Friday, June 13, 2014

ખેડૂતો હવે વીજળી પણ ઉત્પન્ન કરી શકશે -- નોખું-અનોખું - અજય મોતીવાલા

આપણા દેશના ખેડૂતો થોડા સમયમાં વીજ-ઉત્પાદકો બની શકશે એવું જો થોડાં વર્ષો પહેલાં કહેવામાં આવ્યું હોત તો કોઈના માનવામાં ન આવત, પરંતુ આજના ઝડપથી પ્રગતિ પામતાં ભારતમાં એ શક્ય બન્યું છે. દેશની કરોડોની જનતાને અન્ન પૂરું 

પાડતાં ખેડૂતો હવે પોતાના માટે તેમ જ નૅશનલ પાવર ગ્રીડમાં યોગદાન આપી શકે એટલી વીજળી પેદા 

કરી શકશે, એવું ગાંધીનગર અને હૈદરાબાદમાં 

હાથ ધરવામાં આવેલા બે સંશોધન પરથી જાણવા મળ્યું છે.

ગાંધીનગરના ગુજરાત એનર્જી રિસર્ચ ઍન્ડ મૅનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ રિચર્સ સેન્ટરના ડિરેકટર તિરુમલાચેટ્ટી હરિનારાયણ અને હૈદરાબાદની મેધા એન્જિનિયરિંગ કૉલેજના વિદ્યાર્થી વસાવી કામિલીએ ખેડૂતો પોતાના ખેતરમાં અનાજ ઊપજાવવાની સાથોસાથ વીજ ઉત્પન્ન કરી શકે કે કેમ એ જાણવા સંશોધન કર્યું હતું.

‘સ્માર્ટ ગ્રીડ ઍન્ડ રિન્યુએબલ એનર્જી’ નામની ઇન્ટરનૅશનલ જર્નલના ઑનલાઇન વર્ઝનના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે ‘ખેડૂતો હવે પોતાના ખેતરનો ઉપયોગ ધાન્ય પેદા કરવાની સાથે-સાથે વીજળી પેદા કરવા માટે પણ કરી શકશે. તેઓ પોતાના ખેતર પર ફોટોવૉલ્ટેઇક (પીવી) સોલર પૅનલની છત બેસાડીને સૂર્યપ્રકાશમાંથી વીજળી ઉત્પન્ન કરી શકશે. આ વીજળી ખેતરના પાકને પમ્પ વાટે પાણી પહોંચાડવા માટે વાપરી શકાશે અને વધારાની વીજળી 

પાવર સ્ટેશનને વેચી શકાશે. એ રીતે ખેડૂતો માટે નવી સુવિધા બનવા ઉપરાંત વધારાની આવક પણ થઈ શકે.’

બીજી રીતે કહીએ તો ખેડૂતો પોતાની જમીન સરકારને કે સોલર ડેવલપરને વીજળી ઉત્પન્ન કરવા માટે ભાડે પણ આપી શકશે. આ સ્થિતિમાં ખેતીમાં અનાજનું ઉત્પાદન થતું રહેશે અને સાથોસાથ વીજળી પણ પેદા થતી જશે.

જોકે ખેતર પર સોલર પૅનલની છત આવી જવાથી પાકને સૂર્યપ્રકાશ મળવાનું ઘટી જાય તો પાકને નુકસાન થઈ શકે એવી શંકાનું પણ સંશોધન દરમિયાન સમાધાન થઈ ગયું હતું. હરિનારાયણે આ સંબંધમાં એક સમાચાર સંસ્થાને કહ્યું છે કે ‘અમે કમ્પ્યુટર મૉડલિંગ પર આધારિત અભ્યાસ દરમિયાન વિવિધ પ્રકારની સોલર પૅનલને ચકાસી હતી. એક પ્રયોગમાં અમે ખેતરથી પાંચ મીટર ઉપર એક પીવી પૅનલ બેસાડી હતી. એ પૅનલ માટે અમે ચેસ-બોર્ડ જેવું ફૉર્મેટ અપનાવ્યું હતું. એક ખાનું સૂર્યપ્રકાશથી વીજ પેદા કરી શકે એવું સોલર પૅનલવાળું રાખ્યું હતું અને એની બાજુનું ખાનું ખાલી રાખ્યું હતું જેમાંથી સૂર્યનો પ્રકાશ સીધો ખેતરના પાક પર પડતો હતો. એ રીતે પાકને પ્રકાશના રૂપમાં પોષણ મળી રહેતું હતું અને વીજળી પણ પેદા થતી હતી. બીજા પ્રયોગમાં અમે ખાલી ખાનાંને બદલે વધુમાં વધુ સૂર્યપ્રકાશ આપી શકે એવું સોલર પૅનલની છત સાથેનું ખાનું રાખ્યું હતું અને એમાંથી આવતો પ્રકાશ પાક માટે પૂરતો બનેલો જોવા મળ્યો હતો.’

હરિનારાયણે સૂર્યપ્રકાશની બાબતમાં બીજો એક ફાયદો એ બતાવ્યો છે કે વધુમાં વધુ સૂર્યપ્રકાશ આપી શકે એવી સોલર પૅનલથી ફાયદો એ થયો કે બપોરે બાર વાગ્યાની આસપાસ તીવ્ર સૂર્યપ્રકાશમાં અલ્ટ્રાવાયૉલેટ રેડિએશનનું જે હાનિકારક પ્રમાણ હતું એ પાક સુધી નહોતું પહોંચી શક્યું અને પાકને ફાયદો થયો હતો.

સંશોધનકારોના મતે ‘ભારતના ૫૦ ટકા ખેતરો વીજ ઉત્પન્ન કરતા પાવર ગ્રીડ સ્ટેશન સાથે જોડાયેલા ન હોવાથી ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી નથી મળી શકતું. બીજું, દૂરના ગામો સુધી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લાઇનોનું નેટવર્ક સ્થાપવું સરકાર માટે ખર્ચાળ બની જતું હોય છે. એ જોતાં ખેતર પરની સોલર પૅનલવાળી નવી પદ્ધતિથી એકસાથે બે 

ફાયદા થઈ શકે એમ છે. ખેડૂતો વીજ પેદા કરી 

શક્વાના હોવાથી તેમની આવક વધશે અને સરકારને પણ વીજ-કનેક્શનો પહોંચાડવાની બાબતમાં ઘણી બચત થશે.’ 

--------------

ગુજરાતમાં સોલર હાઇવેનું સપનું સાકાર થઈ શકે

સંશોધનકારોએ દેશના ઘણા હાઇવે પર સોલર પૅનલોની છત બેસાડીને પણ વીજળી ઉત્પન્ન થઈ શકે એવી દરખાસ્ત રજૂ કરી છે અને એમાં ખાસ કરીને ગુજરાતના બે હાઇવેના દ્રષ્ટાંત આપ્યા છે. તેમણે કહ્યું છે કે ‘અમદાવાદ-રાજકોટ વચ્ચેના ૨૦૫ કિલોમીટર લાંબા હાઇવે પર જો પીવીની છત બેસાડવામાં આવે તો ૧૦૪ મેગાવૉટ જેટલી વીજળી પેદા થઈ શકે. અમદાવાદ-વડોદરા વચ્ચેના ૯૩ કિલોમીટર લાંબા હાઇવે પર પણ જો આવી છત બેસાડવામાં આવે તો ૬૧ મેગાવૉટ ઇલેકટ્રિસિટી ઉત્પન્ન થઈ શકે.’

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=117822

No comments:

Post a Comment