Saturday, February 14, 2015

બ્રહ્માંડમાં કુદરતે જે બનાવ્યું છે તે બરાબર છે ----1 --- ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=153239




બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ


ઘણીવાર આપણને લાગે કે બ્રહ્માંડમાં અમુક વસ્તુ કુદરતે આમ બનાવી હોત તો સારું થાત અને તેમ કરી હોત તો સારું થાત. તો ગહન વિચાર કરીએ તો લાગે કે બ્રહ્માંડમાં કુદરતે જે કર્યું છે તે બરાબર છે. તે જ આપણા માટે કલ્યાણકારી છે. તેમાં આપણું દોઢ ડહાપણ ડોળવાની જરૂર નથી. વિજ્ઞાનીઓ કુદરતને સમજે છે. તેના નવા નવા રૂપને સમજે છે, શોધી કાઢે છે અને ઓળખે છે. તેઓ પણ વિચારમાં પડી જાય છે કે આમ જ શા માટે. આમ ન હોત તો શું થાત? ઘણી વાર તેઓ વિચારે છે કે કુદરતમાં ગુરુત્વાકર્ષણનો અચલાંક પ્રકાશની ગતિનો અચલાંક, પ્લાકિનો અચલાંક, બોલ્ટઝમનનો અચલાંક જેવા અચલાંક શા માટે? તેમની કિંમત અમુક જ શા માટે?

ઉદાહરણ સ્વરૂપ આપણું શરીર. તેની બે જ આંખો કપાળની છત્રછાયામાં અને નાક તેની વચ્ચે, મોઢાની બંને બાજુ બે કાન આમ શા માટે? વિચાર કરીએ તો લાગે કે આમાં કાંઈ ફરક કરી શકાય નહીં અને કરીએ તો મુશ્કેલીમાં મુકાઈ જઈએ. શું કુદરતને ખબર હતી કે માનવી ચશ્મા ચઢાવશે માટે તેને ચશ્મા ટેકવવા બે આંખ વચ્ચે નાક અને મોઢાની બંને બાજુ બે કાનની જરૂર પડશે? ૩૨ દાંત વચ્ચે જીભ કેવી મઝાની ફરી રહી છે? મગજનું રક્ષણ કરવા મજબૂત ખોપડી અને માથે વાળ. હજુ પણ ખબર નથી પડતી કે બ્રહ્મણો માથે ચોટલી શા માટે રાખે છે?

આપણી આંગળીઓની કરામત જુઓ. આંગળાનું મહત્ત્વ જુઓ. શા માટે આપણને પાછળ આંખ નથી? પણ ત્રણ બાજુ જોવા મસ્તક ઘુમી શકે છે. બેસવા-ચાલવા કરોડરજ્જુ છે. બે જ પગ અને બે જ હાથ. પેટ બરાબર વચ્ચે. તેમાં બીજા બધાં અગત્યના અવયવો. શરીર વળી પાછું સીમેટ્રીકલ જાણે કે બે ફાડિયાને ભેગા કર્યા હોય! જરાસંઘ કહે છે કે બે ફાડિયામાં જન્મ્યો હતો અને તે બે ભેગા થઈ ગયાં. શરીર વળી પાછું અર્ધનારીશ્ર્વર સ્વરૂપ. વાહ રે વાહ કુદરતની કરામત.

જોવાનું એ છે કે જેમ જેમ જીવંત વસ્તુ મોટી થતી જાય તેમ તેમ સપ્રમાણમાં જ તેનાં અવયવો હાથ-પગ વગેરે મોટા થતાં જાય. જો એમ થાત કે બંને પગો લાંબા થઈ જાત અને હાથ લાંબા થાત નહીં તો? અથવા તો બંને હાથ લાંબા થાત અને પગ લાંબા થાત નહીં તો? અથવા તો એક પગ લાંબો થાત અને બીજો પગ લાંબો થાત નહીં તો? તેવું જ હાથનું થાત તો? નાક લાંબું લાંબું થાત તો? ગણેશ ભગવાનનું કે હાથીનું નાક લાંબુ છે. કુદરતની કરામતનો પાર પામવો અઘરો છે. માટે જ ઈશ્ર્વરની સંભાવના આવી હોય તેમ લાગે છે. આમાં કોઈ અપવાદ પણ છે. અપવાદો શા માટે તેના પણ કારણો છે. આંગળીઓ કેવી સપ્રમાણમાં મોટી થાય છે. જો એકાદ આંગળી બહુ મોટી થઈ જાય તો? ઘણાને પગનાં કે હાથનાં છ આંગળા પણ હોય છે. અપવાદો હોય છે.

ગુરુત્વાકર્ષણ નીચેની બાજુએ છે તે ઉપરની બાજુએ હોત તો? શા માટે પદાર્થમાં તત્ત્વો, અને તેમાં અણુ-પરમાણુ,ં તેમાં ઈલેક્ટ્રોન્સ, પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ? આખરમાં આ ઊર્જા શા માટે બળો શા માટે? કોઈ કાંઈ જાણતું નથી પણ આ બ્રહ્માંડમાં આ બધું અસ્તિત્વ ધરાવે છે અને છેવટે લાગે છે કે આ બધી બ્રહ્માંડની ડિઝાઈન છે અને આપણા માટે કલ્યાણકારી છે. લાગે છે કે બ્રહ્માંડમાં જાણે કે આપણી સુવિધા માટે જ બધું બન્યું હોય!

હકીકતમાં બ્રહ્માંડમાં એક પરિમાણીય (ઘક્ષય મશળયક્ષતશજ્ઞક્ષફહ) કે બે પરિમાણીય વસ્તુ જ નથી. તે ત્રણ પરિમાણીય છે. જો વસ્તુ ત્રણ પરિમાણીય ન હોત તો શરીર બધા અવયવોને કે ખોરાકને ક્યાં રાખત? સમય બ્રહ્માંડનું ચોથું પરિમાણ છે અને પદાર્થ (ઊર્જા) બ્રહ્માંડનું પાંચમું પરિમાણ છે બ્રહ્માંડને વધારે પરિમાણો પણ હોઈ શકે. વાળ કાળા હોય પણ ઉંમર થતાં તે સફેદ થાય છે તે શું નિર્વાણ નજીકમાં છે તેનું સિગ્નલ છે. શરીરમાં માંસ-મજ્જા લોહી નરમ પણ હાડકાં જ કેમ આટલા કઠણ કે મર્યા પછી વર્ષો સુધી હાડપિંજર ટકી શકે, લોહી શા માટે શરીરમાં ચક્કર લગાવે છે? શા માટે શરીરને હવાની જરૂર પડે છે? હકીકતમાં શરીર બહારની વસ્તુઓ પર જીવે છે. આ બધાનો જેમ જેમ વિચાર કરીએ તેમ તેમ આપણને આશ્ર્ચર્ય થાય અને બોલી ઊઠીએ કે વાહ, કુદરત વાહ, તારો પણ જવાબ નથી.

મોટી ઉંમર થાય ત્યારે આંખો નબળી પડે. વિજ્ઞાનીઓ કહે છે કે તે માટે તેઓએ ચશ્મા શોધી કાઢ્યાં છે. પણ આ કાચ કોણે બનાવ્યો? કાચની કેમિસ્ટ્રીના ઉદ્ભવનું શું? શા માટે શરીરને શાકાહારી કે માંસાહારી ખોરાકની જરૂર પડે છે? તો કે શરીરને ઊર્જાની જરૂર પડે છે. ઊર્જા જ ન હોત તો? ઊર્જા હકીકતમાં શું છે તેની કોઈને પણ ખબર નથી, પણ તે છે. કુદરતે આપણને જોવા માટે આંખો આપી, સાંભળવા માટે કાન આપ્યાં, ચાલવા માટે પગ આપ્યાં, વિચારવા માટે મગજ આપ્યું. બધા જ બળો અને ઉપકરણો શરીરમાં છે. શરીરમાં પ્રકાશના તરંગો માટે જગ્યા છે, અવાજના તરંગો માટે પણ જગ્યા છે, ગુરુત્વાકર્ષણ, વિદ્યુત, ચુંબકીય આણ્વિક રેડિયો-એક્ટિવિટી બધાં જ બળોને શરીરમાં જગ્યા છે. શરીરમાં સમતોલનનો પમ સિદ્ધાંત છે. બ્રહ્માંડના કયા સિદ્ધાંતો શરીરમાં નથી. માટે પિંડે તે બ્રહ્માંડે સૂત્ર બરાબર અહીં સાબિત થાય છે. શરીરમાં તોફાનો પણ ચાલે છે અને શાંતતા પણ છે. માનવીના દાંત પણ કેવા જાત જાતના છે જે ખોરાકને ફાડી શકે, દળી શકે, કાપી શકે, તેમાંથી તો ડૉક્ટરના ઓજારો અને બીજા ઓજારો અસ્તિત્વમાં આવ્યા છે. આમ તો કુદરતને સમજીને જ આપણે આપણું શરીર સમજી શકયાં છીએ.

હજુ સુધી તો આપણે મુખ્યત્વે શરીરની વાત કરી પણ તડબૂચ કે ચીભડા કેવા મોટા છે પણ તે વેલમાં ધરતી પર થાય છે, જ્યારે ટેટા કેટલા નાના છે પણ તે વડના મોટા વૃક્ષ પર થાય છે. જો કે, નાળિયેર પણ ઊંચે નાળિયેરના ઝાડ પર થાય છે. જો આમ ન હોત તો પરિસ્થિતિ શું હોત? વૃક્ષો કુદરતે શા માટે બનાવ્યાં? તો કહે પંખીઓને રહેવા. ગાઢ જંગલો શા માટે બનાવ્યાં? તો કહે વાઘ-સિંહ જેવા હિંસક પશુુને રહેવા. જળ-તળાવો-સરોવરો-નદીઓ-સમુદ્રો શા માટે બનાવ્યા? તો કહે જળચર પ્રાણીઓને રહેવા. આપણે વાયુમંડળના સમુદ્રમાં જીવીએ છીએ. કુદરતે ફળો-ફૂલોમાં જે સૌંદર્ય અને રંગો ભર્યાં છે તેનો જવાબ નથી. બ્રહ્માંડમાં વિવિધતામાં એકતાના દર્શન થાય છે.

જે શોધો થાય છે તે વિજ્ઞાનીઓ કુદરતને સમજી શોધે છે. તે કુદરતમાં હોય જ છે. માત્ર વિજ્ઞાનીઓ તેને પ્રકાશમાં લાવે છે, ખરેખર બનાવતાં નથી. ઉદાહરણ સ્વરૂપે નવા નવા ગ્રહો શોધાય કે નવી નવી ગેલેક્સી, બ્લેક હોલ્સ, ન્યુટ્રોન સ્ટાર્સ, વામન તારા કે ગ્રહોની ફરતે વલયો શોધાય તે ત્યાં હોય જ છે. કાંઈ વિજ્ઞાનીઓ બનાવતાં નથી પણ તેના અસ્તિત્વને પ્રકાશમાં લાવે છે. જ્યારે ઈન્વેન્શન એ ખરેખર માનવી બનાવે છે. ઉદાહરણ સ્વરૂપે ટી.વી., મોબાઈલ, ટેલિફોન, પેન, ગ્રામોફોન, ગાડું, રજા, પ્લેન, રોકેટ વગેરે માનવીની પેદાશ છે, માટે ડિસ્કવરી અને ઈન્વેન્શનમાં ફરક છે. ડિસ્કવરીમાં સંશોધક હોય છે જ્યારે ઈન્વેન્શનમાં ઈન્વેન્ટર હોય છે. બ્રહ્માંડમાં ઈન્વેન્શન માનવીએ ઉત્પન્ન કરેલી હોય છે. ડિસ્કવરી (શોધ) કુદરતની માયા છે, જ્યારે ઈન્વેન્શન માનવીની માયા છે.

બે તારા વચ્ચે જે અંતર હોય છે તે અંતર કુદરતે રાખેલું હોય છે, જેથી બે તારા વચ્ચે ગુરુત્વાકર્ષણની ગરબડ ન થાય, તે એકબીજાની ગ્રહમાળાને તોડી ન નાખે. સૂર્ય અને ગ્રહ વચ્ચે એવા ગુરુત્વાકર્ષણના ગોળા કુદરતે ઉત્પન્ન કર્યા છે જેને ગ્રેવિટેશનલ સ્ફિઅર ઓફ ઈન્ફ્લુયન્સ કહે છે. આ કારણે ગ્રહની ઉપગ્રહમાળા જેમની તેમ રહે છે. તેને સૂર્યનું ગુરુત્વાકર્ષણ તોડી નાખતું નથી.

ગ્રહ પર જીવન પાંગરી શકે માટે ગ્રહની ફરતે વાયુમંડળ હોય છે અને ચુંબકીયક્ષેત્ર હોય છે. જો આ ન હોય તો ગ્રહ પર જીવન પાંગળે નહીં. વૃક્ષો ન હોય તો વાયુમંડળમાં ઓક્સિજન ન આવે. આપણા ખોરાક માટે કુદરતે વનસ્પતિ ઉત્પન્ન કરી છે. પણ કપડાં અને મકાન એ માનવીએ પેદા કરેલાં છે.

હવાનું દબાણ આપણા શરીર પર એટલું છે કે એક હાથી ઊભો રહે પેટ પર એટલું છે, પણ અંદરથી પણ એટલું દબાણ છે કે તેને સમતુલનમાં રાખે છે. આ જ કુદરતની કરામત છે. પાણી ઠંડુ પડે ત્યારે તે જ અંશ સેલ્સિયસ ઉષ્ણતામાને આવે ત્યારે ખૂબ જ ભારે થઈ જાય છે અને તેથી તળિયે બેસી જાય છે. ઠંડીમાં ઉપરનું પાણી ઠંડું થાય પછી તે જ અંશ સેલ્સિયસે આવે એટલે ભારે થઈ તળિયે બેસી જાય છે. ખૂબ જ ઠંડી પડે તો તેના ઉપર પાણી ૩ અંશ, ર અંશ, ૧ અંશ અને શૂન્યઅંશે આવી બરફ થઈ ઉપર તરવા લાગે છે, કારણકે બરફ હલકો હોય છે. તેથી સરોવરમાં તળિયે લગભગ ૪ અંશ સેલ્સિયસ ઉષ્ણતામાનવાળું હૂંફાળું પાણી બેઠેલું હોય છે અને તેની ઉપર સરોવરમાં બરફ હોય છે. તેથી જળચર પ્રાણીઓ તળિયે રહેલા ૪ અંશ સેલ્સિયસ ઉષ્ણતામાનવાળા હૂંફાળા પાણીમાં આવી જાય છે અને જીવી જાય છે. આમ કુદરતે જળચર પ્રાણીઓને શિયાળામાં બચાવવાની યોજના કરી રાખી છે. આ જાણી ઘણું જ આશ્ર્ચર્ય થાય છે અને આનંદ અનુભવાય છે અને કુદરત કેટલી દયાળુ છે અને બધાનું ધ્યાન રાખે છે તે આપણને વિચાર કરતા કરી દે છે. તો થાય કે કુદરતે જે કર્યું છે એ જીવોના કલ્યાણ માટે જ કર્યું છે અને જે કરે છે તે પણ જીવોનાં કલ્યાણ માટે જ કરે છે. તેના કામમાં આપણે ડહાપણ ડોળવાની જરૂર નથી. (ક્રમશ:)

No comments:

Post a Comment