Friday, December 20, 2013

સૌરભ શાહ - ધર્મ-સંપ્રદાયમાં ચાલતા કુરિવાજોનો બચાવ થઈ શકે?

 
ધર્મ-સંપ્રદાયમાં ચાલતા કુરિવાજોનો બચાવ થઈ શકે?
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

ઈસ્લામમાં ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે છતાં સાઉદી અરેબિયામાં સરકારી ટીવી ચૅનલ પર કાબા તથા નબ્વીની મસ્જિદમાં થતી નમાજનું દિવસમાં પાંચ વાર સીધું પ્રસારણ થાય છે. આ વાત ઈસ્લામની વિરુદ્ધ છે. ધર્મની વિરુદ્ધ જતા છતાં વ્યવહારુ ગણાતા આચરણને ઈસ્લામમાં ઈજ્તિહાદ (કુર્રાન અને હદીસમાં અપાયેલા આદેશો સ્પષ્ટ ન હોય ત્યારે વ્યવહારકુશળ બનીને યોગ્ય માર્ગ કાઢવો) કહે છે. ઉલેમાઓ આ ઈજ્તિહાદની સગવડને મનફાવે એમ વાપરતા હોય છે અને મુસ્લિમ સમાજને બંધિયાર રાખતા હોય છે એના સેંકડો પુરાવા તમને અરુણ શૌરીના ‘ધ વર્લ્ડ ઑફ ફતવાઝ’ નામના પુસ્તકમાં મળશે. દરેક ધર્મના અનુયાયીઓએ બદલાતા સમય પ્રમાણે વહેવારુ થવું અનિવાર્ય છે. પરિવર્તનના સિદ્ધાંતનો સ્વીકાર જેઓ ન કરી શકે એમણે ગુફાજીવન અપનાવી પથ્થર વડે પ્રાણીઓનો શિકાર કરવો જોઈએ. પ્રૉબ્લેમ આ પરિવર્તનના સિદ્ધાંતને સગવડિયો ધર્મ બનાવી દેનારાઓનો છે.

શરિયતના કાયદામાં કે મુસ્લિમ પર્સનલ લૉમાં અસંખ્ય ગૂંચવણો અને અસ્પષ્ટતાઓ છે. મામલો કોર્ટે ચડે ત્યારે વકીલ કે ન્યાયાધીશે અનુવાદિત ધર્મગ્રંથોના આધારે ન્યાય મેળવવા દલીલો કરવાની હોય છે કે ન્યાય તોળવાનો હોય છે. ઉલેમાઓ ભારતીય ન્યાયતંત્રના અર્થઘટન સામે પડકાર ફેંકી કહેતા હોય છે કે અમારા ધાર્મિક ગ્રંથોને ઈન્ટરપ્રીટ કરવાનું કામ અમને સોંપો, પછી ચુકાદાઓ આપો.

દરેક ઉલેમા પોતપોતાની સગવડ મુજબ કુર્રાનનું અર્થઘટન કરે ત્યારે મુસ્લિમ પ્રજાના મનમાં અનિશ્ર્ચિતતા ઊભી થાય છે કે કોનું સાંભળવું, કોને માન આપવું? પ્રજાએ નક્કી કરી લેવું જોઈએ કે પોતાને શું જોઈએ છે: ધર્મ પર આધારિત કાયદાની અસમાનતા અને અનિશ્ર્ચિતતા કે પછી સમાનતાના સિદ્ધાંત પર આધારિત યુનિફૉર્મ સિવિલ કોડની નિશ્ર્ચિતતા.

મુસ્લિમ પર્સનલ લૉની તરફેણ કરનારાઓની આંખ હવે ઊઘડે તો સારું. બની બેઠેલા મુસ્લિમ નેતાઓ અને ઉલેમાઓ કહે છે કે ત્યકતા નારીને ૧૨૫મી કલમ હેઠળ ભરણપોષણ આપતો ભારતનો કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર બિનઈસ્લામિક ગણાય. કોઈ પણ સ્વમાની મુસ્લિમ સ્ત્રીએ છૂટાછેડા પછી પોતાના ભૂતપૂર્વ પતિ પાસે હાથ લાંબો કરવો જોઈએ નહીં, જે પતિએ એને તરછોડી દીધી છે એ પતિ પાસે શા માટે એણે મદદ માગવી જોઈએ એવી ઉલેમાઓની દલીલ છે.

જે સમાજની સ્ત્રીઓ શોષિત અને પીડિત હોય તે આખો સમાજ ક્યારેય રૂઢિવાદની નાગચૂડમાંથી બહાર આવી શકવાનો નથી. મુસ્લિમોમાં મૃત પતિનું મોઢું જોવા માગતી વિધવાને આવું કરવાની અનુમતિ આપવામાં આવી હતી. ડેનિયલ લતીફી નામના એક પ્રગતિશીલ મુસ્લિમના કાકા ગુજરી ગયા ત્યારે લતીફીનાં વિધવા કાકી મૃત પતિનાં અંતિમ દર્શન કરવા માગતાં હતાં. એક મુલ્લાએ કાકીને આવું કરતાં રોકયાં ત્યારે કાકીએ એક જૂતું ઉઠાવ્યું અને ઠોકી દીધું મુલ્લાને માથે.

આ ન્યૂઝ આયટમ ગઈ કાલે નેવું વર્ષનું આયુષ્ય પૂરું કરનાર પ્રતિષ્ઠિત દૈનિક ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના આર્કાઈવ્ઝમાંથી તમે શોધી શકશો. મુસ્લિમ પ્રજાએ ભારતના પ્રગતિશીલ વહેણમાં સાથે રહેવું હશે તો આવાં અનેક જૂતાં ઉઠાવીને રૂઢિવાદી મુલ્લાઓના તેમ જ જડતાવાદી ઉલેમાઓના માથે ઠોકવા પડશે.

અરુણ શૌરીએ દોઢ દાયકા અગાઉ ‘ધ વર્લ્ડ ઑફ ફતવાઝ’ જેવું ક્રાંતિકારી પુસ્તક લખ્યું, ત્યારે કેટલાય લોકો માનવા જ તૈયાર નહોતા કે ફતવાઓમાં આવો ભયંકર, વિચિત્ર તથા કોઈની બુદ્ધિની સમજમાં પણ ન ઉતરે એવી વાતો લખેલી હોઈ શકે. શૌરીએ જ્યારે વિગતે સંદર્ભો ટાંકીને ફતવાઓ વંચાવ્યા ત્યારે એ લોકો કહેવા લાગ્યા: ‘પણ ફતવાઓ વળી કોણ વાંચતું હોય છે?’

શૌરીએ સમજાવ્યું કે એમ તો કોઈ એવું પણ પૂછી શકે કે સુપ્રીમ કોર્ટના રિપોર્ટ્સ કે લેબર લૉ જર્નલ કોણ વાંચતું હોય છે? જવાબ દેખીતો જ છે: ન્યાયાધીશો વાંચે છે, વકીલો વાંચે છે, ફરિયાદીઓ અને આરોપીઓ એની જાણકારી મેળવે છે. એ જ રીતે ઉલેમાઓ તેમ જ જેઓ શરિયતનો અમલ કરાવે છે તેઓ તથા જે કોમ એને અનુસરે છે તે ફતવાઓ વાંચે છે. અને કોઈક ન વાંચે તો પણ તે પોતાના જીવનના તમામ વ્યવહારો કરતી વખતે ફતવાઓમાં અપાયેલી સૂચનાનું પાલન કરતા હોય છે.

આ પછી બીજી દલીલ થતી હોય છે કે: ‘આ બધા તો જૂનાપુરાણા ફતવાઓ છે.’

શૌરી કહે છે કે: ના, આ આખો અભ્યાસગ્રંથ વર્તમાન જમાનાના ફતવાઓ પર આધારિત છે. આ તમામ પુરાવાઓ સામે આંખ આડા કાન કરવાને બદલે, જો કોઈને શંકા જતી હોય તો એ વ્યક્તિ આજની તારીખેય દેવબંદની દર-અલ-ઉલૂમ જેવી માન્યતા-પ્રાપ્ત સત્તા પાસે જઈને પ્રશ્ર્નો પૂછી ફતવા કઢાવી શકે છે અને પોતાની જાતે ખાતરી કરી શકે છે કે એકેય ફતવો આ ગ્રંથમાં ટાંકવામાં આવેલા ફતવાઓ કરતાં વિરુદ્ધમાં સૂર કાઢે છે કે નહીં.

શૌરીને જ્યારે કહેવામાં આવ્યું કે ‘ધ વર્લ્ડ ઑફ ફતવાઝ’ પ્રગટ કરીને તમે મુસ્લિમોને નીચા ચીતરો છો અને બે કોમ વચ્ચે તનાવ સર્જો છો ત્યારે એમનો જવાબ હતો: આ ફતવા કંઈ કોઈનાથી ખાનગી નથી. બધે જ ચલણમાં છે. મસ્જિદની આસપાસની પુસ્તકોની દુકાનોમાંથી એ મળે જ છે. કોમમાં આ ફતવાના ગ્રંથોની ગણના ઉચ્ચ સાહિત્યમાં થાય છે. જે ગ્રંથોનો આ પુસ્તક (‘ધ વર્લ્ડ ઑફ ફતવાઝ’) લખવામાં સંદર્ભસાહિત્ય તરીકે ઉપયોગ થયો છે તે ગ્રંથો કંઈ કેટલાય લોકોએ ખરીદ્યા છે, વાંચ્યા છે અને એને કારણે એમનું મન એક નિશ્ર્ચિત દિશામાં દોડતું થઈ ગયું છે. આ પુસ્તકમાં તો માત્ર આ ફતવાઓ શું કહે છે તે સમજાવવામાં આવ્યું છે, એનું વિશ્ર્લેષણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ પુસ્તકની અંગ્રેજી ભાષા કરતાં એ ફતવા-સંગ્રહોની ઉર્દૂ ભાષા કોમના લોકો વધારે સારી રીતે સમજી શકતા હોય છે.

અરુણ શૌરીને છેલ્લો સવાલ એ થતો કે: અરે ભાઈ, બટ વ્હાય ડોન્ટ યુ રાઈટ ઑન હિન્દુ ફતવાઝ?

મોટું માથું ગણાતા એક જાણીતા બુદ્ધિજીવીએ આવો સવાલ શૌરીને કર્યો હતો. શૌરી કહે છે કે હિંદુઓમાં ફતવા જેવું કશું હોતું જ નથી. પેલા ઈન્ટલેક્ચ્યુઅલને પણ ખબર જ હશે. પણ એ બુદ્ધિજીવીના કહેવા પાછળનો આશય એ કે ઈસ્લામ વિશે લખવાનું કામ હિંદુઓનું નહીં, તમતમારે હિન્દુ ધર્મ વિશે લખો ને. અને ભૂલેચૂકે જો કોઈ હિંદુ ઈસ્લામ વિશે લખે તો એણે ટિપિકલ એપ્રોચ લઈને કહેતાં રહેવું જોઈએ કે ઈસ્લામ તો ‘સમાનતા અને સહિષ્ણુતાનો ધર્મ’ છે. અને ભૂલેચૂકે જો એ ઈસ્લામની ટીકા કરવા માગતો હોય તો એણે લવિંગ કેરી લાકડી વાપરીને કીડીને પણ ઈજા ન થાય એવી સ્ત્રૈણ શૈલીમાં લખવું જોઈએ કે ‘એ બધી વાતો તો સદીઓ અગાઉની છે અને ત્યારના સંજોગો જુદા હતા, અત્યારના સંજોગો જુદા છે.’ એટલું જ નહીં એવી હળવી ટીકા પછી બૅલેન્સિંગ કરવા માટે એણે અનેક ધર્મ-જાતિ-પ્રજામાં જોવા મળતી પણ હિંદુ ધર્મના જ નામે ચડેલી જ્ઞાતિપ્રથા જેવા કુરિવાજોનો ઉલ્લેખ કરવો જોઈએ એટલું જ નહીં એકલદોકલ કિસ્સાને બઢાવી ચઢાવીને પ્રથામાં જે ખપી ગઈ તે તથાકથિત સતીના રિવાજને પણ ઝૂડી નાખવો જોઈએ.

કોઈ પણ ધર્મ કે સંપ્રદાયમાં ચાલતી કુપ્રથાઓ કે એમાંના કુરિવાજોનો બચાવ હોઈ શકે જ નહીં. ચાહે એ ઈસ્લામ હો યા દુનિયાનો બીજો કોઈ પણ ધર્મ કે સંપ્રદાય હો.
Show less
1

No comments:

Post a Comment