Friday, December 20, 2013

ચંદ્રકાંત બક્ષી-- ગુજુ અને બીજા

ગુજુ અને બીજા    :   ચંદ્રકાંત બક્ષી

દરેક પ્રજા બીજી પ્રજા માટે એકાદ એવો શબ્દ શોધી કાઢે છે, જેમાં નફરત હોય, થોડી ઈર્ષ્યા પણ હોય!

ગુજુ શબ્દ હવે ઘણી ભાષાઓએ સ્વીકારી લીધો છે. કદાચ સાપ્તાહિક બ્લિટ્ઝે ગુજરાતી ફિલ્મ કલાકાર સંજીવકુમાર માટે એ શબ્દ પ્રથમ વાપર્યો હતો - ગુજુભાઈ! ગુજરાતી છોકરીઓ માટે આજથી વીસપચીસ વર્ષ પહેલાં મુંબઈની કૉલેજોમાં મણિબહેન શબ્દ વપરાતો હતો. પણ ગુજુ શબ્દ હવે સ્વીકાર્ય બન્યો છે. શરૂમાં એ જે કનિષ્ઠ અર્થમાં વપરાતો હતો, એ અર્થ રહ્યો નથી. હવે ગર્વથી કહી શકાય છે, આયમ અ ગુજુ!

દરેક પ્રજા બીજી પ્રજા માટે એકાદ એવો શબ્દ શોધી કાઢે છે, જેમાં નફરત હોય, થોડી ઈર્ષ્યા પણ હોય! આ મનુષ્ય સ્વભાવ છે. માનસશાસ્ત્રીઓ કદાચ આને એક તંદુરસ્ત પ્રક્રિયા માને છે. બીજા માટે થોડી ઘૃણા હોય તો આપણે સ્વચ્છ થઈ શકીએ! એક પ્રજા બીજી પ્રજા માટે કેવા શબ્દો વાપરે છે? એનો પણ એક રમૂજી ઈતિહાસ છે! દુનિયા અમેરિકનોને યાન્કી કહે છે જેમાં ન ગમતું કંઈક તત્ત્વ રહેલું છે. અંગ્રેજને માટેનો શબ્દ છે - જ્હૉન બુલ! જાડિયો, ગરમમિજાજ, જરા જડ એ જ્હૉન બુલ! ઓસ્ટ્રેલિયનો માટે ઑસીસ શબ્દ વપરાય છે. અંગ્રેજો એમને કલોનીઅલ્સ કહે છે. જર્મનોને અંગ્રેજો દ્વિતીય વિશ્ર્વયુદ્ધમાં હૂણ કહેતા હતા. જાપાનીઓને જેપ્સ કે ‘પીળી આફત’ (યલો પેરીલ) કહેતા હતા. ચીનાઓ માટે નફરતનો શબ્દ છે ચાઈનામેન! એક વાર કૉલેજમાં મારા ચીના મિત્રને પૂછ્યું હતું કે ચાઈનામેનમાં ખરાબ શું છે? તો એણે ઉત્તર આપ્યો હતો: તને જો ઈન્ડિયામેન કહે તો કેવું લાગે? ચીના માટે ‘ચીંક્સ’ પણ વપરાય છે. ક્યારેક ‘મોંગ્લોઈડ’ પણ કહેવાય છે. આ બધા જ શબ્દો નફરતના છે.

ચીના અને જાપાની યુરોપના ગોરાઓને સફેદ શયતાનો કહેતા. આપણે એમને નફરતથી ફિરંગી કહેતા. ગ્રીકને આપણે નફરતથી યવન કહેતા. જે આયોનીઆના પ્રદેશમાંથી આવ્યો હતો એ યવન કહેવાતો. જે હિંદુ માટે અસ્પૃશ્ય, જંગલી, અસંસ્કારી હતો એ મ્લેચ્છ કહેવાતો! વિદેશી ઈતિહાસકારો હિંદુ માટે એક ઘૃણાત્મક શબ્દ વાપરે છે. જેન્ટુ! ૧૯૭૧ની લડાઈને સમયે રેડિયો પાકિસ્તાન તુચ્છકારથી ભારતીયો માટે બનિયા શબ્દ વાપરીને મજાક કરતો! આપણા લશ્કરમાં પાકિસ્તાની સૈન્યના જવાન માટે જે શબ્દ વપરાતો હતો એ હતો - પી. બી.! અર્થાત્ ‘પાક બાસ્ટાર્ડ’!

લોકો દરેક યુગે ગુસ્તાની અને ઘૃણાની એક ભાષા પ્રગટાવી નાખે છે! મુસ્લિમ ઈતિહાસકારો મધ્ય યુગમાં હિંદુઓ માટે કાફર શબ્દ વાપરે છે. જ્યારે લોકબોલીમાં મુસ્લિમ માટે બાંડિયા કે તરકડા શબ્દ (તુર્ક પરથી) પ્રચલિત છે! શબ્દશાસ્ત્રીઓ માને છે કે હરામી શબ્દ પણ મૂળ હીટાઈટ પ્રજાનો છે અને આપણે જે અર્થ ઘટાવીએ છીએ - હરમમાં પેદા થયેલો - એ અર્થ ખરો નથી!

ઘણીવાર શબ્દો બહુ વિચિત્ર રીતે જન્મતા હોય છે. આપણા ઈતિહાસમાં આપણે ઘણીવાર બીજી જાતિઓને બર્બર કહીએ છીએ. એટલે કે ‘જંગલી’! ઉત્તર આફ્રિકાના મોરોક્કો દેશમાં પણ બર્બર નામની એક જાતિ છે. અંગ્રેજીમાં પણ બાર્બેરિક એટલે વન્ય કે જંગલી! જ્યારે યુરોપના ગોરા અને સફેદ લોકો ઉત્તર અમેરિકામાં ગયા અને ત્યાંની રેડ ઈન્ડિયન પ્રજાનો સંહાર કરવા લાગ્યા ત્યારે સ્થાનિક પ્રજા આ આક્રમકોને પેલફેસ અથવા ફિક્કા ચહેરાવાળા કહેવા લાગી! એમને માટે આ શબ્દ ગાળરૂપ હતો. જ્યારે આફ્રિકાથી કાળા હબસી ગુલામો અમેરિકા લાવવામાં આવ્યા ત્યારે ગોરા લોકો આ નિગ્રો ગુલામોને નિગર કહીને ગાળ આપતા! અને નિગ્રો કે હબસી લોકોની બોલીમાં આ ગોરાઓ માટેની ગાળ હતી-વ્હાઈટી! ભાષાશાસ્ત્રીઓને એક વાત વિચિત્ર લાગે છે કે આજે પણ નિગ્રો શબ્દનો પ્રથમ અક્ષર એન અંગ્રેજી ભાષામાં મોટો લખાય છે! જ્યારે વ્હાઈટનો પહેલો અક્ષર ‘ડબ્લ્યુ’ નાનો લખાય છે! બાસ્ટાર્ડ શબ્દ આજે અંગ્રેજી ભાષાની એક ગાળ બની ગયો છે. આ શબ્દ ડચ કે આફ્રિકનર ભાષાનો છે અને દક્ષિણ આફ્રિકામાં ગોરા પિતા અને હબસી માતાનું સંતાન બાસ-ટાર્ડ કહેવાતું! એ નામની એક આખી જાતિ પેદા થઈ ગયેલી, અને ગઈ સદીમાં આ શબ્દ ગાળ તરીકે વપરાતો ન હતો. આ સદીમાં બાસ-ટાર્ડમાંથી બાસ્ટાર્ડ ગાળ બની ગઈ. અર્થ થાય વર્ણસંકર!

ભારતમાં પણ ઘણી જાતિઓએ પોતાને ન ગમતી જાતિઓ માટે આવા ઘણા શબ્દો પેદા કરી લીધા છે. ગુજુ શબ્દ થોડાં વર્ષો પહેલાં જ જન્મ્યો છે. પણ ગુજરાતી છોકરીને મણિબહેન કહેવાનો રિવાજ જૂનો છે. ગોવાનીઝ કે ખ્રિસ્તીને માકા (અને છોકરીને માકી) કહેવાતું હતું. મહારાષ્ટ્રીયન માટે ઘાટી વપરાય છે. અંગ્રેજી ભણેલા ભારતીયોમાં શીખો માટે સર્ડી વપરાય છે. જ્યારે બંગાળીઓ શીખો માટે બાંધા-ગોભી (ફ્લાવરના શાકવાળું કોબી) વાપરે છે. પહેલો શબ્દ સરદાર પરથી આવ્યો છે, અને બીજો એમની પાઘડીના આકાર પરથી આવ્યો છે. અને બંગાળી માટેનો શબ્દ છે-બોંગ! બંગાળી મારવાડીને મેડો કહે છે, બિહારીને માટે કટાક્ષ અને નફરતમાં કહેવું હોય ત્યારે શબ્દ છે-ખટુવા! દિલ્હીમાં પંજાબીને માટે નફરતનો શબ્દ છે-પંજાબડે! મજાની વાત એ છે કે પંજાબીમાં એક કહેવત છે: સિંધી અને સાપ મળે તો પહેલો ‘સિંધીને મારવો અને પછી સાપને!’ અને આ જ મતલબની કહેવત દક્ષિણમાં છે: ‘મલયાલી અને સાપ મળે તો પહેલો મલયાલીને મારવો અને પછી સાપને!’

અંગ્રેજો ભારતમાં આવીને કલકત્તામાં રાજધાની નાખીને સ્થાયી થયા પછી એમને ભારતીય બંગાળી કારકુનોની રાજ્યતંત્ર ચલાવવા માટે જરૂર પડી. અંગ્રેજોના હાથ નીચે ઓફિસમાં બંગાળીઓ કામ કરતા જે સામાન્ય રીતે જ અંગ્રેજોની દૃષ્ટિમાં કાળા હતા. અંગ્રેજો આપસમાં વાત કરતા ત્યારે આ લોકો માટે બબુન શબ્દ વાપરતા! બબુન એટલે કાળા મોઢાવાળું બંદર! એમ મનાય છે કે આપણું ‘બાબુ’ મૂળ આ બબુન પરથી આવ્યું છે! એટલે હવે કોઈના નામની પાછળ બાબુ લગાવતાં પહેલાં વિચાર કરવો... આ વિષય રમૂજ અને રસનો છે, અને શબ્દશાસ્ત્રનો છે. ભારતીયો અંગ્રેજો માટે હિકારતથી બ્લાઈટી વાપરતા, જે મૂળ વિલાયત પરથી આવ્યો છે! પ્રજાના માનસિક સ્વાસ્થ્ય માટે પણ કદાચ આવા શબ્દો જરૂરી હતા. પ્રજાઓમાં પણ વ્યક્તિઓમાં જે ક્ષતિઓ છે એ જ છે. પણ મોટા પાયા પર. ખુશકિસ્મતી એ વાતની છે કે ગુજરાતીઓ માટે વપરાતો ગુજુ શબ્દ એટલો ખરાબ નથી. બીજી પ્રજાઓ માટે વધારે જોરદાર શબ્દો વપરાય છે! ક્યારેક પ્રજાએ પોતે જ આ રમૂજ પેદા કરી હોય છે! બીજા વિશ્ર્વયુદ્ધ પછી અમેરિકન સૈનિક જી. આઈ. કહેવાય છે. સૈનિકોએ પોતે જ પોતાને માટે આ શબ્દ પસંદ કર્યો હતો, એમના માટેની દરેક વસ્તુ પર જી. આઈ.નો સ્ટેમ્પ આવતો હતો. જી. આઈ. એટલે ‘ગવર્નમેન્ટલ ઈસ્યુ’!...

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=102362

No comments:

Post a Comment