Wednesday, February 18, 2015

મથુરનો મંદવાડ --- હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=74716

હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ


મેઘધનુષ પર ચાપ ચડાવી દૂર દિગંતે તાકે,

સાગરનાં મોજાં પર ચડી અગણિત રસ્તા આંકે,

ઝાકળને ઝરણું થયાની ઊપડે અગનપિપાસા,

આ અજબગજબની આશા, આ અજબગજબની આશા.

આ આશા, ઈચ્છા, કામના, અભિલાષા, મહત્ત્વાકાંક્ષા જાગે છે ક્યાંથી? કઈ રીતે? ક્યારે?

શ્ર્વેત બરફાચ્છાદિત ગિરિશિખરો વચ્ચે સુંદર સરોવર હોય, એમાં નિર્મળ નીર હિલોળાં લેતાં હોય, પારદર્શક પાણીમાં રંગબેરંગી માછલીઓ ફરતી હોય; કિનારાના વૃક્ષોના પડછાયા પાણીમાં પડતા હોય, ક્ષિતિજ પર સૂર્યોદય થતો હોય, પંખીઓ એ આગમનને મધુરગાનથી વધાવતાં હોય.

આવું દૃશ્ય જોતાં માનવી મુગ્ધ બની જાય છે. વિચારોનો પ્રવાહ અટકી જાય છે. મન સ્થિર બની જાય છે. દૃશ્ય જોનાર દૃષ્ટા રહેતો નથી, માત્ર દૃશ્ય જ રહે છે.

અહમ્વિહીન દશાની આનંદભરી આ અવિસ્મરણીય ક્ષણો પસાર થાય છે. આ ખુશીનું કારણ દૃશ્યને જોનાર, ટીકા કરનાર, તુલના કરનાર, અભિપ્રાય આપનાર, અનુભવ કરનાર હુંની ગેરહાજરી છે, અહમ્નું વિસર્જન છે.

જયંતી મને કહેતો, ‘મારે આગળ વધવું છે, પણ મને નડે છે ઘણાં.’ મેં કહ્યું, ‘માનવી પોતે પોતાને નડે છે એટલા બીજા કોઈ નથી નડતા.’ મારો મિત્ર મથુર માંદો પડયો ત્યારે પહેલું એ વિચાર્યું, ‘આ દરદમાંથી નહિ બચું. બસ, ખેલ ખલાસ.’ દર્દીને દસ જણ કહે કે તું સાજો થઈ જઈશ અને એક આવીને કહી જાય કે ‘ભલે બધા તને ખોટાં આશ્ર્વાસન આપે, બાકી આમાંથી સાજું થવાય નહિ, આ આપણા હાથની વાત નથી.’ તરત દર્દી આ વાત પકડી લેશે. અનેક સંતો કહે કે ઈશ્ર્વર છે તો માણસ માનશે નહિ, પણ એક મૂર્ખ કહે કે, ‘ખીજડામાં ભૂત રહે છે.’ આ વાત તરત ગળે ઊતરી જશે.

હું મથુરને કહેતો, ‘જો મથુર, આમાંથી તું સાજો થવાનો નથી.’ મથુર કહે, ‘હું તો કહું છું બધાને, પણ કોઈ માનતા નથી.’ મેં કહ્યું, ‘પણ હું માનું છું ને?’ મથુર મારી વાત સાંભળી સાવ મોળો પડી ગયો. મને કહે, ‘ખરેખર મને કોઈ બચાવી શકે તેમ નથી?’ મેં કહ્યું, ‘તું બચી શકીશ કે નહિ? એ પ્રશ્ર્ન હમણાં બાજુ પર રાખી દે. પહેલાં એ કહે, ‘તું તારા શરીર વિષે બરાબર જાણે તો છે ને? આ રીતે જૉન્ડિસ થયો છે એ પણ હિપેટાઈટીસ બી-બિલીરુબીન ૮.૩૬ છે, આ બધું તને સમજાય છે ને?

મથુર કહે, ‘મને એટલી ખબર છે કે મને ભારેમાંયલો કમળો થયો છે. બકરી ચારો ચરે એટલાં વિકળાનાં પાંદડાં રોજ ખાઉં છું. દાળિયા ને ગોળ ખાઉં છું. સાંજે એક થાળી ઢોકળાં ખાવાં પડે છે. શેરડી તો આખો દી ચાલુ જ હોય છે. લીંબુનું શરબત વધારામાં.’ મેં કહ્યું, ‘તને શરીરની જાણકારી નથી, દરદની માહિતી નથી. તને ખાલી ખાધાની ખબર છે તો પછી, ‘હું સાજો નહિં થાઉં.’ આવો અભિપ્રાય તેં બાંધ્યો કઈ રીતે?’ ડૉક્ટરસાહેબ કહે છે?’ મથુર કહે, ‘ડૉ. મહેતાસાહેબ તો કહે છે, માત્ર આરામ કરો, આ જ કમળાની દવા છે, આરામ કરો એટલે સાજા થઈ જશો.’ પણ મને રાતદી પથારીમાં પડયા રે’વું આકરું થઈ પડયું છે.’

મથુર કહે, ‘મને વિઠલે કહ્યું, આ દરદમાં કોઈ સાજું થાતું નથી. એણે કાંતિલાલ, છગનલાલ અને મેરામણના દાખલા આપ્યા.’ ત્યાં ડૉ. મહેતાસાહેબ આવ્યા. તેમણે રિપૉર્ટ જોયા અને કહ્યું, બિલીરુબીન ૮.૩૬માંથી ૫.૨૦ થયું છે, એટલે તબિયત સુધારા પર છે. એક અઠવાડિયામાં આટલો ફેર પડયો. હવે ઝડપથી સુધારો થતો જશે, બસ માત્ર આરામ કરો. આરામ જ આ દરદની દવા છે. બીજું કાંઈ નથી. ડૉક્ટરસાહેબ ગયા ત્યાં વિઠલ આવ્યો. મને જોઈ વિઠલ મૂંઝાણો. સંકોચમાં બેઠો તો ખરો પણ ઊંચા મને. મેં તરત પૂછયું, ‘વિઠલ તું જૉન્ડિસ વિષે શું જાણે છે એ સમજાવ. આ હિપેટાઈટીસ બી એટલે શું? બિલીરુબીન કઈ રીતે વધે છે? શરીરમાં ક્યાં ક્યાં અસર કરે છે એની માહિતી આપ. મારે જાણવી છે!’ વિઠલ કહે, ‘હું થોડો ડૉક્ટર છું તે મને આવી ખબર પડે?’ વિઠલ સમજી ગયો કે બીજો હુમલો આવશે. મેં કહ્યું, ‘તો પછી અભિપ્રાય કઈ રીતે આપ્યો મથુરને?’ વિઠલ તરત ઊભો થઈ હાલવા માંડયો... ત્યાં પ્રાણલાલ અને પ્રવીણ મથુરને જોવા આવ્યા. અમે વિઠલની વાત કરી. પ્રાણલાલ કહે, ‘અરે, આ વિઠલને હમણાં ઉત્તમલાલ શેઠના દીકરા દીપકે અને એના ભાઈના દીકરા નરેશે થોડા દિવસ પહેલાં જ માર્યો હતો.’ મેં કહ્યું, ‘શું કામ?’ પ્રાણલાલ કહે, ‘એક તો વિઠલ વગર આમંત્રણે શેઠના નવા મકાનના વાસ્તુમાં પહોંચી ગયો. નાસ્તાની એક ડિશ ખાઈને બીજી ઉપાડી અને પાછો પડોશીને કહેવા માંડયો કે, ‘મકાનમાં ખર્ચ ઘણું કર્યું, પણ મરણટાણે કૂટવામાં ફળિયું ટૂંકું પડશે.’ આ વાત શેઠનો પુત્ર દીપક સાંભળી ગયો, એણે સીધી વિઠલ પાંહેથી નાસ્તાની ડિશ પડાવી લીધી અને લાફા બે માર્યા. આ વાતની નરેશને ખબર પડી એટલે વળી આવીને માર્યો. તે પેંડો મોંમાંથી ઊડી ગયો અને હારે બે દાંત લેતો ગયો. વિઠલ ઈ રસ્તે તે દિવસનો હાલતો બંધ થઈ ગયો. અમે આ સાંભળી દાંત મંડયા કાઢવા. મથુર પણ સૌની સાથે ખુશી થયો. થોડી વાર બેસીને અમે ઊઠયા, હાલતાં હાલતાં મેં કહ્યું, ‘જો મથુર, હવે તારી સામે બે અભિપ્રાય છે: એક છે ડૉ. મહેતાસાહેબનો અને બીજો છે વિઠલનો, તો તને ઠીક લાગે ઈ તું માનજે.’

મથુર કહે, ‘ખોટાને ખોટું સમજવું એનું નામ જ સાચી સમજણ’ -મથુર બોલ્યો અને મને જે. કૃષ્ણમૂર્તિનું વાક્ય યાદ આવ્યું:

'See the truth as the truth. See the false as the false'.

જીવનમાં ઊભા થતાં ગમે તેવા વિકટ સંજોગને વ્યક્તિ પોતે જ્યાં સુધી સમસ્યા નહીં બનાવે, ત્યાં સુધી એ સંજોગો સમસ્યા નહીં બને.

મથુરનો કેસ સરળ હતો, પરંતુ મથુરે તેને સમસ્યામાં બદલી નાખ્યો હતો.

આજે ફરી એ સરળ બની ગયો.

No comments:

Post a Comment