળકો જ નહીં, પરંતુ માતા-પિતાએ પણ હેરાન થવું પડે છે.

ક્યાં છે સમસ્યાનાં મૂળ

આપણે બાળકોની નાની-નાની વાતને ગંભીરતાથી નથી લેતા. નાનાં બાળકો જ્યારે કોઈ વાત પર રિસાઈ જાય તો આપણે એમને ધમકાવીને-ડરાવીને ચૂપ કરવાની કોશિશ કરીએ છીએ અથવા તો એની વાતને હસીને ટાળી દઈએ છીએ. આવું કરવું યોગ્ય નથી. આપણી જેમ જ બાળકોને પણ ગુસ્સો આવવો સ્વાભાવિક છે. એ એમની નકારાત્મક લાગણીને મનમાંથી બહાર કાઢવાનું એક સહજ માધ્યમ છે.

જ્યાં સુધી ઉદાસી અથવા નિરાશા જેવી નકારાત્મક લાગણી બાળકોના મનમાંથી બહાર નથી નીકળતી ત્યાં સુધી એ હેરાન-પરેશાન રહે છે.

ખાસ કરીને કોઈ અપ્રિય પરિસ્થિતિ અથવા એમની મરજી વિરુદ્ધ કરવામાં આવેલું કોઈ પણ કાર્ય બાળકને ગુસ્સો કરવા માટે ઘણું હોય છે. પછી ભલેને કોઈ મિત્રે એનું રમકડું ખેંચી લીધું હોય અથવા એનાં મોટા ભાઈ-બહેને એને પોતાનાં પુસ્તકોને હાથ ન લગાડવાની ના પાડી હોય કાં તો પછી મમ્મીએ એને ઘરમાંથી બહાર જવા રોકે. આવી નાની નાની વાતો પર બાળકોને તુરંત જ ગુસ્સો આવી જાય છે. એમની આવી બાળસહજ વૃત્તિ પર માતા-પિતાએ ઓવરરિએક્ટ ન કરવું જોઈએ, પણ એને પ્રેમથી સમજાવીને એનું ધ્યાન બીજી બાબતો પર દોરવાની કોશિશ કરવી જોઈએ. જેનાથી અમુક મિનિટમાં જ બાળકનો ગુસ્સો શાંત થઈ જાય અને એ એ પણ ભૂલી જાય કે એને કંઈ વાત પર ગુસ્સો આવ્યો હતો.

લાગણીને સમજો

જ્યારે એનો ગુસ્સો શાંત થઈ જાય ત્યારે એની પાસે એ બાબતે જરૂરથી વાત કરો અને સમજાવો કે એનાથી એમને કેટલું નુકસાન થઈ શકે છે.

ઉદાહરણ તરીકે જો એને કોઈ એવું મુશ્કેલ હોમવર્ક મળ્યું હોય જે પૂરું કરવામાં એને મુશ્કેલી નડતી હોય અને એ પોતાના પુસ્તકો ગુસ્સામાં ફેંકતો હોય તો એની પાસે જઈને એને પ્રેમથી સમજાવો કે આમ કરવાથી અને ગુસ્સો કરવાથી એની સમસ્યાનો હલ નહીં નીકળે. પછી તમે એની સાથે બેસીને એનું હોમવર્ક પૂરું કરવામાં એની મદદ કરો. ત્યાર પછી તમે એને સમસ્યાનો હલ શોધવા માટે પ્રેરણા આપો, જેથી કરીને એ ફરી કોઈવાર એવી પરિસ્થિતિમાં ગુસ્સો થવાને બદલે એ સમસ્યાનો હલ શોધવા લાગે. એને એ પણ જણાવો કે બાળપણમાં જ્યારે પણ તમને ગુસ્સો આવતો તો તમે એને કઈ રીતે ક્ધટ્રોલમાં લેતા-કરતા. જેનાથી એ ગુસ્સાની સ્થિતિને વ્યવહારિક રીતે સમજશે અને એના માટે આ એન્ગર મેનેજમેન્ટ ઘણું સરળ બની રહેશે.

ગુસ્સાને ઓળખો

ઘણીવાર બાળકો કોઈ વાત પર અચાનક રિસાઈ જાય છે તો ક્યારેક ધીમે-ધીમે એમના મનમાં ચિડિયાપણું અને ગુસ્સાની ભાવના પ્રબળ બને છે. માટે બાળકોને પોતાની લાગણી વિશે જાગૃત કરો. એનાથી એમને ગુસ્સે કરનાર લાગણીને ઓળખીને એને દૂર કરવામાં મદદ થશે. તમે પોતાનાં બાળકો સાથે નિરાંતે બેસીને વાતચીત કરવા માટે જરૂરથી સમય ફાળવો.

દરમિયાન એની સાથે પોતાની લાગણીને શેર કરો. જ્યારે પણ તમે પોતાને માટે સારું ફિલ કરો અથવા તો તમારો મૂડ ઓફ હોય તો એ વિશે તમારા બાળક સાથે ખુલ્લાદિલે ચર્ચા કરો. તમે એને એ સમજાવો કે કોઈ પણ માણસનો મૂડ કાયમ એકસરખો રહેતો નથી. ગુસ્સાનાં કારણનું બારીકાઈથી વિશ્ર્લેષણ કરે અને એનાં લક્ષણોને ઓળખીને એને દૂર કરવો એ પણ એક રોચક અનુભવ છે.

તમે એને એમ જણાવો કે ગુસ્સામાં કઈ રીતે માણસના શ્ર્વાસોશ્ર્વાસની ગતિ વધી જાય છે અને અવાજ ઊંચો થાય છે.

બાળકને પૂછો કે જ્યારે પણ એને ગુસ્સો આવે ત્યારે શું એ પણ એવું જ અનુભવે છે? એને સમજાવો કે ફરી વખત જ્યારે ગુસ્સો આવે ત્યારે જોરથી બરાડા પાડીને ન બોલે અને ધીરે-ધીરે ઊંડા શ્ર્વાસ લે. જેનાથી વહેલી તકે એનો ગુસ્સો શાંત થઈ જશે.

જ્યારે એ પોતાના ગુસ્સાનું ખરું કારણ અને લક્ષણોને ઓળખવા લાગશે તો એને માટે એને હેન્ડલ કરવો ઘણો સરળ બનશે.

તમે એને એમ પણ સમજાવો કે ગુસ્સાને મનમાં ને મનમાં દબાવી રાખવો પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને સારું નથી. એના થકી ચિડિયાપણું અને માથાના દુ:ખાવાની સમસ્યા ઉદ્ભવે છે.

ગુસ્સાની અભિવ્યક્તિ જરૂરથી કરવી જોઈએ પરંતુ સંતુલિત રીતે કરવી જોઈએ. માટે જ્યારે પણ ગુસ્સો આવતો જણાય તો એને ક્ધટ્રોલમાં રાખવાની સાથે જ એ બીજાને પોતાની નારાજગીનો અનુભવ જરૂરથી કરાવે.

તક આપો?

જો ક્યારે એને ગુસ્સો આવે તો એણે એની પાસે એ ઈચ્છા ન રાખવી કે તમારા ફટકારથી એ તરત શાંત થઈ જશે, પરંતુ તમે એને શાંત થવાની તક આપો. તમે એને થોડીવાર માટે એકાંતમાં રહેવાની તક આપો. દરમિયાન એ જાતે વિચારશે કે એને ગુસ્સો કયા કારણસર આવી રહ્યો છે.

થોડીવાર પછી જ્યારે એનો મૂડ સારો થઈ જાય તો એને સમજાવો કે ગુસ્સાના માધ્યમ થકી આપણને સમસ્યાને ઓળખવામાં મદદ થાય છે, પણ એના થકી એનો હલ નથી શોધી શકાતો. એને માટે શાંત થવું જરૂરી છે.

તમે તમારાં બાળકને સમજાવો કે એ પોતાના મિત્રો અથવા ભાઈ-બહેનોની સાથે એવા અનુભવોની વહેંચણી કરે. એમની પાસે જાણવાની કોશિશ કરે કે જ્યારે પણ એને ગુસ્સો આવે ત્યારે એ સમસ્યા સાથે લડવા એ શું કરે છે? બીજાના અનુભવ પરથી પણ ઘણું શીખવાનું મળે છે.

જો બાળકો થોડાં મોટાં હોય તો એને ગુસ્સાને કાબૂમાં રાખવા માટેની ડાયરી બનાવવાનું જણાવો, જેમાં એ રાતે સૂવા પહેલાં એ લખવાની કોશિશ કરે કે આજે દિવસ આખામાં એને કેટલીવાર અને કંઈ બાબત પર ગુસ્સો આવ્યો હતો? પછી એને પોતાની આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે જણાવો. એને સમજાવો કે એને જે વાત પર ગુસ્સો આવે છે એને એ નજરઅંદાજ કરે. અથવા એની કોશિશ કરે.

દરરોજ પોતાની ડાયરીમાં જૂનાં પાનાંને ફેરવીને વર્તમાન સ્થિતિની સરખામણી કરે કે એના વ્યવહારમાં કોઈ સુધારો થયો કે નહીં? આના થકી એક-બે મહિનામાં જ એને જાતે સકારાત્મક ફેરફારનો અનુભવ થશે.

પોતાના મનમાં ડોકિયું કરો

બાળકોને કંઈ પણ શીખવવા પહેલાં એ ખાસ જરૂરી છે કે સૌ પ્રથમ આપણે ઈમાનદારીથી પોતાનું આત્મ મૂલ્યાંકન કરીએ. જે નિયમોનું આપણે જાતે પાલન કરતાં નહીં હોઈએ. એના માટે બાળકો પાસેથી કઈ રીતે આશા રાખી શકીએ?

જો માતા-પિતાને વાતવાતમાં ગુસ્સો આવતો હોય અને એ બાળકોને હંમેશાં શાંત રહેવાની શિખામણ આપતાં હોય તો એમના પર એની કોઈ અસર નહીં થાય માટે જરૂરી છે કે મુશ્કેલ અથવા વિકટ પરિસ્થિતિમાં તો જાતે શાંત રહેવાની કોશિશ કરો. સિવાય બાળકની કોઈ ભૂલ પર તમને ઘણો ગુસ્સો આવતો હોય તો એ સમયે બાળકની સામે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ના આપો અને જણાવો કે અત્યારે મારે તારી સાથે કોઈ વાત નથી કરવી એમ કહીને તમે બીજી રૂમમાં જતા રહો. પછી જ્યારે તમારો ગુસ્સો શાંત થાય તો એને સમજાવો કે એના ખોટા વ્યવહારથી તમને ઘણો ગુસ્સો આવતો હતો, છતાં પણ તમે પોતાની જાતને કંઈ રીતે સાચવી તે તમે એને ઈમાનદારીથી જણાવો કે એનો એવો વ્યવહાર તમને ઘણો હેરાન કરતો હતો. માટે એ સમયે તમે એની સાથે વાત નહોતા કરતા. જો તમે સતતના પ્રયાસથી પોતાના ગુસ્સા પર ક્ધટ્રોલ કરવાનું શીખી જાઓ તો બાળકોને પણ શીખવાડવું ઘણું સરળ બની જશે, જ્યારે તેઓ માતા-પિતાની પ્રતિકૂળ પરિસ્થિતિમાં સંયમ ભરેલો વ્યવહાર જોશો તો તે પણ પોતાના ગુસ્સા પર કાબૂ મેળવવાનું શીખી જશે.
Show less
1

No comments:

Post a Comment