Thursday, March 21, 2019

હાથરૂમાલ વાપરીને પર્યાવરણને બચાવો --- સમજણ - નિધિ ભટ્ટ

તાજેતરમાં એક કુટુંબ અમેરિકાની સફરે ગયું. વિદેશમાં જોવા મળતી સ્વચ્છતા તેમના દિલોદિમાગમાં છવાઈ ગઈ. વિદેશમાં સ્વચ્છતા હોવાનું મુખ્ય કારણ ત્યાંના સ્થાનિક લોકોમાં જોવા મળતી શિસ્ત તથા કાયદાના ઉલ્લંઘનને કારણે કરવામાં આવતી સજાનો ડર હતો. તે સમયે તેમના દિલમાં એક પ્રશ્ર્ન વારંવાર ઉદ્ભવતો હતો. વિદેશીઓમાં જોવા મળતી સ્વચ્છતાનું મુખ્ય કારણ શું? તેમણે જોયું કે વિદેશીઓ હાથમાં રૂમાલની અવેજીમાં ટિસ્યૂ પેપરનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરતા હતા. 

હાથરૂમાલનો ઉપયોગ અલ્પ પ્રમાણમાં થતો હતો. તેમાં પણ સોફ્ટ ટિસ્યૂનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો હતો. જેમાં ફેશિયલ ટિસ્યૂ, ટોઈલેટ ટિસ્યૂ પેપર ટૉવેલ્સ, પેકિંગ ટિસ્યૂ, સર્વિસ ટિસ્યૂ વગેરેનો સમાવેશ થાય છે. 

વિદેશી વસ્તુઓથી વારંવાર અંજાઈ જતા ભારતીયો ટિસ્યૂ પેપરનો ઉપયોગ કરવામાં પણ અવ્વલ નંબરે આવે છે. આપણા દેશમાંં પણ અનેક કહેવાતાં હાઈફાઈ કુટુંબોમાં હાથરૂમાલ કે નેપકીનને બદલે ટિસ્યૂપેપરનો ઉપયોગ રોજિંદા જીવનમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. 

ઘરમાં ચા-પાણી કર્યા બાદ કે સામાન્ય કામ કર્યા બાદ પણ નેપકીન કે હાથરૂમાલ ને બદલે સજાવીને ગોઠવાયેલા ટિસ્યૂ પેપરનો ઉપયોગ જ કરવામાં આવે છે. વાર-તહેવારે કે રજાઓમાં કોઈ અતિથિ આવે કે ટે્રમાં ગરમાગરમ ચાની સાથે નાસ્તો પીરસવામાં આવે, તે સ્વાભાવિક છે. સ્વયંને અન્ય કરતાં વધુ શ્રેષ્ઠ બતાવવાની દેખાદેખી માટે તેઓ ટ્રેમાં સુંદર રીતે ટિસ્યૂ પેપર પણ ગોઠવીને મૂકતા હોય છે. થોડા વખત પહેલાં એક ધારાવાહિકમાં પણ ધનિક ઘરની મહિલા વારંવાર ટીસ્યૂ પેપરનો ઉપયોગ કરતી બતાવવામાં આવી હતી. તેનો અભિનય દર્શકો માટે તો રમૂજભર્યો હતો. વાસ્તવિક જીવનની વાત કરીએ તો મોટા પ્રમાણમાં ટિસ્યૂ પેપરનો ઉપયોગ કરવો પર્યાવરણની દૃષ્ટિએ પણ અત્યંત ગંભીર બાબત ગણાય છે. 

હૉટલ્સ, હૉસ્પિટલ, ઍરપોર્ટ, મૉલ્સ કે રસ્તા ઉપર વેચતા ફેરિયાઓ દ્વારા પણ ટિસ્યૂ પેપરનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. રેસ્ટોરેન્ટના ટેબલ ઉપર તથા બાથરૂમ-ટોઈલેટમાં ટિસ્યૂ-પેપરનો ઉપયોગ વિશ્ર્વમાં મોટા પ્રમાણમાં થતો જોવા મળે છે. 

ભોજન બાદ હાથ-મોં ધોઈને હાથરૂમાલ કે નૅપકીનનો ઉપયોગ કરવો દરેક માટે શક્ય જ હોય છે. તેમ છતાં મોટેભાગે ટિસ્યૂ પેપરનો જ ઉપયોગ કરવામાં આવે છે. વળી અનેક વ્યક્તિઓ તેમના બેગ કે પર્સમાં પણ ટિસ્યૂપેપરનું નાનું પેકેટ રાખવાની આદત હોય છે. અનેક વખત એવું બનતું હોય છે કે નાની મોટી જરૂર પડી કે એક-બે ટિસ્યૂ કાઢીને તેનો ઉપયોગ કર્યો અને તેને કચરા ટોપલીમાં પધરાવી દેવામાં આવે છે. સ્ટાઈલમાં ટિસ્યૂ પેપરનો ઉપયોગ કરીને તેને કચરાટોપલીમાં નાંખતા આપણને ક્ષણિક પણ વિચાર આવતો નથી કે તે માટે કેટલા વૃક્ષનો ભોગ લેવામાં આવ્યો છે. એક માહિતી અનુસાર ટિસ્યૂ પેપર બનાવવા માટે રોજના ૨૭ હજાર વૃક્ષોને દુનિયાભરમાં કાપવામાં આવે છે. કાગળનો વપરાશ આપણે પુષ્કળ પ્રમાણમાં કરતા હોઈએ છે, સાથે સાથે કાગળનો વેડફાટ પણ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. સામાન્ય રીતે વધુ નફો રળતી કંપનીઓ દ્વારા ટિસ્યૂ પેપરની મોટી મોટી જાહેરખબર કરવામાં આવે છે. મુલાયમ ટિસ્યૂ પેપર બનાવવા માટે વૃક્ષોને કાપવામાં આવે છે.

એવું કહેવાય છે કે એક વૃક્ષમાંથી આશરે ૫૦ કિલો પેપર બનાવવામાં આવે છે. ચાર વ્યક્તિનું એક કુટુંબ વર્ષભરમાં ૨ વૃક્ષને કાપવા માટે જવાબદાર ગણાય છે. 

આપણે જો મુલાયમ ટીસ્યૂને બદલે થોડા બરછટ કાગળમાંથી બનેલ ટિસ્યૂનો ઉપયોગ કરીએ તો વૃક્ષ કપાતું બચાવી શકીએ. 

એક જમાનો હતો કે વર્ષ પૂરું થાય અને બાળકોની નોટબુકમાં થોડાં પાનાં કોરા રહી ગયા હોય તો તેમાંથી નવી નોટબુક બનાવવામાં આવતી. કાગળની એક બાજુ ભરાઈ ગઈ હોય તો બીજી બાજુ વાપરવાને બદલે તેને કચરા ટોપલીમાં નાખી દેવામાં આવતો હોય છે. 

વાસ્તવમાં ટિસ્યૂ-પેપર વાપરવાની ટેવ પાશ્ર્ચાત્ય દેશોનું આંધળું અનુકરણ જ ગણવામાં આવે છે. બાકી ભારતમાં તો આપણે હાથરૂમાલનો ઉપયોગ કરવાનું જ પસંદ કરતા હતા. હાથરૂમાલને સાફ કરીને તેનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકાય છે. જે પર્યાવરણને નુકસાનકર્તા પણ નથી. આપણને તેને ધોવાનું, ઈસ્ત્રી કરીને વાપરવાની આળસ આવવા લાગી. આમ ધીમેધીમે ટિસ્યૂ પેપરે હાથરૂમાલની જગ્યા ક્યારે લઈ લીધી તેનો ખ્યાલ આપણને આવ્યો જ નહીં. શહેરોમાં જોવા મળતો ટિસ્યૂ પેપરનો વધુ ઉપયોગ આજે ગ્રામ્યવિસ્તારોમાં પણ જોવા મળી રહ્યો છે. ઉપયોગ ર્ક્યા બાદ તેને કચરામાં ફેંકી દેવામાં આવે છે. બેજવાબદાર નાગરિક બનીને તેને રસ્તા ઉપર, બાગમાં કે સાર્વજનિક વાહનોમાં આમતેમ ફેંકવામાં આવે છે. 

અનેક વખત એવું બને છે કે રસ્તા કે જાહેર માર્ગ ઉપર સહજતાથી કચરો ફેંકી તો દઈએ છીએ. સ્થાનિક પ્રશાસન, કર્મચારીઓ, મહાનગરપાલિકા વગેરે દ્વારા સ્વચ્છતા માટે કોઈ પગલાં ભરવામાં આવતાં નથી તેમ કહીને સ્વયંની ભૂલનો ટોપલો સરકાર ઉપર સહજતાથી ઢોળી દેવામાં આવે છે. વાસ્તવમાં તો સ્વયં શિસ્તબદ્ધ વર્તન કરીશું ત્યારે જ પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે. એક વ્યક્તિએ કચરો ર્ક્યો કે બીજી વ્યક્તિ પણ તેનું આંધળું અનુકરણ કરવા લાગશે. સમજુ અને જાગૃત નાગરિક તેને જ કહેવાય જે એક વ્યક્તિએ કચરો ર્ક્યો તો તને સાફ કરીને તેને ગમેતેમ કચરો ન કરવા સમજાવે. કચરામાં ટિસ્યૂપેપરનો જથ્થો મોટા પ્રમાણમાં જોવા મળે છે. ટીસ્યૂ પેપરનો વધતો વપરાશ ફક્ત ઉત્પાદકોના ખીસ્સા ભરે છે. પ્રકૃતિ અને પર્યાવરણને મોટું નુકસાન થાય છે તેની તરફ જાગૃત બનવું આવશ્યક છે. તેમ કરવામાં નિષ્ફળ જઈશું તો કુદરતી પ્રકોપનો ભોગ બનવા તૈયાર રહેવું પડશે.

હાથરૂમાલનો ઉપયોગ કરીને આપણે પર્યાવરણની પ્રત્યે વફાદાર બનીને તંદુરસ્ત આરોગ્ય મેળવી શકીશું

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=215539


No comments:

Post a Comment