Tuesday, January 13, 2015

મોટાઓની અલ્પતા, મોટાની નમ્રતા -- ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=146996


મહાન સિતારવાદક સ્વર્ગસ્થ પંડિત રવિશંકર અને જાણીતા શાસ્ત્રીય સંગીત વિવેચક જિતેન્દ્ર પ્રતાપ સિંહ. એક રીતે જોઈએ તો બેઉ ગુરુભાઈ થાય. જિતેન્દ્ર પ્રતાપ સિંહે ૧૯૪૪થી ૧૯૫૬ સુધી બાબા અલાઉદ્દીન ખાન પાસે સિતારવાદનની તાલીમ લીધી હતી. રવિશંકર પણ એક જમાનામાં એ જ ગુરુના શિષ્ય હતા. અગાઉ એક વખત જિતેન્દ્ર પ્રતાપ સિંહે પંડિત રવિશંકરની એક કૉન્સર્ટની ભરપૂર પ્રસંશા કરતો રિવ્યૂ લખ્યો હતો. ત્યારબાદ પંડિત રવિશંકરના બીજા એક કાર્યક્રમની આલોચના કરતી વખતે જિતેન્દ્ર પ્રતાપ સિંહે એ કાર્યક્રમ દરમિયાનની પંડિત રવિશંકરની કેટલીક ત્રુટિઓ પ્રત્યે આંગળી ચીંધી. પંડિતજી ગુસ્સે થઈ ગયા. દિલ્હીના એક અંગ્રેજી વર્તમાનપત્રમાં એમણે પોતાનો પત્ર છપાવ્યો જેમાં

જિતેન્દ્ર પ્રતાપ સિંહ પર આરોપ લગાવ્યો કે આ માણસ પીધેલો ન હોય ત્યારે જ સંગીતની જાણકારી દર્શાવી શકે છે. અર્થાત્ પંડિતજી કહેવા માગતા હતા કે જિતેન્દ્ર પ્રતાપ સિંહે ટીકાવાળો રિવ્યૂ પીને લખ્યો હતો.

પંડિત રવિશંકર જેવી પ્રતિભાશાળી વ્યક્તિ એક ખાનદાન અને વિદ્વાન સંગીત વિવેચક વિશે આવું લખે ત્યારે કોઈને પણ દુ:ખ થવાનું. મોટે ભાગે બનતું એવું હોય છે કે તમે કોઈનાં વખાણ કરો ત્યાં સુધી જ તમને જાણકાર અને અભ્યાસી તરીકે નવાજવામાં આવે. જરાક તમે ત્રુટિઓ તરફ નિર્દેશ કરો કે તરત જ ‘એ માણસમાં તો કોઈ અક્કલ જ નથી’ પ્રકારની વાતો શરૂ થઈ જાય. ક્રિટિકે કે ટિપ્પણકારે કરેલી વાજબી પ્રોફેશનલ ટીકાનો જવાબ માણસો એના વિશેની ગેરવાજબી અંગત ટીકાથી આપતા હોય છે. આવી ક્ષણોએ જ માણસની અસલિયત પ્રગટ થઈ જતી હોય છે. લોકો કહે છે કે માણસને પ્રસિદ્ધિ કે પૈસો મળે ત્યારે તે બદલાઈ જતો હોય છે. પણ સુઝાન નેકર જે ફ્રાન્સના રાજા લુઈ સોળમાના નાણામંત્રીની પત્ની હતી, એણે છેક અઢારમી સદીમાં કહ્યું હતું, ‘...એ બદલાઈ નથી જતો, જેવો છે એવો પ્રગટ થઈ જાય છે.’

આવો જ એક બીજો કિસ્સો. જરા વધારે જૂનો. કિશનસિંહ ચાવડાએ લખ્યો છે. નવી પેઢીના વાચકોને કિશનસિંહ ચાવડા વિશે ખબર ન હોય તો એમના માટે ચાલતી કલમે એટલું ઉમેરવાનું કે એ નિબંધલેખક અને વાર્તા-નવલકથાકાર હતા. એમની બેસ્ટ સેલર સ્મરણકથા ‘અમાસના તારા’ જેમણે ન વાંચી હોય એમણે વાંચી લેવી જોઈએ. ખરીદીને વાંચવી જોઈએ. ૧૯૭૯માં પંચોત્તેર વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થયું હતું.

કિશનસિંહ ચાવડાએ ૧૯૩૩ની સાલના ઈન્દૌરનો એક કિસ્સો વર્ણવ્યો છે. અત્યંત શ્રીમંત શેઠ સર હુકમચંદને ત્યાં ગાંધીજી અને એમની મંડળી જમનારી હતી. રાજમહેલ જેવા ઘરમાં પચાસ જણ માટે ચાંદીની થાળીઓ, ચાંદીની વાટકીઓ અને ચાંદીના લોટા-પ્યાલા પાટલા પર ગોઠવાયાં. ગાંધીજી માટે આ બધો અસબાબ ચાંદીનો નહોતો, સોનાનો હતો. ગાંધીજીએ પાટલા પાસે આવીને એક ઝોળીમાંથી એલ્યુમિનિયમનો પહોળો વાટકો અને પલાલું કાઢ્યા, જેનો તેઓ જેલમાં હતા ત્યારે વપરાશ કરતાં.

હુકમચંદજી આકુળવ્યાકુળ થઈ ગયા. એમણે બે હાથ જોડીને ગાંધીજીને સોનાના થાળીવાટકામાં જમવાની વિનંતી કરી. ગાંધીજીએ હસતાં હસતાં કહ્યું,

‘જમ્યા પછી આ વાસણો લઈ જવા દો તો એમાં જમું.’

હુકમચંદ કંઈ બોલ્યા નહીં, બાપુએ શાંતિથી પોતાનાં એલ્યુમિનિયમનાં વાસણોમાં ભોજન લીધું. કિશનસિંહ ચાવડા લખે છે: ‘બાપુ જમ્યા, પણ દરિદ્રનારાયણ ભૂખ્યા રહ્યા. બાકીના પચાસ માણસોને ગળે માંડ કોળિયો ઊતર્યો. હુકમચંદ કરોડપતિ કહેવાતા. કરોડોએ પણ એમની અલ્પતાને વારી નહીં.’

તમને જે મોટા માણસો દેખાય છે તે ખરેખર કેટલા મોટા છે એની પરખ ક્ષર્ણાર્ધમાં થઈ જતી હોય છે. તમને સારી લાગતી કોઈ વ્યક્તિનાં પારખાં કરવા હોય તો તે આવેશની ક્ષણોમાં કેવી રીતે વર્તે છે તેનું નિરીક્ષણ કરજો. સામાન્ય પરિસ્થિતિમાં સૌ કોઈ પોતાનું મહોરું અકબંધ રાખી શકે. પણ અણધારી આવી પડેલી પરિસ્થિતિ તેઓ કેવા પ્રત્યાઘાત આપે છે. એમાં એમના વ્યક્તિત્વનું માપ નીકળે. હુકમચંદ જેવા કરોડપતિઓ કે પંડિત રવિશંકર જેવા મહાન કલાકારો એક ક્ષણમાં જે ગુમાવે છે તેનું સાટું આયુષ્ય પણ વાળી શકતું નથી.

મોટાઓની અલ્પતાની સામે મોટાઓની નમ્રતા વિશે એક સરળ કિસ્સો કહું.

મુંબઈના ‘પૃથ્વી’ થિયેટરમાં ગુલઝાર લિખિત નાટિકાઓ ‘અઠ્ઠનિયાં’નો પ્રોગ્રામ હતો. ‘પૃથ્વી’માં સીટ નંબર નથી હોતા. લાઈનમાં જે આગળ તે પોતાની પસંદગીની સીટ પર બેસવાનો હક્ક મળે. બધી જ સીટોની ટિકિટ પ્રાઈસ સેમ. આદત મુજબ અમે શોના ટાઈમના દોઢ કલાક પહેલાં પહોંચી ગયા હતા. ‘પૃથ્વી’ની કાફેમાં આઈરિશ કૉફી પીતાં પીતાં બાજુનાં ટેબલ પર ગુલઝાર અને આ શોના દિગ્દર્શક સલીમ આરિફ તથા બીજા બે-ત્રણને વાતો કરતાં જોયા. કૉફી પીને અમે લાઈનમાં ગોઠવાઈ ગયા. સદ્નસીબે અમારી આગળ કોઈ જ નહોતું. શો શરૂ થવાને હજુ ખાસ્સી વાર હતી. લાઈન પાછળ વધતી જતી હતી. મેં જોયું કે ગુલઝાર પણ ચાપાણી પતાવીને કંઈક સત્તર કે અઢારમાં ક્રમે લાઈનમાં ઊભા રહી ગયા.

‘પૃથ્વી’ની આ તહઝિબ છે. તમે ગમે એટલા મોટા માણસ હો, અહીં સૌ સરખા. પોતાના જ નાટકના શોમાં ગુલઝાર જેવા મહાન કવિ લેખક - દિગ્દર્શકને આમ આદમીની જેમ કતારમાં ઊભેલા જોઈને તમને આ સર્જકની નમ્રતાનો અંદાજ આવે. મઝાની વાત એ છે કે ન તો ‘પૃથ્વી’ના સ્ટાફમાંથી કે ન નાટકના યુનિટમાંથી કોઈએ ગુલઝારને આગળ આવવાનો આગ્રહ કર્યો. ધાર્યું હોત તો તેઓ બેક સ્ટેજમાં થઈને પોતાની પસંદગીની બેઠક પર ગોઠવાઈ શક્યા હોત. પણ સૌ કોઈએ ‘પૃથ્વી’ની પરંપરાનો આદર કર્યો. કોઈ બીજા શહેરનું થિયેટર હોત તો પચાસ જણ ‘ગુલઝાર સા’બ, ગુલઝાર સા’બ કરીને દોડતા આવીને મસ્કાબાજી કરતા હોત. 

નાની વાતોમાં માણસના વ્યક્તિત્વમાં મોં છુપાઈને રહેલા મોટા મોટા અંશો પ્રગટ થઈ જતા હોય છે.

આજનો વિચાર

શાંત માણસની ચેતનાને પ્રગટાવવા એક જ ચિનગારી પૂરતી છે.

- રામનારાયણ વિશ્ર્વનાથ

પાઠક ‘દ્વિરેફ’

એક મિનિટ!

ચેન્નઈમાં સ્કૂલ ટીચરે સ્ટુડન્ટને થપ્પડ મારવા બદલ રૂપિયા પચાસ હજારની નુકસાની આપવી પડે.

અમારા જમાનામાં આ રિવાજ હોત તો આજે મારી પાસે પણ બે બીએમડબ્લ્યુ, એક ફાર્મહાઉસ અને સ્વિસ બેન્કમાં મારા પોતાના નામનું એકાઉન્ટ હોત.


No comments:

Post a Comment