લગનનો લહાવો -- શાહબુદ્દીન રાઠોડ
જ્યારે અમે કોઈ લગ્નમાં જઈએ, કોઈ સમારંભમાં જઈએ, ક્યાંક કથામાં જઈએ, કોઈની પાર્ટીમાં જઈએ, આંખની ઓળખાણે પહોંચી જઈએ ત્યારે મારા મિત્ર મથુરની ચકોર નજર ચારેબાજુ ફરી વળે. ક્યા પ્રસંગે કઈ રીતે વર્તવું એનું મથુર પાસે સચોટ જ્ઞાન હતું. અમે વિઠ્ઠલની જાનમાં ગયા. મથુરે રસોડામાં તપાસ કરી લીધી, શું-શું જમવાનું છે? અમને ધક્કામુક્કીમાં પરાણે મારગ કરી મથુરે પહેલી પંગતમાં બેસાડી દીધા અને પોતે પણ બેસી ગયો. મથુરે અમને સમજાવ્યું, ‘પહેલી પંગતમાં રસોડા નજીક બેસવાથી દૂધપાકમાંના સૂકા મેવાનો લાભ મળે, શાકમાં તેલવાલો રસો પીરસાય, દાળ જાડી પીરસાવી શકાય, કદાચ રસોઈ ખૂટે તો પાછળના રહી જાય પણ આપણે ધરાઈને ખાઈ શકીએ.’ હું ગમે ત્યાં જાઉં, જમણવારમાં ભલે કલાક વહેલું જવું પડે પણ પહેલી પતરાળી સવા લાખની. મને, વનેચંદને, નટુને સંકોચ ઘણો થયો, પણ મથુર અમને હિંમત આપ્યા કરતો હતો કે એમ બીકને લીધે રહી જઈએ તો જીવતરમાં કાંઈ લાભ મેળવી ન શકીએ. એ તો, ‘માથું વાઢે ઈ માલ કાઢે.’
મથુરનું વાક્ય પૂરું થયું ત્યાં શેઠનો સાળો ચંપક આવ્યો. એણે અમને કહ્યું, ‘એય ઊભા થાઓ. અહીં મામલતદારસાહેબ, મૅજિસ્ટ્રેટસાહેબ, વિકાસ અધિકારીસાહેબ અને એમનો સ્ટાફ બેસવાનો છે. કોણે તમને અહીં બેસાડ્યા?’ અમે મથુર સામે આંગળી ચીંધી. મથુરે કહ્યું, ‘અમે વરરાજાના મિત્રો છીએ.’ પરંતુ હજૂર કોર્ટમાં જેમ ખોટી વકીલની દલીલ ન ચાલે તેમ મથુરની દલીલ ચાલી નહીં. અમને ભર્યાં માણસોમાંથી ઉઠાડવામાં આવ્યા. સૌ અમારા સામે જોઈ રહ્યા. મથુરની મૂર્ખાઈએ અમને ભૂંડા લગાડ્યા. સાચા માણસો ખોટા પક્ષે હોય તો તેમનો પણ નાશ થાય છે. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય તો સજ્જનો હતા, સમજદાર હતા, સાચા હતા. છતાં તેમણે ખોટા પક્ષમાં રહેવાની કિંમત જીવતરથી ચૂકવી. જે છેલ્લી પંગતના ગેરલાભો મથુરે ગણાવ્યા હતા ત્યાં જ અમારે બેસવાનો વારો આવ્યો. લાડુ, દાળ, શાક, ભાત, ભજિયાંં બધું વિધિસર પીરસાણું. કાંઈ ખૂટ્યું નહીં. ભોજન સમારંભ સારી રીતે પૂરી થયો. અમને આનંદ થયો. પહેલી પંગતમાં સંકોચ સાથે જમવું એના કરતાં છેલ્લે બેસી મુક્તમને ભોજન લેવામાં અમને આનંદ થયો, પણ મથુરને ડંખ રહી ગયો. મથુરે કહ્યું, ‘હું તમને પહેલી પંગતમાં બેસાડી જમાડી ન શક્યો એ વસવસો મને કાયમ રહેશે.’ અમે કહ્યું, ‘અમને અહીં મઝા આવી ત્યાં સંકોચમાં બરાબર જમી ન શકત.’
મને કબીરસાહેબની વાત યાદ આવી, ‘ઐસી જગહ પે બૈઠ કોઈ કહેના ઊઠ, ઐસી બાની બોલ કોઈ કહેના જૂઠ.’ સાંજે વાળુ કરીને મથુર બે જાડાં દાતણ લઈ આવ્યો, સારું ગાદલું કબજે કર્યું, બે ગોદડાં સાથે ઢસડતો આવ્યો, એક ઓશીકું હતું અને બીજું કોઈનું ઉપાડ્યું. મને કહે, ‘સવારે પછી સારું દાતણ ન મળે એટલે ચેતતા નર સદા સુધી. ગાદલું અત્યારથી કબજે કરવું સારું રાતે ઠંડી છે નહીં ને જરૂર પડે તો? એટલે બે ગોદડાં લેતો આવ્યો છું. બારી પાસે જગ્યા સારી છે, અહીં જ જમાવી દ્યો.’ અમે પણ મથુરનું અનુકરણ કર્યું. સારી જગ્યા રોકી લીધી, ગાદલાં, ગોદડાં, ઓશીકાં. બધું લઈ આવ્યાં. પથારીઓ પાથરીને લાંબા થયા ત્યાં વળી શેઠનો સાળો ચંપક આવ્યો એટલે ત્રાંસી નજરે કડકાઈથી અમારી તરફ જોઈને જાહેરાત કરી કે: ‘બસમાં માત્ર પંચાવન પેસેન્જર લેવામાં આવશે. આ સિવાય એકપણ પેસેન્જરને બેસાડવામાં નહીં આવે.’ એ યાદી વાંચી ગયો એમાં મથુરનું નામ નહોતું તો પછી અમારાં તો ક્યાંથી હોય? ચંપકે ફરી અમારા તરફ જોઈ એટલું કહ્યું કે: ‘જેને જવું હોય એમના માટે ખટારો થાન જાય છે. જગનભાઈ સામાન ભરાય એટલે રવાના થશે.’
અમે તરત નિર્ણય લઈ લીધો. જગનભાઈ ડ્રાઈવર બહુ જ ભલા માણસ. એ અમને જોઈને કહે, ‘આવો અહીં આખી રાત હેરાન થઈ સવારે પાંચ વાગ્યે નીકળવું એના કરતાં ખટારામાં વહેલા પહોંચી જવું સારું.’ અમે ખટારા માથે ચડી પાછળનો સળિયો પકડીને ઊભા રહ્યા. મથુરે પ્રથમ અમને કહ્યું કે: ‘હું આવું તો વરરાજાને ખોટું લાગશે માટે હું વહેવાર સાચવવા રોકાઉં છું. તમે જાઓ. હું આવ્યો છું તો લગનનો લહાવો લઈને નીકળું.’ અમે ગોઠવાઈ ગયા. સામાન મુકાઈ ગયો. જગનભાઈએ સીટ માથે બેસી ખટારો ચલાવવાની તૈયારી કરી ત્યાં મથુરનો અવાજ સંભળાયો ‘એ રાખજો.’ મથુર મારંમાર આવ્યો અને અમારી સાથે ગોઠવાઈ ગયો. મથુરે કહ્યું, ‘કોઈને ખબર પડે અને રોકી રાખે ઈ પહેલા હું છટકીને આવતો રહ્યો છું.’ અમે કહ્યું, ‘બહુ સારું કર્યું’ અમે થાન સુધી ઠંડીમાં ધ્રૂજ્યા. સવારે નટુને સળેખમ થયું, મને તાવ આવ્યો, વનેચંદને માત્ર અતિ આહારથી ઝાડા થયા. બધા હેરાન બહુ થયા, પણ અમે આખે રસ્તે દાંત બહુ કાઢ્યા. નટુ કહે, ‘મથુરના જાડા દાતણનું, બે ઓશીકાંનું અને બે ગોદડાંનું શું થશે?’ મેં કીધું, ‘ઓઢશે કોક ભાગ્યશાળી.’ મથુર ખિજાણો અમને કહે, ‘તમારા ભાગ્યમાં નહીં.’ ત્યાં જગનભાઈએ પરશુરામ પોટરી પાસે ખટારો ઊભો રાખ્યો ને અમને ઊતરી જવાનું કહ્યું અને સમજાવ્યું, ‘જુઓ, માણસ જ્યારે જીવતરમાં બીજાનો વિચાર કરતાં શીખે ત્યારે જ સમજણ આવી ગણાય. ખાલી પોતાના માટે તો પશું પણ જીવે છે.’ મથુરને મેં કહ્યું, ‘સાંભળ પહેલી પંગતમાં બેસી જવું, સારું સારું ખાવું, સારી પથારીમાં સૂઈ જવું આ બધાં લખણ તારામાં છે. તેં હંમેશાં તારો જ વિચાર કર્યો છે.’ વળી જગનભાઈએ કહ્યું, ‘શેઠનો સાળો ચંપક કહેતો હતો કે બે ચાર જણા વગર કીધે જાનમાં ઘૂસી ગયા છે એને કાઢવા ગમે તેમ કરીને.’ આ વાત હું સાંભળી ગયો એટલે રોકાયો, મને વહેમ હતો કે કદાચ તમે જ હશો તો? એટલે મેં નીકળવામાં મોડું કર્યું. તમે ભલે હેરાન થયા બદલામાં થોડી સમજણ તો આવી. મને થયું જગનભાઈની વાત તો સાચી છે. જીવતરના ઘડતરમાં અનુભવનું ચણતર ન ભળે ત્યાં સુધી સાચું ભણતર સમજી શકાતું નથી.

No comments:
Post a Comment