કાળી છોકરીઓના પક્ષમાં!!
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી
હું કાળી સ્ત્રીઓનો તરફદાર છું. પચ્ચીસ વર્ષ પહેલાં એક નવલકથા લખી હતી, ‘પડઘા ડૂબી ગયા,’ જેમાં નાયિકા અલકા કાળી હતી. ગુજરાતીમાં એ જમાનામાં કાળી છોકરી વિશે કોઈ લખતું નહીં. છોકરી એટલે ગોરી જ હોય, મીણની પૂતળી ને એવું બધું! એ પાત્રે ઘણા સમીક્ષકોને હેરાન કર્યા હતા. સ્વ. મગનભાઈ દેસાઈ (પ્રભુ એમના આત્માને શાંતિ આપે!) જેવા ચુસ્ત ગાંધીવાદીએ લગભગ હિંસક રીતે લખ્યું હતું કે આવી કૃતિઓ કચરાના ઢગલા કે ટોપલીમાં ફેંકી દેવી જોઈએ, પણ એ પછી તો કળિયુગ આવી ગયો, કચરાની ટોપલી ફ્લાવરવાઝ કરતાં પણ વધારે ખૂબસૂરત બનવા લાગી!
હા, આપણે વાત કરતા હતા કાળી છોકરીઓની! ભારતનાં સમાચારપત્રોમાં પાત્ર-પાત્રી, લગ્નવિષયક, મેટ્રીમોનિયલ વગેરે કૉલમોમાં દરેક મુરતિયાને ગોરી કે ઊજળી છોકરીને જ પરણવું છે! કાળી છોકરી પસંદ નથી. આ જ વાત એક આફ્રિકન વિદ્યાર્થીએ મને જરા આવેશમાં કહી હતી. અને પછી કહ્યું હતું કે તમારે ત્યાં યુવાપેઢી પણ રંગદ્વેષથી ખદબદે છે! આપણા જવાનો પણ (વૃદ્ધોનો જમાનો જુદો હતો) રૂપાળી સ્ત્રીને જ પરણવા આટલા લાલાયિત શા માટે છે! રૂપ કોને કહેવું એ સૌનો પોતાનો વિષય છે, પણ દુનિયાભરમાં ગોરી સ્ત્રી ઠંડી, ઉદાસીન, ફ્રીજિડ છે અને કાળી અથવા ડાર્ક સ્ત્રી જીવંત, ધબકતી, વોર્મ ગણાય છે. એક વાર ગોરી સ્ત્રીઓ માટે ‘ધોવાયેલી લાશ જેવી સફેદ’ લખીને મેં ઘણી રૂપાળી દુશ્મની પેદા કરી હતી! પણ શાસ્ત્રે શું કહે છે? આપણા મહાન સંસ્કારપાત્રો અને ધર્મમૂર્તિઓનો રંગ કેવો હતો? ગોરો કે કાળો?
શ્યામાનો સામાન્ય અર્થ થાય છે કાળી! પણ મહાભારતમાં એક સ્થળે આદિપર્વમાં શ્યામની વ્યાખ્યા આપી છે: ‘તત્કાંચનવર્ણાભા સા સ્ત્રી શ્યામેતિ કથયતે!’ (જે સ્ત્રીની ચામડી સોનાની જેમ ચળકતી હોય એને શ્યામા કહેવાય.) કાલિદાસે ઈચ્છનીય અને ખૂબસૂરત સ્ત્રી માટે ‘તન્વી શ્યામા’ શબ્દ વાપર્યો છે. તન્વી એટલે પાતળી અને શ્યામા એટલે કાળી! પાતળી અને કાળી સ્ત્રી કાલિદાસની યુગસ્ત્રી હતી પણ કાલિદાસના સાહિત્ય પર મલ્લિનાથે ભાષ્ય લખ્યું છે એમાં શ્યામાનો અર્થ આ રીતે સમજાવ્યો છે: શ્યામા એટલે શિયાળામાં ગરમી અને ઉનાળામાં ઠંડી આપે એવી સ્ત્રી? બક અપ ફેર ગર્લ્સ!
કાલિદાસ ગોરા નહીં હોય એવું કમથી કમ એમના નામ પરથી લાગે છે. શિવ અને નારદ શ્ર્વેત હતા. ઈન્દ્ર અને બ્રહ્મા પીળા અથવા પીત હતા. દુર્ગાનો રંગ ધૂસર હતો. ઈતિહાસકાર અને પુરાતત્ત્વવિદ ડૉ. હસમુખ સાંકળિયાના મત પ્રમાણે રાવણ વર્ણે કાળો કે કાળાશ પડતો હતો.
યુધિષ્ઠિરના રંગ વિષે આદિપર્વના ચૈત્રરથ પર્વમાં ઉલ્લેખ મળે છે. દ્રૌપદીને સ્વયંવરમાં જીત્યા પછી યુધિષ્ઠિર નકુળ-સહદેવને લઈને ચાલ્યા જાય છે. ઓ અચ્યુત! કમળપત્ર જેવી આંખો, સિંહ જેવી ચાલ, લાંબા નાક અને ઊજળી ચામડીવાળા જે ગયા એ યુધિષ્ઠિર હતા! યુધિષ્ઠિર ગોરા હતા. સીતા અથવા જાનકી ધરતીમાંથી પ્રગટી હતી. ‘સીતા’નો અર્થ થાય સફેદ! પણ સીતાનો અર્થ ધરતીમાં કાપ મુકાય છે એ. જેને અંગ્રેજીમાં ‘ફેરો’ કહેવાય છે. જો એ સફેદ હોય તો જોડણી સિતા થાત, પણ લખાય છે સીતા! એ જનકપુરની હતી જે અત્યારે નેપાલમાં છે.
રામ કાળા હતા, લક્ષ્મણ પણ કાળા હતા.
કૃષ્ણ અથવા ઘનશ્યામ તો કાળા અથવા નીલ કે બ્લુ-બ્લેક હતા. એ વિષે કથા એવી છે કે કૃષ્ણના જન્મની પૂર્વે વિષ્ણુએ એમના શરીર પરથી એક કાળો વાળ દેવકીના ગર્ભાશયમાં મૂકી દીધો હતો એટલે કૃષ્ણ કાળા જન્મ્યા હતા!
મહાભારતના રચયિતા વ્યાસ પણ કાળા હતા અને એમનું નામ હતું, કૃષ્ણ દ્રૈપાયન! વ્યાસની માતા સત્યવતી યમુના નદી પર હોડી ચલાવતી હતી અને ઋષિ પરાશર એના મોહમાં પડેલા. સત્યવતીને કાલિ પણ કહેવાતી. સત્યવતીને પરાશરથી ગર્ભ રહ્યો અને યમુના નદીના એક દ્વીપ કે ટાપુ પર એણે વ્યાસને જન્મ આપ્યો માટે એ દ્વૈપાયન કહેવાયા. એ કાળા હતા માટે કૃષ્ણ દ્રૈપાયન.
એ યુગની સૌથી સ્વરૂપવાન સ્ત્રી હતી દ્રૌપદી અને એને લીધે જ મહાભારતનું પૂરું રામાયણ સર્જાયું હતું! દ્રૌપદી અને એનો ભાઈ ધૃષ્ટદ્યુમ્ન જન્મ્યાં હતાં એક યજ્ઞમાંથી, જે પિતા દ્રુપદે યોજેલો. એના જન્મ પર આકાશવાણી થઈ હતી જેમાં વર્ણન છે: કાળી ચામડીવાળી પાંચાલી, ઘેરા નીલ વાદળાના રંગના વાંકડિયા વાળ... લાવણ્યમયી, શ્રેષ્ઠોમાં શ્રેષ્ઠતમ અને કાળી ચામડીવાળી સૌંદર્યમૂર્તિ કૃષ્ણા...! બ્રાહ્મણો કહે છે આ છોકરીની ચામડી કાળી છે માટે એ કૃષ્ણા કહેવાશે દ્રૌપદી કાળી હતી.
અર્જુન પણ કાળા હતા.
૧૯૭૩માં બેંગલોરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જૂલૂસ નીકળેલું. એ વખતે કાર્યકરોએ કાળી ટોપીઓ પહેરેલી હતી. પત્રકારોએ પૂછ્યું કે કાળો રંગ શોકનો રંગ છે ત્યારે ગુરુજી ગોલવાલકરે કહ્યું હતું: ‘ખ્રિસ્તીઓ માટે કાળો રંગ શોકનો છે. હિન્દુઓ માટે નહીં! કૃષ્ણ કાળા હતા. પોતાના યુગની સૌથી સ્વરૂપવાન સ્ત્રી દ્રૌપદી કાળી હતી. આપણે બધા કાળા નથી? કાળાને આપણાં શાસ્ત્રોમાં સૌંદર્યનું સ્થાન આપવામાં આવ્યું છે. કઈ કઈ વસ્તુઓ કાળી કે નીલ છે! ચંદ્રનું ચિહ્ન, શનિ, રાજપટ્ટ, વિદૂરજ વિષ, આકાશ, શસ્ત્ર, યમ અને મોરનો કંઠ! પવિત્ર યમુના નદીનું પાણી કાળું છે, યમુના પણ યમની બહેન હતી.
અને હિંદુ ધર્મના સર્વશ્રેષ્ઠ નામ બધાં જ કાળી ચામડીવાળાં છે. રામ, લક્ષ્મણ, રાવણ, કૃષ્ણ, વ્યાસ, વાલ્મીકિ, અર્જુન, દ્રૌપદી, કાલિ...
સ્ત્રીની નાભિની ઉપરથી જે હલકી શ્યામ રોમરાજી ઊઠે છે એ સંસ્કૃતના કવિઓનો પ્રિય વિષય રહ્યો છે એવું વિદ્વાન શાસ્ત્રજ્ઞ હઝારીપ્રસાદ દ્વિવેદી લખે છે.
આ દેશ પર દ્રાવિડ સંસ્કૃતિની મૂળગામી અસર છે. વેદના કેટલાય દેવતાઓ દ્રવિડ છે એવું વિદ્વાનો કહે છે. આપણી કેટલીય દેવીઓ, કેટલીય મૂર્તિઓ, કેટલાય ભગવાન શ્યામ કે કાળા છે. આ દેશ ગોરાઓનો નથી. જો આપણા જવાનોને ગોરી છોકરીઓ માટે ભાવ હોય તો એ આરોપિત ભાવ છે, સંસ્કૃતિ પર આધારિત ભાવ નથી, એ પ્રમાણિત ભાવ નથી. મલ્લિનાથે કહ્યું એમ શ્યામા શિયાળામાં ગરમી અને ઉનાળામાં ઠંડી આપતી હોય તો ગોરીને કોણ પસંદ કરશે?
1
No comments:
Post a Comment