Friday, November 24, 2017

સ્પર્ધા હોવી જ ન જોઈએ -- અવંતિકા ગુણવંત

નાનકડો ઉપમન્યુ વક્તૃત્વ હરીફાઈમાં ઈનામ જીતી લાવ્યો. ઉપમન્યુની મમ્મી શૈલી તથા પપ્પા સંદીપ ખૂબ ખૂશ હતાં. ઘરમાં ઉત્સવનું વાતાવરણ જામ્યું હતું. ઉપમન્યુના દાદી રમાબહેન ખુશ હતા. પણ તેઓ બહાર ઓટલાના હીંચકા પર બેસીને કશુંક વાંચતાં હતાં. તેઓ છોકરાંઓ જોડે વાતચીતમાં ભાગ લેતાં ન હતાં.

થોડી વારે સમય મળ્યો એટલે સંદીપે રમાબેન પાસે આવીને ચિંતાભર્યા સૂરે પૂછયું, "મમ્મી, તબિયત ઠીક નથી?

દીકરાની ચિંતા રમાબેનને સ્પર્શી. એમણે ઋજુતાથી જવાબ આપ્યો, ‘ઠીક છે.’

"તો તું કેમ કંઈ બોલતી નથી? તારો લાડકો ઉપમન્યુ પ્રથમ ઇનામ જીતી લાવ્યો એનો યશ તો તને જ મળે. મમ્મી, રોજેરોજ તું એને કેટલી વાતો કહે છે, એના વિકાસનો તું કેટલો ખ્યાલ રાખે છે. ત્યારે ઉપમન્યુ પ્રથમ ઇનામ જીત્યો છે અને એનો તને આનંદ હોય જ છતાં તું કેમ આમ ચુપ થઈને બધાથી અળગી એકલી બેઠી છે.

"બેટા, હું વિચારતી હતી... કહીને રમાબહેન અટકી ગયા.

"શું વિચારતી હતી મમ્મી બોલને, નાની પાર્ટી ગોઠવી દેવી છે? લો એવું કરીએ.

રમાબહેન બોલ્યાં, "બેટા, મારું મન તો કેટલાંય વરસો પહેલાંના ભૂતકાળમાં પહોંચી ગયું હતું, જ્યારે હું ઉપમન્યુ જેવડી હતી. મારા બાપુજીનો બે માળનો વિશાળ બંગલો હતો અને ચારે બાજુની ખુલ્લી જગ્યામાં હરિયાળી જ હરિયાળી. ઊંચા ઊંચા વૃક્ષો, વેલીઓ અને ફૂલ-છોડ. ગુલાબ અને મોગરાના અલગ ક્યારા. ખૂબ ફૂલો આવે પણ મારી બા કહે, ‘ફૂલ ચૂંટીએ તો છોડને દુ:ખ થાય. ફૂલ તો છોડ પર જ શોભે. એને ચૂંટવાનું નહીં! મને ફૂલ બહુ ગમે પણ બાએ સમજાવેલી એટલે ફૂલ ચૂંટું નહીં, ફૂલને છોડ પર જોઈને હરખાઉં. હવે અમારા બંગલાનો ઉપરનો ભાગ ભાડે આપેલો. એ ભાડુઆતને ત્રણ દીકરીઓ. બે મારાથી મોટી. રોજ વહેલી સવારે જ્યારે હું ઊંઘતી હોઉં ત્યારે ભાડુઆતની એ બે દીકરીઓ બધાં ફૂલ ચૂંટી જાય. છાનામાના ચૂંટી જાય તો કંઈ વાંધો નહીં પણ સવારે હું ઊઠું પછી ઉપરની અગાસીમાંથી મોટો થાળ ભરીને એ ફૂલો મને બતાવે. હું કહું મને આપો ને તો મને આપે નહીં પણ મને ચિડાવે. હું રડું રોજનો એ કકળાટ. મારા બાપુજીને ગમે નહીં. મારી બાએ તો દીકરીઓની માને કહ્યું કે ફૂલ ચૂંટી લો છો એ સારી વાત નથી અને વળી તમારી દીકરીઓ મારી દીકરીને બતાવીને જીવ બાળે છે એ મને પસંદ નથી. તમારી દીકરીઓને કહી દો આવું ના કરે. પણ એ છોકરીઓ સમજી નહીં અને મને ચીડવે આથી એક દિવસ ગુસ્સામાં આવીને મારા બાપુજીએ એ છોડ જ ઉખાડી નખાવ્યાં. મારી બાએ હેબતાઈ જઈને પૂછયું, આ તમે શું કર્યું? ત્યારે બાપુજી બોલ્યા, "મારી દીકરી રોજ રોજ ફૂલો માટે કકળે એ મને ના પાલવે. એમાં તો દીકરીનો સ્વભાવ બગડી જાય. એ ઇર્ષાળુ બની જાય. આટલું કહ્યા પછી બાપુજી ગળગળા અવાજે બોલ્યા, છોડી ઉખાડી નખાવવાનું મને ય દુ:ખ થયું છે, પણ....

શોકમગ્ન મારાં બા બાપુજી તે દિવસે અનાજનો કણ તો મોંમાં નહતાં મૂકી શક્યાં પણ એક ઘૂંટડો પાણીય નહોતાં પી શક્યાં. દિવસો સુધી તેઓ બેચેન રહ્યા હતા. એમની રોજની પ્રસન્નતા તેઓ ગુમાવી બેઠાં હતાં.

આટલું બધું તેમણે શું કરવા વેઠ્યું હતું. હું ઇર્ષાળુ ન બની જાઉં એ માટે. શરીરની તંદુરસ્તીની જેમ મનની તંદુરસ્તીનોય તેઓ એટલો બધો ખ્યાલ રાખતાં હતાં.

રમાબેનની વાત સાંભળીને અભિભૂત થતાં સંદીપ બોલ્યો, "આવાં માબાપ માટે તો ગૌરવ થાય એના બદલે તું ઉદાસ કેમ થઈ ગઈ છે?

"બેટા, આપણે માબાપ બનીએ ત્યારે મારા માબાપ જેવાં જાગ્રત બનવું જોઈ ને! પણ આપણે એવાં જાગ્રત દીર્ઘદૃષ્ટિવાળાં માબાપ છીએ?

ઉપમન્યુ સ્પર્ધામાં ઇનામ જીતી લાવ્યો, એનો આપણને હરખ થાય એ સ્વભાવિક છે, પણ એ હરખ પ્રદર્શિત કરવામાં ઇનામને આપણે વધારે પડતું મહત્ત્વ આપી દેતાં હોઈએ એવું તને નથી લાગતું?

હરીફાઈ તો દર વર્ષે યોજાશે. આવતી સાલ ફરીથી હરીફાઈ થશે. ઉપમન્યુ ભાગ લેશે. ખૂબ આશા અને ઉમંગ સાથે તૈયારી કરીને એ ભાગ લેશે, પણ ધારો કે એ ઇનામ ન જીતી શકે તો એ કેટલો નિરાશ થઈ જશે?

"પણ મમ્મી આવતા વરસની ચિંતા અત્યારથી શું કામ?

"બેટા, બાળકના વિકાસ અને ઘડતરને અનુલક્ષીને રમતગમત ક્ષેત્રે, કલાક્ષેત્રે, અભ્યાસના વિવિધ તબક્કે સ્પર્ધાઓ યોજાતી જ રહે છે, આયોજકો માને છે કે આમ કરવાથી બાળકમાં એ વિષયમાં રસ જાગે, વધારે ખંતથી એ વિષયમાં ઊંડો ઉતરે, એનામાં મહેનત કરવાનો ગુણ કેળવાય, આપસૂઝે ખીલે, આત્મવિશ્ર્વાસ જાગે.

પણ અત્યારે સ્પર્ધાને ઇનામ સાથે એવી રીતે જોડી દેવામાં આવી છે કે માબાપ બાળક પર એ પ્રથમ આવે અને ઇનામ જીતે એવું દબાણ લાવે છે. પરિણામે બાળક તણાવમાં આવી જાય છે અને ઇનામ ન જીતે તો ઉદાસ થઈ જાય છે, ક્યારેક તો માબાપ ઇનામ જીતનાર બાળક સાથે પોતાના બાળકની સરખામણી કરીને પોતાના બાળકને ઉતારી પાડે છે. એ સમયે બાળકને શું થતું હશે એનો ખ્યાલ માબાપને આવે છે? માબાપ સમજે છે અમે બાળકને પ્રેરણા આપીએ છીએ પણ એ તો પ્રેરણા નહીં પણ બાળકને તણાવમાં લાવી દે છે, બાળકનું અહિત કરે છે.

આમાં બીજા સ્પર્ધકો સાથે ક્યારેક હૂંસાતૂંસી થાય છે, ક્યારેક વિખવાદ અને ઝઘડા થાય છે. આમાં બાળકનું માનસ દ્વેષીલું અથવા ડંખીલું થઈ જાય છે. ક્યારેક એ નીતિના નિયમાં નેવે મૂકીને દરેક ઇનામ જીતવાની વેતરણ કરે છે. સ્પર્ધાનું પરિણામ શું આવશે એ ચિંતામાં બાળકો અને એમનાં માબાપો અધ્ધરજીવ થઈ જાય છે. તેથી વિદ્વાન બાળશિક્ષણશાસ્ત્રીઓ તથા મનોચિકિત્સકો કહે છે કે સ્પર્ધા હોવી જ ન જોઈએ.

અને દીકરા સંદીપ, આપણો દીકરો ઇનામ જીતી લાવે તો જ તેનું ભવિષ્ય ઉજ્જવળ હશે એવી કોઈ ખાતરી મળતી નથી. ક્યારેક પૂરી યોગ્યતા ન હોય તો ય બાળક પ્રથમ ક્રમે આવે છે, પણ જીવનની દોડમાં એ પાછળ રહી જાય એવુંય બને છે.

બેટા, આરોગ્ય અને જીવન ટકાવવા માટે શ્ર્વાસ લેવો, ખાવું સૂવું, રમવું, બધું જરૂરી છે, એવી જ રીતે વિકાસ માટે ભણવું, કલાપ્રવૃત્તિ કરવી, રમવું એ બધું જરૂરી છે. એમાં બાળકોમાં ઉત્સાહ જાગે, મન પ્રસન્ન રહે. માટે સ્પર્ધા ભલે યોજાય, પણ બાળકમાં જો ઈનામની લાલચ જાગે તો એની બાળકના માનસ પર ખરાબ અસર થાય છે. વિજેતા બનવાની ચિંતા બાળકને કચડી નાખે છે. સંકુચિતતા એના માનસનો કબજો લઈ લે છે, બાળક વલોવાયા કરે છે. એની ઈશ્ર્વરદત્ત શક્તિઓ કુંઠિત થઈ જાય છે.

આપણા બાળકની અંદર રહેલી શક્તિઓને બહાર લાવવા માટે અને વિકસાવવા 

આપણે અનેક પ્રયત્નો કરીએ છીએ અને કરવા જોઈએ, પણ દરેક બીજમાં પાંગરવાની શક્તિ છે. ભવિષ્યમાં એ મોટું વૃક્ષ બનશે પણ એ ધીરે ધીરે થતો ક્રમિક વિકાસ છે. કોઈ બીજની અંદર ફૂટી રહેલા અંકુરને બળજબરીથી બહાર ખેંચી કાઢીએ તો તે વૃક્ષ ન બને, પણ કરમાઈ જાય તેવું જ થાય છે. બાળકના વિકાસમાં જો આપણે ધીરજથી કામ ન લઈએ તો ઈશ્ર્વરદત્ત એની શક્તિ વેડફાઈ જાય છે.

આજની શિક્ષણ વ્યવસ્થા બાળકને ઝટ હોંશિયાર બનાવી દેવાના મોહમાં- માળી બીજમાંથી જેમ બોન્સાઈન એટલે કે નાનકડું વૃક્ષ બનાવી આપે છે, જે વૃક્ષમાં આભની અખિલાઈને માપવાની ક્ષમતા કદી નથી આવતી. એ વૃક્ષના મૂળ જમીનમાં બહું ફેલાઈ નથી શકતા એ કૂંડામાં જ મર્યાદિત રહે છે એવું જ આપણા બાળકનું થાય.

સંદીપ તને તારા સ્કૂલના દિવસો યાદ નથી આવતા? તું કદી પહેલા નંબરે તો નહીં પણ પહેલા પાંચ નંબરમાંય ન હતો આવતો, પણ અમે કદીય તને કહ્યું હતું કે તું કેમ આગળ નંબરે પાસ નથી થતો?

અમે તો એક જ ઈચ્છા રાખતાં હતાં કે તું પ્રસન્નચિત્તે રસથી અભ્યાસ કરે. તારાં હૃદયમન ખીલે. તું સારો માણસ બને.

No comments:

Post a Comment