Friday, February 13, 2015

નવા વર્ષના નિર્ણયો --- હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=108202

 આપણે મૂર્ખ હોઈએ અને કોઈ મૂર્ખ કહે ત્યારે જ બહુ દુ:ખ લાગે છે

 મારી ઑફિસમાં હું કામ કરતો હતો ત્યાં મથુરના દીકરા દામોદરને લઈને શિક્ષક પટેલસાહેબે પ્રવેશ કર્યો. તેમણે કહ્યું: "સાહેબ, આ દામોદરને બોલવાનું ભાન નથી. જેમ આવે તેમ બોલે છે. તેને સમજાવજો, નહિતર કોક દી માર ખાશે મારા હાથનો. મેં દામોદરને રોકી પટેલસાહેબને જવા દીધા. તે ગયા પછી દામોદરને પૂછયું, "બોલ, શું તોફાન કર્યું છે? દામોદર કહે, "સાહેબે પૂછયું કયા મહિનામાં અઠ્યાવીસ દિવસ આવે છે.’ મેં કહ્યું ‘દરેક મહિનામાં.’ એમાં સાહેબ ગુસ્સે થઈ ગયા. વળી પૂછયું ‘હું તમાકુ ખાઉં છું. આ વાક્યનો ભવિષ્યકાળ જણાવો.’ મેં કહ્યું, ‘મને કૅન્સર થશે.’ એમાં સાહેબે મને ગુસ્સે થઈને જણાવ્યું, ‘મૂર્ખ તારી ઉંમરે હું એટલો હોશિયાર હતો કે આખા વર્ગમાં પ્રથમ નંબરે આવતો.’ સાહેબે આમ કહ્યું એટલે મારાથી બોલી જવાયું ‘સાહેબ, આપને કોઈ હોશિયાર શિક્ષક ભણાવતા હશેને?’

પટેલસાહેબ વિદ્યાર્થી હતા ત્યારે હું ભણાવતો હોવાથી હું વિચારમાં પડી ગયો કે દામોદરની વાત નકારી શકાય તેમ નથી. મેં દામોદરને સમજાવ્યો, "જો, મશ્કરી સમાન વય હોય, દોસ્તી હોય, સામાવાળાને ખોટું ન લાગે એમ હોય તો જ કરવી. નહિતર નહિ, સમજ્યો?

મારા મિત્ર નવીનભાઈ મુંબઈથી થાન આવ્યા. કાંઈક વાતો અમે કરતા હતા. એમાં એમણે જણાવ્યું કે હું કાયમ પીઅર્સ સાબુથી સ્નાન કરું છું. તરત વનેચંદે કહ્યું, "ચામડીના દરદ માટે પીઅર્સ સાબુ સારો.

અહમદે મુંબઈના મહેમાનને જણાવ્યું, "મારે ચાર ઑઈલ મિલ છે. તરત મામદે કહ્યું, "ઑઈલ મિલ એટલે દેશી ઘાણી. અહમદે મામદને ઘઘલાવ્યો, "તારે ચોખવટ કરી ડાહ્યા થવાની શી જરૂર હતી?

અમેરિકાના વિશ્ર્વવિખ્યાત હાસ્યલેખક માર્ક ટ્વેઈન. ચર્ચમાં એક બિશપસાહેબનું પ્રવચન સાંભળી માર્ક ટ્વેઈન બિશપને મળ્યા અને કહ્યું, "આપનું પ્રવચન શ્રેષ્ઠ હતું તેમાં શંકાને સ્થાન નથી. પરંતુ મારી પાસે એક પુસ્તક છે. તેમાં આપના પ્રવચનનો એકેએક શબ્દ છે. બિશપ ગુસ્સે થયા. તેમણે કહ્યું, "બને જ નહિ. છતાં તમે એ પુસ્તક મને મોકલી આપજો. માર્ક ટ્વેઈન ઑક્સફર્ડ ડિકશનરી મોકલી આપી.

ધોરણ દશમાં મેં પ્રવેશ કર્યો. એપ્રિલની પહેલી તારીખ હતી. મને હતું તો ખરું કે વિદ્યાર્થીઓ નાનીમોટી મજાક કરશે. મારે એક અંગ્રેજી ફકરો ભાષાંતર માટે લખાવવાનો હતો. ભાષાંતર પણ ધારીએ એટલું સહેલું નથી. એક વિદ્યાર્થીએ મને પૂછયું,

"સાહેબ, આ આઉટનું ગુજરાતી શું કરવું? મેં કહ્યું, "આઉટ. મને પણ નહોતું આવડતું અને પરાણે મારીમચડીને હું ભાષાંતર કરવા નહોતો ઈચ્છતો. ટાઈનું ‘ગલલંગોટ’ જેવું થાય. અંગ્રેજીના શબ્દો ગુજરાતી ભાષામાં રૂઢ થઈ ગયા છે. તેમ ગુજરાતી શબ્દો પણ અંગ્રેજીમાં ક્યાં નથી વપરાતા? વિપશ્યના, આશ્રમ, સત્યાગ્રહી, ગુરુ, માર્ગ વગેરે. આ બૅટ મને નથી ફાવતું. આ વાક્યનું હિન્દી શું કરું? ‘ફાવવું,નું હિન્દી મને ન ફાવ્યું તે જ ન ફાવ્યું.

હું ફકરો લખું ત્યાં મીનાક્ષી ઊભી થઈ. મને નોટ આપી એમાં ત્રણ વાક્યો લખ્યાં હતાં, મીનાક્ષીએ કહ્યું, "સર, આ વાક્યોનાં ભાષાંતરમાં ખબર નથી પડતી. અમને સમજાવશો? મેં નોટમાં વાક્યો વાંચ્યાં. જે આ પ્રમાણે હતાં:

અઙછઈંકઋઘઘક. ૠઘ ઝઘ જઈઇંઘઘક. ઝઊકક ઢઘઞછ ઝઊઅઈઇંઊછ ઢઘઞ અછઊ અ ઋઘઘક.

મેં ગંભીર ચહેરો રાખી પૂછયું, બોર્ડ પર લખું?, "બધાં ભાઈબહેનોએ કહ્યું, "હા. મેં લખ્યું:

અઙછઈંકઋઘઘક. ૠઘ ઝઘ જઈઇંઘઘક. અજઊં ઢઘઞછ ઙઞઙઈંક અછઊ ઢઘઞ અ ઋઘઘક?

"આ નથી, આ નથી, અમારાં વાક્યો તમે બદલી નાખ્યાં છે ના અવાજો ચારે તરફથી આવવા લાગ્યા. આખો વર્ગ આનંદમાં ઝૂમી ઊઠયો. મેં મીનાક્ષીનાં આપેલાં વાક્યો પણ લખ્યાં.

આપણે મૂર્ખ હોઈએ અને કોઈ મૂર્ખ કહે ત્યારે જ બહુ દુ:ખ લાગે છે. પહેરવા પૂરતાં કપડાં ન હોય અને કોઈનો કોટ માંગીને જાનમાં ગયા હોઈએ અને કોઈ પૂછે, "કોનો કોટ પહેર્યો? ત્યારે એ વેણ બહુ આકરા લાગે છે. દસ જોડી કપડાં ઘેર પડ્યાં હોય અને એક ઝભ્ભો ક્યાંક રસ્તામાં ફાટી જાય તો એ ફાટેલા કપડાનો સંકોચ નહિ થાય. માંદા માણસની કદીય મજાક ન કરવી. "હશે ભાઈ, કર્યાં ભોગવવાં છે ને? - આવું ન કહેવાય.

૧૯૯૬ની સાલમાં અંતિમ દિવસો પસાર થઈ રહ્યા છે ત્યારે નવા વર્ષમાં શું ન કરવું એ વિષય પર અમે મિત્રો ચર્ચા કરતા હતા. આમ તો દર વર્ષે અમે ઘણું નક્કી કરીએ છીએ. એમાંથી થોડુંઘણું જીવનમાં પરિવર્તન થાય છે. રેલવેનું ટાઈમ-ટેબલ છે તો ખબર પડે છે કે ટ્રેન કેટલી મોડી થઈ. કામની યાદી તૈયાર કરી હોય તો છેવટે એટલી તો ખબર પડે ને કે ક્યાં કામો કરવાનાં રહી ગયાં. ’૯૭થી અમે, મારો અભિગમ બદલી નાખવાનું નક્કી કર્યું છે. ક્રોધ ન કરવો એમ નહિ. ક્રોધની વાત જ ન આવવી જોઈએ, કારણ કે ક્રોધ પર કાબૂ મેળવવાની ચર્ચામાં ઘણી વાર બાઝવાનું થાય છે. એટલે અમે એવું નક્કી કર્યું છે કે, "ઊંચા સાદે કોઈ પણ સંજોગોમાં બોલવું નહિ. ધીમા અવાજે ધીરેથી જ બોલવું.

નવા વર્ષમાં વજન ઘટાડવું, આમ અમે નક્કી નથી કરતા પણ દર મહિને માત્ર એક કિલો વજન ઘટાડવું એમ નક્કી કર્યું છે.

મેં રજૂઆત કરી કે "નવા વર્ષમાં બારસો કિલોમીટર ચાલવું. સૌએ તરત વિરોધ કર્યો. મેં કહ્યું હું મારો પ્રસ્તાવ પાછો ખેંચી લઉં છું. પણ રોજના માત્ર સાડાત્રણ કિલોમીટર ચાલવું એવું તો સૌ સ્વીકારશો ને? થોભણ કહે, "હા, ઈ બરાબર છે. બધાએ સહમતિ આપી. એટલે પ્રવીણ ડગલીએ કહ્યું, "આ બારસો સાંઠ થયા એ સમજાણું? મેં વિદ્યાર્થી ભાઈ-બહેનોને સમજાવ્યું કે, વિનયથી વર્તવું એવું નક્કી ન કરશો, પણ મા-બાપને, ગુરુને અને પ્રભુને પ્રણામ કરવા, આટલું નક્કી કરો. કસરતના શોખીનો માટે અમે વ્યાયામ વર્ગ પહેલી જાન્યુઆરી સત્તાણુંથી શરૂ કરવાનું નક્કી કર્યું.

શ્રી ઠાકરસાહેબને વ્યાયામવીરોને એકત્રિત કરી નવા અભિયાન માટે શુભેચ્છા પાઠવવા જણાવ્યું ત્યારે તેમણે એટલું જ કહ્યું, "વ્યસનો છોડી દ્યો તો કસરત જ છે. મને તેમની વાત સાચી લાગી. હું તો કહું જ છું કે, "કોઈને નડો નહીં તો સમાજસેવા જ છે, પાપ ન કરો તો પુણ્ય જ છે, જેના લીધા એના પાછા આપી દ્યો તો દાન જ છે.

જેનો વ્યવહાર શુદ્ધ તેનો ધર્મ વિશુદ્ધ - આવું ઘણું ઘણું વિચાર્યું છે અને નક્કી કર્યું છે. હવે થાય તે ખરું. છેલ્લે ઉપસંહારમાં મેં ડાયરીમાં નોંધ કરી કે કાંઈ ન થાય તો ભલે પણ નિર્બળ વિચારો જીવનમાં કોઈ પણ સંજોગોમાં ન પ્રવેશે તેના માટે જાગ્રત રહેવું. સ્વામી વિવેકાનંદ કહેતા...

શક્તિ એ જીવન છે.

નિર્બળતા એ મૃત્યુ છે.

શારીરિક શક્તિ પણ બહારથી દેખાતા લોખંડી મજબૂત સ્નાયુઓમાં નથી હોતી, એ સ્નાયુની પાછળ રહેલા સાવ નાજુક જ્ઞાનતંતુમાં હોય છે. એ જ્ઞાનતંતુ પણ પાછા વિચારોથી પ્રભાવિત થાય છે. એક જ દૃઢ વિચાર, એક જ મજબૂત સંકલ્પશક્તિનો પ્રચંડ પ્રવાહ જ્ઞાનતંતુને પૂરો પાડે છે અને જ્ઞાનતંતુ દ્વારા એ શક્તિ સ્નાયુઓમાં પહોંચે છે. ‘યહ દિન ભી ચલા જાયેગા’ જેવા નાનકડા વાક્યમાં માનવીને જીવતરનું ભાથું મળી જાય છે. તેનો જીવનદીપ ઝંઝાવાતોના પ્રચંડ પ્રહારો સામે પણ જલતો રહે છે. પરિણામ?

વહ સર ફીરી હવા થી સંભલના પડા મુઝે,

મેં આખરી ચિરાગ થા જલના પડા મુઝે...  

No comments:

Post a Comment