Friday, December 20, 2013

સૌરભ શાહ - સાત પ્રકારના પુરુષો મને ગમતા નથી

સાત પ્રકારના પુરુષો મને ગમતા નથી
સૌરભ શાહ

લોકોને જાત જાતની એલર્જી હોય છે. કેટલાકને અમુક પ્રકારની સુગંધની તો કેટલાકને કોઈ વાતાવરણની એલર્જી હોવાની. મને અમુક પ્રકારના માણસોની એલર્જી છે, ટુ બી સ્પેસિફિક સાત પ્રકારના પુરુષોની એલર્જી છે. એવા મેલ્સને જોઉં છું ત્યારે મને મનમાં થાય કે ભાઈ, તમે મેલ છો - પુરુષ છો - શું કામ આવા વેવલાવેડા કરીને તમારી મર્દાનગીની કિંમત ઓછી આંકો છો?

તમે પણ તમારી આસપાસ આવા પુરુષો જોયા હશે અને તમને પણ ક્યારેક એમના માટે એલર્જી થઈ હશે, અણગમો થયો હશે.

૧. નમસ્કાર અને વંદન આપણી પરંપરા છે. વડીલોને ચરણ-સ્પર્શ પણ કરવાનાં હોય, પણ જીવતા જાગતા કોઈ માણસને દંડવત્ કે સાષ્ટાંગ પ્રણામ ન કરાય. ભગવાનની મૂર્તિને સાષ્ટાંગ પ્રણામ કરવાની પ્રથા છે પણ મને એ પ્રથા પણ નથી ગમતી. નમાજ પઢતા હોઈએ એવું લાગે છે. પ્રભુની આરાધના પણ બે હાથ જોડીને ઊભાં ઊભાં કે પછી પલાંઠી મારીને બેઠાં બેઠાં થાય તે જ મને યોગ્ય લાગે છે. મંદિરોમાં સાષ્ટાંગ પ્રણામ કરતા પુરુષોનું દૃશ્ય મને વરવું લાગે છે, વલ્ગર લાગે છે. એમાં ભક્તિ ઓછી પણ દેખાડો વધારે લાગે છે. ભગવાનમાં કેટલી શ્રદ્ધા છે તેનો દેખાડો ન કરવાનો હોય. તમારી અને ભગવાન વચ્ચેની મૌન આપલેમાં કોઈ ત્રીજી વ્યક્તિ શું કામ સાક્ષી બનવી જોઈએ? જીવતા જાગતા માણસને, એ ગમે એટલા મોટા સંત હોય કે મહાપુરુષ હોય, કદી સાષ્ટાંગ નમસ્કાર કે દંડવત્ પ્રણામ ન કરાય. આપણને ગમે એટલો આદર હોય એમના માટે, તો પણ ન જ કરાય. ભગવાનની છબિ કે મૂર્તિ સમક્ષ ઘરના એકાંતમાં જે પ્રકારે પ્રણામ, નમસ્કાર, વંદન, સાષ્ટાંગ, દંડવત્ વગેરે કરવાં હોય તે કરીએ, પણ ચાર જણનાં દેખતાં, મંદિર કે જાહેર સ્થળોએ આવાં વરવા દેખાડા કરનારાઓ સામે મને ભયંકર મોટી એલર્જી છે.

૨. કેટલાક લોકોને પોતાની પત્નીની હાજરીમાં એનો મજાકો કરીને પોતાની મર્દાનગી દેખાડવાનું ગમે છે. પત્નીને લગતી મજાકો અને રમૂજો પર તો આખી ગુજરાતી નાટકની ઈન્ડસ્ટ્રી નભે છે. આવી મજાકો ગમે એટલું હસાવતી હોય તો પણ મને એવી મસ્તીમજાક કરનારા પુરુષો નથી ગમતા. પત્ની પ્રત્યેની દાઝ કાઢવાની આ કંઈ રીત નથી. પત્ની માટેનો પ્રેમ જતાવવાની પણ આ રીત ન થઈ. પત્નીની ડિગ્નિટી જાળવી રાખતાં મોટા ભાગના ગુજરાતી પુરુષોને નથી આવડતું એવું મારું નિરીક્ષણ છે. પતિપત્ની વચ્ચેના અંગત સંબંધો ખૂબ અંગત છે. કોઈ ત્રીજી વ્યક્તિની હાજરીમાં આ સંબંધમાંની મીઠાશ, ખરાશ, તીખાશ કે તૂરાશ અજાણતાંય પ્રગટ ન થઈ જાય એનું ધ્યાન રાખનારા પુરુષો બહુ ઓછા જોવા મળે છે. અને પત્ની માટે એની હાજરીમાં કે ગેરહાજરીમાં બૈરી શબ્દ વાપરનારાઓ માટે તો મને સખત નફરત છે.

૩. જે પુરુષો કહેતા હોય છે કે મારો દીકરો તો મારા દોસ્ત જેવો છે એમને હું ઠપકો આપીને કહેતો હોઉં છું: દોસ્તારો તો દીકરાને એના જીવનમાં અનેક મળશે, બાપ એક જ છે એની પાસે. હું માનું છું કે પુત્રના મિત્ર બનીને તમે એની પાસેથી એક પિતા છિનવી લો છો.

પિતા અને મિત્ર વચ્ચે ઘણો મોટો ફરક છે. સંસ્કૃત સુભાષિતમાં સોળ વરસના સંતાનને મિત્ર બનાવી દેવાનું લખ્યું હોય તો ભલે લખ્યું. મોટે ભાગે તો બાપ જ્યારે દીકરાને મિત્ર બનાવી દે છે ત્યારે તે પોતાના જીવનમાં મિત્રોની ખોટને કારણે એવું કરતો હોય છે. દીકરાને તો એવો કોઈ હોંશ હોતો જ નથી, એની પાસે તો ઘણા મિત્રો હોવાના. નહીં હોય તો યુવાન ઉંમરને કારણે ઘણા મિત્રો બનાવવાનો સ્કોપ પણ હોવાનો, અને છેવટે દોસ્તારો નહીં તો બહેનપણીઓ તો હોવાની જ.

બાપ જ્યારે દીકરાને મિત્ર બનાવવાની કોશિશ કરે છે ત્યારે ઈન્ડાયરેક્ટલી એ દીકરાના જીવન પર કોઈક રીતે પ્રભાવ પાડવા માગતો હોય છે. સબકૉન્શ્યસલી એ દીકરાના જીવન પર દેખરેખ રાખીને, એની લાઈફનું સ્ટિયરિંગ, એની બ્રેક, એનું એક્સલરેટર બધું જ પોતાના ક્ધટ્રોલમાં રાખવા માગતો હોય છે.

પિતા-પુત્રના આદર્શ સંબંધો એ છે જેમાં બેઉ એકબીજાની રૂટિન જિંદગીમાં દખલગીરી ન કરતા હોય પણ માત્ર સેલિબ્રેશન વખતે કે માઠા પ્રસંગોએ જ મનની અંગત લાગણીઓ શૅર કરતા હોય. ધંધામાં સાથે કામ કરનારા પિતાપુત્ર પણ પોતપોતાની, જવાબદારીઓ સંભાળીને બે પાર્ટનર એકબીજા સાથે જેટલા પ્રોફેશનલી વર્તતા હોય તે રીતે વર્તી શકે. મારો દીકરો તો મારો ફ્રેન્ડ છે એવું કહેવું એ ગૌરવની વાત નથી, એવું સમજનારા બહુ ઓછા લોકો હોય છે.

૪. ટીનેજર કે જુવાન છોકરીઓને બેટા બેટા કહીને બાથમાં લેનારા પુરુષો સામે મને સખત ચીડ છે. આ બધા રહી ગયેલા લોકો હોય છે. પોતાનામાં રહી ગયેલી ફ્રસ્ટ્રેટેડ લાગણીઓનું આવું પ્રદર્શન જુગુપ્સા પ્રેરક છે. પુરુષોને નાની છોકરીઓ ગમતી હોય તો ગમાડે, એ એમની પર્સનલ લાઈફ છે, પણ જેમની સાથે તમારે કોઈ પ્રકારે શારીરિક નિકટતાના સંબંધ નથી, એમને બાથમાં લઈને દીકરી દીકરી કરવું એટલે સાદી ભાષામાં કહીએ તો ચાલુગીરી છે, એ જુવાન છોકરીને તમે ખરેખર દીકરી જેવી માનતા હો તો પણ ચાલુગીરી જ છે. જલસા જ કરવા હોય તો બીજા ઘણા નેક રસ્તાઓ છે પણ આમ શું રહી ગયેલાની જેમ... ચાલો, જવા દો એ વાત.

૫. દરેક ગુજરાતી, પુરુષ ક્રિકેટ મૅચ ચાલતી હોય ત્યારે ટીવીની સામે બેસી જવાનો. ફૂટબૉલ કે ટેનિસમાં બાપડાને કોઈ ગતાગમ ન હોય, પણ ક્રિકેટ જોતી વખતે એવી એવી કમેન્ટ્સ કરશે જાણે સચિન તેન્ડુલકર રિટાયર થઈને એની સાથે પાર્ટનરશિપમાં ધંધો શરૂ કરવાનો હોય. ક્રિકેટરસિયા ગુજરાતીઓને સ્પોર્ટ્સમાં ખરેખર કેટલો અને કેવો ઈન્ટરેસ્ટ છે એ જાણવા માટેનો મારો માપદંડ એક જ છે. એમના પેટનો ઘેરાવો જોઈ લેવો. ખરેખર રમતરસિયા હોય તેઓ શરીરે પણ ચુસ્ત હોવાના, બાકીનાઓનો ક્રિકેટપ્રેમ એમની પત્નીનો મહાદેવ સીરિયલ માટેના પ્રેમ જેવો જ હોવાનો. મહાદેવનું બૉડી અને પાર્વતીની સાડી જોવા માગતી ગુજરાતી પત્નીઓને જેમ ક્યારેય માઈથોલોજિમાં કે પુરાણોમાં કે એ પુરાણો જેના પરથી રચાયાં તે વેદશાસ્ત્રોમાં રસ નથી પડવાનો. એ જ રીતે ક્રિકેટભક્ત ગુજરાતી પુરુષોને ફરસાણ-મીઠાઈઓ પર ક્ધટ્રોલ રાખીને રોજ અડધો કલાક સુધી પરસેવો પાડતી એકસરસાઈઝ કરવામાં પણ રસ નથી હોવાનો. ક્યાંથી હોય? સોફા પર બેસીને રસોડા તરફ જોઈને હુકમ કરવાની ટેવ જે પડી ગઈ છે: એક ગ્લાસ પાણી આપજે ને જરા.

૬. પત્નીથી ડરીને દારૂ પીનારા ગુજરાતીઓ સાથે મને ક્યારેય નથી જામ્યું. આવા લોકોના ઘરે કોઈકવાર ગયા હોઈએ ત્યારે પહેલો જ પેગ બનાવાય ત્યાં પત્ની બોલી ઊઠે: ‘જો, જો, આજે વધારે નહીં પી લેતા.’ આપણી તો મઝા જ કિરકિરી થઈ જાય, એમની સાથે બારમાં બેસીએ તો પણ મોઢામાંથી વાસ ન આવે એ માટે વ્હિસ્કીના શોખીન હોવા છતાં વૉડકા મગાવશે. ઘરે જતાં પહેલાં પાન પણ ખાશે.

પીવું તો મોજથી પીવું. પત્નીથી ડરીને, છુપાઈને કે એની ધાક હેઠળ શું કામ પીવું? અને એવું જ હોય તો પછી કાં તો તમારે દારૂ છોડી દેવો કાં તો પછી... વેલ, મારાથી તમને એવી સલાહ ન અપાય.

૭. છેલ્લા પ્રકારના પુરુષો જે મને નથી ગમતા તે બધા મારા જેવા હોય છે. હું પણ ક્યારેક દેખાદેખીથી નામરજી છતાં સાષ્ટાંગ પ્રણામ કરી લઉં છું, ક્યારેક પત્નીની જોક્સવાળું ગુજરાતી નાટક જોઈને ખડખડાટ હસી પડું છું, ક્યારેક બાપદીકરાને દોસ્તની જેમ વર્તતાં જોઈને મનોમન ઈર્ષ્યા પામું છું, ક્યારેક બેટા-બેટા કરી લઉં છું. ક્યારેક ભજિયાં ખાતાં ખાતાં ક્રિકેટ જોઈ લઉં છું તો ક્યારેક કોઈને નહીં ગમે એવું વિચારીને દારૂ જતો કરું છું. માણસને સૌથી વધારે ગુસ્સો ક્યારે આવે ખબર? જ્યારે એને બીજાઓમાં પોતાની ઊણપોનાં દર્શન થાય ત્યારે.
Show less
1

No comments:

Post a Comment