Friday, December 20, 2013

મુઝફ્ફર હુસેન - મહંમદઅલી ઝીણા: પાકના નાયક કે ખલનાયક?

 
મુઝફ્ફર હુસેન

મહંમદઅલી ઝીણા: પાકના નાયક કે ખલનાયક?

ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે ભારતના વિભાજન માટે જો કોઈ જવાબદાર હોય તો તે માત્ર ને માત્ર મહંમદઅલી ઝીણા છે. મુસ્લિમ લીગની સ્થાપના ૧૯૦૬માં ઢાકાના નવાબ સલીમુલ્લાહે કરી હતી, પરંતુ પાકિસ્તાન નિર્માણ માટે મિત્રને ઉપયોગ કરનાર એકમાત્ર કેવળ મહંમદઅલી ઝીણા હતા. બ્રિટિશ સત્તાધીશોએ પોતાના મનની મુરાદ પૂરી કરવા તેમને વિશ્ર્વાસપાત્ર બનાવ્યા હતા.

આજે પણ ઝીણા સાથે જોડાયેલી અનેક વાતો છે. જો આવા પાપ માટે માત્ર તેઓ એકલા જવાબદાર હોય તો પછી તત્કાલીન મુસ્લિમ સમાજે તેમને કાયદે આઝમની પદવી કેમ આપી હતી? તેમના જીવનના છેલ્લા દિવસો તો સમ્રાટ શાહજહાંથી પણ વધુ ખરાબ હતા. કરાચીમાં તેમની કબર વર્ષો સુધી અધૂરી રહી હતી. તેને પૂરી કરવામાં ૧૦ વર્ષ નીકળી ગયાં હતાં. પાકિસ્તાન સરકારને તે વખતે એક પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હતો તો જવાબમાં કહેવાયું હતું કે સિમેન્ટ ઉપલબ્ધ નથી!

ઝીણાની કબર પર બે સૈનિક મૂકવામાં આવ્યા હતા. બલૂચિસ્તાનનો એક પઠાણ આ કબર જોવા આવ્યો હતો. તેને આ બાબતે કોઈ બહુ માહિતી નહોતી. આથી તેણે સૈનિકને આ બાબતે પૂછ્યું હતું. તેણે જવાબ આપ્યો કે અંદર જે છે તે બહાર નીકળી ન જાય એટલે તેઓ ચોકી પહેરો કરે છે! આ વાતને ભલે મજાકમાં કહેવામાં આવી હોય, પરંતુ આ બાબતથી નક્કી થાય છે કે પાકિસ્તાનના સ્થાપકને કોઈ ગંભીરતાથી લેતું નથી!

જો એવું ન હોય તે પછી પાકિસ્તાનના સંસ્થાપકની કોઈ આવી મજાક કરે ખરું? બલૂચિસ્તાનમાં કોઈ નજીકના સ્થળે એક હિલ સ્ટેશન છે તેનું નામ ઝિયારત છે. બ્રિટિશ રાજમાં અંગ્રેજી અધિકારીઓ ત્યાં રજા ગાળવા જતા હતા. અરબી ભાષામાં ઝિયારતનો અર્થ છે કબર. આ નગરમાં ભૂકંપના અનેક ઝટકા આવ્યા છે. ત્યાં ઘણા મૃત્યુ પામ્યા છે. બ્રિટિશ રાજમાં ઘણા મૃત્યુ થયા હતા.

મહંમદઅલી ગંભીર રીતે બીમાર પડ્યા. તે સમયે તેમના વિશ્ર્વાસુ પારસી ડૉક્ટર ડાયરીમાં જે કંઈ લખતા હતા તેને ફાતિમા ઝીણા તેમની બહેને પુસ્તક સ્વરૂપે લખ્યું છે ફાતિમા બે મહિના તેમની સાથે રહ્યા હતા. લિયાકતની છેલ્લી મુલાકાત પણ ત્યાં થઈ હતી. ઝિયારતમાં ડૉક્ટરોએ વારંવાર પાકિસ્તાન સરકાર પાસે ઓક્સિજન સિલિન્ડર માગ્યાં હતાં, પરંતુ સરકારે લાપરવાહી કરી હતી અને સિલિન્ડર આપ્યાં નહોતાં.

જ્યારે સ્થિતિ બગડી તે વખતે ઝીણાને લેવા કરાચીથી એક વિમાન આવ્યું હતું. ઝીણા અને તેમના બહેન ફાતિમા વિમાનથી એમ્બ્યુલન્સ દ્વારા ગવર્નર બંગલા ખાતે જવા રવાના થયા તો રસ્તામાં એમ્બ્યુલન્સ બગડી ગઈ હતી. ત્રણ કલાક બાદ બીજી મોટર આવી ઝીણા પોતાના સત્તાવાર નિવાસે પહોંચ્યા તેના થોડા સમય બાદ તેમનું મૃત્યુ થયું હતું. આ બાબતે ઘણા વાદવિવાદ થયા છે, પરંતુ કરાચી પહોંચ્યા બાદ જીવિત રહ્યા નહોતા. હવે ઝિયારતનગર ફરી પાકિસ્તાનના મીડિયામાં ચર્ચામાં આવ્યું છે. ત્યાંથી મળતા સમાચારમાં જણાવાયું છે કે કાયદે આઝમની યાદ જીવિત કરવા પાકિસ્તાન સરકારે નિર્ણય કર્યો છે. ત્યાં સ્મારક બનશે તેને ઝિયારત રેસિડેન્સી નામ આપવામાં આવશે. જોકે આ સ્થળને સુરક્ષિત સ્થાન જાહેર કરવામાં આવ્યું છે. ત્યાં એક ભવન બનાવાયું હતું, પરંતુ થોડા સમય પૂર્વે બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ તેને ધરાશયી કરી દીધું હતું.

પાકિસ્તાની આતંકવાદીઓ માત્ર ભારતના ધાર્મિક સ્થળે અને તાજમહાલ હોટલને જ ટારગેટ બનાવતા નથી, પરંતુ તેઓ સંસ્થાપક છે તેની યાદમાં બનાવાયેલાં મકાનોને પણ છોડતા નથી. બલૂચિસ્તાન સરકારે તે સ્થળને ઐતિહાસિક બનાવવા ઘોષણા કરી છે. બલૂચી નેતાઓ કહે છે કે ઝીણાએ વિભાજન વખતે તેમને ન્યાય આપ્યો નહોતો, પરંતુ પાકિસ્તાનની બુનિયાદ બનાવનારા એકમાત્ર નેતા તેઓ છે એટલે તેમનું સન્માન કરવું જોઈએ તે અમારી ફરજ છે. બલૂચિસ્તાનના અધિકારીઓ કહે છે કે એક ભવ્ય સ્મારક બનશે.

આ માટે વધારે બજેટની પણ ફાળવણી કરવામાં આવશે. આ બાબતે ‘ફ્રન્ટિયર પોસ્ટ’ દ્વારા લખવામાં આવ્યું છે કે તેઓ આ નિર્ણયનું સ્વાગત કરે છે, પરંતુ પ્રશ્ર્ન એ છે કે સરકાર આતંકવાદીઓથી તેની સુરક્ષા કેમ ન કરી શકી? કાયદેઆઝમની સ્મૃતિમાં બનેલી ઈમારતને તોડવી તે પાકિસ્તાનના સ્થાપકનું અપમાન નથી? પરંતુ બલૂચી સરકાર તે કામ પૂરું કરશે? પાકિસ્તાનની દરેક સરકાર ઘોષણા કરવામાં બહાદૂર હોય છે. પછી કંઈ જ થતું નથી. હમણા દિલીપકુમાર અને રાજકપૂરના સ્મારક બનાવવાની ઘોષણા થઈ હતી. આ બાબતે ઘણું છપાયું હતું. ભારતના બુદ્ધિજીવીઓ અને ખાસ કરીને સીને કલાકારોેએ પાકિસ્તાનની ઘણી પ્રશંસા કરી હતી. જ્યાં તેમના જન્મ થયા હતા તે મકાન શોધી કાઢવામાં આવ્યા છે.

પાકિસ્તાન સરકારે આ બાબતને લીલી ઝંડી આપી હતી, પરંતુ ત્યાર બાદ જાણવામાં આવ્યું છે કે આવી યોજના રદ કરવામાં આવી છે. એવું કારણ અપાયું છે કે જેમના કબજામાં સંપત્તિ છે તેઓ આપવા ઈન્કાર કરે છે. કેટલાક પાકિસ્તાની આતંકવાદી સંગઠનોએ ધમકી પણ આપી છે. પરિણામ એ આવ્યું છે કે યોજના ઘોંચમાં પડી છે. કાયદે-આઝમ સાથે પણ આવું જ થવાની શંકા પાકિસ્તાનનો સમજદાર વર્ગ વ્યક્ત કરી રહ્યો છે.

પાકિસ્તાનના દૈનિકો કહે છે કે ઝિયારતમાં ઝીણા જે સ્થળે રહેતા હતા તેમાં કોઈ પરિવર્તન કરવામાં આવ્યું નથી. તે સ્થળ ૧૯મી સદીમાં બનેલો એક વિશાળ બંગલો હતો. ત્યાં એક પ્રાચીન મકાન હતું. બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ ત્યાં પોતાના બોમ્બ સુરક્ષિત રીતે રાખ્યા હતા. બોમ્બના ઢગલા હતા. ત્યાં આગ લાગવાથી આ ભવન ખતમ થયું. આ ભવનમાં ઝીણા સાથે સંકળાયેલી ઘણી વસ્તુઓ પણ ગઈ. તેમાં મહત્ત્વના દસ્તાવેજ હતા. એમ કહેવાય છે કે આ સ્થળને અંગ્રેજી અધિકારીઓએ ૧૮૯૨માં ગેસ્ટ હાઉસમાં પરિવર્તીત કર્યુ હતું. ઝીણાના મૃત્યુ બાદ આ બધી વસ્તુઓ એક મ્યુઝિયમમાં પરિવર્તીત કરવામાં આવી હતી. હવે ત્યાં રાખનો ઢગલો છે. આતંકવાદીઓ કહે છે કે પાકિસ્તાનને નષ્ટ કરી નાખવામાં આવે તો ઝીણા સાથેનો ઈતિહાસ પણ રાખના ઢગલામાં જતો રહે.
Show less
1

No comments:

Post a Comment