Thursday, September 12, 2013

એવો અભિપ્રાય પ્રજાને સ્વીકાર્ય બને તેવો નથી

વડા પ્રધાન તરીકે ડૉ. મનમોહન સિંહ ખૂબ જ ધીરગંભીર અને મિતભાષી છે. પરંતુ તેમણે જ્યારે વર્ષ ૨૦૧૪ પછી રાહુલ ગાંધી વડા પ્રધાન બને અને તેમના હાથ નીચે કામ કરવાનું તેમને ગમશે તેવો જે અભિપ્રાય આપ્યો છે તે રાજકારણ પ્રેરિત છે અને કમસે કમ વડા પ્રધાનને તેમ જ તેમના હોદ્દાને શોભા આપે તેવી બાબત તેમાં નથી. પરંતુ આવી અભિવ્યક્તિથી એક વાત નિશ્ર્ચિત થઈ ગઈ છે કે તેઓ હવે વર્ષ ૨૦૧૪ પછી હોદ્દા પર રહેવા માગતા નથી. હજુ સુધી રાહુલ ગાંધીનું કોઈ જ કૌવત કે રાજકીય કુનેહ પ્રજાને જોવા મળ્યા નથી. રાહુલ ગાંધી હાલમાં સાંસદ છે અને કૉંગ્રેસ પક્ષના મહામંત્રી છે. તેઓ પક્ષના મહામંત્રી બની શક્યા છે કારણ કે તેમને રાજકારણ વારસામાં મળ્યું છે અને તેઓ નહેરુ - ગાંધી કુટુંબના હોવાથી તે હોદ્દા સુધી પહોંચી શક્યા છે.

જેમને કોઈ અનુભવ નથી, વહીવટી કાબેલિયત નથી તેવા રાહુલ ગાંધીના હાથ નીચે કામ કરવાનું ગમશે તેમ કહેવું તે વડા પ્રધાનના હોદ્દાને લાંછન થાય તેવી બાબત છે. ડૉ. મનમોહન સિંહે રિઝર્વ બેન્કના ગવર્નર, નાણાં પ્રધાન અને વડા પ્રધાન તરીકે ૧૦ વર્ષ કામ કર્યું છે. તેમને એવી કઈ લાચારી અને મજબૂરી છે કે વર્ષ ૨૦૧૪ પછી રાહુલ ગાંધીના હાથ નીચે કામ કરવું પડે?

સમગ્ર બાબત જ તદ્દન અયથાર્થ છે. આવો અભિપ્રાય ડૉ. મનમોહન સિંહને શોભતો નથી. પ્રજાને તેમના પ્રતિ જે આદર છે તે આવી બાબતથી ઓછો થઈ જાય છે. વડા પ્રધાનનો હોદ્દો એક ગૌરવ અને મોભાનું સ્થાન ધરાવે છે. દરેક વ્યક્તિ તે હોદ્દા સુધી પહોંચી શકતી નથી. વળી રાહુલ ગાંધી તો ઉત્તર - પ્રદેશમાંથી કઈ રીતે લોકસભામાં ચૂંટાય છે તે સૌ કોઈ જાણે છે. તેમાં લાયકાત કરતાં બીજી બાબતો વધુ હોય છે. કૉંગ્રેસ પક્ષમાં એ દિવસો ગયા કે જ્યારે લાલબહાદુર શાસ્ત્રી જેવી અકિંચન - નિર્ધન બ્રાહ્મણ કુટુંબની વ્યક્તિ વડા પ્રધાન બની શકતી હતી. આવી બાબતની હવે અપેક્ષા રાખી શકાય તેમ નથી. આજે કૉંગ્રેસમાં જૂથબંધી, જ્ઞાતિવાદ, પ્રદેશવાદ અને કોમી ધોરણે ભાગલા ભરપેટ જોવા મળે છે. વળી ત્યાં આગળ વધવાનું અને ઉપર સુધી પહોંચવાનું કાર્ય અતિ મુશ્કેલ બની ગયું છે. કૉંગ્રેસ પક્ષમાં સફળ થવું આકાશકુસુમવત્ છે.

ડૉ. મનમોહન સિંહ વડા પ્રધાન તરીકે કેવી નાટકીય ઢબે પસંદ થયા હતા તે વર્ષ ૨૦૦૪ની ઘટના આજે પણ રાજકારણની અજાયબી ગણાય છે. પક્ષનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગેરહાજર રહીને સર્વાનુમતે ઠરાવ પસાર થયો, બાદમાં કહ્યું કે તેઓ વડા પ્રધાન તરીકેની જવાબદારી સ્વીકારવા માગતાં નથી. બાદમાં ધીમે ધીમે ડૉ. મનમોહન સિંહનું નામ આગળ કરવામાં આવ્યું હતું.

હાલના વડા પ્રધાન કદી લોકસભામાં ચૂંટાયા નથી. રાજ્યસભાના મેમ્બર હોવાથી તેઓ સાંસદ ગણાય છે અને આસામના પ્રતિનિધિ તરીકે તેઓ રાજ્યસભામાં છે. તેમણે રહેણાંકના પુરાવા - રેશનકાર્ડ વગેરે સઘળું આસામના રહેવાસી તરીકે આપ્યું છે. તેમના જન્મ તારીખના દાખલા અને સરકારી નોકરી કરી છે ત્યાં દર્શાવેલી જન્મ તારીખ બન્ને વિરોધાભાસી છે. આ બાબતે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ પણ થઈ છે. નહેરુ - ગાંધી કુટુંબને વફાદાર વ્યક્તિ ગમે તે કાયદાનો ભંગ કરે, પરંતુ તેમને કોઈ તકલીફ પડતી નથી. આથી તે ૧૯૬૯માં જગજીવનરામ કે જેઓ દલિત - હરિજનના ઉદ્ધારક તરીકે ઈંદિરાજી સાથે કૉંગ્રેસના ભાગલા વખતે રહ્યા હતા. તેમણે ૧૦ વર્ષના આવકવેરાના રિટર્ન ભયાર્ં નહોતાં તે વાત બહાર આવી હતી. તેમના માટે પાછલી અસરથી કાયદો સુધારવામાં આવ્યો હતો. જ્યારે નાણામંત્રી તરીકે પ્રણવ મુખરજી હતા, તેમના પર જાસૂસી કરવા તે વખતના ગૃહમંત્રી પી. ચિદમ્બરમે એવી યંત્રણા ગોઠવી હતી તે વાત જાહેર થઈ ગઈ અને દેકારો થયા બાદ બન્નેએ માફામાફી કરી હતી. આ કલ્ચર હવેની કૉંગ્રેસનું છે. તેવે વખતે દેખિતી રીતે જ ડૉ. મનમોહન સિંહને તે જ દિશામાં ચાલવું પડે છે. આથી જ કદાચ તેમણે રાહુલ ગાંધીના હાથ નીચે કામ કરવાની મહેચ્છા વ્યક્ત કરી હશે!!

છેલ્લાં ૧૦ વર્ષની કામગીરીમાં ડૉ. મનમોહનસિંહ સફળ છે કે નિષ્ફળ તે વાતનો નિર્ણય હવે પછી મતદારો કરશે, પરંતુ એક વાત નિશ્ર્ચિત છે કે પ્રજાની અપેક્ષા અનુસાર કામ થયું નથી અને ચૂંટણીમાં આપવામાં આવેલા વચન પ્રમાણે કશું થયું નથી. પક્ષનાં અધ્યક્ષા અને વડા પ્રધાનની વિચારધારા પરસ્પર વિરોધાભાસી છે. સોનિયા ગાંધી સસ્તા દરે અનાજ આપીને ચૂંટણી જીતવા માગે છે તે વાત વડા પ્રધાનની વિચારધારાથી વિપરીત છે.

ગઠબંધન સરકારની અનેક મજબૂરી હોય છે તે વાતનો સ્વીકાર ડૉ. મનમોહન સિંહે વારંવાર કર્યો છે. વર્ષ ૨૦૦૪-૦૯ના ગાળામાં ડાબેરીઓએ તેમની વિચારધારા, મુક્ત અને ખાનગી ક્ષેત્રના હિમાયતી વડા પ્રધાન પર અનેક દબાણની નીતિ અપનાવી હતી. તેવી જ રીતે વર્ષ ૨૦૦૯થી હાલ સુધીના સમયમાં કૌભાંડ, ગેરરરીતિ અને ભ્રષ્ટાચારની જે ઘટના બની છે તે પ્રજા ભૂલવાની નથી. દરેક વ્યક્તિ અને તેના હોદ્દાની ગરિમા હોય છે. તેનાથી નીચે ઊતરવું જોઈએ નહીં. પરંતુ રાહુલ ગાંધી માટે અહોભાવ વ્યક્ત કરીને જે રીતે વડા પ્રધાને અભિપ્રાય આપ્યો તે સામાન્ય નાગરિકને સ્વીકાર્ય બને તેવો નથી. લોકશાહીમાં વ્યક્તિપૂજાને કોઈ સ્થાન નથી, પરંતુ આજે સિદ્ધાંતો અને વિચારધારાનું સ્થાન વ્યક્તિપૂજાએ લીધું છે તે હકીકત છે.


http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=103505

No comments:

Post a Comment