Monday, April 6, 2020

શું બ્લેકહોલ શ્રીકૃષ્ણનું નિવાસસ્થાન છે? --- ડૉ. જે. જે. રાવલ

ભારતીય ખગોળવિદ્ મુંજાલે આઠમી સદીમાં શોધી કાઢ્યું કે વસંતસંપાત બિન્દુ પશ્ર્ચિમ તરફ ખસવાનું ચક્ર ૨૫૮૦ વર્ષનું છે તે પહેલાં સમયનો લાંબામાં લાંબો એકમ માત્ર એક

વર્ષ હતો.

પૃથ્વીના વિષુવવૃત્તનું આકાશમાં પ્રક્ષેપણ કરીએ તે વર્તુળને ખગોળીય વિષુવવૃત્ત કહે છે. કારણ કે પૃથ્વીની ધરી તેની કક્ષાની સમતલના લંબ સાથે ૨૩.૫ અંશનો ખૂણો કરે છે તેથી રવીમાર્ગ ખગોળીય વિષુવવૃત્ત સાથે તેટલો જ ખૂણો કરે છે. તેથી રવીમાર્ગનું વર્તુળ ખગોળીય વિષુવવૃત્તના વર્તુળ બે અને માત્ર બે બિન્દુમાં છેદે છે. સૂર્ય ખગોળીય દક્ષિણ ગોળાર્ધમાંથી જ્યારે ખગોળીય ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશે છે ત્યારે રવીમાર્ગ અને ખગોળીય વિષુવવૃત્તના જંકશન પર આવે છે. આ બિન્દુને વસંતસંપાત બિન્દુ કહે છે, કારણ કે આ દિવસથી પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ પર વસંતઋતુનો પ્રારંભ થાય છે. આ દિવસે સૂર્ય બરાબર પૂર્વ દિશામાં ઊગે છે અને આ દિવસે રાત-દિવસ સરખા થાય છે, દરેક બાર-બાર કલાકનાં. વસંત સંપાતબિન્દુ જે રાશિમાં હોય છે તે રાશિ, રાશિચક્રની પ્રથમ રાશિ ગણાય છે. કેમ કે પૃથ્વીની પરાંચન ગતિને લીધે રાશિચક્ર પશ્ર્ચિમમાં સરકે છે માટે દર ૨૦૦૦ વર્ષે વસંતસંપાત બિન્દુ રાશિ બદલે છે તે પશ્ર્ચિમ તરફની રાશિમાં આગળ ધપે છે.

વસંતસંપાત પછી પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ પર દિવસ લાંબો લાંબો થતો જાય છે અને રાત ટૂંકી ટૂંકી થતી જાય છે. ત્રણ મહિના પછી સૂર્ય તેના માર્ગમાં સૌથી ઊંચા બિન્દુએ પહોંચે છે, જ્યારે દિવસ સૌથી લાંબો હોય છે અને રાત સૌથી ટૂંકી હોય છે. આ દિવસ પછી સૂર્ય હોય છે તો ખગોળીય ઉત્તર ગોળાર્ધમાં પણ તે તેના માર્ગમાં નીચે અને નીચે ઊતરવાનું શરૂ કરે છે. તેથી આ દિવસ પછી દિવસ સૌથી લાંબો અને રાત સૌથી ટૂંકીમાંથી ધીરે ધીરે દિવસ ટૂંકો થતો જાય છે અને રાત ધીરે ધીરે વધતી જાય છે. આ દિવસને સૂર્યનું દક્ષિણાયન કહે છે. સૂર્ય હોય છે તો ખગોળીય ઉત્તર ગોળાર્ધમાં પણ તેની ગતિ હવે દક્ષિણ તરફ થાય છે. આ દિવસે સૂર્ય કર્ક રાશિમાં રહે છે તેથી પૃથ્વી પરના તેને સંલગ્ન અક્ષાંશને કર્કવૃત્ત કહે છે. ત્રણ મહિના પછી સૂર્ય વળી પાછો તેના માર્ગમાં ખગોળીય વિષુવવૃત્ત પર આવે છે તેને શરદસંપાત કહે છે. કારણ કે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ પર હવેથી શરદઋતુ શરૂ થાય છે, આ દિવસે વળી પાછા દિવસ અને રાત સરખા થાય છે, દરેક બાર-બાર કલાકના.

શરદસંપાતના દિવસ પછી સૂર્ય તેના માર્ગમાં ખગોળીય દક્ષિણ ગોળાર્ધમાં પ્રવેશ કરે છે. આ દિવસ પછી સૂર્ય ધીરે ધીરે ખગોળીય દક્ષિણ ગોળાર્ધમાં ઊંચે અને ઊંચે ચઢતો જાય છે, એટલે કે તે ખગોળીય ઉત્તર ગોળાર્ધને સંદર્ભે નીચે અને નીચે ઊતરતો જાય છે. તેથી પૃથ્વીના ઉત્ત્ાર ગોળાર્ધ પર શિયાળો બેસે છે અને પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધ પર વસંતઋતુ બેસે છે, પછી ત્યાં ઉનાળો બેસે છે. જ્યારે સૂર્ય ખગોળીય દક્ષિણ ગોળાર્ધમાં વિચરતો હોય છે ત્યારે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ પર દિવસ ટૂંકો અને ટૂંકો થતો જાય છે અને રાત લાંબી અને લાંબી થતી જાય છે, જ્યારે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધ પર ઊલટું થાય છે. જ્યારે સૂર્ય તેના માર્ગમાં ખગોળીય દક્ષિણ ગોળાર્ધમાં સૌથી ઊંચા બિન્દુએ હોય છે ત્યારે પૃથ્વીના ઉત્તરગોળાર્ધ પર લાંબામાં લાંબી રાત થાય છે અને ટૂંકામાં ટૂંકો દિવસ થાય છે, જ્યારે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધ પર આનાથી ઊલટું થાય છે. આ દિવસ પછી સૂર્ય હોય છે તો ખગોળીય દક્ષિણ ગોળાર્ધમાં પણ તે ઉત્તર તરફ વિહાર કરવાનું શરૂ કરે છે. તેને ઉત્તરાયણ કહે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં રહે છે તેની તેને સંલગ્ન પૃથ્વી પરના અક્ષાંસને મકરવૃત્ત કહે છે. દર વર્ષે ૨૦ કે ૨૧ માર્ચે વસંતસંપાત થાય છે, ૨૧ કે ૨૨ જૂને દક્ષિણાયન થાય છે. ૨૨ કે ૨૩ સપ્ટેમ્બરે શરદસંપાત થાય છે અને ૨૧ કે ૨૨ ડિસેમ્બરે ઉત્તરાયણ થાય છે. ૨૦૦૦ વર્ષ પહેલાં જ્યારે ઉત્તરાયણ થતી ત્યારે સૂર્ય મકરમાં પ્રવેશ કરતો તેથી ઉત્તરાયણનું નામ મકરસંક્રાંત પડી ગયું અને મકરસંક્રાંતનું નામ ઉત્તરાયણ પડી ગયું, પણ પૃથ્વીની પરાંચન ગતિને લીધે રાશિચક્ર પશ્ર્ચિમમાં સરકે છે તેથી મકરસંક્રાંત ધીરે ધીરે પશ્ર્ચિમ તરફ સરકે છે. ૨૦૦૦ વર્ષ પહેલાં તે ૨૧ કે ૨૨ ડિસેમ્બરે ઉત્તરાયણ વખતે થતી હવે તે ખસીને ૨૧ જાન્યુઆરીએ થાય છે. ધીરે ધીરે તે ૨૨ જાન્યુઆરી, ૨૩ જાન્યુઆરી, ૩૦મી જાન્યુઆરી, ફેબ્રુઆરી વગેરેમાં થશે. આ ચક્ર ૨૫,૮૦૦ વર્ષનું છે. ૨૩,૮૦૦ વર્ષ પછી તે ફરી પાછી ૨૧ કે ૨૨ ડિસેમ્બરે થશે. આ બધું ખગોળ વિજ્ઞાનનું મૂળભૂત જ્ઞાન આપણા પ્રાચીન મનિષીઓને હતું.

ભારતમાં ઋષિઓને ઋતુઓનું સ્પષ્ટ જ્ઞાન હતું. ભારતમાં છ ઋતુઓ છે. વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર. દુનિયામાં ઋતુઓ વિષે આટલું સ્પષ્ટ જ્ઞાન કોઈ દેશના લોકોને ન હતું. પ્રાચીન સમયમાં ભારતીયો કુદરતની ખૂબ જ નજીક રહેતાં.

ગ્રીક વિદ્વાનો જ્યારે માનતાં કે બ્રહ્માંડ ચાર ભૌતિક પદાર્થ: પૃથ્વી, જળ, વાયુ, અગ્નિનું બનેલું છે ત્યારે ભારતીય મનિષીઓ માનતાં કે બ્રહ્માંડ પાંચ ભૌતિક રાશિઓનું બનેલું છે અને તેમની પાંચમી ભૌતિક રાશિ આકાશ (અંતરીક્ષ) હતી. ઉપનિષદમાં સ્પષ્ટ લખ્યું છે કે બધી જ વસ્તુ અંતરીક્ષમાંથી ઉદ્ભવ પામે છે અને અંતરીક્ષમાં સમાય છે. અંતરીક્ષ જ બધી વસ્તુનું પ્રારંભસ્થાન છે અને અંતિમસ્થાન છે. આઈન્સ્ટાઈનના વિસ્તૃત સાપેક્ષવાદ પ્રમાણે બ્રહ્માંડ એક અદૃશ્ય ઉર્જાની પછેડી છે, જ્યારે તેમાં ઉર્જાનું ગઠન થાય છે ત્યારે તે પદાર્થ (ખફતત) બને છે. આ પદાર્થ બ્રહ્માંડની પછેડીમાં ઝોલો પાડે છે. આ ઝોલાનો ઢાળ એટલે જ ગુરુત્વાકર્ષણ. આ ઝોલાના ઢાળ પર રાખેલો લખોટા ઝોલામાં પડે તે જ ગુરુત્વાકર્ષણ, પણ જો તે ગોળ ગોળ ફરે તો તે તેને બચાવી શકે છે, તે જ ગ્રહની સૂર્ય ફરતે કે નાના આકાશીપિંડથી મોટા આકાશીપિંડ ફરતેની પરિક્રમા. જો ગ્રહ નજીક હોય તો તેને પોતાને સૂર્યમાં પડતા બચાવવા માટે વધારે ઝડપથી સૂર્યની પરિક્રમા કરવી પડે. આ જ તે કેપ્લરના નિયમો.

પ્રાચીન ભારતીય મનિષીઓ પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશને દેવતા માનતાં. તેમની પૂજા કરતાં, જળને દેવતા માનતાં તેથી નદી, તળાવ, સરોવર, મહાસાગરને પૂજતાં, પૃથ્વીને માતા માનતાં, નદીઓને માતા માનતાં, વાયુને દેવતા માનતાં, અગ્નિને દેવતા માનતાં, સૂર્યને દેવતા માનતાં અને માનતાં કે સૂર્ય જ આ જગતનો આત્મા છે.

સૂર્ય આત્મા જગતસ્તસ્થુખશ્ર / તેમને સૂર્યની અગત્ય અને શક્તિની સુપેરે જાણ હતી. તેઓ વૃક્ષોની પૂજા કરતા. જરૂરિયાત સિવાય દરેકેદરેક કુદરતી સ્રોતનો ઉપયોગ કરતાં નહીં. તેનો તેમના ઉપભોગ માટે ઉપયોગ કરતાં નહીં. વનસ્પતિ જગત અને પ્રાણી જગતને તેમના પરિવારરૂપે જ જાણતા. પ્રાચીન ભારતીય મનિષીઓ માનતાં કે પૂરી વસુધા એક કુટુંબ છે, વસુધૈવ કુટુંબકમ્, યત્ર સર્વત્ર વિશ્ર્વં એક નીડમ્ પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે તેમની આ સજાગતા હતી. તેઓ સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થીંકિંગના સિદ્ધાંતમાં માનતાં એટલે ઓછી જરૂરિયાત અને સુંદર, સાદગીભર્યું, જ્ઞાનભર્યું જીવન. આજે આપણે મુશીબતમાં એટલા માટે છીએ કે આપણે હવે સિમ્પલ થીંકિંગ એન્ડ હાઈ લીવિંગમાં માનતા થઈ ગયા છીએ.

ઋગવેદનો પ્રારંભ અગ્નિની પ્રાર્થના સાથે થાય છે. અગ્નિમીવે પુરોહિતમ્ અગ્નસ્યદેવ મૃત્વિજ્ઞમ્ હોતારમ્ રત્નધાતરમ્॥ તેઓ અગ્નિનું મહત્ત્વ સમજતાં હતાં અને તેથી તેઓ તેમના દરેક કાર્યનો યજ્ઞથી પ્રારંભ કરતાં અને અગ્નિની સાક્ષીએ કાર્ય કરતાં. તેમને ખબર હતી કે અગ્નિ જ બધા બળોનો ચાલક છે, ઊર્જા છે. ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન કહે છે અહં વૈશ્ર્વાનરોભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિત: પ્રાણાપાન સમાયુક્ત પચામ્યાનિ ચતુર્વિધમ॥ અર્થાત્ હું જ વૈશ્ર્વાનર (અગ્નિ) છું અને દરેક પ્રાણીના દેહમાં રહ્યો છું. શ્ર્વાસોચ્છવાસની ક્રિયા સામે દરેક જાતના અન્નને, ખોરાકને પચાવું છું - આજથી ૫૦૦૦ વર્ષ પહેલાં શ્રીકૃષ્ણ અગ્નિ શું છે અને તેનું કાર્ય કેટલું મોટું છે તે મહાન રહસ્ય જાણતા હતા. આ ભારતીયોનું વિજ્ઞાનનું જ્ઞાન હતું. ગીતામાં જ્ઞાન-વિજ્ઞાનનું જ્ઞાન હતું. ગીતામાં જ્ઞાન-વિજ્ઞાન યોગ પણ છે. જ્ઞાન સાથે જ વિજ્ઞાન હોય છે. સંસ્કૃતભાષા કેટલી બધી વિજ્ઞાની છે?

પ્રાચીન ભારતીય મનિષીઓએ શૂન્ય અને એકની શોધ કરી જે બાયનરી સિસ્ટમ બની બધાં જ કોમ્પ્યુટરને ચલાવે છે જેણે દુનિયામાં વિજ્ઞાન અને જ્ઞાનક્ષેત્રે ક્રાંતિ સર્જી છે.

પ્રાચીન મનિષીઓ અનંતતાને અને સૂક્ષ્મતાને બરાબર પામી ગયા હતા. અણુ-પરમાણુના રહસ્યને પણ પામી ગયા હતાં. બ્રહ્માંડ જેવો શબ્દ તેમણે આપેલ છે. પિંડે તે બ્રહ્માંડે જેવું ગહન રહસ્ય તેઓ જાણતા હતાં.

આજે સાબિત થયું છે કે આ બ્રહ્માંડ બીજું કાંઈ જ નથી, પણ અગ્નિનો ગોળો છે, ઊર્જાનો ગોળો છે, અગ્નિ અને ઊર્જા જ આ બ્રહ્માંડમાં સર્વસ્વ છે. માટે તો ભારતીયો શક્તિની પૂજા કરે છે. તેઓ જાણતા હતા કે આ બ્રહ્માંડરૂપી ગરબો શક્તિના માથે છે. ગરબામાં જે છિદ્રો છે અને વચ્ચે દીવો છે તે પ્રકાશિત મંદાકિનીઓને અને ઊર્જાને પ્રદર્શિત કરે છે, તેમણે એ પણ ગાયું છે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા, લક્ષ્મીરૂપેણ સંસ્થિતા, શાંતિરૂપેણ સંસ્થિતા વગેરે. આ બ્રહ્માંડ શક્તિથી જ ચાલે છે, શક્તિ જ તેની આરાધ્ય દેવી છે.

ગીતામાં અર્જુન, શ્રીકૃષ્ણ ભગવાનને પૂછે છે કે હે પ્રભુ, આપનું નિવાસસ્થાન ક્યાં છે, ત્યારે શ્રીકૃષ્ણ બહુ રસપ્રદ જવાબ આપે છે. શ્રીકૃષ્ણ કહે છે:

ન તદ્ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક:

યદ્ગત્વા ન નિવર્તંતે તદ્ધામ પરમં મમ્॥

અર્થાત્, જ્યાં સૂર્ય પ્રકાશતો નથી, જ્યાં ચંદ્ર પ્રકાશતો નથી, જ્યાં અગ્નિ પ્રકાશતો નથી, જેમાં જઈને કોઈ વસ્તુ પાછી આવતી નથી, તે મારું નિવાસસ્થાન છે. આ શ્ર્લોક હકીકતમાં બ્લેકહોલના વર્ણનમાં બરાબર ફીટ થાય છે. તો આપણને લાગે કે શું બ્લેકહોલ ભયંકર ગુરુત્વાકર્ષણની સીટ, શ્રીકૃષ્ણનું નિવાસસ્થાન છે. તેનો અર્થ શું સમજવો?

કણાદ ઋષિ આ પૃથ્વી પરના પ્રથમ ઋષિ હતા. જેમણે દુનિયાને સૂક્ષ્મકણો વિષે માહિતગાર કર્યા હતા. તેમણે આપણને સમજાવ્યું હતું કે, આ દુનિયાનું બંધારણ છેવટે સૂક્ષ્મકણ છે, અણુ-પરમાણુ છે. તેમનું નામ તો કશ્યપ હતું પણ તેઓ બાળક હતા ત્યારે તેમના પિતાજી સાથે કાશી ગયા હતા, તેમણે જોયું કે રસ્તામાં ચોખાના દાણા ઢોળાયેલ છે. તેમણે એક એક ચોખાનો દાણો ભેગો કર્યો. એક સંતે તેમને પૂછ્યું શા માટે તું ત્યજાયેલાં ચોખાના દાણાને ધૂળમાંથી ભેગા કરે છે. ત્યારે કશ્યપે જવાબ આપ્યો કે એક શેર ચોખાના દાણા એક માનવીનું એક દિવસનું ભોજન બની શકે છે. છેવટે તો બધું કણોનું જ બનેલું છે. કણ કણ નથી પણ બંધારણનું બીજ છે. આ જવાબ સાંભળી સંત ખુશ થઈ ગયા અને કશ્યપનું નામ કણાદ પાડ્યું. કણાદ ઋષિએ જીવનભર પદાર્થ, તત્ત્વ અને અણુ-પરમાણુનો અભ્યાસ કર્યો અને તેના અગત્ય વિષે દુનિયાને જણાવ્યું. આમ અણુવિજ્ઞાન ક્ષેત્રે પણ ભારત પ્રથમ છે.

  http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=470898

No comments:

Post a Comment