Wednesday, October 1, 2014

સાહિત્યથી બ્રહ્માંડ સુધી -- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=140190



                                  
બ્રહ્માંડમાં સાહિત્ય છે અને સાહિત્યમાં બ્રહ્માંડ છે. બ્રહ્માંડને સમજવા જ્ઞાનની જરૂર પડે છે, બ્રહ્માંડ જ્ઞાનમય છે. બ્રહ્માંડની જીવનરેખા જ્ઞાન છે. જ્ઞાનનો દેહાવતાર સાહિત્ય છે. સાહિત્ય ભાષાના રૂપમાં રજૂ થાય છે માટે સાહિત્યથી જ બ્રહ્માંડ સમજાય. આપણા પૂર્વજો સાહિત્ય મૂકી ગયાં છે તેથી આપણે બ્રહ્માંડને દુનિયાને સમજી શક્યા છીએ. છેવટે વિચારો જ સાહિત્ય છે પણ તે માનવીના મસ્તીષ્કમાં રહે છે તેને સાહિત્યના રૂપમાં દેહાવતાર આપવો પડે છે.

સાહિત્ય એટલે શું? સાહિત્ય એટલે માત્ર ગદ્ય કે પદ્ય જ નહીં પણ સંગીત, નૃત્ય બધા જ પ્રકારની લલિતકલાઓ, જ્ઞાન, વિજ્ઞાન બધી જ જાતના હાવ-ભાવ, જાદુ, કોમ્પ્યુટરનું સાહિત્ય એસએમએસ (જખજ)નું સાહિત્ય, ચર્ચા-વિચારણા, સંભાષણ વ્યાખ્યાન, વાતચીત, પત્રકારિત્વ, લેખન, ઈતિહાસ-ભૂગોળ કોઈ પણ વિષય કે વસ્તુ એવી નથી કે જેને સાહિત્ય ન હોય. સાહિત્ય બધા જ પ્રકારનાં જ્ઞાનને વહન કરે છે. સાહિત્ય જ્ઞાનનો રથ છે. મા સરસ્વતીનો રથ છે, દેહાવતાર છે.

આદ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય હકીકતમાં જગદ્ગુરુ હતા. મહાન વિદ્વાન, વિરકત અને પ્રજ્ઞાવાન હતા. આજના શંકરાચાર્યનું સ્તર જોઈએ તો મન ખિન્ન થઈ જાય. હમણાં દ્વારકા અને બદરીનાથના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ એક વિવાદ છેડ્યો. એમણે કહ્યું કે સાંઈબાબા ભગવાન નથી. પણ આદ્ય જગદ્ગુરુ શંકરાચાર્યના મતે આ બ્રહ્માંડમાં એક એક રજકણ ભગવાન છે. બ્રહ્મનું સ્વરૂપ છે. જગદ્ગુરુ આદ્ય શંકરાચાર્યે આપણને બોધ આપતા કહ્યું છે કે

અહં નિર્વિકલ્પો નિરાકારરૂપો

વિર્ભ્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણી

સદાયે સમત્વં ન મુક્તિ: ન બન્ધ:

ચિદાનંદરૂપો શિવોહમ્ શિવોહમ્

ગુરુ આ શ્ર્લોકમાં એટલે કે સાહિત્ય દ્વારા કહે છે કે મારે કોઈ વિકાર નથી, કોઈ આકાર નથી. હું સર્વત્ર ફેલાયેલો છું. મારે નથી મુક્તિ કે મારે નથી બંધન. હું ચિદાનંદરૂપ છું, શિવ સ્વરૂપ છું. સાહિત્ય ન હોત તો ગુરુએ આપેલું આ જ્ઞાન આપણને કેવી રીતે મળત?

તેમ છતાં શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી ગમે તે એલફેલ બોલે છે કે સાંઈબાબા ભગવાન નથી. ઓશો રજનીશજી પોતાને ભગવાન કહેવડાવતા, કહેવડાવી શકે. સ્વરૂપાનંદ સરસ્વતી એ ગાદીના શંકરાચાર્યપદે છે. શા માટે તેમણે એ ગાદી પર આરુઢ થઈ રહેવું પડે છે. શા માટે તેમણે એક બીજી ગાદી કોઈ જ્ઞાની સંન્યાસીને આપી નથી. શંકરાચાર્ય થઈને આટલી બધી લોલૂપતા શા માટે? તેમણે સનાતન ધર્મ ફેલાવવા માટે, મહાન જગદ્ગુરુ આદ્ય શંકરાચાર્યના તત્ત્વ જ્ઞાનને ફેલાવવા માટે શું કર્યું છે? આટલા મહાન ગુરુના વારસદાર તરીકે ભારતની મહાન સંસ્કૃતિના તત્ત્વજ્ઞાનનના પ્રચાર માટે તેમણે શું કર્યું? લોકોમાં તેઓ કેમ જતાં નથી અને વિવાદ છેડે છે. વાદ-વિવાદ તો તેઓએ બ્રહ્માંડના તત્ત્વજ્ઞાનને લોકો અને વિદ્વાનોમાં પ્રચાર કરવા કરવો જોઈએ. શંકરાચાર્યના મહાન તત્ત્વ જ્ઞાનને કામે લગાડવું જોઈએ. ભગવાનની વાત કરે છે પણ હકીકતમાં ભગવાન છે ક્યાં? કોઈએ જોયા છે. છેવટે બધી શ્રદ્ધાની વાત છે.

ભારતીય સંસ્કૃતિમાં ૩૩ કરોડ દેવતા છે. એક, બે નહીં પણ પૂરા ૩૩ કરોડ. આપણને થાય કે આટલા બધા દેવતા! ભારતીય સંસ્કૃતિ માને છે કે સત્ય કોઈ પણ રસ્તે પામી શકાય છે. ઉપનિષદ લખે છે કે એકદ્સદ્વિપ્રા: બહુધા વદન્તિ! સત્ય તો એક જ છે પણ વિદ્વાનો તેને અલગ અલગ રીતે વર્ણવે છે. હું ખગોળ વિજ્ઞાનની આરાધના કરીને સત્ય પામવા ઈચ્છું છું. જાણીતા લેખક જયેશભાઈ ચિતલીયા તેમના વિષય કૉમર્સની આરાધના કરીને સત્ય પામવા ઈચ્છે છે, જાણીતા કવિ અને સાહિત્યકાર સંજયભાઈ પંડ્યા કવિતા અને સાહિત્યની આરાધના કરીને સત્ય પામવા ઈચ્છે છે. દિનકરભાઈ જોષી સાહિત્યની આરાધના કરીને સત્ય પામવા ઈચ્છે છે. મોચી જોડા સીવીને કે ઢોરનું ચામડું ચીરીને સત્ય પામવા ઈચ્છે છે. સંત કબીર કપડાં ઉતરડીને સત્ય પામ્યાં. અને રોહીદાસ ઢોરના ચામડા ઉતરડીને સત્ય પામ્યાં. આમ સત્ય કોઈ પણ માર્ગે પામી શકાય છે. તમે જે પ્લેટફોર્મ પર હો તે પ્લેટફોર્મ પરથી સત્યને પામી શકો. વેપારી વેપાર કરતાં કરતાં સત્યને પામી શકે છે. સત્યને પામવા હિમાલયમાં જવાની જરૂરત નથી. આ બાબતે રોહીદાસના જીવનની સુંદર કથા છે.

રોહીદાસના પડોશીઓ ગંગાસ્નાન કરવા અલ્હાબાદ અને કાશી જવાના હતાં. તે લોકોએ રોહીદાસને કહ્યું રોહીદાસ ગંગાસ્નાન કરવા ચાલો. રોહીદાસ પાસે ન હતા પૈસા, ન હતો સમય. તે તો પ્રામાણિકતાથી પોતાનો વ્યવસાય કરતા હતા. અને જીવન વિતાવતા હતા. તેમણે તેમના પાડોશીઓને કહ્યું મન ચંગા તો કથરોટમેં ગંગા. પાડોશીઓ કહે મોટો ભડભાદર, ભક્ત થઈ ગયો છે કે કહે છે કે મન ચંગા તો કથરોટમેં ગંગા. એ બધા પછી ગંગામાં સ્નાન કરવા ગયાં. ગંગાસ્નાન કરીને આવ્યા ત્યારે રોહીદાસની ટીંગલ ઉડાવવા, ખિલ્લી ઉડાવવા, તેમની મશ્કરી કરવા ગંગાજળ લઈને ગયા અને કહ્યું રોહીદાસ આ લ્યો ગંગાજળ. પણ પછી તેમના મુખીયાને રોહીદાસનું અપમાન કરવું હતું. તેથી તેને કહ્યું રોહીદાસ તમે કહો છો કે મન ચંગા તો કથરોટમેં ગંગા તો મારી કિમતી હીરાની વીંટી ગંગાસ્નાન કરતાં ગંગામાં પડી ગઈ છે તો કથરોટ મેં ગંગા લાવી મને અપાવી દો. રોહીદાસ માટે તો ધર્મસંકટ ઊભું થઈ ગયું. ગંગાસ્નાન કરવા ગયેલાં બધાએ જ મુખીયાની સાઈડ લઈને કહ્યું, હાં, હાં, રોહીદાસ જો તમે માનતા હો કે મન ચંગા તો કથરોટમેં ગંગા. તો કથરોટમેં ગંગા લાવીને મુખીયાની ગંગામાં પડી ગયેલી વીંટી લાવી દો. તમારા કથરોટમાં ગંગા આવી જાય તો ગંગાના તળિયે પડી ગયેલી વીંટી મળી શકવી જોઈએ. રોહીદાસને કમને કથરોટમાં પાણી ભરવું પડ્યું અને ગંગાને પ્રાર્થના કરવી પડી કે હે માતા તું તારી લાજ રાખજે. રોહીદાસે પછી કથરોટના પાણીમાં હાથ નાખ્યો અને તળિયે તેમને વીંટી મળી અને કાઢી મુખીયાને આપી. લોકો તો દંગ થઈ ગયાં. હાં, મન ચંગા તો કથરોટમેં ગંગા આ કથાનો સંદેશ એ છે કે ગમે ત્યાં ભટકવાની જરૂર નથી. પ્રામાણિક પણે કરેલો આપણો વ્યવસાયજ આપણને સત્ય પમાડવા પૂરતો છે. (ક્રમશ:)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=141004

આવી જ એક બીજી રસપ્રદ કથા છે. એક મહાન સંત એક ગામડાના પાદરમાં નાના ઘરમાં રહેતા હતાં. તેને ત્યાં એક દંડી સ્વામી બે ચાર દિવસ માટે રહેવા આવ્યા. એ સંતના ઘરે જાત જાતના સંતો અને સાધુઓ રહેવા આવતાં. સંત તેમને આસરો આપે અને રોટલા ખવડાવે. સંતને ત્યાં રહેવા આવેલા એ દંડી સ્વામીએ સંતને પૂછ્યું કે તમે હરિદ્વારની યાત્રા કરી છે? તો સંતે કહ્યું નથી કરી. પછી દંડી સ્વામીએ સંતને પૂછ્યું તમે બદરી-કેદારની યાત્રા કરી છે. સંતે કહ્યું ના. પછી દંડી સ્વામીએ સંતને પૂછ્યુું કે તમે સોમનાથ, દ્વારિકા, મહાકાળ, જગન્નાથ, ગંગાસાગર, ત્ર્યંબક, શ્રીનાથજી, ગોકુળ-મથુરા, અંબાજી, રામેશ્ર્વરની યાત્રા કરી છે? તો સંતે ના પાડી. તો દંડી સ્વામી કહે તમે એ કહો કે તમે કોની યાત્રા કરી છે, કયા તીર્થની યાત્રા કરી છે? તો સંત કહે એક પણ તીર્થની નહીં. તો દંડી સ્વામી કહે તમારા ઘરે રહેવું મહાપાપ ગણાય. તમારા જેવાના ઘરે રોટલો ખાવો મહાપાપ ગણાય. રાત થઈ ગઈ છે એટલે અત્યારે તો હું ક્યાંય જઈ શકું તેમ નથી. માટે કાલે સવાર થતાં જ હું આપના ઘરનો સત્વરે ત્યાગ કરીશ. એમ કહી દંડી સ્વામી તો બહારના દરવાજાવાળા રૂમમાં સૂઈ ગયા અને પ્રતીક્ષા કરવા લાગ્યા કે ક્યારે સવાર પડે અને તે સંતના ઘરનો ત્યાગ કરે. આમને આમ વિચાર કરતા મધરાત થઈ ગઈ. ત્યાં દંડી સ્વામીને ઘરના કમાડ સાથે કોઈક માથુ ભટકાડતું હોય તેમ લાગ્યું. દંડી સ્વામીએ ખાટલામાંથી ઊઠીને બારી ખોલીને જોયું તો પસ-પરુ અને ભયંકર ગંદકીથી ભરેલી એક ગાય સંતના આંગણે તેનું માથું ઘસે છે. જોયું તો એક મિનિટમાં તે દિવ્ય ગાયનું રૂપ લઈ પાછી જાય છે. વિસ્મય સાથે દંડી સ્વામી વળી પાછા ખાટલામાં સૂતા તો વળી પાછો તેમને બારણા સાથે કોઈ અથડાતું હોય તેવો અવાજ આવ્યો. વળી પાછું દંડી સ્વામીએ ખાટલામાંથી ઉઠીને બારીમાંથી જોયું તો પરુ-પસ, લોહી ગંદકીથી ભરેલી બીજી ગાય સંતના બારણે માથુ ઘસે છે. પછી તે દિવ્ય ગાયનું રૂપ લઈને જાય છે. આમ તે દંડી સ્વામીએ પાંચ-છ વાર એ સંતના ઘરના કમાડ સાથે માથા ભટકાવતી ભયંકર ગંદકી ભરેલી ગાયને જોઈ. માથા ભટાકાડીને તે ગાયો દિવ્ય સ્વરૂપ લઈ પાછી જતી જોઈ. હવે સંતને રહેવાયું નહીં. તેને એક ગંદકી ભરેલી ગાય સંતના કમાડ સાથે માથું ઘસતી જોઈ અને દિવ્ય સ્વરૂપ ધારણ કરતી જોઈ તેણે કમાડ ખોલીને તે ગાયને પૂછ્યું કે તું કોણ છે? તે દિવ્ય સ્વરૂપ ધારણ કરેલી ગાયે કહ્યું કે હું હરિદ્વારનું તીર્થ છું. દંડી સ્વામીએ પૂછ્યું કે તું અહીં કેમ આવી હતી? તો તે હરિદ્વાર તીર્થે કહ્યું કે કે લોકો સવારે ત્યાં આવી પાપના પોટલા અને ગંદકી મુકી જાય છે. અમારે એ ગંદકીનો ભાર વહેવો પડે છે. માટે અમારી સ્થિતિ ભયંકર થઈ જાય છે. માટે આ મહાન સંતના દ્વારે અમે એ ગંદકીનો ભાર મુકવા અને દિવ્યતા પ્રાપ્ત કરવા આવીએ છીએ. જ્યારે જ્યારે અમારામાં ગંદકી વધી જાય છે ત્યારે ત્યારે તે ગંદકીને ધોવા અમે આ મહાન સંતના દ્વારે આ તીર્થમાં આવીએ છીએ. આ અમારું તીર્થસ્થાન છે. પછી દંડી સ્વામીએ કહ્યું કે પહેલાં વાવેલી ગંદકી ભરેલી ગાયો કોણ હતી? તો હરિદ્વાર તીર્થે કહ્યું કે એ કાશી, બદરીનાથ, કેદારનાથ, ગંગાસાગર, ગોદાવરી, નર્મદાના તીર્થસ્થાનો હતાં. તેઓ તેમાં ભળેલી ગંદકી અને પાપને ધોવા આ મહાન સંતના આંગણે આવ્યા હતાં ત્યારે એ દંડી સ્વામીની આંખ ઉઘડી ગઈ કે જે સંતના ઘરે તે ઉતર્યાો છે ત્યાં તો તીર્થો તેનાં પાપ ધોવા આવે છે. તેને કોઈ તીર્થે જવાની જરૂર નથી. તે પોતે જ તીર્થોનું તીર્થ છે. પછી દંડી સ્વામી તે સંતના પગે પડી માફી માગે છે. આ ભલે કથા હોય પણ તે દિવ્ય સંદેશ આપે છે. સાહિત્ય જ માનવીને જ્ઞાન આપી શકે. 

બ્રહ્માંડ માયામય છે. જ્ઞાન, એટલે કે સાહિત્ય, એ માયાને હઠાવી શકે છે. અજ્ઞાનથી જ્ઞાન ઢંકાઈ જાય અને તેનાથી વિપરીત જ્ઞાન થાય તે માયા, માયા સત્ય પણ છે અને અસત્ય પણ છે. વસ્તુનું જ્ઞાન થાય પછી ઓટોમેટિક માયાનું અસ્તિત્વ રહેતું નથી. અને એ કાર્ય જ્ઞાન એટલે કે સાહિત્ય કરી શકે. 

ઉપનિષદમાં કહ્યું છે કે શાસ્ત્ર પ્રયોજનં ખલુ તત્વ દર્શનમ્! અર્થાત્ શાસ્ત્રો શા માટે છે? તો કહે તત્ત્વદર્શનને ઉજાગર કરવા માટે તત્ત્વદર્શન માટે, બ્રહ્માંડને સમજવા માટે.

ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે નહીં જ્ઞાનેન સદૃશં પવિત્રમિહ વિદ્યતે જ્ઞાનથી વધારે કાંઈ પણ પવિત્ર નથી. જ્ઞાન એટલે સાહિત્ય. ઉપનિષદમાં એ પણ કહ્યું છે કે જ્ઞાનાદેવતુ કૈવલ્યમ્ અર્થાત માત્ર જ્ઞાન જ આપણને મોક્ષ અપાવી શકે (સક્ષજ્ઞૂહયમલય ફહજ્ઞક્ષય ભફક્ષ હશબયફિયિં) તે પણ મર્યા પછી નહીં, મર્યા પહેલાં જ.

સાહિત્યના માધ્યમથી આપણને જાણવા મળે છે કે 

અર્ય નીજ પરોવેતિ, ગણનાં લઘુમેત સામ્

ઉદારચરિતાનંતુ, વસુધૈવ કુટુંબકમ્॥

અર્થાત્આમારું, આ તારું એ લઘુતા છે. ઉપર ચરિત્રવાળાઓ માટે આખી વસુધા કુટુંબ સમાન છે. કેટલો ઉત્તમ વિચાર સાહિત્ય આપણને આપી જાય છે. આમાંથી સંદેશ એ મળે છે કે વસુધા પરની બધી જ વસ્તુઓ સજીવ કે નિર્જીવ, હકીકતમાં બ્રહ્માંડની બધી જ વસ્તુ સજીવ છે, આપણા કુટુંબીજનો છે. તે છે માટે આપણે છીએ અને આપણે છીએ માટે તે છે. આ પૃથ્વી પર કુદરતે એક એક વસ્તુને ભજવવા એક એક રોલ આપ્યો છે. દરેક દરેક વસ્તુ, બીજી વસ્તુઓની સાવે માટે અહીં જન્મી છે. હાથની પાંચે આંગળીઓ નાની-મોટી છે, પણ દરેકે દરેક આંગળીને પોતાનો ભજવવા માટે એક રોલ છે. તેવી જ રીતે સમાજમાં પણ શિક્ષક, રાજકારણી, દરજી, સુથાર, લુહાર, વેપારી દરેકે દરેકને કુદરતે તેને ભજવવા માટે રોલ આપ્યો છે. આમ જ સમાજ બને છે, સૃષ્ટિ બને છે. દેડકો દેડકાનું કાર્ય કરે છે, સાપ સાપનું કાર્ય કરે છે, ગરોળી ગરોળીનું કાર્ય કરે છે, માનવી માનવીનું કાર્ય કરે છે. આપણે પ્રકૃતિનો નાશ કરીએ તો છેવટે આપણો જ નાશ થવાનો છે. પ્રકૃતિનું સમતુલન ખોરવાઈ જાય તો છેવટે આપણો નાશ થાય. દીકરીઓને મારી નાખીએ તો છેવટે સમતુલનનો નાશ થાય છે અને પૃથ્વી પર વિકરાળ પરિસ્થિતિ ઊભી થાય જે માનવજાતનો નાશ કરે. વૃક્ષોનું નિકંદન કાઢીએ, મોર, પોપટ, હાથી, વાઘ, સિંહ, નદી, પહાડ, વગેરેનો આપણા સ્વાર્થ માટે નાશ કરીએ તો પ્રકૃતિમાં સમતુલન ખોરવાઈ જાય અને છેવટે આપણો નાશ થાય. ગ્લોબલ વોર્મિંગની વિકરાળ પરિસ્થિતિ જે ઊભી થઈ છે તે આપણા ખરાબ કર્મોથી ઊભી થઈ છે. આપણે જે વૃક્ષોનું નિકંદન કાઢ્યું છે તેને આભારી છે. આપણા પૂર્વજો બ્રહ્માંડની દરેકે દરેક વસ્તુને તેમના સ્વજનો માનતાં હતાં અને તેનો જરા પણ દુરુપયોગ કરતા ન હતાં. માટે જ તેઓએ સાપને, ગાયને, સિંહને, વાઘને, મોરને, બળદને, વૃક્ષોને જીવનમાં યોગ્ય સ્થાન આપ્યું છે, તેમને પૂજામાં સ્થાન આપ્યું છે. અગ્નિ, જળ, વાયુ, પૃથ્વીને દેવતા માન્યા છે અને તેમની પૂજા કરી છે. આપણે આ બધું ભુલતા જઈએ છીએ તેથી આપણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિમાં આવી ઊભા છીએ.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=141763




ઋષિ કહે છે યત્ર ભવતિ વિશ્ર્વં એક નીડમ્! અર્થાત્ આ આખું બ્રહ્માંડ એક માળો છે. માળો માત્ર તણખલા નથી હોતો. તે પક્ષીના બાળ-બચ્ચાઓ પર પ્રેમનું, હૂંફનું સ્થાન છે. આ બ્રહ્માંડ માત્ર આપણું નિવાસસ્થાન જ નથી પણ હૂંફ છે. પૃથ્વીનું વાતાવરણ એટલે કે પૃથ્વી એટલે કે બ્રહ્માંડની ગુરુત્વાકર્ષણ શક્તિ આપણને હૂંફ આપે છે. આપણને એ હૂંફની જરૂર છે. જો પૃથ્વી ન હોત એટલે કે પૃથ્વીનું વાયુમંડળ ન હોત એટલે કે બ્રહ્માંડમાં ગુરુત્વાકર્ષણ શક્તિ ન હોત તો દિવસે સૂર્યનો ભયંકર તાપ હોત અને રાતે ઓછા ર૬૦ અંશ સેલ્સિઅસની ગરમી હોત. આપણે અહીં પેદા જ થઈ શક્યાં ન હોત. આમ આપણને પૃથ્વીની હૂંફની જરૂર છે. પૃથ્વીને સૂર્યની હૂંફની જરૂર છે, સૂર્યને આપણી આકાશગંગા મંદાકિની (ઝવય ખશહસુૂફુ ૠફહફડ્ઢુ) ની હૂંફની જરૂર છે. આકાશગંગાને બ્રહ્માંડની હૂંફની જરૂર છે. આમ બ્રહ્માંડમાં બધી વસ્તુઓ એકબીજાની હૂંફે જીવે છે. 

આ બ્રહ્માંડમાં દરેકે દરેક વસ્તુને જીવવાનો હક્ક છે. બ્રહ્માંડનાં પ્રકૃતિ અને પર્યાવરણ જ આપણું જીવન છે. તેમાં ખલેલ પહોંચાડવી તે આપણો વિનાશ નોતરવાની ક્રિયા છે. વાસુધૈવ કુટુંબકમ્! આ પરિસ્થિતિ માટે બોધ આપે છે. 

અભિજ્ઞાન શાકુન્તલમ્માં એક સુન્દર દૃશ્ય છે. દુષ્યંત ધનુષ પર બાણ ચડાવી ધસમસતા રથમાં હરણાનોશિકાર કરવા કણ્વ ઋષિના આશ્રમના વનમાં પ્રવેશે છે. ત્યારે ઋષિકુમારો બે હાથ ઊંચા કરીને રાજાને કહે છે: ન ખલુ ન ખલુ બાણ: સંન્નિપાત્યો યમસ્મિન્ મૃદુનિ મૃગ શરીરે પુષ્પરાશા વિવાગ્નિ:॥ અર્થાત્ પુષ્પના ઢગલામાં આગ ચાંપવી એ જેટલું બેહૂદું કાર્ય છે તેમ હરણાના મૃદુ શરીરમાં બાણ મારવું તેટલું જ બેહૂદું કાર્ય છે. પ્રકૃતિ અને પર્યાવરણ માટે કેટલી સજાગતો! વસુધૈવ કુટુંબકમ્ની કેવી ભાવના? આવી પરિસ્થિતિ હોય તો આપણે ગ્લોબલ વોર્મિંગમાંથી બચી શકીએ. શકુન્તલા જ્યારે સાસરે જાય છે ત્યારે આશ્રમની તેની સખીઓને કહે છે કે આપણી પેલી મૃગલી ગર્ભવતી છે તેને જ્યારે બચ્ચું આવે ત્યારે મને ખબર આપજે. પ્રકૃતિ અને પર્યાવરણ સાથે કેટલું તાદાત્મ્ય? શકુન્તલા પછી દરેકે દરેક વેલને મળે છે. પ્રકૃતિ અને પર્યાવરણની આ ભાવના આપણા પૂર્વજોમાં હતી. 

હાલમાં કારખાનાનો કચરો આપણે આપણને જીવન આપણી લોકમાતા નદીઓમાં ઠાલવીએ છીએ. ઘરો અને રસ્તા બનાવવા આપણે પહાડોને તોડીએ છીએ. લાકડા માટે આપણે વૃક્ષોનું અને જંગલોનું નિકંદન કાઢીએ છીએ, કારખાનાં અને આપણાં વાહનો વાયુમંડળમાં ઝેરી વાયુઓ ફેંકે છે. આપણું આમાં ભવિષ્ય શું હશે? આપણે આપણી ભવિષ્યની પેઢીને શું જીવન આપી જશું? તેનો જરા પણ વિચાર કરીએ છીએ? વસુધૈવ કુટુંબકમ્નો આ અર્થ છે. સાહિત્ય અને બ્રહ્માંડને આ સંબંધ છે. 

પૃથ્વી પર કહેવાય છે કે ૮૪ લાખ જાતિઓ છે. તે બધી આપણી સેવામાં છે. આપણે તેમની સેવામાં છીએ. બ્રહ્માંડમાં આપણી વચ્ચે આ સંબંધ છે. આ અર્થમાં વસુધૈવ કુટુંબકમ્ છે.

આપણે છીએ તો પૃથ્વીને અર્થ મળે છે. પૃથ્વી છે તો સૂર્યને અર્થ મળે છે. સૂર્ય છે તો મંદાકિની (ૠફહફડ્ઢુ) ને અર્થ મળે છે અને મંદાકિની છે તો બ્રહ્માંડને અર્થ મળે છે. બીજી બાજુ બ્રહ્માંડ છે તો ગેલેક્સી છે. ગેલેક્સી છે તો સૂર્ય છે. સૂર્ય છે તો પૃથ્વી છે અને પૃથ્વી છે તો આપણે છીએ. આ આપણો અને બ્રહ્માંડનો સંબંધ છે. પણ આપણને આ સંબંધ સમજાવનાર જ્ઞાન છે, જ્ઞાન એટલે સાહિત્ય.

દેવી-દેવતા બધું સાચું. હકીકતમાં શ્રદ્ધા છે. દેવતા છે કે નહીં તે હકીકતમાં આપણને ખબર નથી. તે વ્યક્તિગત અનુભૂતિનો વિષય છે. છેલ્લે જ્ઞાન છે. પણ કોઈ પણ જ્ઞાન ભક્તિ વગર ટકતું નથી. ભક્તિ સત્ય પામવાનો એક માર્ગ છે. કર્મકાન્ડ તો બધે જ છે. પણ સત્ય પામ્યા પછી કર્મકાન્ડની જરૂર પડતી નથી. કર્મકાન્ડ તો વિજ્ઞાનમાં પણ છે. તમે સંશોધન કર્યું હોય તો તેને લખવું પડે, તેને વિજ્ઞાન સામયિકમાં છપાવવું પડે. આ બધું કર્મકાન્ડ જ ગણાય. બહારગામ જવું હોય તો ટિકિટ લેવી પડે. સ્ટેશન જવું પડે વગેરે કર્મકાન્ડ કરવું જ પડે. 

બ્રહ્માંડમાં પરમ તત્ત્વ છે, જે ઊર્જા છે કે ચેતના છે. તે બધું જ ઉત્પન્ન કરે છે. બળો, ગતિ વગેરે. ગતિ જ બ્રહ્માંડનો આત્મા છે. ઊર્જા જ બ્રહ્માંડનો આત્મા છે. બ્રહ્માંડમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં ગરમી ન હોય. ઋષિઓ કહે છે કે તે પરબ્રહ્મ છે. તે દિક્-કાળથી પર છે, અસીમિત છે, નિરંજન-નિરાકાર છે. તે બધા આકારો ધારણ કરે છે. નરસિંહ મહેતાએ જેમ ગાયું છે તેમ આપણે બધા તેના સ્વરૂપો છીએ. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોયે. આદ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય કહે છે કે બધા ભક્તિથી ભગવાનને પાટલે બેસાડે છે. તેને વસ્ત્રો પહેરાવે છે, તેને નૈવેદ્ય ધરે છે. તેની આરતી ઉતારે છે, તેની પ્રદક્ષિણા કરે છે, તે બધું બરાબર છે, બધી ભક્તિ છે, પણ ભગવાન છે ક્યાં? જે છે તે અસીમ બ્રહ્મ છે. તે બધાને આધાર આપે છે. તેને કેવી રીતે પાટલો આપી આધાર આપવો. આ અસીમ બ્રહ્મ જ આપણને વસ્ત્રો આપે છે. તેને આપણે વસ્ત્રો કેવી રીતે પહેરાવી શકીએ. તે તો અસીમ અને અનંત છે. તેને કપડાં કેવી રીતે પહેરાવાય? અસીમ બ્રહ્મ જ આપણને ખાવાનું આપે છે. આ અસીમ બ્રહ્મને આપણે કેવી રીતે અને કયો નૈવેદ્ય ધરી શકીએ. નૈવેદ્ય પોતે જ બ્રહ્મ છે. આ અસીમની આરતી આપણે કેવી રીતે ઉતારી શકીએ. આ અસીમની પ્રદક્ષિણા આપણે કેવી રીતે કરી શકીએ. કહેવાનો અર્થ કે આ પૂજન-યજન તો આપણે આપણા સંતોષ માટે કરીએ છીએ. નહીં તો આ બધુ જ પરંબ્રહ્મ છે. તેનો અર્થ એવો નથી કે આપણે ઈશ્ર્વરનું પૂજન-યજન ન કરવું. પણ આપણે છેવટે જ્ઞાનને મેળવવાનું છે. અસીમ નિરંજન-નિરાકાર બ્રહ્મને સમજવાનું છે. 

નરસિંહ મહેતા કહે છે કે નીરખ રે ગગનમાં કોણ ઘૂમી રહ્યો, હું કરું, હું કરું એમ બોલે. અર્થાત્ પૂરા બ્રહ્માંડમાં જે કાંઈ થાય છે તે ઈશ્ર્વર કરે છે. હું કરું, હું કરું એમ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્ર્વાન તાણે. નરસિંહ મહેતા કહે છે જે કાંઈ થાય છે તેનો કરનાર તો ઈશ્ર્વર છે પણ અજ્ઞાની લોકો માને છે કે બધું હું કરું છું. ગાડા નીચે કૂતરું ચાલ્યું જાય તે એમ કહે કે ગાડાનો ભાર હું વહન કરું છું. આમ સાહિત્ય જ આપણને દૃષ્ટિ આપી શકે. 

અખાનું સાહિત્ય વાંચો આંખ ઊઘડી જાય. તે લોકોના પાખંડ પર, તેમની અંધશ્રદ્ધા અને અજ્ઞાન પર ચાબખાં મારે છે. તે કહે છે એક મૂરખને એવી ટેવ તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન, જપ જપ કરીને માળાના નાકા ગયા તો પણ હરિ મળ્યા નહીં. આવું તો કેટલુંય સત્ય અખાએ લોકોને સમજાવ્યું છે. પ્રેમાનંદે પણ કેટલું જ્ઞાનમય, કરુણાસભર સાહિત્ય આપ્યું છે, જે માનવીને ઉમદા બનાવે છે.

એક રસપ્રદ શ્ર્લોક છે, સ્વયં મહેશ, શ્ર્વસુરો નગેશ. મિત્રં ધનેશ, તનયો ગણેશ! તથાપિ ભિક્ષાપ્નમેવ શંભો, બલીયસી કેવલ ઈશ્ર્વરેચ્છા॥ આ શ્ર્લોક આપણને સમજાવે છે કે બ્રહ્માંડમાં જે કાંઈ થઈ રહ્યું છે તેના પર આપણું કોઈ નિયંત્રણ નથી. મહાદેવ, ભગવાન શંકર સ્વયં મહેશ છે. મહા ઈશ છે. તેમના સસરા મહાન નગાધિરાજ હિમાલય છે. તેમનો મિત્ર ધનકુબેર છે અને તેમનો દીકરો રિદ્ધિ-સિદ્ધિનો દેવતા ગણપતિ છે. તો પણ શંકર ભગવાનને તો દર દર ભિક્ષા માગવાનો જ વારો આવ્યો છે. આમાં કોને દોષ દેવો? નરસિંહ મહેતા કહે છે કે જે ગમે જગદ્ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો. આવું સાહિત્ય આપણને આપણી ભયંકર સ્થિતિમાં સાંત્વના આપે છે, આપણને ખરાબ હતાશાની સ્થિતિમાં જીવવાનું કિરણ અર્પે છે-માટે ભવિષ્ય કહેનાર લોકો પર વિશ્ર્વાસ જરા પણ ન મૂકવો. આપણે જ આપણું ભવિષ્ય ઘડવાનું છે. કોઈ પર આધાર રાખવો નહીં. મૃગજળમાં રાચવું નહીં ભવિષ્ય કોઈ પણ કહી શકે નહીં. પૂરા બ્રહ્માંડની જીવનરેખા ક્ષણે ક્ષણે આગળ વધે છે. તો બીજાની શું વાત કરવી? સાહિત્યમાં એક સુંદર રચના છે. એ કહે છે: ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. ન જાણ્યું વશિષ્ઠ જેવાએ સવારે શું થવાનું છે. હતાં કૌરવ અને પાંડવ જગતમાં મહાબલી યોદ્ધા. ન જાણ્યું ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે. થયો દક્ષપ્રજાપતિયાગ ઉમિયા દેહ ત્યજાશે ત્યાં. ન જાણ્યું શંભુ જેવાએ સવારે શું થવાનું છે. આમાં ભવિષ્ય કોણ કહી શકે?



No comments:

Post a Comment