Tuesday, February 10, 2015

અતીતની કસોટીઓ અનિવાર્ય હતી --- સૌરભ શાહ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=146417

ગુડ મોર્નિંગ - સૌરભ શાહ


કાલિદાસનું શાકુંતલ માથે મૂકીને જે નાચ્યો હોવાનું કહેવાય છે તે જર્મન મહાકવિ ગટે લખે છે: ‘કુદરતની એક ખૂબ મોટી કૃપા એ છે કે જિંદગીમાં ખાલી પડતી જગ્યાઓ હંમેશાં પુરાઈ જતી હોય છે.’

અવકાશો વારંવાર સર્જાતા રહે છે જીવનમાં. કોઈકના જવાથી, કશુંક ન મળવાથી કે અણધારી ઘટનાઓ બનવાથી સર્જાતા શૂન્યાવકાશો કાયમી નથી હોતા. એ કાયમી નથી હોતા એ જ મોટું આશ્ર્વાસન છે. પણ આવું સાંત્વન શૂન્યાવકાશની ઘડી સર્જાઈ રહી હોય ત્યારે કોઈકના તરફથી મળતું હોય તો તે પોકળ ભાસે, કારણ કે નિરાશાની એ ઘડીએ લાગે છે કે ફરી ક્યારેય આ ખાઈમાંથી બહાર આવી નહીં શકાય. મન થાકેલું હોય, ભવિષ્યમાં કાળાં વાદળાં સિવાય બીજું કશું જોઈ શકાતું ન હોય અને હૃદયમાં વીતેલા સમયે આપેલા જખમો રૂઝાયા ન હોય ત્યારે આ ભારેખમ દિવસો અનંત લાગે. બસ, હવે વધારે સમય દર્દ સહન નહીં થાય એવું મન કહેતું રહે છે, છતાં એક પછી એક ગાંસડીઓ એના પર ખડકાતી જાય છે. મન મજબૂત છે. ઊંટની પીઠ પરના છેલ્લા તણખલા જેવું મનની બાબતમાં નથી હોતું. આવી જાઓ, જેણે જેટલું પજવવું હોય એટલું પજવી લો - મન મનમાં ને મનમાં બોલતું હોય છે. દિવસો વીતતા જાય છે અને અઠવાડિયાઓ પણ. કમાલ છે, હજુ આપણે મુરઝાયા નથી. અત્યારે ખીલી શકતા નથી એ વાત અલગ છે પણ કરમાઈ ગયા નથી એ ભગવાનની કેટલી મોટી કૃપા. ઝૂકી જવું પડ્યું અને વળી જવું પણ પડ્યું, પણ બટકી ગયા નથી કે તરડાઈ ગયા નથી એ કેટલી મોટી વાત. આવા દિવસો વીતાવ્યા પછી પણ અંદરની જાતને અકબંધ જોઈએ છીએ ત્યારે આ આશ્ર્વાસન કામ લાગે છે: આ દિવસો પણ જશે.

હૃદયને જખ્મી કરનારી ઘટના વખતે સર્જાતા દર્દ કરતાં એ દર્દનો લાંબા સમય સુધી સંભળાયા કરતો ઘેરો રણકાર વધુ પીડાદાયી હોય છે. આવી લિન્ગરિંગ ફીલિંગમાંથી રાતોરાત બહાર આવવું અશક્ય, કદાચ બિનજરૂરી પણ ખરું. બિનજરૂરી એટલા માટે કે એ રણકારનો છેવટનો સૂર શમી ન જાય કે એની અસર જડમૂળમાંથી નાશ ન પામે તો શક્ય છે કે ફરી એકવાર એ બીજમાંથી વેદનાની કૂંપળ ફૂટે. એના કરતાં ભલે થોડીવાર લાગે પણ દર્દની સહેજ પણ કસર બાકી ન રહે તે સારું.

જે જાય છે કે જે પૂરું થઈ જાય છે તે નકામું જ હતું એવું માનવું જરૂરી નથી. ભગવાન તમને જ્યાં સુધી લઈ જવા માગે છે ત્યાં સુધી પહોંચવા માટે અતીતની આ તમામ કસોટીઓમાંથી પસાર થવું અનિવાર્ય હતું. કશું પણ પૂરું થઈ જવાથી ભવિષ્ય પર ચોકડી મુકાઈ જતી નથી. વર્ષોથી જેની દહેશત હોય એ ઘટના છેવટે બની રહી હોય તે વખતે બધું જ એકાએક થઈ રહ્યું હોવાની

લાગણી જન્મે છે. પણ ફરી વિચારતાં લાગે છે કે કશુંય એકાએક થતું નથી. કાળનું સર્જન ધીમી પણ નિશ્ર્ચિત ગતિએ સતત થતું રહે છે. આપણું ધ્યાન એ તરફ હોય કે ન હોય, એકાએક બનતી લાગતી ઘટનાઓનું પિંડ વર્ષોથી ઘડાતું આવતું હોય છે.

વિષાદમાં ડૂબી જવાતું હોય, દિશાહીન થઈ ગયા હોવાનું લાગતું હોય ત્યારે સૌથી પહેલો પ્રયત્ન દિશા શોધવાનો ન કરવાનો હોય, ડૂબવામાંથી જાતને ઉગારી લેવાનો કરવાનો હોય. એક વખત માથું પાણીની બહાર રાખી શકીએ તો દિશા કઈ તરફની છે તે વાત ગૌણ બની જાય. ડૂબવામાંથી ઉગરવું કે ચોક્કસ દિશા શોધવાનો પ્રયત્ન કરવો - આ બે જ વિકલ્પ હોય ત્યારે સ્વાભાવિક રીતે જ પ્રથમ વિકલ્પને પ્રાધાન્ય હોય, બીજા વિકલ્પનો સમગ્ર આધાર પ્રથમ વિકલ્પમાંના પ્રયત્નોની સફળતા પર છે.

જોખમ હવે પછી આવનારા બેઉ વિકલ્પોમાં છે પણ આગળ વધવાની શક્યતા બીજા વિકલ્પમાં છે. દસ ફૂટ પહોળાઈનો ખાડો આવે ત્યારે પાછા ફરી જવાનો વિકલ્પ તમારી પાસે છે. એવું કરવાથી ફરી જ્યાં હતા ત્યાં જ આવીને બેસી રહેવું પડશે. બીજો વિકલ્પ એને પાર કરવાનો છે. એને ઓળંગવા જતાં તમારો કૂદકો ઓછો પડે ને તમે વચ્ચે જ પટકાઈ જાઓ એવું બને. બની શકે. પણ એ ખાડો પાર કરી શકો તો આગળ એક વિશાળ ખૂબસૂરત મહામાર્ગ તમારા માટે તૈયાર છે એની તમને ખબર છે.

આજનો વિચાર

જ્યાં ભયનો અંત આવે છે ત્યાંથી જિંદગીનો આરંભ થાય છે.

- ઓશો

એક મિનિટ!

હવાલદાર: જનાબ અમે શરાબથી ભરેલી ટ્રક પકડી લીધી છે.

ઈન્સ્પેક્ટર: શાબાશ.

હવાલદાર: હવે શું હુકમ છે, સર?

ઈન્સ્પેક્ટર: હવે એક ટ્રક સોડાની અને એક ટ્રક નમકીનની પણ પકડી લો.

No comments:

Post a Comment