તમે પોતે ખડખડાટ હસ્યા હો એવો કોઈ પ્રસંગ જણાવશો?
આવો પ્રશ્ર્ન મને ઘણી વાર પૂછવામાં આવ્યો છે. સામાન્ય રીતે ઈન્ટર્વ્યૂની પ્રશ્ર્નાવલી આવી હોય છે: પ્રશ્ર્નકર્તા: તમારું નામ શાહબુદ્દીન અને અટક રાઠોડ છે તો તમારી જાતિ કઈ? હું: નરજાતિ. પ્રશ્ર્નકર્તા: ફળમાં તમને શું ભાવે? હું: ઉધાર મળે ત્યાં સુધી કેસર કેરી પછી કેળા. પ્રશ્ર્નકર્તા: તમારી પત્નીના સ્વભાવ વિષે કાંઈ કહેશો? હું: ના, આ બાબતમાં કાંઈ કહી શકું તેમ નથી, માત્ર હું સહનશીલ છું તેવી તમે જરાક નોંધ કરજો. પ્રશ્ર્નકર્તા: સંગીતમાં રસ ધરાવો છો? હું: હા કેમ નહીં? ઘણા સંગીતકારોના કાર્યક્રમો સાંભળ્યા છે. પ્રશ્ર્નકર્તા: તમારો પ્રિય રાગ કયો? હું: વિતરાગ. પ્રશ્ર્નકર્તા: ધ્યાન (ખયમશફિંશિંજ્ઞક્ષ) વિશે શું ધારો છો? ધ્યાન ધરો છો ખરા? હું: ધ્યાન ધરવાનું ન હોય રાખવાનું હોય. ધ્યાનથી ચાલુ મોટરે ચર્ચા કરતાં કરતાં બેધ્યાનપણે અમે એક વાર મોટર ભૂંડ સાથે ભટકાડી હતી. (ભજ્ઞક્ષતફિંક્ષિં ફૂફયિક્ષયતત) સતત જાગૃતિ એ સઘળા જ્ઞાનનો સાર છે, કારણ કે જીવનમાં જે ક્ષણ ગફલતની હોય છે તે પતનની હોય છે. પ્રશ્ર્નકર્તા: તમે શિક્ષણ અને હાસ્યનો સમન્વય કઈ રીતે કર્યો? હું: મેં શિક્ષણથી હાસ્યને ગંભીર બનાવ્યું અને હાસ્યથી શિક્ષણને હળવું બનાવ્યું, કારણ કે ગાંધીજી કહેતા, ‘ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બંને વ્યર્થ છે.’ પ્રશ્ર્નકર્તા: તમારું સ્વાસ્થ્ય સારું જણાય છે તેનું રહસ્ય જણાવશો. હું: પારકા ઘેર ઉત્તમ સ્વાદિષ્ટ ભોજન અત્યાર સુધીમાં આરોગ્યાં છે અને ગામે ગામ જેને ત્યાં ઊતરી શકાય એવા ચાહકોના નિવાસસ્થાને મારો ઉતારો હોય છે. કૌટુંબિક વાતાવરણ અને માનવીય હૂંફે મને જિવાડી દીધો છે. પ્રશ્ર્નકર્તા: આ સિવાય કોઈ કારણ? યોગ કરો છો? હું: ના, પરિવારથી વિયોગ રહ્યો છે. હા, એક કારણ ગણવું હોય તો ગણી શકાય મેં અને મારી પત્નીએ પ્રથમથી સમજૂતી કરી છે કે બંને વચ્ચે જ્યારે પણ કજિયો થાય ત્યારે જેનો વાંક હોય તેણે ચાર કિલોમીટર ફરવા જતું રહેવું, હવે મોટા ભાગે મારે ફરવા જવાનું આવતું એટલે ચાલવાથી જે ફાયદો થાય તે લાભો મને મળ્યા છે. પ્રશ્ર્નકર્તા: તમને આવી પ્રેરણા ક્યાંથી મળી એ જણાવશો? હું: અમારા પડોશમાં કંકુ અને કાનજી રહે છે. શ્રમજીવી દંપતી છે. ઘરની લારી છે તેમાં સરસામાન ભરી ઘેર ઘેર પહોંચાડવાનું કામ કરે છે. યુરોપમાં સાહેબ અને મૅડમ સાથે હોય તેમ કંકુ અને કાનજી પણ સાથે જ હોય છે, એક વાર હું તેમના ઘર પાસેથી નીકળ્યો, બારણું ખુલ્લું હતું. કાનજી કપડાં ધોતો હતો અને કંકુ વાસણ ઊટકતી હતી. મેં પૂછ્યું, ‘એલા મહેમાનો આવવાના છે? શેની તૈયારી ચાલે છે?’ કંકુનું મોઢું ચડેલું હતું એણે રોષમાં કીધું, ‘એને પૂછો એને.’ મેં કાનજીને પૂછ્યું, ‘અરે ભાઈ શું કારણ છે આ તૈયારીનું એ તો જણાવો?’ કાનજી કહે, ‘મારે કાંઈ નથી કેવું એ જે કહે તે સાચું.’ બંને એવાં ભોળાં મહેનતકશ પતિ-પત્ની હતા કે ઘણી વાર કજિયો લાંબો ચાલે તો પછી બંને કજિયાનું કારણ ભૂલી જતાં. કઈ વાતમાંથી બાઝી પડ્યાં એ કારણ બેમાંથી એકેયને યાદ નહોતું આવતું અને બંને હસી પડતાં, મારા માટે બંનેને લાગણી. કાનજી તો મારો વિદ્યાર્થી હતો એટલે જ્યારે આ લોકો તેમની સમસ્યા હલ નહોતા કરી શકતાં ત્યારે મને અચૂક બોલાવતાં. મેં બહુ આગ્રહ કર્યો ત્યારે છેવટે કાનજી બોલ્યો, ‘સાહેબ અમે છેને એવું નક્કી કર્યું છે કે જ્યારે જ્યારે ઘરમાં કજિયો થાય ત્યારે એણે વાસણ ઊટકી નાખવાં અને મારે લૂગડાં ધોઈ નાખવાં. જેટલી રીસ ચડી હોય, ખીજ ચડી હોય ઈ બધી ઊતરી નો જાય ત્યાં સુધી કામ કરતું રહેવું. દાઝમાં ને દાઝમાં એણે બેડાં કેવાં ઊટક્યાં છે જોયાં? ઝગારા મારે છે.’ કાનજીની વાત સાંભળી કંકુએ મોં મલકાવીને કહ્યું, ‘એણે જુઓ સાહેબ, ગોદડાં કેવાં ધોળા દૂધ જેવાં ધોઈ નાખ્યાં છે?’ બંને ખુશ થઈ ગયાં. કજિયો ભુલાઈ ગયો, પરંતુ ક્રોધની અભિવ્યક્તિ કઈ રીતે કરવી તેની રીત આ અભણ દંપતીએ જે કોઠાસૂઝથી ગોતી કાઢી એ મને બહુ ગમ્યું. નહીંતર ઘણી વાર ક્રોધથી ભારે અનર્થ સર્જાય છે. અમારા ગામના ઉત્તમચંદ શેઠ ઘણા ઠરેલ, અનુભવી અને પાંચ પૈસે પહોંચતા પણ ખરા. હામ, દામ, ઠામ, બધી વાતે સુખી. વળી આ બધું શેઠે આપબળે ઊભું કરેલું એટલે એનો ઊંડો આત્મસંતોષ પણ શેઠના ચહેરા પર ઝળકતો, પરંતુ કમળાશેઠાણી ક્યારેક ક્યારેક બોલી જતાં, ‘એ તો સારા પરતાપ મારા બાપુજીના તે આ પાંચ પૈસા ભાળી શક્યા.’ ઉત્તમચંદ શેઠ આમ તો ગરીબાઈમાં ઊછરેલા. અપરમાના ત્રાસથી ઘર છોડી પહેરે લૂગડે નીકળી ગયેલા. એ વખતે કમળાશેઠાણીના બાપુજી મથુરદાસ શેઠની જાહોજલાલી. ગામમાં પાંચ દુકાનો, બે મકાન, મહેમાનો માટે ઉતારો, નોકરચાકર, વેપારધંધા, બધું બરાબર ચાલે. સંતાનોમાં એક દીકરી કમળા અને બે દીકરા; નાનો નટવર, મોટો મગન. બેકારીમાં ઉત્તમચંદ મથુરદાસની દુકાનમાં કામ કરતા. શેઠ મથુરદાસની પારખું નજરમાં જુવાન વસી ગયો, કમળાના હાથ પીળા થઈ જાય, ઉત્તમ જેવો જમાઈ મળે, નાનકડો અલગ ધંધો કરી દીધો હોય તો દીકરી અને જમાઈ નજર સામે રહે આ ગણતરીએ શેઠે કમળાનાં લગન ઉત્તમચંદ સાથે કરી એક દુકાન આપી કાપડનો ધંધો શરૂ કરી આપ્યો. કમળાશેઠાણી જરાક ભીનેવાન અને જાડું શરીર એટલે શેઠે તો સારા મુરતિયાની શોધ કરવાનું માંડી વાળેલ. એમાં ઉત્તમચંદ નજરમાં વસી ગયા અને બંનેનાં ધામધૂમથી લગન પણ થઈ ગયાં. આ પૂર્વભૂમિકા ઉત્તમચંદશેઠના જીવનની. આ ઉપકારને કમળાશેઠાણી યાદ કરીને ક્યારેક શેઠને કહી દેતાં, ‘સારા પરતાપ મારા બાપુજીના.’ અને શેઠ નિસાસો નાખી એટલું જ કહેતા, ‘આ દુનિયામાં માણસની મજબૂરીનો કોણ લાભ નથી લેતું?’ આટલું સાંભળતાં શેઠાણી ખિજાઈ જતાં અને બંને વચ્ચે કજિયો શરૂ થઈ જતો. એક દિવસ આ જ રીતે કજિયો થયો અને શેેઠે દુકાને જઈ લેવાદેવા વગર સામાન્ય વાંક કાઢી વાણોતર વશરામ પ્રેમને ઘઘલાવ્યો, ઠપકો આપ્યો, વશરામે ઘેર જઈ ભાણામાં ભીંડાનું શાક ભાળતાં જ ‘રોજ ભીંડો રોજ ભીંડો?’ કહી બે લાફા તેની પત્ની કાંતાને વળગાડી દીધા. કાંતાએ દીકરો દામજી ઘરે આવ્યો હારે મનજી આવ્યો એણે કીધું કે દામજીએ લેસન નથી કર્યું એટલે સાહેબે કાઢી મૂક્યો છે. કાંતાએ ત્રણચાર ઢીંકા દામજીને મારી લીધા. દામજીને કાંઈ ન સૂઝ્યું તે દંડો ઉપાડી ચાર દંડા ભેંસને વળગાડ્યા, ભેંસ ભડકી. પરથમ એક ઝાટકે ખીલો કાઢી નાંખ્યો અને દોડીને ભીંતમાં બે માથાં માર્યાં. ભીંત પડી ગઈ અને ભેંસ દોડી ઊભી શેરીએ એમાં સામેથી ઉત્તમચંદ શેઠ આવતા હતા, ભેંસે શેઠ સામું જોયું, દોડ મૂકી અને એક ધીંક મારી શેઠને ભીંત સાથે ભટકાડી દીધા શેઠનો પગ મરડાઈ ગયો, હાથ છોલાઈ ગયો, માથું ભટકાણું તેમાંથી લોહી નીકળ્યું. ચાર જણાએ શેઠને ઉપાડી ઘરભેગા કર્યા, કમળાશેઠાણીએ કલ્પાંત કર્યું. કુુટુંબ આખું ભેગું થઈ ગયું. જિનવિજયજી મહારાજસાહેબને કોઈએ સમાચાર આપ્યા. તેઓશ્રી શેઠની તબિયત જોવા પધાર્યા. એમણે શેઠને સમજાવ્યું, ‘જીવનમાં જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે મનમાં તેનો પ્રતિભાવ ઊઠે છે એ પ્રતિભાવ વ્યક્ત કર્યા પહેલાં જો તેનું માત્ર તટસ્થભાવે જાગ્રત રહીને નિરીક્ષણ કરી લેવામાં આવે તો કર્મનિર્ઝરા થઈ જશે. પ્રતિક્રિયા થશે જ નહીં, પ્રતિભાવ આપવાની જરૂર જ નહીં રહે.’ ભગવાન મહાવીરે આ વાત સમજાવી છે. કમળાશેઠાણીના કવળા વેણથી શરૂ થયેલું ક્રોધનું વર્તુળ ઉત્તમચંદ શેઠની માંદગીની પથારીએ પૂરું થયું. કંકુ અને કાનજી જેવું આપણે પણ કાંઈક નક્કી કર્યું હોત તો? મેં કાનજીને પૂછ્યું, ‘કજિયો શેમાંથી થયો?’ કંકુએ કહ્યું, ‘ખબરદાર જો સાહેબને વાત કરી છે તો?’ પણ મેં જોયું આટલું બોલતાં કંકુના હસતા ચહેરા પર શરમના શેરડા પડ્યા. ચહેરો લાલ થઈ ગયો, એ હસીને ઘરમાં જતી રહી. હું પણ મારી ઑફિસ જવા રવાના થયો. સાંજે હું ફરવા નીકળ્યો ત્યાં મેં કાનજીને બસસ્ટેશન પાસે જોયો, મેં તેને કજિયાનું કારણ પૂછ્યું. કાનજીએ શરમાતાં શરમાતાં જણાવ્યું. મૂળ વાત એમ હતી, કંકુએ જ સવારમાં શરૂઆત કરેલી. કંકુએ કાનજીને કીધું, ‘મને રાતે સપનું આવ્યું એમાં તરણેતરનો મેળો આવ્યો, ફજેત ફાળકા, ચક્કરી, મંદિર, રાવટી બધું. મેળામાં ફરતા ફરતા મેં તમને જોયા. કાનજી ખુશ થઈ ગયો, કંકુ કહે ‘તમારી હારે કોઈ બાઈમાણહ હતું.’ કાનજી કહે ‘તું નહોતી?’ કંકુ કહે ‘ના વાલામૂઈ કોક બીજી હતી. એને તમે ચકડોળમાં હાથ ઝાલી બેસાડી. પાંહે તમે બેઠા. ચકડોળ ફરી એની હારે તમે મંડ્યા હસી હસીને વાત કરવા. પછી તો તમે ભજિયાં લીધા, બેય ખાખરા હેઠે બેઠા. તમે એનું બાવડું પકડીને ભજિયાં ખવરાવ્યાં, તાણ કરી કરીને, પછી તમે એના સારું ચા લઈ આવ્યા, ચા પીવરાવી પછી તો તમે એની હારે હુડો રમ્યા, આટલું કહેતાં કંકુ રોવા મંડી અને શરૂ કર્યું, ‘તમે એની હારે ચકડોળમાં બેઠા જ શું કામ?’ ભજિયાં ખાધાં જ શું કામ? મેં કીધું, ‘અરે પણ તને સપનું આવ્યું એમાં મારો શો વાંક?’ કંકુ કહેે, ‘મારા સપનામાં આવા જલસા કરતાં’તા તો પછી તમારા સપનામાં તમે કેવા જલસા કરતા હશો?’ આ સપનાની વાતમાંથી બાઝવાનું શરૂ થયું, મેં ગંભીર કાનજીને કીધું, ‘એલા તારે આવા જલસા કરતાં પહેલાં વિચાર તો કરવો તો?’ કાનજી કહે ‘શું સાહેબ તમેય મશ્કરી કરો છો.’ આ વાત મેં જ્યારે મિત્રોને સારી રીતે કહી સંભળાવી ત્યારે સૌ ખડખડાટ હસી પડ્યા અને સાથે હું પણ મન મૂકીને હસી પડ્યો. |
Friday, June 13, 2014
મુક્ત હાસ્ય --- હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ
Labels:
શાહબુદ્દીન રાઠોડ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment