Friday, December 20, 2013

સારે ગાંવ કી ફિકર

 
સારે ગાંવ કી ફિકર

મધ્યપ્રદેશમાં કૉન્ગ્રેસે કહ્યું છે કે ચૂંટણીની, આચારસંહિતા મુજબ ચૂંટણી પંચે ભાજપના ચૂંટણીચિહ્ન કમળને જ્યાં ત્યાં દેખાવા નહીં દેવા જોઈએ અને રાજયના જે જે તળાવમાં કમળ દેખાય તે બધા તળાવને ઢાંકી દેવા જોઈએ.

કૉન્ગ્રેસની, વાત બિલકુલ સાચી છે. મધ્યપ્રદેશના મતદારો તળાવમાં કમળ જોઈને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ચૂંટણીચિહ્ન પર ઠપ્પો લગાવી આવશે એટલે કે કમળ સામેનું બટન દબાવી આવશે.

ચૂંટણી પંચને અમારું સૂચન છે કે મધ્યપ્રદેશની બધી જ પ્રાથમિક શાળાઓમાં ‘ક’ કમળનો ‘ક’ શીખવવાનું બંધ કરી દેવામાં આવે જેથી, બાળકોના કુમળા માનસ પર ભાજપના કુસંસ્કાર ન પડે. મધ્યપ્રદેશ જ શું કામ આખા દેશની શાળાઓમાં ‘ક’ કમળનો ‘ક’ ભણાવવાનું બંધ કરી દેવું જોઈએ. અને આખા દેશમાં જે કોઈ તળાવમાં કમળ ઊગતાં હોય તે તળાવોને ચૂંટણીનાં રિઝલ્ટ ડિક્લેર ન થાય ત્યાં સુધી ઢાંકી દેવાં જોઈએ.

કમળનો પ્રૉબ્લેમ તો સૉલ્વ થઈ જશે. પણ પછી કૉન્ગ્રેસના ચૂંટણીપ્રતીકનું શું કરીશું. ઍરપોર્ટ, રેલવે સ્ટેશનો અને એસ.ટી. બસના ડેપો પર વળાવવા આવેલા તેમ જ બહારગામ કે પરદેશ જઈ રહેલા લોકો એકબીજાને કૉન્ગ્રેસનું ચૂંટણીપ્રતીક બતાવીને ભાવભીની વિદાય લે છે તેનું શું કરીશું?

દરેક ઠેકાણે પોલીસ બેસાડીશું. જેવું કોઈ ‘આવજો’ કહેવા માટે હાથ ઊંચો કરે કે તરત જ પોલીસે એના આ ચૂંટણીપ્રતીકમાં હાથકડી પહેરાવી દેવાની.

પણ પોલીસવાળા પોતે જ ચૂંટણી પંચના નિયમનું છડેચોક ઉલ્લંઘન કરતા હોય છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં ચાર રસ્તા પર ઊભા રહીને પોલીસવાળાઓ વાહનચાલકોને કૉન્ગ્રેસનું ચૂંટણીપ્રતીક બતાવીને ચૂંટણીપ્રચાર કરતા હોય છે. કૉન્ગ્રેસશાસિત રાજ્યોમાં જ નહીં ભાજપશાસિત રાજ્યોમાં પણ ઉઘાડેછોગ આવું કૃત્ય કરતા પોલીસકર્મીઓ જોવા મળે છે. અરે જે અલમોસ્ટ વડા પ્રધાન બની જ ગયા છે તે ભાજપ શિરોમણિ મોદીજીના રાજ્યનાં નગરોમાં પણ પોલીસવાળાઓ ગુજરાત સરકારનો પગાર ખાઈને કામ સોનિયા ગાંધીનું કરી આપતા હોય છે.

કૉન્ગ્રેસના આ પ્રચારને કેવી રીતે ખાળવો એની ચર્ચા ગાંધીનગરના ઉચ્ચ સરકારી બાબુઓ કરી રહ્યા છે. કલાકોની મથામણ પછી, સાહેબને વહાલા થવા માગતા એક સરકારી બાબુએ ઠરાવ તૈયાર કર્યો છે કે હવેથી ગુજરાતના ટ્રાફિક પોલીસો ખુલ્લા હાથે વાહનચાલકોને ઈશારો કરવાને બદલે હાથમાં કમળનું ફૂલ રાખીને ‘થોભો’ અને ‘જાઓ’ની સૂચના આપશે. પ્રૉબ્લેમ એ છે કે રોજેરોજ હજારો કમળ લાવવાં ક્યાંથી? ગાંધીનગરના બાબુઓ પાસે એનું પણ સૉલ્યુશન છે. મધ્યપ્રદેશનાં તળાવોમાંથી.

No comments:

Post a Comment