Monday, May 25, 2020

બ્રહ્માંડ પરિવર્તનશીલ છે માટે બ્રહ્માંડનાં સત્યો પણ બદલાવાં જ જોઇએ -- ડૉ. જે. જે. રાવલ

સત્ય એટલે શું? સત્ય કોઇને કહેવાય? સત્ય એટલે જે ભૂતકાળમાં, વર્તમાનકાળમાં અને ભવિષ્યમાં સાચું રહે તે સત્ય. સત્ય પામવાના ઘણા રસ્તા છે જેમ એક બિન્દુથી બીજા બિન્દુએ જવાના ઘણા રસ્તા છે. તે જ રીતે સત્ય પામવાના ઘણા રસ્તા છે. તે જ રીતે ઇશ્ર્વરને પામવાના પણ ઘણા રસ્તા છે. માટે તો ભારતમાં ૩૩ કરોડ દેવતા છે, ૬૫ કરોડ પણ હોઇ શકે. સત્ય, ઇશ્ર્વર, જ્ઞાન, અંતરીક્ષ, બ્રહ્મ, સમય, ધર્મ, આ બધાં એકના એક જ છે. માત્ર નામ જુદાં છે. આ બધાં જ નિરંજન-નિરાકાર છે. આ બધામાં આપણને કોઇ પણ દેખાતું નથી, પણ કાર્ય કરે છે. તમને બુદ્ધિ દેખાય છે? ભાવના, કરુણા, ડહાપણ દેખાય છે? ઊર્જા દેખાય છે? અંતરીક્ષ દેખાય છે? નથી દેખાતાં પણ તેઓ છે અને કાર્ય કરે છે.

એક કોન્સ્ટેબલ, પત્રકાર, સરકારી અધિકારી, વિજ્ઞાની, એન્જિનિયર, ડૉક્ટર, ઉદ્યોગપતિ, રાજકારણી, શિક્ષક, સરકારી ઓફિસનો સામાન્ય ક્લાર્ક, બધાં જ પોતપોતાના કાર્યક્ષેત્ર દ્વારા સત્યને, ઇશ્ર્વરને પામી શકે છે.

દરેકે દરેક બાબતના અને ક્ષેત્રના સત્યો અલગ અલગ હોય છે, તેમ છતાં સત્ય તો એક જ છે. આ બાબત આપણા મનીષીઓ હજારો વર્ષ પહેલાં સમજી ગયા હતા, માટે તો તેઓએ કહેલું, એકદ્ સદ્ વિપ્રા: બહુધા વદ્ન્તિ ા અર્થાત્ સત્ય એક જ છે પણ વિદ્વાનો તેને અલગ અલગ રીતે વર્ણવે છે.

વિજ્ઞાનીની કુદરત તે સામાન્ય માનવીનો ઇશ્ર્વર છે અને વિજ્ઞાનીના કુદરતના નિયમો તે સામાન્ય માનવીના ઇશ્ર્વરના નિયમો છે. કુદરત એ જ ઇશ્ર્વર અને ઇશ્ર્વરનું વિશ્ર્વરૂપ દર્શન.

સત્ય દિક્ - કાળ પર પણ આધાર રાખે છે. એક સાધુ મહાત્મા હતા. જંગલમાં ઝૂંપડું બાંધીને રહેતા હતા. તેમની ઝૂંપડી પાસે એક ઝાડ હતું. તેની ફરતે પથ્થરનો ઓટલો હતો. મહાત્મા સત્યવ્રતી હતા. એક દિવસ મહાત્મા ચિંતન - મનન કરતા ઝાડની નીચે ઓટલા પર બેઠા હતા. ત્યાં એક પચ્ચીસ-ત્રીસ વર્ષનો યુવાન હાંફતો-હાંફતો આવ્યો અને મહાત્માને કહ્યું, મહાત્મા, મારી પાછળ બે ચોરો પડ્યા છે અને મારા કુટુંબના નિભાવ માટે મારી પાસે થોડા પૈસા છે તે લઇને મને મારી નાખવા માગે છે. હું દક્ષિણ દિશામાં જાઉં છું. તે બે ચોરો અહીં આવે અને તમને મારા વિષે પૂછે કે હું કઇ દિશામાં ગયો છું તો કહેજો કે હું ઉત્તર દિશામાં ગયો છું, નહીં તો એટલું તો જરૂર કહેજો કે હું તો ધ્યાનમાં હતો મને ખબર નથી કે તે માણસ કઇ દિશામાં ગયો છે. તો જ હું બચી શકીશ. આમ કહી તે તો હાંફળો-ફાંફળો દક્ષિણ દિશામાં ભાગ્યો.

થોડી વાર પછી બે ચોરો આવ્યાં. તેમનાં હાથમાં ધારિયાં હતાં. તેમણે મહાત્માને પૂછ્યું, સાધુ, એક માણસ અહીંથી નીકળ્યો તે કઇ દિશામાં ગયો છે. સત્યવ્રતી મહાત્માએ તો સાચું કહી દીધું કે તે માણસ દક્ષિણ દિશામાં ગયો છે. તે બંને ચોરો પછી દક્ષિણમાં ગયા અને તે માણસને પકડી ધારિયાથી મારી નાખ્યો અને તેને લૂંટી લીધો.

પછી તો સમય વીતતો ગયો અને કાળે કરી એ મહાત્મા મૃત્યુ પામ્યા. યમદૂતો તેના જીવને લઇને યમપુરીમાં ગયા અને તેને યમરાજ સમક્ષ ઊભો રાખ્યો. યમરાજે ચિત્રગુપ્તને કહ્યું, ચિત્રગુપ્ત આ સત્યવ્રતી મહાત્મા સાધુનો શો હિસાબ-કિતાબ છે. ચિત્રગુપ્તે ચોપડો જોઇને કહ્યું, યમરાજ, આને તો નરકમાં ધકેલવાનો છે. સાધુમહારાજે આ સાંભળીને યમરાજને કહ્યું, મહારાજ, મેં તો જીવનમાં સત્યવ્રત ધારણ કરેલું, તો મને નરક શા માટે? યમરાજે વળી પાછું ચિત્રગુપ્તને કહ્યું, ચિત્રગુપ્ત, આ સત્યવ્રતી સાધુમહારાજને નરક શા માટે? તેનો જવાબ આપો. ત્યારે ચિત્રગુપ્તે કહ્યું, મહારાજ તે જે સાચું બોલ્યા તેમાં નિર્દોષ ગરીબ માણસનું મૃત્યુ થયું. માટે એ દોષી છે. અને તેને નરકમાં ધકેલવાનો છે. તો આ કથાનો સંદેશ એ છે કે કોઇ નિર્દોષ માનવીનું સત્ય બોલવાનો આગ્રહ રાખી મૃત્યુ થતું હોય તો એવું સત્ય ન બોલાય, તેઅસત્ય ઠરે છે. શ્રીકૃષ્ણના જીવનમાંથી પણ આ બાબત સ્પષ્ટ બને છે. તેઓ સત્યને કાયમ કરવા અસત્યનો આશરો લેતાં પણ અચકાયા નથી. સત્ય અને અસત્યની આવી માયા છે.

ઘણી વાર સત્ય દેખાતું નથી અને દેખાય છે તે સત્ય હોતું નથી. અખબારોમાં જે બધું આવે છે કે જે બધું આપણે સાંભળીએ છીએ તે સત્ય હોતું નથી.

તર્ક, સત્ય શોધવા ખૂબ જ મદદ કરે છે વિજ્ઞાન, તર્ક પર ચાલે છે.

વિજ્ઞાન, જ્ઞાનનો જ ભાગ છે, પણ તે વિશિષ્ટ જ્ઞાન છે. વિજ્ઞાન એ માટે વિશિષ્ટ જ્ઞાન છે કે તેને સત્ય અને માત્ર સત્ય જ ખપે છે. બીજું તે દરેક વસ્તુની સાબિતી માગે છે.

વિજ્ઞાનીની થીઅરી ગણિત અને ભૌતિકશાસ્ત્રીય ગમે તેટલી સાઉન્ડ હોય પણ છેવટે તેને નિરીક્ષણાત્મક ટેકો હોવો જરૂરી છે,
Observational support હોય તો જ તે સિદ્ધાંત બને law બને. થીઅરીની સચ્ચાઇ માટે એટલે કે કસોટી માટે (આગાહી)ની પણ જરૂર હોય છે.

prediction વગરની થીઅરી નીરસ હોય છે.

ખગોળવિજ્ઞાનીઓએ સૂર્ય કરતાં દસ, વીસ, પચાસ કે તેથી વધારે, ગણા પદાર્થવાળા તારામાં જ્યારે તેના કેન્દ્રભાગમાં આણ્વિક ક્રિયા તદ્દન નબળી પડે છે એટલે કે તેમાં અણુઇંધણ ખૂટી જવા આવે છે ત્યારે તે તારામાં ગુરુત્વીયપતન (gravitational collapse) થાય છે અને તેનું ગુરુત્વાકર્ષણ એટલું તો પ્રબળ બને છે કે તેમાંથી પ્રકાશ પણ નીકળી શકતો નથી. તેને બ્લેકહોલ કહે છે.

વિખ્યાત ખગોળવિજ્ઞાની સ્ટીફન હૉકિંગનું નામ તમે સાંભળ્યું હશે. તેઓ લગભગ એક વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા. હૉકિંગે ગ્રેવિટી અને ક્વોન્ટમ ફિઝિક્સને ભેગાં કરી દર્શાવ્યું કે બ્લૅકહોલમાંથી થોડું પણ રેડિયેશન બહાર નીકળે છે. આ બ્લૅકહોલની થીઅરીનું આગળનું સત્ય ગણાય. પણ હૉકિંગના આ રેડિયેશનનું નિરીક્ષણ હજુ સુધી થયું નથી. તેથી તેમને નોબેલ પ્રાઇઝ મળ્યું નહીં. જો એ રેડિયેશનનું નિરીક્ષણ થયું હોત તો તરત જ તેમને નોબેલ પ્રાઇઝ મળત. તેઓ ૯૯ ટકા વિકલાંગ હોઇ તેમને તરત જ નોબેલ પ્રાઇઝ મળી જાત કે એવી સ્થિતિમાં પણ તેમણે ઉચ્ચ પ્રકારનું સંશોધન ચાલુ રાખ્યું.

નોબેલ પ્રાઇઝ મરણોત્તર અપાતું નથી, થીઅરીનું સત્ય,નિરીક્ષણાત્મક રીતે સાબિત થવું જ જોઇએ. આમ વૈજ્ઞાનિક સત્ય, જ્યારે તેનાથી ઊંચું સત્ય શોધાય ત્યારે બદલાય છે.

ભારતીય-અમેરિકી ખગોળવિજ્ઞાની સુબ્રમણ્યન ચંદ્રશેખર ૧૯૩૩માં ગ્રેવિટી, વિશિષ્ટ સાપેક્ષવાદ અને ક્વોટન્મ ફિઝિક્સની મદદથી થીઅરી આપી કે જો સૂર્ય કરતાં દોઢ ગણા પદાર્થના તારાના ગર્ભભાગમાં જ્યારે અણુઇંધણ ખૂટવા આવે છે ત્યારે તેમાં ગુરુત્વીયપતન થાય છે અને તારાના ૧૪ લાખ કિલોમીટરના વ્યાસમાંથી તેનો વ્યાસ માત્ર ૧૪૦૦૦ કિલોમીટર બને છે. આવા લગભગ નિસ્તેજ તારાને વ્હાઇટ ડ્વાર્ફ સ્ટાર કહે છે. અને તારાના સૂર્યમાં જે પદાર્થ છે તેના દોઢ ગણા પદાર્થને ચંદ્રશેખર લિમિટી કહેવામાં આવે છે. ચંદ્રશેખરની આ થીઅરી લગભગ ૩૦ વર્ષ પછી નિરીક્ષણાત્મક રીતે સાબિત થઇ અને તે માટે તેને ૧૯૮૩માં, પચાસ વર્ષ પછી નોબેલ પ્રાઇઝ મળ્યું.

બે વર્ષ પહેલાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલુરુના વિજ્ઞાનીઓએ જોયું કે ચંદ્રશેખરે તેના કાર્યમાં ગ્રેવિટી, વિશિષ્ટ સાપેક્ષવાદ અને ક્વોન્ટમ ફિઝિક્સનો ઉપયોગ કર્યો છે પણ દરેક તારાને ચુંબકીયક્ષેત્ર પણ હોય છે, તેનો ઉપયોગ નથી કર્યો તે સંપૂર્ણ વાસ્તવિકતા (reality) નથી. તેઓએ મેગ્નેટિકફિલ્ડની અસરને ગણતરીમાં લઇ ચંદ્રશેખરના કાર્યને ફરીથી રચ્યું તો માલૂમ પડ્યું કે તારામાં જો સૂર્યમાં જે પદાર્થ છે તેનાં કરતાં અઢી ગણો પદાર્થ હોય ત્યારે તે વ્હાઇટ ડ્વાર્ફ (શ્ર્વેતપટુ શ્ર્વેતવામન) બને. આમ ચંદ્રશેખરની નોબેલ પ્રાઇઝ વિનિંગ થીઅરી પણ વિસ્તૃત થઇ. આમ વૈજ્ઞાનિક સત્ય બદલાઇ શકે છે. જેમ જેમ જ્ઞાનની ક્ષિતિજ વિસ્તૃત થાય તેમ તેમ વૈજ્ઞાનિક સત્ય બદલાય.

ધર્મના કહેવાતા ધુરંધરો માને છે કે કુરાન, બાઇબલ, ગીતાનાં સત્યો બદલાતાં નથી. માટે તે અચળ છે અને વિજ્ઞાનનાં સત્યો બદલાતાં રહે છે, માટે તે સત્ય નથી. અરે ભાઇ પૂરું બ્રહ્માંડ ક્ષણે ક્ષણે બદલાય છે. તો તે પ્રમાણે સત્યો પણ બદલાય જને ? પ્રાચીન સમયમાં લોકો ઉઘાડા પગે ફરતાં, ચાલીને ફરતાં, તેમનાં ઘરો, ખાણીપીણી અને વસ્ત્રો કેવાં હતાં અને હાલમાં કેવાં છે. મનુસ્મૃતિ અને તુલસીદાસે રામાયણ લખી ત્યારે જુદો જમાનો હતો, અને હાલમાં જુદો છે. બ્રહ્માંડ પરિવર્તનશીલ છે. માટે બ્રહ્માંડનાં સત્યો પણ બદલાવાં જ જોઇએ. (ક્રમશ:)
http://bombaysamachar.com/epaper/e06-1-2019/UTSAV-SUN-06-01-2019-Page-10.pdf

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=456787

સત્યમાં માનતું વિજ્ઞાન ધર્મનું વિરોધી નથી

પ્રથમ લેખમાં આપણે જોયું કે વિજ્ઞાનને સત્ય સિવાય કાંઇ ખપતું નથી, પણ વિજ્ઞાનનું સત્ય જેમ જેમ આપણી જ્ઞાનવિજ્ઞાનની ક્ષિતિજો વિસ્તૃત થતી જાય છે તેમ તેમ તે બદલાતું પણ જઇ શકે છે. તે નિરપેક્ષ ન પણ રહે. તેમ છતાં એ પણ છે કે બ્રહ્માંડમાં બધું સાપેક્ષ છે.

ન્યાય, વકીલોની દલીલ, ફોરેન્સિક સાયન્સ બધું જ સત્ય અને તર્ક પર આધારિત છે. રાજકારણ પોલિટિક્સ સાયન્સ છે.

રાજકારણીઓ તેને અવૈજ્ઞાનિક બનાવી નાખે છે તે જુદી વાત છે. ચાણક્યે તેને ખરા વૈજ્ઞાનિક સ્વરૂપમાં પ્રદર્શિત કર્યું છે, પણ ચાણક્ય નીતિને ખરાબ રીતે વાપરવાની શરૂઆત થઇ છે. કોઇ પણ રાજકીય પાર્ટી સાચી ચાણક્ય નિતીને અનુસરતી નથી તે આપણા દુર્ભાગ્ય છે. લેખકો અને વિદ્વાનો બિચારા લખી લખીને થાકી જાય છે પણ રાજકારણીઓ તેને ધ્યાનમાં લેતા નથી.

ધર્મના અમુક ધુરંધરો માને છે કે વિજ્ઞાન વિનાશક છે. વિજ્ઞાન તો વિશેષ જ્ઞાન છે તે કેવી રીતે વિનાશક હોઇ શકે? જે વિજ્ઞાનનો ઉપયોગ કરીને વિનાશ કરે છે તે માનવીની વિકૃત બુદ્ધિ છે.

ધર્મના અમુક ધુરંધરો માને છે કે વિજ્ઞાન ધર્મનું વિરોધી છે. વિજ્ઞાન સત્યમાં માનતું હોઇ તે કેવી રીતે ધર્મનું વિરોધી હોઇ શકે? ધર્મ સત્ય પર તો આધારિત છે અને વિજ્ઞાન પણ સત્ય પર જ આધારિત છે. હકીકતમાં વિજ્ઞાન ધર્મનું હૃદય છે. તે જ ધર્મ સાચો જે વૈજ્ઞાનિક હોય. ધર્મનું પણ વિજ્ઞાન છે અને વિજ્ઞાનને પણ ધર્મ છે. ધર્મમાં જે ધતિંગ ચાલે છે, દોરા-ધાગા, વ્યક્તિપૂજા ભેદભાવ, વેપાર, અંધશ્રદ્ધા તેની સામે વિજ્ઞાન લાલબત્તી ધરે છે. વિજ્ઞાન ધર્મને ચકચકિત રાખવા ઇચ્છે છે. આપણા વેદો-ઉપનિષદો-ગીતા સંસ્કૃત ભાષા બધા જ વૈજ્ઞાનિક છે. માટે હાલ સુધી ટકી રહ્યા છે. કહેવાતા કર્મકાન્ડીઓએ ધર્મમાં જે સ્વર્ગ-નરકની વાતો ઘાલી દીધી છે જે માની શકાય તેમ નથી. આપણાં ધર્મશાસ્ત્રો અને પુરાણોમાં ઘણી કથાઓ છે પણ તેમાંથી સંદેશ લેવાનો હોય છે. ધર્મમાં તેના અનુયાયીઓ લડે છે તે પણ ધર્મના આદેશને અનુરૂપ નથી. દરેક ધર્મ પોતાનો એક જ ઇશ્ર્વર છે અને બીજા ધર્મના ભગવાન, તેના ભગવાન નથી એ વાતાવરણ પણ ધર્મના આદેશને અનુરૂપ નથી, કારણ કે ઇશ્ર્વર એક જ છે.

માનવીના જીવનમાં કરૂણા, ભાવના, દયા, આધ્યાત્મિકતાની જરૂર છે. બધા જ કુદરતનાં સર્જનો છે. પૂરું બ્રહ્માંડ એક માળો છે, કુટુંબ છે. પ્રાણીજગત, વનસ્પતિ જગત, માનવ જગત બધાં જ એક કુટુંબનાં જ સભ્યો છે. જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને આકાશ એમ બધાં જ પંચમહાભૂતોને શાંતિ જોઇએ એ સત્ય હકીકત છે. એને જો આપણે અશાંત કરીએ તો આપણે આપણું જ મોત નોતરીએ છીએ. આ પણ સત્ય છે.

ન્યુટને ગતિશાસ્ત્ર આપ્યું પહેલાં એમ મનાતું કે કોઇ પણ વસ્તુ આપણે આકાશમાં ફેંકીએ તો તે પૃથ્વી પર પાછી આવે અને આવે જ પણ ન્યુટનના ગતિશાસ્ત્રે દર્શાવ્યું કે જો આપણે કલાકના ૪૦,૦૦૦ કિલોમીટરની ઝડપે કોઇ વસ્તુ આકાશમાં ફેંકીએ તો તે કદી પાછી આવે જ નહીં. આ થિયરી થઇ તેની ચકાસણી તો કરવી પડે ને કે સત્ય છે કે નહીં? પણ આટલી મોટી ગતિ કલાકના ૪૦,૦૦૦ કિલોમીટર કેવી રીતે ઉત્પન્ન કરવી? વિજ્ઞાનીઓની આ મુંઝવણ હતી. હાલમાં શતાબ્દિ અને રાજધાની ગાડીઓ કલાકના માત્ર ૧૦૦ કે ૧૩૦ કિલોમીટરની ગતિથી ચાલે. પેટ્રોલ વિમાનને કલાકના ૧૦૦૦ કિલોમીટરની ગતિ આપે છે. તો કલાકના ૪૦,૦૦૦ કિલોમીટરની ગતિ કેવી રીતે ઉત્પન્ન કરવી? અને એ ગતિ જો વસ્તુને આપીએ તો તે અંતરિક્ષમાં જાય અને પછી તે પાછી ફરે નહીં જો આ ગતિથી આપણું રોકેટ જાય તો જ તે પૃથ્વીના ગુરૂત્વાકર્ષણને ભેદીને અંતરિક્ષમાં જાય જેથી આપણે ચંદ્ર કે મંગળ પર જઇ શકીએ.

ન્યુટનનું ગતિશાસ્ત્ર તો છેક સત્તરમી સદીમાં અસ્તિત્વમાં આવ્યું પણ વિજ્ઞાનીઓ રોકેટને આકાશમાં છોડવાની ગતિ કલાકના ૪૦,૦૦૦ કિલોમીટરની મેળવી શક્યા ન હતા. તેથી છેક ૧૯૫૭ની ઓક્ટોબરની ચોથી તારીખે તેઓ રોકેટને પૃથ્વીના ગુરૂત્વાકર્ષણને ભેદી અંતરિક્ષમાં મોકલી શક્યા જ્યારે તેઓ એવું ઇંધણ શોધી શક્યા જે રોકેટને કલાકની ૪૦,૦૦૦ કિલોમીટરની ગતિ આપી શકે, આ રીતે તેમણે ન્યુટનના ગતિશાસ્ત્રની છટકગતિને પુરવાર કરી શક્યા. આમ વિજ્ઞાનને માત્ર સત્ય જ નથી ખપતું પણ તેની કસોટી પણ કરી તેને સત્ય પુરવાર કરવું પડે છે. ત્યાં સુધી થિયરી, થિયરી જ રહે છે.

ન્યુટનના ગતિશાસ્ત્રના નિયમો સાચા છે કે ખોટા તે તપાસવા મોટરની જરૂર પડે, પણ મોટર ક્યારે ચાલે? તેમાં ઇંધણ નાખીએ તો ચાલે. આ દર્શાવે છે કે ન્યુટનના ડાયનામિક્સમાં કેમિસ્ટ્રી ઘૂસી ગઇ. ઇંધણ એટલે કેમિસ્ટ્રી (રસાયણશાસ્ત્ર). આપણે મોટાં મોટાં દૂરબીનોથી આકાશીપિંડોનો અભ્યાસ કરીએ છીએ. પણ દૂરબીનો કાચની દેન છે. કાચ એ ફરી પાછી કેમિસ્ટ્રી છે. તો ખગોળવિજ્ઞાનમાં વળી પાછી કેમિસ્ટ્રી ઘૂસી આવી.

આપણે સૂક્ષ્મજગતનો અભ્યાસ કરવો હોય તો તે સૂક્ષ્મદર્શકયંત્રથી થાય. તેમાં પણ કાચની જરૂર પડે, કેમિસ્ટ્રીની જરૂર પડે.

ડૉક્ટરનાં બધાં જ સાધનો સ્ટેથોસ્કોપ, થર્મોમીટર, સોનોગ્રાફી, કોબાલ્ટ મશીન, એક્સ-રે, મેગ્નેટીક રેસોનન્સ ઇમેજિંગ મશીન, (MRI) ભૌતિકશાસ્ત્રના બનાવેલાં છે. કેશાકર્ષણનો નિયમ ભૌતિકશાસ્ત્રનો છે પણ વૃક્ષના મૂળમાંથી પાણી કેવી રીતે વૃક્ષની ટોચ પર પહોંચે છે તે આપણને વનસ્પતિશાસ્ત્રનું સત્ય સમજાવે છે. આ દર્શાવે છે કે જેમ પાણીના ચોસલા પાડી શકીએ નહીં તેમ જ્ઞાનના ભાગલા પાડી શકાય નહીં. We can not compartmentalize knowledge. જ્ઞાનની ઘણી શાખાઓ છે પણ એ તો જ્ઞાન વધી ગયું માટે. નહીં તો જ્ઞાનના ભાગલા પાડી શકાય નહીં. આ સત્ય આપણા મનીષીઓએ સાત હજાર વર્ષ પહેલાં જાણી લીધું હતું. તેઓએ વેદોમાં લખ્યું છે કે આનોભદ્રા: ક્રતવો યન્તુ વિશ્ર્વત: i અર્થાત્આપણને દરેક દિશામાંથી ઉમદા વિચારો પ્રાપ્ત થાય.

પ્રકૃતિ અને પર્યાવરણ જ ઇશ્ર્વર છે અને એ જ વિશ્ર્વસ્વરૂપદર્શન છે જે આપણને જીવાડે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ પંચમહાભૂત જ આપણા દેવતા છે, ઇશ્ર્વર સ્વરૂપ છે. પ્રકૃતિને આપણે ભોગનું સાધન માનીએ છીએ અને તેનું અતિશોષણ કરીએ છીએ, લૂંટાય તેટલું લૂંટો. આ જ હાલમાં જે પ્રકૃતિ અને પર્યાવરણ દૂષિત થઇ ગયું છે તેની પાછળનું કારણ છે. વિકાસના નામે આપણે પ્રકૃતિ-પર્યાવરણનો નાશ કરતા જઇએ છીએ. પહાડો તોડતા જઇએ છીએ, નદીઓ ગંદી કરતા જઇએ છીએ, ભોગ વિલાસ માટે વાહનો, કારખાનાઓ ખડકતાં જઇએ છીએ. ધનને ઇશ્ર્વર માની બેઠા છીએ. સૂર્ય જ જગતનો આત્મા છે. આ બ્રહ્માંડ પૂરું અગ્નિનો ગોળો છે. પાણી અને વાયુ માટે જ ઉત્પન્ન થાય છે. પૃથ્વી પોતે જ પ્રકૃતિનું ફરજંદ છે.

પદાર્થ તત્ત્વોનાં બનેલા છે. તત્ત્વો ઇલેક્ટ્રોન-પ્રોટોન્સ-ન્યુટ્રોન્સનાં બનેલા છે. સૂક્ષ્મકણો કવાર્કસના બનેલા છે.

છેવટે તે અદૃશ્ય ચેતનાનાં બનેલાં છે જે બ્રહ્માંડની દરેક વસ્તુની કારક છે. આપણું શરીર જે ધબકતું રહે છે તે ચેતનાને લીધે જેને આપણે આત્મા કહીએ છીએ. શ્ર્વાસોચ્છ્વાસ એ ચેતનાના અસ્તિત્વની છડી પોકારે છે. એ ચેતના ચાલી જાય પછી શરીરની કોઇ કિંમત નથી, એ શરીર ભલે શંકરાચાર્ય, વિવેકાનંદ, ગાંધીજી, ન્યુટન, આઇન્સ્ટાઇન કે કોઇ સુંદરીનું હોય. આ બ્રહ્માંડરૂપી ઇશ્ર્વરનો ગોળો તમે કયા પ્લેટફોર્મથી તેને જોવો છો તેવો દેખાય છે. સત્ય અને ઇશ્ર્વરને વિજ્ઞાનરૂપી દિવ્ય ચક્ષુ વડે સમજી શકાય છે. ઇશ્ર્વરની અદ્ભુત માયાના દર્શન થાય છે.

ગાંધીબાપુએ કહેલું કે આપણી વસુંધરા દરેકની જરૂરિયાત પૂરી પાડી શકે છે, પણ કોઇના લોભને સંતોષી શકે નહીં.

જ્ઞાન જ તમને મોક્ષ અપાવી શકે એટલે કે બ્રહ્માંડની, જગતની સાચી સમજ આપી શકે. માટે જ આપણા મનીષીઓએ વેદોમાં કહ્યું છે જ્ઞાનાદેવતુ કૈવલ્યમ ા જ્ઞાન જ આપણને ઇશ્ર્વર સમીપે લઇ જાય. એ જ ઇશ્ર્વરનું સ્વરૂપ છે.

કોઇ પણ ક્ષેત્રના સંશોધકો, સત્યશોધકો જ છે અને એ બધા વિજ્ઞાનીઓ જ ગણાય. વિજ્ઞાન અભિગમ જ એક દિવ્ય દૃષ્ટિ છે.

બ્રહ્માંડની વાસ્તવિકતા સમજવી એ જ ઇશ્ર્વરને પામવાની વાત છે. વિજ્ઞાન અને વિજ્ઞાનીઓ કલ્યાણકારી છે અને ઇશ્ર્વરના પ્રતિનિધિઓ છે.

અંતરિક્ષ ક્યાં નથી, વિજ્ઞાન ક્યાં નથી, પાણી જ બ્રહ્માંડનું અમૃત છે. પિંડ અને બ્રહ્માંડમાં ફરક નથી. ભાષા એ શબ્દ બ્રહ્મ છે. બ્રહ્માંડમાં બધે જ નૃત્ય ચાલે છે. નટરાજ નૃત્યબ્રહ્મ છે. સંગીત નાદ બ્રહ્મ છે. આ બ્રહ્માંડ પોતે જ કુદરતનું મહાકાવ્ય છે. ગણિતશાસ્ત્ર એ ઇશ્ર્વરનું માઇન્ડ અનંતતા ઇશ્ર્વરનું સ્વરૂપ છે. પાઇ, e (ઈ) અવાસ્તવિક સંખ્યાની અનંતતા ઇશ્ર્વરની ઝાંખી કરાવે છે.

http://bombaysamachar.com/epaper/e13-1-2019/UTSAV-SUN-13-01-2019-Page-09.pdf

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=467240





શંકરાચાર્ય, નરસિંહ મહેતા, રામાનૂજન, વિવેકાનંદ, આઇન્સ્ટાઇન, ન્યુટન, ડેવીડ હિલ્બર્ટ, હાઇઝેનબર્ગ બધા સત્ય શોધકો હતા, વિજ્ઞાનીઓ હતાં. ઇશ્ર્વરના અસ્તિત્વને સમજાવવા બ્રહ્માંડ પ્રશ્ર્નો ઊભા કરે છે અને જ્ઞાન-વિજ્ઞાન તેના જવાબો આપે છે.

ભારતીય મનીષીઓ બ્રહ્માંડને સમજવામાં પાયામાં હતા. માટે જ તેમણે બ્રહ્મ, બ્રહ્માંડ અનંતતાના વિચારો આપણને આપ્યા છે. પૂર્ણમિંદ પૂર્વાદમિંદ જેવા વિચારો આપ્યા છે. આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદની ફિલોસોફીને તેઓએ તત્ત્વ જ્ઞાનમાં રજૂ કરી હતી.


No comments:

Post a Comment