Tuesday, February 10, 2015

બ્રહ્માંડમાં કોઈ મોટું નથી અને કોઈ નાનું નથી --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=144451





બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ


આપણા સાહિત્યમાં કહેવત છે કે શેર માથે સવા શેર. એટલે કે શેર મોટો નથી. તેના પર સવાશેર છે. તેના પર દોઢ શેર છે. માટે માની નહીં લેવું કે દોઢ શેર સૌથી મોટો છે. આપણા સાહિત્યમાં બીજી પણ સરસ વાત છે કે નાનાને નાનું નહીં સમજવું. કીડી નાની છે તેમ છતાં તે કાળા નાગના પ્રાણ હરી શકે છે. કીડી કાળા નાગનો પ્રાણ જ લે આપેર. એક નાનું મચ્છર પણ જો હાથીના કાનમાં ઘૂસી જાય તો તે તેને ગાંડો કરી મૂકી શકે છે. તે માથા પછાડી પછાડી મરી જાય છે.

અણુની નાભિ મિલીમીટરનો દશ અબજમો ભાગ છે. મિલીમીટર આપણા માટે તદ્દન નાનું ગણાય, પણ અણુની નાભિ કરતાં તે દશ અબજગણું મોટું છે. અણુની નાભિ કરતાં અણુ પોતે એક લાખ ગણું મોટું છે. પણ અણુ મિલીમીટર કરતાં એક લાખ ગણું નાનું છે. એટલે કે અણુની નાભિ કરતાં અણું એક લાખ ગણું મોટું છે. માટે તેને માની લઈએ તો મિલિમીટર તેના કરતાં પણ એક લાખ ગણું મોટું છે. આમાં કોને મોટું સમજવું અને કોને નાનું સમજવું?

આપણી પૃથ્વી આપણને કેટલી બધી મોટી લાગે છે. પૂરા જીવન દરમિયાન પણ આપણે તેને પૂરી જોઈ શકતાં નથી. ભલે આપણે મોટર કે વિમાન લઈને ઘૂમીએ. પણ જયારે આપણે સૂર્ય સામે જોઈએ તો માલૂમ પડે કે તે તો પૃથ્વી કરતાં ઘનફળમાં ૧૩ લાખ ગણો મોટો છે. એટલે કે સૂર્ય એટલો મોટો છે કે તેમાં ૧૩ લાખ પૃથ્વી સમાઈ જાય. તરત જ આપણું પૃથ્વીના મોટાપણા વિષે માન ઊતરી જાય છે અને ખબર પડે કે આવડી મોટી દેખાતી પૃથ્વી તો સૂર્ય પાસે કાંઈ જ નથી. આમ સૂર્ય ખરેખર મોટો છે પણ જયારે આપણે આપણી આકાશગંગા મંદાકિની સામે જોઈએ તો ખબર પડી કે આકાશગંગા મંદાકિની એટલી બધી મોટી છે કે તેમાં ૫૦૦ અબજ સૂર્યો છે અને બે સૂર્ય એકબીજાને અડીને નથી પણ બે સૂર્યો વચ્ચે સરાસરી અંતર ૪૫૦૦ અબજ કિલોમીટરનું છે. આપણી મંદાકિનીમાં સૂર્યની સ્થિતિ વિશાળ રેતીના રણમાં રેતીના એક કણ જેવી છે. તરત જ આપણને સૂર્યના મોટાપણા વિષે માન ઊતરી જાય છે અને ખબર પડે કે ભાઈ સૂર્ય તો કાંઈ જ નથી આપણી મંદાકિની ખૂબ મોટી છે. આપણે આપણી આકાશગંગાને મોટી માનવા લાગીએ. પણ આપણી આકાશગંગા મંદાકિનીની પડોશી મંદાકિની દેવયાની મંદાકિની આપણી મંદાકિનીથી એટલી બધી મોટી છે કે તેમાં ૨૦૦૦ અબજ સૂર્યો છે અને તેના કોઈ પણ બે સૂર્ય વચ્ચેનું અંતર ઓછામાં ઓછું કિલોમીટર છે. ત્યારે થાય કે આપણી આકાશગંગા મંદાકિની, દેવયાની મંદાકિની પાસે કાંઈ જ વિસાતમાં નથી. તો થાય કે દેવયાની મંદાકિની મોટી પણ આપણા બ્રહ્માંડમાં ૧૦૦ અબજ મંદાકિની છે અને બે મંદાકિનીઓ વચ્ચે સરાસરી અંતર ૨૨,૦૦૦૦ લાખ અબજ કિલોમીટર છે ત્યારે થાય કે હકીકતમાં તો બ્રહ્માંડ સૌથી મોટું છે. પણ બ્રહ્માંડ પણ દર ક્ષણે પ્રતિ સેક્ધડના ૩ લાખ કિલોમીટરની ઝડપે દરેક દિશામાં વિસ્તૃત થાય છે. તેને માપવા જાવ અને સેક્ધડમાં દરેક દિશામાં ૩ લાખ કિલોમીટર વધી જાય.

બ્રહ્માંડમાં આવડી મોટી મંદાકિની માત્ર એક બિન્દુ જેવી છે. મંદાકિનીમાં આવડા મોટા સૂર્યો માત્ર એક બિન્દુ જેવાં છે. સૂર્યમાળામાં સૂર્યની ફરતે પરિક્રમા કરતાં ગ્રહો માત્ર બિન્દુરૂપ છે. ગ્રહો પર આપણે બિન્દુરૂપ છીએ. આપણે વળી મચ્છર, કીડી કે બેકટેરિયાને બિન્દુરૂપ માનીએ છીએ તો, સાચું બિન્દુરૂપ શું? મંદાકિની, સૂર્ય, પૃથ્વી, આપણે કે બેકટેરિયા? બધાં જ પોતપોતાના સ્તરે મોટા છે અને બધાં જ પોતપોતાના સ્તરે નાના છે. માટે નાનાને નાના નહીં માની લેવાનું અને મોટાને મોટા નહીં માની લેવા. માટે જ આપણા ઋષિ - મુનિઓએ કહ્યું છે કે પિંડે તે બ્રહ્માંડે. પિંડ અને બ્રહ્માંડ એકરૂપ છે. પૃથ્વીની સપાટી પૂરા આકાશને એકરૂપ છે. પૃથ્વીનો ગોળો ભલે બ્રહ્માંડ કરતાં અબજો અને અબજો ગણો નાનો હોય પણ તે પૂરા આકાશના ગોળાને એકરૂપ છે.

નાનું અને મોટું એક ભ્રમ છે. દુ:ખ પડે ત્યારે બાદશાહ પણ બાળકની જેમ રોતો હોય છે. આદિ શંકરાચાર્યે બહુ સરસ બોધ આપ્યો છે. તેમણે કહ્યું છે કે મા કુરુ ધન - જન - યૌવન ગર્વમ્, હરતિનિમેષાત્ કાલ: સર્વમ્ આ બ્રહ્માંડમાં કોઈને પણ શેનોય ગર્વ કરવા જેવું નથી. વામન ભગવાને બલિરાજાનું આખું રાજય આકાશ - પૃથ્વી - પાતાળ માત્ર ત્રણ જ પગલાંમાં માપી લીધું હતું. જયારે આપણે ઘમંડી માણસોને જોઈએ છીએ રાજકારણી - આઈએએસ ઓફિસર- ધનાઢય માનવી કે એવા બીજા ત્યારે આપણને તેમની પર દયા આવે છે. તેઓ ભૂલી જાય છે કે એક દિવસ પાંચ ફૂટની માટી તેમને ખૂંદવાની છે.

કાપડિયાને ત્યાં એક મીટર કાપડ લેવા જઈએ અને તે એક મિલીમીટર ઓછું આપે ત્યારે આપણે વાંધો લેતા નથી. પણ જયારે આપણે અણુના સ્તરે વાત કરીએ ત્યારે એક મિલીમીટર, અણુ કરતાં એક લાખ ગણો મોટો છે, તે અણુની નાભિ કરતાં દશ અબજ ગણો મોટો છે. માટે તે સ્તરે મિલીમીટરને નગણ્ય ન કરાય.

પ્લાન્કલેન્થ એક મિલીમીટરનો દશ હજાર અબજ, અબજ, અબજમો ભાગ છે. એટલે કે પ્લાન્કલેન્થ કરતાં એક મિલીમીટર દશ હજાર અબજ, અબજ, અબજ ગણો મોટો છે. આ સ્તરે મિલીમીટર કેટલો બધો વિરાટ ગણાય. પણ એક મીટર કે કે એક કિલોમીટરની સામે તેની કોઈ જ કિંમત કે વેલ્યૂ કે સ્તર ન ગણાય.

આ બધું સમજવા આંકડા તો ભારતીયોની જ શોધ છે. નહીં તો આપણે વિરાટ બ્રહ્માંડને અને તેનાથી વિરાટ સૂક્ષ્મ બ્રહ્માંડને સમજી શકયાં જ નહોત. આ આપણા ઋષિ - મુનિઓની વિશાળ અને સૂક્ષ્મ દૃષ્ટિ હતી.

વિશાળ દુનિયા અને સૂક્ષ્મ દુનિયા વાસ્તવમાં એકના એક જ છે, જયારે આપણે વિશાળ બ્રહ્માંડનો અભ્યાસ કરવા બેસીએ ત્યારે ઓટોમેટિક (આપોઆપ) જ આપણે સૂક્ષ્મ બ્રહ્માંડના અભ્યાસમાં સરી પડીએ છીએ અને જયારે આપણે સૂક્ષ્મ બ્રહ્માંડનો અભ્યાસ કરવા બેસીએ ત્યારે છેવટે ઓટોમેટિકલી આપણે વિશાળ બ્રહ્માંડના અભ્યાસમાં સરી પડીએ છીએ. આની પાછળનું કારણ એ છે કે વિશાળ દુનિયા જ સૂક્ષ્મ દુનિયા છે અને સૂક્ષ્મ દુનિયા જ વિશાળ દુનિયા છે તે બંને એકરૂપ છે. તેમાં હકીકતમાં ભેદ નથી. કારણ કે નાનું-મોટું તે ભ્રમ માત્ર છે. તેને કઈ દૃષ્ટિથી જોવાય છે તેના પર બધો આધાર છે. કોઈ જ વસ્તુ મોટી નથી અને કોઈ જ વસ્તુ નાની નથી. સોયનું જયાં કામ હોય ત્યાં કોષ કે કોદાળી ન વપરાય. બ્રહ્મપુત્રા, નર્મદા, ગંગા, સિન્ધુ જેવી નદીઓને કિનારે રહીને જોઈએ તો તે વિશાળ દેખાય. પણ તેમને વિમાનમાંથી જોઈએ તો તે માત્ર લકીર જેવી દેખાય. હિમાલય કેવડો મોટો છે. એરોપ્લેનમાંથી જોતાં તે નાની નાની ઢગલીઓ જેવો દેખાય. આપણો વાળ પણ આપણને માત્ર લકીર જેવો દેખાય છે. પણ બેકટેરિયાને તે જબ્બર બોગદું જેવડો મોટો દેખાય છે અને તેમાંથી હજારો બેકટેરિયા એકસાથે પસાર થઈ જાય.

આપણા નરસી મહેતાએ ૫૦૦ વર્ષ પહેલાં જબ્બર વાત કરી. તેમણે ગાયું કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. આ દર્શાવે છે કે બીજ કે વૃક્ષ એકરૂપ છે. બીજ વૃક્ષથી નાનું નથી અને વૃક્ષ બીજથી મોટું નથી. તેમના નાના અને મોટાપણામાં કોઈ ભેદ નથી. પૃથ્વી પરથી જોતાં ઉંચાં ઉંચાં ટાવરો આપણને ખૂબ જ ઉંચાં દેખાય છે, પણ વિમાનમાંથી જોતાં તે રમકડા જેવા નાનાં નાનાં દેખાય છે.

બે નાના મોટા સમકેન્દ્રીય વર્તુળો લઈએ તો લાગે કે બહારનું વર્તુળ મોટું છે. હકીકતમાં જેટલા બિન્દુઓ બહારના વર્તુળ પર છે તેટલાં જ બિન્દુઓ અંદરના વર્તુળ પર છે. એક પણ વધારે નહીં અને એક પણ ઓછું નહીં. તમે આ બંને વર્તુળોને એકના એક માની શકો કે નહીં? બહારનું વર્તુળ મોટું છે અને અંદરનું વર્તુળ નાનું છે તે માત્ર ભ્રમ છે. વાસ્તવિકતા છે તેમ છતાં ભ્રમ છે.

વૃક્ષ પર કેટલાય બી છે. દરેકે દરેક બીમાં પૂરેપૂરું વૃક્ષ સમાયેલું છે. માનવીના શરીરમાં અબજો અને અબજો જીન્સ છે. પણ દરેકે દરેક જીનમાં પૂરેપૂરો માનવી છે. સૂર્યમાંથી અબજો અને અબજો કિરણો છૂટે છે. દરેકે દરેક કિરણમાં પૂરેપૂરો સૂર્ય સમાયેલો હોય છે. માટે જ સૂર્યનો અભ્યાસ કરતાં ખગોળવિદ સૂર્યનું માત્ર એક જ કિરણ વેધશાળામાં લઈ પૂરેપૂરા સૂર્યને વેધશાળામાં જુએ છે. એટલે કે પાર્ટ ઈઝ ઈકવીવેલેન્ટ ટુ ધ હૉલ.

આપણા ઋષિ-મુનિએ ‘સાપેક્ષ’ શબ્દ આપીને કમાલ કરી નાખી છે. આ જ કમાલ આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદે કરી છે. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પ્રમાણે બ્રહ્માંડમાં બધું સાપેક્ષ છે. નાનું-મોટું, સુખ-દુ:ખ, ધનિક - ગરીબ, હોશિયાર-ઠોઠ, ડાબું-જમણું વગેરે બધું જ સાપેક્ષ છે.

નદીના પ્રવાહને જોઈએ તો અતૂટ લાગે, પણ જો તેને ઈલેકટ્રોન માઈક્રોસ્કોપથી જોઈએ તો પાણીના કણો અલગ અલગ દોડતા દેખાય. પીક ટાઈમે ચર્ચગેટમાંથી નીકળતો માણસોનો પ્રવાહ દૂર દૂરથી જોઈએ તો તદ્દન નદીના પાણીના પ્રવાહ જેવો જ દેખાય.

આકાશમાં આકાશગંગાના દૂધિયા દિવ્ય પટ્ટાને જોઈએ તો લાગે કે રાત્રિ આકાશમાં ગંગા નદી વહી રહી છે. માટે તો આપણી મંદાકિનીને આકાશગંગા કહી છે. હકીકતમાં તે લાખો મોટા મોટા સૂર્યોનો સમૂહ છે. પ્રાચીન ભારતીયો તેને આકાશમાં વહેતી ગંગા માનતાં. ગંગા આકાશમાંથી ઊતરી આવી છે તેમ માનતાં. ગંગા હિમાલયમાંથી નીકળે છે. તેની પહાડી શંકર ભગવાનની જટા છે. તેમાં ગંગા ગૂંચવાઈ જાય છે. હકીકતમાં દરેકે દરેક નદી આકાશમાંથી જ ઊતરી આવે છે. કારણ કે વરસાદ અને બરફ આકાશમાંથી જ થાય છે.

શનિ, ગુરુ, યુરેનસ, નેપ્ચ્યુન ફરતેનાં વલયો દૂરથી લીસ્સા પટ્ટા જેવાં લાગે છે. હકીકતમાં તે નાના મોટા ખડકોના મહાસાગરો છે. એમ તો કપડા પણ ચાળણી જેવા છે. પ્રકાશનું કિરણ પણ અતૂટ નથી. તે ફોટોન્સ નામના ઊર્જાના પેકેટનું બનેલું છે. હકીકતમાં બ્રહ્માંડની કોઈ પણ વસ્તુ અખંડિત નથી. અંતરિક્ષ પણ અખંડિત નથી. આ બ્રહ્માંડનો સ્વભાવ જ કવોન્ટમ છે. પંદર કે વીસ લાખનો વ્યાસ ધરાવતા તારા દૂરથી બિન્દુ જેવા લાગે છે. પ્રાચીનોને તેની વાસ્તવિકતાની ખબર ન હતી. તેઓ તેને પ્રકાશના બિન્દુ માનતાં. જે સમયે તેઓ સાચા હતા.

No comments:

Post a Comment