Monday, May 25, 2020

એપોલો અવકાશયાનો ચંદ્ર પર છોડી આવેલા એ ગંદકી પાછી લાવશે અમેરિકા ----ડૉ. જે. જે. રાવલ


બ્રહ્માંડ મહાવિસ્ફોટ (બિગ બૅંગ)થી જન્મ્યું. ઊર્જા બહાર પડી. તે વખતના ભયંકર ઉષ્ણતામાન અને દબાણ નીચે સબ-એટમિક, સબ-ન્યુક્લીઅર, પરમાણુ, અણુ અસ્તિત્વમાં આવ્યા. આઈન્સ્ટાઈનના E=MC 2ના સિદ્ધાંત મુજબ ઊર્જામાંથી પદાર્થ અસ્તિત્વમાં આવ્યો. ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન અસ્તિત્વમાં આવ્યા. તેમાંથી હાઈડ્રોજન, હેવી હાઈડ્રોજન, હિલિયમના અણુઓ ઉત્પન્ન થયા. એક ઈલેક્ટ્રોન અને એક પ્રોટોનએ જ હાઈડ્રોજન એટમ. ઈલેક્ટ્રોન ઋણવિદ્યુતભારવાહી નાનો કણ પોતાને જિવાડવા માટે મોટા ઘન વિદ્યુતભારવાહી પ્રોટોનની ફરતે પરિક્રમા કરવા લાગ્યો. તે જ હાઈડ્રોજનનો અણુ. હાઈડ્રોજનનો અણુ કાંઈ લખોટો નથી. તે ઈલેક્ટ્રોન અને પ્રોટોન સાથે યુગ્મ સિસ્ટમ બનાવે છે. ઈલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે ખાલી જગ્યા હોય છે. ઊર્જામાંથી ઋણભારવાહક પદાર્થકણો ઈલેક્ટ્રોન બન્યા. માટે સાથે સાથે કુલ વિદ્યુતભાર શૂન્ય બનાવવા માટે ઘન વિદ્યુતભારવાહી પદાર્થકણો પ્રોટોન બનાવ્યાં. બે હાઈડ્રોજનના અણુ ભેગા મળી હાઈડ્રોજન વાયુ બન્યો. તે જ પ્રમાણે હિલિયમ વાયુ બન્યો અને હાઈડ્રોજન અને હિલિયમ વાયુનાં વાદળો બન્યાં. તેમાંથી મંદાકિની બની અને છેવટે તારા બન્યા. ગોળ ગોળ ફરતા સૌરવાદળે સમયે સમયે વલયો છુટ્ટા પાડ્યાં અને વાયુના ભયંકર દબાણ અને ઉષ્ણતામાને કેન્દ્રસ્થાને ઝળહળતો સૂર્ય બન્યો. સૌરવાદળે છુટ્ટાં પાડેલાં વિવિધ વાયુનાં વલયોમાં અલગ અલગ પ્રકારના વાયુઓ ભેગા થઈ અલગ અલગ પ્રકારના વાયુઓનો રગડો બન્યો અને તેમાંથી પૃથ્વી જેવા ગ્રહો બન્યા.

સલ્ફર ડાયોક્સાઈડ, અમોનિયા, કાર્બન ડાયોક્સાઈડ, મિથેન, ઈથેન, નાઈટ્રોજન વગેરે વાયુઓએ ભેગા મળી રગડો બનાવ્યો. આ રગડો વેસ્ટ જ ગણાય. આ રગડો ઠંડો થઈ ગ્રહનું ઉપરી પડ બનાવ્યું અને વાયુમંડળ જન્મ્યું. પૃથ્વી પર સૂર્યપ્રકાશે જીવન ઉત્પન્ન કર્યું. વર્ષા થઈ, વૃક્ષો જન્મ્યાં. વૃક્ષોએ સૂર્યના પ્રકાશમાં વાયુમંડળનો કાર્બન ડાયોકસાઈડ લઈ ઓક્સિજન ઉત્પન્ન કર્યો. આમ પૃથ્વી નંદનવન બની. છેવટે રગડાએ જેને આપણે વેસ્ટમેટર કહી શકીએ તેમાંથી જીવન ઉત્પન્ન થયું. જીવન છેવટે આવા વેસ્ટમેટરમાંથી ઉત્પન્ન થયું છે. છેવટે વેસ્ટમેટર જ જીવન ઉત્પન્ન કરે છે. વેસ્ટમેટરને વેસ્ટમેટર નહીં માનો પણ જીવનતત્ત્વ માનો.

પૃથ્વી પર જીવન ઉત્પન્ન થયું. સાથે સાથે વેસ્ટમેટર પણ ઉત્પન્ન થઈ. જીવનનો ક્રમ અને અંત જ વેસ્ટમેટર છે. પૃથ્વી પરના જીવનનાં મૃત શરીરો વેસ્ટમેટર જ બને. પૃથ્વી પરનું વાયુમંડળ પણ વેસ્ટમેટર જ છે અને ગંદકીમાં જ જીવન પેદા થાય છે અને ગંદકીથી જ જીવન પેદા થાય છે. પેટ્રોલ, ક્રૂડ ઑઈલ, કેરોસીન વગેરે જૈવિક અશ્મિઓનું ફળ છે.

અવ્યસ્થામાં જ બ્રહ્માંડમાં રાજ કરે છે, વ્યવસ્થા તો સાચવવી પડે છે. અસ્વચ્છતા જ બ્રહ્માંડમાં રાજ કરે છે, સ્વચ્છતા તો જાળવવી જ પડે છે. અવ્યવસ્થા જ સર્જકતાને જન્મ આપે છે, ભલે તે નવો વિચાર હોય, નવી ટેક્નોલોજી હોય કે કાલિદાસ કે શેક્સપિઅરનું સર્જન હોય. માટે અવ્યવસ્થા કે ગંદકીની સામે અણગમોે દેખાડવાની જરૂર નથી. ઈશ્ર્વર પોતે જ સ્વચ્છતા અને અસ્વચ્છતા છે. અસ્વચ્છતા છે તો સ્વચ્છતાનું મહત્ત્વ છે. ખેતરો અને વાડીઓમાં જે ખાતર નંખાય છે તે હકીકતમાં ગંદકી છે, પણ તે જ ઉત્તમ પાક નિપજાવે છે.

બરાબર ૫૦ વર્ષ પહેલાં નીલ આર્મસ્ટ્રોંગ, એડવિન (બઝ) આલ્ડ્રિન અને માઈકલ કોલિન્સે ચંદ્રની મુલાકાત લીધી. તેમાં આર્મસ્ટ્રોંગ અને આલ્ડ્રિન ચંદ્ર પર ઊતર્યાં, આર્મસ્ટ્રોંગ પ્રથમ માનવી છે જેણે ચંદ્ર પર ડગ માંડ્યા. તેના માટે તે થ્રિલિંગ અનુભવ હતો. તેઓ બંને એવી જગ્યાએ ઊતર્યા હતા કે જ્યાં તે પહેલાં કોઈ કાળા માથાનો માનવી ઊતર્યો ન હતો અને તેમના સામે આકાશમાં પૃથ્વી દેખાતી હતી જ્યાંથી તેઓ ૩,૮૪,૦૦૦ કિલોમીટરના અંતરે ચંદ્ર પર આવ્યા હતા. પૃથ્વી પર અમેરિકા, તેમનું કુટુંબ અને બીજા દેશો હતા. તેઓ હેમખેમ પાછા ફરશે તેનો કોઈ ભરોસો ન હતો, અંતરિક્ષમાં તેઓ એવી જગ્યાએ ઊતર્યા હતા. ૨૦ વર્ષ પહેલાં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર ઉતરાણના ૩૦ વર્ષની ઉજવણી પ્રસંગે મુંબઈમાં આવ્યા હતા અને તાજ હોટેલમાં તેમણે તેમના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે, પાછળ જોતાં લાગે છે કે તે હકીકતમાં મહાન સાહસ હતું, કારણ કે એપોલો ૧૧, લેન્ડર એવી બનાવટનાં હતાં કે તેઓ ચંદ્ર પર ઉતરાણ કરવા ખરેખર અયોગ્ય હતાં. માત્ર ચંદ્ર પર ઊતરવાની મહત્ત્વાકાંક્ષાએ જ તેમને ચંદ્રની સફર કરાવી પાછા આણ્યા હતા. લેખકને આર્મસ્ટ્રોંગના વ્યાખ્યાનમાં વિશેષ વ્યક્તિ તરીકે બોલાવવામાં આવ્યા હતા.

તેઓ કીમતી વૈજ્ઞાનિક ડેટા, ચંદ્રના ખડકો અને માટીના નમૂના લઈ આવ્યા હતા પણ પાછળ ઘણી બધી વસ્તુઓ છોડીને આવ્યા હતા. તેમાં નીલ આર્મસ્ટ્રોંગના પ્રથમ પગલાની છાપ, અમેરિકાનો ધ્વજ સાથે સાથે ૯૬ બેગ ભરીને અંતરિક્ષવીરો પોતાની ગંદકી મૂકીને આવ્યા હતા. હવે અમેરિકા વળી પાછું ૫૦ વર્ષ પછી અવકાશવીરો ત્યાં જે ૯૬ બેગ ભરીને

તેમનો વેસ્ટ રાખતા આવ્યા છે, તેને મેળવવા અમેરિકી અવકાશવીરોને ફરી પાછા મોકલવા માગે છે. ૫૦ વર્ષ પહેલાં આર્મસ્ટ્રોંગ જે માનવજાતના કચરાની ૯૬ બેગ મૂકીને આવ્યો છે તે કચરાનો અભ્યાસ કરી અમેરિકી જીવશાસ્ત્રીઓ જીવન વિષે ખૂબ ઉપયોગી માહિતી મેળવવા ઈચ્છે છે.

એપોલો-૧૧ને કેટલાક કેમેરા અને સ્પેસક્રાફટના ઘણા ભાગો પણ પાછળ મૂકતા આવવાની ફરજ પડી હતી. આર્મસ્ટ્રોંગ તેની સાથે ચંદ્રની ભૂમિ પર મૂકવા એક શિલ્પ, સોનાની તક્તી જેમાં ચંદ્ર માટે શુભેચ્છાનું લખાણ હતું અને અકાશવીરના કુટુંબનો ફોટો પણ લઈ ગયા હતા. ૫૦ વર્ષ પછી જોકે નીલ આર્મસ્ટ્રોંગ આપણી વચ્ચે નથી પણ બઝ આલ્ડ્રિન, માઈકલ કોલિન્સ હજુ આપણી વચ્ચે છે.

ચંદ્ર પર અત્યાર સુધીમાં છ એપોલો યાન ઊતર્યાં છે. દરેક વખતે બે અંતરિક્ષયાત્રીઓ ચંદ્ર પર ઊતર્યાં છે, કુલ ૧૨ અમેરિકી અંતરિક્ષયાત્રીઓ ચંદ્ર પર ઊતર્યા છે અને તેમની બધી જ પ્રકારની ગંદકીની બેગો ત્યાં મૂકતા આવ્યા છે. દરેક વખતે અમેરિકી ચંદ્રયાત્રીઓ ચંદ્ર પર બે-ત્રણ દિવસ સુધી રહ્યા હતા. એપોલોયાન અને તેનું લેન્ડર અમુક જ વજન પાછું લાવી શકે તેમ હતાં, કારણ કે તેમને ચંદ્રના ખડકો પણ સાથે લાવવાના હતા માટે ચંદ્રયાત્રીઓને તેમની ગંદકીની બેગો ચંદ્ર પર મૂકતા આવવાની ફરજ પડી હતી. એમ ન કરે તો તેમની જિંદગી જ ખતરામાં પડી જાય.

અમેરિકા ૨૦૨૪ પહેલા ચંદ્રયાત્રીઓને ચંદ્ર પર ઉતારશે. ચંદ્રયાત્રીઓના વેસ્ટનો નાસાના જીવ વિજ્ઞાનશાસ્ત્રીઓ અભ્યાસ કરશે, તેઓ જાણવા માગે છે કે ચંદ્ર પરની વિષમ પરિસ્થિતિમાં જીવન ટકી શકે છે કે નહીં.

ચંદ્ર પર રાતે ઉષ્ણતામાન ઓછા ૧૭૩ અંશ સેલ્સિયસ રહે છે અને દિવસે ઉષ્ણતામાન ૧૫૬ અંશ સેલ્સિયસ રહે છે. આમ દિવસ અને રાત વચ્ચે ઉષ્ણતામાનનો તફાવત ૩૨૯ અંશ સેલ્સિયસ રહે છે. ચંદ્ર પર વાયુમંડળ નહીં હોવાથી ચંદ્રયાત્રીઓના વેસ્ટ પર કોસ્મિક કિરણો અને સૂર્યકિરણોનો મારો ચાલતો જ રહે છે. માટે એ વેસ્ટ પર આ બધાં કિરણોની શું અસર થઈ છે, તે પણ વિજ્ઞાનીઓ જાણવા માંગે છે. આ અભ્યાસ સ્પેસટ્રાવલ માટે અતિઉપયોગી પુરવાર થશે.

-----------------------

અમેરિકાના અવકાશયાત્રીઓ ચંદ્રની ધરતી પર છોડી આવેલા કેટલીક વસ્તુઓ (૧) અમેરિકાનો રાષ્ટ્રધ્વજ (૨) અવકાશવીરોની ગંદકીની બેગ (૩) જમીન પર પડી ગયેલા અવકાશયાત્રીની નાની પ્રતિમા અને તકતી (૪) ઓલિવની સોનાની ડાળખીનું પ્રતીક (૫) નીલ આર્મસ્ટ્રોંગના પગલાની છાપ (૬) અવકાશયાત્રી ચાર્લી ડ્યુક્સના કુટુંબની તસવીર.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=518074


No comments:

Post a Comment