Thursday, March 21, 2019

આપણે કદી સમયને જાણી શકીશું?--- ડૉ. જે. જે. રાવલ

સમય બધે જ છે પણ દેખાતો નથી. સમયને જાણવું તે એક કોયડો છે. સમય શું છે તે આપણે મનથી-મગજથી કે અમૂર્તરીતે જાણીએ છીએ, તેમ છતાં આપણે તે બીજાને સમજાવી શકીએ નહીં કે સમય શું છે? તેની આપણે વ્યાખ્યા કરી શકીએ નહીં. કોઇ આપણને પૂછે નહીં કે સમય શું છે, ત્યાં સુધી આપણે માનીએ છીએ કે આપણે જાણીએ છીએ કે સમય શું છે. જેવું કોઇ આપણને પુછે કે સમય શું છે ત્યારે આપણને ખબર પડે છે કે આપણે સમય શું છે તેના વિષે કશું જ જાણતાં નથી. આપણે સમયનાં જ બાળકો છીએ તેમ છતાં આપણે તેમાંથી છટકવા માગીએ છીએ, અજર-અમર થવા માગીએ છીએ. 

નદીમાં પાણીનો પ્રવાહ વહે છે. આપણને ઉપર ઉપરથી જોતાં લાગે કે સમય પણ જતો જાય છે. તેથી લોકો બોલવા લાગ્યાં કે સમયનો પ્રવાહ, સમય વહે છે. જો કે સમયને પોતાને કોઇએ જોયો નથી એ તો આપણી આસપાસની ક્રિયાઓમાં ફેરફાર થતાં આપણે જોઇએ છીએ. હજુ પણ એ નક્કી નથી થયું કે સમય ફેરફારો કરે છે કે ફેરફારો સમય માપે છે. સમય માપવા ફેરફાર થવાની જરૂર છે. માટે ફેરફાર સમય માપતા હોય તેમ લાગે. તો બીજી બાજુ લોકો માને છે કે સમય ફેરફારો કરે છે. જેમ જેમ સમય જતો જાય તેમ તેમ ફેરફારો થતાં ચાલે છે. સમયનો પ્રથમ વિચાર આપનાર આપણે ચંદ્ર છે. ચંદ્ર જે કળા કરે છે તેથી આપણને ખબર પડે છે કે સમય વહે છે. સુદ પ્રથમાનો ચંદ્ર, દ્વિતીયાનો ચંદ્ર, આઠમનો, પછી પુનમનો, પછી તે ઘટતો જાય છે અને અમાસને દિવસે તે દેખાતો નથી. આ ક્રિયાએ આપણને સમયનો વિચાર આપ્યો. સમયચક્રનો વિચાર આપ્યો. અમાસથી અમાસનો સમય તે જ આપણો મહિનો. આમ સીધો ચાલતો સમય હકીકતમાં સમયચક્ર વડે મપાય છે તે પણ કુદરતની કમાલ છે. આપણા પૂર્વજોએ જોયું કે આકાશમાં જ્યારે ચંદ્ર ૧૨ ચક્કર લગાવી લે છે ત્યાં સુધીમાં સૂર્ય આકાશમાં એક ચક્કર લગાવી લે છે. તે જ આપણું વર્ષ સૂર્ય દર મહિને રાશિ બદલતો દેખાય છે. 

તો આપણને થાય કે દિવસના ૨૪ કલાક કેવી રીતે થયાં? આપણા પૂર્વજો તારાનિરીક્ષણમાં નિપૂણ હતા. દિન અને રાત તેઓ આકાશીપિંડોનું અધ્યયન કરતાં કેમ કે તેમને સમજ પડી ગઇ હતી કે આકાશ આપણા જીવનનો ભાગ છે. તેને ઘણું કહેવાનું છે. તેથી રાત્રિ- નિરીક્ષકોએ જોયું કે પૂરી રાત દરમિયાન ક્ષિતિજ પર એક પછી એક ૧૨ પ્રકાશિત તારા લગભગ ઉદય પામે છે. તેથી તેમણે રાત્રિના ૧૨ ભાગ કર્યાં. તેવી જ રીતે દિવસના પણ ૧૨ ભાગ થાય. આમ ૨૪ કલાકનો દિવસ અસ્તિત્વમાં આવ્યો. પહેલા ૪૮ મિનિટની ઘડી હતી. આમ ૧૫ ઘડીનો દિવસ હતો, અને ૧૫ ઘડીની રાત તે જ આપણા ચોઘડિયા. સૂર્યોદય અને સૂર્યાસ્ત, ચંદ્રોદય અને ચંદ્રાસ્ત પણ સમયના વિચારને પુષ્ટિ આપી, તો આ બાજુ ઋતુચક્રે પણ સમયના વિચારને પુષ્ટિ આપી. પશુ-પંખીને દિવસ-રાતની ખબર પડે. તેમના બચ્ચા મોટા થાય તેની પણ ખબર પડે પણ સમયના વિચારની તેમને ખબર નહીં પડતી હોય. સમય આપણા જીવનમાં એવો તો ઘડાઇ ગયો છે કે તે જ આપણી જીવન રેખા બની ગઇ છે. પૂરી દુનિયા સમયથી બંધાયેલી છે, જેને હજુ કોઇએ જોયો નથી. આ તો ઇશ્ર્વર જેવું છે, ઇશ્ર્વરને કોઇએ જોયો નથી, પણ લોકો માને છે કે ઇશ્ર્વર છે. પુરાતન સમયમાં સમયને બહુ ઉંડાણથી લેવાની જરૂર ન હતી. કલાક, મિનિટ સેક્ન્ડની જરૂર ન હતી. ત્યારે સવાર, બપોર, સાંજ પૂરતા રહેતા. હવે તો મિલી સેક્ધડ, નેનો સેક્ધડ, પીકો સેક્ધડ અસ્તિત્વમાં આવ્યાં છે અને પ્લાન્ક ટાઇમ એટલે કે એક સેક્ધડના અબજ અબજ અબજ અબજ અબજમાં ભાગ સમયના આ બધા ભાગો સૂક્ષ્મ દુનિયાની ગતિવિધિનું પરિણામ છે. 

સાથે સાથે આપણી પાસે સ્થાનિક સમય (local time) પ્રમાણિત સમય (standard time ) અને ગ્રીનીચ મિન ટાઇમ (GMT) સમય છે. આ પાછળનું કારણ આપણી પૃથ્વી ગોળ છે અને તેની ધરી પર ગોળ ગોળ ફરે છે, તે છે. જ્યારે સ્થાનિક સમય કુદરતી છે, પ્રામાણિત સમય અને ગ્રીનીચ મિન ટાઇમ એક સિસ્ટમ છે કે જ્યારે દેશના એક સ્થળે સ્થાનિક ૧૨ વાગ્યે સૂર્ય બરાબર માથે આવે તેને આખા દેશનાં સમય ગણવો, અને ગ્રીનીચ રેખાંશવૃત્ત પર રાતે ૧૨ વાગે ત્યારે તારીખ બદલાવવી. સ્થાનિક સમય અને પ્રમાણિત સમય દેશના સમયે વ્યવહાર માટે છે અને પ્રામાણિત સમય અને ગ્રીનીચ મિન ટાઇમ વ્યવહાર માટે છે (યુનિવર્સલ ટાઇમ) પૃથ્વી પરના દેશ દેશ વચ્ચેના સમય સમય વ્યવહાર માટે છે. 

આઇન્સ્ટાઇનની થીઅરી પ્રમાણે જો માનવીનું યાન ઝડપથી ગતિ કરે તો પૃથ્વી પરનો સ્થિર નિરીક્ષક માને કે તેનો ટાઇમ ધીરે ચાલે છે, બ્લેક હોલ પાસે તે સ્થિર થઇ જાય તો સમયને સમજવો કેવી રીતે. તમે અગ્નિકુંડ પાસે બેસો તો એક ક્ષણ એક મિનિટ જેવી અને એક મિનિટ એક કલાક જેવી લાગે અને તમે જો તમારી ગમતી પ્રવૃત્તિમાં હો તો એક કલાક એક મિનિટ જેવો લાગે. શક્તિશાળી ગુરુત્વાકર્ષણ સમયને વાળી શકે, તેની ફરતે ગોળ ફેરવી વિરુદ્ધદિશામાં (રીવર્ઝ) લઇ જઇ શકે.

ગીતામાં કૃષ્ણે કહ્યું છે કે અહં કાલોસ્મિ ! અર્થાત હું કાળ છું. કાળમાં બધા જન્મ લે છે, કાળમાં સમાય છે. જન્મ્યા પછી થોડો સમય કાળ સાથે ચાલે છે, પણ સમય ચાલ્યા જ કરે છે, એટલે કે સમય બ્રહ્માંડની જીવનરેખા છે. તેમ છતાં સમય તો ક્યાંય દેખાતો નથી. યુગપુરુષો સમયમાં પગલાં પાડે છે, એટલે કે તેમની છાપ મૂકતા જાય છે. ભર્તૃ હરિ કહે છે : સર્વ અસ્યવસાદ્ગાત સ્મૃતિપદં કાલાય તસ્મે નમ: ! અર્થાત કાળ વાસ્તવિકને સ્મૃતિમાં ફેરવી નાખે છે (Time changes reality into memory.) મહાવીર, બુદ્ધ, ગાંધીજી, ન્યુટન, આઇન્સ્ટાઇન એક સમયે વાસ્તવમાં હતાં. આજે તેઓ માત્ર આપણી યાદમાં જ છે. આમ કાળ, મહાકાળને સમજવો ઘણો અઘરો છે. શંકર ભગવાનને મહાકાળ કહેવામાં આવે છે. ભૂતકાળમાં ભારતનો પ્રામાણિત સમય, ઉજ્જૈનના સ્થાનિક સમયને લેવામાં આવ્યો હતો. માટે જ ઉજ્જૈનમાં મહાકાળનું મંદિર સ્થાપવામાં આવ્યું છે. કાળ ત્યાંથી શરૂ થાય છે. મહાકાળને દરરોજ સ્મશાનમાંથી તાજી ભસ્મ લઇને ભસ્મઆરતી કરવામાં આવે છે. શંકર ભગવાનની ભસ્મ બહુ ભારે છે. તોળી શકાય તેમ નથી. ન્યુટ્રોનતારાની ભસ્મની એક ચમચી એક અબજ ટનના વજનની હોય છે અને બ્લેકહૉલરૂપી તારાની ભસ્મનું વજન થઇ શકતું નથી. અંતરીક્ષમાં આ બધી ભસ્મો જ છે. ઉજ્જૈનમાં સાંદીપનિઋષિના આશ્રમે શ્રીકૃષ્ણ, બળરામ અને સુદામા ભણવા ગયાં હતા. ભારતનો હાલનો પ્રામાણિત સમય અલ્હાબાદના સ્થાનિક સમયને લેવામાં આવ્યો છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=213907

No comments:

Post a Comment