Thursday, January 28, 2016

‘સહિષ્ણુ’ કોંગ્રેસના શાસનમાં કાશ્મીરમાં ગાંધીજીની પ્રતિમાનો વિરોધ થયેલો! -- 5 -- સિક્કાની બીજી બાજુ - જયવંત પંડ્યા -- 5 -- સિક્કાની બીજી બાજુ - જયવંત પંડ્યા

8-11-2015
‘સહિષ્ણુ’ કોંગ્રેસના શાસનમાં કાશ્મીરમાં ગાંધીજીની પ્રતિમાનો વિરોધ થયેલો!  
જમ્મુ-કાશ્મીરમાં ખાસ કરીને કાશ્મીર ઘાટીમાં ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી હતી. રાજ્યપાલ જગમોહન કેન્દ્ર સરકારને મામલાની ગંભીરતા તેમના રિપોર્ટ દ્વારા આપી રહ્યા હતા, પરંતુ રાજીવ ગાંધી સરકાર અને રાજ્યમાં ફારુક સાથે સત્તા ભોગવતી કોંગ્રેસ ચૂપ હતાં. ઝિયાના મૃત્યુ પછી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. તે પછી પાકિસ્તાનમાં જાણે કોઈ બાળક ઘરેથી નીકળે ને મેદાનમાં રમીને પાછો આવે એટલી સરળતાથી કાશ્મીરના યુવાનો જવા લાગ્યા. તેમનો હેતુ પ્રવાસ કે પર્યટનનો નહોતો. તેમને ત્યાં કાયદેસર શસ્ત્ર તાલીમ અપાઈ રહી હતી. 

રાજ્યપાલ જગમોહને ઑગસ્ટ ૧૯૮૮ની તેમની ડાયરીમાં નોંધ્યું છે કે ૫૦ કાશ્મીરી યુવાનો ત્રાસવાદી પ્રવૃત્તિ માટેની તાલીમ લઈને પાછા ફર્યા હતા. તેઓ પાછા ફર્યા ત્યારે તેમાંના કેટલાક પાસે ચીનના આક્રમક હથિયારો હતાં. અહીં આપણે નોંધવું જોઈએ કે જ્યારે પણ દુનિયામાં યુદ્ધ જેવી હિલચાલ થાય છે કે કોઈ દેશ પર હુમલો કરવાની નોબત આવે છે ત્યારે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની વગેરે દેશો એક થઈને હુમલો કરે છે. એ પણ જાણીતી વાત છે કે આ દેશોમાં મુખ્યત્વે ખ્રિસ્તીઓની બોલબાલા છે. આ દેશોમાં ઇસ્લામી ત્રાસવાદી પ્રવૃત્તિ ચલાવી લેવાતી નથી. બીજી તરફ, પાકિસ્તાનને સાઉદી અરેબિયા, ઈરાક, ઈરાન સહિતના ઇસ્લામિક દેશોનો ટેકો મળતો રહે છે. ચીન બૌદ્ધ ધર્મી છે. ક્યારેક લોકશાહી દેશની નબળાઈ બની જતી હોય છે. એક જ પક્ષનું શાસન હોવાના કારણે ચીન પોતે જ શક્તિશાળી છે. ચીનની પડખે મહદંશે રશિયા ઊભું રહે છે. 

ભારતની વાત કરીએ ત્યારે ભારતને કયા દેશનો ટેકો મળે છે? ભારત હિન્દુ બહુલ દેશ છે. પણ પહેલાં મહાત્મા ગાંધી-પં.નહેરુ-સરદારે અઘોષિત રીતે અને પછી ઈન્દિરા ગાંધીએ સત્તાવાર રીતે ભારતને સેક્યુલર દેશ બનાવી દીધો. આ વિશ્ર્વમાં એકમાત્ર નેપાળ હિન્દુ રાષ્ટ્ર હતું, પરંતુ ચીનની નીતિઓના કારણે આપણા શાસકો ઊંઘતા રહ્યા ને નેપાળ ચીનના ખોળામાં સરી પડ્યું. ત્યાં માઓવાદીઓ વર્ષ ૨૦૦૮માં શાસનમાં આવ્યા. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં માઓવાદીઓ ત્રીજી સૌથી મોટી તાકાત બનીને ઉભરી આવ્યા છે. હમણાં ડીઝલ-પેટ્રોલનું જે થયું તે નેપાળનું ભારતને બ્લેકમેઇલિંગ જ હતું. નેપાળના તાજા બંધારણમાં પણ તેને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરાયું નથી. જોકે નેપાળ હિન્દુ રાષ્ટ્ર હતું ત્યારે પણ અને આજે નથી રહ્યું ત્યારે પણ ખાસ શક્તિશાળી નથી રહ્યું. તે ભારત પર જ મહદંશે આધારિત રહ્યું છે અને એક રીતે ભારતના એક અઘોષિત રાજ્ય જેવું જ રહ્યું છે. 

ક્યાંક ને ક્યાંક હિન્દુઓની એ નબળાઈ રહી કે ધર્મના નામે રીતિરિવાજો-કર્મકાંડોને જેટલું પ્રાધાન્ય આપ્યું તેટલું સત્તાને નહીં. ખોટા કર્મકાંડો, ખોટી પ્રતિજ્ઞાઓ ને ખોટા લાગણીવેડાના કારણે સત્તાથી હંમેશાં દૂર રહ્યા. ત્યાગને વધારે પડતું પ્રાધાન્ય આપી દેવાયું. દેશમાં અન્ય પંથ-ધર્મોને આવવા દેવાયા. તેમના પ્રત્યે વધુ પડતા ઉદાર રહ્યા. તેમના પર પહેલેથી કોઈ નિયંત્રણ ન રાખ્યું. પરિણામે પરધર્મીઓની જનસંખ્યા વધતી ગઈ. અને તેમાંના અનેક લોકોનો પાકિસ્તાન, અમેરિકા જેવા દેશોએ પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કર્યો. ૧૯૮૭માં શાહબાનો કેસથી જે રાજીવ ગાંધીએ મુસ્લિમોનું તુષ્ટિકરણ શરૂ કર્યું તે આજે એટલી હદે વધી ગયું છે કે જો આજની સ્થિતિએ કોઈ પણ સંસ્થાનાં મૂળ વિચારને કડીબદ્ધ કરવાનો હોય તો તે સંસ્કૃતમાં સંભવ જ ન બને. એલઆઈસીનો મૂળ વિચાર છે- યોગ ક્ષેમં વહામ્યહમ્, ન્યાયાલયનો મૂળ વિચાર છે - યતો ધર્મસ્તતો જય:, આકાશવાણીનો મૂળ વિચાર છે- બહુજન હિતાય, બહુજન સુખાય. દૂરદર્શનનો મૂળ વિચાર છે-સત્યમ્ શિવમ્ સુંદરમ્ આ લોગોને દૂર કરી દેવાયો હતો. જોકે તેને પાછો લવાયો. સારું છે કે મૂળ આ સૂત્રો કોંગ્રેસના સમયમાં આવ્યાં. આ બધાં સૂત્રો હવે જો મોદી સરકાર લાવે તો ભગવાકરણના આરોપો લગાવી દેવામાં આવે! 

ટૂંકમાં, ભારતની પડખે મજબૂતાઈથી ઊભાં રહે તેવાં રાષ્ટ્રો કોઈ નથી! આપણે રશિયાને વર્ષોથી સાચું ટેકેદાર માનતા આવ્યા છીએ, પણ તાશ્કંદ સમજૂતી વખતે પોતાને મહાસત્તા સાબિત કરવા રશિયાએ (તત્કાલીન સોવિયેત સંઘ) આપણને દગો દઈ દીધો હતો. આપણી આર્થિક શક્તિ ઘણી બધી રહી છે. આજે પણ છે. સાંસ્કૃતિક રીતે પણ આપણે હંમેશાં મહાન રહ્યા છીએ. પણ રાજકીય રીતે?

તો, આપણા મજબૂત અને મક્કમ સાથીદારો ન હોવાના કારણે આપણને વર્ષોથી તકલીફ પડતી રહી છે. પેલા સાપની વાર્તા જેવું થતું આવ્યું છે. સાપ અહિંસક હોવાથી તેને બધા પથ્થર મારતા. ઋષિએ તેને કહ્યું કે તને કરડવાની ના પાડી છે, ફૂંફાડો મારવાની નહીં. આપણે ક્યારેય કોઈ દેશ પર હુમલો ન કર્યો, પરંતુ તેનો અર્થ એવો થોડો છે કે આપણી પર કોઈ હુમલો ન કરે? તેના કારણે યુનાનીઓ, શક, હુણ, એલેક્ઝાન્ડર, તુર્કો, મોગલો એમ અનેક લોકોએ હુમલાઓ કર્યા. આ બધા હુમલામાં ક્યારેય આખું ભારત દાસ (ગુલામ) ન બન્યું, પરંતુ બ્રિટિશરો વખતે બની ગયું. અને બ્રિટિશરો આપણા ઇતિહાસ અને શિક્ષણમાં એવા ચેડાં કરતા ગયા કે આપણામાંના મોટા ભાગના માનસિક રીતે એમના ગુલામ થઈ ગયા. 

આપણે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ ભૂલી ગયા પણ હવે મધર્સ ડે, ફાધર્સ ડે યાદ કરવા લાગ્યા. ભાદરવામાં શ્રાદ્ધ ભૂલતા ગયા પણ હવે હેલોવીનને ઘુસાડાઈ રહ્યું છે. ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમન્તે તત્ર દેવતા:’ ભૂલી ગયા ને વીમેન્સ ડે યાદ રાખવા માંડ્યા. વસંતપંચમી ભૂલી ગયા ને વેલેન્ટાઇન્સ ડેએ તેનું સ્થાન લઈ લીધું. ચૈત્ર સુદ એકમ કે કારતક સુદ એકમનું બેસતું વર્ષ ભૂલી ૩૧ ડિસેમ્બર ઉજવવા લાગ્યા.

ટૂંકમાં ૨૦૦ વર્ષમાં માનસિક રીતે પાંગળા બનાવવા તમામ પ્રયાસો અંગ્રેજોએ કર્યા ને તેમાં તેઓ સફળ રહ્યા. તેમને જેવા જોઈતા હતા તેવાના હાથમાં શાસન સોંપીને તેઓ ગયા. કેટલાક કાયદાઓ એવા ને એવા રાખ્યા. જેમ કે લંડનના સમાચારપત્ર ડેઇલી મેઇલના એક અહેવાલ પ્રમાણે, ૨૦૦ વર્ષથી ચાલ્યો આવતો કાયદો છે કે બ્રિટનના રાણી કે રાજા ભારતના કોઈ પણ ન્યાયાલયના નિર્ણયોની સમીક્ષા ધારે તો કરી શકે! નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન બન્યા પછી આ જરીપુરાણા કાયદાઓને કાઢવાનું હાથમાં તો લીધું હતું પરંતુ જે રીતે છેલ્લા અનેક મહિનાઓથી કામકાજ ઠપ કરાયું છે તે જોતાં તે કેટલું આગળ વધ્યું હશે તે કલ્પના કરી શકાય છે. આ ઉપરાંત રાષ્ટ્રકુળ (કોમનવેલ્થ)માં હજુ પણ આપણે સભ્ય તરીકે ચાલુ છીએ. આ રાષ્ટ્રકુળ એવા દેશોનો સમૂહ છે જે એક સમયે બ્રિટનના દાસ હતા. પંડિત નહેરુએ તેમાં સભ્ય બનવાનું નક્કી કર્યું ત્યારે જબરદસ્ત ઊહાપોહ થયો હતો. કોમનવેલ્થ નામ જ દાસત્વ (ગુલામી)નું સૂચક છે. બ્રિટિશની સામાન્ય સંપત્તિ એવો સામાન્ય અર્થ થાય. સ્વતંત્ર ભારતમાં બજેટ પણ અંગ્રેજોને અનુકૂળ સમયે રજૂ કરાતું! 

સ્વતંત્ર ભારતમાં પણ કેન્દ્રીય અંદાજપત્ર સાંજે પાંચ વાગે શરૂ થતું. કેમ? તો કે, બ્રિટિશકાળથી પરંપરા ચાલી આવતી હતી. બ્રિટિશરોએ આ પરંપરા એટલે પાડી કે ભારતના બજેટ વિશે તે ત્યાં બેઠા તેના સમય પ્રમાણે જાણી શકે. આપણે ત્યાં પાંચ વાગ્યા હોય એટલે ત્યાં બ્રિટનમાં સવારના ૧૧.૩૦ આસપાસ સમય થયો હોય. આ પરંપરા છેક વર્ષ ૨૦૦૦ સુધી એટલે કે અટલ બિહારી વાજપેયીની બિનકોંગ્રેસી સરકારના શાસન સુધી ચાલુ રહી. આ સરકારને પણ આ પરંપરા બદલતાં ત્રણ વર્ષ થયાં! હજુ વકીલોના કાળા કોટ ને શિક્ષણ પછી પદવીદાન સમારંભમાં કાળા ગાઉનની પરંપરા જેવી ઘણી બુડથલ બ્રિટિશ પરંપરાઓ ચાલુ જ રહી છે. 

આમ, આપણી પડખે મજબૂત રીતે ઊભો રહે તેવો કોઈ દેશ નથી. અને અંગ્રેજો આપણને સતત હેરાન કરતું રહે તેવું પાકિસ્તાન મૂકતા ગયા છે જેને અંગ્રેજો નબળા પડ્યા પછી અમેરિકા અને હવે ચીન પાળતું-પોષતું આવ્યું છે. તો બીજી તરફ, ચીન, બાંગલાદેશ, શ્રીલંકા, મ્યાનમાર જેવા દેશો પણ આપણા મિત્રો નથી. ઈઝરાયેલની જેમ આપણે ચોતરફ શત્રુ નહીં તોય વિરોધીઓથી તો ઘેરાયેલા છીએ જ અને કરુણતા એ છે કે ઇઝરાયેલની જેમ આપણી સરેરાશ પ્રજાની માનસિકતા લડાયક નથી. (આમ પાછી અંદરોઅંદર લડવામાં બહાદુર ખરી.)

એટલે કાશ્મીરમાં જે યુવાનો પાછા ફરેલા તેને પાકિસ્તાન, અમેરિકા અને ચીન એ ત્રણેયની મદદ મળતી હતી તે સાબિત થયું. કેમ કે તેમની પાસેથી ચીનનાં શસ્ત્રો મળ્યાં હતાં. તેમની તાલીમ પાકિસ્તાનમાં થઈ હતી અને અમેરિકા પાકિસ્તાનને મદદ કરતું હતું. પાકિસ્તાન સરકાર અને આઈએસઆઈની મદદથી બ્રિટનથી પ્રત્યર્પણ કરીને પાકિસ્તાન આવેલો જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટનો નેતા અમાનુલ્લા ખાન કાશ્મીરના યુવાનોને ત્રાસવાદીઓ બનાવવાનું કામ કરી રહ્યો હતો. અને કાશ્મીરમાં રહેલા જમાત-એ-ઇસ્લામી જેવાં સંગઠનો, દિલ્હીની જામા મસ્જિદના ઈમામ બુખારી જેવાં પાકિસ્તાન તરફી તત્ત્વો કાશ્મીરના યુવાનોને ભારત વિરુદ્ધ સતત ભડકાવી રહ્યા હતા. કાશ્મીરની ફારુક અબ્દુલ્લાની કોંગ્રેસના સમર્થનવાળી સરકાર પણ ભ્રષ્ટ અને કોમવાદી હતી. 

આવી પરિસ્થિતિમાં ૧૦ સપ્ટેમ્બર, ૧૯૮૮ની મોડી સાંજે શ્રીનગરના રાણીબાગ મંદિર પર કેટલીક અજાણી વ્યક્તિઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. ૧૭ સપ્ટેમ્બરની મધરાતે કાશ્મીર રેન્જના ડીઆઈજી અલી મોહમ્મદ વતાલી અને તેમના પરિવારજનો પર અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ ચાર યુવાનોએ જીવલેણ હુમલો કર્યો. એક ત્રાસવાદી વળતા ગોળીબારમાં માર્યો ગયો. તેની પાસેથી રશિયાની બનાવટની ગન મળી આવી. આ સભ્યો જેકેએલએફ સંગઠનના હોવાનું મનાતું હતું અને તેમને પાકિસ્તાનમાં તાલીમ મળી હતી. ૨૨ સપ્ટેમ્બરે મકબૂલ બટને ફાંસીની સજા સંભળાવનાર નિવૃત્ત સેશન્સ જજ એન.કે. ગંજૂ પર ગોળીબાર થયો. ૨૩ સપ્ટેમ્બરે રાત્રે આઠ વાગે કાશ્મીરના ડીઆઈજી અને સીઆઈડીના આઈજી પર અંધાધૂંધ ગોળીબાર થયો. ૨૪ સપ્ટેમ્બરે શ્રીનગરના મ્યુઝિયમના સુરક્ષાકર્મી પર મોટરસાઇકલ પર આવેલા ત્રાસવાદીઓએ ગોળીબાર કર્યો. 

અત્યારે કોંગ્રેસના ઈશારે સાહિત્યકારો, ફિલ્મકારો, ઇતિહાસકારો ને વૈજ્ઞાનિકો મંડી પડ્યા છે કે દેશમાં અસહિષ્ણુતા છે, પણ જ્યારે કાશ્મીરમાં ફારુક અબ્દુલ્લા સાથે કોંગ્રેસનું શાસન અને કેન્દ્રમાં પણ રાજીવ ગાંધી સરકાર હતી ત્યારે કાશ્મીરમાં કેવી અસહિષ્ણુતા હતી તેનો એક આ અજબ નમૂનો છે. ૨ ઑક્ટોબર, ૧૯૮૮ના રોજ મહાત્મા ગાંધીનો જન્મદિન હતો. શ્રીનગરમાં નવા બનેલા હાઇ કોર્ટના સંકુલમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરવાની હતી. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તેનું ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ ગણ્યાગાંઠ્યા મુસ્લિમ વકીલોએ તેનો વિરોધ કર્યો. તેમણે ધમકી આપી કે તેઓ ઉદ્ઘાટન સમારંભમાં તોફાન કરશે. 

ફારુક અબ્દુલ્લા જેઓ પણ અત્યારે નરેન્દ્ર મોદી સામે ચાલતી અસહિષ્ણુતાની ઝુંબેશમાં કૂદી પડ્યા છે, તેમણે તે વખતે એ સમારંભ જ રદ્દ કરી નાખેલો! અત્રે બરાબર નોંધવા જેવું છે કે જે પ્રતિમા સ્થાપિત કરાવાની હતી તે કોઈ હિન્દુ દેવી-દેવતા ભગવાન રામ, કૃષ્ણ કે ભારત માતાની નહોતી, જેની સામે મુસ્લિમોને વાંધો હોય. તે તો મહાન સેક્યુલર મહાત્મા ગાંધીની પ્રતિમા હતી! જેઓ મહદંશે મુસ્લિમોના પક્ષે જ રહ્યા હતા, ચાહે તે ખિલાફત મૂવમેન્ટ હોય કે પછી ઝીણાને વડા પ્રધાન બનાવવાની ઓફર હોય કે પછી પાકિસ્તાનને તેના ભાગના ૫૫ કરોડ તેણે પચાવી પાડેલું કાશ્મીર પાછું લીધા વગર આપી દેવા માટે ઉપવાસ આદરવાની વાત હોય. અને તો પણ કાશ્મીરના મુસ્લિમ વકીલોએ વિરોધ કર્યો ને ફારુક માની ગયા. ખરી અસહિષ્ણુતા કોની?

(ક્રમશ:)
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=178221

15-11-2015
ધાર્મિક સંસ્થાઓના દુરુપયોગનો કાયદો કાશ્મીરમાં લાગુ ન કરાયો!

કાશ્મીરમાં ધાર્મિક અસહિષ્ણુતા અને અલગાવવાદ સતત વધી રહ્યો હતો. જગમોહને કેન્દ્ર સરકારને પહેલાં જ ચેતવણીના સંકેતો આપી દીધા હતા જે રાજીવ ગાંધીની કેન્દ્ર સરકારે ધ્યાનમાં લીધા નહોતા. પણ જગમોહન પાસે હવે પ્રત્યક્ષ રજૂઆત કરવાનો સમય આવ્યો હતો. ૧૯૮૮ના ઑક્ટોબરની ૧૦ અને ૧૧ તારીખે નવી દિલ્હીમાં રાજ્યપાલોની પરિષદ હતી. તેમાં સ્વાભાવિક જ અધ્યક્ષ તરીકે રાષ્ટ્રપતિ જ હોય. જોકે આ પરિષદમાં ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો પણ હાજર હતા. જગમોહને અહીં પણ પોતાની વાત રજૂ કરી, પરંતુ છતાં કોઈ પગલાં લેવાયાં નહીં. 

દરમિયાનમાં વઝીર કમિશને જમ્મુ-કાશ્મીરમાં રિયાસી જિલ્લો રચવા ભલામણ કરી હતી. પરંતુ તે માટે ફારુક અબ્દુલ્લા અને કોંગ્રેસની સરકારે કોઈ પગલાં લીધાં નહીં. આથી સપ્ટેમ્બરથી આ જિલ્લાની રચના માટે આંદોલન શરૂ થયું હતું. જમ્મુથી માત્ર ૬૪ કિમી દૂર અને હિન્દુ બહુમતીવાળા વિસ્તારના વિકાસ માટે સરકારને કોઈ પડી જ નહોતી. અને આંદોલન શરૂ થયું એના પહેલા દસ દિવસ સુધી પણ સરકારે આંખ આડા કાન કર્યા. આથી આંદોલનકારીઓએ પોતે જ રિયાસીને જિલ્લો જાહેર કરી દીધો અને તેમની રીતે ડેપ્યુટી કમિશનર પણ નીમી દીધા. પરિણામે આંદોલનના નેતાઓની ધરપકડ કરાઈ. બે મહિના ચાલેલા આંદોલનમાં હડતાળ, ધરણા અને સરઘસ જેવાં ગાંધીચીંધ્યા માર્ગોનો સહારો લેવાયો હતો. છેવટે સરકારે બાંયધરી આપી એટલે આંદોલન અટકાવી દેવાયું હતું. 

૨૭ ઑક્ટોબર, ૧૯૮૮. જમ્મુ-કાશ્મીર માટે આ દિવસ ખરેખર તો શુભ દિવસ હોવો જોઈએ કેમ કે આ દિવસે ભારતીય સેના પાકિસ્તાનના આક્રમણને ખાળવા શ્રીનગરના હવાઈ મથકે ઉતરી હતી અને જમ્મુ-કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ થયું હતું, પરંતુ કાશ્મીર ખીણમાં તેને શુભ દિવસ મનાતો નથી!

પંડિત જવાહરલાલ નહેરુ, શેખ અબ્દુલ્લા અને તેમના સંતાનો- ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, ફારુક અબ્દુલ્લા-આ પાંચ જણા મારી દૃષ્ટિએ જમ્મુ-કાશ્મીરની દુર્દશા માટે સૌથી જવાબદાર છે. નહેરુ કલમ ૩૭૦ લાવ્યા. ઇન્દિરા ગાંધીએ કાશ્મીરના રાજકારણમાંથી સાવ ફેંકાઈ ગયેલા શેખ અબ્દુલ્લા સાથે સમજૂતી કરી અને તેમના પક્ષનો એક પણ ધારાસભ્ય ન હોવા છતાં તેમને મુખ્યપ્રધાન બનાવ્યા. રાજીવ ગાંધીએ પણ ફારુક અબ્દુલ્લાને પહેલાં રાષ્ટ્રવિરોધી કહ્યા અને પછી તેમની સાથે સમજૂતી કરી તેમની સાથે ભાગીદારીમાં સરકાર બનાવી. અને તે પછી આટલી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ વિશે ગવર્નર જગમોહને ધ્યાન દોરવા છતાં કોઈ પગલાં લીધાં નહીં. 

હવે આ કલમ ૩૭૦ કેટલી નડી ગઈ તે જુઓ. ૧, સપ્ટેમ્બર ૧૯૮૮ના રોજ કેન્દ્ર સરકાર એક સારો કાયદો લાવી હતી અને આ કાયદો મુખ્યત્વે શીખ અંતિમવાદી જર્નૈલસિંહ ભીંદરાનવાલે અમૃતસરના સુવર્ણમંદિરમાં છુપાઈ ગયો હતો તેને ધ્યાનમાં લઈને બનાવાયો હતો. આ કાયદાનું નામ હતું ધાર્મિક સ્થળોનો દુરૂપયોગ અટકાવવો. (રિલિજિયસ ઇન્સ્ટિટ્યૂશન્સ પ્રિવેન્શન ઑફ મિસયુઝ ઍક્ટ, ૧૯૮૮). આ કાયદો ભારતનાં તમામ રાજ્યોમાં લાગુ કરાયો પરંતુ જમ્મુ-કાશ્મીરમાં લાગુ ન કરાયો. કેમ? કારણ કે કાશ્મીરમાં કલમ ૩૭૦ લાગુ પડતી હતી અને આ કલમ મુજબ, જો ફારુક અબ્દુલ્લા-કોંગ્રેસ સરકાર ઈચ્છે તો જ આ કાયદો જમ્મુ-કાશ્મીરમાં લાગુ પડી શકે. આ કાયદાની સૌથી વધુ જરૂર અહીં હતી કેમ કે અહીં મસ્જિદ-મદરેસાઓનો સૌથી વધુ દુરૂપયોગ થતો હતો અને રાજકીય રીતે ઉશ્કેરણીઓ કરાતી હતી, પરંતુ ફારુક અબ્દુલ્લા-કોંગ્રેસ સરકારે તેને મંજૂરી ન આપી અને તે માટે કારણ શું આપ્યું? જમ્મુ-કાશ્મીર અલગ છે. તેનું વ્યક્તિત્વ, તેની ઓળખ જુદાં છે. કેટલું વાહિયાત કારણ! જ્યારે રોમ ભડકે બળતું હતું અને નીરો ફીડલ વગાડતા હતા તેમ કાશ્મીર ભડકે બળવા લાગ્યું હતું અને દિલ્હીમાં રાજીવ ગાંધી પોતાની આસપાસની ચમચા ચોકડીના ચડાવેલા નશામાં હતા. તેમને, સ્થાનિક કોંગ્રેસી નેતાઓ કે ફારુક અબ્દુલ્લાને ખબર નહોતી કે ઉપરોક્ત કાયદો જમ્મુ-કાશ્મીરમાં ન લાગુ થવાથી નજીકના ભવિષ્યમાં જ કેવી ભયંકર વિષમ પરિસ્થિતિ સર્જાવાની છે. 

નવેમ્બર ૧૯૮૮માં ફારુક અબ્દુલ્લા અને રાજીવ ગાંધીની સમજૂતીની બીજી વાર્ષિક તિથિ હતી પરંતુ રાજ્યની રાજધાનીમાં તેની કોઈ ઉજવણી થઈ નહીં. ખીણમાં હિંસા વધી રહી હતી. તો આ તરફ હવે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચેય ઝઘડા શરૂ થઈ ગયા હતા. વડા પ્રધાન રાજીવ ગાંધીએ રૂ. ૧૧ અબજની સહાય (પેકેજ) આપવાની જાહેરાત કરી હતી પણ તે આપ્યું તો નહોતું. આથી ફારુક અબ્દુલ્લા હવે આ સહાય ન આપવા માટે રાજીવ ગાંધીની ટીકા કરવા લાગ્યા. તેમણે કહ્યું, મારી સહનશક્તિની કસોટીની કોઈ મર્યાદા તો હોય કે 

નહીં? (ઇન્ડિયા ટુડે, તા.૧૫ જાન્યુઆરી ૧૯૮૯).

૬ નવેમ્બરના દિવસને પણ કાશ્મીરીઓ ઇતિહાસમાં કાળા દિવસ તરીકે મનાવે છે. પાકિસ્તાન તરફી કટ્ટર મુસ્લિમોનું માનવું છે કે આ દિવસે વર્ષ ૧૯૪૭માં ભારતીય સેનાએ કાશ્મીરમાં મુસ્લિમોની મોટા પાયે હત્યા કરી હતી. કેવું જૂઠાણું! જે સેના કાશ્મીર અને કાશ્મીરીઓને પાકિસ્તાનથી બચાવવા ગઈ હતી તેના વિશે આવી વાતો ફેલાવવાની?

આ તરફ પાકિસ્તાનમાં લશ્કરી પ્રમુખ ઝિયા ઉલ હકના કમૃત્યુ પછી શું સ્થિતિ હતી? ૧૭ ઑગસ્ટ ૧૯૮૮એ ઝિયાના મૃત્યુ પછી સેનેટના પૂર્વ અધ્યક્ષ ગુલામ ઈશાક ખાને વચગાળાના પ્રમુખ તરીકે સત્તા સંભાળી હતી. તેમણે નવેમ્બર ૧૯૮૮માં લોકશાહી ઢબે ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાનમાં એક પ્રકારના ઇતિહાસનું પુનરાવર્તન થતું રહે છે. જેમ કે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને હટાવીને ઝિયા ઉલ હક આવ્યા અને ઝુલ્ફીકારને ફાંસી અપાઈ. આથી ઝુલ્ફીકાર અલી ભુટ્ટોનાં પુત્રી બેનઝીર દેશબહાર ચાલ્યાં ગયાં. ઝિયા ઉલ હકે જ્યારે ૧૯૮૬માં લશ્કરી કાયદો (માર્શલ લો) ઉઠાવી લીધો ત્યારે તેઓ ફરી પાકિસ્તાનમાં આવ્યાં હતાં. તે પછી તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા ત્યારે તેમણે વર્ષ ૧૯૯૯માં ફરી પાકિસ્તાન છોડવું પડ્યું હતું. આ જ વર્ષમાં લશ્કરી વડા જન. પરવેઝ મુશર્રફે બળવો કરી સત્તા કબજે કરી અને પછી નવાઝ શરીફને દસ વર્ષ દેશવટો ભોગવવો પડ્યો હતો. 

તો, નવેમ્બર ૧૯૮૮માં પાકિસ્તાનમાં જે ચૂંટણી યોજાઈ તેમાં સ્વાભાવિક જ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો સાથે થયેલા વર્તન અને તેમને અપાયેલી ફાંસીની સહાનુભૂતિ બેનઝીર ભુટ્ટોને મળી અને માત્ર ૩૫ વર્ષની વયે તેઓ પાકિસ્તાનનાં પહેલાં વડાં પ્રધાન બન્યાં. હવે બંને દેશોમાં યુવાન વડા પ્રધાન હતા. બંને દેશોમાં એ વ્યક્તિઓ વડા પ્રધાન હતા જેમના માતાપિતાએ સીમલા સમજૂતી કરી શાંતિ માટે પાયો નાખવાની (એ વખતના દાવા મુજબ) ઐતિહાસિક પહેલ કરી હતી. આથી અપેક્ષા તો સ્વાભાવિક જ એવી થાય કે હવે ભારત-પાકિસ્તાનના સંબંધો કાયમી ધોરણે સુધરી જશે અને બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાઈ જશે.

બેનઝીરે સત્તાગ્રહણ કર્યાની શરૂઆતમાં તો ભારત-પાકિસ્તાન વચ્ચે બગડેલા સંબંધો અંગે ચિંતા વ્યક્ત કરી અને તેને સુધારવા પ્રયાસો કરવા ખાતરી આપી. એક વાત નોંધવી જોઈએ કે ભારતીય માધ્યમોના એક મોટા વર્ગમાં પાકિસ્તાનના શાસકો પ્રત્યે ખબર નહીં કેમ કૂણો ભાવ અને આદરનો ભાવ હંમેશાં દેખાઈ આવે છે. દા.ત. પાકિસ્તાનના પૂર્વ શાસક પરવેઝ મુશર્રફ સ્વીકારી ચુક્યા છે કે તેમણે જ કારગિલ યુદ્ધ છેડ્યું હતું. તો પણ એનડીટીવીની બરખા દત્ત હોય કે રાજદીપ સરદેસાઈ (અત્યારે ઇન્ડિયા ટુડે ચેનલ, પહેલાં સીએનએન-આઈબીએન) કે રજત શર્મા યા અન્ય કોઈ ઇલે. મિડિયાના મોટાં માથાં ગણાતા પત્રકાર, મુશર્રફને સંબોધતી વખતે મુશર્રફ સાહબ જ કહેશે. જ્યારે ભારતના વડા પ્રધાનને મનમોહનસિંહ કે નરેન્દ્ર મોદી કહીને જ સંબોધશે. મનમોહનસિંહજી કે મોદીજી પણ નહીં કહે. તેમાંય બેનઝીર ભુટ્ટોના રૂપના કામણથી અનેક પત્રકારો પ્રભાવિત હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે. માત્ર બેનઝીર જ શું કામ, થોડા સમય પહેલાં પાકિસ્તાનનાં વિદેશ પ્રધાન હીના રબ્બાની ખાર માટેય આવો જ મામલો હતો. 

આમ પણ અમેરિકાના પ્રમુખ કે બ્રિટનના રાજા કે રાણી કે તેમનાં સંતાનો આવે છે તો પણ આપણા માધ્યમો, તેઓ કેટલા વાગ્યે ઊઠ્યા, કેટલા વાગે પ્રાત:ક્રિયા કરીથી માંડીને કેટલી વાર છીંક ખાધી જેવી ક્ષુલ્લક વાતો અને તસવીરોથી પાનાં અને ટીવી પર સ્લોટ ભરી દેતા હોય છે. આ આપણી માનસિક ગુલામી સિવાય બીજું કંઈ દર્શાવતું નથી. આપણા વડા પ્રધાન કે રાષ્ટ્રપતિ ત્યાં જાય છે ત્યારે તેમની ખપ પૂરતી અને ઘણી વાર તો નેગેટિવ નોંધ વધુ લેવાતી હોય છે. આ તો ઠીક, હજુ પણ આપણાં માધ્યમો પૂર્વ રાજવીઓના વંશજોને પણ મહારાજા અને મહારાણી તરીકે સંબોધે છે- છાપે છે. શું તે લોકશાહીનું અપમાન નથી? શું તે આપણી માનસિક ગુલામીનું પ્રતીક નથી? પત્રકારોએ કોઈ પણ વ્યક્તિને આદર આપવો જોઈએ પરંતુ અહોભાવ કે મુગ્ધપણાથી મુક્ત રહેવું જોઈએ- ખાસ કરીને જ્યારે કેમેરા સામે તમે ઇન્ટરવ્યૂ કરતા હો.

આવું જ અત્યારના રાજકારણીઓ બાબતનું છે. વ્યક્તિઓ ચાહે તે નરેન્દ્ર મોદી હોય કે લાલુપ્રસાદ, શાહરુખ ખાન હોય કે સન્ની લિયોનને એટલા બધા ગ્લોરિફાય કરવામાં આવે છે, કે વાત ન પૂછો. અને અમુક ચેનલો પર તો વારંવાર કોઈ ને કોઈ બહાને દાઉદ ઇબ્રાહિમના ગુણગાન આડકતરી રીતે ગાવામાં આવતા હોય છે. આ બધું તો જવા દો, પટેલો માટે અનામત આંદોલન છેડનાર અને જેણે નક્સલી અને આતંકવાદી ભાષા બોલીને પોલીસોને મારી નાખવાની ઉશ્કેરણી કરી હતી, જેણે અનેક વર્ષો પછી ગામડેગામડે પહોંચેલા વીજળીના થાંભલાને ઉખાડી નાખવાની ઉશ્કેરણી કરી હતી તે હાર્દિક પટેલ જેવા હજુ ઉગતા અને નેતા બનવા મથતા વ્યક્તિ સાથે ફોટા પડાવીને કેટલાક પત્રકારો પોરસાતા હોય તેને કેવી વિટંબણા કહેવી! હાર્દિક પટેલના ઇન્ટરવ્યૂમાં પણ ઇન્ટરવ્યૂ લેતો મોટો પત્રકાર ચેનલનો હેડ હોય તે અત્યંત પ્રભાવિત દેખાતો હોય તો પછી ચોથી જાગીરના નામે ફાંકા મારવાનો આવા પત્રકારોને કોઈ હક નથી. 

તો, પાકિસ્તાનમાં બેનઝીરના સત્તામાં આવ્યા પછી શું થયું? કાશ્મીર મુદ્દે સંબંધો સુધર્યા? ના. ઝિયાએ જે અપકૃત્યો શરૂ કર્યા હતાં અને કાશ્મીરમાં ત્રાસવાદ શરૂ કરાવ્યો હતો તે વધુ ને વધુ આગળ વધવાનો હતો!

(ક્રમશ:)
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=178734

22-11-2015

ન ઉદાસ દેખાજે, ન ખુશ: ઝુલ્ફીકારે બેનઝિરને સલાહ આપેલી

તો, ૧૯૮૮માં પાકિસ્તાનમાં બેનઝિર ભુટ્ટો સત્તામાં આવ્યાં હતાં. ત્રણ રીતે આ વાત ભારત માટે મહત્ત્વની હતી. સર્વ પ્રથમ તો પાકિસ્તાનમાં લોકશાહી રીતે ચૂંટાયેલી સરકાર લગભગ એક દાયકા પછી આવી હતી. બીજું, પાકિસ્તાનમાં સર્વ પ્રથમ વાર મહિલા વડાં પ્રધાન બન્યાં હતાં. ત્રીજું, તેઓ રાજકીય વારસો (લિગેસી) લઈને આવ્યાં હતાં. કયો રાજકીય વારસો? તેમના પિતા ઝુલ્ફીકાર અલી ભુટ્ટોનો રાજકીય વારસો, જેમાં તેમણે ૧૯૭૧નું ભારત સામેનું યુદ્ધ હાર્યા પછી ભારત સાથે સીમલા સમજૂતી કરી હતી. 

આ સીમલા સમજૂતી જ્યારે થઈ ત્યારે પિતા સાથે બેનઝિર પણ ભારત આવ્યાં હતાં. આ મુલાકાત વખતની કેટલીક રસપ્રદ વાતો કરીએ જેથી તેઓ પોતે સત્તામાં આવ્યા તે પછી વડા પ્રધાન રાજીવ ગાંધી સાથે ૧૯૮૮માં સમજૂતી કરી તેને આપણે સારી રીતે સમજી શકીએ. 

બેનઝિર ભુટ્ટોએ પોતાની આત્મકથા ડોટર ઑફ ઇસ્ટ’માં પોતાની સીમલા મુલાકાતનું રસપ્રદ વર્ણન કરેલું છે. તે ઉપરાંત સીમલા સમજૂતી અંગે અન્ય અહેવાલોમાંથી પણ બેનઝીર વિશે માહિતી મળે છે. પહેલાં બેનઝીરનું વર્ઝન જોઈએ. તેમણે લખ્યું છે:

૨૮ જૂન, ૧૯૭૨. મારા પિતા અને ઈન્દિરા ગાંધી વચ્ચે શિખર પરિષદ થવાની હતી. આ સમગ્ર ઉપખંડનું ભાવિ તેના પરિણામ પર નિર્ભર હતું. મારા પિતા મને પણ સાથે લઈ જવા ઈચ્છતા હતા. હું જ્યારે હાર્વર્ડ યુનિવર્સિટીના જુનિયર વર્ષમાંથી ઉનાળાના વેકેશન માટે પાછી ફરી તેના એક અઠવાડિયા પછી તેમણે (ઝુલ્ફીકાર) મને કહ્યું હતું, જે કંઈ પરિણામ આવે તે, આ બેઠક પાકિસ્તાનના ઇતિહાસમાં વળાંક સાબિત થશે. હું તને તેમાં હાજર રાખવા માગું છું. તે વખતે મારા પિતા ખાલી હાથે જઈ રહ્યા હતા જ્યારે ઇન્દિરા ગાંધી પાસે સોદાબાજી માટેના હુકમનાં તમામ પત્તાં હતાં.

મારા પિતાએ મને વિમાનમાં જ સલાહ આપી દીધી, મુલાકાત કઈ રીતે પ્રગતિ કરે છે તેના સંકેતો પર બધાની નજર હશે, તેથી જરા વધુ ધ્યાન રાખજે. તારે હસવું નહીં અને એવી છાપ પણ ન ઊભી થવા દેવી કે આપણા સૈનિકો ભારતના કેદીઓ બન્યા છે ત્યારે તું મજા કરી રહી છે. તારે ઉદાસ પણ ન દેખાવું કારણકે લોકો તેનું અર્થઘટન નિરાશાના સંકેત તરીકે કરશે. તેમની પાસે એ કહેવાનું કારણ ન હોવું જોઈએ કે તેના ચહેરાને જુઓ. મંત્રણા નિષ્ફળ જ ગઈ છે. પાકિસ્તાનીઓ હારી 

ગયા છે.

તો પછી મારે કેવા દેખાવું? બેનઝિરે પૂછ્યું. 

મેં તને પહેલાં જ કહી દીધું. ન તો ઉદાસ દેખાજે કે ન તો ખુશ.

એ તો બહુ મુશ્કેલ છે. 

જરા પણ નહીં.

તેઓ ખોટા હતા. જ્યારે અમે ચંડીગઢ ખાતે પ્રેસિડેન્શિયલ પ્લેનમાંથી હેલિકોપ્ટરમાં ગયાં જે અમને બ્રિટિશ રાજ વખતની ઉનાળાની રાજધાનીમાં લઈ જવાનું હતું ત્યાં આવો તટસ્થ દેખાવ રાખવો મુશ્કેલ હતો. એમાંય જ્યારે અમે ફૂટબોલ પિચ પર, ટેલિવિઝન કેમેરાઓની ચાંપતી નજર હેઠળ હેલિકોપ્ટરમાંથી ઊતર્યા ત્યારે શ્રીમતી ગાંધીએ પોતે અમને આવકાર્યાં ત્યારે આ (ન હસવું કે ન ઉદાસ રહેવું) ખૂબ જ મુશ્કેલ હતું. મેં તેમને કહ્યું, સલામ અલૈકુમ. જે મુસ્લિમોની અભિવાદન કરવાની રીત હતી. તેના જવાબમાં શ્રીમતી ગાંધીએ નમસ્તે કર્યા. 

થોડી બ્રેક મારીને એક વાત કરી લઈએ. ઈન્દિરા ગાંધી વખત સુધી કોગ્રેસનું તુષ્ટીકરણ સાવ નીચી હદ સુધી ગયું નહોતું, જે રાજીવ ગાંધીના આવ્યા પછી જવા લાગ્યું, ખાસ કરીને શાહબાનો કેસ પછી. યાદ હોય તો જ્યારે પાકિસ્તાનના લશ્કરી શાસક પરવેઝ મુશર્રફ ૨૦૦૧માં કારગિલના યુદ્ધ પછી ૧૪ જુલાઈ, ૨૦૦૧એ ભારત આવ્યા ત્યારે માહિતી અને પ્રસારણ મંત્રી સુષમા સ્વરાજે આદાબ કે કુર્નિશ જે કહેવાય તે કરીને તેમનું સ્વાગત કર્યું હતું. આ શું યોગ્ય કહેવાય? આના કારણે પાકિસ્તાની મીડિયામાં આનંદ છવાઈ ગયો હતો. હિન્દુવાદી ગણાતા પક્ષ ભાજપનાં એક નેતા આ રીતે કુર્નિશ કરે અને તે પણ કારગિલ યુદ્ધ છેડનાર સામે!

ફરી સીમલા સમજૂતીની વાત પર પાછા ફરીએ. બેનઝિર આગળ લખે છે: 

જ્યારે એક તરફ સમજૂતી અંગે સઘન વાટાઘાટો ચાલી રહી હતી ત્યારે બીજી તરફ, હું જ્યારે પણ હિમાચલ ભવન, જે પંજાબના બ્રિટિશ ગર્વનરોનું પૂર્વ નિવાસસ્થાન હતું, તેની બહાર જતી ત્યારે લોકો લાઇન લગાવીને ઊભા રહેતા જોવા મળતા. તેઓ મને તાક્યા કરતા. ચિચિયારી કરતાં ટોળાં મારી પાછળ પાછળ આવતાં. ભારતમાં આવવા માટે મને આવકારતા પત્રો અને તાર (ટેલિગ્રામ)નો ઢગલો થઈ ગયો. એકમાં તો સૂચન પણ કરાયું હતું કે મને મારા પિતાએ ભારતમાં દૂત તરીકે નિમવી જોઈએ! પત્રકારો અને લેખો લખનારાઓએ મારો ઇન્ટરવ્યૂ લેવા ધસારો કર્યો. 

બેનઝિર લખે છે: મારાં કપડાં રાષ્ટ્રીય ફેશન થઈ ગઈ, પણ મારા માટે એ શરમજનક વાત હતી કેમ કે એ બધાં કપડાં મારી બહેનપણી સામિયાની બહેનના હતાં જે મેં પહેરવા માગ્યાં હતાં! મારા પોતાના કપડાંના કબાટમાં તો જીન્સ, સ્વીટશર્ટ, ઇન્ફોર્મલ ખમીઝ હતા. મને એમ હતું કે મને યુદ્ધ અને શાંતિ વિશે પ્રશ્ર્નો પુછાશે પરંતુ મને તો મારાં કપડાં અંગે પ્રશ્નો પુછાતા રહ્યા. છેવટે મેં જવાબ આપ્યો, ફેશન તો મધ્યમ વર્ગનો પાસ્ટાઇમ છે.

મારા પિતા અને પાકિસ્તાનના પ્રતિનિધિમંડળના અન્ય લોકો સમજી ન શક્યા કે મને શા માટે આટલું મહત્ત્વ મળી રહ્યું છે. ગંભીર મુદ્દાથી વાતને ફંટાવવા માટે તને મહત્ત્વ અપાઈ રહ્યું લાગે છે. મારા પિતાએ સમાચારપત્રમાં ટોળા સામે હાથ હલાવીને અભિવાદન કરતી પહેલા પૃષ્ઠ પર છપાયેલી મારી તસવીર જોઈને કહ્યું, સાવધ રહેજે. તેમણે મને 

ચિડવી, તું મુસોલિની જેવી લાગે છે.

તેમની વાત સાચી હતી. મંત્રણાઓ સંપૂર્ણ ગુપ્ત રખાતી હતી. આના કારણે જે આંતરરાષ્ટ્રીય પત્રકારો ભેગા થયા હતા તેમને મારા પર ધ્યાન કેન્દ્રિત કરવા સિવાય કોઈ છૂટકો જ નહોતો. પરંતુ મને લાગે છે કે મને જે અભૂતપૂર્વ સત્કાર મળતો હતો તેનું બીજું પણ કારણ હતું. 

હું નવી પેઢીનું પ્રતીક હતી. હું ક્યારેય ભારતીય નહોતી. હું સ્વતંત્ર પાકિસ્તાનમાં જ જન્મી હતી. હું જટિલતાઓ અને પૂર્વગ્રહથી મુક્ત હતી. આ પૂર્વગ્રહોના કારણે તો વિભાજન વખતે ભારતીયો અને પાકિસ્તાનીઓ વચ્ચે લોહિયાળ રમખાણો થયાં હતાં. કદાચ લોકોને આશા હતી કે જે દુશ્મનીના કારણે ત્રણ-ત્રણ યુદ્ધો ભારત-પાકિસ્તાન વચ્ચે થયાં છે તે આ નવી પેઢી અવગણી શકશે. માતાપિતા અને દાદા-દાદીનો કડવો ભૂતકાળ આ પેઢી ભૂલી જશે. મને લાગ્યું કે આ તદ્દન શક્ય છે. શું આપણે નફરતની દીવાલોથી વિભાજિત જ રહેવાનું છે કે પછી લડીને બાદમાં એક થયેલા યુરોપની જેમ આપણે એક થઈ શકીએ છીએ?

બેનઝિર ઈન્દિરા ગાંધી વિશે પોતાનો અનુભવ લખે છે: 

૩૦ જૂને તેમણે યોજેલા ભોજન સમારંભમાં તેઓ સતત મને જોતાં રહ્યાં, જેના કારણે મને ચિંતા થઈ ગઈ. ઈન્દિરા ગાંધીની હું પ્રશંસક હતી...તેમના વિશે હું માહિતી જાણતી હતી...તેમને શરૂઆતમાં કોંગ્રેસીઓ ગૂંગી ગુડિયા સમજતા હતા, પરંતુ તેમણે બધાને પછાડી દીધા હતા. મેં તેમની સાથે વાત કરવા પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ખૂબ જ મિતભાષી હતાં. તેઓ અંતર્મુખી હતા. એક સતત તણાવ રહેતો જે તેઓ હસે ત્યાર જ દૂર થતો.

મને બીજી ચિંતા એ વાતની હતી કે મેં સિલ્કની સાડી પહેરી હતી જે મને મારી માતા (નૂસરત ભુટ્ટો)એ ઉછીની આપી હતી. જોકે તેમણે મને શીખવ્યું હતું કે શરીર ઢંકાઈ રહે તે રીતે તેને કેમ પહેરવી, પરંતુ મને ચિંતા હતી કે ક્યાંક સાડી ખૂલી ન જાય! મને મારી ફઈ મુમતાઝની વાત યાદ આવી ગઈ. તેઓ જર્મનીમાં હતાં ત્યારે એક સુપરમાર્કેટમાં એસ્કેલેટરમાં તેમની સાડીનો છેડો ફસાઈ ગયો હતો. સાડી ખૂલી ગઈ હતી. છેવટે એસ્કેલેટર બંધ કરાયું ત્યારે ફરી તે પહેરી શકાઈ. પણ આ યાદથી કોઈ મદદ ન મળી. શ્રીમતી ગાંધી (ઈન્દિરા) મારા સામું જોતાં જ રહ્યાં. 

કદાચ તેઓ મને જોઈને ડિપ્લોમેટિક મિશનને યાદ કરતા હશે જ્યારે તેઓ પણ મારી જેમ તેમના પિતા સાથે ગયાં હતાં, તેમ મેં મારા મનમાં વિચાર્યું. શું તેમને મારામાં પોતાની જાત દેખાતી હશે? શું તેમને મારામાં અન્ય એક રાજનીતિજ્ઞની દીકરી દેખાતી હશે? શું તેઓ એક દીકરીનો પોતાના પિતા પ્રત્યેનો પ્રેમ યાદ કરતા હશે? તેઓ ખૂબ જ ઠીંગણા અને નાજુક હતાં. તો પછી પેલી જાણીતી સખ્તાઈ ક્યાંથી આવી હશે? તેમણે તેમના પિતા સામે બળવો કરીને એક પારસી રાજકારણી સાથે લગ્ન કર્યાં હતાં અને એ લગ્ન સફળ ન રહ્યાં અને બંને જણાં અલગ-અલગ રહેવા લાગ્યાં. હવે તેમના પિતા અને પતિ બંને મૃત્યુ પામ્યાં છે. શું તેઓ એકલતા અનુભવતાં હશે?

મને વિચાર આવ્યો કે કદાચ સિમલામાં પાકિસ્તાની પ્રતિનિધિમંડળથી કેટલીક ઐતિહાસિક સ્મૃતિઓ જીવંત બની હશે. આ એ જ શહેર હતું જ્યાં તેમના પિતા મોહમ્મદ અલી ઝીણા અને લિયાકત અલી ખાનને હિન્દુ ઇન્ડિયા (યાદ રાખો આ શબ્દો બેનઝિરના છે.)માંથી મુસ્લિમ પાકિસ્તાનનો નવો દેશ બનાવવા ભેગા થયા હતા. અને હવે વડાં પ્રધાન તરીકે પોતે પણ અલગ મુસ્લિમ દેશ ટકી રહે તે સુનિશ્ર્ચિત કરી શકે છે. અથવા તેઓ તેનો નાશ કરવા પ્રયાસ કરી શકે છે. તેઓ કયા રસ્તે જશે? તેનો જવાબ ચાર દિવસ પછી આવ્યો...
(ક્રમશ:)

http://www.bombaysamachar.com/frmSearch.aspx

29-11-2015










બ્રહ્માંડમાં દેખાતી નિયમિતતા અને ગતિનું મૂળ ક્યાં? --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ


                                          


આપણે સવારે ઊઠીએ ને સૂર્યોદય થાય. હકીકતમાં સૂર્યોદય થાય અને સવાર થાય અને આપણે ઊઠીએ. સૂર્યોદય બરાબર નિયમિત રીતે થાય. કોઈ પણ એક દિવસ એવો ન હોય જે દિવસે સૂર્યોદય ન થાય. હાં, વાદળા હોય તો સૂર્યના દર્શન ન થાય તે જુદી વાત છે. તેવી જ રીતે સૂર્યાસ્ત પણ નિયમિત રીતે થાય છે. રાત્રે ચંદ્રોદય પણ નિયમિત રીતે થાય છે અને સવારે ચંદ્રાસ્ત પણ નિયમિત રીતે થાય છે. સૂર્ય અને ચંદ્રની આકાશમાં થાળીઓ લગભગ સમાન લાગે છે પણ તેમની સાઈઝ સમાન નથી. ઘણા લોકો માને છે કે સૂર્ય અને ચંદ્ર સમાન સાઈઝના છે અને બંને સૂર્યો છે. એક દિવસનો અને એક રાતનો, સૂર્ય, ચંદ્ર કરતાં કદ ()માં ૮ કરોડ ૩૨ લાખ ગણો મોટો છે અને પૃથ્વી કરતાં કદ ()માં ૧૩ લાખ ગણો મોટો છે. સૂર્ય સ્વયંપ્રકાશિત તારો છે. જ્યારે ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. ચંદ્ર સ્વયં-પ્રકાશિત નથી, ચંદ્ર પૂર્ણિમાને દિવસે પૃથ્વીના સંદર્ભે સૂર્યની બરાબર સામે આવી જતો હોવાથી પૂર્ણ દેખાય છે. હકીકતમાં તે અર્ધ છે. ચંદ્રના ગોળાનો એક અર્ધ ભાગ જ આપણને દેખાય છે. ચંદ્રની ગતિ એવી છે કે તેનો એક જ અર્ધગોળો પૃથ્વી સમક્ષ રહે છે. સૂર્ય, પૃથ્વીના સંદર્ભે ચંદ્ર કળા કરતો દેખાય છે. અમાસને દિવસે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જતો હોવાથી અને તે સ્વયંપ્રકાશિત ન હોવાથી રાતે ગાયબ થયેલો લાગે છે. હકીકતમાં તે ગાયબ થતો નથી. આકાશમાં જ હોય છે પણ તેનો જે ભાગ પૃથ્વી સામે છે તેના પર સૂર્યપ્રકાશ પડતો નથી માટે તે દેખાતો નથી. 

ચંદ્ર પૃથ્વીની પરિક્રમા કરે છે અને નિયમિત રીતે કળા કરે છે. ચંદ્રને પૃથ્વીની એક પરિક્રમા પૂરી કરતા જે સમય લાગે છે તે જ સમય તેને કળાનું ચક્ર પૂરું કરતાં થાય છે એને આપણે મહિનો કહીએ છીએ. ચંદ્ર જે કળા કરે છે તેથી જ પુરાતન માનવીને સૌપ્રથમ સમયનો વિચાર આવ્યો. આમ ચંદ્ર નિયમિત કળા કરે છે. સૂર્ય અને ચંદ્રે સૌપ્રથમ આપણને સમયનું ભાન કરાવ્યું અને નિયમિતતા અર્પી. આમ આપણને બ્રહ્માંડમાં નિયમિતતાના પ્રથમ દર્શન કરાવનાર સૂર્ય અને ચંદ્ર છે.

શું સૂર્યોદય-સૂર્યાસ્ત, ચંદ્રોદય-ચંદ્રાસ્તે આપણને નિયમિતતા આપી? બ્રહ્માંડમાં જે સાચું છે તે ઘણીવાર દેખાતું નથી અને દેખાય છે તે ઘણીવાર સાચું હોતું નથી. સૂર્ય અને ચંદ્રે આપણને નિયમિતતા આપી જ નથી. નિયમિતતા આપનાર આપણી પૃથ્વી છે. તે તેની ધરી પર ગોળ ગોળ ફરે છે અને સ્વયંપ્રકાશિત નથી અને ગોળો છે માટે દિવસ-રાત થાય છે. એટલે કે સૂર્યોદય અને સૂર્યાસ્તની નિયમિતતા આપનાર સૂર્ય અને ચંદ્ર નથી પણ પૃથ્વી પોતે જ છે.

દિવાળી આવે ઠંડીની ઋતુ શરૂ થાય. હુતાશની આવે વસંતઋતુ આવે પછી ઉનાળો આવે અને પછી વર્ષાઋતુ શરૂ થાય. ઋતુઓને આ નિયમિતતા કોણે અપી? પૃથ્વીની વાંકી ધરીએ. બોલો લો. પૃથ્વી થોડી વાંકી વળી ગઈ અને આપણને ઋતુઓની નિયમિતતા મળી ગઈ. વર્ષની નિયમિતતા જે આપણને મળી છે તે છેવટે તો પૃથ્વીએ જ તો આપણને આપી છે. પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તેથી આપણને વર્ષની નિયમિતતા મળી છે. 

ચંદ્ર મહિનાના ચાર ભાગ પાડી સમયને થોડા નાના યુનિટમાં વહેંચ્યો છે. તે પડવેથી સુદ આઠમ, સુદ આઠમથી પૂર્ણિમા અને પૂર્ણિમાથી વદ આઠમ અને વદ આઠમથી અમાસ. આમ સમયને નાના યુનિટમાં વહેંચી શકાય છે તે બાબતની જાણ આપણને ચંદ્રે કરી. પૃથ્વીની વાંકી ધરીએ સૂર્યના માર્ગને ઉત્તરાયણ અને દક્ષિણાયનમાં વહેંચી વર્ષના છ, છ મહિનાના બે ભાગ કરી વર્ષને બે સબ યુનિટમાં વહેંચ્યું. 

પ્રકાશિત તારા લગભગ સરખા અંતરે સ્થિત હોવાથી પૃથ્વીના ધરીભ્રમણે રાત્રિના લગભગ સરખા ૧૨ ભાગ કર્યા. તેથી દિવસના પણ ૧૨ ભાગ થયા અને આપણને ર૪ કલાકનો દિવસ મળ્યો. પૃથ્વી સૂર્યની પરિક્રમા કરતી હોવાથી તારા દરરોજ ૪ મિનિટ વહેલા ઊગે છે. તેણે કલાકની ૬૦ મિનિટ આપી. પૃથ્વીના સૂર્ય ફરતેના પરિભ્રમણે આપણને અલગ અલગ ઋતુમાં અલગ અલગ તારા-નક્ષત્રોના દર્શન કરાવી ઋતુઓની ઓળખાણ કરાવી. દા. ત. મૃગશીર્ષ તારામંડળ આકાશમાં નજરે ચઢવાનું શરૂ થાય એટલે સમજવું કે શિયાળો બેઠો છે. રાત્રિ આકાશમાં વિંછુડો નજરે ચઢવાનું શરૂ થાય એટલે સમજવું વર્ષાઋતુ શરૂ થવાની છે. આકાશમાં સિંહ રાશિ દેખાવાની શરૂ થાય એટલે સમજવું કે ઉનાળો શરૂ થશે. આમ આપણને લાગે કે આ બધી નિયમિતતા આપણને છેવટે પૃથ્વીએ આપી છે.

હકીકતમાં આ બધી નિયમિતતા આપણને પૃથ્વીએ આપી નથી, પણ ભૂતકાળમાં સંકોચન પામેલી સૌર-નિહારિકાએ આપી છે. સૌર નિહારિકા ધરીભ્રમણ કરતી હતી અને ગુરુત્વાકર્ષણને લીધે સંકોચન પામતી હતી તેણે ગ્રહોને અક્ષભ્રમણ અને કક્ષાભ્રમણ અપ્યાં અને આપણને નિયમિતતા મળી. પણ સૌર-નિહારિકાને અક્ષભ્રમણની નિયમિતતા કોણે આપી? તો કહે આપણી આકાશગંગા મંદાકિનીએ. આકાશગંગા તેની ધરી પર ગોળ ગોળ ઘૂમે છે. માટે સૌર-નિહારિકાને પણ તે ગતિ મળી હતી.

આપણી આકાશગંગા મંદાકિનીને તેનું અક્ષભ્રમણ કોણે આપ્યું? આકાશગંગા મંદાકિનીમાં જે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયાં અને બંને વચ્ચે ખૂણો બન્યો તેણે આકાશગંગાને ગોળ ગોળ ઘુમાવવાનું શરૂ કર્યું. પણ મુખ્ય પ્રશ્ર્ન એ છે કે આકાશગંગા મંદાકિનીમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો કેવી રીતે ઉત્પન્ન થયાં? એ ગુરુત્વાકર્ષણે ઉત્પન્ન કર્યાં, કારણ કે ગુરુત્વાકર્ષણે મંદાકિનીના પદાર્થને આકર્ષી તેમની વચ્ચે ટક્કર શરૂ કરાવી. તેમાંથી ઈલેક્ટ્રોન્સ બહાર પડ્યાં. મંદાકિનીમાં આયોનાઈઝેશન (આયનીકરણ) શરૂ થયું. પ્રવેગી ઈલેક્ટ્રોન્સે ચૂંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું. મંદાકિનીમાં વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન થયું. આ બે ક્ષેત્રની અસમતુલાએ મંદાકિનીને ગોળ ગોળ ફેરવવાનું શરૂ કર્યું. આમ છેવટે ગુરુત્વાકર્ષણે આ બધાં ચક્રો શરૂ કર્યાં. ભલે પ્રારંભ ગુરુત્વાકર્ષણે કર્યો પણ પછી વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોનો તેને સહારો મળ્યો. પણ પદાર્થનો ગુણ તો ગુરુત્વાકર્ષણ જ ગણાય. એ પદાર્થમાં જે ઈલેક્ટ્રોન્સ અને પ્રોટોન્સ હતા જે પદાર્થ જ છે પણ તે વિદ્યુતભારવાળા છે. તેણે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન કર્યાં. આમ છેવટે પદાર્થની નાભિમાં રહેલાં ગુરુત્વાકર્ષણબળ, વિદ્યુતબળ અને ચૂંબકીયબળ બ્રહ્માંડના જાત જાતના અક્ષભ્રમણ અને કક્ષાભ્રમણને ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. નથી સૂર્ય, નથી ચંદ્ર, નથી પૃથ્વી. સૂર્યને પોતાને જે અક્ષભ્રમણ અને કક્ષાભ્રમણ છે તે છેવટે પદાર્થની નાભિસ્થિતિ ઉપરોક્ત બળોને જ આભારી છે. છેવટે બધું સૂક્ષ્મમાંથી જન્મે છે. માટે જ અણુ-પરમાણુને સમજવા ખૂબ જ જરૂરી છે. અણુ-પરમાણુ છે તો નાના પણ નાના નથી. પૂરા બ્રહ્માંડની તાકાત તેમાં સમાયેલી છે. વિશાળ જગતને સમજવાની ચાવી આ સૂક્ષ્મજગત તેની પાસે લઈને બેઠું છે. 

વિજ્ઞાનીઓ માટે જ સૂક્ષ્મજગતને સમજવા પાછળ લાગ્યાં છે. તેઓ સૂક્ષ્મજગત અને વિશાળ જગત વચ્ચેના બ્રિજના અનુસંધાનને શોધવા મથે છે. હજુ સુધી તે અનુસંધાન દેખાતું નથી. આ બ્રહ્માંડમાં દેખાતી બધી જ ક્રિયાઓનું મૂળ ભલે તે ગ્રહોનું અક્ષભ્રમણ હોય કે કક્ષાભ્રમણ કે કોઈ પણ ગતિ હોય કે કોઈ પણ નિયમિતતા હોય તે છેવટે સૂક્ષ્મજગતને આભારી છે. અણુ-પરમાણુને આભારી છે. માટે જ નિયમિતતા અને ગતિ દૈવી છે. આપણો આ દેહ છેવટે તો નાની નાની પેશીઓ-અણુ-પરમાણુ પર જ ઊભો છે. નાના-નાના-જીન્સ પર બંધાયેલ છે. આ વિશાળ બ્રહ્માંડ સૂક્ષ્મ અણુ-પરમાણુ પર ઊભું છે. એ અણુ-પરમાણુએ જ ગુરુત્વાકર્ષણ, વિદ્યુત, ચુંબકીય, આણ્વિક, રેડિયો-એક્ટિવિટી ક્ષત્રોને બળોને જન્મ આપી બ્રહ્માંડમાં નિયમિતતા સર્જી છે. 

અણુમાં ઈલેક્ટ્રોન્સને કક્ષાભ્રમણ આપેલ છે અને અક્ષભ્રમણ પણ આપે છે. આમ ગતિનું ઉત્પન્ન સ્થાન અણુ-પરમાણુ છે. માટે જ કણ્વઋષિએ બ્રહ્માંડનો છેવટનો આધાર કણ છે અને કણને જરા પણ નજરઅંદાજ કરવું નહીં જોઈએ તે વાત કરી સૂક્ષ્મ કણોને સમજવાની અને સમજાવવાની શરૂઆત કરી. કણ્વઋષિ નામ પ્રાપ્ત કર્યું. રસપ્રદ વાત એ છે કે કણ્વઋષિ પ્રભાસ-પાટણ-ગુજરાતના હતા અને ઈસુની પહેલાની છઠ્ઠી સદીમાં થઈ ગયા હતા. જગતને-બ્રહ્માંડને સૂક્ષ્મકણોના જ્ઞાનની દિશામાં લઈ જનાર પ્રથમ માનવી ઋષિ કણ્વ હતા. આપણા ગણપતરાય ર. જાની જે માટુંગામાં રહે છે તેઓએ ગીતામાંથી સૂક્ષ્મ જ્ઞાન સમજીને આ ભૌતિકજગત છેવટે સૂક્ષ્મજગતને આભારી છે તે પ્રતિપાદન કરતા આવ્યા છે. કણ્વઋષિ પ્રથમ ઋષિ હતા જેમણે સૂક્ષ્મજગતમાં ડૂબકી મારી હતી જેનો હજુ સુધી તાગ નીકળ્યો નથી. સૂક્ષ્મજગત વિશાળ બ્રહ્માંડ કરતાં અબજોગણું ઊંડું સાબિત થયું છે એટલે કે વિશાળ સાબિત થયું છે. વિશાળતાને તેણે અબજોગણી સંકીર્ણ બનાવી દીધી છે અને વિશાળતાએ તેનો અર્થ ગુમાવી દીધો છે. તે તાકાત સૂક્ષ્મ બ્રહ્માંડની છે. છેવટે બધું નાભિમાંથી ઉત્પન્ન થયું છે, વિષ્ણુ ભગવાનની નાભિમાંથી.

સૂક્ષ્મ એ સૂક્ષ્મ નથી, વિરાટ છે, વિરાટ એ વિરાટ નથી સૂક્ષ્મ છે, આ જ તો બ્રહ્માંડની માયા છે. વિરાટમાં સૂક્ષ્મ સમાયેલ છે. સૂક્ષ્મમાં વિરાટ સમાયેલ છે. તેમાં કોઈ ભેદ નથી બીજમાં વૃક્ષ તું વૃક્ષમાં બીજ તું એ નરસિંહ મહેતાના ભજનની કડી યથાર્થ સાબિત થાય છે. માટે જ્યારે તમે નિયમિતતા અને ગતિની વાત કરો ત્યારે અણુ-પરમાણુને યાદ કરવાં જરૂરી છે. છેવટે બધું નાના અણુ-પરમાણુમાં સમાયેલું છે. જ્યારે પશ્ર્ચિમ અંધકારયુગમાં હતું ત્યારે ભારતે વિશાળ બ્રહ્માંડ અને ઊંડાં સૂક્ષ્મ બ્રહ્માંડને આત્મસાત્ કર્યાં હતાં. આજે આપણે ક્યાં છીએ તે વિચારવું રહ્યું.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=179353

બ્રહ્માંડ ન્યુટ્રિનોનો મહાસાગર: કોઈ રોકટોક નહીં -- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

આ વર્ષનું નોબેલ પ્રાઈઝ બે વિજ્ઞાનીઓને આપવામાં આવ્યું છે. એક જાપાનના છે અને બીજા કેનેડાના. આ બંને વિજ્ઞાનીઓએ એમ શોધી કાઢ્યું અને સાબિત કર્યું કે ન્યુટ્રિનોને દળ છે. તે દળ વગરના કણો નથી. એ પહેલાં ત્રણ વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું હતું કે ન્યુટ્રિનો ત્રણ પ્રકારનાં છે અને તે જે સ્ત્રોતમાંથી નકળે છે ત્યારે રસ્તામાં તે તેની જાત બદલે છે, માટે પૃથ્વી પર આવતા ન્યુટ્રિનોની ગણતરીનો તાળો મળતો આવતો નથી. ન્યુટ્રિનોના ત્રણ પ્રકારમાં ઈલેક્ટ્રોન ન્યુટ્રિનો, મ્યુઓન ન્યુટ્રિનો અને ટાઉ ન્યુટ્રિનોો છે. આ બધા ન્યુટ્રિનો વળી પ્રતિપદાર્થકણો છે. આમ ન્યુટ્રિનોના કુટુંબમાં છે ન્યુટ્રિનો છે. જોવાનું એ છે કે ન્યુટ્રિનો અને તેનો પ્રતિપદાર્થ બંને એક જ છે. 

ન્યુટ્રિનો ૧,૬૦૦૦૦ અબજ કિલોમીટરની દીવાલમાંથી પસાર થઈ જાય છે તો આવી જાડી દીવાલ પણ તેને રોકી શકતી નથી. તો દીવાલની સાથે જરાપણ ઘર્ષણમાં ઊતરતો નથી અને પસાર થઈ જાય છે. તેથી તે બ્રહ્માંડના છેડેથી પણ પૃથ્વી પર આવી શકે છે. તે જરા પણ રોકટોક વગર પૂરા બ્રહ્માંડમાં વિહાર કરે છે. તે કોઈ પણ પદાર્થમાં શોષાતો નથી. તે કોઈ પણ પદાર્થની સાથે ગતિવિધિ કરતો નથી, નથી સંઘર્ષમાં ઊતરતો. તે વિરકત છે. તેને કોઈ પણ વસ્તુનો રંગ લાગતો નથી. તે નાશ પામતો ન હોઈ અને પૂરા બ્રહ્માંડમાં વિહાર કરતો હોવાથી તે બ્રહ્માંડનો ખરો મેસેન્જર (સંદેશવાહક) છે, તે લગભગ પ્રકાશની ગતિથી ચાલે છે. તેને નહિવત્ પદાર્થ તો છે. આ ન્યુટ્રિનો બ્રહ્માંડનું મોટું રહસ્ય છે અને તે આપણને બ્રહ્માંડનું રહસ્ય બતાવી શકે છે. તે કાંઈ જ નથી પણ કાંઈક છે. હકીકતમાં તે સર્વસ્વ છે. 

ન્યુટ્રિનોનું નામ પાડનાર વિખ્યાત અણુવિજ્ઞાની એન્રીકો ફર્મી હતા. ન્યુટ્રિનોના અસ્તિત્વની આગાહી વિખ્યાત ભૌતિકશાસ્ત્રી વોલ્ફગાંગ પૌલીને ૧૯૩૦માં કરી હતી, પણ તેની શોધ છેક ૧૯૫૬માં થઈ પણ ત્યારથી માંડી ૫૯ વર્ષ પછી તેને વિજ્ઞાનીઓ સમજ્યા અને ઓળખવા પામ્યાં છે. તેને નહીંવત્ પદાર્થ () છે, પણ તે લગભગ ઊર્જારૂપમાં છે.

ન્યુટ્રિનોેક્ષેત્રે કાર્ય કરતા કેટલાય વિજ્ઞાનીઓને નોબેલ પ્રાઈઝ મળ્યા છે. એક જ ક્ષેત્રમાં ત્રણ નોબેલ પ્રાઈઝ દેવાયા છે તે જ દર્શાવે છે કે આ વિષય કેટલો અગત્યનો છે. 

ભૌતિકશાસ્ત્રીઓએ ગણતરી કરી કે સૂર્યમાંથી કેટલા ન્યુટ્રિનો મળવા જોઈએ, પણ જે પૃથ્વી પર આવે છે તેની સંખ્યા તો અડધી કે એક તૃતીયાંશ જ છે. તો તેમને થયું કે આ ગુમ થયેલા ન્યુટ્રિનોે જાય છે ક્યાં? આ કોયડો લગભગ ૪૦ વર્ષ સુધી ભૌતિકશાસ્ત્રીઓને પજવતો રહ્યો. પછી વિજ્ઞાનીઓને ખબર પડી કે રસ્તામાં ન્યુટ્રિનોો તેની જાત બદલે છે અને આ બધી જાતનો તાળો મેળવીએ તો ખબર પડે કે સૂર્યમાંથી પૃથ્વી પર આવતા ન્યુટ્રિનોની સંખ્યા બરાબર છે. 

ન્યુટ્રિનો તારાના ગર્ભભાગમાં, મહાતારાનો વિસ્ફોટ થાય ત્યારે, મંદાકિનીના કેન્દ્ર વગેરે જગ્યામાં ઉત્પન્ન થઈ બહાર પડે છે, દર સેક્ધડે અબજો ન્યુટ્રિનો આપણા શરીરમાંથી કે પૃથ્વીમાંથી પસાર થઈ જાય છે. આપણને ખબર પણ પડતી નથી હવે પૂરેપૂરી ન્યુટ્રિનો એસ્ટ્રોનોમી ઉત્પન્ન થઈ છે. તેમાં ભારતનું પણ યોગદાન રહ્યું છે. દક્ષિણ ભારતમાં તામિલનાડુમાં ભારતના નેતૃત્વ નીચે ન્યુટ્રિનોે ઓબ્ઝર્વેટરી ઊભી કરવામાં આવી છે, પણ સ્થાનિક લોકો માને છે કે તે નુકસાનકારક છે. તેમને સમજ નથી કે આ કેટલું મોટું કાર્ય ભારતમાં થઈ રહ્યું છે. જેમ નર્મદા પર સરદાર સરોવર ડેમ બાંધવામાં એક્ટિવિસ્ટોએ વાંધો લીધો હતો. તેવો જ વાંધો ભારત સ્થાપિત ન્યુટ્રિનો વેદ્યશાળાની આજુબાજુના માણસો સમજ્યા વગર કોઈના ચઢાવે વાંધો લઈ રહ્યા છે. સરકાર જ્યાં અણુમથક નાખે છે ત્યાં પણ લોકો સમજ્યા વગર વાંધો લે છે. તે દેશને નુકસાનકારક છે. ન્યુટ્રિનો સર્વવ્યાપી છે. પૂરું બ્રહ્માંડ ન્યુટ્રિનોથી ભરેલું છે. ન્યુટ્રિનો અજર-અમર ઊર્જા છે. હકીકતમાં આપણે ન્યુટ્રિનોના મહાસાગરમાં દરેક ક્ષણે નાહી રહ્યા છીએ. જેટલા ન્યુટ્રિનો આપણા શરીરમાં કે પૃથ્વીમાં એક બાજુથી પ્રવેશે છે તેટલાં જ તે બીજી બાજુથી બહાર નીકળે છે.

આવા ન્યુટ્રિનોની શોધ કેવી રીતે થઈ હશે? યુરેનિયમ જેવા રેડિયો-એક્ટિવ પદાર્થના વિસર્જનમાં છેક અણુના ગર્ભભાગમાં આ ન્યુટ્રિનો ઉત્પન્ન થાય છે. તેની સાથે સાથે આલ્ફા પદાર્થકણો (હિલીયમ અણુનું નાભિ) બીટા પદાર્થકણો (ઈલેક્ટ્રોન્સ) બહાર પડે છે. આ ક્રિયામાં કુલ ઊર્જાનો તાળો મેળવીએ તો બેસે નહીં. આ તાળો મેળવવાના પ્રયત્નમાં વોલ્ફગાંગ પૌલી નામના ભૌતિકશાસ્ત્રીએ ધારણા કરી કે આ ક્રિયામાં એવો પદાર્થકણ બહાર પડતો હોવો જોઈએ જેને નથી દળ કે નથી વિદ્યુતભાર, ત્યારે બીજા વિજ્ઞાનીઓને આ વાત ગમી નહીં કે વળી એવો પદાર્થ હોઈ શકે જેને નથી દળ (Mass) કે નથી વિદ્યુતભાર. આ તો પૌલીના મગજની કલ્પના છે. આવું બની શકે જ નહીં. તો પૌલીએ કહ્યું કે જો આવું ન બનતું હોય તો શક્તિસંચય, વેગમાન સંચય, કોણીયવેગમાન સંચયના નિયમો ખોટા પડે અને આ બધા નિયમો તો પૂર્ણ રીતે પ્રસ્થાપિત છે. તો વાંધો લેનારા વિજ્ઞાનીઓએ કહ્યું કે ભલે બધા સંચયના નિયમો ખોટા પડે. અમે તે સ્વીકારવા તૈયાર છીએ પણ નવો પદાર્થકણ કે જેને નથી દળ કે નથી વિદ્યુતભાર તેને સ્વીકારવા અમે તૈયાર નથી. કદાચ તેના પાછળ બીજાં કારણો પણ હોય. આમ ૧૯૩૦થી ૧૯પ૬ સુધી આવી ચર્ચાઓ ચાલી પણ ૧૯પ૬માં બ્રુકહેવન વેદ્યશાળાના રીએક્ટરની નજીક ન્યુટ્રિનો શોધાયાં, ત્યારે તેમના વાંધા નકામા બની ગયાં. આમ વિજ્ઞાનમાં સાચી શોધનો પણ જલદી સ્વીકાર થતો નથી અને ઘણી વાર ખોટી શોધોનો જલદી સ્વીકારક થઈ જાય છે. હકીકતમાં ન્યુટ્રિનોની શોધ ન્યુટ્રિનો નામના વિદ્યુતભાર વગરના ભારે પદાર્થકણોની શોધ થયા પહેલા થઈ હતી. પ્રારંભે ન્યુટ્રિનોનું નામ ન્યુટ્રિનો જ પૌલીએ પાડ્યું હતું, પણ ન્યુટ્રિનો શોધાયા પછી તેનું નામ ન્યુટ્રિનો રાખવામાં આવ્યું. ન્યુટ્રિનો અણુ-પરમાણુના ગર્ભભાગમાંથી આવતા હોઈ તે બ્રહ્માંડનું ઊંડું રહસ્ય લઈને બેઠાં છે. તેમનો અભ્યાસ આપણને પદાર્થ (matter)ના અણુના ગર્ભભાગના રહસ્યને બતાવી શકે છે. ન્યુટ્રિનો કોઈ પણ બંધનથી મુક્ત હોવાથી તેને પકડવો અઘરો છે. આ વખતે આપણને યાદ આવે શંકરાચાર્ય જેમણે કહ્યું.

અહં નિર્વિકલ્પો નિરાકતરૂપો

વિભૂર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણી

સદામે સમત્વ ન મુક્તિર્નબન્ધ:

ચિદાનંદરૂપો શિવોહમ્ શિવોહમ્

ઉપરોક્ત શંકરાચાર્યની વાત ન્યુટ્રિનોને બરાબર લાગુ પડે છે. બ્રહ્મન્ કેવું હોય તેની ન્યુટ્રિનો આપણને ઝાંખી કરાવી શકે છે. હકીકતમાં તે બ્રહ્મન્ સ્વરૂપ છે, કારણ કે તે કોઈની પણ સાથે ગતિવિધિ (interaction) કરતો નથી.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=178225

બ્રહ્માંડમાં દ્વૈત અસ્તિત્વ ધરાવે છે? --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

           
                                             

બ્રહ્માંડ શબ્દ બ્રહ્મ પરથી આવ્યો છે. વૈદિક મનીષીઓ બ્રહ્મને જ બધુ માને છે. બ્રહ્મન બ્રહ્માંડનો અંતિમ પદાર્થ છે. બ્રહ્મ જ બ્રહ્માંડમાં અલગ અલગ રૂપ ધારણ કરે છે અને આપણી સમક્ષ આવે છે. આપણે તે પોતે બ્રહ્મના જ સ્વરૂપો છીએ. બધું જ બ્રહ્મનમાંથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્મમાં સમાય છે. બ્રહ્મ જ વસ્તુનો પ્રારંભ અને અંત છે. બ્રહ્મ જ નિરંજન-નિરાકાર છે અને જુદા જુદા આકાર ધરી આપની સમક્ષ આવે છે. આ વાત નરસિંહ મહેતાએ તેમના ભજનમાં નીચે પ્રમાણે 

કરી છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે બ્રહ્મ જ ઊર્જા 

છે. બ્રહ્મ અદૃશ્યમાન છે તેમ ઊર્જા પણ અદૃશ્યમાન છે. 

આ બંને રૂપ જ બદલ્યા કરે છે, હકીકતમાં એકના એક 

જ છે. બ્રહ્માંડની ચેતના એ જ બ્રહ્મ. બ્રહ્મ પોતે જ 

અંતરીક્ષ છે. 

વૈદિક મનીષીઓ એ શોધવા ઈચ્છતા કે બ્રહ્માંડનો મૂળભૂત પદાર્થ કયો? તેઓ છેવટે ચેતના-બ્રહ્મ સુધી પહોંચ્યા. આ વેદનો અદ્વૈતવાદ છે જેનો આદ્યશંકરાચાર્યે ખૂબ જ પ્રચાર કર્યો હતો. 

પણ આ બાબતે વધારે વિચાર કરીએ તો સ્પષ્ટ બને છે કે અદ્વૈતવાદમાં દ્વૈતવાદ છુપાયેલો છે. 

ખ્રિસ્તીધર્મમાં આ બ્રહ્માંડ ઈવ અને આદમથી ઉત્પન્ન થયું છે? તો ઈવ અને આદમ ક્યાંથી આવ્યા? આ પ્રશ્ર્નનો જવાબ દેવામાં આવ્યો નથી. ઈવ અને આદમ દ્વૈતવાદ રજૂ કરે છે. ખ્રિસ્તીધર્મમાં અદ્વૈતની વાત જ નથી. અચાનક દ્વૈત આવી જાય છે. પણ આપણે વિચાર કરીએ તો બ્રહ્માંડમાં જગ્યાએ જગ્યાએ દ્વૈત છે, ડાબું-જમણું, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર, નર અને નારી, સત્ય અને અસત્ય, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, ચુંબકનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, ઈલેક્ટ્રોન છે તો પોઝિટ્રોન છે. દરેકે દરેક પદાર્થકણને પોતાનો પ્રતિપદાર્થ કણ પણ છે. પદાર્થ છે તો પ્રતિપદાર્થ પણ છે. એક્સલરેશન છે તો ડિસ્લરેશન પણ છે. ઊંચું છે તો જીવ્યું પણ છે. સુખ છે તો દુ:ખ પણ છે. હર્ષ છે તો શોક પણ છે, જીવન છે તો મૃત્યુ પણ છે. કાળું છે તો ધોળું પણ છે, અંધારું છે તો અજવાળું પણ છે. ગરીબી છે તો અમીરી પણ છે. 

આ દર્શાવે છે કે બ્રહ્માંડમાં ભલે આપણે અદ્વૈતની વાત કરીએ પણ છેવટે તે દ્વૈતમાં જ પરિણમે છે, નહીં તો બ્રહ્માંડ નિરર્થક સાબિત થાય છે. 

વિજ્ઞાનીઓ માને છે કે બ્રહ્માંડમાં બે જ પ્રકારના મૂળભૂત કણો છે જેમાંથી આ બ્રહ્માંડ ઉત્પન્ન થયું છે. એક પ્રકાર તો બોઝોન પદાર્થકણ અને બીજો પ્રકાર તે ફર્મીઓન પદાર્થકણ. પ્રકાશ બોઝોનના પદાર્થકણનો બનેલો છે, જ્યારે ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન એ ફર્મીઓન છે. અહીં પણ દ્વૈતવાદ નજરે ચઢે છે. 

પ્રકાશ એ ઊર્જા છે અને બ્રહ્માંડ પ્રકાશ એટલે કે ઉર્જાથી ભરેલું છે. રસપ્રદ વાત એ છે કે પ્રકાશને બે સ્વરૂપો છે. એક કણ સ્વરૂપ અને બીજું તરંગ 

સ્વરૂપ. તો અહીં પણ આપણે દ્વૈતનો આવિર્ભાવ થતો જોઈએ છીએ. તો થાય કે બ્રહ્માંડ અદ્વૈત છે કે 

દ્વૈત? લાગે છે કે બ્રહ્માંડ દ્વૈત છે. પણ અદ્વૈતમાં દ્વૈતની હાજરી છે જ. આપણા શરીરમાં પણ આપણે લગભગ બધી જ જગ્યાએ દ્વૈતને જોઈ શકીએ છીએ. દા.ત. બે આંખ, બે કાન વગેરે. જીવ અને શિવ પોતે જ દ્વૈત છે. જીવ, શિવ બની શકે છે એટલે કે દ્વૈત અદ્વૈત બની શકે. 

આપણા શાસ્ત્રમાં અર્ધનારીશ્ર્વરની કથા ઘણી રસપ્રદ છે. વિજ્ઞાન સાબિત કરે છે કે પુરુષમાં સ્ત્રી સમાયેલી જ છે અને સ્ત્રીમાં પુરુષ. છેવટે દ્વૈત અદ્વૈત બને છે, અને અદ્વૈતમાંથી દ્વૈત બને છે તો બ્રહ્માંડમાં માયા દ્વૈત અને અદ્વૈત વચ્ચેની છે અને સંઘર્ષ અદ્વૈત અને દ્વૈત વચ્ચેનો જ છે. જો દ્વૈત અદ્વૈત બની જાય તો બધું મોક્ષ સ્વરૂપ બની જાય. શું આ બ્રહ્માંડ દ્વૈત વગર ઉત્પન્ન થઈ શકે નહીં? અસ્તિત્વ ધરાવી શકે નહીં? આ મોટો કોયડો છે. 

વિજ્ઞાન કહે છે કે છેવટે બધું ચેતના છે. પણ ચેતના છે તે જ પ્રકાશ છે અને તેને કણ અને તરંગ એમ બે રૂપ છે. બ્રહ્માંડ ઉત્પન્ન કરવા અદ્વૈત, દ્વૈત બને છે. બાકી બધું અદ્વૈત જ છે. માટે જ સ્ત્રી અને પુરુષ સમાન છે. તેમને ઝઘડો કરવાની જરૂર નથી. કોઈ કારણોસર સ્ત્રીને થોડી નીચી દર્શાવવામાં આવે છે તે અજ્ઞાન છે. લક્ષ્મી-વિષ્ણુ, શંકર-પાર્વતી, રાધા-કૃષ્ણ સાથે સાથે જ છે. લક્ષ્મી-સરસ્વતી પણ એવું જ દ્વિસ્વરૂપ છે. યુગલપણું એ બ્રહ્માંડનું એક તત્ત્વ છે. 

કોઈ પણ વસ્તુને બે બાજુ હોય જ છે. ખરાબ બાજુ અને સારી બાજુ. કોઈ પણ એવી વસ્તુ નથી કે જેને બંને બાજુ ન હોય. આ દ્વૈતવાદ છે તેમાંથી છૂટવું નામુમકીન લાગે છે. તેમાંથી છુટકારો એ જ મોક્ષપ્રાપ્તિ છે. દ્વન્દ્વમાંથી છૂટવું શું દ્વૈત જ રિયાલિટી છે અને અદ્વૈત માત્ર આદર્શવાદ છે. 

આઈન્સ્ટાઈનનો સિદ્ધાંત E=mc2 પદાર્થ ()ને ઊર્જા ()ને જોડે છે. અહીં આપણને અદ્વૈતવાદના દર્શન થાય છે. આઈન્સ્ટાઈનની થીઅરી અંતરીક્ષને સમય સાથે જોડે છે, વિદ્યુતને ચુંબકત્વ સાથે જોડે છે અને આમ બ્રહ્માંડમાં તદ્દન અલગ અલગ લાગતી વસ્તુઓ છેવટે આપણને એક દેખાય છે. ભારતમાં 

અલગ અલગ જાતિ છે, તેમની ભાષા અલગ, ખાણી-પીણી, પહેરવેશ, સંસ્કૃતિ અલગ પણ છેવટે ભારતીય એક છે, ભારતીયતા એક છે. 

બ્રહ્માંડમાં પદાર્થ વાયુ, પ્રવાહી અને ઘન સ્વરૂપે અલગ અલગરૂપે દેખાય છે પણ છેવટે તે એક જ છે. માનવી પણ ક્ષણે ક્ષણે બદલાય છે. તે એકરૂપે રહેતો નથી તેમ છતાં તે એના એ જ છે. પદાર્થનું બહુરૂપ તે માયા છે. માયાના પડળો ખસી જાય તો તે એકરૂપ દેખાય, વસ્તુનું સાચું સ્વરૂપ દેખાય. 

બ્રહ્માંડમાં મંદાકિનીઓના યુગલોનાં દર્શન થાય છે તો તારાના યુગલોના પણ દર્શન થાય છે. ઘણી વાર થાય કે દ્વૈત છે જ નહીં. જ્ઞાન છે તો અજ્ઞાન ઉત્પન્ન થાય છે. પણ અજ્ઞાન હકીકતે આભાસી છે. તડકો છે તો છાંયો છે. છાંયો હકીકતે તડકાનો આભાસી ભાગ છે. સત્ય જ છે અસત્ય તેનો આભાસી ભાગ છે. કૃત્રિમ છે. એક કુદરતી છે. તો બીજો કૃત્રિમ છે. છેવટે એક જ અસ્તિત્વ ધરાવે છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=177619

બ્રહ્માંડમાં આપણું બીજું ઘર કયું હોઈ શકે, ચંદ્ર કે મંગળ કે બંને? --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

જ્યારે એકવીસમી સદી શરૂ થઈ ત્યારે એક વૈજ્ઞાનિક મેગેઝિને લખ્યું હતું કે બીજી સહસ્ત્રાબ્દિ શરૂ થઈ ત્યારે દુનિયાની વસ્તી રપ કરોડની હતી અને બીજી સહસ્ત્રાબ્દિને અંતે એટલે કે ત્રીજી સહસ્ત્રાબ્દિને પ્રારંભે દુનિયાની વસ્તી છ અજબ થઈ ગઈ હતી એટલે કે ર૪ ગણી વધી ગઈ હતી. એ જ સ્ટેટિસ્ટિક્સને અનુસરીએ તો ત્રીજી સહસ્ત્રાબ્દિને અંતે દુનિયાની વસ્તી ૧૪૪ અબજ થઈ જશે. જો કે, વસ્તી ચેઈન રિએક્ષન હોવાથી તે ર૦૦ અબજ પણ થઈ જાય. તો પૃથ્વી આ બધાને કપડાં-રોટી-મકાન કેવી રીતે પૂરા પાડશે? હાલમાં જ આપણી પૃથ્વી ઘણા પ્રશ્ર્ને પીડાય છે. એક તો વસ્તીવધારો, બીજો ઊર્જાની મુસીબત, ત્રીજી પ્રકૃતિ અને પર્યાવરણનું દૂષિતપણું, ચોથો પ્રશ્ર્ન પૃથ્વીને માણસોનાં મગજમાં વધતું જતું પ્રદૂષણ, પાંચમો પ્રશ્ર્ન પૃથ્વીને છે ઓઝોન કવચનું ક્ષીણ થવું, છઠ્ઠો પ્રશ્ર્ન પાણીની તંગી, સાતમો પ્રશ્ર્ન અણુ, જૈવિક અને રાસાયણિક ખતરનાક અસ્ત્રો-શસ્ત્રોનો પૃથ્વી પર થતો ખડકલો. આઠમો પ્રશ્ર્ન પૃથ્વીને પરેશાન કરે છે તે છે ગ્લોબલ-વોર્મિંગનો. પૃથ્વી પર ઝાડો-વૃક્ષો-જંગલો કપાઈ રહ્યા છે. ઉદ્યોગોનો કચરો આકાશમાં જાય છે. વાહનોનો ધુમાડો અતિશયહદે વધતો જાય છે, બીજું કે આકાશમાંથી ધૂમકેતુઓ-ઉલ્કાઓ અને લઘુગ્રહો આવી પૃથ્વી સાથે અથડાય છે. તો જ્વાળામુખીઓ ફાટે છે અને સુનામી આવે છે. આમ પૃથ્વી એક ડઝન પ્રશ્ર્નોથી પીડાય છે. માટે પૃથ્વીવાસીઓએ એકને એક દિન પૃથ્વીને છોડવી જ પડશે. 

તો પૃથ્વીને છોડીને જશું ક્યાં? તે પ્રશ્ર્ન પૃથ્વીવાસીઓને સતાવે છે. વિજ્ઞાનીઓ માને છે કે ભવિષ્યમાં અંતરીક્ષમાં કોલોની બંધાવી પૃથ્વીવાસીઓને ત્યાં વસાવવામાં આવશે. આ માનવ જીવનની મુખ્ય જરૂરિયાત રોટી-કપડાં-મકાનની જ છે. અને ભવિષ્યમાં પૃથ્વી માનવીને આ આપી નહીં શકે. માનવીનો સ્વભાવ પણ સ્વાર્થી હોઈ તે રોટી-કપડા-મકાન માટે અંદર અંદર લડીને મરી જશે, અણુ-અસ્ત્રો-શસ્ત્રો, રાસાયણિક શસ્ત્રો અને જૈવિકશસ્ત્રો તો માનવજાતનો નાશ કરવા ખડકલાને ખડકલા તૈયાર જ છે. પૃથ્વી પર પાણીની પણ ભયંકર તંગી થવાની છે. આમ પૃથ્વી રહેવા જેવી રહેશે નહીં. માટે માનવજાતને બચવા પૃથ્વી છોડીને અંતરીક્ષમાં જવું જ પડશે. હાલની પૃથ્વીની પરિસ્થિતિ પણ ભયંકર છે અને આ તો શરૂઆત જ છે. ભવિષ્યમાં તે અતિ ભયજનક સ્તરે પહોંચશે જે રીતે માનવીના મગજનું પ્રદૂષણ વધતું જાય છે તે દર્શાવે છે કે ૧૦૦ વર્ષમાં તે ભયજનક સ્તરે પહોંચશે અને પૃથ્વીને નરક બનાવતું જશે. 

પ્રાચિન સમયમાં પૃથ્વી પર બ્રહત ભારત, ચીન મીડલ ઈસ્ટ અને આફ્રિકા જેવા જ દેશો અને ખંડો જાણીતા હતા. રોટી-કપડાં-મકાનની શોધમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝિલેન્ડ વગેરે દેશો શોધાયાં ત્યારે સાગરખેડૂઓ, મહાસાગર પર, વહાણો લઈને બીજા દેશો શોધવા નીકળી પડેલાં હાલમાં અંતરીક્ષખેડૂઓ, અંતરીક્ષરૂપી મહાસાગરમાં અંતરિક્ષયાનો લઈને બીજા ગ્રહો શોધે છે. મેન-મટિરિયલ અને મશીન જ માત્ર બદલાયાં છે, પણ નવી નવી દુનિયાની શોધની જિજ્ઞાસા તો એના એ જ રહી છે. હવે તો ખગોળવિજ્ઞાનિઓએ સૂર્યમાળાની પેલે પાર બીજા તારાની ફરતે ૧૦૦૦ જેટલા નવા નવા ગ્રહો શોધી કાઢ્યાં છે, પણ તેમાં બે ત્રણ ગ્રહો જ એવા છે જે પૃથ્વી જેવા જીવવા લાયક છે. બાકીના તો પૃથ્વી કરતાં સો-બસોગણા મોટા અને સો-બસો ગણા ભારે છે. માટે ત્યાં જઈને ઊતરવું અગવડભર્યું છે. તદ્ઉપરાંત ત્યાં જવા માટે લાખો અને કરોડો વર્ષો લાગે તેમ છે. માટે તે ગ્રહો આપણું બીજું ઘર બની શકે તેમ નથી. તો પૃથ્વીની નજીકની દુનિયા જ આપણું ઘર બની શકે. તેના ઉમેદવારોમાંં ચંદ્ર, મંગળ અને શુક્ર છે, જ્યાં પૃથ્વીવાસીઓનાં અંતરીક્ષયાનો ઊભરી શકે તેમ છે. જો કે, ત્યાં જતા પણ હાલમાં આપણને દિવસો કે મહિના લાગે તેમ છે, પણ ભવિષ્યમાં ઝડપી અંતરીક્ષયાનો આ સમયને ટૂંકાવી શકે તેમ છે. 

પૃથ્વીની સૂર્યની બાજુ શુક્ર ગ્રહ છે. તે પૃથ્વીથી તદ્દન નજીક છે. માત્ર સાડા ચાર કરોડ કિલોમીટર પણ તેના પર પૃથ્વી પર છે તેના કરતા ૧૦૦ ગણા ઘટ્ટ વાયુમંડળ છે અને ત્યાં ઉષ્ણતામાન પ૦૦ અંશ સેલ્સિયસ છે. તદ્ઉપરાંત તેના વાયુમંડળમાં કાર્બનડાયોક્સાઈડ, સલ્ફરડાયોક્સાઈડ જેવા વાયુઓ છે જે માનવજીવન માટે હાનિકારક છે. તેના વાયુમંડળમાં કાર્બોનિક એસિડ અને સલ્ફ્યુરીક એસિડ છે. માટે ત્યાં આપણે ઊતરી રહી શકીએ નહીં. જો કે, શુક્ર ગ્રહ વજન અને કદમાં લગભગ પૃથ્વી જેવો છે તેથી તે માનવજીવનને રહેવા યોગ્ય છે પણ ઉપરોક્ત કારણોસર ત્યાં આપણે ઊતરી શકીએ નહીં. તે આપણું બીજું ઘર બની શકે નહીં. તેનું ગુરુત્વાકર્ષણ લગભગ પૃથ્વીના જેટલું જ છે. હા, ત્યાં અણુબોમ્બ ફોડીને તેના વાતાવરણના કાર્બનડાયોક્સાઈડનું કાર્બન અને ઓક્સિજનમાં અને સલ્ફરડાયોક્સાઈડનું સલ્ફર અને ઓક્સિજનમાં વિઘટન કરી શકાય તો ત્યાં વાતાવરણમાં ઓક્સિજન આવી જાય અને કાર્બન તથા સલ્ફરના પાર્ટીકલ્સ શુક્રની સપાટી પર પડી જાય અને વાયુમંડળ સુંદર થઈ જાય. અથવા તો ત્યાં કોઈ ધૂમકેતુ પડે અથવા તો ગાઈડેડ મિસાઈલ્સથી ધૂમકેતુ પાડવામાં આવે તો શુક્રના વાયુમંડળમાં પાણી અને ઓક્સિજન બંને આવે અને જો આવું થઈ શકે તો શુક્ર પર માનવ જાતને રહેવા સૌથી વધારે યોગ્ય જગ્યા બને. શુક્ર પર પૃથ્વીના સંદર્ભે સૂર્ય પશ્ર્ચિમમાં ઉદય પામે છે અને પૂર્વમાં અસ્ત પામે છે, કારણ કે તે પોતાની ધરી પર પૂર્વથી પશ્ર્ચિમમાં ફરે છે. આપણી પૃથ્વી પોતાની ધરી પર પશ્ર્ચિમથી પૂર્વમાં ફરે છે. જ્યારે પૃથ્વીનો એક દિવસ માત્ર ર૪ કલાકનો છે ત્યારે શુક્રનો એક દિવસ પૃથ્વીના ર૪૪ દિવસનો છે. એટલે કે ૧૨૨ દિવસની રાત અને ૧૫૨ દિવસનો દિવસ. ત્યાં વર્ષ પૃથ્વીના રરપ દિવસનું છે. તેમ છતાં ત્યાં રહેવા આ કદાચ આડે આવે નહીં. માનવી ટેવાઈ જાય. 

બુધ ગ્રહ જો કે ખડકાળ છે અને ત્યાં ઊતરી શકાય છે, પણ ત્યાં દિવસે ઉષ્ણતામાન ૪૦૦ અંશ સેલ્સિયસ છે અને રાતે ઓછા ૨૪૦ અંશ કે તેથી વધારે નીચું થઈ જાય છે. માટે આવી પરિસ્થિતિમાં બુધને આપણું બીજું ઘર બનાવી શકાય નહીં. તદ્ઉપરાંત ત્યાં વાયુમંડળ નથી.

હવે રહ્યો સૌથી નજીકનો આપણો ચંદ્ર-ચંદ્ર પર ઊતરી શકાય છે કેમ કે તે ખડકાળ છે. ચંદ્ર, પૃથ્વીથી માત્ર ૩,૮૪,૦૦૦ કિલોમીટર જ દૂર છે. પણ ત્યાં વાયુમંડળ નથી. તેથી ત્યાં રાત-દિવસ ઉલ્કાવર્ષા થાય છે. તેથી ચંદ્રયાત્રીને તેનાથી બચવું પડે. ચંદ્ર પર સેલ્ફક્ધટેઈન્ડ કોલોની બનાવી રહી શકાય. ત્યાં પાણીના ટ્રેઈસીસ છે. એટલું જ નહીં, પણ ચંદ્રના ઉલ્કાકુંડોમાં ભૂતકાળમાં ધૂમકેતુઓ પડ્યાં છે. તેથી ત્યાં આવા કુંડામાં લાખો ટન પાણીના બરફો છે. ચંદ્રનો દિવસ પૃથ્વીના એક મહિના જેટલો છે. ૧૫ દિવસની રાત અને ૧૫ દિવસનો દિવસ. ચંદ્રનું વર્ષ પણ પૃથ્વીના એક મહિના જેટલું છે. માટે ત્યાં દિવસ અને વર્ષ સરખાં છે. દિવસ ઊગે અને નવું વર્ષ ઊગે, નવું વર્ષ શરૂ થાય. ચંદ્ર પૃથ્વીથી સૌથી નજીક છે એ ત્યાં જવા માટે ખૂબ જ યોગ્ય છે. હાલમાં ત્યાં જવા એક દિવસ લાગે છે, પણ ભવિષ્યમાં ત્યાં બે ચાર કલાકમાં પહોંચી શકાશે. સવારે સટલ ઉપડશે, બે ચાર કલાકમાં ચંદ્ર પર પહોંચી જશે. 

ચંદ્ર પર વાયુમંડળ નથી તેથી ત્યાં જો વેધશાળા સ્થાપીએ તો તે અંતરીક્ષમાં પૃથ્વી કરતાં પ૦ ગણે ઊંડે જોઈ શકે. એટલે કે દૂરબીન કાંઈ પણ કર્યા વગર પ૦ ગણું પાવરફુલ થઈ જાય, ત્યાં ગુરુત્વાકર્ષણ ઓછું છે માટે સ્ફટિકો મોટા મોટા થાય, બાથરૂમમાં પરપોટા તપેલા જેવડા મોટા થાય. ચંદ્ર વેક્યુમ રેફરીજરેટર હોવાથી ત્યાં શાકભાજી, દાળ-શાક વગેરે સેંકડો વર્ષો સુધી તાજા રહે. પૃથ્વી પરની હોસ્પિટલોમાં જે ઈન્ફેકશન થઈ જાય છે તે ચંદ્ર પર કે ચંદ્ર પરની હોસ્પિટલમાં ન થાય. કારણ કે ત્યાં વાયુમંડળ નથી. પૃથ્વી પર વાયુમંડળ હોવાથી તેમાંનાં બેક્ટેરિયા વસ્તુને સડાવી નાખે છે. માટે ચંદ્ર પર હોસ્પિટલો રાખી શકાય. ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ ઓછું છે માટે ત્યાં હાર્ટના ઓપરેશનો આસાનીથી થાય અને અંતરીક્ષમાં રોકેટો અને અંતરીક્ષયાનોને ઓછા ખર્ચે સરળતાથી મોકલી શકાય. આમ ચંદ્ર આપણું બીજું ઘર બની શકે. ત્યાં ગુરુત્વાકર્ષણ પૃથ્વી પર જે ગુરુત્વાકર્ષણ છે તેના છઠ્ઠા ભાગ જેટલું જ છે. માટે ત્યાં આપણે વસ્તુને સહેલાઈથી ઊંચકી શકીએ. આપણને ભાર ઓછો લાગે અને થોડા જ બળથી વસ્તુને દૂર દૂર ફેંકી શકીએ. આપણને ચાલવામાં કે દાદરો ચઢવામાં પણ મુશ્કેલી ન પડે. 

બીજું આપણું ઘર થઈ શકે તે મંગળ છે. મંગળ આપણાથી સાડા સાત કરોડ કિલોમીટર દૂર છે પણ તે પૃથ્વી જેવો વધારે છે, ત્યાં આછું પાતળું વાતાવરણ છે. તેની ભૂમિમાં પાણી પણ છે. આ એ વસ્તુઓ મંગળને આપણું બીજું ઘર બનાવવા યોગ્યતા અર્પે છે. મંગળ પર સપાટ મેદાનો, ઉલ્કાકુંડો, પહાડો વગેરે છે જે તેને પૃથ્વી સાથે સામ્યતા અર્પે છે. ત્યાં કદાચ પાણીના નાના નાના તળાવો પણ બનાવી શકાય. ત્યાં સેલ્ફક્ધટેઈન્ડ કોલોની બનાવી રહી શકાય. વિજ્ઞાનીઓ માને છે કે ત્યાં કૃત્રિમ રીતે વાયુમંડળ ઉત્પન્ન કરી શકાય. મંગળનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણનું એક તૃતીયાંશ છે. આમ ગુરુત્વાકર્ષણ સંદર્ભે મંગળ, ચંદ્ર કરતાં રહેવા માટે વધારે યોગ્ય છે. બીજું મંગળની ધરી પૃથ્વીની ધરીની માફક લગભગ લગભગ ૨૪ અંશે ઝુકેલી છે, તેથી ત્યાં ઋતુઓ પણ થાય છે. મંગળનો દિવસ પૃથ્વીના દિવસ જેટલો જ લાંબો છે અને તેનું વર્ષ પૃથ્વી કરતાં બમણું છે. માટે ત્યાં ઋતુઓ બમણી મોટી હોય છે. દરેક ઋતુ છ, છ મહિનાની હોય છે. આ બધાં પરિબળો મંગળને આપણું ઘર બનવા માટે વધારે યોગ્ય ઉમેદવાર બનાવે છે. માર્સ પર વાઈકિંગ ૧ અને ર, માર્સ પાથફાઈન્ડર સ્પિરિટ, ઓપોર્ચ્યુનિટી વગેરે અંતરીક્ષયાનો ઊતર્યાં છે. અને તેની પર ઘણી શોધો ચલાવી છે. હજુ સુધી ત્યાં માનવી ઊતર્યો નથી, પણ તે બધી જ રીતે માનવીનું બીજું ઘર થઈ શકે એમ છે.
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=176964

અમેરિકાનું ફોર્ડ ફાઉન્ડેશન ભારતને તોડવાનું કામ કરી રહ્યું છે --- સંજય વોરા

વિશ્ર્વમાં ભંડોળની દૃષ્ટિએ સૌથી મોટી બિનસરકારી સંસ્થા ગણાતું અમેરિકાનું ફોર્ડ ફાઉન્ડેશન ભારતમાં તેની રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને કારણે સરકારની આંખે ચઢી ગયું છે. તિસ્તા સેતલવાડના સબરંગ ટ્રસ્ટને ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા જે લાખો ડૉલરની મદદ મળતી હતી તેનો ઉપયોગ તેણે ભારતના મુસ્લિમોને સરકાર વિરુદ્ધ ઉશ્કેરવા માટે કર્યો હતો. ફોર્ડ ફાઉન્ડેશન અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઇએનાં મહોરાં તરીકે જાણીતું છે. ફોર્ડ ફાઉન્ડેશન અને સીઆઇએના ગઠબંધન બાબતમાં ઇન્ટરનેટ પર સેંકડો લેખો અને સંશોધન પત્રો મળી શકે તેમ છે. ભારતની ઘણી બિનસરકારી સંસ્થાઓ આપણા સમાજને તોડવાનું અને તેમાં પશ્ર્ચિમી મૂલ્યો પ્રસ્થાપિત કરવાનું રહસ્યમય કાર્ય કરે છે. આવી અનેક સંસ્થાઓને ફોર્ડ ફાઉન્ડેશન લાખો ડૉલરની ખેરાત કરે છે. કેન્દ્ર સરકારે ફોર્ડ ફાઉન્ડેશનને વોચલિસ્ટ ઉપર મૂક્યું તેને કારણે તેનું ભંડોળ મેળવીને જલસા કરતી સંસ્થાઓના કાર્યકરો બુમરાણ મચાવી રહ્યા છે અને કેન્દ્ર સરકારના માથે માછલાં ધોઇ રહ્યા છે. અમેરિકાની બિન્ઘમ્પટોન યુનિવર્સિટીમાં સોશિયોલોજીના પ્રોફેસર જેમ્સ પેટ્રાસે ફોર્ડ ફાઉન્ડેશન અને સીઆઇએ વચ્ચેની કડીનો પર્દાફાશ કરતો એક લેખ લખ્યો છે. ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા ભારત જેવા વિકાસશીલ દેશોના બુદ્ધિજીવીઓ, સામાજિક કાર્યકરો, મહિલા કાર્યકરો, મજૂર આગેવાનો, યુનિવર્સિટીના પ્રોફેસરો, પત્રકારો વગેરેને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપીને આપણા દેશમાં અમેરિકાપરસ્ત વિચારધારાને પ્રોત્સાહન આપવામાં આવે છે. ઇ.સ. ૧૯૭૬માં અમેરિકી કોંગ્રેસ સમક્ષ રજૂ કરવામાં આવેલા એક રિસર્ચ પેપરમાં જણાવવામાં આવ્યું હતું કે અમેરિકાનાં ફાઉન્ડેશનો દ્વારા વિદેશી સંસ્થાઓને જે ૭૦૦ ગ્રાન્ટો આપવામાં આવી હતી તેમાં સીઆઇએનો ફાળો ૫૦ ટકા હતો. આ ફાળાનો ઉપયોગ તે દેશોની જાસૂસી માટે કરવામાં આવ્યો હતો. 

ભારતમાં ફોર્ડ ફાઉન્ડેશનની ઑફિસ છેક ઇ.સ. ૧૯૫૨ની સાલમાં ખોલવામાં આવી હતી. ભારતના આઝાદ થયા પછી તેલંગણામાં કિસાનોનું જમીન આંદોલન ચાલી રહ્યું હતું. તેલંગણાના કિસાનો જમીનદારો સામે યુદ્ધે ચઢ્યા હતા. તેમને નકસલવાદીઓનો ટેકો હતો. ભારત સરકારનાં સુરક્ષા દળો આ આંદોલનને શાંત કરવામાં નાકામ પુરવાર થયા હતા. અમેરિકાને ચિંતા પેઠી હતી કે ચીનની જેમ ભારતમાં પણ સામ્યવાદ ફેલાઇ જશે. તેણે સીઆઇએને કામગીરી સોંપી હતી કે તે નકસલવાદી નેતાઓનો સંપર્ક સાધીને તેમને ફોડી કાઢે. સીઆઇએ ભારતમાં આ કામગીરી સીધી બજાવી શકે તેમ નહોતું. તેને કોઇ મહોરાંની જરૂર હતી. આ મહોરાં તરીકે ફોર્ડ ફાઉન્ડેશનને ભારતમાં લાવવામાં આવ્યું હતું. ફોર્ડ ફાઉન્ડેશનને નહેરુ સરકારે સંપૂર્ણ ટેકો આપ્યો હતો. ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા ગામડાંના ખેડૂતો વચ્ચે કામ કરતા ૩૫,૦૦૦ સ્વયંસેવકોને તાલીમ આપવાનો મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો. હકીકતમાં આ સ્વયંસેવકોને મૂડીવાદી વિચારના બનાવી દેવામાં આવ્યા હતા. પરિણામે ટૂંક સમયમાં તેલંગણામાં શરૂ થયેલું કિસાન આંદોલન શાંત પડી ગયું. ફોર્ડ ફાઉન્ડેશનની વેબસાઇટ પર લખવામાં આવ્યું છે કે ભારતના તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના આમંત્રણથી ઇ.સ. ૧૯૫૨માં દિલ્હીમાં ફોર્ડ ફાઉન્ડેશનની ઑફિસ શરૂ કરવામાં આવી. હકીકત કાંઇક અલગ જ છે. ભારતમાં સામ્યવાદના વધી રહેલા પ્રભાવથી અમેરિકા ચિંતિત હતું. ભારતમાં સામ્યવાદવિરોધી વિચારધારાને પ્રમોટ કરે તેવી કોઇ એજન્સી અમેરિકા ખોલવા માગતું હતું. આ માટે ફોર્ડ ફાઉન્ડેશનને પસંદ કરવામાં આવ્યું હતું. તે સમયે ચેસ્ટર બોવલેસ ભારતમાં અમેરિકાના રાજદૂત હતા. તેમણે નહેરુને મળીને ભારતમાં ફોર્ડ ફાઉન્ડેશનની ઑફિસ ખોલવા તેમને સમજાવ્યા હતા,પરિણામે ફોર્ડ ફાઉન્ડેશન ભારતમાં આવ્યું હતું. 

ભારતમાં જે પંચવાર્ષિક યોજનાઓ શરૂ કરવામાં આવી તે પણ અમેરિકી પદ્ધતિના મૂડીવાદને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી હતી. ફોર્ડ ફાઉન્ડેશનના નિષ્ણાતો ભારતના આયોજન પંચમાં પણ ગોઠવાઇ ગયા હતા. તેમણે અમેરિકાની મલ્ટિનેશનલ કંપનીઓને બજાર મળી રહે તે મુજબ ભારતનો વિકાસ કરવાનું આયોજન સરકારના ગળે ઉતારી દીધું હતું. ઇ.સ. ૧૯૬૦ના દાયકામાં ભારતમાં જે હરિયાળી ક્રાંતિ શરૂ કરવામાં આવી તે પણ ફોર્ડ ફાઉન્ડેશનના નિષ્ણાતોના ઇશારે શરૂ કરવામાં આવી હતી. આ ક્રાંતિને કારણે યુરોપ અને અમેરિકાની રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને સંકર બિયારણનું ઉત્પાદન કરતી કંપનીઓને અઢળક નફો થયો હતો. 

ભારતની જેટલી શૈક્ષણિક, સામાજિક, આરોગ્યના ક્ષેત્રની, મહિલાઓના કલ્યાણના ક્ષેત્રની, પ્રસાર માધ્યમો સાથે સંકળાયેલી, પર્યાવરણના ક્ષેત્રમાં કામ કરતી, બાળકોના હક્કો માટે લડવાનો દાવો કરતી અને લઘુમતીઓનું તુષ્ટિકરણ કરતી સંસ્થાઓ દેશમાં પશ્ર્ચિમી સંસ્કૃતિનો પ્રચાર કરવાનું કાર્ય કરે છે, તેને ફોર્ડ ફાઉન્ડેશનનું ભંડોળ સહેલાઇથી મળી રહે છે. ભારતની લગભગ ૧,૨૫૦ સંસ્થાઓને ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા ૫૦.૮ કરોડ ડૉલરની મદદ કરવામાં આવી છે. ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા ભારતની જે સંસ્થાઓને ભંડોળ પૂરું પાડવામાં આવે છે તેની યાદી તપાસવામાં આવે તો ખ્યાલ આવશે કે આ સંસ્થાઓ કઇ પ્રવૃત્તિ કરે છે અને તેમને ક્યાં કારણે ગ્રાન્ટ આપવામાં આવી છે. 

ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા ભારતની જે સંસ્થાઓને ભંડોળ મળે છે તેમાં મુંબઇની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીઝનો સમાવેશ થાય છે. આ સંસ્થાનું કાર્ય ભારતમાં બની રહેલા સિંચાઇ પ્રોજેક્ટોનું પર્યાવરણીય આકલન કરવાનું અને તેમાં રોડાંઓ નાખવાનું છે. નર્મદા બચાવો આંદોલન કરનારાં મેધા પાટકર પણ આ સંસ્થામાં પર્યાવરણની તાલીમ લઇને બહાર પડ્યાં હતાં. જામિયા મિલિયા ઇસ્લામિયા નામની લઘુમતીઓની યુનિવર્સિટીને પણ ફોર્ડ ફાઉન્ડેશનનું ભંડોળ મળે છે. આ યુનિવર્સિટીમાં ભણતા મુસ્લિમોને ભારત સરકાર સામે ઉશ્કેરવામાં આવે છે. 

મુંબઇની આઇઆઇટી કોલેજને ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા મદદ કરવામાં આવે છે. આઇઆઇટીમાં તૈયાર થયેલા એન્જિનિયરો પશ્ર્ચિમી પદ્ધતિના યંત્રવાદનો અને ઉદ્યોગોનો ભારતમાં ફેલાવો કરવામાં મદદ કરે છે. અરવિંદ કેજરીવાલની સંસ્થા કબીરને ફોર્ડ ફાઉન્ડેશનની ચાર લાખ ડૉલરની સહાય મળી હતી. કબીર સંસ્થા દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં રહેતાં બાળકોમાં આધુનિક શિક્ષણનો પ્રચાર કરવાનું કામ કરે છે. સેન્ટર ઓફ પોલિસી રિસર્ચ નામની સંસ્થાને ઇ.સ. ૨૦૧૩-૧૪ દરમિયાન ફોર્ડ ફાઉન્ડેશન તરફથી ૬૨.૩ લાખ રૂપિયાની મદદ મળી હતી. આ સંસ્થા મૂડીવાદનો ફેલાવો કરવાનું કામ કરે છે. તાજેતરમાં દિલ્હીના ગેન્ગરેપ બાબતમાં બીબીસી દ્વારા જે વિવાદાસ્પદ દસ્તાવેજી ફિલ્મ બનાવવામાં આવી તેને પણ ફોર્ડ ફાઉન્ડેશને સહાય કરી હતી. અમેરિકા દ્વારા ભારતની સંસ્કૃતિને તોડવા બુદ્ધિજીવીઓને વટલાવવાનું મિશન ફોર્ડ ફાઉન્ડેશન દાયકાઓથી ચલાવી રહ્યું છે. ફોર્ડ ફાઉન્ડેશનની મદદ લઇને તૈયાર થયેલા નિષ્ણાતો ઘણી સરકારી એજન્સીઓમાં પણ ઘૂસી ગયા છે. તેમની પણ સાફસૂફી સરકારે કરવી જોઇએ.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=176958

બ્રહ્માંડમાં આદ્યશક્તિનો વિહાર --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

આજકાલ નવરાત્રિના દિવસો ચાલે છે, મા આદ્યશક્તિની ઉપાસનાના દિવસો ચાલે છે, મા ઘણા સ્વરૂપે દર્શન દે છે તેમાં મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, ભવાનીમા, અંબામા, બહુચરામા, કામખ્યામા, કાત્યાયિનીમા, ચામુંડામા, ક્ધકાઈમા, રાંદલમા, ઊમિયામા, પાર્વતીમા, ખોડિયારમા, આશાપુરામા વગેરે. માના ઘણાં સ્વરૂપો છે પણ શક્તિ એક જ છે. બ્રહ્માંડમાં પણ ગુરુત્વાકર્ષણશક્તિ માનું એક રૂપ છે. વિદ્યુતશક્તિ બીજું રૂપ છે. ચુંબકીય શક્તિ ત્રીજું રૂપ છે, અણુશક્તિ એક ચોથું રૂપ છે, રેડિયો-એક્ટિવિટી પાંચમું રૂપ છે. રેડિયેશન ફિલ્ડ છઠ્ઠું રૂપ છે. પ્રકાશ સાતમું રૂપ છે, ગરમીશક્તિ આઠમું રૂપ છે, જો કે આ બધાં જ રેડિયેશન ફિલ્ડ ગણાય પણ તે રેડિયેશન ફિલ્ડના જુદા જુદા રૂપો છે, ગતિશક્તિ છે તો સ્થાનને આધારે સ્થિતિશક્તિ () છે. એમાં વળી વિજ્ઞાનીઓ હવે ડાર્ક એનર્જીની વાત કરે છે. ડાર્ક એનર્જી કાળી માતા ગણાય. વિજ્ઞાનીઓ કહે છે કે આ ડાર્ક એનર્જી (કાળી માતા)માં એટલી બધી શક્તિ છે કે તે પ૦૦ અબજ કે ૧૦૦૦, ર૦૦૦ અબજ સૂર્ય જેવા તારા ભરેલી મંદાકિનીઓ ()ને પ્રકાશની ગતિએ દોડાવે છે. બોલો તેમાં કેટલી શક્તિ હશે. એક સૂર્યમાં બે અબજ અબજ અબજ ટન પદાર્થ છે. મંદાકિનીમાં કેટલાય એવા તારા છે જે સૂર્ય કરતાં કદ અને વજનમાં હજારો ઘણા મોટા છે. તેમ છતાં સરસ્વતી સૂર્ય જેવા તારા જ લઈએ તો બે અબજ અબજ અબજ૫૦૦ અબજ એટલે કે એક હજાર અબજ અબજ અબજ અબજ ટન સરાસરી આ તો સરાસરી એક જ મંદાકિનીનું વજન (પદાર્થ) છે. બ્રહ્માંડમાં આવી ૧૦૦ અબજ મંદાકિનીઓ છે. આ બધી જ મંદાકિનીઓને ડાર્ક એનર્જી (કાળી માતા) પ્રકાશની ગતિએ દોડાવે છે. એટલે કે એક લાખ અબજ અબજ અબજ અબજ અબજ ટન પદાર્થને તે પ્રકાશની ગતિએ દોડાવે છે. બોલો ડાર્ક એનર્જીમાં કેટલી શક્તિ હશે.

શક્તિ બ્રહ્માંડમાં ક્યાંથી આવી એ જ આશ્ર્ચર્ય છે. કદાચ બિગબેંગમાંથી આવી છે. બ્રહ્માંડની શક્તિ સ્વયંભૂશક્તિ છે. તેના ઉદ્ભવની વાત આપણે જાણતા નથી તે જ બ્રહ્માંડના બધા બળોને જન્મ આપે છે. તે પછી ગુરુત્વાકર્ષણબળ હોય, વિદ્યુતબળ હોય ચુંબકીયબળ હોય, અણુબળ હોય કે ગમે તે બળ હોય, બ્રહ્માંડની ચેતના, આપણી ચેતના, આ બધું શક્તિ જ છે. બ્રહ્માંડ શક્તિનો પરપોટો છે. શક્તિ છે-ઊર્જા છે તો બધું છે. 

અંતરીક્ષ જ ઊર્જા છે. અંતરીક્ષમાંથી બધું ઉત્પન્ન થયું છે અને અંતરીક્ષમાં સમાયું છે. અંતરીક્ષમાંથી જ બધું ઉત્પન્ન થાય છે અને અંતરીક્ષમાં સમાય છે. અંતરીક્ષ જ બધાનું ઉદ્ગમસ્થાન છે અને અંતિમસ્થાન છે. અંતરીક્ષ જ ઊર્જા છે. આપણે પોતે ઊર્જાનું ગઠન છીએ. પદાર્થ એ ઊર્જા (E =mc2) સૂર્ય તારા બધું છેવટે ઊર્જા છે. અણુમાં ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન બધા ઊર્જાના જ ગઠન છે. ન્યુટ્રોન ઈલેક્ટ્રોન અને પ્રોટોનનો બનેલો છે. પ્રોટોનમાં કવાર્ક, તેમાં ગોડ-પાર્ટિકલ તેમાં વળી ચેતના, છેવટે બધું ચેતના છે. શક્તિ અદૃશ્ય હોવા છતાં બધું ચલાવે છે. બ્રહ્મા-વિષ્ણુ-મહેશ પણ શક્તિની મદદથી જ કાર્ય કરે છે. ઘણા વળી પ્રોટોન, ઈલેક્ટ્રોન, ન્યુટ્રોનને બ્રહ્મા-વિષ્ણુ-મહેશ ગણે છે. પણ છેવટે ઈલેક્ટ્રોન અને પ્રોટોન જ છે, કારણ કે ન્યુટ્રોન પ્રોટોન અને ઈલેક્ટ્રોનનો બનેલો છે. ઈલેક્ટ્રોન-પ્રોટોન લક્ષ્મી-વિષ્ણુની જોડી છે. અણુની નાભિ શબ્દ બહુ સરસ છે. આ બ્રહ્માંડ છેવટે એક ગોડ-પાર્ટિકલ અથવા તેનાથી પણ સૂક્ષ્મ પાટિકલ જે છેવટે ચેતના છે તેણે જ બ્રહ્માંડને ઉત્પન્ન કર્યું છે. 

વિજ્ઞાનમાં મલ્ટિ-યુનિવર્સની વાત થાય છે. ક્વોન્ટમ થીઅરી પ્રોબેબિલિટી પર આધાર રાખે છે. ક્વોન્ટમ મિકેનિકલનું શ્રોડીંજર સમીકરણ દર્શાવે છે કે આપણું બ્રહ્માંડ ઉત્પન્ન થયું છે, સાથે સાથે બીજા બ્રહ્માંડો પણ ઉત્પન્ન થયાં છે અને તે બરાબર આપણા બ્રહ્માંડ જેવાં જ છે. વિષ્ણુ પુરાણમાં એક સરસ કથા છે. એ કથા પ્રમાણે બ્રહ્મા-વિષ્ણુ-મહેશમાં ચડસાચડસી થાય છે કે કોણ મોટો? તેનો નિર્ણય કોઈ કરતું નથી. તેથી ત્રણેય મહાદેવોએ વિચાર કર્યો કે આનો તોડ લાવવા મા આદ્યશક્તિ જ સમર્થ છે. તેથી ત્રણેય મહાદેવો મા આદ્યશક્તિ પાસે જાય છે અને તેમને વિનંતી કરે છે કે તે દર્શાવે ત્રણેય દેવમાં કોણ મોટો? માતાજીએ કહ્યું તમને ત્રણેયને અહંકાર થઈ ગયો છે. ચાલો, મારી સાથે. માતાજીએ ત્રણેયને સાથે લીધા અને તેમને કેટલાંય બ્રહ્માંડ દેખાડ્યાં તેમને ત્રણેયને બ્રહ્માંડે બ્રહ્માંડે ફેરવ્યા અને દરેકે દરેક બ્રહ્માંડમાં તેમને બ્રહ્મા-વિષ્ણુ-મહેશ દેખાડ્યાં. એ ત્રણેયને થયું કે તેમનું બ્રહ્માંડ એક જ નથી આવા કેટલાય બ્રહ્માંડો છે અને દરેકે દરેક બ્રહ્માંડને પોતપોતાના બ્રહ્મા-વિષ્ણુ-મહેશ છે. આ જોઈને બ્રહ્મા-વિષ્ણુ-મહેશ ત્રણેયનો ગર્વ ગળી ગયો. 

મા આદ્યશક્તિનું અસ્તિત્વ આ રીતે આપણે સમજી શકીએ. આપણા પૂર્વજોએ તેને એ રીતે વર્ણવ્યું છે તે ઘણું સૂચક, સાચું અને રસપ્રદ છે. સપ્તષતી ચંડીમાં આદ્યશક્તિ રૂપને બહુ જ વિદ્મત્તાથી વર્ણવામાં આવ્યું છે પણ આપણે લોકોમાં તેને સમજવાની શક્તિ ક્યાં છે? તેમાં કહ્યું છે કે 

યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ, વિદ્યારૂપેણજી

લક્ષ્મીરૂપેણ, શાંતિરૂપેણ... સંસ્થિતા!

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:॥

શક્તિ જ સર્વસ્વ છે તે જ વિદ્યા છે, લક્ષ્મી છે અને શાંતિ છે. ઘણા લોકો કહેવા માંડ્યા છે કે યા દેવી સર્વભૂતેષુ, શાંતિરુપેણ સંસ્થિતા

‘નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:॥

એટલે આ બધાને શાંતિ આપે છે. આ સ્ત્રી તો છે અને ઊર્જા જ છે. માટે આ વાત પણ સાચી જ છે. 

દેવીના માથે ગરબો છે એટલે કે શક્તિના માથે ગરબો છે. ગરબામાં જે છિદ્રો છે તે આકાશની જ્યોતિઓ છે. આ ગરબો એટલે બ્રહ્માંડ. આ બ્રહ્માંડરૂપી ગરબો શક્તિના માથે છે અને હકીકતમાં બ્રહ્માંડ શક્તિથી જ ચાલે છે તે જ આદ્યશક્તિ.

નવરાત્રિમાં માતાજીની ફરતે રાસ લેવામાં આવે છે. આ બ્રહ્માંડમાં બધે જ શક્તિના રાસ છે. ગ્રહો સૂર્યની ફરતે રાસ રમે છે. એટલે કે મહાશક્તિની ફરતે રાસ રમે છે. ઈલેક્ટ્રોન્સ અણુની નાભિ ફરતે રાસ રમે છે. નટરાજ નૃત્ય અને રાસના દેવતા છે. મંદાકિની પોતે રાસ રમે છે. કૃષ્ણનો શરદપૂર્ણિમાની રાતે ગોપીઓ સાથેનો રાસ આનું જ સૂચન છે. નરસિંહ મહેતાએ કહ્યું છે તેમ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, મા બ્રહ્મ પોતે જ આદ્યશક્તિ છે. આ બ્રહ્માંડ શબ્દ જ બ્રહ્મ પરથી આવેલો છે. ગાર્ગીએ યાજ્ઞાવલ્કયને પ્રશ્ર્નો પૂછેલાં કે આ પૃથ્વી શેમાં સમાયેલી છે. યાજ્ઞાવલ્કયે જવાબ આપ્યો કે આકાશમાં ગાર્ગીએ, બીજો પ્રશ્ર્ન પૂછયો કે આકાશ શેમાં સમાયેલું છે. તો યાજ્ઞાવલ્ક્યે જવાબ આપ્યો અંતરીક્ષમાં. ગાર્ગીએ ત્રીજો પ્રશ્ર્ન પૂછયો કે અંતરીક્ષ શેમાં સમાયેલું છે તો યાજ્ઞાવલ્કયે જવાબ આપ્યો બ્રહ્મન માં: અને સાથે સાથે એમ પણ કહ્યું કે હવે આગળ પ્રશ્ર્ન કરતી નહીં. તેનો અર્થ એમ થાય કે પછી તેની પાસે જવાબ નથી. 

નવરાત્રિમાં આપણે શક્તિની આરાધના કરવી જોઈએ. આપણે કેટલા શક્તિશાળી છીએ. કેટલી શક્તિ આપણે હજુ પણ જોઈએ છીએ જેથી મહાન બનાય. દેશની ઊર્જાની જરૂરિયાત કેટલી છે. તેના વિષે શું કરવું. આમ આપણે આદ્યશક્તિની આરાધના કરવી જોઈએ. એને બદલે આપણે નવરાત્રિને રંગ-રાગ, ડિસ્કો અને ગંદા વાતાવરણમાં ફેરવી નાખી છે. તેને ધંધાદારીમાં ફેરવી નાખી છે. આદ્યશક્તિ શું છે જગતમાં અને બ્રહ્માંડમાં તેનું કાર્ય શું છે તે સમજવાને બદલે તેને મનોરંજનનું સાધન બનાવી દીધી છે. બધા મળીને શક્તિ-ઊર્જા પર મનન-ચિંતન કરીને આપણે અને આપણા દેશને કેવી રીતે શક્તિશાળી બનાવી શકાય તે કાર્ય કરવું જોઈએ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=176311





બ્રહ્માંડને સમજવું ઘણું અઘરું છે --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

આઈન્સ્ટાઈને એક વાર કેહેલું કે આ બ્રહ્માંડ વિશે ન સમજાય એવી બાબત એ છે કે તે હકીકતમાં સમજાય તેવું છે. તેમનો કહેવાનો અર્થ એ હતો કે ભલે આ વિશાળ બ્રહ્માંડ ગૂંચવણભર્યું અને વિચિત્ર લાગે પણ જો તેેને સમજવા પ્રયત્ન કરીએ તો તે હકીકતમાં સમજાય ખરું! શું આવડું મોટું વિશાળ બ્રહ્માંડ આપણને સમજાયું ખરું? શું માનવીની એટલી શક્તિ છે કે તે આવડા મોટા બ્રહ્માંડને સમજી શકે? જેને આત્મસાત કરી શકે? આપણને લાગે કે આમ થઈ શકે નહીં. શું આપણું મગજ આવડા મોટા બ્રહ્માંડને ગ્રાહ્ય કરી શકે? લાગે કે એ નામુમકિન છે. આપણું મગજ ભલે અડધા ફૂટનું કે મુઠ્ઠી જેટલું નાનું હોય પણ તે વિશ્ર્વ સુધી વિસ્તરી શકે છે. એક ક્ષણમાં તે બ્રહ્માંડમાં ફેરો મારી આવી શકે છે. ભલે પ્રકાશની ગતિ એક સેક્ધડની ૩ લાખ કિલોમીટર હોય, પણ મગજની ગતિ અસીમિત (infinite) છે. આપણા મનીષીઓએ આઠ હજાર વર્ષ પહેલાં કહેલું છે કે પિંડે તે બ્રહ્માંડે! પિંડ એ જ બ્રહ્માંડ. આજે આપણે ર૮ અબજ પ્રકાશવર્ષનો વ્યાસ ઘટાડતા વિસ્તૃત થતા બ્રહ્માંડને સમજી શકયાં છીએ. 

બીજી બાજુ વિખ્યાત જીવવિજ્ઞાનશાસ્ત્રી જે. બી. એસ. હલધન કહે છે કે આ બ્રહ્માંડ જેટલું વિચિત્ર દેખાય છે તેનાં કરતાં પણ તે વધારે વિચિત્ર છે એટલે કે તેને પાર પામવો એ નામૂમકિન છે. આપણને આ વાત પણ સાચી ન લાગે. કેમ કે આપણે ગમે તેટલા જ્ઞાની હોઈએ પણ બ્રહ્માંડ ઘણું ગૂઢ-રહસ્ય ભર્યું લાગે. જેમ જેમ જૂના રહસ્યો ઉકેલાતાં જાય તેમ તેમ વિજ્ઞાનીઓ સમક્ષ નવા નવા રહસ્યો પેદા થાય છે, જાણે કે તેનો અંત જ નથી.

કલ્પના કરો કે તમે મધદરિયે છો, ક્યાંય પણ લેન્ડ દેખાતી નથી. તમારા વહાણ નીચે પાણી, દરિયો ઘુઘવાટા કરે તમારા વહાણને આમ તેમ ટોસ કર્યા કરે અને ઉપર આકાશ. સૂર્ય આકાશમાં વિહાર કરે સૂર્યોદય થાય સાંજે સૂર્યાસ્ત થાય લાગે છે હકીકતમાં સૂર્ય પાણીમાં ડૂબી રહ્યો છે, પ્રકાશની ભાખરી ધીરે ધીરે પાણીમાં ડૂબી રહી છે અને રાતે? રાતે તારા ભરેલો ચંદરવો આકાશરૂપી ગુંબજમાં દેખાય. તમને લાગે કે બ્રહ્માંડમાં તમે એકલા જ છો. જિંદગીમાં આવો અનુભવ કરો તો કુદરત શું છે તેનો અહેસાસ થાય, હવે માની લો કે તમારી આગબોટના ભંડકિયામાં જામફળનો કરંડિયો છે અને તેના એક જામફળમાં એક ઈયળ છે. આ ઈયળ બ્રહ્માંડને આત્મસાત્ કરવાનો પ્રયત્ન કરે તો કેટલું હાસ્યસ્પદ લાગે. એવી જ સ્થિતિ આપણી છે. આપણે પૃથ્વીરૂપી વહાણમાં છીએ. આપણી ફરતે વાયુમંડળનું આવરણ છે અને આપણે પૂરા બ્રહ્માંડને સમજવા પ્રયત્ન કરી રહ્યા છીએ. 

આપણને બધાને સાત અંધજનો અને હાથીની વાતની ખબર છે. અંધજનની સામે હાથી ઊભો રાખવામાં આવે છે અને તેમને પૂછવામાં આવે છે કે હાથી કેવો છે તેનું વર્ણન કરો. જે અંધજન હાથીની પૂંછડીએ હાથ ફેરવે છે તે કહે છે કે હાથી તો દોરડા જેવો છે. જે અંધજન હાથીના પગે હાથ ફેરવે છે તે કહે છે કે હાથી તો થાંભલા જેવો છે. જે અંધજન હાથીની પીઠ પર હાથ ફેરવે છે તે કહે છે કે હાથી ટેકરા જેવો છે. આ બધા અંધજનો હાથીનું વર્ણન કરવામાં સાચા છે. સાથે સાથે બધાં જ ખોટા છે. કારણ કે તેમણે પૂરા હાથીનું કદી દર્શન કર્યું જ નથી. આ જ સ્થિતિ બ્રહ્માંડને સમજવામાં આપણી છે. આપણે બ્રહ્માંડને સમજવામાં આંધળા જ છીએ. વિજ્ઞાનીઓ કહે છે કે ૮.૭ ટકા બ્રહ્માંડ આપણી આંખોને ઓઝલ છે. એકસ-રેમાં બ્રહ્માંડ અલગ દેખાય છે. ગામા-રેમાં બ્રહ્માંડ અલગ દેખાય છે. ઈન્ફ્રારેડ, અલ્ટ્રાવાયોલેટ, દૃશ્ય પ્રકાશ, માઈક્રોવેવ રેડિયોવેવ દરેકે દરેકમાં બ્રહ્માંડ અલગ દેખાય છે. થાય છે કે કયું બ્રહ્માંડ સાચું? ભારતે તાજેતરમાં જ એસ્ટ્રોસેટ નામનો ઉપગ્રહ અંતરિક્ષમાં તરતો મૂક્યો છે. તેમાં એકસ-રે, ઈન્ફ્રારેડ, દૃશ્ય-પ્રકાશ, અલ્ટ્રાવાયોલેટ, માઈક્રોવેવ અને રેડિયોવેવ દૂરબીનો રાખવામાં આવ્યાં છે. તે આ બધી જુદી જુદી આંખોએ બ્રહ્માંડને આપણી સમક્ષ રજૂ કરશે, તો બ્રહ્માંડનું સંયોજનાત્મકરૂપ આપણને દેખાડશે. માટે જ તે આપણા વિજ્ઞાનીઓની અને ઈસરોની સિદ્ધિ છે. હકીકતમાં બ્રહ્માંડનું સાચું રૂપ જાણવું ઘણું અઘરું છે. જે આપણે જોઈએ છીએ તે તો માત્ર તેની ઝાંખી છે. આ તો એવું છે કે આપણે આપણા મકાનમાં હોઈએ અને 

પૂર્વની બારીમાંથી જગતને જોઈએ તો એક જાતનું દેખાય, પશ્ર્ચિમની બારીમાંથી જોઈએ તો અલગ દુનિયા હોય, ઉત્તર, દક્ષિણ દિશાની દુનિયા પણ અલગ અલગ જ હોય. આ બધાનું સંયોજન કરીને આપણને 

ખબર છે કે આપણા બિલ્ડિંગની ફરતે દુનિયા કેવી છે. 

પણ બ્રહ્માંડને જોવાની વાત જરા જુદી છે. આ પરિવર્તનશીલ બ્રહ્માંડ આપણને અલગ અલગ રૂપ દેખાડે છે. દુનિયા આપણે કઈ બારીમાંથી જોઈએ છીએ તેવી તે દેખાવાનો આધાર છે. તેવી જ રીતે બ્રહ્માંડ આપણને કયા પ્લેટફોર્મ પરથી જોઈએ છીએ તેના પર તેનો આધાર છે. બ્રહ્માંડ નિરપેક્ષ નથી. તે આપણી સાપેક્ષ છે. તેને એકરૂપ નથી તે બહુરૂપી છે. કયા પ્લેટફોર્મ 

પરથી તમે તેને જુઓ છો તેના પર તેનો આધાર છે. 

લાલ તારો હકીકતમાં લાલ ન પણ હોય, બ્લૂ તારો હકીકતમાં બ્લૂ તારો ન પણ હોય. કેટલાય તારા દેખાય તે હકીકતમાં એક જ તારાના પ્રતિબિંબો હોય. તમે ખૂબ જ ઝડપથી જતી રાજધાની ગાડીમાંથી સ્ટેશનનું બોર્ડ વાંચવા જાવ તો તે વંચાતું નથી. તમે કેેટલી ગતિએ ગતિ કરો છો તેના પર બ્રહ્માંડ દેખાવાનો આધાર છે. એવા તારા છે જે એક સેક્ધડમાં પ૦૦ વાર પોતાની ધરી પર ઘૂમી લે છે. તમે જો એવા તારાના ગ્રહ પર હો તો તમે શું જુઓ? તમે આવી ઝડપે ઘૂમતા ગ્રહ પર હો તો એક સેક્ધડમાં તમારો સૂર્ય આકાશમાં ચક્કર લગાવી એ અડધી સેક્ધડમાં તમારા આકાશમાંથી પૂર્વથી પશ્ર્ચિમમાં ચાલ્યો જાય ત્યાં દિવસ માત્ર એક સેક્ધડનો જ હોય, આપણે ત્યાં દિવસ ૮૪૬૦૦ સેક્ધડનો છે. આઈન્સ્ટાઈનની થીયરી દર્શાવે છે કે કોઈ વસ્તુ ગતિ કરે તો તે તેની ગતિની દિશામાં ટૂંકી થતી દેખાય. જો એક બોક્સ તમારાથી દૂર જાય તો જેમ જેમ તેની ઝડપ વધતી જાય તેમ તેમ તેનો આકાર બદલાતો જાય કારણ કે તેની લંબાઈ બદલાતી જાય. આઈન્સ્ટાઈનની થીયરી કહે છે કે જે યાન ગતિ કરે તેમાં સમય ધીમો પડતો જાય. તમે કહો કે મને એક વર્ષ થયું તો તે યાનમાં બેઠેલો માણસ એમ પણ કહે છે કે હું તો માત્ર એક કલાક જ મોટો થયો છું. એ શક્ય છે. તે યાન જેમ જેમ ઝડપ પકડે તેમ તેમ તેનું દળ પણ વધતું જાય. બોલો હવે આમાં સમય, આકાર, દળનો ઉચ્છેદ જ થઈ ગયો ને? બ્રહ્માંડમાં કાંઈ પણ નિરપેક્ષ નથી. ધન મહત્ત્વનું છે તે પણ મહત્ત્વનું ન લાગે. જ્ઞાન મહત્ત્વનું છે તે પણ ધનનું સર્જક લાગે. આમ બ્રહ્માંડમાં દરેકે દરેક વસ્તુનું મહત્ત્વ છે અને દરેકે દરેક વસ્તુનું મહત્ત્વ નથી. બ્રહ્માંડમાં દરેેકે દરેક વસ્તુ અર્થપૂર્ણ લાગે, સાથે સાથે તે નિરર્થક પણ લાગે. બ્રહ્માંડમાં શેનું ય પણ અભિમાન કરવાની જરૂર નથી. શેર માથે સવાશેર છે જ.

બ્રહ્માંડને ઘટોત્કચના હાથી સાથે સરખાવી શકાય. જેમ જેમ તેને માપતા જાવ છેડે તમે તમારી મેઝેરિંગ ટેપ મૂકો તે વધી ગયું હોય, વળી પાછી તમારી મેઝેરિંગ ટેપ લંબાવો વળી પાછું વધી ગયું હોય. 

એક સાચી કથા છે તેના વિજ્ઞાનીનું નામ હું ભૂલી ગયો છું. તે એક દિવસ મોટર લઈને નીળયો, ધૂનમાં ને ધૂનમાં કે ખાસ કામ હોઈ તેને તો ટ્રાફિક સિગ્નલ બંધ હતું તો મોટર ઊભી રાખવાને બદલે મોટર મારી મૂકી. પોલીસે તેને પકડ્યો. કોર્ટમાં કેસ ચાલ્યો. વિજ્ઞાની હોશિયાર હતો તેને ખબર હતી કે ગાડી જો સ્ત્રોતની તરફ દોડે તો લાલ સ્ત્રોત બ્લૂ કે ગ્રીન દેખાય. તેને એ કેસમાંથી છૂટવું હતું. તેણે દલીલ કરી કે તે ઝડપથી કાર ચલાવતો હતો. તેથી લાલ લાઈટ તેને બ્લૂ કે ગ્રીન દેખાઈ. એટલે તેણે ટ્રાફિક સિગ્નલ લાલ હતું તો પણ તેણે ગાડી મારી મૂકી. ન્યાયાધીશે આ પ્રશ્ર્ન ઉકેલમાં વિજ્ઞાનીનો સંપર્ક સાધ્યો તો વિજ્ઞાનીએ કહ્યું કે એ વાત સાચી છે કે કોઈ પણ માનવી જો લાલ સિગ્નલ તરફ જતો હોય તો તેને બ્લૂ કે ગ્રીન દેખાઈ શકે જો તે પ્રકાશના સ્ત્રોતથી દૂર જાય તો ગ્રીન સિગ્નલ તેને લાલ દેખાઈ શકે તેથી, ન્યાયાધીશે તેને બાઈજ્જત મુક્ત કરી દીધો. વિજ્ઞાનીએ વિજ્ઞાની સત્યનો પોતાને દંડમાંથી છોડાવવા જબ્બર ઉપયોગ કર્યો. પણ એ જાણવું જરૂરી છે કે કારની ગતિએ લાલ લાઈટ બ્લૂ નો દેખાય. જો ઝડપ ખૂબ જ વધારે હોય તો જ તેમ જોઈ શકાય. પણ સૈદ્ધાંતિક રીતે તે પોતાને છોડાવી શક્યો. ન્યાય તો તર્ક અને દલીલો પર આધાર રાખે છે. તેને બીજા સાથે કાંઈ જ સંબંધ નથી. 

તમને જ્યારે કોઈ એમ પ્રશ્ર્ન કરે કે કલકત્તા કેટલું દૂર છે ત્યારે આ પ્રશ્ર્નનો જવાબ આપવા માટે તમારે જાણવું પડે કે કયા સાધનોના ઉપયોગથી આનો જવાબ આપવો? ચાલીને જઈએ તો કેટલા દિવસો લાગે. ટ્રેઈનમાં ૩૦થી ૩૬ કલાક લાગે. વિમાનમાં બે કલાક લાગે અને મોબાઈલ કે ટી.વી.નો ઉપયોગ કરીએ તો એક ક્ષણ લાગે. આમ આ બધું સાપેક્ષ છે. 

પૃથ્વી પરથી જોઈએ તો સૂર્ય તેની ધરી પર ઘુમતો લાગે અને પૃથ્વીની પરિક્રમા કરતો દેખાય. અને પૃથ્વી ધરીભ્રમણ અને પરિક્રમણ કરતી જ ન લાગે. સૂર્ય પરથી જોઈએ તો પૃથ્વી તેની ધરી પર ઘુમતી લાગે અને સૂર્યની પરિક્રમા કરતી લાગે. આમાં સાચું શું? આપણે સવારે સૂર્યોદય વખતે વિમાન લઈને પશ્ર્ચિમમાં જવાનું. તમારે સૂર્યને અનુસરતા રહેવાનું. અનુસરતા રહેવાનું તમને રાત પડશે જ નહીં. જો તમારા વિમાનમાં ૧૦૦૦ વર્ષ સુધી ઈંધણ ખૂટે નહીં તેવું વિમાન છે. તમે જો તે વિમાનને પશ્ર્ચિમમાં ચલાવતા જ રહો અને સૂર્યને અનુસરતા જ રહો તો તમને ક્યારે રાત ન દેખાય. જો આવા વિમાનમાં બાળક જન્મે અને મોટું થાય તો તેને રાત શું તે ખબર જ ન પડે. તેના બ્રહ્માંડમાં રાત, તારા, ચંદ્ર હોય જ નહીં. હવે રાતે ૮ વાગ્યે તમે આવું વિમાન પૂર્વમાં ઉડાડો અને ચંદ્રને અનુસરો તો તે વિમાનમાં બાળક મોટું થાય તો તેને દિવસ શું તે ખબર જ ન પડે. સૂર્ય શું તે ખબર જ ન પડે. આમાં બ્રહ્માંડમાં તમે કયા પ્લેટફોર્મ પરથી બ્રહ્માંડ જુઓ છો તેમાં બ્રહ્માંડ કેવું દેખાય છે તેના પર બધો આધાર છે. તમે બ્રહ્માંડને તમારા જ્ઞાનથી કેટલું જાણો છો. તેના પર બધો જ આધાર છે. તમે જન્મો ત્યારે તમારું બ્રહ્માંડ જન્મે છે જેમ જેમ તમારું જ્ઞાન વધે, તેમ તમે બ્રહ્માંડને આત્મસાત્ કરો. તે તમારા માહોલ અને જગ્યા પર પણ આધાર રાખે છે. હિમાચલ પ્રદેશના ખૂણાની એક ખીણમાં નાના ગામડામાં વસતી એક સ્ત્રીનું બ્રહ્માંડ મુંબઈમાં વસતી એક સ્ત્રીનું બ્રહ્માંડ, મુંબઈમાં વસતી ઈં.અ.જ. સ્ત્રીનું બ્રહ્માંડ, ન્યૂ યોર્કમાં વસતી સ્ત્રીનું બ્રહ્માંડ બધા અલગ અલગ હોય છે. જળચર પ્રાણીઓનું બ્રહ્માંડ અલગ છે. સ્થળચર અને અંતરીક્ષચર પ્રાણીઓનાં બ્રહ્માંડ અલગ અલગ હોય છે. પૃથ્વી પરના જીવનું બ્રહ્માંડ સૂર્યમાળામાં ગ્રહોનું બ્રહ્માંડ, મંદાકિનીમાં તારાની વસ્તીનું બ્રહ્માંડ, બ્રહ્માંડમાં મંદાકિનીઓની વસ્તીનું બ્રહ્માંડ. આમ બ્રહ્માંડ એક નથી.
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=175698