Friday, December 20, 2013

સોનલ શુક્લ - અવળી સવળી ગંગા

 
અવળી સવળી ગંગા
ઘટના અને અર્થઘટન - સોનલ શુક્લ

વર્ષો જૂની વાત છે. તે વખતે ‘અવળી ગંગા’ કે ‘ઉપરી ગંગા’ જેવા પ્રયોગ અમુક સંદર્ભમાં થતાં. આ જ કટાર ત્યારે પ્રગટ થતા સવારના દૈનિક ‘પ્રવાસી’માં શરૂ થયેલી. કોઈ બાઈએ એના ધણીને ધબેડેલો કે મારી નાખેલો તેના સમાચારમાં એ જ અખબારમાં ‘અવળી ગંગા’ જેવું નાનકડું મથાળું બંધાયેલું. ઘટનાના અર્થઘટનમાં તો કોઈ પણ પ્રસંગ કે પ્રયોગ કે પરંપરા આવી શકે, મને કાંઈ એવા પ્રોટોકલની ખબર નહોતી કે પોતાનું લખાણ આવતું હોય તેની ટીકા ન કરાય. નસીબ જોગે હજી સુધી સંપાદકો પણ એવા મળ્યા છે કે કાંઈ વાંધો આવ્યો નથી. એ છાપાના તંત્રી હતા હરીન્દ્ર દવે અને સહાયક તંત્રી હતા હસમુખ ગાંધી. બન્યું એવું કે આ મથાળું હસમુખભાઈએ બાંધેલું અને મેં લખ્યું કે પત્ની-પતિને મારે તે ‘અવળી ગંગા’ અને પતિ પત્નીને મારે તે સવળી ગંગા? પવિત્ર ગંગાનું નોર્મલ વહેણ? હસમુખભાઈ ત્યારે તો કાંઈ બોલ્યા નહીં. આગળ જતા એ ‘સમકાલીન’ દૈનિકના તંત્રી થયા. ફરી એક વાર એ જ ‘પ્રવાસી’ અખબારમાં બીજા કોઈએ આ જ શીર્ષક બાંધી ‘અવળી ગંગા’ લખ્યું.

બીજે જ દિવસે હસમુખ ગાંધીએ સંપાદકીય પાના પર એવા મતલબનું લખ્યું કે સોનલબહેન ગઈકાલે સવારના દૈનિકોનો ઢગલો લઈને બેઠેલા અને એમના પતિ રવિવાર હતો તે સવારે ટેનિસ રમવા ગયેલા અને સોનલબહેન ધૂંઆપૂંઆ થયેલા. છાપાં પછાડ્યા કે આને ‘અવળી ગંગા’ કહેવાય તો સવળી એટલે શું? ત્યારે એમણે લખ્યું કે એક વાર પોતે આવું મથાળું બાંધ્યું ત્યારે મેં શું ટીકા કરેલી. એ વખતે મને ભાન થયું કે મેં કેવા મોટા અને અલગ પ્રકારના પત્રકારની અજાણતામાં ટીકા કરેલી. જોેકે અમે બંને સંમત હતા કે સ્ત્રીને પુરુષ મારે કે મારી નાખે તે સવળી ગંગા નથી જ અને આવો અવળો સવળો શબ્દપ્રયોગ કરવો ઠીક નથી.

હસમુખભાઈ યાદ આવ્યા, કારણ કે ગયે અઠવાડિયે સમાચાર આવ્યા છે કે એક ભાઈએ આત્મહત્યા કરી અને જોડે નિવેદન કરીને ગયા કે એમની પત્ની કોઈક પ્રેમી જોડે ભાગી ગયેલી અને સમજાવ્યા છતાં પાછી આવતી નહોતી. એ ભાઈથી આવી પરિસ્થિતિ સહન ન થઈ અને એમણે પોતાની જિંદગી ટૂંકાવી દીધી. આ એક દુ:ખદ ઘટના છે. કાચી વયે માણસ પોતાનું મોત નોતરે તે અગાઉ એણે કેટકેટલી વેદના વેઠી હશે અને કેટલા બધા સીધા કે છાનાં અપમાન સહ્યા હશે! જીવનસાથી આમ પોતાને છોડીને જતા રહે એનો આઘાત ઓછો નથી. જોકે જીવનસાથી ન કહેવાય, માત્ર પત્ની (કે પ્રેયસી) કહેવું જોઈએ. પતિ છોડીને જાય તેથી પત્ની જો આપઘાત કરવા માંડે તો રોજ રોજના કેટલા બધા કિસ્સાઓ છાપવાના આવે? વળી રોજ મરે તેને કોણ રડે? ત્યક્તાઓ અપરંપાર હોય છે. ગ્રામીણ મહારાષ્ટ્રમાં તો ‘ટાકલેલી બાયકો’ના સમૂહ મિલનો યોજાયાના દાખલા છે. ટાકલેલી તે ત્યકતાને જ તદ્ભવ સંજ્ઞા છે ને! ‘પોટગી’ એટલે કે પેટ ભરી શકાય તે માટે ખાધાખર્ચી મેળવવા ત્યક્તાઓ અદાલતે કે જ્ઞાતિ પંચાયતોમાં જાય છે, સંખ્યાબંધ જાય છે અને તેથીય વધુ સંખ્યામાં રહીને ચૂપ બેસે છે કે પતિ પાછો આવશે અને પોતે એને ‘સુબહ કા ભૂલા હુઆ શામકો લૌટ આયે તો ઉસે ભૂલા નહીં કહતે હૈં’ વાળી કુચ્ચા થઈ ગયેલી ફિલસૂફીથી એને ગળે વળગાડશે.

પતિ દાંપત્યમાંથી પલાયન થાય એટલે ઘરખર્ચ અને બાળઉછેરના પ્રશ્ર્નો પણ ઊભા થાય. એક બાબતમાં જોકે પત્ની જતી રહે તો પતિએ વધુ સહન કરવું પડે છે. પતિ છોડી જાય એ જેટલું સ્વીકાર્ય છે તેટલું પત્ની જતી રહે તે નથી. સમાજમાં એ માણસને કાંઈક નીચાજોણું થાય. પારંપરિક સમાજમાં તો એવું થાય જ. આત્મહત્યા કરનાર ભાઈ વધુ સંવેદનશીલ હશે અથવા તો એમની કોઈ વિશેષ પરિસ્થિતિ હશે જેથી એમણે ભાગી ગયેલી પત્નીને પાછી વાળવા પ્રયત્ન કર્યા. સામાન્ય રીતે તો એને ગાળો દઈને અને બદનામ કરીને છોડી જ દે. એ પાછી આવવા માગતી હોય તો પણ ન લે.

દાયકાઓથી હવે ભારતીય મધ્યમ વર્ગમાં પણ સ્વીકૃત થઈ ચૂક્યું છે કે દાંપત્યમાં ચિરાડ પડી શકે અને લગ્નવિચ્છેદ થાય. છૂટાછેડાના ખટલા સ્ત્રીપુરુષ બંને માંડતા હોય છે. અધવચ્ચે પત્નીને મૂકીને જતા રહેનારા પુરુષો પણ સંખ્યાબંધ જોવા મળે છે. પત્ની ગામમાં હોય, પિયર હોય કે પછી સાસરામાં જ હોય તો પણ બીજી સ્ત્રી જોડે સંસાર માંડનારાની સંસારમાં ખોટ નથી. કોઈને પરાણે લથડી ગયેલા દાંપત્યને વળગી રહેવાની ફરજ શી રીતે પડાય? વ્યક્તિવાદના જમાનામાં બંનેના વિકાસની દિશા અને ગતિ અલગ અલગ હોય તો કેટલાંક યુગલો એમાં એડજસ્ટ ન જ થઈ શકે. જીવનસાથીને છોડી જનાર પતિ કે પત્ની સુખી થાય જ અને બીજી વ્યક્તિ જોડે ટકી શકે એવું નથી પણ બીજા વિકલ્પ લેવાનો વ્યક્તિને હક છે. આમાં બાળકો અને બાકીના પરિવારને સહન કરવું પડે છે; પરંતુ સતત ઝઘડતા કે મનમેળ વિના જીવતા યુગલોના બાળકો શું સહન નથી કરતાં?

નર્મદા કે ગંગા?

આમ તો ભારતમાં ગંગા નદીનું સૌથી વધુ મહત્ત્વ છે. સિનેમાવાળા પણ જાણી ગયેલા એટલે લોકોની આ નદી પ્રત્યેની અત્યંત ગાઢી ભાવનાઓને અપીલ થાય એ રીતે ‘જિસ દેસ મેં ગંગા બહતી હૈ’ કે ‘ગંગા કી સોગંદ’ જેવાં શીર્ષકવાળી ફિલ્મો બનાવતા કોઈક વૈષ્ણવો જમનાના જળની ટબુડીઓ મૃત્યુ સમયે ટીપાં મોઢામાં મૂકવા સાચવે પણ મોટે ભાગે તો પ્રાણ જવામાં હોય ત્યારે ગંગાજળ જ શોધાય અને પાડોશીઓ પણ ઓફર કરે કે પોતાની પાસે ગંગાજળ હાથવગું છે તો લઈ આવે? આ બધું બરાબર પણ એને લીધે અંબાજીનો જનમ કે પ્રાગટ્ય ગુજરાતની જોડાજોડ ઉત્તર ભારતમાં મૂકી દેવાય?

‘જયો જયો મા જગદંબે મા’ સ્તુતિમાં છેલ્લા કેટલાક વર્ષોથી ‘પ્રગટ્યા રેવાને તીરે’ પંક્તિમાં હવે ‘ગંગાને તીરે’ ઉમેરાઈ ગયું છે. આશ્ર્ચર્યની વાત એ છે કે નર્મદા બંધ અને નર્મદાના જળ માટે ગુજરાતમાં આટઆટલી હોહા થઈ, ગુજરાતની આઈડેન્ટિટી જોડે નર્મદા નદીના પાણી જોડે જાણે સંધાઈ ગઈ, આ જ અરસામાં ‘જય મહારાષ્ટ્ર’ની જેમ ‘જયહિંદ’ ઉપર પાછું ‘જય જય ગરવી ગુજરાત’ ઉમેરાયું તે પણ કદાચ તત્કાલીન ગુજરાતીપણાની ભાવનાના પ્રકારનો આવિર્ભાવ હતો. નર્મદા ઉપર શ્ર્લોકો બોલવાના શરૂ થયા. એ જ વખતે રેવા એટલે કે નર્મદા અધૂરી લાગી કે ગુજરાતની સૌથી લોકપ્રિય દેવી અંબા અને તેમની સૌથી જાણીતી સ્તુતિમાં રેવા જોડે ગંગા ઉમેરાઈ? ક્ષેપક શબ્દો અને પંક્તિઓ લોકસાહિત્યમાં ઉમેરાતા રહે તેની નવાઈ નથી અને હવે બધે રેવા જોેડે ગંગા ઉમેરાઈ જશે ત્યારે જરા વિચાર કરીએ.
Show less
1

No comments:

Post a Comment