Saturday, September 14, 2013

વિદેશી બૅન્કમાં પડેલી થાપણોને પરત લાવો

કેન્દ્ર સરકારની કરન્ટ એકાઉન્ટની ખાધ ખાસ્સા પ્રમાણમાં વધી છે. આ માટે ઘણી બાબત જવાબદાર છે, પરંતુ પેટ્રોલ આયાતનું જંગી પ્રમાણ અને સોનાની આયાત એ બે મુદ્દા તેમાં મહત્ત્વના છે. સોનાની આયાત ઘણા કારણથી થાય છે, છતાં એમ કહી શકાય કે ભારતમાં સોનાનો સંગ્રહ પરંપરાગત રીતે થાય છે અને થતો રહ્યો છે.

સોનું-દાગીના-ઝવેરાત વગેરે જણસ બચત છે અને તેને સ્ત્રીધન ગણવામાં આવે છે, જ્યારે પતિને આર્થિક મુશ્કેલી પડે તે વખતે તેનો ઉપયોગ કરવા મહિલા વર્ગ તે આપે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાની અનામત આર્થિક સધ્ધરતાની નિશાની ગણાય છે. આવે વખતે ભારત પર વધતી આર્થિક ભીંસ હળવી કરવા સોના પર કેન્દ્ર સરકારની નજર પડી હતી.

ભારતના હિન્દુ મંદિરો પાસે સોનાનો જથ્થો છે તેથી પહેલા તો ત્યાં પ્રયાસ કરવામાં આવ્યો. હિન્દુ મંદિરો પાસે સોનાનો જે જથ્થો છે તે સમાજનો છે તેને દેવદ્રવ્ય ગણવામાં આવે છે. તેના પર કોઈનો અધિકાર નથી. તેવે વખતે પોતાના જ કરતૂતોથી આર્થિક સંકટમાં આવેલી કેન્દ્ર સરકાર શા માટે આવી સંપત્તિ પર નજર નાખે છે?

ભૂતકાળમાં પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ એક્ટ ટ્રસ્ટોની અબજો રૂપિયાની સંપત્તિ પર નિયંત્રણ લાદવામાં આવ્યા હતા. પ્રજાના હિત માટે કાર્ય કરતી સંસ્થાઓના વહીવટ પર દેખરેખ રાખવાને બહાને બે ટકા વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવતો હતો, પરંતુ મહારાષ્ટ્રમાં તેમને બરાબર ટિંગાડી દઈને કાયદો ઘડનારાઓને કાયદો બોમ્બે હાઈ કોર્ટ દ્વારા સમજાવવામાં આવ્યો છે!

વધારે પ્રમાણમાં આયાત અને ખાસ કરીને પેટ્રોલ - ડીઝલ પાછળ અઢળક વિદેશી મુદ્રાનો ખર્ચ થાય છે, પરંતુ આયાતો કેમ વધી? જવાબ મળે છે કે ખોટી નીતિઓની કારણે. તો પછી આવી ખોટી આર્થિક નીતિ કેમ બદલવામાં આવતી નથી? રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયાએ દક્ષિણ ભારતના મંદિરો પાસે સોનાનો કેટલો જથ્થો છે તે જાણવા એક પત્ર લખ્યો છે.

વિકાસ કરવાના નેજા હેઠળ જે મૂળભૂત વ્યવસ્થા હતી તે તોડી નાખવામાં આવી છે અને હવે રઘવાયા થયા છે. ૧૯૫૦ સુધી ડીઝલ - પેટ્રોલની આયાત માત્ર રૂ. ૩૦ કરોડની પ્રતિ વર્ષ હતી. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ઈંધણ અને ઘરગથ્થુ ઊર્જા લગભગ નિ:શુલ્ક હતી. તે બાબતની સાથે ચેડાં થયા અને આજે હવે મંદિરોનું સોનું હડપ કરી જવા સુધી વાત પહોંચી છે.

રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયાને કયા મંદિર પાસે કેટલા પ્રમાણમાં સોનાનો જથ્થો છે તે જાણવાનો અધિકાર કઈ રીતે પ્રાપ્ત થયો છે? રિઝર્વ બૅન્કને આવો સરક્યુલર મોકલવાની પ્રેરણા કોણે આપી છે? દક્ષિણના મંદિરો જે ટ્રસ્ટ સંચાલિત છે તેમની પર કાર્યવાહી થયા બાદ વ્યક્તિગત સોનાનો સંગ્રહ ધરાવનાર સામે પણ આવી કાર્યવાહી થવાની પૂરી શક્યતા છે.

પ્રશ્ર્ન એ છે કે કેન્દ્ર સરકારની ખોટી નીતિને કારણે મંદિરોએ શા માટે સોના માટે કોઈ ખાતરી આપવી જોઈએ? છેલ્લાં ૫૦-૬૦ વર્ષથી માત્ર થીંગડા મારવાની આર્થિક નીતિ અમલી બની છે. પ્રજાને બેહાલ બનાવીને ભ્રષ્ટ રાજકારણીઓ અને લાંચિયા સરકારી અધિકારીઓએ તેમના નાણાં વિદેશી બૅન્કમાં જમા કરાવ્યા છે તે નાણાં પરત લાવવા કેમ કંઈ થતું નથી?

તિરૂપતિ બાલાજી મંદિર પાસે ૧૨૦૦ થી ૧૫૦૦ ટન સોનાનો જથ્થો હોવાની જાણકારી છે, જ્યારે સમગ્ર ભારતમાં જે સોનાનો જથ્થો છે તે ૩૦ થી ૩૫ હજાર ટનનો હોવાનો અંદાજ છે. રાજકારણીઓ પૈસા ઉડાવે અને દેવદ્રવ્ય તરીકે મંદિરોનું સોનું હડપ કરીને આયાત - નિકાસના આંકડાનો મેળ ત્યારપછી બેસાડવામાં આવે છ, પરંતુ આયાત ઓછી કરવા અને સરકારી ખર્ચા ઘટાડવા શું થયું છે?

છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકારે આર્થિક બાબતો પરથી પક્કડ ગુમાવી છે. ૧૦ વર્ષના શાસનમાં જેટલા ખોટા નિર્ણયો થયા છે તેનાથી માત્ર ભ્રષ્ટ વ્યક્તિઓને જ લાભ થયો છે. પ્રમાણિક અને નિષ્ઠાવાનના ભાગે તો ભૂખમરો જ આવ્યો છે. છતાં કહેવાતી વિકાસની યોજનાઓ ચાલી રહી છે કે જેમાં માત્ર ગરીબોની જ જમીન પડાવી લેવામાં આવે છે.

સિદ્ધાંત, આદર્શ-ધ્યેય, કર્તવ્ય અને આવશ્યકતા આ બધી બાબત અને વર્તન તથા પ્રવૃત્તિ બન્ને અલગ અલગ છે. પ્રવૃત્તિ કરતાં સિદ્ધાંત અને તેનો નિર્ણય એ વધુ મહત્ત્વની બાબત છે, પરંતુ પ્રધાનો દ્વારા લેવાતા નિર્ણય પ્રજાને આજે વિનાશક જણાય છે. વળી ખોટો નિર્ણય લેનારની કોઈ જવાબદારી જ નથી તે બાબતને હવે કેવી ગણવી?

"સોને કી ચિડિયા ગણાતા ભારતમાં આજે કેન્દ્ર સરકાર હવે મંદિરોના સોના પર નજર બગાડી રહી છે તે વાત ભલે હાલમાં ઠંડી પડી ગઈ હોય, પરંતુ "રાષ્ટ્રના હિતના નામે ભવિષ્યમાં તેને સક્રિય કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. તેવે વખતે કંઈક નવી ભાષા - નવી પરિસ્થિતિ અને નવા જ સંજોગોને રજૂ કરવામાં આવે તેમ છે. પ્રજાએ હવે જાગૃતિ અને સાવધાની રાખવી રહી.

તંત્રીલેખ, Mumbai Samachar,14-09-2013

No comments:

Post a Comment